ટાઇટેનિકની સાથે દરિયાના તળિયે હજુ કેટલાં જહાજનો કાટમાળ પડ્યો છે?

દરિયામાં ભંગાર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઝરિયા ગોર્વેટ
    • પદ, બીબીસી સંવાદદાતા

સંયુક્ત રાષ્ટ્રસંઘના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)એ ગત અઠવાડિયે એવી જાહેરાત કરી હતી કે વધુ ત્રણ જહાજનો કાટમાળ મળી આવ્યો છે અને એ પૈકીનાં બે હજારો વર્ષ જૂનાં છે.

આ સંબંધે સવાલ થાય કે મહાસાગરોના પેટાળમાં કેટલાં જહાજનો કાટમાળ પડ્યો હશે?

એલિયાસ સ્ટેડિયાટીસ જેલીફીશ શોધવાના તેમના રાબેતા મુજબના કામ માટે સમુદ્રના ઇન્ડિગો-બ્લુ પાણીમાં ઊતર્યા હતા. શ્વાસ લેવાની અનેક નળીઓ ધરાવતા કોપર ડાઇવિંગ સુટના વજન સાથે સ્ટેડિયાટીસ આખરે સમુદ્રના તળિયે પહોંચ્યા હતા.

તેમણે ઝાંખા પ્રકાશમાં નજર કરી ત્યારે તેમને ભયાનક દૃશ્ય જોવા મળ્યું હતું. ચારેય બાજુ માનવ શરીરના અંગ પડ્યાં હતાં. તરત જ ફરી સપાટી પર પહોંચીને તેમણે કૅપ્ટનને જણાવ્યું હતું કે સમુદ્રના તળિયે સડેલા મૃતદેહોનો ઢગલો પડ્યો છે.

આ વાત 1990ની વસંતઋતુની છે. સ્ટેડિયાટીસે આકસ્મિક રીતે જ એન્ટિકિથેરા જહાજનો કાટમાળ શોધી કાઢ્યો હતો. એન્ટિકિથેરા એક રોમન કાર્ગો જહાજ હતું અને તે 2,000 વર્ષ પૂર્વે દરિયામાં ડૂબી ગયું હતું.

ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે સ્ટેડિયાટીસ જોવા મળ્યા તે માનવ મૃતદેહ ન હતા, પરંતુ શેવાળ, જેલીફીશ અને માછલીઓ વચ્ચે હજારો વર્ષો રહીને સડી ગયેલાં આરસનાં શિલ્પો અને કાંસાની મૂર્તિઓ હતાં.

100થી વધુ વર્ષ પછી એન્ટિકિથેરાના અવશેષો એજિયન સમુદ્રના ગ્રીક આઇલૅન્ડના કિનારે મળી આવ્યા હતા. એ અવશેષો આજે પણ લોકોને આકર્ષણ છે, પરંતુ દરિયામાં ડૂબી ગયેલી બીજી ઘણી અજાયબીઓ શોધવાની બાકી છે.

યુનેસ્કોના તાજેતરના સ્કેર્કી બૅન્ક અભિયાનની વાત કરીએ. તે પાણીની સપાટીએ આવેલી ખડકની કરાડ છે અને તે પૂર્વ તથા પશ્ચિમ ભૂમધ્ય સમુદ્રને જોડે છે. હજારો વર્ષોથી તેનો મોટા પાયે ઉપયોગ થતો રહ્યો છે અને એ દરમિયાન તેમાં હજારો જહાજ ડૂબી ગયાં છે.

આઠ દેશોના વિજ્ઞાનીઓની ટીમે મલ્ટીબીમ સોનાર અને અન્ડરવોટર રોબૉટ્સનો ઉપયોગ કરીને આ દરિયાઈ તળનું મેપિંગ કર્યું છે. ગત સપ્તાહે તેમણે વધુ ત્રણ જહાજનો કાટમાળ મળી આવ્યાની જાહેરાત કરી હતી. તેમાં ઇસુ પૂર્વેની પહેલી સદીના એક, ઇસવીની બીજી સદીના એક અને 19મી અથવા 20મી સદીના એક જહાજના કાટમાળનો સમાવેશ થાય છે.

