'મને માત્ર પગ દેખાતા હતા', હજારો ફૂટ ઊંચેથી બહાર ફંગોળાયેલો પાઇલટ વિમાને લટકી રહ્યો

ઇમેજ સ્રોત, SCREENSHOT
- લેેખક, સેસિલા બારિયા
- પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
બ્રિટિશ ઍરવેઝની ફ્લાઇટ BA5390એ બ્રિટનના બર્મિંગહામ શહેરથી સ્પેનના માલાગા જવા માટે 1990ની 10 જૂને ઉડાન ભરી હતી.
ત્રણ કલાકના પ્રવાસ માટે તૈયાર કૅપ્ટન ટિમ લૅન્કેસ્ટર તથા તેમના સહ-પાઇલટ ઍલેસ્ટર એચિન્સન કૉકપિટમાં શાંતિથી વાતચીત કરી રહ્યા હતા. પ્લેન ક્રૂઝિંગ સ્પીડ પર પહોંચી ગયું હતું.
બધું બરાબર ચાલી રહ્યું હતું. પરિચારિકાઓની ટૂકડીએ ફૂડસર્વિસ તૈયાર કરવાનું શરૂ કર્યું હતું. પ્રવાસીઓ તેમની બેઠકો પર સારી રીતે ગોઠવાઈ ગયા હતા. પ્રવાસીઓ એ પ્લેનમાં ભૂમધ્ય પ્રદેશમાં વૅકેશન માણવા જઈ રહ્યા હતા.
પ્લેને ઉડાન ભર્યાને માંડ 13 મિનિટ વીતી હશે ત્યાં કૅબિનમાં જોરદાર વિસ્ફોટ સંભળાયો. એ ક્ષણે ફ્લાઇટ એટેન્ડટ્સ પૈકીના એક નિગેલ ઓગડેને પાઇલટને ચાનો કપ આપ્યો હતો. તેમને એવું લાગ્યું હતું કે બૉમ્બ વિસ્ફોટ થયો છે.
નિગેલ ઓડગેને ‘ધ સિડની મૉર્નિંગ હેરલ્ડ’ અખબારને કહ્યું હતું કે “વિસ્ફોટને કારણે પ્લેનમાં હવાનું દબાણ ઘટી જતાં આખી કૅબિનમાં એક સેકન્ડ માટે ધુમાડો છવાઈ ગયો હતો. પછી પ્લેન નીચે ધસવા લાગ્યું હતું.” વાસ્તવમાં શું થઈ રહ્યું હતું એ નિગેલને પછી સમજાયું હતું. કૅપ્ટન ટિમ લૅન્કેસ્ટર બારીની જગ્યામાંથી બહાર ખેંચાઈ રહ્યા હતા. નિગેલે કહ્યું હતું કે “હું માત્ર તેમના પગ જોઈ શકતો હતો. મેં કંટ્રોલ પેનલ પર કૂદકો મારીને તેમને કમરથી પકડી લીધા હતા, જેથી તેઓ સંપૂર્ણપણે બહાર ફેંકાઈ ન જાય. પ્લેનમાંથી બધું ખેંચાઈ રહ્યું હતું. બૉલ્ટ વડે ફીટ કરવામાં આવેલી ઓક્સિજનની બૉટલ પણ બહાર ખેંચાઈ ગઈ હતી. મારું માથું સહેજમાં બચી ગયું હતું.”
એ વખતે ક્રૂના બે અન્ય સભ્યો સિમોન રૉજર્સ અને જૉન હેવર્ડ કૅબિનમાં પ્રવેશ્યા હતા. નિગેલની પકડ ઢીલી પડી રહી હતી, કારણ કે પાઇલટનું શરીર ધીમેધીમે બહારની તરફ સરકતું હતું.
નિગેલે કહ્યુ હતું કે “મારી પકડ ઢીલી પડી રહી હતી અને પછી તેઓ મારા હાથમાંથી સરી પડ્યા હતા. મને થયું કે અમે તેમને ગુમાવી દઇશું, પરંતુ તેમણે શરીરને અંગ્રેજી યુ અક્ષરના આકારમાં વાળ્યું હતું. તેમનો ચહેરો બારી સાથે અથડાતો હતો અને તેમના નાકમાંથી લોહી વહેતું હતું. તેમના હાથ લપસી રહ્યા હતા. સૌથી ડરામણી બાબત એ હતી કે તેમની આંખો પહોળી થઈ ગઈ હતી. એ હું ક્યારેય ભૂલી શકીશ નહીં.”

