રિયાલિટી શો: કરોડો લોકોની સામે રડવું, ઝઘડવું, હાર-જીત- આ બધું સાચું હોય છે?

રિયાલિટી શો

ઇમેજ સ્રોત, Getty/Instamunawarfaruqui/SONY/YT

    • લેેખક, વિકાસ ત્રિવેદી
    • પદ, બીબીસી સંવાદદાતા, મુંબઈથી

રિયાલિટી શો બિગ બોસની 17મી સિઝનમાં સ્ટૅન્ડઅપ કૉમેડિયન મુનવ્વર ફારૂકી વિજેતા બન્યા છે. કેવી હોય છે રિયાલિટી શો ની દુનિયા? શું ટેલિવિઝન સ્ક્રીન પર દેખાય છે તે જ અંતિમ સત્ય છે? રિયાલિટી શોની દુનિયા અંગે બીબીસીએ એક વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે.

એક રિયાલિટી શો ચાલી રહ્યો છે. મંચ પર એક છોકરો માઈક સામે ઊભો છે. રિયાલિટી શોમાં એ છોકરાનો છેલ્લો દિવસ છે.

બધા માનતા હતા કે એ છોકરો વિજેતા બનશે, પરંતુ નિર્ણાયકોએ જણાવ્યું હતું કે અન્ય સ્પર્ધકોની સરખામણીએ એ છોકરા માટે ઓછા લોકોએ વોટિંગ કર્યું છે. તેથી તેણે શોમાંથી બહાર થવું પડશે.

આ ઘટનાનાં થોડાં વર્ષ પછી એ જ છોકરો મંચ પર આવે છે અને “મુજકો ઇતના બતાએ કોઈ, કૈસે તુજસે દિલ ના લગાએ કોઈ” ગીત ગાય છે.

એ સાંભળતાંની સાથે જ મંચ બહાર ઉપસ્થિત, એ છોકરાનું ગાયન બહુ જ પસંદ કરતા લાખો લોકો એક સાથે પોકારે છેઃ અરિજિત, અરિજિત, લવ યુ અરિજિત...

આ જ અરિજિતસિંહે 2005માં ‘ફેમ ગુરુકુલ’ રિયાલિટી શોમાંથી હારીને બહાર નીકળવું પડ્યું હતું.

ત્યારથી માંડીને અત્યાર સુધીના તમામ રિયાલિટી શોમાં કોઈ કળાકાર કે સ્પર્ધક હાર્યો કે જીત્યો છે ત્યારે કેટલાક લોકોએ એક સવાલ જરૂર પૂછ્યો છે.

ગ્રે લાઇન

રિયાલિટી શો પાછળની કહાણી શું છે?

રિયાલિટી શોની દુનિયા

ઇમેજ સ્રોત, PUNEET BARNALA/BBC

રિયાલિટી શો બાબતે સવાલ ઉઠાવનારા લોકોમાં એ કાર્યક્રમમાં ભાગ લઈ ચૂકેલા કેટલાક સ્પર્ધકોનો પણ સમાવેશ થાય છે.

  • 'બિગ બૉસ'માં પારસ છાબડાએ એક વખત સલમાન ખાનને ત્યાં સુધી કહી દીધું હતું કે "સર, આ ક્રીએટિવ્ઝને કહો કે પાછળથી ફાલતુ વાતો ન કરે.
  • ‘લૉક અપ’ શોમાં કર્ણવીરે અંજલિ સાથે ખોટું અફેર કર્યાની વાત કહી હતી. જેથી શોમાં સફળતા મળી શકે. કર્ણવીરે આ સંદર્ભે જણાવ્યું હતું કે તમને ખબર છે, થોડી સ્ટોરી દર્શાવવામાં આવે છે અને થોડું જુઠ્ઠાણું.

સવાલ એ થાય છે કે રિયાલિટી શોની દુનિયામાં જે દર્શાવવામાં આવે છે તે જ સત્ય હોય છે કે પછી હકીકત અલગ જ હોય છે?

આ સવાલનો જવાબ મેળવવા માટે અમે એ મુંબઈ પહોંચ્યા હતા, જ્યાં રિયાલિટી શો માટે કોઈની પસંદગી કરવામાં આવે છે ત્યારે તેને કહેવામાં આવે છે કે "તું મુંબઈ આ રહા હૈ."

રિયાલિટી શોનું આગમન ભારતમાં ક્યારે થયું, તે લોકપ્રિય ક્યારે બન્યા અને રિયાલિટી શોમાં જે દર્શાવવામાં આવે છે તે સત્યની કેટલું નજીક હોય છે એ બધું આપણે આ કહાણીમાં જાણીશું.

એ નેહા કક્કડનાં આંસુ હોય કે પછી સલમાન ખાનનો ગુસ્સો, અનુ મલિકનું "તું આગ લગા દેગા" કહેવું હોય કે પછી રિયાલિટી શોમાં રાજકીય એજન્ડાના પ્રસારનો આરોપ. આપણે બધું જ જાણીશું.

ગ્રે લાઇન

રિયાલિટી શો શું હોય છે?

રિયાલિટી શો

ઇમેજ સ્રોત, SOPA IMAGES

ઇમેજ કૅપ્શન, કંગના રનૌત ઓટીટી રિયાલિટી શો 'લૉકઅપ'ના હોસ્ટ હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમે મુંબઈના ફિલ્મ સિટીમાં હતા. અહીં કૉમેડી કાર્યક્રમ ‘ધ કપિલ શર્મા શો’નું શૂટિંગ ચાલી રહ્યું છે. એ શોનું શૂટિંગ જોવા જવું હોય એ લોકોને તેમના ફોન સાઇલન્ટ પર રાખવાની સૂચના આપવામાં આવે છે.

