બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટના: સાત અઠવાડિયાં બાદ પણ હજુ જહાજમાં કેમ ફસાયેલા છે ભારતીય ક્રૂ મેમ્બર્સ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બર્ન્ડ ડિબમાન જૂનિયર
- પદ, બીબીસી ન્યૂઝ, વૉશિંગટન
હાલમાં જ જ્યારે ડાલી નામના જહાજને તૂટી ગયેલા બ્રિજના ભંગારમાંથી બહાર કાઢવા માટે નિયંત્રિત વિસ્ફોટો કરવામાં આવ્યા હતા ત્યારે બે ડઝન જેટલા ક્રૂ મેમ્બર્સ આ સમયે જહાજમાં હાજર હતા.
એક જ સમયે એક સાથે કરવામાં આવેલા વિસ્ફોટોને કારણે બાલ્ટીમોરના જાણીતા ફ્રાંસિસ સ્ટૉટ પુલના ટુકડાઓ પણ મૅરીલૅન્ડની પટાપ્સ્કો નદીમાં વહી ગયા હતા. આ જહાજની સાત અઠવાડિયા પહેલાં બ્રિજ સાથે અથડામણને કારણે છ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
વહીવટીતંત્ર અને ક્રૂ મેમ્બર્સને આશા છે કે આ વિસ્ફોટો એક લાંબી પ્રક્રિયાના અંતની શરૂઆત છે. તેમનું માનવું છે કે આ જહાજ પર હાજર 21 લોકો હજારો કિલોમીટર દૂર પોતાના ઘરે જઈ શકશે.
જોકે, એ સ્પષ્ટ નથી કે આ લોકો પોતાના ઘરે ક્યારે જઈ શકશે.
298 મીટર લાંબા જહાજ ડાલીએ બાલ્ટીમોરથી શ્રીલંકા તરફ જવા માટે 27 દિવસની યાત્રાની શરૂઆત કરી હતી. જોકે, આ જહાજ યાત્રાની શરૂઆતમાં જ ફ્રાંસિસ સ્કૉટ બ્રિજ સાથે અથડામણને કારણે ફસાઈ ગયું હતું. આ કારણે હજારો ટન સ્ટીલ અને સિમેન્ટ પણ પટાપ્સ્કો નદીમાં વહી ગયા હતા.
એનટીએસબીની શરૂઆતી તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે આ ઘટના પહેલાં જહાજ પર બે વખત બ્લૅકઆઉટ થયું હતું. આ કારણે જહાજનાં કેટલાંક ઉપકરણો કામ કરતા બંધ થઈ ગયા હતા. રિપોર્ટમાં જાણ કરવામાં આવી છે કે દુર્ઘટનાના 10 કલાક પહેલાં જહાજમાં બે વખત વીજળી કપાઈ હતી.
જહાજ પર હાજર ક્રૂ મેમ્બર્સમાં 20 ભારતીય અને એક શ્રીલંકાના નાગરિક છે. આ લોકો વિઝા સંબંધિત પ્રતિબંધ, કોઈ તટ પર ઊતરવા માટે જરૂરી પાસ ન હોવાને કારણે જહાજથી ઊતરી ન શક્યા.
વહીવટી તંત્રએ જ્યારે સોમવારે ફસાયેલા જહાજને કાઢવા માટે નાના વિસ્ફોટો કરાવ્યા ત્યારે પણ ક્રૂ મેમ્બર્સ જહાજ પર રહ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના કોસ્ટ ગાર્ડ ઍડમિરલ સૅનન ગિલરીથે આ નિયંત્રિત વિસ્ફોટો પહેલાં કહ્યું હતું કે જહાજના ક્રૂ મેમ્બર્સ ફાયર ક્રૂ સાથે જહાજના ડેકની નીચે રહેશે.
ઍડમિરલ ગિલરીથે કહ્યું કે તે જહાજનો ભાગ છે. જહાજને ચાલુ રાખવા માટે તેમની હાજરી જરૂરી છે.
જહાજ આ અઠવાડિયે બહાર નીકળશે તેવી આશા રાખવામાં આવી રહી છે. જોકે, એ વાત સ્પષ્ટ નથી કે જહાજને 3.7 કિલોમીટર દૂર આવેલા તટ પર ક્યારે લઈ જવામાં આવશે.
