'ગુજરાતની ટાઇટેનિક' હાજી કાસમની 'વીજળી' શા માટે ડૂબી હતી?

ઇમેજ સ્રોત, falkrik. gov.uk
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
111 વર્ષ પહેલાં લગભગ 1500 લોકો સાથે દુર્ઘટનાગ્રસ્ત બનેલા જહાજ 'ટાઇટેનિક'ના કાટમાળની સહેલગાહે નીકળેલા પાંચ મુસાફરો સાથેની ટાઇટન સબમર્સિબલ ગત વર્ષે ડૂબી જવા પામી હતી અને તેનો કાટમાળ પણ શોધી કઢાયો હતો.
જોકે, 135 વર્ષ પહેલાં ગુજરાતના દરિયાકિનારે સાતસોથી વધુ મુસાફરો સાથે 'એસએસ વૈતરણા' નામનું જહાજ એક જ રાતમાં ગૂમ થઈ ગયું હતું. જેમાં સવાર થયેલા મુસાફરોની ચિચિયારીઓ કોઈએ સાંભળી ન હતી કે કોઈ તેમના માટે પ્રાર્થના પણ કરી નહોતું શક્યું.
આ દુર્ઘટનાને 'ગુજરાતની ટાઇટેનિક' તરીકે ઓળખવામાં આવે, જોકે તે ટાઇટેનિક કરતાં 24 વર્ષ પહેલાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. ટાઇટેનિકની જેમ તેનો કોઈપણ મુસાફર આપવીતી કહેવા માટે હયાત રહ્યો ન હતો કે ન તો તેમના મૃતદેહ મળ્યા કે અંતિમવિધિ થઈ શકે. પોતાની પ્રથમ સફર દરમિયાન જ 'એસએસ વૈતરણા' મુશ્કેલીમાં મુકાઈ હતી. જોકે ટાઇટેનિકની તો પ્રથમ મુસાફરી જ તેની અંતિમસફર બની ગઈ હતી.
'એસએસ વૈતરણા'થી કદાચ આ જહાજ વિશે યાદ તાજી ન થાય, પરંતુ જો 'હાજી કાસમની વીજળી' કહેવામાં આવે તો તરત જ આ કહાણી તાજી થઈ જાય. લોકગીતો, સાહિત્યકારો અને લોકકલાકારોએ તેને લોકોના સ્મૃતિપટ પર જીવંત રાખી છે.

નવી કંપની, પહેલું જહાજ

ઇમેજ સ્રોત, Getty Images
એવું વ્યાપક રીતે ચર્ચાય છે કે 'એસએસ વૈતરણા'નું નિર્માણ ગ્રેંજમાથ ડૉકયાર્ડ કંપની દ્વારા વર્ષ 1885માં કરવામાં આવ્યું હતું. આજના સમયમાં અદ્યતન ટેકનૉલૉજી છતાં પણ 'એસએસ વૈતરણા'ના કદના જહાજનું નિર્માણ કરવામાં મહિનાઓ નીકળી જતા હોય તો એ સમયે તો આ કામ વધુ મુશ્કેલ હતું. કારણ કે ભારતમાં રહેલો મૂળનિવાસી ઑર્ડર આપે, લોખંડ, એંજિન, બૉઇલર વગેરેની વ્યવસ્થા કરવાની અને પછી બાંધકામ હાથ ધરવામાં આવે, તેમાં ખાસ્સો સમય નીકળી જાય.
જેનો જવાબ સ્કૉટલૅન્ડના ફોલકિર્ક આર્કાઇવના દસ્તાવેજોમાં મળે છે. જે મુજબ, વર્ષ 1885માં વિલિયમ મિલર અને સૅમ્યુઅલ પોપહાઉસ જેક્સને ગ્રેંજમાઉથ ડૉકયાર્ડ કંપનીની સ્થાપના કરી હતી. તેમણે ડોબસન ઍન્ડ ચાર્લ્સ નામની જહાજનિર્માતા કંપનીનું અધિગ્રહણ કર્યું હતું. આ કંપનીની સ્થાપના વર્ષ 1879માં થઈ હતી.
