સતીશ કૌશિકે લગ્ન વિના માતા બનનારાં નીના ગુપ્તાને પોતાની સાથે લગ્ન કરવાનું કેમ કહ્યું હતું?

ઇમેજ સ્રોત, PUNEET KUMAR/BBC
- લેેખક, વંદના
- પદ, ટીવી એડિટર, બીબીસી ઇન્ડિયા
મુંબઈની એક ટેક્સ્ટાઇલ મિલ અને મિલમાં નોકરીનો પ્રથમ દિવસ. પ્રથમ દિવસનું કામ હતું ધૂળિયા ઓરડામાં સાફસફાઈ.
જે વ્યક્તિએ આ કામ કરવાનું હતું એ દેશની વિખ્યાત સંસ્થા નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (એનએસડી)ની પાસઆઉટ હતી અને એફટીઆઈઆઈ પુણેમાં પણ ટ્રેનિંગ લઈ ચૂકી હતી. ઉપરાંત તે ઘણાં નાટકોમાં પણ કામ કરી ચૂકી હતી.
તેઓ હિંદી ફિલ્મોમાં નસીબ અજમાવવા દિલ્હીથી મુંબઈ આવવું પડ્યું હતું અને ગુજરાન માટે ટેક્સ્ટાઇલ મિલમાં કામ કરવું પડ્યું.
સતીશ કૌશિક 9 ઑગસ્ટ, 1979ના રોજ મુંબઈ પહોંચ્યા હતા. તે બાદ આવનારા એક વર્ષ સુધી તેઓ દિવસે મિલમાં કામ કરતા અને સાંજે નાટકમાં.
13 એપ્રિલ, 1956ના રોજ જન્મેલા એ જ સતીશ કૌશિકને મિસ્ટર ઇન્ડિયા ફિલ્મમાં 'કૅલેન્ડર'નું પાત્ર મળ્યું અને એ ભૂમિકાના કારણે લોકોએ તેમને ઓળખ્યા, વખાણ્યા અને તેમનો એક ચાહકવર્ગ ઊભો થઈ ગયો. એ પછી તેમણે ફિલ્મોમાં ક્યારેય પાછા વળીને ન જોયું.

પાકિસ્તાનથી મળી કૅલેન્ડરના પાત્રની પ્રેરણા
'મિસ્ટર ઇન્ડિયા' અને સતીશ કૌશિકની કારકિર્દીનાં સૌથી યાદગાર પાત્રો પૈકી એક હતું રસોઈયા કૅલેન્ડરનું પાત્ર. હસવા-હસાવાનો કૅલેન્ડરનો અંદાજ, ચાલ-ઢાલની સાવ અલગ જ સ્ટાઇલ.
‘કૅલેન્ડર ખાના દો’ – ફિલ્મનો પ્રખ્યાત ડાયલૉગ બની ગયો. આ પાત્રને કૅલેન્ડરનું નામ પણ સતીશ કૌશિકે જ આપ્યું હતું અને તેનું કનેક્શન પાકિસ્તાન સાથે અને ઝિયા ઉલ હકના નિઝામ સાથે હતું.
વર્ષ 1984માં પાકિસ્તાની ટીવી ડ્રામા ‘આંગન ટેઢા’ ઘણો પ્રખ્યાત થયો હતો અને ભારતમાં પણ ઘણા લોકો એ જોતા. સતીશ કૌશિકને પણ આ પાકિસ્તાની ડ્રામા અને તેનાં પાત્રો ઘણાં ગમ્યાં. ખાસ કરીને ક્લાસિકલ સિંગરમાંથી બાવરચી બનવા માટે મજબૂર થયેલ એક પાત્ર અને લહરી નામના ખ્યાતનામ કૉમેડિયનનું પાત્ર.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પાત્રોની ચાલવાનો, વાત કરવાનો અંદાજ, બૉડી લૅન્ગ્વેજ સ્ત્રૈણ હતાં. કોમલ નાહટાના શોમાં સતીશ કૌશિકે જણાવ્યું હતું કે તેમને આ પાત્ર ઘણું ગમ્યું અને તેમણે આ પાત્ર પરથી જ કૅલેન્ડરના પાત્ર માટે પ્રેરણા લીધી.