આ કાર્યક્રમનું શૂટિંગ મોટા ભાગે સાંજથી રાત સુધી થતું હોય છે અને ચાર-પાંચ કલાકની બે શિફ્ટમાં પૂર્ણ થતું હોય છે.

સ્ટુડિયોના બહાર અનેક વેનિટી વેન ઊભેલી છે. શોમાં ભાગ લેવા આવેલી અનેક હસ્તીઓને શોની ક્રીએટિવ ટીમના સભ્યો હાથમાં કાગળ લઈને કશુંક સમજાવી રહ્યા છે.

કોઈ રિયાલિટી શોને વધારે મનોરંજક કઈ રીતે બનાવી શકાય અને એ માટે શું કરવું જોઈએ તે ક્રીએટિવ ટીમના સભ્યો જ નક્કી કરતા હોય છે, પરંતુ રિયાલિટી શો વાસ્તવમાં શું હોય છે?

આ સવાલના જવાબમાં દર્શકો કહેશે કે બિગ બૉસ, કૌન બનેગા કરોડપતિ, ડાન્સ ઇન્ડિયા ડાન્સ, નચ બલિએ, ઇન્ડિયન આઇડલ. રિયાલિટી શો એટલે જ્યાં બધું અસલી હોય તે કાર્યક્રમ.

ટીવી ચેનલોની ક્રીએટિવ ટીમના વડા તરીકે કામ કરી ચૂકેલા લોકોને પૂછશો તો તેઓ કહેશે કે રિયાલિટી શો જેવું કશું નથી હોતું.

"તમે લોકો જે જુઓ છો તેને અનસ્ક્રિપ્ટેડ કન્ટેન્ટ કહેવામાં આવે છે. તેને તેના મૂળ સ્વરૂપમાં કૅમેરામાં કેદ કરવામાં આવે છે અને બાદમાં એડિટ કરીને દર્શાવવામાં આવે છે."

અનસ્ક્રિપ્ટેડ કન્ટેન્ટમાં ડૉક્યુમેન્ટરી અને રિયાલિટી શો એમ બે બાબતનો સમાવેશ થાય છે.

રિયાલિટી શો અનેક પ્રકારના હોય છે

રિયાલિટી શો

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE

ઇમેજ કૅપ્શન, અક્ષય કુમાર 'ખતરો કે ખિલાડી' શો હોસ્ટ કરી ચૂક્યા છે
  • ગેમ શોઃ કૌન બનેગા કરોડપતિ, દસ કા દમ.
  • સેલેબ્રિટી રિયાલિટી શોઃ નચ બલિએ, ઝલક દીખલા જા.
  • ટેલેન્ટ રિએલિટી શોઃ ઇન્ડિયન આઇડલ, ડાન્સ ઇન્ડિયા ડાન્સ.
  • ઍડવેન્ચર રિયાલિટી શોઃ ખતરોં કે ખિલાડી, ફિયર ફેક્ટર.
  • કૅપ્ટિવ રિયાલિટી શોઃ બિગ બોસ.
  • ડેટિંગ રિયાલિટી શોઃ ટુ હોટ ટુ હેન્ડલ, સ્પ્લિટ્સવિલા
  • કુકિંગ આધારિત રિયાલિટી શોઃ માસ્ટર શેફ
રિયાલિટી શો

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

‘કેન્ડિડ કૅમેરા’ને વિશ્વનો સૌપ્રથમ ટીવી રિયાલિટી શો માનવામાં આવે છે.

1984માં પ્રસારિત થયેલા એ કાર્યક્રમમાં લોકોને અકલ્પનીય પરિસ્થિતિમાં મૂકવામાં આવતા હતા અને તેમની પ્રતિક્રિયા કૅમેરામાં કેદ કરીને દર્શાવવામાં આવતી હતી.

જેમ કે, કોઈ બાળક સામે બૉક્સર મહમ્મદ અલી અચાનક લાવવા અને બાળકનો પ્રતિભાવ દર્શાવવો.

વિશ્વમાં સૌથી લાંબા સમયથી ચાલી રહેલા રિયાલિટી શોનું નામ ‘કૉપ્સ’ છે. આ શો 1989માં શરૂ થયો હતો.

ભારતના પ્રારંભિક રિયાલિટી શોઝ પૈકીના કેટલાકનો ઉલ્લેખ જરૂરી છે

  • 1972માં રેડિયો પર ક્વિઝ કૉન્ટેસ્ટની શરૂઆત થઈ હતી. પછી તેની ટેલિવિઝન આવૃત્તિ શરૂ થઈ હતી. એ કાર્યક્રમના સંચાલક હતા, ડેરેક ઓ બ્રાયન.
  • 1995માં શરૂ થયેલા સિંગિંગ શો ‘સા રે ગ મ પ’ના સંચાલક સોનુ નિગમ હતા.
  • ભારતનો પહેલો ડાન્સ રિયાલિટી શો ‘બૂગીવૂગી’ 1996માં શરૂ થયો હતો અને જાવેદ જાફરી તેમાં નિર્ણાયક હતા.

ભારતમાં રિયાલિટી શોની તેજી

રિયાલિટી શો

ઇમેજ સ્રોત, PRODIP GUHA

ભારતમાં રિયાલિટી શોની દુનિયામાં વર્ષ 2000 પછી અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ’ સાથે નાનકડા પડદે ઍન્ટ્રી મારી ત્યાર પછી ઝડપભેર પરિવર્તન આવ્યું હતું.

એક વિદેશી શોની આ શુદ્ધ હિંદી પારિવારિક આવૃત્તિએ ટીવીના માધ્યમથી લોકોના હૈયામાં ઝડપભેર સ્થાન બનાવ્યું હતું.

કોઈનાં સપનાં સાકાર થતાં જોઈને બીજા લોકોનાં સપનાંની કૂંપળ પણ ફૂટતી હોય છે.

