‘અમે મિત્રોના મૃતદેહ ખાધા,’ વિમાન તૂટી પડ્યા બાદ પ્રવાસીઓ કેવી રીતે જીવતા રહ્યા?

ઇમેજ સ્રોત, Netflix
મોન્ટેવીડિયોની ઓલ્ડ ક્રિશ્ચિયન્સ ક્લબ સ્કૂલની રગ્બી ટીમે 1972ની 13 ઑક્ટોબરે ચિલીના સેન્ટિયાગો જવા માટે ઉરુગ્વે ઍરફોર્સનું એક પ્લેન ભાડેથી લીધું હતું.
તેઓ ઓલ્ડ બોય્ઝ સામેની મૅચ રમવા સેન્ટિયાગો જઈ રહ્યા હતા, પરંતુ એફએચ-227ડી નંબરનું 45 મુસાફરો સાથેનું પ્લેન એન્ડીસ પર્વતને પાર કરતી વખતે તૂટી પડ્યું. જેમાં વિમાનમાં રહેલા 12 લોકો તત્કાળ મૃત્યુ પામ્યા.
એ પછીના દિવસોમાં વધુ 17 લોકો ઈજા, ખોરાકના અભાવ અને કઠોર પરિસ્થિતિને કારણે મૃત્યુ પામ્યા.
એ અકસ્માતને ઇતિહાસમાં “ધ મિરેકલ ઑફ એન્ડીસ” તરીકે ઓળખવામાં આવે છે અને નેટફ્લિક્સની “સોસાયટી ઑફ ધ સ્નો”માં તેની કથા બતાવાઈ છે.

ઇમેજ સ્રોત, COURTESY
ઉડ્ડયન ઉદ્યોગના ઇતિહાસમાં તે સૌથી આઘાતજનક ઘટના હતી, કારણ કે જે 16 જણા બચી ગયા હતા, તેઓ તેમના સાથીઓના મૃતદેહનું માંસ ખાઈને જીવતા રહ્યા હતા.
જીવન માટે સંઘર્ષ કરનાર આ લોકોને અકસ્માતના 72 દિવસ પછી ઉગારવામાં આવ્યા હતા.
એ પૈકીના એક રોબર્ટો કેનેસા હવે બાળકોના કાર્ડિયૉલૉજિસ્ટ ડૉક્ટર છે.
બીબીસીના વિક્ટોરિયા ડર્બીશાયર પ્રોગ્રામે તેમની માર્ચ, 2016માં મુલાકાત લીધી હતી. એ સમયે તેમનું પુસ્તક ‘આઇ હેડ ટુ સર્વાઇવઃ હાઉ ધ પ્લેન ક્રેશ ઇન ધ એન્ડીસ ઇન્સ્પાયર્ડ માય કોલિંગ ટુ સેવ લાઇવ્ઝ’ પ્રકાશિત થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તેમની કથા છે.
કેવી રીતે થઈ હતી વિમાન દુર્ઘટના?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમારું વિમાન એન્ડીસ પરથી ઊડી રહ્યું હતું અને બહાર બધું વાદળછાયું હતું.
એક ફ્લાઇટ ઍટેન્ડન્ટે એક તબક્કે કહ્યું હતું, “તમારા સીટબેલ્ટ બાંધી લો. આપણે કેટલાંક વાદળોમાંથી પસાર થવાના છીએ અને વિમાનમાં ખળભળાટ થશે.”
તેમની વાત સાચી હોય તેમ વિમાન ધ્રુજવા માંડ્યું.
કોઈએ મને બારીની બહાર જોવા કહ્યું. અમારું વિમાન પર્વતની ખૂબ નજીકથી ઊડી રહ્યું હતું.
કેટલાક લોકોએ કહ્યું, “મારે મરવું નથી.”
વિમાનને ઊંચે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે તૂટી પડ્યું.