ઝિયા ઉલ હક અને પાકિસ્તાનની સિરિયલ 'આંગન ટેઢા'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એક સારો કલાકાર જ ગમે ત્યાંની કલા કે ગમે ત્યાંના કલાકાર પાસેથી શીખી શકે છે.
સતીશ કૌશિકનો આ ઇન્ટરવ્યૂ સાંભળ્યા બાદ જ મેં ઇન્ટરનેટ પર 'આંગન ટેઢા' જોવાનું શરૂ કર્યું. પાકિસ્તાની ડ્રામા 'આંગન ટેઢા' એક વ્યંગ્ય શો જરૂર હતો પરંતુ તેના પાછળની કહાણી ખૂબ જ રસપ્રદ હતી.
બીબીસી ઉર્દૂ સેવાના વરિષ્ઠ પત્રકાર આરિફ શમીમ એ સમયે પાકિસ્તાનમાં જ હતા અને તેઓ જણાવે છે કે, “હું બોલીવૂડની ફિલ્મો અને પાકિસ્તાની ટીવી ડ્રામા બંનેનો શોખીન છું. ઝિયા ઉલ હકની તાનાશાહીવાળા તબક્કાના પાકિસ્તાની ડ્રામા સૌથી સારા હતા. એ સમયે લોકો ગુસ્સે ભરાયેલા હતા, તેને વ્યક્ત કરવાની નિર્દેશકો અને પ્રોડ્યૂસરોએ સારી તરકીબ વિકસાવી હતી – વ્યંગ્ય થકી વાત મૂકવી. 'આંગન ટેઢા' આવો જ એક માસ્ટરપીસ હતો. તે એક વ્યંગ્યાત્મક ટીવી સિરિઝ હતી જેમાં માર્શલ લૉ સમયે મજેદાર અંદાજમાં કટાક્ષ કરાતો હતો.”
ખરેખર ઝિયા ઉલ હકના સમય દરમિયાન પાકિસ્તાનની ઘણી ડાન્સ સ્કૂલો બંધ કરી દેવાઈ હતી. ત્યારે લેખક અનવર મકસૂદે ખૂબ ચતુરાઈપૂર્વક આંગન ટેઢામાં અકબર નામના એક નર્તકનું પાત્ર રાખ્યું જે એક બાવરચીનું કામ કરતો. અનવર મકસૂદે જણાવ્યું હતું કે ખરેખર એક એવા નર્તકને ઓળખતા જેઓ ડાન્સ અકાદમી બંધ થયા બાદ બેરોજગાર થઈ ગયા અને તેમને માત્ર રસોઈકામ આવડતું હોઈ અન્યના ઘરે બાવરચી તરીકે કામ કરવા લાગ્યા.
આરિફ શમીમ જણાવે છે, “આંગન ટેઢામાં ખૂબ હોશિયારીપૂર્વક ઝિયા ઉલ હકની તાનાશાહીના સમયે કલા અને કલાકારોની દુર્દશા બતાવાઈ હતી. ખરેખર એ દરમિયાન એવા ઘણાં પાકિસ્તાની ટીવી નાટક બન્યાં હતાં જેમ કે 50-50, જે દરેક એપિસોડમાં અપ્રત્યક્ષ રીતે ઝિયા ઉલ હકની સરકારની મજાક ઉડાડતા. કહેવાય છે કે ઝિયા ઉલ હક પોતે આ સિરિયલના પ્રશંસક હતા અને પ્રોડ્યૂસરને જણાવતા કે તેમને પોતાની જાત પર કટાક્ષ થઈ રહ્યા હોવાની ખબર પડી રહી છે.”
કૅલેન્ડરના પાત્ર પર પાછા ફરીએ તો એ પાત્ર પાકિસ્તાની ડ્રામાથી પ્રભાવિત હતું, પરંતુ તેનું નામ સતીશ કૌશિકે એક અસલ વ્યક્તિના નામે રાખ્યું હતું. તેમના પિતા કામ માટે રાજસ્થાન જતા ત્યારે તેમના એક પરિચયમાં એક એવી વ્યક્તિ હતી, જે પોતાના નામની પાછળ તકિયા-કલામની જેમ કૅલેન્ડર શબ્દ લગાડતી.
તો કંઈક આવી રીતે એક ભારતીય વ્યક્તિ અને એક પાકિસ્તાની ટીવી સિરિયલે આપણને કૅલેન્ડર જેવું શાનદાર પાત્ર આપ્યું.

