યાત્રાએ જઈ રહેલા 750 પ્રવાસીના જહાજ પર જ્યારે વાવાઝોડું ત્રાટક્યું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અમિતાભ ભટ્ટસાલી
- પદ, બીબીસી બાંગ્લા ન્યૂઝ, કોલકાતા
આજથી 137 વર્ષ પહેલાં 1887ની 25 મેના રોજ ‘સર જૉન લૉરેન્સ’ નામનું એક જહાજ કોલકાતાથી પુરી જતી વખતે એક ભયાનક અકસ્માતનો ભોગ બન્યું હતું અને સાગર દ્વીપ વિસ્તારમાં ભાગીરથીના મુખ પાસે ડૂબી ગયું હતું.
જહાજ કંપનીના આંકડા અનુસાર, એ જહાજ પર લગભગ 750 પ્રવાસીઓ હતા. એ સમયે અખબારોમાં પ્રકાશિત અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે જહાજમાં સફર કરતી એકેય વ્યક્તિ બચી નથી.
જોકે, આ અહેવાલ માટે ઇતિહાસનાં પાનાં ખંખોળતાં બીબીસીને કેટલાક એવા લોકોનાં નામ અને તેમના વિશેની માહિતી મળી હતી, જેઓ આ અકસ્માતમાંથી બચી ગયા હતા અથવા સંજોગવશાત જહાજમાં પ્રવાસ કરી શક્યા ન હતા.
આ અકસ્માતના લગભગ 25 વર્ષ પહેલાં ટાઈટેનિક નામનું વિશાળ જહાજ ડૂબી ગયું હતું. તેની સાથે કોઈ સરખામણી ન હોવા છતાં સર જૉન લૉરેન્સ જહાજનું ડૂબી જવું આ પ્રકારની સૌથી મોટી દુર્ઘટના હતું.
રવીન્દ્રનાથ ટાગોરે એ સમય દરમિયાન લખેલી ‘સિંધુ તરંગ’ કવિતા આ જહાજના ડૂબી ગયેલા પ્રવાસીઓને જ સમર્પિત કરી હતી.
ઓડિશાના સંશોધક અને લેખક અનિલ ધીર કહે છે, “પૂર્વ ગોળાર્ધમાં એ સમયનો સૌથી દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત જરૂર હતો, પરંતુ ઓડિશાના કાંઠાળા વિસ્તારોમાં કુલ 130 જહાજ ડૂબી ગયાં હતાં. આ માહિતી મને બ્રિટન નૌકાદળ વિભાગ પાસેથી મળી છે. અમેરિકાથી દુનિયાના વિવિધ વિસ્તારોમાં જતાં જહાજોના રવાના થવાનો સમય, તેમનો રૂટ નક્કી કરવાની અને નકશા બનાવવાની જવાબદારી આ વિભાગ પર હતી.”
પુરી મંદિરે દર્શન કરવા જતા હતા યાત્રીઓ

ઇમેજ સ્રોત, Getty Images
એ સમયે હાવડાથી દક્ષિણ ભારત સુધીનો રેલવે માર્ગ સંપૂર્ણપણે તૈયાર થયો ન હતો. હાવડા સ્ટેશનથી ઓડિશાના કટક સુધીની ટ્રેનની શરૂઆત સર જૉન લૉરેન્સ જહાજ ડૂબ્યાનાં લગભગ 12-13 વર્ષ પછી 1899-1900માં થઈ હતી.
તે સમયે કટકથી એક જ રેલવે લાઇન પુરી તરફ જતી હતી. એ પહેલાં પુરીસ્થિત જગન્નાથ મંદિર જતા બંગાળના તીર્થયાત્રીઓએ બળદગાડા કે પછી પગપાળા જવું પડતું હતું. એ યાત્રીઓને ધ્યાનમાં રાખીને જ અનેક જહાજ કંપનીઓએ સ્ટીમર સેવા શરૂ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્ટીમર સેવા શરૂ થયા બાદ બંગાળમાંથી મહિલાઓ અને બાળકોને નદી તથા સમુદ્રમાર્ગે મોકલી દેવાતાં હતાં અને પુરુષો બળદગાડામાં પ્રવાસ કરતા હતા.