દુ:ખદ સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જહાજ પર હાજર ક્રૂ મેમ્બર્સ સાથે જે લોકો સંપર્કમાં છે, તેમાં જોશુઆ મેસિક પણ સામેલ છે. મેસિક બાલ્ટીમોર ઇન્ટરનેશનલ સીફેયરર્સ સેન્ટરના ઍક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર છે. આ બિનસરકારી સંસ્થા મરીનર્સના અધિકારો માટે અવાજ ઉઠાવે છે.
મેસિકે જણાવ્યા પ્રમાણે એફબીઆઈએ તપાસ માટે ક્રૂ મેમ્બર્સના મોબાઇલ ફોન કબજે કરી લીધા હતા. આ કારણે ક્રૂ મેમ્બર્સ બહારની દુનિયાથી એકદમ વિખૂટા પડી ગયા હતા.
તેમણે કહ્યું, "તેઓ ઑનલાઇને બૅન્કિંગનો ઉપયોગ કરી શકતા નહોતા. તેઓ પોતાના ઘરના બિલ ભરી શકતા નથી. તેમની પાસે પોતાનો ડેટા અથવા ફોન નંબર પણ નથી. આ લોકો વાસ્તવિક રૂપે અલગ-થલગ પડી ગયા છે."
"તેઓ પોતાના સંબંધીઓ સાથે વાત નથી કરી શકતા અને સૂતા પહેલાં પોતાનાં બાળકોની તસવીર પણ જોઈ શકતા નથી. આ સાચે જ દુ:ખદ સ્થિતિ છે."
જહાજ પર હાજર ક્રૂ મેમ્બર્સની આ દુર્દશાએ આ લોકોનું પ્રતિનિધિત્વ કરનાર બે યુનિયનોનું પણ ધ્યાન ખેંચ્યું છે, જેમા સિંગાપુર મૅરીટાઇમ ઑફિસર યુનિયન અને સિંગાપુર ઑર્ગનાઇઝેશન ઑફ સીમૅન સામેલ છે.
આ યુનિયનોએ 11 મેના રોજ એક નિવેદનમાં આ યુનિયનોએ કહ્યું કે ભાવનાત્મક તકલીફ અને ફોજદારી કાર્યવાહીની બીકને કારણે લોકોનું મનોબળ ઘટ્યું છે.
આ નિવેદનોમાં ક્રૂ મેમ્બર્સના ફોનને પાછા આપવાની માંગણીઓ પણ કરી છે. આ નિવેદન પ્રમાણે પરિવારના સભ્યો સાથે વાતચીત બંધ થવાને કારણે ક્રૂ મેમ્બર્સને ઘણી તકલીફો થઈ રહી છે.
સીફેયરર્સ ઇન્ટરનેશનલ યુનિયનના અધ્યક્ષ ડેવ હિન્ડેલે કહ્યું, "તપાસ કેટલી પણ લાંબી ચાલે, ક્રૂ મેમ્બર્સના અધિકાર અને હિતોનું ઉલ્લંઘન ન થવું જોઈએ."
તેમણે કહ્યું, "અમે માગણી કરીએ છીએ કે અધિકારીઓ એ વાતનું ધ્યાન રાખે કે જહાજ પર રહેતા ક્રૂ મેમ્બર્સ પોતાના કામ અને બિલ ભરવા માટે મોબાઇલનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ક્રૂ મેમ્બર્સ પોતાના પરિવારોને ઘર ચલાવવા માટે રૂપિયા પણ ફોનથી જ મોકલે છે. ક્રૂ મેમ્બર્સ મહત્ત્વની વસ્તુના અભાવને કારણે હતાશ છે."
બાલ્ટીમોરથી આવતા જહાજો પર નજર રાખતા એક પ્રોગ્રામ ઍપોસ્ટલશિપ ઑફ સી ચલાવનાર ઍન્ડ્ર્યૂ મિડલટને બીબીસીને કહ્યું કે તેમણે બે અઠવાડિયાં પહેલાં ક્રૂ મેમ્બર્સ સાથે મુલાકાત કરી હતી અને ચિંતા હોવા છતાં એક સકારાત્મકતા જોવા મળી હતી.
તેમણે કહ્યું, "અમે એક વખત તેમનું નામ પૂછ્યું અને જાણવાનો પ્રયત્ન કર્યો કે તેઓ ભારતના કયા વિસ્તારમાંથી આવે છે. તેમની સાથે વાત કરી કે શું તેમનાં લગ્ન થયાં છે કે તેમનાં બાળકો છે? ત્યાર પછી અમને સફળતા મળી અને તેઓ એક-બીજા સાથે મજાક મશ્કરી કરવા લાગ્યા. ક્રૂ મેમ્બર્સનું ધ્યાન આ ચિંતાજનક ઘટનાક્રમથી હટાવવા માટે અમે ઘણા પ્રયત્નો કર્યા હતા."