‘મારો એક્સ-રે મારા કરતાં વધુ સુંદર’

ઇમેજ સ્રોત, Getty Images
મોટા ભાગના લોકો સતીશ કૌશિકને તેમની કૉમિક ટાઇમિંગ અને ડાયલૉગ માટે ઓળખતા અને તેમનામાં આ હુન્નર શરૂઆતથી જ હતો.
સંઘર્ષના દિવસોમાં એક વાર કિડની સ્ટોન મામલે તેઓ મુંબઈમાં હૉસ્પિટલે ગયા અને એક્સ-રે કઢાવ્યો. ત્યાં નજીક જ શ્યામ બેનેગલની ફિલ્મ મંડીનું શૂટિંગ ચાલી રહ્યું હતું.
તો તક જોઈને સતીશ કૌશિક ત્યાં કામ માગવા જતા રહ્યા અને શ્યામ બેનેગલને કહ્યું કે હું એનએસડીથી છું, મને કામ આપો.
જ્યારે શ્યામ બેનેગલે કહ્યું કે તમારો ફોટો મૂકી જાઓ તો સતીશ કૌશિકને અહેસાસ થયો કે તેમણે હજુ ફોટો નહોતો પડાવ્યો. તેમણે તરત જ કહ્યું, “શ્યામજી, મારો એક્સ-રે રાખો. એ મારા ચહેરા કરતાં વધુ સુંદર છે.”
આટલું સાંભળતાં જ બેનેગલ જોરથી હસી પડ્યા અને એ જ ક્ષણે તેમણે સતીશ કૌશિકને ફિલ્મ મંડીમાં પાત્ર આપી દીધું. આ ફિલ્મમાં શબાના આઝમી, નીના ગુપ્તા, સ્મિતા પાટિલ, નસીરૂદ્દીન શાહ, ઓમ પુરી અને પંકજ કપૂર જેવાં કલાકારો હતાં.

શેખર કપૂરની ફિલ્મ 'માસૂમ'માં કેવી રીતે તક મળી?

ઇમેજ સ્રોત, @SATISHKAUSHIK2
એક અજબ સંયોગને કારણે વર્ષ 1983માં સતીશ કૌશિકની ત્રણ-ચાર ફિલ્મો આવી અને ત્રણેય ફિલ્મોએ ખૂબ નામ પણ કમાવ્યું. તેમાં 'મંડી', 'જાને ભી દો યારો' અને 'વો સાત દિન' સામેલ હતી. તેમજ 'માસૂમ' ફિલ્મમાં સતીશ કૌશિકે શેખર કપૂર સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું.
સતીશ કૌશિક મુંબઈ ઍક્ટર બનવા આવ્યા હતા. 9 ઑગસ્ટના રોજ આવ્યા અને 16 ઑગસ્ટે તો તેમને એક નાટકમાં કામ કરવાની તક પણ મળી ગઈ કારણ કે એ નાટકના એક ઍક્ટરે અચાનક ક્યાંક જવું પડ્યું.
સતીશ કૌશિકને સૌપ્રથમ સહાયક નિર્દેશક કામ કરવાની તક શેખર કપૂરની ફિલ્મ 'માસૂમ'માં મળી. આ હકીકત પાછળ પણ એક રસપ્રદ કિસ્સો છે.