18મી સદીના અંતભાગથી જ અહીં જહાજનિર્માણનું કાર્ય થતું હતું. પ્રારંભિક વર્ષોમાં માત્ર સઢવાળાં જહાજોનું નિર્માણ થતું. 19મી સદીની શરૂઆતમાં પહેલી આગબોટ તરતી થઈ હતી. એ પછી સ્પૅન, નૅધરલૅન્ડ, પૉર્ટુગલ, બેલ્જિયમ, ફ્રાન્સ અને યુકે જેવા દેશોને એશિયા અને આફ્રિકા ખંડમાં સંસ્થાનવાદી અભિયાનો દરમિયાન આગબોટો ભારે મદદ કરવાની હતી.
વર્ષ 1869માં સુએઝ કેનાલ ખુલ્લી થઈ તે પછી આગબોટોની જરૂરિયાત, કદ અને નિર્માણમાં પુષ્કળ તેજી આવી હતી. જેનો લાભ ગ્રેંજમાથને પણ થયો હતો. તત્કાલીન બોમ્બેની એ. જે. શેફર્ડ કંપનીએ આ જહાજના નિર્માણનો ઑર્ડર આપ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉમોડોર (રિટાયર્ડ) ડૉ. જોન્સન ઓડાક્કલ લખે છે, "1882માં મોભ બેસાડવાની સાથે કામ શરૂ થયું હતું અને તેના નિર્માણકાર્યમાં ત્રણ વર્ષ લાગ્યા હતા. તેમાં ડમ્સમ્યુઅર ઍન્ડ જેક્સનના એંજિન બેસાડવામાં આવ્યા હતા. સ્કૉટલૅન્ડના ગ્લાસગો બંદર ખાતે જ તેની નોંધણી કરાવવામાં આવી હતી. જહાજના નિર્માણ પાછળ 10 હજાર પાઉન્ડનો ખર્ચ થયો હતો અને તેનો સાડા ચાર હજાર પાઉન્ડનો વીમો ઉતરાવવામાં આવ્યો હતો."
આમ 'એસએસ વૈતરણા'એ ગ્રેંજમાથ કંપની દ્વારા ડિલિવર કરવામાં આવેલું પહેલું જહાજ હતું. ડૉ. જોન્સન મરીન હિસ્ટ્રી સોસાયટીના પૂર્વ ડાયરેક્ટર છે અને ભારતીય નૌકાદળમાં 34 વર્ષ સેવા આપીને કૉમોડરના હોદ્દા સાથે નિવૃત્ત થયા હતા.
પહેલી સફર, પહેલું સંકટ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'એસએસ વૈતરણા' 170 ફૂટ લાંબું, 26 ફૂટ પહોળું અને 10 ફૂટ જેટલી ઊંડાઈ ધરાવતું હતું. 73 હોર્સપાવરના એંજિનને ચલાવનાર બૉઇલર કોલસાથી ચાલતા. આજેની કોઈપણ સરેરાશ સીડેન કાર લગભગ 80 હોર્સ પાવરની ઊર્જા ઉત્પન્ન કરે છે, જે પ્રૌદ્યોગિકીમાં થયેલી પ્રગતિ ઉપર પ્રકાશ પાડે છે. આ એંજિનમાં બે સિલિન્ડર હતા. જે 42 અને 30 ઇંચનો સ્ટ્રૉક ઉત્પન્ન કરતા હતા. જેનો ધૂમાડો કાઢવા માટે જહાજમાં વચ્ચે એક ચીમની હતી.
આ સિવાય ત્રણ ડેક અને બે કૂવાસ્તંભ તેની ઓળખ આપતા હતા. તૂતકની નીચે હવા-ઉજાસ જળવાય રહે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.
જહાજોના વર્ગીકરણ અને નોંધણીનું પ્રકાશન કરતા લૉઇડ્સ રજિસ્ટરના વર્ષ 1887ના અહેવાલ પ્રમાણે, JWTS સિગ્નલ આપવામાં આવ્યું હતું. જહાજનું કુલ વજન 292 ટન હતું, જે તેની કુલ ક્ષમતા દર્શાવે છે. જેમાં ઇંધણ, ખલાસીઓ માટે ખાણી-પીણીનો સામાન, એંજિનરૂમ જેવી જગ્યાનો પણ સમાવેશ થતો હોય છે, જ્યાં સામાનનો સંગ્રહ ન થઈ શકે. જ્યારે નેટ રજિસ્ટર્ડ ટનેજ 64 ટન હતું. જ્યારે 258 ટન તૂતકની નીચે હતું.