અનિલ ધીર કહે છે, “એ પૈકીની મોટા ભાગની સ્ટીમરો જૂની હતી અને લગભગ નષ્ટ થવાની હાલતમાં હતી. બીજા રૂટ પર લાંબો સમય ચલાવ્યા બાદ એવી સ્ટીમરોને અહીં નાના-નાના રૂટ પર ચલાવવા માટે મોકલી દેવામાં આવતી હતી.”
સર જૉન લૉરેન્સ પણ એવી જ સ્ટીમર હતી. કોલકાતાના ગંગા ઘાટથી તે ઓડિશાના ચાંદબાલી સુધી જતું હતું.
સ્વામી વિવેકાનંદના ભાઈ મહેન્દ્રનાથ દત્તે તેમના પુસ્તક ‘અજાતશત્રુ શ્રીમત સ્વામી બ્રહ્માંનદ’માં આ યાત્રાના રૂટનો ઉલ્લેખ કર્યો છે.
આ પુસ્તકનું એક સંસ્કરણ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તે છેલ્લે 1939-40માં છપાયું હતું. એ પુસ્તકના 64મા પાના પર મહેન્દ્રનાથ દત્તે લખ્યું છે, “એ સમયે પુરી જતા લોકોએ ચાંદબાલી સુધી જહાજમાં પહોંચીને ત્યાંથી બળદગાડામાં પ્રવાસ કરવો પડતો હતો.”
એ વર્ષે 25 મેના રોજ સર જૉન લૉરેન્સે કોલકાતાના દુર્ગાપ્રસાદ છોટેલાલ ઘાટ પરથી યાત્રા શરૂ કરી હતી. તેના કેટલાક દિવસો પછી જ અષાઢ મહિનામાં જગન્નાથ મંદિરની વાર્ષિક રથયાત્રા યોજાવાની હતી. એ કારણે જહાજમાં લોકોની મોટી ભીડ હતી.
અંગ્રેજી અખબારોમાં નિયમિત રીતે જાહેરાતો પ્રકાશિત થતી હતી. ‘ઇંગ્લિશ મૅન’ અખબારમાં પ્રકાશિત જાહેરાતમાં ક્યું જહાજ કોલકાતાથી સીધું બ્રિટન, ભૂમધ્ય સાગર થઈને યુરોપ, કોલકાતાથી દિબ્રુગઢથી કોલકાતા કે મુંબઈથી લીવરપુલ ક્યારે જવાનું છે તેની વિગત આપવામાં આવતી હતી.
તેમાં સર જૉન લૉરેન્સ જહાજના સંચાલન સંબંધી જાહેરાતમાં એ પણ જણાવવામાં આવતું હતું કે ચાંદબાલીથી એક અન્ય સ્ટીમર પ્રવાસીઓને કટક સુધી લઈ જશે.
વાવાઝોડાની આગાહી

ઇમેજ સ્રોત, Getty Images
સર જૉન લૉરેન્સના સમયપત્રકની સાથે ‘ઇગ્લિશ મૅન’ અખબારમાં 25 મેના ઘણા દિવસો પહેલાંથી નિયમિત રીતે જાહેરાતો પ્રકાશિત કરવામાં આવતી હતી.
તેની સાથે એવી આગાહી પણ પ્રકાશિત કરવામાં આવતી હતી કે સાગર દ્વીપ તરફથી કદાચ એક મોટું વાવાઝોડું આવી શકે છે, જેના કારણે સમુદ્ર બહુ અશાંત થઈ જશે.
‘ઇગ્લિશ મૅન’ અખબારની 23 મેની આવૃત્તિમાં મોસમ સંબંધી સમાચારમાં સૌથી પહેલા આ વાવાઝોડાની આગાહી પ્રકાશિત કરવામાં આવી હતી.
વિવિધ મોસમ વિજ્ઞાનકેન્દ્રો દ્વારા 22 મેના રોજ કોલકાતા મોકલવામાં આવેલી માહિતી પરથી જાણવા મળે છે કે ડાયમંડ આઇલૅન્ડ અને સાગર આઇલૅન્ડ એમ બન્ને જગ્યાએ સમુદ્ર બહુ અશાંત થઈ ગયો હતો.