ઍરપૉર્ટ જઈને માગ્યું પાત્ર

ઇમેજ સ્રોત, Getty Images
સમાચાર ચેનલ એબીપીને આપેલ એક ઇન્ટરવ્યૂમાં સતીશ કૌશિકે જણાવ્યું હતું કે, “એક દિવસ મેં શેખર કપૂરના ઘરે ફોન કર્યો. મને કહેવાયું કે તેઓ કોઈ વ્યક્તિને મૂકવા માટે ઍરપૉર્ટ ગયા છે. હું ફટાફટ ઍરપૉર્ટ પહોંચી ગયો અને મને ત્યાં સંયોગથી શેખર મળી પણ ગયા. મારી કોઈ ફ્લાઇટ નહોતી અને હું ત્યાં માત્ર તેમની પાસે કામ માગવા પહોંચ્યો છું એ જાણીને તેઓને નવાઈ થઈ. પછી જ્યારે તેમની સાથે ફોન પર વાત થઈ તો તેમણે કહ્યું કે તેમણે કોઈ રાજકુમાર સંતોષીને રાખી લીધા છે.”
“હું અંગ્રેજીમાં કંઈક બીજું જ બોલવા માગતો હતો પરંતુ મેં ખોટા અંગ્રેજી સાથે કહી દીધં કે યૂ વિલ મિસ મી કારણ કે હું ખૂબ મહેનતુ છું. આ ઘટનાના થોડા દિવસ બાદ તેમની કદાચ નસીર સાથે વાત થઈ અને તેમણે મને સહાયક નિર્દેશક તરીકે રાખી લીધો. પછી તેમની સાથે મેં 'જોશીલે' અને 'મિસ્ટર ઇન્ડિયા'માં કામ કર્યું.”
ફ્લૉપ ફિલ્મ સાથે થઈ નિર્દેશક તરીકેની કારકિર્દીની શરૂઆત
નિર્દેશનમાં સતીશ કૌશિકને નાટકના દિવસો દરમિયાનથી જ રસ હતો. સતીશ કૌશિકે જે પહેલી ફિલ્મ નિર્દેશિત કરી એ એ સમયની સૌથી મોંઘી હિંદી ફિલ્મ હતી. એ ફિલ્મ હતી અનિલ કપૂર અને શ્રીદેવી સાથે 1993માં બનાવાયેલી ફિલ્મ 'રૂપ કી રાની, ચોરો કા રાજા'.
ફિલ્મ મહાફ્લૉપ રહી. આ ફિલ્મ એવી તો નિષ્ફળ સાબિત થઈ હતી કે સતીશ કૌશિકે જણાવ્યું હતું કે હૈદરાબાદમાં તેમણે આત્મહત્યા વિશે વિચારી લીધું હતું.
પછી 1995માં નિર્દેશક તરીકે તેમની બીજી ફિલ્મ પ્રેમ પણ ફ્લૉપ સાબિત થઈ. તે બાદ 1996માં સતીશ કૌશિકના બે વર્ષના પુત્રનું મૃત્યુ થઈ ગયું. આ તેમના જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો હતો.

