સમુદ્રયાન: દરિયાના પેટાળમાં 6 હજાર મીટર ઊંડે સબમરીન મોકલશે ભારત, શું છે આ નવું મિશન?

ઇમેજ સ્રોત, NIOT/GETTY IMAGES
- લેેખક, જ્હાનવી મૂળે
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતે સમુદ્રના પેટાળનાં રહસ્યો ઉકેલવા માટે હવે એક સમુદ્રી અભિયાનની યોજના બનાવી છે અને તે યોજના હેઠળ એક સબમરીન બહુ જલદી ત્રણ ભારતીયોને ઊંડા સમુદ્રમાં લઈ જશે. આ સબમરીનનું નામ મત્સ્ય 6000 છે.
અવકાશી મિશનો ચંદ્રયાન, આદિત્ય એલ-1 અને ગગનયાનની જેમ જ આ ભારતની એક મહત્ત્વાકાંક્ષી યોજના છે.
જૂજ દેશો મનુષ્યોને સમુદ્રમાં આટલી ઊંડાઈ સુધી લઈ જવામાં સફળ નીવડ્યા છે. એવામાં જો આ અભિયાન સફળ નીવડે તો ભારત એ અમેરિકા, રશિયા, જાપાન, ફ્રાન્સ અને ચીનની હરોળમાં આવી જશે.
ચેન્નઇ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશન ટેકનૉલૉજીએ આ પરિયોજના બનાવી છે અને ઇસરોએ પણ આ મિશનમાં ઘણું યોગદાન આપ્યું છે.
આ મિશનનો સામાન્ય ઉદ્દેશ્ય સમુદ્રમાં છ કિલોમીટરની ઊંડાઈએ પહોંચીને અધ્યયન કરવું, ત્યાંની જૈવ વિવિધતાનું નિરીક્ષણ કરવું અને ત્યાં ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ ભારતનાં વિકાસ માટે કરવો વગેરે છે.
ભારતના કેન્દ્રીય ‘અર્થ સાયન્સ’ મિનિસ્ટર કિરેન રિજિજુએ 11 સપ્ટેમ્બર, 2023ના રોજ ચેન્નઈમાં એનઆઈઓટીના મુખ્યાલયની મુલાકાત લીધા પછી સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ભારત આ મિશન માટે તૈયાર છે.
"સબમરીન દરિયાઈ જીવસૃષ્ટિને ખલેલ પહોંચાડશે નહીં. પરંતુ આ મિશન વડા પ્રધાન મોદીના બ્લુ ઈકોનૉમીનાં લક્ષ્યોને મજબૂત બનાવશે."
ટૂંકમાં, ભારત 'ગગનયાન' દ્વારા અવકાશમાં અને 'સમુદ્રયાન' દ્વારા સમુદ્રમાં એક સાથે માનવ મિશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સમુદ્રયાન શું છે?

ઇમેજ સ્રોત, @ESSO_INCOIS
સમુદ્રયાન પ્રૉજેક્ટ એ ભારત સરકારના ડીપ ઓશન મિશનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જે ઊંડા સમુદ્રનો અભ્યાસ કરવાનું એક મિશન છે.
એનઆઈઓટી હાલમાં ડીપ ઓશન મિશનનો અમલ કરી રહી છે જેનો કુલ ખર્ચ રૂ. 4,077 કરોડ થશે.
આ મિશન હેઠળ, એનઆઇઓટીએ અગાઉ ડિસેમ્બર 2022માં મધ્ય હિંદ મહાસાગરમાં સાગર નિધિ નામનું જહાજ મોકલ્યું હતું.
આ જહાજ પર હાજર રૉબોટિક સબમરીન OMe 6000 AUV (ઓશન મિનરલ એક્સપ્લોરર) 5,271 મીટરની ઊંડાઈએ ગઈ હતી અને ત્યાં કાચી ધાતુ મેંગેનીઝ શોધી કાઢી હતી.
હવે આ મિશનના નવા તબક્કામાં એક નાની ~ટોમેટિક સબમરીન એટલે કે સબમર્સિબલ એ ત્રણ ભારતીયોને લઈને સમુદ્રના ઊંડાણમાં જશે. આ પ્રોજેક્ટને સમુદ્રયાન તરીકે પણ ઓળખવામાં આવે છે.
સમુદ્રયાન મિશન વિશે પ્રારંભિક વિચારણા 2019માં જ શરૂ થઈ ગઈ હતી. તેના પર કામ 2020માં શરૂ થયું હતું અને 2025-26 સુધીમાં સબમરીનને ખરેખર ઊંડા સમુદ્રમાં મોકલવામાં આવશે.
માછલી માટે વપરાતા સંસ્કૃત શબ્દના આધારે આ સબમરીનનું નામ મત્સ્ય 6000 રાખવામાં આવ્યું છે.