જોકે, 25 મેના રોજ સર જૉન લૉરેન્સ સહિતના જે બીજાં જહાજો સમુદ્રમાં રવાના થયાં હતાં તેની પહેલાં અને પછીના દિવસોમાં નદી કે સમુદ્રની સ્થિતિ કેવી રહેશે, એ વિશેનો કોઈ રિપોર્ટ ડાયમંડ હાર્બરથી કોલકાતા પહોંચ્યો ન હતો.
એ ચક્રવાતી તોફાન અને સર જૉન લૉરેન્સ સહિતનાં અન્ય અનેક જહાજોને થયેલા નુકસાન તથા અનેક પ્રવાસીઓનાં મોત વિશેનો વિસ્તૃત અહેવાલ કોલકાતાના પૉર્ટ ઓફિસરે બંગાળ સરકારના નાણા સચિવને બીજી જુને સોંપ્યો હતો.
તે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે એ સમુદ્રી રૂટ વિશે ડાયમંડ હાર્બરસ્થિત મોસમ વિજ્ઞાનકેન્દ્ર દ્વારા મોકલવામાં આવેલી માહિતીની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે, પરંતુ વાવાઝોડા પહેલાં 24થી 27 મે સુધી ત્યાંથી આવી કોઈ માહિતી આવી ન હતી.
દુર્ઘટના પછી અખબારોમાં પ્રકાશિત સમાચારોમાં જણાવવામાં આવ્યું હતું કે આંદામાનના પોર્ટ બ્લેરથી કોલકાતા વચ્ચે ટેલિગ્રાફ સેવા શરૂ થઈ ગઈ હોત તો તે સમુદ્રી તોફાનની ચોક્કસ માહિતી મળી શકી હોત.
જહાજ ગુમ થયું

ઇમેજ સ્રોત, Getty Images
એ વખતે અખબારોમાં દરેક જહાજનું અંતિમ લૉકેશન જણાવવામાં આવતું હતું. ‘ઇગ્લિશ મૅન’ અખબારની 26 મેની આવૃત્તિમાં પ્રકાશિત સમાચાર મુજબ, સર જોન લૉરેન્સ જહાજ ગત રાતે કોલકાતાથી રવાના થઈને સાગર દ્વીપ પાસે નદીની પશ્ચિમ ચેનલમાં પહોંચ્યું હતું.
એ પછીના દિવસે જહાજ વિશે કોઈ અન્ય માહિતી મળી શકી ન હતી, પરંતુ બીજી તરફ અખબારોમાં સર જૉન લૉરેન્સના આગામી પ્રવાસ બાબતે નિયમિત રીતે જાહેરાતો પ્રકાશિત થતી હતી.
એ જહાજના એજન્ટોએ ચાંદબાલીથી 27 મેએ કોલકાતા મોકલેલા ટેલિગ્રામમાં જણાવ્યું હતું કે સર જૉન લૉરેન્સ જહાજ ત્યાં પહોંચ્યું નથી. ત્યાં સુધીમાં બ્રિટિશ સરકારને ખબર પડી ગઈ હતી કે ચક્રવાતી તોફાને મોટા પાયે વિનાશ વેર્યો છે.
એ કારણસર રાહત તથા બચાવકાર્ય માટે કોલકાતાથી સરકારી સ્ટીમર રેસોલ્યૂટ અને ભાડાની મદ્રાસ નામની સ્ટીમરને રવાના કરવામાં આવ્યાં હતાં.
તેના એક દિવસ પછી જ બધાને શંકા પડી હતી કે 750 પ્રવાસીઓને લઈને રવાના થયેલું સર જૉન લૉરેન્સ જહાજ કદાચ સમુદ્રમાં જળસમાધિ લઈ ચૂક્યું છે.
બીજી તરફ કોલકાતા તરફ આવનાર નેપલ નામના એક જહાજના ચાલકે 27 મેએ કોલકાતા બંદરે એક ટેલિગ્રામ મોકલ્યો હતો. એ જહાજે સાગરદ્વીપ પાસે નાનાં-મોટાં અનેક જહાજો અને સ્ટીમરના અવશેષો જોયા હતા.