પપ્પુ પેજરથી માંડીને મુત્તુસ્વામી સુધી અતરંગી પાત્રો

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ સતીશ કૌશિકે ઍક્ટર અને નિર્દેશક તરીકે કમબૅક કર્યું. 1999માં તેમણે 'હમ આપકે દિલ મેં રહતે હૈ' બનાવી, 2001માં 'મુઝે કુછ કહના હૈ' અને 2003માં 'તેરે નામ'.
કારકિર્દીની બીજી ઇનિંગમાં સલમાન ખાનને સફળતા અપાવનાર ફિલ્મોની યાદીમાં 'તેરે નામ'ને હંમેશાં યાદ રખાય છે.
જો સતીશ કૌશિકના ડાયલૉગ કાગળ પર વાંચવામાં આવે તો અત્યંત મામૂલી કે ધડ-માથા વગરના લાગી શકે છે – જેમ કે 'દિવાના મસ્તાના'નો ડાયલૉગ ‘એ ટમાટર કે આખિરી દાને’ અને ‘દૂધ કે ફટેલે હિસ્સે’ કે સાજન ચલે સસુરાલનો ડાયલૉગ – ‘હમારા ફાધર નૉર્થ ઇન્ડિયન, હમારા મધર સાઉથ ઇન્ડિયન ઇસલીએ હમ કમ્પલિટ ઇન્ડિયન.’
પરંતુ તમે યૂટ્યૂબ પર જઈને આ ડાયલૉગ સર્ચ કરીને સતીશ કૌશિકની સ્ટાઇલમાં સાંભળશો તો ચહેરા પર સ્મિત આવી જશે – પછી ભલે એ 'દિવાના મસ્તાના'નું પપ્પુ પેજરનું પાત્ર હોય, 'સાજન ચલે સસુરાલ'નું મુત્તુસ્વામીનું પાત્ર હોય, 'મિસ્ટર ઍન્ડ મિસેઝ ખિલાડી'નું ચંદા મામાનું પાત્ર હોય, 'રામ લખન'નું કાશીરામનું પાત્ર હોય કે 'હસીના માન જાએગી'નું કુંજબિહારીનું પાત્ર.

'જાને ભી દો યારો'નો એ ટેલિફોન પર વાત કરવાનો યાદગાર સીન

ઇમેજ સ્રોત, NDFC
1983માં સતીશ કૌશિકે 'જાને ભી દો યારો'માં કામ કર્યું જેમાં મોટા ભાગે નવા લેખક, નિર્દેશક, ઍક્ટર કામ કરી રહ્યા હતા. સતીશ કૌશિકની ભૂમિકા એક ભ્રષ્ટ બિલ્ડર (પંકજ કપૂર)ના ભ્રષ્ટ આસિસ્ટન્ટ અશોક નંબૂદ્રીપાદની હતી.
સતીશ કૌશિકનો એક સીન આઇકૉનિક મનાય છે. ફિલ્મનો એ સીન લૉજિકથી જોજનો દૂર છે. સીનમાં નસીરુદ્દીન શાહ એક જાસૂસ બનીને ભ્રષ્ટ બિલ્ડરના ઘરમાં જાય છે, જ્યાં બિલ્ડર પંકજ કપૂરના રાઇટ હૅન્ડ સતીશ કૌશિક પણ છે.
નસીર જણાવે છે કે તમારા માટે સિક્રેટ કૉલ છે, હવે સતીશ કૌશિક અને નસીરુદ્દીન શાહ એક જ રૂમમાં બે લૅન્ડલાઇન વડે એકબીજા સાથે વાત કરે છે.
આ સમયે ફોન પડી જાય છે અને બંને એકબીજા સાથે પીઠ ટેકવીને એક જ રૂમમાં વાત કરે છે. સતીશ કૌશિક અરીસામાં નસીરને પોતાના ઓરડામાં જોઈ પણ જાય છે, પરંતુ વાતચીત ચાલુ રહે છે. આ તર્ક વગરના સીનમાંથી પણ જોરદાર કૉમેડી બહાર નીકળી આવે છે, જેનું શ્રેય મોટા ભાગે નસીર અને સતીશ કૌશિકને ફાળે જાય છે.

