અભિમાન : જયા-અમિતાભ બચ્ચનની આ ફિલ્મની મોહિની 50 વર્ષ પછી પણ કેમ યથાવત્ છે?

અમિતાભ બચ્ચન અભિમાન ફિલ્મ

ઇમેજ સ્રોત, SMM AUSAJA ARCHIVE

    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી સંવાદદાતા

ઝંઝીર, દિવાર અને શોલે જેવી દમદાર ફિલ્મોએ અમિતાભ બચ્ચનને એંગ્રી યંગમેન તરીકે ખ્યાતિ અપાવી હતી, પરંતુ કેટલાક નિષ્ણાતોના જણાવ્યા મુજબ, માનવીય સંબંધના ચડાવ-ઉતાર પર આધારિત સંગીતમય ફિલ્મ ‘અભિમાન’માં અમિતાભની ભૂમિકા, તેમની કારકિર્દીની સૌથી ઉત્તમ ભૂમિકા બની રહી છે.

આ ફિલ્મમાં અમિતાભે એક એવા લોકપ્રિય ગાયકનું પાત્ર ભજવ્યું હતું, જે લગ્ન પછી તરત જ તેની પત્નીને સ્ટેજ પર સાથે ગાવાં માટે તૈયાર કરે છે. પત્ની ટૂંક સમયમાં સ્ટાર ગાયિકા તરીકે પ્રસ્થાપિત થઈ જાય છે ત્યારે પતિના અહંકારને ઠેસ લાગે છે અને ઈર્ષાની લાગણી પ્રગટ થાય છે.

વિખ્યાત દિગ્દર્શક ઋષિકેશ મુખરજીએ આ ફિલ્મમાં અમિતાભ તથા તેમનાં પત્ની જયાને મુખ્ય ભૂમિકા આપી હતી. એ વખતે બન્ને વચ્ચે રોમાન્સ ચાલી રહ્યો હતો અને ‘અભિમાન’ પ્રદર્શિત થયાના માત્ર એક મહિના પહેલાં બન્નેએ લગ્ન કર્યાં હતાં. આ ફિલ્મમાં દમદાર ભૂમિકા ભજવવા માટે જયા બચ્ચનને શ્રેષ્ઠ અભિનેત્રીનો પ્રતિષ્ઠિત ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો.

આ વર્ષે જુલાઈમાં ‘અભિમાન’ને 50 વર્ષ પૂરાં થશે. મારા પર આ ફિલ્મની ગાઢ અસર રહી છે. મેં અમિતાભની જે પહેલી ફિલ્મ જોઈ હતી તે ‘અભિમાન’ હતી અને મને આ ફિલ્મ અમિતાભની તમામ ફિલ્મોમાં ઉત્કૃષ્ટ લાગે છે.

1973માં અમિતાભ બચ્ચનની કમસેકમ અડધો ડઝન ફિલ્મ રજૂ થઈ હતી. તેમાં એ વર્ષે ઓસ્કર ઍવૉર્ડ માટે મોકલવામાં આવેલી ‘સૌદાગર’ અને ભારતના સૌથી મોટા એક્શન હીરો તરીકે અમિતાભને સ્થાપિત કરતી ‘ઝંઝીર’ જેવી ફિલ્મો સામેલ હતી.

ગ્રે લાઇન

ફિલ્મની સફળતાનું કારણ

અમિતાભ બચ્ચન અભિમાન ફિલ્મ

ઇમેજ સ્રોત, SMM AUSAJA ARCHIVE

ફિલ્મ સમીક્ષક અને લેખક સૈબાલ ચેટરજીએ બીબીસીને કહ્યું હતું કે “એ સમયે અભિમાન વિશે સૌથી વધુ ચર્ચા થઈ હતી અને આ ફિલ્મ અમિતાભની એ વર્ષની સૌથી હિટ ફિલ્મ હતી.”

સૈબાલના જણાવ્યા મુજબ, એ દિવસોમાં સંખ્યાબંધ પ્રેક્ષકો ફિલ્મ નિહાળવા માટે થિયેટરોમાં ધસી જતા હતા. માતા-પિતા અને સંતાનો સહિતનો આખો પરિવાર સિનેમા થિયેટરમાં જતો હતો. બપોરના અને સાંજના શોઝમાં બહુ ભીડ થતી હતી.