મેં મારી સીટ ખૂબ જ જોરથી પકડી રાખી હતી. વિમાનની બન્ને પાંખ તૂટી ગઈ અને એ ઝડપથી પર્વતમાં નીચે સરકવા લાગ્યું.
આખરે તે સરકવાનું બંધ થયું પછી હું જબરદસ્ત વેગ સાથે “દીવાલ” તરફ ધકેલાયો.
મારું માથું જોરથી અફળાયું. મને લાગ્યું કે હું બેહોશ થઈ જઈશ. પ્લેન બંધ પડી ગયું છે, એવું હું માની શકતો ન હતો.
મેં જોયું કે મારા હાથ, પગ સલામત હતા. હું બચી ગયો હતો.
હું આ વાત પર વિશ્વાસ કરી શકતો ન હતો. મેં આસપાસ જોયું તો બધું ખેદાનમેદાન હતું. કેટલાક મિત્રો મૃત્યુ પામ્યા હતા. કેટલાક ઘાયલ થયા હતા. લોહી વહેતું હતું. કેટલાકના શરીરમાં ધાતુના ટુકડા ઘૂસી ગયા હતા.
મેં મારી જાતને કહ્યું કે મારે અહીંથી બહાર નીકળવું પડશે. પોલીસ આવશે. ઍમ્બુલન્સ આવશે, ફાયર ફાઇટર આવશે. તેથી હું પ્લેનના પાછળના ભાગ સુધી ગયો.
પ્લેન તૂટી પડ્યું હતું અને હું બરફમાં હતો. હું દુઃખી હતો, કારણ કે અમે પર્વતોની વચ્ચે, સાવ સન્નાટાથી ઘેરાયેલા હતા.
કોઈ ફાયર ફાઇટર ન હતા. અમારી મદદ કરવાવાળું કોઈ ન હતું.
પાઇલટ જીવતો હતો, પરંતુ કોકપીટમાં ફસાઈ ગયો હતો. અમે તેને બહાર કાઢી શક્યા નહીં. તેણે કહ્યું હતું, “મારી બ્રીફકેસમાં બંદૂક છે.” એ આત્મહત્યા કરવા ઇચ્છતો હતો. એ આખી રાત વેદનામાં સબડતો રહ્યો હતો. અમે તેને બહાર કાઢી શક્યા નહીં.
ઠંડાગાર તાપમાનને કારણે અમે થીજી ગયા હતા. સૌથી ગંભીર રીતે ઘવાયેલી વ્યક્તિનું મોત થયું હતું. તે મને સારું લાગ્યું, કારણ કે તેની વેદના અને પીડા અસહ્ય હતી.
માત્ર ખડકો અને બરફ બાકી રહ્યાં હતાં. અમને બહુ ભૂખ લાગી હતી, પરંતુ ખાવા કશું જ ન હતું.
આપણામાંની એક વૃત્તિ આપણને કહેતી રહે છે કે તમારે કંઈક ખાવાનું છે. તેથી અમે બૂટનાં ચામડા અને સ્ટ્રેપ્સ વિશે વિચાર્યું હતું.
અમે ચામડું ચાવવાની શરૂઆત કરી, પરંતુ અમને લાગ્યું કે તે ઝેરીલું છે, કારણ કે તેમાં ઘણા કેમિકલ હતાં. આમ, અમારી પાસે કશું બચ્યું ન હતું.
વિમાન દુર્ઘટના બાદ બનેલી પરિસ્થિતિને કેમ ગણાવાય છે ‘માનવપ્રયોગ’

ઇમેજ સ્રોત, Getty Images
એક તબક્કે કોઈએ કહ્યું, “મને લાગે છે કે હું પાગલ થઈ ગયો છું, કારણ કે હું આપણા દોસ્તોના મૃતદેહને ખાવાનું વિચારી રહ્યો છું.”
બીજા લોકોએ જવાબ આપ્યો કે આ તો પાગલપણું છે. અમે એવું કરવાના નથી. અમે નરભક્ષી બનવાના નથી.