‘કૌન બનેગા કરોડપતિ’ શોની વધતી લોકપ્રિયતા અને તેમાં ઇનામ તરીકે આપવામાં આવતા નાણાંથી મળતી ખુશી તેનું ઉદાહરણ હતી. લોકો એ શોમાં જઈને અથવા કાર્યક્રમ નિહાળીને કોઈને કોઈ રીતે તેની સાથે જોડાયેલા રહેતા થયા હતા.

એ પછી 2004માં ‘અમેરિકન આઇડલ’ની તરજ પર ‘ઇન્ડિયન આઇડલ’ની શરૂઆત થઈ હતી. દેશના અલગ-અલગ હિસ્સાઓમાંથી કાબેલ ગાયકો પસંદગી પામવા લાગ્યા હતા.

જોકે, રિયાલિટી શોની દુનિયામાં જે એક કાર્યક્રમે પોતાનું આગવું સ્થાન જમાવ્યું તે હતો - ‘બિગ બ્રધર’ની તરજ પર ભારતમાં શરૂ થયેલો શો ‘બિગ બૉસ.’

એ જ ‘બિગ બ્રધર’ શોમાં રંગભેદી કૉમેન્ટ્સનો સામનો કર્યા બાદ ચર્ચાનું કેન્દ્ર બનેલાં શિલ્પા શેટ્ટી વિજેતા થયાં હતાં અને તેમણે શો બિઝનેસમાં કમબૅક કર્યું હતું.

રિયાલિટી શો

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN

તમે આ સ્ટોરી વાંચી રહ્યા હશો ત્યારે દેશમાં કોઈને કોઈ રિયાલિટી શોનું શૂટિંગ ચાલી રહ્યું હશે.

ટેલિવિઝન ઉપરાંત ઓટીટી પ્લૅટફૉર્મ અને યૂ-ટ્યૂબના મોટા માર્કેટમાં હવે દરેક પ્રકારના રિયાલિટી શો ઉપલબ્ધ છે.

બાળકો અને મોટા લોકોના ડાન્સ શો, કૂકિંગ શો, ખતરાનો સામનો કરવાના શો, સેલિબ્રિટી યુગલોને સાથે દેખાડતા, એક ઘરમાં મહિનાઓ સાથે પસાર કરતા દેખાડતા, સવાલોના જવાબ આપતા અને સ્વયંવર સુધીના બધા શો.

સ્વયંવર શોમાં કોઈ હસ્તીના વિધિવત, મંત્રોચ્ચાર સાથેનાં લગ્ન નહીં, પરંતુ લાઈટ, કૅમેરા, ઍક્શન સાથે અરેન્જ્ડ મૅરેજ દેખાડવામાં આવ્યાં હતાં.

હવે અનેક ભારતીય ભાષાઓમાં પણ રિયાલિટી શો બની રહ્યા છે.

ઝી મરાઠી પર આવો જ એક શો ‘ચલા, હવા યેઉ દ્યા’ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમના લગભગ 1,000 એપિસોડ પૂર્ણ થવાની તૈયારી છે.

કેટલાક રિયાલિટી શોએ ભારતને મોટા સ્ટાર્સની ભેટ આપી છે.

જેમ કે આયુષ્માન ખુરાના ‘એમટીવી રોડીઝ’માંથી ઊભર્યા હતા, જ્યારે દૂરદર્શન નેશનલ ચેનલનો ‘મેરી આવાઝ સુનો’ જીત્યાં બાદ સુનિધિ ચૌહાણ પ્રખ્યાતિ પામ્યાં હતાં.

બીબીસી ગુજરાતી

રિયાલિટી શોઃ મૌલિકતા ઓછી, લાગણીવેડા વધારે?

રિયાલિટી શો

ઇમેજ સ્રોત, MAIL TODAY

રિયાલિટી શોમાં ભાવુકતાનો ઍંગલ મોટા પ્રમાણમાં દેખાડવામાં આવતો હોય તેવું અનેક વાર જોવા મળ્યું છે.

તેથી સવાલ થાય કે આવા લાગણીવેડા દેખાડવાના ચક્કરમાં મૌલિકતા ખતમ થઈ જાય છે?

ભારતમાં રિયાલિટી શોની દુનિયાના સર્જકોમાં આશિષ ગોલવલકરનું નામ મોટું છે.

સોની, ઝી ટીવી અને સ્ટાર સહિતની અનેક ચેનલોમાં તેઓ નૉન-ફિક્શન એટલે કે રિયાલિટી શો વિભાગના વડા તરીકે કામ કરી ચૂક્યા છે.

ડાન્સ ઇન્ડિયા ડાન્સ, સુપર ડાન્સર, શાબાશ ઇન્ડિયા, સલમાન ખાન સંચાલિત દસ કા દમ, કૌન બનેગા કરોડપતિની અનેક સિઝન, સારેગમપનું નવું વર્ઝન, અમિતાભ બચ્ચનનો શો આજ કી રાત હૈ ઝિંદગી, માસ્ટર શેફ, નચ બલિએ, ધ કપિલ શર્મા શો.

શાર્ક ટૅન્ક અને ઇન્ડિયા ગૉટ ટેલેન્ટ સહિતના અનેક શો શરૂ કરનાર અથવા તેનું સંચાલન કરનાર ટીમનો મહત્ત્વનો હિસ્સો આશિષ ગોલવલકર બની રહ્યા છે.

આશિષ ગોલવલકર કહે છે, "ટેલેન્ટ હંટ શો એક પ્લૅટફૉર્મ હોય છે, રોજગારની ગૅરંટી નહીં. આવા શોનું કામ ટેલેન્ટ દેખાડવાનું છે."

"ટેલેન્ટ અને કન્ટેન્ટ બન્ને હોય છે, પરંતુ સૌથી પહેલાં ટેલેન્ટ ફિલ્ટર થાય છે. બીજું ફિલ્ટર કોણ, ક્યાંથી આવી રહ્યું છે તે હોય છે."