કૉમેડી ઉપરાંત સતીશ કૌશિકની અદાકારી સંગીન હતી
સતીશ કૌશિક કૉમેડી ઉપરાંત પણ ઘણા પ્રતિભાવાન હતા. વરિષ્ઠ ફિલ્મ પત્રકાર અજય બ્રહ્મત્મજ કહે છે કે, “સતીશ કૌશિક ખૂબ જ રસપ્રદ અને ખુશદિલ કલાકાર રહ્યા. મુશ્કેલી એ વાતની છે કે આપણે તેમને એક હાસ્ય કલાકાર તરીકે સીમિત કરી દઈએ છીએ. જો તમારે તેમનો અભિનય જોવો હોય તો તેમની એ ફિલ્મો અને નાટકો જુઓ જેમાં તેઓ અલગ અંદાજમાં છે.”
આ વાતનું ઉદાહરણ અંગ્રેજી ફિલ્મ બ્રિક લેનમાં મળે છે, જેમાં સતીશ કૌશિકે એક પ્રવાસી બાંગ્લાદેશીની ભૂમિકા ભજવી છે, જે પોતાના પરિવાર સાથે લંડનમાં રહેતો હોય છે.
આ વિદેશી ફિલ્મમાં સતીશ કૌશિકને તેમની અભિનય કળાનું ગંભીર પાસું બતાવવાની તક સાંપડી.
તેમની ઍક્ટિંગનું અલગ પાસું જોવું હોય તો તેમને નાટકોમાં જોઈ ચૂકેલા લોકો સાથે વાત કરો.
અજય બ્રહ્માત્મજે આ વિશે જણાવતાં કહ્યું કે સેલ્સમૅન રામલાલ નાટક આ વાતનું એક ઉદાહરણ છે. આ નાટકમાં વૃદ્ધત્વ, નોકરીમાં તકનીક અને જવાબદારીના બોજા હેઠળ દબાયેલ રામલાલ જીવનની સમી સાંજે પોતાના જીવનને વિખેરાતું જોઈ રહ્યા છે.
અને એ સીન જ્યારે અચાનક થિયેટરમાં અંધારપટ છવાઈ જાય છે અને તમને રામલાલનું સ્કૂટર અકસ્માતગ્રસ્ત થયું હોવાનો અવાજ સંભળાય છે. એ સમયે હસાવનારો કૅલેન્ડર ક્યાંય નથી દેખાતો. આ નાટક પુલિત્ઝર પુરસ્કાર વિજેતા નાટક 'ડેથ ઑફ અ સેલ્સમૅન' પર આધારિત હતું.

ખુશદિલ કલાકાર અને દિલદાર દોસ્ત સતીશ કૌશિક

ઇમેજ સ્રોત, Getty Images
સતીશ કૌશિક જેટલા પોતાની ફિલ્મો માટે ઓળખાતા એટલું જ પોતાની મિત્રતા માટે પણ તેમને યાદ કરાય છે.
જ્યારે 80ના દાયકામાં નીના ગુપ્તાએ લગ્ન કર્યાં વગર જ બાળકીને જન્મ આપવાનો નિર્ણય કર્યો અને સમાજમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવી તો તેમના પાકા મિત્ર સતીશ કૌશિકે નીનાને તેમના સાથે લગ્ન કરવાં કહ્યું. આ વાત નીનાએ પોતાની ઑટોબાયોગ્રાફીમાં લખી છે.
અનિલ કપૂર, ડેવિડ ધવન અને અનુપમ ખેર સાથે તેમની મિત્રતાના કિસ્સા પ્રખ્યાત છે.
'રૂપ કી રાની...' ફિલ્મ ફ્લૉપ થયા બાદ સતીશ કૌશિક ડેવિડ ધવન સાથે ફિલ્મ રાજા બાબુમાં કામ કરી રહ્યા હતા. ફિલ્મમાં શક્તિ કપૂરવાળી ભૂમિકા ખરેખર સતીશ ભજવવાના હતા.
પરંતુ સતીશને લાગ્યું કે કારકિર્દીના આ વળાંકે આ ભૂમિકા તેમની છબિ માટે ઠીક નથી કારણ કે લોકો વિચારશે કે ફ્લૉપ ફિલ્મ બાદ તેઓ હવે આ પ્રકારનાં પાત્રો ભજવી રહ્યાં છે.
પરંતુ સતીશ કૌશિક પ્રમાણે ડેવિડ ધવન તેમની મૂંઝવણ સમજી ગયા અને 'સાજન ચલે સસુરાલ'માં જે ભૂમિકા શક્તિ કપૂર કરી રહ્યા હતા તે સતીશને આપી દીધી.
સંયોગથી શક્તિ કપૂર અને સતીશ કૌશિક બંનેને તેમનાં પાત્રો માટે ફિલ્મફેર પુરસ્કાર મળ્યા. સતીશની ફિલ્મો હિટ-ફ્લૉપ થતી રહી, પરંતુ મિત્રતાની બાબતમાં સતીશ કૌશિક ખૂબ ધનિક હતા.