એ સમયે હું મેડિકલ સ્ટુડન્ટ હતો અને મેં માંસ, ચરબી, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ જોયા હતા.
મારા મૃત દોસ્તોના શરીર પર આક્રમણ કરવું અને તેમના શરીરનો એક હિસ્સો કાપી નાખવો મારા માટે બહુ મુશ્કેલ હતું. મને આ કામ કોઈની પ્રાઇવસીના ઉલ્લંઘન જેવું લાગતું હતું.
કોઈએ કહ્યું, “વેલ, ઈસુ ખ્રિસ્તે લાસ્ટ સપર વખતે કહ્યું હતું : ‘મારું શરીર અને મારું લોહી લઈ લો,’ એટલે એવું કરવામાં કશું ખોટું નથી.”
મારા માટે તે લાસ્ટ સપર ન હતું. મેં એ પણ વિચાર્યું હતું કે જો હું એ લાશો પૈકીની એક લાશ હોત તો?
મને એ વાતનો ગર્વ હોત કે મારા શરીરનો ઉપયોગ મારા દોસ્તોએ જીવતા રહેવા માટે કર્યો હતો. આજે મને એવું લાગે છે કે મારી અંદર મારા દોસ્તોનો એક અંશ છે અને તેમની સ્મૃતિ માટે મારે આભારી હોવું જોઈએ.
કોઈ બચાવી લે તેટલા લાંબા સમય સુધી મૃતદેહોનું માંસ ખાઈને જીવતા રહેવું અન્ય કેટલાક લોકો માટે મુશ્કેલ હતું.
મને ઘણી વાર લાગે છે કે તે માનવપ્રયોગ જેવું હતું. પછી બચી ગયેલા લોકોમાં મૃતકોનું માંસ વહેંચવાનું સામાન્ય બની ગયું હતું.
એકતા

ઇમેજ સ્રોત, Getty Images
મૃત લોકોએ અમને ટેકો આપ્યો હતો. તેમના મૃતદેહો સાથે શું થતું હતું તેની તેમને પરવા ન હતી. તેમને તેઓ જીવતા હતા ત્યારે શું થયું હતું તેની જ ફિકર હતી.
આ રમૂજી લાગે છે, કારણ કે મારા મતે આ કથાનાં બે સંસ્કરણ છે. અમે જે રીતે જીવતા રહ્યા, મડદાનું માંસ ખાધું એ સૌથી મુશ્કેલ વાત ન હતી.
લોકો આ કોઈ મેજિક ફૉર્મ્યુલા હોય તેમ કહે છે, “આહ, તમે લાશોનું માંસ ખાધું એટલે બચી ગયા.”
હકીકતમાં મૃતદેહોનું માંસ ખાવાનો હેતુ કોઈ બચાવી લે ત્યાં સુધી ટકી રહેવાનો હતો. અમે બચી ગયા, કારણ કે અમે એક ટીમ હતા, અમે સાથે મળીને પ્રયાસ કર્યા હતા. અમે એકમેકને મદદ કરી હતી.
અમે બચી ગયા, કારણ કે અમે 11 દિવસ ચાલીને પર્વતની બહાર નીકળ્યા હતા.
અમને ઇન્ટરઍક્ટ કરવામાં મદદરૂપ થયેલી બાબત એ હતી કે અમે એક જૂથ હતા. અમે સાથે મોટા થયા હતા.
અમારા બધાની પાસે એક જ જિંદગી હતી અને અમે કહ્યું હતું, “હું તમામ અવરોધોની સામે આને વળગી રહીશ અને જોઈશ કે શું થાય છે.”
હું પર્વતોમાં હતો અને મારા દોસ્તોના મૃતદેહ જોયા ત્યારે મને લાગતું હતું કે હવે મારો વારો આવશે. મને સમજાયું હતું કે જીવન અને મૃત્યુ વચ્ચેની રેખા કેટલી નાજુક હોય છે.
ત્યારથી મને જીવન જીવવામાં વધુ આનંદ આવે છે.