"જમીન પરથી આસમાન સુધીની કથાઓ લોકોને પ્રેરણા આપે છે. માઈક અને કૅમેરા લાંચ નથી લેતા."

"મારી કથા ભયંકર હોય, પરંતુ મારો અવાજ ખરાબ હોય તો હું રિયાલિટી શોમાં ભાગ લઈને ગીત ગાઈ શકું?”

રિયાલિટી શો બાબતે સોશિયલ મીડિયામાં એવી મજાક પણ કરવામાં આવે છે કે કોઈ સ્પર્ધકની કથા ગરીબી કે સંઘર્ષસભર નહીં હોય તો એ લાંબો સમય શોમાં ટકી શકશે નહીં.

અનેક રિયાલિટી શોમાં નિર્ણાયકનું કામ કરી ચૂકેલા સંગીતકાર અનુ મલિક કહે છે, "12 વર્ષની મજાની છોકરી જ્ઞાનેશ્વરી, જેના પિતા ઑટો રિક્ષા ચલાવે છે કે પછી પંજાબના ગામડામાંથી આવેલો કોઈ અનાથ છોકરો."

"એમની કથાઓ ઉપજાવી કાઢેલી નથી, અસલી છે. તે પ્રદર્શિત કરવામાં આવે છે, કારણ કે દર્શકોને આંખમાં આંસુ પણ આવે છે અને તેમને પ્રેરણા પણ મળે છે."

"માણસ પાસે કળા હોય તો તે કોઈ પણ સ્થિતિમાં આગળ વધી શકે છે તેવો મૅસેજ જાય છે."

બીબીસી ગુજરાતી

શું વધારે જરૂરી – કૌશલ્ય કે સંઘર્ષસભર કહાણી?

રિયાલિટી શો

ઇમેજ સ્રોત, SONY

ઇમેજ કૅપ્શન, દિબૉય દાસ

“મિટ્ટી કો ઇતના કસકર પકડના કે જમીન નહીં ખિસકની ચાહિએ. ભલે હી કિતની બાઢ, તૂફાન આ જાએ.”

“માં, મેં ભાગા થા રાત કે અંધેરે મેં, લેકિન જબ આઉંગા તો અપને સાથ રોશની લેકર આઉંગા.”

ફૂડ ડિલિવરીનું કામ કરતા સ્પર્ધક દિબૉય દાસ ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ રિએલિટી શોના શૂટિંગ પહેલાં પોતાની અસલ ઓળખ જાહેર કરવા રાજી ન હતા, પરંતુ શોમાં દિબૉયની કથા દર્શાવવામાં આવી હતી અને ઉપર લખેલાં વાક્યો દિબૉય બોલ્યા હતા.

એ વાક્યો શોની ક્રીએટિવ ટીમે લખ્યાં હતાં કે કેમ તેની તપાસ અમે કરી હતી. કાર્યક્રમ સાથે જોડાયેલા લોકોએ તેનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે કાર્યક્રમના ઘણા સ્પર્ધકો એટલું સારું વિચારતા હોય છે કે તેમને કશું બોલવાનું કહેવું પડતું નથી.

અનેક ડાન્સ રિયાલિટી શોમાં નિર્ણાયક તરીકે કામ કરી ચૂકેલા કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસ કહે છે, "કોઈ સ્પર્ધકની જીવનકથા લાગણીભરી હોય તો તેનો કેરેક્ટર સ્કેચ બનાવવાનું કામ ક્રીએટિવ ટીમનું હોય છે, પરંતુ સ્પર્ધકની પસંદગી તેની જીવનકથાના આધારે નહીં, ડાન્સની આવડતને આધારે થતી હોય છે."

"પસંદ કરાયેલા સ્પર્ધકોની કહાણી ક્રીએટિવ ટીમ શોધે છે. કાયમ લાગણીસભર કહાણી નથી હોતી, મસ્તી-મજાકવાળી પણ હોય છે. કોઈ સ્પર્ધક ગરીબ ન હોય કે તેના માતા-પિતા જીવંત હોય તો ખોટું બોલાય નહીં, કારણ કે એવું કરો તો પકડાઈ જવાય. કહાણી સાચી હોવી જરૂરી છે. કહાણી યોગ્ય રીતે બહાર આવે એમ સ્પર્ધકને પૂછવામાં આવે છે. કેટલીક હદે તે સ્ક્રિપ્ટેડ હોય છે."

રિયાલિટી શો

ઇમેજ સ્રોત, SUJIT JAISWAL

જે સ્પર્ધકોએ સંઘર્ષ ન કર્યો હોય, પણ કૌશલ્યવાન હોય એવા લોકોની કોઈ કહાણી નથી હોતી કે પછી એ રિયાલિટી શોમાં દર્શાવવા લાયક નથી હોતી?

અનુ મલિક કહે છે, “એવા સ્પર્ધકો પણ આગળ વધે છે. કોઈ સુખી પરિવારમાં જન્મ્યું હોય તો અમે તેને અટકાવી થોડા દઈએ. કરુણ કહાણી ધરાવતો સ્પર્ધક કાબેલિયત ન હોવાને લીધે આગળ ન વધી શક્યો હોય એવું પણ બન્યું છે. આખરે તો તમારી કળા જ તમારી પ્રગતિ કરાવે છે.”

ટેરેન્સ લુઇસ કહે છે, “મને નિર્ણાયક બનાવવામાં આવ્યો છે. હું વ્યક્તિ તરીકે સંકળાઈ શકું, જજ તરીકે નહીં, કારણ કે કહાણી ઇમોશનલ ન હોય, પણ કાબેલ હોય તેવા લોકો માટે આમ કરવું જરૂરી છે.”