શેફર્ડ કંપની દ્વારા કિનારાના બંદરો પર એજન્ટ નીમી દેવામાં આવતા, જેઓ ટિકિટનું વેચાણ કરતા, ઘણી વખત તેમની વચ્ચે પરસ્પર સંકલન ન હોવાને કારણે જહાજોમાં મુસાફરો માટે સંકડાશ થઈ જતી.
કંપનીના જહાજોના નામોની ખાસિયત હતી કે તે મુખ્યાલયની આસપાસની નદીઓના નામ પરથી રાખવામાં આવ્યા હતા. લૉઇડ્સ રજિસ્ટર મુજબ તેના નામ અને નેટ રજિસ્ટર્ડ ટનેજ અનુક્રમે, ભીમા (166), ગોદાવરી (14), કાલિંદી (50), ક્રિષ્ના (199), નીરા (169), સાવિત્રી (95), શાસ્ત્રી (84), શેરાવતી (50), વૈતરણા (64) હતા. આ બધામાં વીજળીના ગોળા (બલ્બ) લાગેલા હતા.
જહાજનું નામ ‘વીજળી’ કેવી રીતે પડ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટિશ સરકારના નિયમોને કારણે દેશી જહાજો માટે લાંબી સફરો ખેડવી મુશ્કેલ બન્યું હતું
કહેવાય છે કે, વીજળી વગરના એ સમયમાં જ્યારે આ જહાજ દરિયામાંથી પસાર થતું ત્યારે તેને કિનારા પરથી જોઈ શકાતું. તેમાં ઇલેક્ટ્રિસિટીથી ચાલતા બલ્બ હોવાને કારણે તેને 'વીજળી' એવું નામ મળ્યું હતું. જોકે, એ સમયે અન્ય જહાજોમાં પણ વીજળી હતી. છતાં લોકજીભે તે 'વીજળી'ના નામથી જ ચર્ચિત બની હતી.
મધ્યમ અંતરની મુસાફરી માટે આદર્શ જહાજે તેની ભારતયાત્રા દરમિયાન હાલના ઇસ્તાંબુલ અને જેદ્દાહથી પણ મુસાફર લીધા હતા.
પોતાની પહેલી સફર દરમિયાન જ તેને રાતા સમુદ્રમાં મુશ્કેલી નડી હતી. જેનો અહેવાલ 'ધ ઇલસ્ટ્રેટેડ લંડન ન્યૂઝ',માં છપાયો હતો. 'મધદરિયે માનવતા મહેકાવનારને પુરસ્કાર' શિર્ષક હેઠળ છપાયેલા લેખની વિગતો મુજબ છે:
'તા. 24મી ઑગસ્ટ, 1885ના રોજ ગ્લાસગોમાં નોંધાયેલું જહાજ 'એસએસ વૈતરણા' જેદ્દાહથી છ માઇલ દૂર દરિયામાં મુશ્કેલીમાં ફસાયું હતું. ત્યારે તુર્કીના જહાજ 'એડરિના'ના કમાન્ડર મહોમ્મદ બે તાત્કાલિક ત્યાં ધસી ગયા હતા અને સહાય કરી હતી.'
'આથી બોર્ડ ઑફ ટ્રૅડ દ્વારા તેમને સોનાની ઘડિયાલ આપવામાં આવે છે. એડરિનાએ અગાઉ પણ બ્રિટિશ જહાજોને સહાયતા કરી હતી.'
એ સમયે જહાજને શું મુશ્કેલી પડી હતી અને કપ્તાન કોણ હતા તેની સ્પષ્ટતા નથી મળતી, પરંતુ તેની છેલ્લી સફરના નાખુદા કપ્તાન હાજી કાસમ હતા. જેને લોકગીતો અમર કરી દેનાર હતા.
હાજી કાસમ: હાલાઈ અને આગબોટવાળા

ઇમેજ સ્રોત, Twitter/Go_Movie_Mango
વીજળીની સાથે બે હાજી કાસમના નામ જોડાયેલા છે. એક હતા હાજી કાસમ ઇબ્રાહિમ આગબોટવાળા, જેઓ જહાજના કપ્તાન હતા, જ્યારે બીજા હતા કાસમ નૂરમોહમ્મદ હાલાઈ, જેઓ પોરબંદર ખાતે શેફર્ડ કંપનીના બુકિંગ એજન્ટ હતા.
