100 વર્ષથી ડૂબેલું જહાજ કેવી રીતે દરિયામાંથી સુરક્ષિત મળ્યું?

ઇમેજ સ્રોત, FMHT / NATIONAL GEOGRAPHIC
- લેેખક, જોનાથન એમોસ
- પદ, બીબીસી વિજ્ઞાન સંવાદદાતા
આજ દિન સુધી ડૂબી ગયેલા સૌથી મોટા એક જહાજને વિજ્ઞાનીઓને શોધી કાઢ્યું છે અને 107 વર્ષ પછી તળિયે પડેલા જહાજની વીડિયો ફિલ્મ પણ તૈયાર કરવામાં આવી છે.
ઍન્ટાર્કટિકાની મુસાફરીએ નીકળેલા સાહસિક અર્નેસ્ટ શેકલટનનું જહાજ એન્ડ્યુરન્સ દક્ષિણ ઍટલાન્ટિક મહાસાગરના ઍન્ટાર્કટિકા નજીક આવેલા વેડલ સમુદ્રના તળિયે મળી આવ્યું છે.
1915માં બરફ વચ્ચે આ જહાજ ફસાઈ ગયું હતું અને તેમાંથી બચી નીકળવા માટે શેકલટન અને તેમના સાથીઓએ પગપાળા અને પછી નાની બૉટથી હિંમત કરીને બહાર નીકળવું પડ્યું હતું.
તળિયે પડેલા જહાજનો વીડિયો ઉતારવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે જહાજ લગભગ અકબંધ રીતે તળિયે બેઠેલું છે.
એક સદી પહેલાં 3000 મીટર જેટલા ઊંડે પાણીમાં ડૂબી ગયા પછીય નવેમ્બર 1915માં તે દેખાતું હતું લગભગ તેવું જ હજી પણ દેખાઈ રહ્યું છે.
તેનાં પાટિયાં આમ તૂટી ગયાં છે, પણ હજીય એકબીજા સાથે જોડાયેલાં છે અને તેના પર લખેલું એન્ડ્યુરન્સ એવું નામ પણ હજી ચોખ્ખું વાંચી શકાય છે.
મરીન આર્કિયોલૉજિસ્ટ મેન્સન બૉન્ડ કહે છે કે "કોઈ અતિશયોક્તિ વિના કહી શકાય કે મેં આજ સુધીમાં જોયેલું લાકડાનું આ સૌથી અકબંધ રહેલું મોટું ડૂબેલું જહાજ છે."
આ શોધ સાથે સંકળાયેલા બૉન્ડ છેલ્લાં 50 વર્ષથી આવી શોધ કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા હતા અને તેમનું એ સપનું પૂરું થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "દરિયાના તળિયે તે સીધું જ પડેલું છે, અકબંધ છે અને ખૂબ સારી રીતે સચવાયેલું છે."
ફૉકલેન્ડ્સ/માલ્વિનસ મેરિટાઇમ હેરિટેજ ટ્રસ્ટ (FMHT)એ આ ગુમ થયેલા જહાજને શોધી કાઢવા માટેનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ શોધ માટે દક્ષિણ આફ્રિકાનું આઇસબ્રેકર જહાજ અગલસ IIનો ઉપયોગ થયો હતો, જે દૂરથી સબમરીન ઑપરેટ કરવાની સજ્જતા ધરાવે છે.
આ મિશનના વડા અને ધ્રુવીય પ્રદેશના સુપ્રસિદ્ધ જ્યોગ્રાફર જ્હોન શિઅર્સ છે કહે છે કે શોધ કરવા માટે અંદર ઊતરેલા કૅમેરા જહાજની તકતી પર મંડાયા તે ઘડી 'ગજબ' હતી.
તેઓ કહે છે, "તૂટેલા આ જહાજની શોધ અનોખી સિદ્ધિ છે."
"સતત સરકતા રહેતા બર્ફીલા સમુદ્રમાં માઇનસ 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં અમે કામ કરતા રહ્યા. ઘણા લોકો કહેતા હતા કે આ અશક્ય કામ છે અને અમે તે કરી બતાવ્યું."

કઈ જગ્યાએ મળ્યું ડૂબેલું જહાજ?