પાઇલટનું શરીર પ્લેન સાથે અથડાયું

ઇમેજ સ્રોત, MEAN PA
પ્લેનમાંથી બારી તૂટી પડી એ ક્ષણે શું થયું હતું તેની વાત પાઇલટે કૅનેડિયન ડૉક્યુમેન્ટરી સિરીઝ ‘મેડે’માં કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે કહ્યું હતું, "પહેલાં તો વિન્ડશિલ્ડ તૂટી પડ્યું હતું અને પછી ગોળીની જેમ દૂર અદૃશ્ય થઈ ગયું હતું, એ મને યાદ છે. મારે ઉપર તરફ જવાનું છે એ હું જાણતો હતો. માનવામાં ન આવે એવું ઘટ્યું હતું. મને યાદ છે કે પ્લેનની બહાર હોવા છતાં હું બહુ ચિંતિત ન હતો. હવાનો પ્રવાહ જોરદાર હતો અને એને લીધે હું શ્વાસ લઈ શકતો ન હતો એ મને બરાબર યાદ છે. મેં શરીરને વાળ્યું પછી હું શ્વાસ લઈ શક્યો હતો."
ટિમ લૅન્કેસ્ટરે ઉમેર્યું હતું કે "પ્લેનની ટેઇલ (પૂંછડી), એન્જિન જોયાનું મને યાદ છે, પણ એ પછીનું કશું યાદ નથી. એ ક્ષણે મારી સ્મૃતિ પર જાણે કે તાળું લાગી ગયું હતું.”
એક અન્ય ફ્લાઇટ ઍટેન્ડન્ટ રોજર્સે પોતાની જાતને સીટ પર બાંધી હતી અને કૅપ્ટનના પગ ઘૂંટીએથી પકડી રાખ્યા હતા. રોજર્સે એવું ધાર્યું હતું કે કૅપ્ટન મૃત્યુ પામ્યા છે.
400 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનમાં ટિમ લૅન્કેસ્ટરનું શરીર પ્લેનની બહાર ફડફડતું હતું ત્યારે ક્રૂ મેમ્બર્સે ધારી લીધું હતું કે કૅપ્ટન મૃત્યુ પામ્યા છે.
તેમને ભય હતો કે કૅપ્ટનને છોડી દઈશું તો તેમનું શરીર ફંગોળાઈને પ્લેનના એક એન્જિન સાથે અથડાઈ જશે. કૉકપિટમાં ગભરાટ વચ્ચે સહ-ચાલક એચિન્સન પોતાની સીટ પર મજબૂતીથી બેઠા રહ્યા હતા અને તેમણે પ્લેન પર ફરી અંકુશ મેળવ્યો હતો.
અસામાન્ય પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે તેઓ મરણિયા પ્રયાસ કરી રહ્યા હતા, જ્યારે ક્રૂના બાકીના સભ્યો પ્લેનમાંના 81 પ્રવાસીઓને શાંત રાખવાના પ્રયાસ કરી રહ્યા હતા.

ઇમેજ સ્રોત, MEAN PA
એ પ્લેનના એક મુસાફરે બ્રિટિશ પ્રેસ ઍસોસિયેશન એજન્સીને કહ્યું હતું કે “મને બારીમાંથી બહાર લટકતું શરીર દેખાતું હતું.” એક અન્ય પ્રવાસીએ કહ્યું હતું કે “અમારી બાજુમાં ઊભેલો એક ફ્લાઇટ એટેન્ડન્ટ રડવા લાગ્યો હતો. મેં વિચાર્યું કે હવે પ્લેન તૂટી પડશે. તેથી પ્રાર્થના કરવાનું શરૂ કર્યુ હતું.”
પ્લેનમાંના લાઉડસ્પીકરમાંથી સહચાલકે જાહેરાત કરી હતી કે 'પ્લેનની વિન્ડશિલ્ડ તૂટી પડી છે અને અમે ઇમરજન્સી લેન્ડિંગના પ્રયાસ કરી રહ્યા છીએ.' કંટ્રોલ ટાવરનો સંપર્ક કરવામાં બહુ મુશ્કેલી થઈ હોવા છતાં તમામ અવરોધોને પાર કરીને એચિન્સને સાઉધમ્પ્ટન ઍરપૉર્ટ પર પ્લેનનું સલામત ઉતરાણ કર્યું હતું.
પ્લેને સવારે 7.55 વાગ્યે તાકિદનું ઉતરાણ કર્યું ત્યારે પ્રવાસીઓ અને ક્રૂના સભ્યો જોરદાર આઘાતમાં હતા, પરંતુ એકેયને ખાસ ઈજા થઈ નહોતી. પ્લેન સ્ટોપ પર આવ્યું ત્યારે ઇમરજન્સી સર્વિસીસના કર્મચારીઓ પ્લેનની કૅબિનમાં ધસી ગયા હતા.
તેમણે કંઈક એવું જોયું હતું, જેની તેમને અપેક્ષા ન હતીઃ કૅપ્ટન ટિમ લૅન્કેસ્ટર જીવંત હતા. બેભાન અને ઈજાગ્રસ્ત પાઇલટ શ્વાસ લઈ રહ્યા હતા.
વાવાઝોડા જેવા પવન અને ઠંડાગાર વાતાવરણમાં 20 મિનિટ સુધી સંઘર્ષ કર્યા પછી પણ કૅપ્ટન ટિમ કેવી રીતે જીવતા રહ્યા તેનું પેરામેડિક્સને આશ્ચર્ય થયું હતું. તેમને બહુવિધ અસ્થિભંગ, ફ્રોસ્ટબાઈટ અને પ્રચંડ આઘાત માટે સારવાર આપવામાં આવી હતી. થોડા મહિના પછી કૅપ્ટન ટિમ ફરજ પર ફરીથી હાજર થયા હતા.