યુનેસ્કોના અંદાજ મુજબ, વિશ્વના મહાસાગરોના પેટાળમાં પડેલો અનેક વહાણો, જહાજોનો કાટમાળ શોધી કાઢવાનો બાકી છે.

GREY LINE

છૂપો રેકૉર્ડ

દરિયામાં જહાજ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નેધરલૅન્ડ્ઝમાં મોટરવે બનાવવામાં આવતો હતો ત્યારે સૌથી જૂની બોટ અકસ્માતે મળી આવી હતી. તે 10,000 વર્ષ પહેલાં બનાવવામાં આવેલી લાકડાની હોડી હતી.

સાંયોગિક પુરાવા દર્શાવે છે કે આ બધું બહુ પહેલાં શરૂ થયું હતું અને વિશાળ સમુદ્રની બીજી બાજુએ માણસો અચાનક દેખાતા થયા હતા.

આશરે 50,000 વર્ષ પહેલાં દક્ષિણ-પૂર્વ એશિયાના શિકારીઓના જૂથે સેંકડો માઈલ લાંબા ટાપુઓના સમૂહના પાર કર્યો હશે, એવું માનવામાં આવે છે, કારણ કે એ પછી તરત જ પ્રથમ ઑસ્ટ્રેલિયન એબોરિજિનલ્સ ન્યૂ સાઉથ વેલ્સમાંના લેક મુંગો પર આવ્યા હતા.

આજે સમુદ્રનો આંતરછેદ વિસ્તાર છે ત્યાં કાટમાળ પડ્યો છે. વિશ્વના મહાસાગરોમાં સહસ્રાબ્દીઓના વેપાર, યુદ્ધ અને અન્વેષણ અભિયાનનો કાટમાળ પડ્યો છે.

ચાંદીથી છલોછલ ચાંચિયાઓની બોટ્સ, મેરિટાઈમ સિલ્ક રોડ પરની માલવાહક શિપ્સ, ભાવિ રાજાઓ સાથે ગુમ થઈ ગયેલી વૈભવી શાહી હસ્તકલા, માછીમારીનાં પ્રાચીન જહાજો, આધુનિક ડિસ્ટ્રોયર્સ તથા સબમરીનો, 19મી સદીની માછલીઓના શિકાર માટેની હોડીઓ અને ટાઇટેનિક જેવા વિશાળ પ્રવાસી જહાજો સહિતના બધાનો કાટમાળ ત્યાં પડ્યો છે.

લાંબા સમયથી ભુલાઈ ગયેલી ટાઈમ કેપ્સ્યુલ્સની જેમ, આ જહાજોએ પુરાતત્ત્વવિદોને આકર્ષ્યા છે અને વિશ્વભરના સંગ્રહાલયોને પ્રાચીન અજાયબીઓથી છલકાવી દીધાં છે. તેમાં એન્ટિકિથેરાની એક રહસ્યમય ખગોળશાસ્ત્રીય ઘડિયાળનો પણ સમાવેશ થાય છે. તેને ઘણા નિષ્ણાતો પ્રારંભિક કમ્પ્યુટર માને છે.

બીબીસી

કુલ કેટલાં વહાણ, જહાજનો કાટમાળ મહાસાગરોના પેટાળમાં પડ્યો છે?

દરિયામાં જહાજ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એન્ટિકિથેરા જહાજના ભંગારમાંથી અન્ય વસ્તુઓની સાથે કિંમતી માર્બલના શિલ્પો, કાંસાની મૂર્તિઓનો જેવો પ્રાચીન સામાન મળી આવ્યો હતો.

વિશ્વના જહાજના કાટમાળના ઘણા ડેટાબેઝ છે અને કેટલાં જહાજનો કાટમાળ મળી આવ્યો છે એ વિશેનો બધાનો અંદાજ અલગ-અલગ છે.

ઑનલાઇન સર્વિસ રેક સાઈટ પાસે ડૂબી ગયેલી 2,09,640 બોટ્સની સૂચિ છે. એ પૈકીની 1,79,110 બોટ્સ ક્યાં ડૂબી હતી તે જ્ઞાત છે.

બીજી તરફ ગ્લોબલ મેરિટાઇમ રેક્સ ડેટાબેઝ (જીએમડબલ્યુડી) પાસે અઢી લાખથી વધુ ડૂબેલાં જહાજની યાદી છે અને એ પૈકીનાં ઘણાંનો કાટમાળ હજુ સુધી મળ્યો નથી.