મત્સ્ય 6000ની વિશેષતા શું છે?

ઇમેજ સ્રોત, @KIRENRIJIJU
મત્સ્ય 6000 નામ એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે આ સબમરીન દરિયામાં છ હજાર મીટર (છ કિલોમીટર)ની ઊંડાઈ સુધી જશે.
છ કિલોમીટરની ઊંડાઈએ પાણીનું દબાણ છસ્સો ગણું વધારે હોય છે. તેનો સામનો કરવા માટે આ સબમરીનને ટાઇટેનિયમ મિશ્રધાતુનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.
2.1 મીટર વ્યાસની સબમરીન એકસાથે ત્રણ લોકોને સમાવી શકે છે, જેમાં એક ઑપરેટર અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે.
આ એક ઑટોમેટિક સબમરીન છે જે 12 કલાક પાણીની અંદર રહી શકે છે.
પરંતુ ઈમરજન્સીનો સામનો કરવા માટે તેમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે આ સબમરીનમાં 96 કલાક સુધી ઑક્સિજન સપ્લાય ચાલુ રહેશે.
આ સબમરીનને તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મદદથી વિકસાવવામાં આવી છે. આ સબમરીનનું પરીક્ષણ અલગ-અલગ તબક્કામાં ચાલી રહ્યું છે.

આ સમુદ્રયાત્રા કેમ મહત્ત્વપૂર્ણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મત્સ્ય 6000 સબમરીન વિવિધ વૈજ્ઞાનિક સાધનો સાથે એવી સંચાર પ્રણાલીથી સજ્જ છે જે અવલોકનો રેકૉર્ડ કરી શકે છે. વધુમાં, સબમરીનમાં ટીમ સમુદ્રના તળનો સીધો અભ્યાસ કરી શકે છે.
આ સાધન સમુદ્રમાં નિકલ, કોબાલ્ટ, મેંગેનીઝ, હાઇડ્રોથર્મલ સલ્ફાઇડ અને અન્ય દુર્લભ ખનીજોની શોધમાં મદદ કરશે.
આ ઉપરાંત આ વિસ્તારમાં દરિયાઈ પ્રવાહો અને જૈવવિવિધતાના અભ્યાસની દૃષ્ટિએ પણ આ અભિયાન મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
સબમરીન મિશન દ્વારા ભારત તેની દરિયાઈ તાકાત સાબિત કરી શકશે. તેમજ કેન્દ્રીય અર્થ સાયન્સ મિનિસ્ટ્રીએ આશા વ્યક્ત કરી છે કે આ અભિયાન લોકોના મનમાં સમુદ્ર વિશે જાગૃતિ લાવવામાં મદદ કરશે.
ભારતના દરિયાઈ મિશનની શરૂઆત 1980ના દાયકામાં થઈ હતી. ત્યારબાદ ભારતે અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં ખનીજ ભંડારો શોધવા માટે અભિયાનોની યોજના બનાવી.
પરંતુ હવે પ્રથમ વખત લોકોને અભ્યાસ કરવા માટે સમુદ્રમાં આટલા ઊંડાણમાં મોકલવામાં આવશે.
મરીન બાયોલૉજિસ્ટ ડૉ. અભિષેક સાટમ કહે છે, “અત્યાર સુધી ભારતમાં સમુદ્રનો અભ્યાસ કરવા માટે કરવામાં આવેલાં તમામ અભિયાનો મુખ્યત્વે સ્કુબા ડાઇવિંગ પર આધારિત હોય છે. સ્કુબા ડાઇવિંગ પણ ખર્ચાળ છે. તેથી માત્ર થોડી સંસ્થાઓને જ તે પરવડી શકે છે.”
“એકવાર તમે સ્કુબા ડાઇવિંગ દરમિયાન ઑક્સિજન સિલિન્ડર સાથે પાણીની અંદર જાઓ, તમે સામાન્ય રીતે ફક્ત 45 મિનિટથી એક કલાક સુધી ત્યાં રહી શકો છો. આવા ડાઇવિંગ દિવસમાં માત્ર બે વાર કરી શકાય છે, કારણ કે જ્યારે વ્યક્તિ પાણીની નીચે જાય છે, ત્યારે તેના શરીરમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય છે અને પછી તેના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે."
ટૂંકમાં, સ્કુબા ડાઇવિંગ કરતી વખતે અભ્યાસ માટે ઓછો સમય મળે છે અને વ્યક્તિ વધુ ઊંડાણમાં જઈ શકતો નથી. તેથી સબમરીનની મદદથી પાણીની અંદર અભ્યાસ કરવો તે હકીકતમાં વધુ યોગ્ય છે.