પ્લેન હવામાં હતું ત્યારે વિન્ડશિલ્ડ કેમ તૂટી પડ્યું?

ઇમેજ સ્રોત, SCREENSHOT
બ્રિટનના પરિવહન વિભાગની ઍર ઍક્સિડન્ટ્સ ઇન્વેસ્ટિગેશન શાખાએ તેના અંતિમ અહેવાલમાં એવું તારણ કાઢ્યું હતું કે પ્લેન ઉડાન ભરવાનું હતું તેના 27 કલાક પહેલાં કરવામાં આવેલા વિન્ડસ્ક્રીનના ખામીયુક્ત સમારકામને લીધે તે પ્લેન હવામાં હતું ત્યારે તૂટી પડી હતી. 528FL શ્રેણીના BAC વન-ઈલેવન ઍરક્રાફ્ટના અકસ્માત વિશેના ફેબ્રુઆરી, 1992માં પ્રકાશિત દસ્તાવેજ 1/92 (EW/C 1165) જણાવે છે કે આ કામગીરી સંભાળતા મેઇન્ટેનન્સ વિભાગના વડાએ બહુ નાના સ્ક્રૂનો ઉપયોગ કર્યો હતો અને તે સ્ક્રૂ વિન્ડશિલ્ડને ટકાવી રાખવા માટે અયોગ્ય હતા.
આ દસ્તાવેજો બીબીસીએ મેળવ્યા હતા. તેમાં ત્રણ મુખ્ય મુદ્દા રેખાંકિત કરવામાં આવ્યા હતા.
- વિમાનની સલામતીનું બહુ મહત્ત્વનું કામ એક અનસુપરવાઈઝ્ડ વ્યક્તિએ કર્યું હતું. “પ્લેન ઉડાન ભરે એ પહેલાં સુધી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું નહોતું.”
- “અપૂરતી કાળજી, અસંતોષકારક કાર્યશૈલી, કંપનીના નિયમોના પાલનમાં નિષ્ફળતા અને અયોગ્ય સાધનોના ઉપયોગને કારણે મેઇન્ટેનન્સ મૅનેજરની પ્રતિષ્ઠા ખરડાઈ છે.”
- “મેઇન્ટેનન્સ વિભાગના ફરજ પરના વડા કેટલી અયોગ્ય રીતે કામ કરે છે તેની બ્રિટન ઍરવેઝને ખબર જ નહોતી, કારણ કે કંપની મેઇન્ટેનન્સ મૅનેજર્સના કામકાજ પર નજર રાખતી નથી.”

ઇમેજ સ્રોત, Getty Images
આ દસ્તાવેજમાં અન્ય બાબતોની સાથે એવી ભલામણ પણ કરવામાં આવી હતી કે નાગરિક ઉડ્ડયન વિભાગના સત્તાવાળાઓએ પ્લેનની સલામતી સંબંધી કામગીરીના સેલ્ફ-સર્ટિફિકેશનની ચકાસણી કરવી જોઈએ અને એન્જિનિયર્સને સમયાંતરે તાલીમ આપવાની જરૂરિયાતને ધ્યાનમાં લેવી જોઈએ.
- કોમર્શિયલ પ્લેન તૂટી પડ્યાની ઇતિહાસની સૌપ્રથમ ઘટના કેવી રીતે બની હતી અને તેનું પુનરાવર્તન ન થાય એ માટેનો ક્રાંતિકારી વિચાર કેવી રીતે આકાર પામ્યો હતો.
દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું હતું કે બ્રિટિશ એરવેઝે તેની ગુણવત્તા ખાતરી પ્રણાલીની સમીક્ષા કરવી જોઇએ અને કર્મચારીઓની કાર્યપદ્ધતિની તલસ્પર્શી ચકાસણી કરવી જોઈએ. પાઇલટ ટિમ લૅન્કેસ્ટર સાઉધમ્પ્ટન હૉસ્પિટલમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ગયા હતા.
કામકાજની પરિસ્થિતિ બાબતે દસ્તાવેજમાં નોંધવામાં આવ્યું હતું કે પ્લેને ઉડાન ભરી હતી તે ઍરપૉર્ટ પર કામનો પ્રચંડ બોજ હતો અને સમયપત્રકનું પાલન ‘ગુણવત્તા સૂચક’ ગણાતું હતું. પ્લેનને કૅપ્ટન ટિમ લૅન્કેસ્ટર મૃત્યુ પામવાની અણી પર હતા તેમણે પાંચ મહિના પછી ફરીથી ઉડાન ભરી હતી.














