રમેશ મહેતા : એક અકસ્માતને કારણે ઍક્ટર બની દર્શકોનાં દિલો પર રાજ કરનારા હાસ્ય અભિનેતા

ઇમેજ સ્રોત, Bipin Tankariya
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી ગુજરાતી
ઓહોહોહો... તળપદા લહેકા સાથે આ શબ્દો કાને પડે એટલે તરત મનમાં રમેશ મહેતાનું પાત્ર સ્મૃતિપટ પર તરવરવા માંડે.
ગુજરાતી ફિલ્મના કોઈ જાણીતા અભિનેતા કોઈ ચોક્કસ ડાયલૉગથી ઓળખાય કે ન ઓળખાય પણ ઓહોહોહો...ના લહેકાથી રમેશ મહેતા તો ઓળખાઈ જ જાય.
એંશી - નેવુંના દાયકામાં કૉમેડિયન અને સહકલાકારની ભૂમિકા ભજવતા હોવા છતાં રમેશ મહેતાનું નામ ફિલ્મના મુખ્ય કલાકાર જેટલું જ જાણીતું હતું.
તેમની હાજરી માત્ર જ દર્શકોમાં હાસ્યના રેલાવા માટે પર્યાપ્ત હતી.
દર્શકો માટે 1969થી આજપર્યંત ગુજરાતી ફિલ્મમાં હાસ્ય-કલાકાર તરીકે એકમેવ રહ્યા છે.
વર્ષો સુધી દર્શકોના ફૅવરિટ હાસ્ય-કલાકાર રહેલા રમેશ મહેતાએ અમુક ઉંમર બાદ ફિલ્મો કરવાની બંધ કરી અને તેમના નિધનને વર્ષો વીતી ગયાં છતાં લોકોના મનમાં ‘હાસ્યની રેલમછેલ કરાવતા’ આ અભિનેતાની ખાલી જગ્યા પુરાઈ નથી.
તેમનું નામ થિયેટરમાં પડદે ‘ટાઇટલ’માં આવતું ત્યારે સિનેમાહૉલ સીટીઓથી ગાજી ઊઠતો.
તેથી ‘રેતીનાં રતન’ ફિલ્મમાં તેમની ઓળખ જ ‘સીટીસમ્રાટ’ તરીકે આપવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
22 જૂન 1932ના રોજ, નવાગામ, ગોંડલમાં જન્મેલા રમેશ મહેતાને નાનપણથી જ નાટક પ્રત્યે ખૂબ લગાવ હતો.
એ વખતે વિવિધ નાટ્યમંડળીઓ અલગ અલગ શહેરોમાં નાટક ભજવવા જતી હતી.
રમેશ મહેતાનું બાળપણ અને યુવાની રાજકોટમાં જ વીત્યાં છે.
રમેશ મહેતાના પિતા ગિરધરલાલ મહેતાને પણ નાટકોનો શોખ હતો.
બાપુજી ચિટ્ઠી લખી દે એટલે નાટક કંપની નાટક જોવા માટે બેસાડે.
નાટકનો નાદ એ હતો કે બાળ વયે ઘરમાં જણાવ્યા વગર પણ ક્યારેક ચોરીછૂપે નાટક જોઈ આવતા હતા અને માર પણ પડતો હતો.
એક મુલાકાતમાં રમેશ મહેતાએ કહ્યું હતું કે, “બાર ચૌદ વર્ષની વયે એક વખત નાટક જોઈને મોડી રાત્રે જ્યારે ઘરની ડેલીમાંથી ચોરપગે પ્રવેશતો હતો ત્યારે પકડાઈ ગયો હતો અને બાપુજીના હાથે સોટીનો માર પણ ખૂબ ખાધો હતો.”
રમેશ મહેતાના અભિનયમાં પણ નાટકના કલાકારો જેવી ખૂબી જોઈ શકાતી હતી.