રંગમંચ અભિનેત્રી અને ખુદને અમિતાભ બચ્ચનનાં પ્રશંસક ગણાવતાં મોનિષા ભાસ્કરે કહ્યું હતું કે “પત્નીની સફળતાથી નારાજ અને દુઃખી પતિની સદાબહાર કથાએ દર્શકોનું મન મોહી લીધું હતું, કારણ કે સામાજિક વાસ્તવિકતાની દૃષ્ટિએ તે સર્વવ્યાપક હતું.”

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મોનિષા ભાસ્કરના કહેવા મુજબ, “અભિમાન ફિલ્મની કથા દરેકને વિશ્વસનીય લાગતી હતી, કારણ કે પતિ-પત્ની વચ્ચે અહમનો ટકરાવ અહીં આશ્ચર્ય ગણાતો નથી. ભારતીય સમાજમાં મોટાભાગના પતિ, તેમની પત્ની બહેતર કામ કરે અથવા કારકિર્દીમાં આગળ નીકળી જાય ત્યારે અસહજ થઈ જતા હોય છે.”

મોનિષા ભાસ્કરે ઉમેર્યું હતું કે “મુશ્કેલી એ છે કે પતિએ પહેલાં તો પત્નીને ગાવા માટે પ્રોત્સાહિત કરી હતી, પણ પત્ની તેનાથી વધારે લોકપ્રિય થઈ ગઈ એ વાત તે સ્વીકારી શક્યો ન હતો. અલબત, પત્ની તેના પતિ સાથે સ્પર્ધા કરતી ન હતી. તેનો અવાજ કર્ણમંજુલ હતો.”

આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે મોનિષા ચાર વર્ષનાં હતાં અને તેમનાં માતા-પિતા તેને આ ફિલ્મ જોવાં લઈ ગયાં હતાં. એ પછી મોનિષાએ અનેકવાર અભિમાન જોઈ છે.

મોનિષાએ કહ્યું હતું કે “પહેલી વખત તો મને ફિલ્મ સમજાઈ ન હતી, પરંતુ તેનાં ગીત-સંગીત મને બહુ ગમ્યાં હતાં. ત્યાર બાદ મેં અનેક વખત આ ફિલ્મ જોઈ છે અને દરેક વખતે મને અગાઉ કરતાં વધુ મજા પડી છે.”

મોનિષાના કહેવા મુજબ, “આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની ભૂમિકા તેમની કારકિર્દીની સૌથી શ્રેષ્ઠ ભૂમિકા છે અને તેમની પત્નીની ભૂમિકામાં જયા બચ્ચન પણ બહુ ભરોસાપાત્ર લાગ્યાં. ફિલ્મનું સંગીત અતિ મધુર અને ગીતો ફિલ્મની કથાને આગળ વધારવામાં મદદરૂપ થયાં.”

ગ્રે લાઇન

સર્વકાલીન ફિલ્મ

અમિતાભ બચ્ચન અભિમાન ફિલ્મ

ઇમેજ સ્રોત, SMM AUSAJA ARCHIVE

સમય જતાં ‘અભિમાન’ને પ્રશંસકો, સમીક્ષકો અને બચ્ચન દંપતિને ફિલ્મઉદ્યોગના સહકર્મીઓએ બહુ વખાણી. ફિલ્મસર્જક કરણ જૌહર આ ફિલ્મને પોતાની ગમતી ફિલ્મ ગણાવી ચૂક્યા છે. તેમણે સ્વીકાર્યું હતું કે “આ ફિલ્મ જ્યારે જોઈ છે ત્યારે આંખમાંથી આંસુ ટપક્યાં છે.” અભિનેત્રી વિદ્યા બાલને પણ થોડા સમય પહેલાં સ્વીકાર્યું હતું કે તેમણે આ ટાઈમલેસ ફિલ્મ અનેકવાર નિહાળી છે.