ઇમેજ સ્રોત, FMHT / NATIONAL GEOGRAPHIC
વેડલ સીના 10,000 ફૂટ નીચે તળિયે એન્ડ્યુરન્સ પડેલું મળી આવ્યું છે.
અગાઉથી સુનિશ્ચિત કરાયેલા વિસ્તારમાં બે અઠવાડિયાં સુધી સબમરીન સાધનો અંદર ઉતારીને શોધખોળ ચાલી રહી હતી.
અલગઅલગ ટાર્ગેટ નક્કી કરીને શોધ થઈ રહી હતી અને આખરે તે મળી આવ્યું. શેકલટનની અંતિમક્રિયાને બરાબર 100 વર્ષ થયાં ત્યારે આ શોધ થઈ.
જહાજ મળી આવ્યું તે પછી તેની ચારે બાજુથી વિસ્તૃત ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવામાં આવી છે. આસપાસનાં લાકડાં અને કાટમાળની પણ દસ્તાવેજી તસવીરો લેવામાં આવી છે.
ઇન્ટરનેશનલ ઍન્ટાર્કટિકા ટ્રીટી હેઠળ આ તૂટેલું જહાજ આમ એક પ્રકારનું સ્મારક ગણાય છે એટલે તેને યથાસ્થિતિમાં જ રાખવાનું રહે છે. તેથી તેની કોઈ સાધનસામગ્રી કે નમૂનાને બહાર કાઢવામાં આવ્યાં નથી.

સબમરીન ઉપકરણોને શું જોવા મળ્યું?

ઇમેજ સ્રોત, FMHT / NATIONAL GEOGRAPHIC
શેકલટનની ટીમના કૅમેરામૅન ફ્રેન્ક હર્લીએ છેલ્લે 1915માં એન્ડ્યુરન્સ જહાજની તસવીર લીધી હતી. આજે તળિયે બેઠેલું જહાજ પણ લગભગ એવું ને એવું જ રહ્યું છે.
તેના માસ્ટ્સ તૂટી ગયા અને બીજું થોડું નુકસાન થયું છે, જહાજના બૉને કેટલું નુકસાન થયેલું છે, જે જહાજ નીચે તળિયે જઈને અથડાયું ત્યારે થયેલું હશે. જહાજનાં લંગર પણ એમ જ છે. સબમરીન ઉપકરણોએ વીડિયોગ્રાફી કરી તેમાં અમુક બૂટ અને ક્રોકરી પણ જોવા મળ્યાં છે.
મેન્સન બૉન્ડ કહે છે કે સ્ટર્ન પર વળાંકદાર રીતે એન્ડ્યુરન્સ એવું મોટા અક્ષરે કોતરાયેલું છે તે પણ તમે જોઈ શકો છો. જહાજનું મૂળ નામ પોલારિસ હતું તેનું પ્રતીક પેન્ટાગ્રામ પણ ત્યાં નીચેની બાજુમાં દેખાય છે.
તેઓ ઉમેરે છે, "એ સ્ટાર અને તેના પર લખેલું નામ તમે જુઓ અને તમે લાગણીભીના ન થાઓ તો પથ્થરહૃદય જ કહેવાય."
"શેકલટનની કૅબિન હતી તે પણ દેખાય છે. એવું લાગે કે એ મહાન સાહસિક જાણે તમારી નજીકમાં જ ઊભા છે."

જહાજ પર કેવી સમુદ્રી દુનિયા જામી ગઈ છે?

ઇમેજ સ્રોત, spri/cambridge university
તળિયે પડ્યું હોવાથી અનેક પ્રકારના સમુદ્રી જીવો માટે તે આશ્રય બની ગયું છે. જોકે તેમાં એવા જીવો નથી કે સમુદ્રનાં લાકડાં વગેરે જેવા માળખાને કોતરી ખાઈને નુકસાન કરે.
યુકેની સસેક્સ યુનિવર્સિટીના ધુર્વીય સમુદ્રમાં ઊંડાણમાં રહેલી જીવસૃષ્ટિના અભ્યાસુ મિશન ટેલર કહે છે, "એવું લાગે છે કે લાકડું બહુ ખવાઈ ગયું નથી. તેના પરથી એવું લાગે છે કે સામાન્ય રીતે સમુદ્રમાં બીજે જોવા મળતા અને લાકડું કોતરી ખાતા જીવો ઍન્ટાર્કટિકાના બર્ફીલા પાણીમાં થતા નથી."
તળિયે બેઠેલા આ જહાજ પર અનેક પ્રકારના જીવો રહેતા થઈ ગયા છે, જેમાં જુદા જુદા પ્રકારના જીવો તથા સ્ટારફિશ વગેરે પણ જોવાં મળે છે.