નેપલ જહાજે સમુદ્રની તરફ આગળ વધતાં ગોડવા નામના એક જહાજને ખેંચીને લઈ જતી રિટ્રીવરના એક ખલાસીને પણ જીવતો ઉગારી લીધો હતો.
અબ્દુલ લતીફ નામના એ ખલાસીએ એક માત્ર સાક્ષી તરીકે સરકારી સમિતિ સામે એ દિવસના વિનાશક વાવાઝોડાની વિગત આપી હતી. જોકે, લતીફની જુબાની એ પહેલાં જ ‘ઇંગ્લિશ મૅન’ અખબારમાં પ્રકાશિત થઈ ગઈ હતી.
લતીફે તેમાં જણાવ્યું હતું કે તેમણે ડૂબી ગયેલા એક જહાજના માસ્ટના સહારે અશાંત સમુદ્રમાં લગભગ 17 કલાક સંઘર્ષ કર્યો હતો. એ દરમિયાન લગભગ બે કલાક તેઓ બેભાન પણ થઈ ગયા હતા. એ પછી નેપલ જહાજ તેમને બચાવીને કોલકાતા લઈ આવ્યું હતું.
એ જહાજ ડૂબી જવાની ઘટનાની અસર એટલી વ્યાપક હતી કે અંગ્રેજી અને બાંગ્લા અખબારોમાં તેના વિશે નિયમિત રીતે સમાચારો પ્રકાશિત થતા હતા.
ચક્રવાતી તોફાનમાં ફસાઈને ડૂબી ગયેલા જહાજોમાં મોટા ભાગના ભારતીયો હતા તેમજ કેટલાક બ્રિટિશ નાગરિકો પણ હતા.
અખબારોમાં પ્રકાશિત સમાચાર મુજબ, મૃત્યુ પામેલા લોકોમાં અનેક જહાજોના દક્ષ કૅપ્ટનોનો પણ સમાવેશ થતો હતો. અનેક જહાજો અને વેપારીઓને મોટું નુકસાન થવાને કારણે બ્રિટિશ સરકાર પણ હચમચી ગઈ હતી.
કોલકાતાના શેરિફે અસહાય ભારતીય પરિવારોને આર્થિક સહાયતા માટે ઝૂંબેશ શરૂ કરી હતી. તેને વાઈસરોયનું સમર્થન પણ હતું.
જહાજો ડૂબવાની ઘટના બાબતે સરકારે એક તપાસ સમિતિની રચના પણ કરી હતી. બીજી તરફ અખબારો સર જૉન લૉરેન્સ જહાજ પરના કોઈ બચી ગયેલા જીવંત યાત્રીની શોધ કરી રહ્યા હતા.
‘રઈસ ઔર રૈયત’ નામની એક ભારતીય પત્રિકાને હુગલીના જનાઈમાં કેટલાક જીવંત યાત્રીઓની ભાળ મળી હતી, પરંતુ ‘ઈંગ્લિશ મૅન’ અખબારની તપાસમાં જાણવા મળ્યું હતું કે તે સમાચાર ખોટા છે.
એ અંગ્રેજી અખબારે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે જહાજ કંપની પાસે સર જૉન લૉરેન્સમાં પ્રવાસ કરતા લોકોની વિગતવાર યાદી જ ન હતી.
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં કોઈ જહાજ પ્રવાસીઓની સંપૂર્ણ યાદી વિના આ બંદરથી પ્રવાસ શરૂ ન કરે તેનું ધ્યાન રાખવું પડશે.
જીવતા પ્રવાસીઓ વિશેની માહિતી

ઇમેજ સ્રોત, Getty Images
એ સમયના સરકારી દસ્તાવેજો અને અખબારોમાં તે ઘટનામાં કોઈ પ્રવાસી જીવંત ન રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું હોવા છતાં મહેન્દ્રનાથ દત્તે લખ્યું હતું કે સર જૉન લૉરેન્સ જહાજના બે પ્રવાસી જીવતા પાછા ફર્યા હતા.