કઈ રીતે ફિલ્મમાં તક મળી?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રમેશ મહેતા કહેતા કે, “મારી માતા મારી પ્રથમ પ્રેક્ષક હતી. બાળવયે મને જે કાંઈ રમૂજ વગેરે સુઝે તે મારી માતા સામે હું રજૂ કરતો અને પછી બહારના લોકો સામે રજૂ કરતો.”
ગુજરાત વિશ્વકોશમાં જાણીતા ફિલ્મ સંશોધક હરીશ રઘુવંશીની નોંધાયેલી વિગતો અનુસાર 1969માં રમેશ મહેતાનું ભાગ્ય ખૂલ્યું.
મશહૂર ગુજરાતી પટકથાલેખક ચત્રભુજ દોશી બીમાર પડતાં તેમના લેખનવાળી ‘હસ્તમેળાપ’ ફિલ્મનાં કેટલાંક દૃશ્યો તેમણે લખ્યાં અને તેમના આશીર્વાદથી તેઓ પટકથાલેખક બની ગયા. તેમણે નાની ભૂમિકા પણ ભજવી.
રવીન્દ્ર દવેની ગુજરાતી ફિલ્મ ‘જેસલ તોરલ’માં સુરતના કલાકાર કૃષ્ણકાંતની હાસ્ય અભિનેતાની ભૂમિકામાં વરણી થયેલી.
અકસ્માતે તેઓ શૂટિંગ સમયે ન પહોંચી શક્યા.
તેથી તે ભૂમિકા રમેશ મહેતાએ ભજવી અને તેઓ એ રીતે હાસ્ય અભિનેતા તરીકે પ્રતિષ્ઠિત થયા.
પછી તો તેમણે પાછું વળીને જ જોયું.
190 જેટલી ગુજરાતી ફિલ્મોમાં તેમણે હાસ્ય-કલાકાર તરીકે અભિનય કરીને વિક્રમ સર્જ્યો છે. રમેશ મહેતાએ 22 ફિલ્મોની કથાઓ પણ લખી હતી.
કૉમેડીનું અગત્યનું પાસું સીનમાં કલાકારનું ટાઇમિંગ હોય છે.
નીવડેલા હાસ્ય અભિનેતા પોતાના ટાઇમિંગને જોરે જ સારી કૉમેડી કરી શકતા હોય છે. પછી તે ચાર્લી ચૅપ્લીન હોય કે ગોવિંદા.
રમેશ મહેતા પણ ટાઇમિંગના માસ્ટર હતા.
સ્થાનિક અખબારે લીધેલી નોંધ મુજબ વર્ષ 2012માં રમેશ મહેતાના અવસાન વખતે શ્રદ્ધાંજલિ આપતાં જાણીતા કલાકાર અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીએ કહ્યું હતું કે, “રમેશ મહેતામાં અવિરલ કૉમેડી અને ટાઇમિંગનું તત્ત્વ જોરદાર હતું. તેમણે જે આપ્યું તે કોઈએ હજી ગુજરાતી ફિલ્મોને નથી આપ્યું.”

સરકારી નોકરી પણ કરી હતી!

ઇમેજ સ્રોત, Bipin Tankaria
નીવડેલો હાસ્ય-અભિનેતા એ સારો અવલોકનકાર હોય છે.
આસપાસનાં લોકોનું નિરીક્ષણ કરીને તેમાં રહેલી રમૂજ શોધીને એ અભિનયમાં વણી લેતો હોય છે.
રમેશ મહેતાએ સરકારી નોકરી પણ કરી હતી અને એ વખતનાં અવલોકન તેમને અભિનયમાં કામે લાગ્યાં હતાં.
1953માં 40 રૂપિયાના પગારે તેઓ ઈરાની શેઠની નાટક કંપનીમાં જોડાયા હતા.
તે પછી વધારે પગાર માટે નાટક કંપની છોડી સરકારી નોકરીમાં જોડાયા હતા.
જાહેર બાંધકામ ખાતામાં નોકરી કરતાં કરતાં આમ જનતાના સહવાસમાં આવવાનો લાભ તેમને મળ્યો હતો, જેણે અભિનય માટેના અવલોકનની સારી તક પૂરી પાડી હતી.
સરકારી નોકરીમાં નાટકીયો જીવ અકળાતો રહ્યો.
અંતે નોકરી છોડી થોડો સમય પ્રૂફરીડિંગ કર્યા બાદ મુંબઈ પહોંચ્યા હતા.
મનસુખ જોશીની ભલામણથી 100 રૂપિયાના માસિક પગારે તેઓ મુંબઈની જાણીતી નાટ્યસંસ્થા આઇ. એન. ટી.(ઈન્ડિયન નેશનલ થિયેટર)માં પડદા પાછળના કલાકાર તરીકે જોડાયા હતા.
આ સમયે બે નાટકો ‘સૂડી વચ્ચે સોપારી’ તથા ‘હું એનો વર છું’ લખ્યાં.
ગુજરાતી અભિનેત્રી અને નિર્માત્રી કલ્પના દીવાનને તે ગમ્યાં.
તેથી રમેશ મહેતાને પોતાના ઘરે છ વર્ષ રાખ્યા. એ પછી ફિલ્મોમાં લાગ્યા અને લાગલગાટ કામ કર્યું.

‘20-22 વર્ષ સુધી મારી પત્ની માથે મેં નવો સાડલો નથી ચઢાવ્યો’