આ જહાજ કેમ અગત્યનું હતું?

ઇમેજ સ્રોત, FMHT/NATIONAL GEOGRAPHIC
તેનાં બે કારણો છે.
એક કારણ આ જહાજની યાત્રાની કથા - શેકલટન ઇમ્પિરિયલ ટ્રાન્સઍટલાન્ટિક એક્સપિડિનની કથા. તેઓ સૌપ્રથમ વાર ઍન્ટાર્કટિકાની ભૂમિ પર ઊતરવા માટેના સાહસિક અભિયાન પર નીકળ્યા હતા. જહાજ આગળ વધતું ગયું, પરંતુ તે પછી બર્ફીલા સમુદ્રમાં ફસાઈ ગયું અને ચારે બાજુ બરફના થર વચ્ચે ભીંસાવા લાગ્યું હતું.
ચારે બાજુ બરફની વચ્ચે જહાજ ફસાઈ ગયું તે પછી હવે સૌને બચાવવાના હતા. શેકલટન અને સાથીઓ જેમ તેમ કરીને ફસાયેલા જહાજમાંથી બહાર નીકળી શક્યા હતા. મૂળ એન્ગ્લો-આઇરીશ એવા શેકલટન લાઇફબૉટ લઈને જામી ગયેલા બરફની સપાટી પર આગળ વધીને નીકળ્યા હતા, જેથી અન્ય કોઈની મદદ મેળવી શકાય.
જહાજના મહત્ત્વનું બીજું કારણ આ તૂટેલા જહાજના કાટમાળને શોધી કાઢવાના પડકારનું હતું.

ઇમેજ સ્રોત, FMHT / NATIONAL GEOGRAPHIC
વેડલ સીમાં સતત બરફ છવાયેલો રહે છે અને આવા બરફની વચ્ચે ફસાઈને જ એન્ડ્યુરન્સનું પડખું તૂટી ગયું હતું.
કઈ જગ્યાએ જહાજ ફસાયું હશે અને પછી ડૂબી ગયું હશે તેનું અનુમાન લગાવીને તેની શોધ કરવી બહુ મુશ્કેલ હતી. સારું હવામાન હોય ત્યારે પણ દરિયાના તળિયે તપાસ કરવી મુશ્કેલ હોય છે અને તેના કારણે જ FMHT મિશનની સફળતા મોટી ગણાય છે.
જોકે ગયા મહિને ઍન્ટાર્કટિકા સમુદ્રમાં સૌથી ઓછો બરફનો થર નોંધાયો છે. સેટેલાઇટથી તસવીરો લેવાનું 1970ના દાયકાથી શરૂ થયું તે પછીના સમયગાળામાં આ સૌથી ઓછો બરફનો થર હતો. અને અણધારી રીતે તળિયે તપાસ કરવા માટે સાનુકૂળ વાતાવરણ ઊભું થયું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
અગલસ જહાજે આખરે કાટમાળ શોધ્યો અને તેની વીડિયોગ્રાફી કરાઈ છે. ગત શનિવારે આ શોધ થઈ તે પછી મંગળવારે જહાજ પરત આવવા નીકળ્યું. આ આઇસબ્રેકર જહાજ તેના વતનના પોર્ટ કેપ ટાઉન પહોંચશે.
વળતી મુસાફરી દરમિયાન દક્ષિણ જ્યૉર્જિયાની બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરીની પણ મુલાકાત લેવાશે તેવો કાર્યક્રમ છે. આ જ જગ્યાએ શેકલટનને દફનાવાયા છે.
સિઅર્સ કહે છે કે "અમે ત્યાં જઈને 'બૉસ'ને શ્રદ્ધાંજલિ આપવા માગીએ છીએ." શેકલટનને સાથીઓ બૉસ તરીકે બોલાવતા હતા.
(તૂટેલા જહાજની તસવીરો- સૌજન્ય FMHT અને નેશનલ જ્યોગ્રાફિક)


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












