16,000 ફૂટ ઊંચે હવામાં વિમાનનો એક ભાગ તૂટી ગયો, બારી પડી ગઈ, મુસાફરોનું શું થયું?

ઇમેજ સ્રોત, REUTERS
- લેેખક, કેથરીન આર્મસ્ટ્રોંગ અને થૉમસ મૅકિન્ટૉશ
- પદ, બીબીસી ન્યૂઝ
અમેરિકામાં બોઇંગ 737 મૅક્સ 9 વિમાનનો એક ભાગ હજારો ફૂટ ઊંચે હવામાં તૂટી પડતાં તેનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવું પડ્યું.
અમેરિકાની અલાસ્કા ઍરલાઇન્સનું વિમાન પોર્ટલૅન્ડથી ઑન્ટારિયો જઈ રહ્યું હતું.
વિમાનનો એક ભાગ હવાના દબાણને કારણે તૂટીને અલગ થઈ ગયો હતો. આ કારણે વિમાન કટોકટીની સ્થિતીમાં પોર્ટલૅન્ડ પરત ફર્યું હતું.
અલાસ્કા ઍરલાઇન્સના બોઇંગ 737 મૅક્સ 9 વિમાનની કેલિફોર્નિયાની ફ્લાઇટને ઉડ્ડાણ ભરીને હજુ 35 મિનિટ જ થઈ હતી કે જ્યારે એક બારી સહિતનો બહારનો ભાગ તૂટી ગયો હતો.
આ ઘટના બાદ અલાસ્કા ઍરલાઇન્સે તેનાં તમામ 65 'બોઇંગ 737 મેક્સ 9' ઍરક્રાફ્ટને 'અસ્થાયી રૂપે' ઊડતાં અટકાવી દીધાં છે.
અલાસ્કા ઍરલાઇન્સે કહ્યું છે કે તે આ તમામ વિમાનોની તપાસ કરશે ત્યારબાદ જ તેમને ઊડવાની મંજૂરી આપવામાં આવશે.
અમેરિકાની ફેડરલ એવિએશન એજન્સીએ કહ્યું કે ક્રૂએ દબાણની સમસ્યાની જાણ કરી હતી ત્યાર પછી વિમાન સુરક્ષિત પાછું ફર્યું હતું.
અલાસ્કા ઍરલાઇન્સે જણાવ્યું કે આ વિમાનમાં 177 મુસાફરો અને ક્રૂના સભ્યો હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્લેન બનાવનાર કંપની બોઇંગે કહ્યું કે 'કંપની આ ઘટનાથી અવગત છે અને તેના વિશે વધારે માહિતી મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ અને અમારી ટેકનિકલ ટીમ કોઈ પણ તપાસમાં મદદ કરવા તૈયાર છે.'
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ્સ ફ્લાઇટવેર અને ફ્લાઇટ રડાર 24 અનુસાર, પ્લેન બોઇંગ 737 મેક્સ 9 હતું.
અલાસ્કા ઍરલાઇન્સે જણાવ્યું હતું કે આ ઘટના પ્રસ્થાનના થોડા સમય બાદ બની હતી અને વિમાન પોર્ટલૅન્ડમાં સુરક્ષિત રીતે પાછું ઊતરી ગયું હતું.
ઍરલાઇન્સે જણાવ્યું હતું કે, "આ પ્રકારની ઘટના દુર્લભ છે. જો કે અમારા ફ્લાઇટ ક્રૂને આ પ્રકારની સ્થિતી માટે તાલીમ આપવામાં આવી હતી અને પરિસ્થિતિને સુરક્ષિત રીતે સાચવી લેવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા".
ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર વિમાન 16,000 ફૂટ (4,876 મી) કરતાં વધુ ઊંચાઈએ ઊડી રહ્યું હતું જ્યારે ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવું પડ્યું હતું.
વિમાનની બારી અને ઇન્સ્યુલેશનનો ભંગાર દેખાવા લાગ્યો

ઇમેજ સ્રોત, ELIZEBETH/CBSNEWS
મીડિયાને મોકલવામાં આવેલી તસવીરોમાં ઍરક્રાફ્ટના ફ્યુઝલેજમાંથી રાત્રિનું આકાશ દૃશ્યમાન છે, જેમાં ઇન્સ્યુલેશન સામગ્રી અને અન્ય ભંગાર પણ જોવા મળે છે.
અન્ય તસવીર અસરગ્રસ્ત વિભાગની સૌથી નજીકની સીટ દર્શાવે છે. મુસાફરોએ કહ્યું કે તે વિન્ડો સીટ ખાલી હતી અને તે ગાદી વગર આગળ ઝુકેલી હતી.
તસવીરો અનુસાર અસરગ્રસ્ત વિસ્તાર વિમાનના પાછળના ત્રીજા ભાગમાંં પાંખ અને ઍન્જિનની પાછળ હતો.
વિમાનમાં ફ્યુઝલેજનો વિભાગ એવો વિસ્તાર છે કે જેનો ઉપયોગ કેટલીક ઍરલાઇન્સ કંપનીઓ દ્વારા વધારાના ઇમર્જન્સી ઍગ્ઝિટ એટલે કે કટોકટી નિકાસ દ્વાર તરીકે થઈ શકે છે, પરંતુ અલાસ્કા એરલાઇન્સમાં આવું નથી.
અમેરિકાના નેશનલ ટ્રાનસ્પોર્ટ સેફ્ટી બોર્ડે સોશિયલ મીડિયા ઍક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે તે આ ઘટનાની તપાસ કરી રહી છે.

ઇમેજ સ્રોત, ELIZEBETH/CBSNEWS
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સલામતી અંગેના કેટલાક મુદ્દા સામે આવ્યા બાદ બોઇંગ 737 મૅક્સ "જેની આ ક્ષેત્રના ઇતિહાસમાં સૌથી વધુ ચીવટપૂર્વક તપાસ થઈ હોય તેવું ઍરક્રાફ્ટ" કહેવાયું છે.
માર્ચ 2019માં બોઇંગ 737 મૅક્સને દોઢ વર્ષ માટે ગ્રાઉન્ડ કરવામાં આવ્યા હતા કારણ કે સમાન સંજોગોમાં બે પ્રકારના ક્રૅશ થયા બાદ વિમાનમાં સવાર લોકો મૃત્યુ પામ્યા હતા.
દરેક મૅક્સ પ્લેનમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા હતા જેથી ઉડ્ડયન માટે તેના ઉપયોગની ફરીથી મંજૂરી મળી શકે. જો કે ફેરફારો બહારથી દેખાશે નહીં અને મુસાફરોને કોઈ ફરક જોવા મળશે નહીં.
રૉઇટર્સ સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે બોઇંગે કહ્યું હતું કે એક લાંબી તપાસ કર્યા પછી સપ્લાઈને લગતી ભૂલો ઉકેલાઈ છે અને હવે 737 મૅક્સની નિકાસ કંપની વધારે ઝડપથી કરી શકશે.
બોઇંગનો ડેટા મુજબ 1,300 જેટલાં 737 મેક્સ ઍરક્રાફટ ગ્રાહકોને પહોંચાડવામાં આવ્યાં છે.
ફેડરલ એવિએશન ઍડમિનિસ્ટ્રેશને ગયા મહિને દરેક ઍરલાઇન્સને રડર કંટ્રોલ સિસ્ટમ્સમાં સંભવિત છૂટક બોલ્ટ માટે મૅક્સ મૉડલ્સનું નિરીક્ષણ કરવા વિનંતી કરી હતી.