દિબૉય દાસ ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં વિજેતા બની શક્યા ન હતા, પરંતુ તેમના સંઘર્ષની કહાણીનો વીડિયો યૂ-ટ્યૂબ પર લાખો વ્યૂઝ મેળવી રહ્યો છે.

આંસુ તો ઠીક, રિયાલિટી શોમાં જે મસ્તી-મજાક કરવામાં આવે છે ત્યારે સંભળાતું હાસ્ય પણ પહેલેથી જ નક્કી હોય છે?

ટેરેન્સ લુઇસ કહે છે, “અમારા વિશે જે જોક કહેવામાં આવે છે તે લખવામાં આવેલા હોય છે. શું મજાક થશે એ અમને જણાવવામાં આવતું નથી, પણ અમારે તેમાં હિસ્સેદાર બનવાનું હોય છે. કૉમેડી અમુક અંશે સ્ક્રિપ્ટેડ હોય છે.”

અનુ મલિક કહે છે, “રિયાલિટી શોમાં જે બની રહ્યું હોય છે તે કૅમેરામાં કેદ થઈ જાય છે. શોમાં હું એમ કહું કે હું જ્ઞાનેશ્વરીના ઘરે જઈશ તો ક્રીએટીવ ટીમ કહે છે કે કૅમેરા તમને ફૉલો કરશે, જેથી સાબિત થાય કે તમે કહ્યું હતું અને તમે તેના ઘરે પણ ગયા હતા. એ લોકોને દેખાડવામાં આવશે. ક્રીએટિવ ટીમ તેનાથી વધારે કશું કહેતી નથી.”

બીબીસી ગુજરાતી

વોટિંગ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે?

રિયાલિટી શો

ઇમેજ સ્રોત, PRODIP GUHA

રિયાલિટી શોમાં વિજેતાની પસંદગી વોટિંગને આધારે કરવામાં આવે છે.

દાર્જિલિંગમાં રહેતા નેપાળી ગાયક પ્રશાંત તમાંગ 2007માં ‘ઇન્ડિયન આઇડલ’ના વિજેતા બન્યા હતા. પ્રશાંતને લગભગ સાત કરોડ વોટ મળ્યા હતા. પ્રશાંતે મેઘાલયના અમિત પૉલને હરાવ્યા હતા.

એ વોટિંગનું પરિણામ એ આવ્યું કે વિજેતાનું નામ જાહેર થવાની સાથે જ શિલોંગમાં નેપાળીઓ પર હુમલા શરૂ થઈ ગયા હતા. રૉઇટર્સ સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, તેમાં પાંચ લોકો ઘાયલ પણ થયા હતા.

વોટિંગની માર્કેટ ક્યારેક એટલી મોટી હતી કે તેમાંથી કરોડોની કમાણી થતી હતી. રિયાલિટી શો પર એવો આક્ષેપ કરવામાં આવે છે કે વિજેતાની પસંદગી માત્ર વોટિંગને આધારે થતી નથી.

સ્પર્ધકો સામદામનો ઉપયોગ કરીને પોતાની તરફેણમાં વોટિંગ કરાવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવે છે. આ કારણે અસલી કૌશલ્ય પાછળ રહી જાય છે.

આશિષ ગોલવલકર કહે છે, “ચેનલોમાં ઑડિટર હોય છે. તેઓ રિઝલ્ટને ઑડિટ કરે છે. કોઈ કોઈની તરફેણ કરી શકતું નથી. કોઈને જિતાડીને કશો ફાયદો ન થવાનો હોય તો કોઈ એવું કામ શા માટે કરે?”

રિયાલિટી શોના વિજેતાઓ જ સફળ થાય છે એવું નથી. રિયાલિટી શોમાં વિજેતા ન બન્યા હોય તેવા લોકોને પણ સફળતા કે ઓળખ મળે છે.

અનુ મલિક કહે છે, “જીતવાનો આધાર વોટ અને નસીબ પર હોય છે. જેને વધુ વોટ મળે એ જ આગળ જઈ શકે છે. ઇન્ડિયન આઇડલ, સારેગમપ જેવાં પ્લૅટફૉર્મ્સથી અનેક લોકોને ઓળખ મળી રહી છે. એ કાર્યક્રમોને કારણે ઘણા લોકો કમાણી કરી શકે છે.”

વોટિંગમાં મહત્ત્વનો એક માપદંડ કેમ્પેઇનનો હોય છે. તેમાં સ્પર્ધકની સ્થાનિક ઓળખને ઉત્કૃષ્ટ રીતે રજૂ કરવામાં આવે છે. કેમ્પેઇન ચેનલો પણ કરતી હોય છે અને ઘણી વખત સ્પર્ધકો પોતે પણ કરતા હોય છે.

અભિનેત્રી કંગના રનોત જેનું સંચાલન કરતા હતાં તે ‘લૉકઅપ’ શોમાં મુનવ્વર ફારૂકીએ તેમની ડોંગરીવાળી ઓળખને બહુ સારી રીતે પ્રસ્તુત કરી હતી અને તેઓ એ શોના વિજેતા પણ બન્યા હતા.

આવી ઓળખને લીધે થતા ફાયદાની વાત કરતાં ટેરેન્સ લુઇસ કહે છે, "કેટલાંક રાજ્યો બહુ ઇમોશનલ છે. કોઈ સ્પર્ધક ઈશાન ભારતનાં રાજ્યોમાંથી, બંગાળ, ગુજરાત કે નાના શહેરમાંથી આવતો હોય તો ત્યાં લોકો ગર્વ અનુભવે છે અને જોરદાર વોટિંગ કરે છે. આપણો દેશ ઇમોશનલ હોવાથી જે સાચું છે તેના માટે વોટિંગ નહીં કરે. જે લોકો ભેદભાવની વાતો કરે છે એમને પૂછો કે તેમણે વોટિંગ કર્યું હતું કે નહીં."