એક અંદાજ મુજબ, માત્ર બીજા વિશ્વયુદ્ધમાં જ આશરે 15,000 જહાજ ડૂબી ગયાં હતાં. પેસિફિકથી ઍટલાન્ટિક મહાસાગરમાં ભુલાયેલાં યુદ્ધજહાજો અને ઑઇલ ટેન્કર્સનો કાટમાળ સડી રહ્યો છે. તેમાંથી ટપકતું ઑઇલ, રસાયણો અને હેવી મેટલ્સને લીધે આજુબાજુનો વિસ્તાર પ્રદૂષિત થઈ રહ્યો છે.

વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે જહાજોના જે કાટમાળની નોંધણી કરવામાં આવી છે એ તો તેમની કુલ સંખ્યાનો બહુ નાનો હિસ્સો છે. યુનેસ્કોના વિશ્લેષણ મુજબ, વિશ્વના મહાસાગરોના પેટાળમાંથી 30 લાખથી વધુ હોડીઓ અને જહાજોનો કાટમાળ શોધવાનો બાકી છે.

આ અવશેષો દરિયાના પેટાળમાં સમાન રીતે વહેંચાઈને પડ્યા હોય એવી શક્યતા નથી. લોકપ્રિય અથવા જોખમી દરિયાઈમાર્ગમાં કાટમાળના અનેક હૉટસ્પૉટ્સ છે, દરિયાઈ કબ્રસ્તાન છે, જે ભૂતકાળમાં લાભકારક સાબિત થયા હતા.

તેમાં સ્કેર્કી બૅન્ક અને ભૂમધ્ય સમુદ્રમાંના ફોર્ની દ્વીપસમૂહનો સમાવેશ થાય છે. ત્યાંથી અત્યાર સુધીમાં 58 જહાજનો કાટમાળ શોધી કાઢવામાં આવ્યો છે. તે પૈકીના 23ને તો 2015માં માત્ર 22 દિવસમાં શોધી કાઢવામાં આવ્યા હતા.

ફોર્ની દ્વીપસમૂહને ખાસ ખતરનાક ગણવામાં આવતો ન હતો. તેનો એન્કરેજ પૉઇન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. તેથી ત્યાં કેટલાં મોટાં પ્રમાણમાં જહાજો આવતાં હશે તેનો અંદાજ લગાવી શકાય.

GREY LINE

એક ખજાનો

દરિયામાં ખજાનો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંકેતિક તસવીર

હજુ સુધી શોધી ન શકાયેલાં જહાજોના કાટમાળમાં લોકો એક સમયે કેવી રીતે જીવતા હતા તેની અને ભાવિ જોખમોની રસપ્રદ વિગત જ નહીં, પરંતુ દિમાગ ચકરાવે ચડી જાય તેટલી સંપત્તિ પણ હોઈ શકે છે, પરંતુ તે સમસ્યા-સર્જક બની શકે છે.

કોલંબિયામાં કેરિબિયન સમુદ્રના કિનારે 1708ની આઠમી જૂને સાંજે સાતેક વાગ્યે એક શક્તિશાળી વિસ્ફોટનો પડઘો સાંભળવા મળ્યો હતો. તે સાન જોસ નામના સ્પેનિશ જહાજના અસ્તિત્વની છેલ્લી ક્ષણ હતી.

તે બે વર્ષ અગાઉ સ્પેનથી રવાના થયું હતું. તેમાં હોડીઓનો કાફલો, ખાંડ, મસાલા, કિંમતી ધાતુઓ અને બીજા માલસામાનનો ખજાનો ભર્યો હતો. તે જહાજ સ્પેન અને અમેરિકામાં આવેલા તેના પ્રદેશો વચ્ચે માલસામાનની હેરફેર કરતું હતું.

સાન જોસ મુખ્ય જહાજ હતું. તેથી તેમાં ચાંદી, નીલમણિ અને સોનાના સિક્કાની જંગી તિજોરીઓ હતી, પણ એક બ્રિટિશ જહાજ સાથેના ઘર્ષણમાં તેના આયુષ્યનો હિંસક અંત આવ્યો હતો.