પપ્પુ પેજર

ઇમેજ સ્રોત, @SATISHKAUSHIK2
તેમની ફિલ્મો હિટ રહી પરંતુ 'બધાઈ હો બધાઈ', 'મિલેંગે મિલેંગે' જેવી ફ્લૉપ ફિલ્મો પણ તેમણે બનાવી. તેમજ સૌથી આશ્ચર્યચકિત કરનારી ફિલ્મ એવી ‘કર્જ’ની રિમેક જેવી ફિલ્મ પણ તેમણે બનાવી.
આ રિમેકને લઈને મને હંમેશાં આશ્ચર્ય થતું રહ્યું અને દરેક વખત વિચાર્યું કે હું ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને આ વાત પૂછીશ. હવે લાગે છે કે કદાચ આ સવાલ પર કદાચ તેમણે 'પપ્પુ પેજર'ના પાત્રની માફક જવાબ આપ્યો હોત – "પપ્પુ પેજરના મગજને સમજવામાં તને ટાઇમ લાગશે. સમઝા ક્યાં?"
સતીશ કૌશિકની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયા'નો ડાયલૉગ પણ યાદ આવે છે જેમાં તેમણે ચોરબજારમાં કામ કરનારા શરાફત અલીની ભૂમિકા ભજવી છે અને અમિતાભ બચ્ચન અને ગોવિંદાને બરાબરીની ટક્કર આપી.
ફિલ્મમાં શરાફત અલી કહે છે કે, “પિછલે 9 સાલ મેં શરાફત અલી ને ચોર બજાર મે પૈસા નહીં કમાયા પર શરાફત સે ઇજ્જત બહુત કમાઈ હૈ.”
અસલ જીવનમાં પણ સતીશ કૌશિકે પાછલાં 40 વર્ષોમાં ફિલ્મી બજારમાં પૈસા કમાયા, ખૂબ નામ કમાયું અને અતિશય ઇજ્જત પણ કમાઈ.
અજય બ્રહ્મત્મજ કહે છે કે, “સતીશ કૌશિકે 'રૂપ કી રાની...' અને 'પ્રેમ' જેવી ફિલ્મો બનાવી. પરંતુ એ જુઓ કે તેઓ અંતે ક્યાં પહોંચ્યા. સત્ય તો એ છે કે તેમનું મન ‘કાગઝ’ જેવી ફિલ્મોમાં લાગતું અને તેઓ ‘કાગઝ-2’ની તૈયારી કરી રહ્યા હતા. એ જોવું જોઈએ કે તેમણે પોતાના માટે કેવી ફિલ્મો પસંદ કરી અને પોતાના પ્રોડક્શન હાઉસ માટે કેવા પ્રકારની ફિલ્મો બનાવી.”
યૂ વિલ મિસ મી વાળી વાત સતીશ કૌશિકે અંગ્રેજી ભાષા પર નબળી પકડને લીધે ભલે કહી હોય પરંતુ તેમના અભિયના પ્રસંશકો માટે આ વાત સાચી છે.
અહીં સતીશ કૌશિકનું વધુ એક પાત્ર યાદ આવી રહ્યું છે. આ પાત્ર છે ફિલ્મ 'જમાઈ રાજા'નું બીબીસી (બાંકે બિહારી ચતુર્વેદી)નું પાત્ર.
સતીશ કૌશિકના પ્રશંસકો તેમને આગામી સમયમાં અમુક ફિલ્મો અને વેબ શોમાં જોઈ શકે છે. તેમાં 'કિસી કા ભાઈ કિસી કી જાન', 'પટના શુક્લા', 'ઇમર્જન્સી', 'કાગઝ 2', 'ગન્સ ઍન્ડ ગુલાબ્ઝ' સામેલ છે.