ડિસેમ્બર, 2022માં કોલકાતામાં આયોજિત આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવની શરૂઆત આ ક્લાસિક ફિલ્મ સાથે થઈ હતી. એ પ્રસંગે ‘અભિમાન’ને યાદ કરતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે “આ ફિલ્મમાં મેં અને જયા બન્નેએ અમારી કારકિર્દીના સૌથી યાદગાર પાત્રો ભજવ્યાં હતાં. તેનાં ગીતો આજે પણ યાદ આવે છે અને ઘણા લોકો માટે એ કોઈ સપનાથી વિશેષ છે.”

સૈબાલ ચેટરજીના જણાવ્યા મુજબ, અમિતાભ બચ્ચનની કારકિર્દીમાં ‘અભિમાન’ને કાયમ એક સિદ્ધિ ગણવામાં આવશે, કારણ કે આ ફિલ્મ તેમની મર્દાના અને એંગ્રી યંગમેનની ઈમેજથી એકદમ અલગ હતી.

સૈબલે કહ્યું હતું કે “આ ફિલ્મમાં અમિતાભનું એક અલગ જ રૂપ જોવા મળ્યું હતું. તેમણે અભિમાન ફિલ્મમાં અસલામતી અને ઈર્ષાથી છલોછલ એવા એક વાસ્તવિક હીરોનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રમાં અમિતાભની અભિનય ક્ષમતાનું વૈવિધ્ય જોવા મળ્યું હતું. દિગ્દર્શકે લખેલું કોઈ પણ પાત્ર તેઓ ભજવી શકે છે, તે આ ફિલ્મે પૂરવાર કર્યું હતું.”

સૈબાલ ચેટરજીને જણાવ્યા મુજબ, આ ફિલ્મના સ્થાયી આકર્ષણનું કારણ એ પણ છે કે બોલીવૂડની વૈવાહિક સંબંધ પર આધારિત ફિલ્મો બહુ લાઉડ હોય છે, પરંતુ અભિમાન તદ્દન અલગ પ્રકારની ફિલ્મ હતી, જેમાં કોઈ લાઉડનેસ ન હતી.

અમિતાભ બચ્ચન અભિમાન ફિલ્મ

સ્ટાર્સ વચ્ચેના સંબંધ

અમિતાભ બચ્ચન અભિમાન ફિલ્મ

ઇમેજ સ્રોત, SMM AUSAJA ARCHIVE

આ ફિલ્મ તેના સ્ટાર્સ વચ્ચેના સંબંધ પર આધારિત હોવાનું અનુમાન છેલ્લાં ઘણાં વર્ષોથી વિશ્લેષકો કરતા રહ્યા છે.

જયા બચ્ચન સ્થાપિત અભિનેત્રી હતાં, જ્યારે અમિતાભ બોલીવૂડમાં પગ જમાવવા સંઘર્ષ કરતા હતા.

આ ફિલ્મની સરખામણી વિખ્યાત સિતારવાદક રવિશંકર અને તેમનાં જેટલાં જ એમનાં પ્રતિભાશાળી પત્ની અન્નપૂર્ણા દેવી વચ્ચેના સંબંધના સંદર્ભમાં પણ કરવામાં આવી હતી.

જોકે, ઋષિકેશ મુખરજીએ આ અનુમાનનું ખંડન કર્યું હતું અને ફિલ્મની પટકથાનું રહસ્ય જાહેર કરી દીધું હતું.

તેમણે જણાવ્યું હતું કે આ ફિલ્મ વિખ્યાત ગાયક કિશોર કુમાર અને તેમનાં પહેલાં પત્ની રુમા દેવીના જીવન પર આધારિત હતી. રુમા દેવી બંગાળી ફિલ્મોદ્યોગમાં સફળ અભિનેત્રી અને ગાયિકા હતાં.

ઋષિકેશ મુખરજીએ કહ્યું હતું કે “રુમા બહુ પ્રતિભાશાળી હતાં, જ્યારે કિશોરે તેમની કારકિર્દીની શરૂઆતમાં થોડો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેઓ એક કળાકાર તરીકે રુમા દેવીને મળતી ભેટો પ્રત્યે હંમેશા સાવધ રહેતા હતા.”

અલબત, ‘અભિમાન’ની સરખામણી ‘અ સ્ટાર ઈઝ બોર્ન’ ફિલ્મ સાથે કરવામાં આવતી હોવાનું ઋષિકેશ મુખરજીએ ક્યારેય સ્વીકાર્યું ન હતું.