યુદ્ધના કલાકો પછી જહાજમાંના ગનપાવડરનો વિસ્ફોટ થયો હતો અને તે લગભગ તરત જ ડૂબી ગયું હતું. ચાલક દળના 600 સભ્યો સાથે તેણે જળસમાધિ લીધી હતી.

તેના 300થી વધુ વર્ષ પછી 2015માં કોલંબિયાના નૌકાદળે એ જહાજના તૂટેલા હિસ્સા, તોપો, અને સિરામિક્સ સાથે સોનાના સિક્કાઓ પણ શોધી કાઢ્યા હતા.

તે કાર્ગોની અંદાજે કિંમત 17 અબજ ડૉલર હતી, પરંતુ ટૂંક સમયમાં જ તેની માલિકી બાબતે યુદ્ધ થયું હતું. હવે એ પુરાતત્ત્વીય સ્થળ સુરક્ષિત રહેવાને બદલે લૂંટાઈ જશે એવી આશંકા છે. આ પ્રકારના વધુ વિવાદો ટૂંક સમયમાં સર્જાવાની શક્યતા છે.

GREY LINE

સુવર્ણ યુગ

દરિયામાં ખજાનો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંકેતિક તસવીર

ભૂતકાળમાં માછીમારો, વિજ્ઞાનીઓ અથવા ખજાનો શોધતા લોકોને ઘણી વખત પ્રમાણમાં છીછરા પાણીમાં જ આકસ્મિક રીતે જહાજનો કાટમાળ મળી આવ્યો હતો, પરંતુ અત્યાધુનિક સબમર્સિબલ્સ, આધુનિક કૅમેરા અને નવી સોનાર ટેક્નોલૉજીને કારણે સમુદ્રના પેટાળમાં પડેલો જહાજનો કાટમાળ શોધવાનું આસાન બન્યું છે.

સમુદ્રના સૌથી ઊંડા વિસ્તારનું ચિત્ર બનાવવાનું પણ હવે શક્ય છે. કેટલાક સંશોધકોએ 2019માં ફિલિપાઈન ટ્રેન્ચમાં 6 કિલોમીટર નીચે પડેલા યુએસએસ જોનસ્ટન નામની ડિસ્ટ્રોયરનો કાટમાળ શોધી કાઢ્યો હતો.

એ પછી આ વર્ષની શરૂઆતમાં વિજ્ઞાનીઓએ ઍટલાન્ટિક મહાસાગરના પેટાળમાં પડેલા કાટમાળના સર્વેક્ષણના આધારે ટાઇટેનિકનું થ્રી-ડાઈમેન્શનલ ડિજિટલ ટ્વિન તૈયાર કર્યું હતું.

આ બધાના પરિણામે મહાસાગરોમાંથી અભૂતપૂર્વ દરે રહસ્યો બહાર આવી રહ્યાં છે. સોનાર અને જીપીએસ ટ્રેકિંગને કારણે માછીમારીમાં આમૂલ પરિવર્તન થયું છે.

ટ્યૂના માછલીનું આખેઆખું ટોળું જોઈ શકાય છે. મહાસાગરના પેટાળમાં પડેલાં જહાજોના કાટમાળને શોધવા માટે હવે કોઈ પણ વ્યક્તિ આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરી શકે છે.

હાલ તો સમુદ્રના પેટાળમાં વણશોધાયેલો જંગી કાટમાળ પડ્યો છે. વારાતાહ નામના જંગી પેસેન્જર જહાજની જ વાત કરીએ. એ જહાજની સરખામણી ટાઇટેનિક સાથે વારંવાર કરવામાં આવે છે. તે જહાજ 1909ની 26 જુલાઈએ ડર્બનથી કૅપટાઉન રવાના થયું હતું.

211 પ્રવાસીઓ સાથેનું તે જહાજ ક્યાં ગુમ થઈ ગયું, તે ક્યાં ડૂબી ગયું તેની આજ સુધી કોઈને ખબર નથી. તેના અવશેષો શોધવા માટે કમસે કમ નવ અભિયાન હાથ ધરવામાં આવ્યાં છે, પરંતુ ક્યારેય કશું મળ્યું નથી.

કોણ જણે ભવિષ્યમાં શું થશે, પણ એક વાત નક્કી છે કે તેને શોધી કાઢવામાં આવે એ દિવસ દૂર નથી.

RED LINE
RED LINE