"ઇમોશનલ વ્યક્તિ સાચું વોટિંગ નહીં કરે. આ દેશમાં પક્ષપાત સાથે વોટિંગ થાય છે એ આપણે જાણીએ છીએ. વિજેતાની પસંદગી નિર્ણાયકો નહીં, પણ જનતા શા માટે કરે છે એ મુદ્દે ટીવીવાળાઓ સાથે હું ઘણી વાર લડું છું. વિદેશમાં વિજેતાની પસંદગી નિર્ણાયકો કરે છે. એ સંજોગોમાં આપણે કાબેલ વ્યક્તિને વિજેતા બનાવીશું, એ ક્યા રાજ્યનો છે કે કોની માતાનું સપનું હતું એ આધારે નહીં."

બીબીસી ગુજરાતી

રિયાલિટી શોમાં જજની પસંદગી કેવી રીતે થાય? કેટલા પૈસા મળે?

રિયાલિટી શો

ઇમેજ સ્રોત, SUJIT JAISWAL

કોઈ પણ રિયાલિટી શોમાં જજ અને હોસ્ટ એટલે કે નિર્ણાયકો અને સંચાલકની પસંદગી પ્રારંભથી અંત સુધી મહત્ત્વની હોય છે, પરંતુ એ પસંદગી કેવી રીતે કરવામાં આવે છે અને એ માટે કેટલા પૈસા આપવામાં આવે છે?

આશિષ ગોલવલકર કહે છે, “દરેક શોની એક પર્સનાલિટી હોય છે. અમે ડાન્સ ઇન્ડિયા ડાન્સ શો બનાવ્યો ત્યારે અમે મિથુન ચક્રવર્તીની પસંદગી કરી હતી, કારણ કે ડાન્સ તેમના માટે વારસો છે. તેમની કહાણી પણ સંઘર્ષભરી છે. અમે તેમને ગ્રાન્ડ માસ્ટર બનાવ્યા હતા, જેઓ તાલીમ આપતા માસ્ટર્સ પર નજર રાખે. બાકીના જજ ડાન્સનાં અનેક સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરતા હતા.”

જજની પસંદગી વખતે શોનું બજેટ પણ મહત્ત્વનું હોય છે. તેથી કોઈ જજની પસંદગી કરવામાં આવે ત્યારે તે એ શોમાં જજ બનવાને લાયક છે કે નહીં તેના આધારે નહીં, પણ તે બજેટમાં ફીટ બેસે છે કે નહીં તેના આધારે તેની પસંદગી કરવામાં આવતી હોય છે?

કેટલાક રિયાલિટી શોમાં જજ એક એપિસોડ માટે ઘણી વખત કરોડો રૂપિયા ફી લેતા હોય છે.

રિયાલિટી શો

ઇમેજ સ્રોત, PRODIP GUHA

ટીવી ઉદ્યોગ સાથે જોડાયેલી એક હસ્તીએ તેમની ઓળખ જાહેર ન કરવાની શરતે કહે છે, “સલમાન ખાન, શાહરુખ ખાન કે અમિતાભ બચ્ચન જેવા ટોચના સ્ટાર્સની વાત કરીએ તો તેમનો ચાર્જ બહુ વધારે હોય છે. કોઈ શો પ્રસ્તુત કરવા માટે સેલિબ્રિટી એન્કરને રૂ. 25,000થી માંડીને રૂ. અઢી કરોડ સુધીની ચુકવણી કરવામાં આવતી હોય છે. તેની કોઈ નિશ્ચિત રેન્જ નથી.”

સવાલ એ છે કે આટલા બધા પૈસા ચૂકવવાથી કોઈ ફાયદો થાય છે ખરો?

તેઓ કહે છે, “નફો ન થાય તો આ શો બંધ થઈ જાય. જે શોની બેથી વધુ સિઝન થઈ છે એ બધા શોએ કમાણી કરાવી છે એ સમજી લો.”

જોકે, હાલનાં વર્ષોમાં ટીવીના દર્શકોની સંખ્યામાં ઘટાડો થયો છે. તેનું એક કારણ મોબાઇલ ફોન અને ઓટીટીનો વિસ્તાર છે.

એક જુનિયર ટીવી પ્રોડ્યુસર કહે છે, “ટીઆરપી ઘટી રહી છે. ટીવીનું ઑડિયન્સ પણ ઘટી રહ્યું છે, કારણ કે સિરિયલો કે શો કરતાં વધુ ડ્રામા ન્યૂઝ ચેનલો દેખાડી રહી છે. એટલે દર્શકો ત્યાં શિફ્ટ થઈ રહ્યા છે. અસલી રિયાલિટી શો ત્યાં ચાલે છે.”

બીબીસી ગુજરાતી

જજનો પ્રતિભાવ કેટલો સાચો હોય છે?

રિયાલિટી શો

ઇમેજ સ્રોત, SONY/YT

અર્ચના પૂરણસિંહનું ખડખડાટ હાસ્ય, નવજોતસિંહ સિદ્ધુનું “ઠોકો તાલી” કહેવું અને નેહા કક્કડનાં આંસુ. રિયાલિટી શોઝના જજીસના પ્રતિભાવની પણ ચર્ચા થતી હોય છે.

આશિષ ગોલવલકર કહે છે, “એક શો માટે અનેક કલાક સુધી શૂટિંગ કરવામાં આવે છે. તમે જે જુઓ છો એ તો તેનું નાનકડું એડિટેડ વર્ઝન હોય છે. તમને કોઈ રડતું જોવા મળે એનો અર્થ એ નથી કે તે સ્પર્ધક હમણાં જ રડી પડ્યો છે. તેની એક પ્રક્રિયા હોય છે. કમનસીબે, તમે એ પ્રક્રિયા જોઈ શકતા નથી. એટલે તમને એવું લાગે છે કે આ તો હમણાં જ રડી હતી અને હવે ફરી રડી રહી છે. વાસ્તવમાં એવું થતું નથી. તે વ્યક્તિ પર નિર્ભર હોય છે. તમે ગીતાને કોઈ પણ ફિલ્મ દેખાડો, એ રડી પડશે. નેહા કક્કડનું પણ એવું જ છે. ટેરેન્સ લુઇસ આજ સુધી રડ્યા નથી.”