ગુણવંતરાય આચાર્યની નવલકથા 'હાજી કાસમ તારી વીજળી'માં નાયક નાખુદો પણ છે અને માલિક પણ, જે મૂળ માંગરોળનો છે.
આ જહાજ 22 ટન કોલસો લઈને નીકળતું અને કચ્છથી મુંબઈ વચ્ચેની સફર 30 કલાકમાં પૂરી કરતું, જેના માટેનું ભાડું રૂ. આઠ હતું.
કૉમોડોર (રિટાયર્ડ) ઓડાક્કલ લખે છે કે હાજી કાસમ મૂળ કચ્છના જાગીરદાર હતા. જેઓ બોમ્બેના મલાબાર હિલ્સ ખાતે રહેતા અને તેમની ઓફિસ અબ્દુલ રહેમાન સ્ટ્રીટ પર હતી. તેઓ બોરિવલી અને દહિંસરની વચ્ચે ખાસ્સી જમીન ધરાવતા હતા.
હાજી લગભગ બે દાયકા કરતાં વધુનો વહાણવટાનો અનુભવ ધરાવતા હતા. જોકે, અનુભવી નાખુદાના જીવનની છેલ્લી અને સૌથી મોટી પરીક્ષા એક વાવાઝોડું લેનાર હતું, જે અંદમાનના દરિયામાં ઉઠ્યું હતું.
જે પોષતું, તે મારતું

ઇમેજ સ્રોત, Getty Images
જહાજો માટે તત્કાલીન અંગ્રેજ સરકારના નિયમોને કારણે કચ્છના જહાજો માટે દેશદેશાવરની લાંબી સફરો ખેડવી મુશ્કેલ બની હતી. કચ્છ લાંબો દરિયાઈપટ્ટો ધરાવતો હોવા છતાં તેના બંદર છીછરાં અને આગબોટોને અનુકૂળ ન હતાં.
વળી, અંગ્રેજ સરકારના સમયમાં બોમ્બે અને કરાચી બંદરોને પ્રોત્સાન મળ્યું હતું. જેના કારણે વિદેશ સાથે વેપાર કરનાર જૈન, ભાટિયા અને લોહાણા શાહ-સોદાગરો અને દરિયાખેડૂ બોમ્બે કે કરાચી સ્થાયી થયા હતા.
ઑક્ટોબર-1888માં મોટી સંખ્યામાં વેપારીઓ કચ્છ આવ્યા હતા અને તેમણે પરત ફરવા માટે લાભ પાંચમના દિવસની 'વીજળી'ની ટિકિટ કઢાવી હતી. હિંદુઓમાં આ દિવસને નવું કામકાજ કે વેપાર શરૂ કરવા માટે શુકનિયાળ માનવામાં આવે છે.
આ સિવાય ડિસેમ્બર મહિનાના મધ્યભાગથી એક મહિના માટે કમૂરતાં શરૂ થાય છે, આ ગાળામાં કોઈ માંગલિકકાર્ય ન થઈ શકે, એટલે મુંબઈની કન્યાઓ સાથે સંબંધ નિર્ધારવામાં આવ્યો હોય તેવા 13 જેટલા મીંઢળ બાંધેલા વરરાજા પણ આ યાત્રામાં જાન સાથે જોડાયા હતા.
એ સમયે કચ્છ-સૌરાષ્ટ્રના યુવાનોએ બોમ્બે યુનિવર્સિટીમાં એસએસસીની પરીક્ષા આપવા જવું પડતું. ત્યારે તેની ગણના ઉચ્ચઅભ્યાસ તરીકે થતી. એટલે ત્યાં પરીક્ષા આપવા જઈ રહેલા યુવાનો પણ આ યાત્રામાં જોડાયા હતા. તા. 8મી નવેમ્બર, 1888ના લાભ પાંચમના દિવસે 'વીજળી'એ કચ્છથી તેની છેલ્લી સફર સવારે સાડા સાત કલાકે શરૂ કરી હતી.
જોકે, 'વીજળી'ના અંતનો આરંભ ત્રણેક દિવસ પહેલાં થઈ ગયો. જેના વિશે 'સાયક્લોન મેમ્વા ભાગ ત્રણ' પર વિવરણ આપે છે : મધ્ય અરબ સાગરમાં કેટલાક દિવસથી વાતાવરણ અશાંત હતું. તા. પાંચમી અને છઠ્ઠી નવેમ્બરે નાના ચક્રવાતે આકાર લીધો હતો અને અને તે ઉત્તર તરફ આગળ વધ્યું હતું. તા. 7મીની સાંજે તે ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધ્યું હતું.