અસલામતીની ભાવના ધરાવતા પતિની કહાણી વિશે હોલીવૂડમાં ચાર-ચાર ફિલ્મ બની છે.

તેમાં 1937માં બનેલી પહેલી ફિલ્મથી માંડીને 2018માં બનેલી લેડી ગાગા તથા બ્રેડલી કૂપરની ફિલ્મનો સમાવેશ થાય છે.

સૈબાલ ચેટરજીએ કહ્યું હતું કે “ઋષિકેશ મુખરજી અનેક ફિલ્મો નિહાળતા હતા અને તેમણે અ સ્ટાર ઈઝ બોર્ન પણ જરૂર જોઈ હશે, પરંતુ આ કથા સર્વવિદિત છે અને લગ્નની સંસ્થા જેટલી જ પુરાણી છે.“

“મહત્ત્વની વાત એ છે કે ઋષિકેશ મુખરજીએ તેને ભારતીય કથા બનાવી નાખી. તેમણે તેને ભારતીયતાનો રંગ આપ્યો.“

“કોઈ પણ રીતે પાશ્ચાત્ય ફિલ્મની નકલ હોય તેવું લાગતું નથી. તે ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી લાગે છે અને એ બાબત તેને બેમિસાલ બનાવે છે.”

અમિતાભ બચ્ચન અભિમાન

પતિ-પત્નીના સંબંધ વિશે સંદેશ

અમિતાભ બચ્ચન અભિમાન ફિલ્મ

ઇમેજ સ્રોત, SCREEN

મોનિષા ભાસ્કરના જણાવ્યા મુજબ, આ ફિલ્મ 50 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી અને તેમાં પતિ-પત્નીના સંબંધ બાબતે જે સંદેશ આપવામાં આવ્યો છે તે આજે પણ પ્રાસંગિક છે.

મોનિષાએ કહ્યું હતું કે “આ સંદેશ કેટલા પુરુષો સમજ્યા હશે તેની મને ખબર નથી, પરંતુ અભિમાન ફિલ્મે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ઇર્ષ્યા અને અહંકારની કિંમત પણ ચૂકવવી પડે છે. તેની સાથે મહિલાઓ માટે એવો સંદેશ પણ છે કે પોતાના પતિને દુર્વ્યવહારને એક મર્યાદાથી વધારે સહન ન કરવો જોઈએ.”

આ ફિલ્મમાં જયા પતિને છોડીને પોતાના ગામે પાછી ફરે છે, એમ જણાવતાં મોનિષાએ ઉમેર્યું હતું કે “જયાનું પાત્ર ઉદાસ છે, અવસાદમાં છે. ગર્ભપાત થઈ ચૂક્યો છે, પરંતુ તેનામાં એટલું આત્મસન્માન છે કે તે પોતાના પતિ પાસે રહેતી નથી.“

“પોતાને સાથે રાખવાની વિનંતી કરતી નથી. એ પોતાની શરતે જ પાછી ફરે છે અને એ પણ પતિ તેડવા આવે છે અને પોતાની ભૂલ સ્વીકારે છે ત્યારે.”

અભિમાન સાથે જોડાયેલા એક અન્ય પાસાની વાત કરતાં મોનિષાએ જણાવ્યું હતું કે “જે દૌરમાં આ ફિલ્મ બની હતી એ સમયની મોટાભાગની ફિલ્મનો અંત સુખદ હતો. તેનાથી અલગ પ્રકારનો અંત ધરાવતી ફિલ્મો દર્શકોને ગમતી ન હતી, પરંતુ અભિમાન અલગ પ્રકારની ફિલ્મ હતી.“

“પતિ-પત્નીનાં પાત્રોમાં પતિનું ચરિત્ર નબળું હતું. તે પોતાનાથી વધારે સફળતા અને લોકપ્રિયતા પત્નીને મળે એ હકીકતનો સામનો કરી શકતો ન હતો.”

બીજી તરફ અમિતાભ બચ્ચને આ ખામીવાળા પાત્રને ઉલ્લેખનીય તેમજ વાસ્તવિક અભિનયથી પોતાનું બનાવી લીધું હતું.

રેડ લાઇન
રેડ લાઇન