હિમેશ રેશમિયાનું “મુજે તેરે ઘર મેં રોટી ચાહીએ” હોય કે પછી મિથુન ચક્રવર્તીનું “ક્યા બાત, ક્યા બાત, ક્યા બાત” કહેવું હોય, જજીસ દ્વારા બોલવામાં આવેલાં વાક્યો ઘણી વાર વાઇરલ થઈ જતાં હોય છે. અનુ મલિકનું વાક્ય “આગ લગા દેગા” પણ ચર્ચાતું રહે છે.

અનુ મલિકને મેં પૂછ્યું, તમે “આગ લગા દેગા” વાક્ય કહો છો તે ક્રીએટિવ ટીમે લખી આપ્યું હતું કે પછી તમારું પોતાનું રિએક્શન હતું?

અનુ મલિકે કહ્યું, “મારી બધી ચીજો મારી હોય છે. મારા દિલમાંથી જે વાત નીકળે છે તે મારી હોય છે. એ પળ આવી ત્યારે હું અચાનક બોલી ઊઠ્યો હતો કે આગ લગા દી, આગ લગા દી, આગ લગા દી. ક્રીએટિવ ટીમે કહ્યું હતું કે આ તો કમાલ અને કોઈ નવી ચીજ છે.”

રિયાલિટી શોના જજ, હોસ્ટના ગુસ્સા અને દખલ બાબતે પણ ઘણી વાર સવાલ થતા હોય છે. બિગ બૉસના હોસ્ટ સલમાન ખાન આવી પ્રતિક્રિયા માટે જાણીતા છે.

બિગ બૉસના પ્રોડક્શન સાથે જોડાયેલી એક વ્યક્તિએ અમને જણાવ્યું હતું કે “સલમાન પોતે આખો એપિસોડ જુએ છે અને તેમનો આગવો દૃષ્ટિકોણ પણ હોય છે. પછી સલમાન સાથે જે ચર્ચા થાય છે તે આખી ટીમ તૈયાર કરે છે. તેઓ જે મુદ્દાનો વારંવાર ઉલ્લેખ કરે તે કહેવામાં આવે છે, પરંતુ તેઓ બિગ બૉસના ઘરના સભ્યો સાથે વાત કરતા હોય છે ત્યારે બધું વાસ્તવિક હોય છે. મુદ્દા રચી શકાય, પ્રતિક્રિયા નહીં.”

અનુ મલિક કહે છે, “અગાઉ હું બહુ ગુસ્સે થતો હતો, પણ મેં હવે ખુદ પર અંકુશ મેળવી લીધો છે.”

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 1

રિયાલિટી શો કેટલા રિયલ?

કિશોરકુમારના પુત્ર અમિતકુમાર પણ ઇન્ડિયન આઇડલના એક સ્પેશિયલ શોમાં જોવા મળ્યા હતા.

એ શો પછી અમિતકુમારે કહ્યું હતું કે કાર્યક્રમમાં બધાને સારું-સારું કહેવાની સૂચના આપવામાં આવે છે. એ સમાચારની ત્યારે બહુ ચર્ચા થઈ હતી અને એ સંદર્ભે સોનુ નિગમે કહ્યું હતું કે અમિતકુમાર સીધા સાદા માણસ છે. આ મામલાનું નિવારણ અમિતકુમાર અને ચેનલે એકમેકની સાથે વાત કરીને કરી લેવું જોઈએ.

અલબત્ત, એ પછી અમિતકુમાર વધુ એક વખત ઇન્ડિયન આઇડલમાં જોવા મળ્યા હતા. અમે અમિતકુમાર તથા સોનુ નિગમ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો પ્રતિભાવ મળી શક્યો નહોતો.

આશિષ ગોલવલકર કહે છે, “કોઈ ઘટનાને વાસ્તવિક સ્વરૂપમાં જ દર્શાવવી હોય તો તેના માટે ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનો વિકલ્પ છે. અમે રિયાલિટી શો લોકોને હિંમત આપવા માટે બનાવીએ છીએ, કોઈને નીચા દેખાડવા માટે નહીં. અમિતકુમારને એવું કહેવામાં આવ્યું હશે કે બધાનાં વખાણ કરો ત્યારે કોઈ એક સ્પર્ધકનાં વખાણ કરો અને બીજા કોઈની ધૂળ કાઢી નાખો એવી સૂચના કોઈએ નહીં આપી હોય. બધાનો ઉત્સાહ જાળવી રાખવાના પ્રયાસ થતા હોય છે.”

રિયાલિટી શો

ઇમેજ સ્રોત, SONY/YT

ઇમેજ કૅપ્શન, કિશોરકુમારના પુત્ર અમિતકુમાર

‘બૂગી વૂગી’ શોના જજ જાવેદ જાફરીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “બૂગી વૂગીમાં કોઈ સ્ક્રિપ્ટ ન હતી. અમે બધા પ્રવાહ સાથે વહેતા હતા. કોઈ ગરીબ છે કે શ્રીમંત એ વાત પર ફોકસ કરવામાં આવતું ન હતું, પરંતુ આજકાલના રિયાલિટી શોમાં એવું હોય છે કે તું મારાં વખાણ કર, હું તારાં વખાણ કરીશ. ઘણી વાર ઘણુ બધું મનઘડંત હોય છે, પરંતુ જે કૌશલ્યવાન હોય છે તે અલગ તરી આવે છે.”