તા. આઠમી નવેમ્બરની બપોરથી તે 13 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી કાઠિયાવાડના દરિયાકિનારા તરફ આગળ વધતું રહ્યું હતું. વાવાઝોડું નાનું હતું, પરંતુ હવાની ઝડપ ખૂબ જ વધારે હતી. એક-બે બ્રિટીશ ભારતીય જહાજો આ વાવાઝોડું પાર કરી ગયાં હતાં, પરંતુ વીજળી તેનો ભોગ બની ગઈ.
આ વાવાઝોડું તા. નવમીએ સવારે જમીન પર ત્રાટક્યું હતું અને પછી અરવલ્લી તરફ આગળ વધીને વિખેરાઈ ગયું હતું.

મહેરામણના ભેદભરમ

ઇમેજ સ્રોત, Getty Images
પુરાતત્ત્વવિદ અને ઇતિહાસકાર વાય.એમ. ચીતલવાલાએ 'એસએસ વૈતરણા'ની દુર્ઘટના વિશે 'વીજળી હાજી કાસમની' નામથી પુસ્તક લખ્યું છે. દુર્ઘટનાના 130 વર્ષે પહેલી ડિસેમ્બર-2018માં ગુજરાતી સામયિક 'અભિયાન' દ્વારા કવરસ્ટોરી કરવામાં આવી હતી.
ચીતલવાલાને ટાંકતા અહેવામાં નોંધવામાં આવ્યું છે કે અકસ્માત સમયે જહાજમાં 43 ખલાસી અને સાતસો જેટલા મુસાફર હતા. મોટાભાગના યાત્રિકો માંડવી અને દ્વારકાથી ચડ્યાં હતાં. તેઓ દુર્ઘટના સમયે એક હજારથી 1300 જેટલા મુસાફર હોવાની વાતને નકારે છે.
પોરબંદરથી થોડે દૂર જહાજ ઊભું રહ્યું હતું, તેણે લંગર નાખ્યું ન હતું અને માત્ર પાંચ-સાત મિનિટમાં જ રવાના થઈ ગયું હતું, જેના કારણે એકસો જેટલા મુસાફર પોતાની સફર ચૂકી ગયા હતા અને એ દુર્ઘટનાનો ભોગ બનવાથી બચી ગયા હતા. મોટાભાગે આ જહાજ કિનારાથી થોડે દૂર જ ઊભું રહેતું અને એજન્ટ દ્વારા નિમાયેલી નાની હોડીઓ મુસાફરોને લાવતી લઈ જતી.
ઍડ્મિનિસ્ટ્રેટર લેલી દ્વારા દાખવવામાં આવેલી સાવચેતીને કારણે અનેક લોકોના જીવ બચ્યા હોવાની તથા દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી હોવાની વાતને નકારવામાં આવી છે. તે સમયે દરિયો એટલો તોફાની ન હોવાનું પણ ચીતલવાલા ઉમેરે છે.
વીજળીના માંગરોળ ખાતેના એજન્ટ બાલકૃષ્ણ બાવાજીએ તા. નવમીના સવારે એક વાગ્યા આસપાસ માંગરોળના દરિયાકિનારે વીજળી જોઈ હતી. માંગરોળનો દરિયાકિનારો છીછરો હોવાથી વીજળી જેવું જહાજ ડૂબ્યું હોવાની શક્યતાને નકારી કાઢવામાં આવે છે. એ પછી સવારે ચાર-પાંચ વાગ્યા આસપાસ માંગરોળથી 30-40 કિલોમીટર દૂર દરિયામાં જહાજ ડૂબ્યું હોવાનું અનુમાન તેઓ મૂકે છે.
ગુજરાત સ્ટેટ આર્કિયૉલૉજી ડિપાર્ટમેન્ટમાં વાય.એમ. ચીતલવાળાએ દાયકાઓ સુધી સેવા આપી હતી અને રાજકોટ પાસે કુંતાશીમાં હડપ્પાકાલીન અવશેષોને શોધી કાઢવામાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. જે 'બીબીના ટીંબા' તરીકે પણ ઓળખાય છે.