ઇમેજ સ્રોત, Bipin Tankaria
લગ્ન પછી ચાર સંતાનો થયાં હતાં અને લાંબા સમય સુધી તેમની પાસે કોઈ નોકરી-ધંધો ન હતો.
ઘરમાં ગરીબી એવો આંટો દઈ ગઈ હતી કે ક્યારેક તો સવારની રોટલી સાંજે છાશ સાથે વઘારીને ખાવાનો વારો આવતો.
ક્યારેક સસરા ગોળ અને ઘઉં મોકલતા તો ગોળ અને રોટલી પર દિવસ જતા હતા.
ફિલ્મોમાં કામ શરૂ કર્યું એ પહેલાં રમેશ મહેતાએ ઘણા દુઃખના દહાડા જોયા હતા. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, “20–22 વર્ષ સુધી મારી પત્ની માથે મેં નવો સાડલો નથી ચઢાવ્યો.”
રમેશ મહેતાના ઘરમાં ધાર્મિક વાંચનનો માહોલ હતો.
તેથી 14 વર્ષના થયા ત્યાં સુધીમાં તેમણે રામાયણ, વેદાંત વગેરે ગ્રંથો વાંચ્યા હતા.
રમેશ મહેતા ફિલ્મોમાં ભલે કૉમેડિયન બનીને રહ્યા પણ તેમના વિચારો વિચક્ષણ હતા. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, “લોકોને વાસ્તિકતાથી દૂર જવું હોય છે. એના માટે તેઓ પૈસા આપવા તૈયાર હોય છે. લોકોએ એટલે કે દર્શકોએ મને પસંદ કર્યો એનું એક કારણ એ છે કે બાકીના બધા અદાકાર તો રડાવે છે, આ એક માણસ અમને ખૂબ હસાવે છે, ક્યાંક બહાર લઈ જાય છે.”
તેઓ ફિલ્મોમાંથી પરવારી ગયા પછી એના ભૂતકાળને વાગોળવાનું પસંદ કરતા નહોતા.
તેમણે એક મુલાકાતમાં એવું પણ કહ્યું હતું કે, “વર્તમાનનો ગુલાલ ઉડાવાનો હોય, ભૂતકાળની રાખ ક્યાં ઉડાડવી? એને તો સ્મશાન પણ ન સંઘરે. એ તો તાજી રાખનો ધણી છે. હું આ જગતમાં કાંઈ લઈને નથી આવ્યો. જે કાંઈ પ્રાપ્ત થયું છે એ ઉઘાડી આંખ લઈને ફર્યો એને લીધે પ્રાપ્ત થયું છે.”

દ્વિઅર્થી સંવાદોની ટીકા પણ
રમેશ મહેતાના કામની વાહવાહી તો થાય છે પણ તેમની કૉમેડીમાં રહેલા દ્વિઅર્થીપણાની પણ સમીક્ષા થતી હોય છે.
અમદાવાદમાં રહેતા કવિ, લેખક તેમજ કર્મશીલ સરૂપબહેન ધ્રુવ બીબીસીને જણાવે છે કે, “મેં ગુજરાતી ફિલ્મો ઓછી જોઈ છે એનું એક કારણ રમેશ મહેતાનાં દ્વિઅર્થી સંવાદો અને ચેનચાળા છે. ગુજરાતી ફિલ્મોમાં સ્ત્રીને કાં તો પારકી થાપણ તરીકે રજૂ કરવામાં આવતી હતી કાં તો એને હસવાની કે શણગારવાની ચીજ તરીકે રજૂ કરવામાં આવતી હતી.”
“લાંબા સમય સુધી સ્ત્રીઓ પ્રત્યેનો ફિલ્મોમાં આ જ દૃષ્ટિકોણ રહ્યો છે. સ્ત્રીનું જે વસ્તુકરણ થઈ ગયું હોય તો એમાં દ્વિઅર્થી સંવાદો અને અશોભનીય રજૂઆતનો મોટો ફાળો છે. રમેશ મહેતા અતિ લોકપ્રિય હતા, તેમણે દ્વિઅર્થીપણાથી બચવું જોઈતું હતું.”
થોડાં વર્ષ પહેલાં મહિલાઓ પર થયેલા જાતિગત અત્યાચાર વિશેની એક અઘોષિત ‘મી ટૂ’ ઝુંબેશ ઊઠી હતી.
જેમાં ભૂતકાળમાં પોતાની સાથે થયેલી જાતીય સતામણી વિશે મહિલાઓ ખૂલીને બોલવા માંડી હતી. એ વખતે ગુજરાતી ફિલ્મોનાં અભિનેત્રી ભાવિની જાનીએ રમેશ મહેતા સાથેના અણબનાવની વાત કહી હતી.
ભાવિની જાનીએ આ વિશે સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, “મેં એ વખતે રમેશ મહેતાને એટલે સુધી કહી દીધું હતું કે તારી ગુજરાતી ફિલ્મને લાત મારું છું. કામ નહીં મળે તો ભૂખી રહીશ પણ હું મારી જાત વેચવા નથી આવી. મારી પાસે મારું હુન્નર છે.”
ફિલ્મ ‘ઝૂલણ મોરલી’ વખતે તેમને આ અનુભવ થયો હોવાનું તેમણે કહ્યું હતું.
ભાવિની જાનીનો આક્ષેપ હતો કે એના પછી ફિલ્મમાંથી તેમનો રોલ પણ કપાઈ ગયો હતો.
ભાવિની જાનીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “રમેશ મહેતા હાસ્યના તજજ્ઞ હતા. જોકે, હું સરૂપબહેનની વાત સાથે સહમત છું. ‘ઝૂલણ મોરલી’ ફિલ્મમાં મારું પાત્ર કપાઈ ગયું હતું. રમેશ મહેતાનું નામ મોટું હતું તેથી ક્યારેક એવું થતું કે તેઓ ડાયલૉગ પોતે લખે તો ડિરેક્ટર તેમને કાંઈ કહે નહીં.”