ટેલેન્ટ હન્ટ સિવાયનો રિયાલિટી શો બિગ બૉસ મોટા ભાગે વિવાદો માટે જાણીતો છે. એ કાર્યક્રમમાં જોવા મળતી લડાઈ, પ્રેમ બધું સ્ક્રિપ્ટેડ હોવાનું કહેવાય છે. એવી જ એક લડાઈ ચર્ચાનું કેન્દ્ર બની હતી, જેમાં ડોલી બિન્દ્રા બરાડી હતી, “એ, બાપ પર જાના નહીં...”

બિગ બૉસ શોની પ્રોડક્શન ટીમનો હિસ્સો રહેલી એક વ્યક્તિએ કહ્યું હતું, “લોકોને એ દેખાડવામાં આવે છે, જે તેમણે જોવાનું હોય છે. લડાઈ દેખાડવામાં આવે છે, પરંતુ લડાઈ બાદ તરત સમાધાન થઈ જાય છે તે દેખાડવામાં આવતું નથી.”

તેમણે ઉમેર્યું હતું, “ગાળાગાળી, લડાઈ, પ્રેમ કશું જ મનઘડંત નથી હોતું. શોમાં ભાગ લેતા લોકોને એ વિશે કશું જ કહેવામાં આવતું નથી. લોકોને શું જોવું ગમે છે એ તેઓ જાણતા હોય છે. આપણા બધાની જેમ એ લોકો પણ અગાઉની સિઝન જોઈ ચૂક્યા હોય છે અને તેઓ જાણતા હોય છે કે લોકોને શું ગમે છે. 24 કલાકના રેકૉર્ડિંગમાંથી એક કલાકનો એપિસોડ દર્શાવવામાં આવે છે. તેથી મસાલો જ દેખાડવામાં આવે છે.”

રિયાલિટી શો માટે સ્પર્ધકોની પસંદગીનો માપદંડ શું હોય છે, એવા સવાલના જવાબમાં જાણવા મળ્યું હતું કે સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં ફૉલોઅર્સ ધરાવતા, વિવાદનું કેન્દ્ર બન્યા હોય કે લોકપ્રિય હોય અને જેમની અતરંગી ઓળખ કે સંબંધ વિખ્યાત હોય તેવા લોકોને રિયાલિટી શોમાં સ્પર્ધક તરીકે પસંદ કરવામાં આવે છે.

બીબીસી ગુજરાતી

રિયાલિટી શો પર રાજકારણનો કેટલો પ્રભાવ?

રિયાલિટી શો

ઇમેજ સ્રોત, SONY

ઇમેજ કૅપ્શન, ઇન્ડિયન આઇડલ જીતનાર ઋષિસિંહ અયોધ્યાના છે

અગાઉ ઇન્ડિયન આઇડલમાં અયોધ્યાના ઋષિસિંહ વિજેતા બન્યા હતા. તેમને અયોધ્યામાં આકાર લઈ રહેલા રામમંદિર તથા રાજકારણ સાથે સંબંધ હોવાનું સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઋષિએ સૌથી સારાં ગીત ગાયાં હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

ફિક્શન અને નૉન-ફિક્શન શોમાં કામ કરી ચૂકેલી એક વરિષ્ઠ વ્યક્તિ કહે છે, “સરકાર કેવી રીતે ચાલી રહી છે એ તમે જાણો છો. કયા એજન્ડાને આગળ વધારવાનો છે અને કોનું મૂલ્ય ઓછું આંકવાનું છે તેવી રાજકીય દખલ ન્યૂઝ ચેનલોમાં વધારે હશે. રિયાલિટી શોમાં રાજકીય એજન્ડા હજુ સુધી મેં જોયો નથી.”

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ટીવી ઉદ્યોગમાં પ્રોડક્શન સાથે જોડાયેલી એક મહિલા કહે છે, “રામ પોતે એક નૅરેટિવ છે. રામના નૅરેટિવથી કોઈને લાભ થઈ રહ્યો હોય તો એ થઈ ગયો છે. હવે તેનાથી વધારે ફાયદો થવાનો નથી. જે છોકરો વિજેતા બન્યો એ સારો ગાયક પણ છે. વિજેતાની પસંદગી વોટિંગને આધારે કરવામાં આવે છે. એ વોટિંગનું ઑડિટ થાય છે. તેમાં કોઈ ગડબડ થાય તો શો બનાવનારની આબરુ ધૂળધાણી થઈ જાય.”

સલમાન ખાનની ફિલ્મ ‘જુડવા’માં અનુ મલિકના એક ગીતની પંક્તિ હતી, “સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાં હમારા, હમ બુલબુલેં હૈં ઇસકી, યે ગુલસિતાં હમારા..હમારા યો. ઇસ્ટ ઓર વેસ્ટ યો, ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ યો.”

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 3

રિયાલિટી શોમાં રાજકીય દખલના સવાલના જવાબમાં અનુ મલિક એ ગીતનો ઉલ્લેખ કરતાં કહે છે, “આપણો દેશ બહુ મહાન છે. આપણા વડા પ્રધાન, સત્તાધારી પક્ષ બહુ મહાન છે.”

ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા અને રિયાલિટી શોમાં ભાગ લઈ ચૂકેલા લોકો પાસેથી આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે મોટા ભાગના લોકોએ જવાબ આપવાનું ટાળ્યું હતું.

કેટલાકે આ સવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. કેટલાકે તેમની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જવાબ આપ્યા હતા. એ જવાબો તથા અનુભવ મેળવી અનુ મલિકના ગીત ‘ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ...’ના પ્રારંભિક શબ્દો યાદ આવે છેઃ “..ઇન્ડિયા..આ-હા..નથિંક ઓફિશિયલ અબાઉટ ઇટ.”

રેડ લાઇન
રેડ લાઇન