અભિયાનના અહેવાલમાં સિનિયર મરીન એંજિનિયર રાજેશ જોશી અનુમાન મૂકે છે કે તોફાન દરમિયાન મુસાફરો નીચેના ડેકમાં ભરાયા હશે અને હેચ બંધ કર્યા હશે. વીજળીમાં વૅન્ટિલેશનની પૂરતી વ્યવસ્થા હતી, એટલે તેઓ આમ કરી શક્યા હશે, પરંતુ મોજાની ધપાટે જહાજને દરિયાના પેટાળમાં ધકેલી દીધું હશે. જો કોઈ મુસાફર બહાર નીકળ્યા હોય તો પણ તોફાની પવન અને મોજાંની વચ્ચે જીવ બચાવવાનું તેમના માટે મુશ્કેલ બની ગયું હશે અને ડેક જતેમના માટે કૉફિન બની ગયો હશે.

દરિયામાં મિત્રને શોધતો મિત્ર

ઇમેજ સ્રોત, Getty Images
'એસએસ વૈતરણા' પસાર થયું તેના થોડા સમય પહેલાં જ 'આઈએસ સાવિત્રી' ત્યાંથી પસાર થયું હતું. જેના નાખુદા હાજી કાસમના મિત્ર હતા.
કૉમોડોર (રિટાયર્ડ) ઓડાક્કલ લખે છે કે, કંપની દ્વારા પોતાના અન્ય એક જહાજ 'આઈએસ સાવિત્રી'ને તપાસનું કામ સોંપવામાં આવ્યું હતું. જેના માલમ મહેમૂદભોઈ દાઉદ હતા. તેઓ હાજી કાસમને વર્ષોથી ઓળખતા હતા અને દરિયો ખેડવાના તેમના કૌશલથી પણ વાકેફ હતા.
દાઉદ જહાજ વિશે કોઈ ભાળ મેળવવામાં નિષ્ફળ રહ્યા. બોમ્બે પ્રેસિડન્સીના અન્ય પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા. એ સમયે તપાસઅભિયાન પાછળ રૂ. 14 હજાર 50 જેટલી રકમ ખર્ચવામાં આવી હતી.
લોઇડ્સના ચોપડે આ જહાજ 'લાપતા' ગણી લેવામાં આવ્યું, કારણ કે તેનો કાટમાળ નહોતો મળ્યો, મુસાફરોના મૃતદેહ નહોતાં મળ્યા કે કોઈ મુસાફર હયાત નહોતો બચ્યો. એ પછી બૉમ્બે પ્રેસિડન્સી દ્વારા તપાસ સમિતિ નિમવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા આ દુર્ઘટના અંગે તપાસપંચ નિમવામાં આવ્યું હતું.

તપાસનું તરકટ

ઇમેજ સ્રોત, Getty Images
તપાસ દરમિયાન શેફર્ડ કંપનીએ સ્વીકાર્યું હતું કે તેના જહાજમાં લગાડવામાં આવેલાં દબાણમાપક યંત્ર અને બૅરોમીટર ક્ષતિયુક્ત હતા અને તેને બદલવામાં આવશે. જહાજ પર બચાવ માટેની અપૂરતી વ્યવસ્થા હોવાનું પણ તપાસના તારણમાં બહાર આવ્યું હતું.
વૈતરાણાને પાંચ દિવસ સુધીની ટૂંકી મુસાફરી માટે ઉપયુક્ત માનવામાં આવ્યું હતું અને તે વાવાઝોડા સામે ટકી શક્યું હોત તેવો મત નિષ્ણાતોએ કમિટીને આપ્યો હતો.
તપાસમાં શેફર્ડ કંપની કે તેના કોઈ અધિકારી સામે કોઈપણ જાતની દંડનીય કાર્યવાહી નહોતી થઈ એટલે સ્થાનિકોમાં કચવાટ ફેલાયો હતો.
ચાર્લ્સ ઍડ્વર્ડ ડ્રમૉન્ડ બ્લૅક તેમના પુસ્તક 'મેમ્વા ઑન ધ ઇન્ડિયન સર્વેસ 1875-1890'માં લખે છે કે, 'કૉર્ટ ઑફ ઇન્ક્વાયરીએ નોંધ્યું કે વાવાઝોડાની ચેતવણી આપવા માટે સુદૃઢ વ્યવસ્થા અમલમાં હતી. તમામ બંદરને આને માટે માહિતી આપી દેવામાં આવી હતી.'