આગળ શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
મેસિકે જણાવ્યું કે જહાજ પર હાજર લોકોને હાલમાં સિમ કાર્ડ અને મોબાઇલ ફોન આપવામાં આવ્યા છે, જેમાં ઇન્ટરનેટની સુવિધા નથી.
કેટલાક કમ્યુનિટી ગ્રૂપ અને લોકોએ ખાવા-પીવાની વસ્તુઓ અને રજાઈ પણ પહોંચાડી હતી.
બીબીસીએ ડાલી અને પુલ પડ્યા પછી સરકારી કાર્યવાહી પર નજર રાખનાર યૂનિફાઇડ કમાન્ડ સાથે સંપર્ક કર્યો હતો. જેથી એ સ્પષ્ટ થઈ શકે કે ક્રૂ મેમ્બર્સ ક્યારે જહાજમાંથી બહાર નીકળી શકશે અને ક્યારે તેમને ઘરે પાછા મોકલવામાં આવશે.
વિલસને કહ્યું, "અમારી ક્ષમતા પ્રમાણે તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખવાની કોશિશ કરીએ છીએ. ભારતમાં બનતા ભોજન પણ મોકલવામાં આવે છે જેથી ત્યાં રસોઈ બનાવતા લોકોને આરામ મળી શકે."
તમામ ધર્મગુરુ જહાજ પર હાજર ક્રૂ મેમ્બર્સની સેવા કરવાની સાથે-સાથે તેમને ભાવનાત્મક સમર્થન પણ આપી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે આ અમારા માટે ખૂબ જ નાની વાત છે, પરંતુ અમને હિમ્મત મળે છે.
જોકે, તેમણે એ ન જણાવ્યું કે ક્રૂ મેમ્બર્સ જહાજ ક્યારે છોડી શકશે. વિલસને કહ્યું કે તપાસ થઈ રહી છે અને જહાજને આ લોકોથી સૌથી વધારે કોઈ ઓળખતુ નથી. આ લોકો જહાજના સંચાલનનો અભિન્ન અંગ છે.
મેસિકે જણાવ્યું, "અમને આશા છે કે જહાજ શિપિંગ ચેનલથી બહાર નીકળશે ત્યારે જ તેઓ ઇમોશનલ સપોર્ટ આપવા માટે જહાજ પર જઈ શકશે."
તેમનું માનવું છે કે ક્રૂ મેમ્બર્સના નાના ગ્રૂપ, કદાચ પાંચ-પાંચ લોકોના નાના ગ્રૂપને કોઈ તટ પર ઉતરવા માટે જરૂરી પાસ મળી જશે. જોકે, તેમની પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ રહેશે.
ઉદાહરણ રૂપે, બની શકે કે તેઓ જ્યારે તટીય વિસ્તારોમાં રહે તો તેમની સાથે કોઈ સુરક્ષા અધિકારીને પણ સાથે રાખવા પડે.
મેસિકે કહ્યું, "હું એ જાણવાની કોશિશ કરી રહ્યો છું કે જહાજ પર હાજર લોકો શું કરવા માંગે છે. હું નથી ઇચ્છતો કે તેઓ એ વસ્તુઓમાં ફસાય જે તેમને પસંદ નથી. મેં આ માટે એક સ્થાનિક ક્રિકેટ ક્લબ સાથે સંપર્ક કરીને પૂછ્યું છે કે શું કોઈ મૅચ આયોજિત કરી શકાય છે."
મેસિકે જણાવ્યું કે ક્રૂ મેમ્બર્સના કેટલાક સભ્યો જેમ કે જહાજનાં કૅપ્ટને શાંત મને પ્રાકૃતિક જગ્યા પર બેસવા માગે છે.
તેમણે કહ્યું કે અમે બસ તેમને ખુલ્લી હવામાં શ્વાસ લેવામાં મદદ કરવા ઇચ્છીએ છીએ. તેઓ આખો સમય જહાજમાં બંધ છે. તેમણે પણ તે સ્વતંત્રતાનો આનંદ લેવો જોઇએ, જે આનંદ આપણે રોજ લઈએ છીએ.