સ્વામી વિવેકાનંદના બાળપણના દોસ્ત અને બાદમાં રામકૃષ્ણ મઠ તથા મિશનના સૌપ્રથમ સંઘાધ્યક્ષ બ્રહ્માનંદ પણ તેમના કેટલાક સાથીઓ જોડે સર જૉન લૉરેન્સમાં સવાર થયા હતા. સન્યાસ લીધા પહેલાં તેમનું નામ ‘રાખાલ’ હતું.
મહેન્દ્રનાથે લખ્યું છે, “બલરામ બાબુના પિતાના નિધન બાદ તેમના શ્રાદ્ધ વખતે લોકોને ભોજન કરાવવા તુલસીરામ અને રાખાલ અન્ય લોકોને લઈને સામાન સાથે સર જૉન લૉરેન્સમાં સવાર થઈને કોટાર પાછા ફરી રહ્યા હતા.”
મહેન્દ્રનાથના જણાવ્યા મુજબ, “એ જહાજ ડાયમંડ હાર્બર પહોંચતાંની સાથે જ વાવાઝોડામાં ફસાઈ ગયું હતું. સદભાગ્યે બે લોકો બધો સામાન જહાજમાં મૂકીને ડાયમંડ હાર્બરથી કોલકાતા પાછા ફર્યા હતા. તેના થોડા દિવસ પછી સમાચાર મળ્યા હતા કે સર જૉન લૉરેન્સ ડૂબી જવાથી સેંકડો લોકો મૃત્યુ પામ્યા છે.”
આ દૂર્ઘટનામાંથી વધુ એક વ્યક્તિ સદનસીબે બચી ગઈ હતી. જોકે, તેને એ વાતનો અસંતોષ હતો કે પુરી જતી વખતે રસ્તામાં જહાજ ડૂબવાથી તેમનું મોત શા માટે ન થયું.
આ ઘટનાનો ઉલ્લેખ પંડિત શિવનાથ શાસ્ત્રીએ ‘રામતનુ લાહિડી ઔર તત્કાલીન બંગ સમાજ’ પુસ્તકમાં કર્યો છે.
સાધારણ બ્રહ્મ સમાજના પહેલા અધ્યક્ષ મોહન બસુનાં માતા ઉમા કિશોરી પણ સર જૉન લૉરેન્સ જહાજ મારફત પુરી જવાનાં હતાં. જહાજ ડૂબી જવાના સમાચાર મળ્યા પછી તેમનાં પૌત્રો-પૌત્રીઓએ તેમને માહિતગાર કર્યાં હતાં.
શિવનાથ શાસ્ત્રીએ લખ્યું હતું, “એ સાંભળીને રાજી થવાને બદલે ઉમા કિશોરી રડવા લાગ્યાં હતાં. તેમનું કહેવું હતું કે મેં પૂર્વજન્મમાં એવાં તે કેવાં પાપ કર્યાં હશે? હું એ જહાજમાં પ્રવાસ કેમ કરતી ન હતી?”
રેલવે રૂટની માંગ

ઇમેજ સ્રોત, Getty Images
એ જહાજના અકસ્માત પછી એક તરફ ભારતીય ભાષાઓનાં અખબારો સરકારની સતત ટીકા કરતા હતાં ત્યારે બીજી તરફ કોલકાતા-હાવડાથી કટક થઈને પુરીને રેલવે માર્ગથી જોડવાની માંગ પણ જોર પકડવા લાગી હતી.
જોકે, ઓડિશાના લોકો પહેલાંથી જ તેની માંગ કરી રહ્યા હતા. ઓડિશાના ઈતિહાસ સંશોધક ડૉ. ગણેશ્વર નાયકે તેમના એક શોધપત્રમાં લખ્યું છે કે 1866માં પડેલા દુષ્કાળમાં ઓડિશાના 33 ટકા લોકો મૃત્યુ પામ્યા હતા.
એ પછી બ્રિટિશ સરકારને સમજાયું હતું કે તેણે ઓડિશા પર યોગ્ય રીતે ધ્યાન આપ્યું નથી. તેથી 1867માં ફેમિન કમિશન એટલે કે દુષ્કાળપંચે ઓડિશાના વિકાસ માટે રસ્તાઓ, બંદરો તથા નહેરો બનાવવાની ભલામણ કરી હતી. જોકે, તેમાં રેલવે માર્ગની ભલામણ કરવામાં આવી ન હતી.