સમુદ્રનો અભ્યાસ કેમ કરવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
પૃથ્વીનો 70 ટકાથી વધુ ભાગ મહાસાગરોથી ઢંકાયેલો છે. ઊંડા મહાસાગરોનો લગભગ 80 ટકાથી વધુ ભાગ હજુ એવો છે જે મનુષ્યો માટે અજ્ઞાત છે.
તેથી જ વિજ્ઞાન ક્ષેત્રનાં લોકો જેટલા અવકાશ વિશે ઉત્સુક છે એટલા જ તેઓ સમુદ્ર વિશે ઉત્સુક છે. પરંતુ વૈજ્ઞાનિક જિજ્ઞાસાથી દૂર તેના વ્યૂહાત્મક કારણો પણ છે.
યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઑન ધ લો ઓફ ધ સી મુજબ, કોઈપણ દેશના દરિયાકિનારાથી 200 નૉટિકલ માઈલ (230 માઈલ અથવા 370 કિલોમીટર)નો વિસ્તાર તે દેશના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) તરીકે ઓળખાય છે.
આ ઇઇઝેડની અંદર આવતો સમુદ્ર વિસ્તાર, તેના સંસાધનો અને જીવન પર એક દેશનો અધિકાર મનાય છે.
ભારતનો દરિયાકિનારો સાડા સાત હજાર કિલોમિટરથી વધુ લાંબો છે અને ભારતનું વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર-ઇઇઝેડ એ 23 લાખ પાંચ હજાર 143 ચોરસ કિલોમિટર છે.
પરંતુ સમુદ્રનો આ મોટો ભાગ એવો છે કે જેનો હજુ સુધી વધુ અભ્યાસ કરવામાં આવ્યો નથી.
પછી એ બૉમ્બે હાઇ જેવા તેલના કૂવાઓ હોય કે મહાસાગર ખોજ મિશનો, મોટાભાગની પરિયોજનાઓ આ ‘મહાદ્વિપીય શેલ્ફ’ પર સ્થિત છે.
‘મહાદ્વિપીય શેલ્ફ’ એ દરિયાકાંઠાની નજીક આવેલો પ્રમાણમાં છીછરો વિસ્તાર છે. પરંતુ સમુદ્રયાન મિશન તેનાથી પણ આગળ અભ્યાસ કરવા જઈ રહ્યું છે.
મહાસાગરો માત્ર ખનીજ સંસાધનો માટે જ નહીં પરંતુ જૈવવિવિધતા અને આબોહવા પરિવર્તન સામે લડવા માટે પણ મહત્ત્વપૂર્ણ છે.
કાર્બન ઉત્સર્જન દ્વારા પૃથ્વી પર ઉમેરાતી લગભગ 90 ટકા ગરમી મહાસાગરો દ્વારા શોષાય છે.
અલબત્ત તેનાં પરિણામો પણ દેખાવાં લાગ્યાં છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં, જ્યાં કૃષિ અને અર્થતંત્ર ચોમાસા પર નિર્ભર છે અને ચોમાસું એ વળી એક રીતે સમુદ્ર પર નિર્ભર છે.
દેખીતી રીતે જ ભારત માટે સમુદ્રનો અભ્યાસ મહત્વપૂર્ણ છે.