'જોકે, સમયસર વૈતરણાને પણ તેની માહિતી પહોંચાડી શકાય હોત તો તે વાવાઝોડામાં મુસાફરી ટાળી શક્યું હોત. બોમ્બે ખાતેની વ્યવસ્થામાં ક્ષતિ હોવાનો આ નક્કર પુરાવો હતો. એ પછી દરરોજ હવામાન સ્થાનિકસ્તરે પ્રકાશિત કરવામાં આવે છે.'
એ પછી નૅટિવ પેસેન્જર્સ શિપિંગ ઍક્ટમાં સુધાર સૂચવ્યા મુસાફરોની યાત્રા આરામદાયક અને વધુ સલામત બને તે માટે તેમાં અનેક ભલામણો કરવામાં આવી હતી.
વીજળીના વિસર્જન વિશે સર્જન

ઇમેજ સ્રોત, Instagaram\abhinay.banker
ગુણવતંરાય આચાર્યે માલમ હાજી કાસમને કેન્દ્રમાં રાખીને નવલકથા 'હાજી કાસમ તારી વીજળી'નું સર્જન કર્યું. 'હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ...' જેવા લોકગીતોને રાષ્ટ્રીયશાયર ઝવેરચંદ મેઘાણીએ 'રઢિયાળી રાત'માં સંકલિત કર્યા છે. જેમાં યાત્રાનો ઉત્સાહ અને ઉમંગ છે તો કોડભરી કન્યાઓનો વલોપાત અને કલ્પાંત પણ છે. લોકગીતની ભાષા ઉપરથી તે કચ્છનિવાસીએ લખ્યું હોવાનું અનુમાન મૂકવામાં આવે છે.
એક પ્રત્યક્ષદર્શીની કથનીના આધારે જામનગરના કવિ દુર્લભરાય ધ્રુવે 'વીજળી વિલાપ' લખ્યું છે. એસએસ વૈતરણા અને સુરતની આગ ઉપર પુરુષોત્તમ વાઘાણીએ પણ 'વીજળી વિલાપ' નામથી જ ગીતોની પુસ્તિકા પ્રકાશિત કરાવી હતી.
પુરાતત્ત્વવિદ અને ઇતિહાસકાર યુનુસ ચીત્તલવાળાએ 'વીજળી'ની દુર્ઘટના ઉપરનાં તથ્યોને તપાસીને 'વીજળી હાજી કાસમની' નામથી પુસ્તક લખ્યું છે.
નાટ્યકાર કમલેશ મોતા 'વીજળી' પરથી ભવ્ય નાટકનું સર્જન કરવા માગતા હતા, પરંતુ એ પહેલાં તેમનું અવસાન થયું હતું. હાલમાં ગુજરાતના યુવા રંગકર્મી અભિનય બૅન્કર આ ઐતિહાસિક ઘટનાને 'હાજી કાસમ તારી વીજળી'ના નામે સંગીતમય નાટક તરીકે તખ્તા ઉપર રજૂ કરે છે.
હાજી કાસમના પરિવાર દ્વારા પીઢ દિગ્દર્શક શ્યામ બેનેગલનો સંપર્ક કરીને 'વીજળી' ઉપર ફિલ્મ બનાવવા પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તે આગળ વધી શક્યો ન હતો. આ સિવાય ફિલ્મ 'બાહુબલિ'ના ભલ્લાલદેવને 'વીજળી' પર કેન્દ્રીત ફિલ્મમાં વિજ્ઞાની તરીકે રોલ ઓફર કરવામાં આવ્યો હોવાના મીડિયામાં રિપોર્ટ પ્રકાશિત થયા હતા. યોગેશ જોષી તેની પટકથા લખવાના હતા અને ધ્વનિલ મહેતા દિગ્દર્શન કરવાના હતા.
જ્યારે કોઈ સવાલના નક્કર જવાબ ન મળે ત્યારે લોકવાયકા અને દંતકથા જન્મ લેતી હોય છે. કોણ જાણે વીજળીમાંથી વહેતો થયેલો કોઈ સંદેશ બોટલમાં દરિયાની સફર ખેડી રહ્યો હોય અને ક્યારેક કિનારે આવીને કેટલાય વણઉકલેલા સવાલોના જવાબ આપી દે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છોFacebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.Twitter પર બીબીસી ગુજરાતીને ફૉલો કરવા અહીં ક્લિક કરો.