ડૉ. નાયકે લખ્યું છે કે દુષ્કાળ જેવી પરિસ્થિતિની સામના માટે એ વિસ્તારમાં રેલવે સંપર્ક વધારવો જરૂરી હોવાની ભલામણ 1881માં ઇન્ડિયન ફેમિન કમિશને કરી હતી.
આખરે સર જૉન લૉરેન્સ જહાજ ડૂબ્યાના થોડા મહિના પહેલાં 1887ની નવમી માર્ચે સરકાર તથા બંગાળ નાગપુર કંપની વચ્ચે એક કરાર થયો હતો. એ કરાર હેઠળ નાગપુરથી છત્તીસગઢ વચ્ચે ચાલુ રેલવે લાઇનનો ઓડિશા સુધી વિસ્તાર કરવાનો હતો.
આ તરફ જહાજ ડૂબ્યા પછી બંગાળ તરફથી હાવડા તથા કટક વચ્ચે રેલવે સંપર્ક સ્થાપિત કરવાનું દબાણ વધી રહ્યું હતું.
સંશોધક અનિલ ધીર કહે છે, “રેલવે સંપર્કની એક યોજના પહેલાંથી બની રહી હતી, પરંતુ આર્થિક પાસાને ધ્યાનમાં રાખીને સરકાર છત્તીસગઢ અને નાગપુર વચ્ચે રેલવે સંપર્ક પર જ વધારે ધ્યાન આપી રહી હતી. સર જૉન લૉરેન્સ ડૂબ્યા પછી અને અન્ય જહાજોને મોટું નુકસાન થવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સરકારે કોલકાતાથી કટક તરફ આગલા તબક્કામાં દક્ષિણ ભારતના સાત રેલવે સંપર્ક સ્થાપવાની યોજના ઝડપી બનાવી હતી.”
નવેમ્બર, 1892માં હાવડા-કટક રેલવે સંપર્ક માટે સર્વેક્ષણનો આદેશ આપવામાં આવ્યો હતો.
દક્ષિણ-પૂર્વ રેલવેની વેબસાઇટ પરથી મળેલી માહિતી મુજબ, એ માર્ગ પર પાટા બિછાવવાનું કામ પૂર્ણ થયા પછી 1899-1900માં ટ્રેનોનું આવાગમન શરૂ થયું હતું.
ઈતિહાસની શોધ

ઇમેજ સ્રોત, Getty Images
સાત વર્ષ પહેલાં ઇન્ટરનેટ પર આરસની એક ધૂંધળી તકતીની તસવીર જોવા મળી હતી. તેની સાથે એક લેખ પણ હતો.
કેટલીક અંગ્રેજ મહિલાઓએ તે તકતી ગંગાઘાટ પર સ્થાપિત કરી હતી. તેના પર લખ્યું હતું કે ‘સર જૉન લૉરેન્સ જહાજ સાથે ડૂબી ગયેલાં મહિલાઓ તથા બાળકોની સ્મૃતિમાં કેટલીક અંગ્રેજ મહિલાઓએ એ તકતી ત્યાં લગાવી હતી.’
એ તકતી અત્યારે પણ લાલ ઘાટ પર હોવાની માહિતી બાદમાં મળી હતી. ઘાટ પરની એ ધૂંધળી તકતી મને જોવા મળી હતી.
એ તકતી પર અંગ્રેજી અને બંગાળી ભાષામાં લખ્યું છે, “1887ની 25 મેના રોજ એક ક્ષણે સર જૉન લૉરેન્સ નામનું વરાળથી ચાલતું જે જહાજ તમામ તીર્થયાત્રીઓ, મોટા ભાગની મહિલાઓ સાથે ડૂબી ગયું હતું, તેમની સ્મૃતિમાં કેટલીક અંગ્રેજ મહિલાઓ તરફથી આ તકતી લગાવવામાં આવી છે.”
એ તકતી કોલકાતાના સૌથી ભયાનક જહાજ અકસ્માતની એકમાત્ર સ્મૃતિ તરીકે આજે 137 વર્ષ પછી પણ ત્યાં લાગેલી છે.












