વિક્રમ ઠાકોર : ક્યારેય કૅમેરા સામે ન આવેલા ગાયક લોકપ્રિય અભિનેતા કેવી રીતે બન્યા?

વિક્રમ ઠાકોર

ઇમેજ સ્રોત, Vikram thakor/fb

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી
  • વિક્મ ઠાકોર ગુજરાતી સિનેમામાં વિશાળ ચાહકવર્ગ ધરાવતા અભિનેતા છે
  • તેમનાં સંવાદો પર થિયેટરમાં સીટીઓ વાગે છે અને ગીતો પર દર્શકો નાચે છે
  • ગાયક કેવી રીતે બન્યા?
  • લોકગાયકમાંથી તેઓ કેવી રીતે અભિનેતા બની ગયા?
  • અભિનય ક્ષેત્રે જ આગળ વધવાનું પહેલેથી નક્કી હતું?
  • નરેશ કનોડિયાના તેમની પરના પુત્રવત પ્રેમની પાછળની હકીકત શું છે?
  • તેઓ ગુજરાતી ફિલ્મોને કયા મુકામ પર જોવા ઈચ્છે છે?
  • તેમને ચાહકોના પાગલપણના કેવા અનુભવો થયા છે?
  • આ અને આના સિવાયના પ્રશ્નોના જવાબો તેમની સાથેના આ ઈન્ટરવ્યૂમાં મળે છે...
બીબીસી ગુજરાતી
વિક્રમ

ઇમેજ સ્રોત, Harsukh Patel

વિક્મ ઠાકોર ગુજરાતી સિનેમાનાં એ અભિનેતા છે જેમનો ચાહકવર્ગ વિશાળ છે. તેમનાં સંવાદો પર થિયેટરમાં સીટીઓ વાગે છે અને ગીતો પર દર્શકો નાચે છે. જોકે, તેમણે ક્યારેય અભિનેતા બનવાનું વિચાર્યું નહોતું, તેમને ઇચ્છા પણ નહોતી.

વિક્રમ ઠાકોર લોકગાયક તરીકે દોઢેક દાયકાથી લોકપ્રિય છે અને ગાયક તરીકેની તેમની લોકપ્રિયતા તેમને અભિનેતા બનવા તરફ દોરી ગઈ હતી.

લોકગાયક મણિરાજ બારોટે બેસાડેલો દાખલો પણ વિક્રમ ઠાકોરને અભિનેતા બનવામાં મદદગાર થયો હતો.

વિક્રમ ઠાકોર ડાયરામાં ગીતો ગાતા ગાતા ફિલ્મોના પડદે ઢીશૂમ ઢીશૂમ કરવા લાગ્યા એ ઘટનાક્રમ ફિલ્મ જેટલો જ રસપ્રદ છે. જાણીએ તેમના જ શબ્દોમાં....

તમારી ઓળખ ગાયક તરીકેની હતી તો પછી ઍક્ટર કેવી રીતે બની ગયા?

વિક્રમ

ઇમેજ સ્રોત, Harsukh Patel

વિક્રમ ઠાકોર: મેં ઍક્ટર બનવાનું ક્યારેય વિચાર્યું જ નહોતું. મારા કાર્યક્રમો સરસ ચાલતા હતા. મારા ગીતસંગીતની કેસેટો ધૂમ વેચાતી હતી.

મારા જે ભાગીદાર પ્રોડ્યૂસરો હતા તેમણે વિચાર્યું કે મણીરાજ બારોટ ગાયક અને સારા પર્ફોર્મર હતા. તેમની પ્રથમ ફિલ્મ ‘ઢોલો મારા મલકનો’ રજૂ થઈ અને ખૂબ સારી ચાલી હતી. એ જોઈને તેમણે વિચાર્યું કે વિક્રમ ઠાકોરના ડાયરા સારા ચાલે છે અને કેસેટો ધૂમ વેચાય છે તો વિક્રમને લઇને ફિલ્મ બનાવીએ.

એ રીતે 2006માં મારી પ્રથમ ફિલ્મ રજૂ થઈ ‘એક વાર પિયુને મળવા આવજે’. એ ફિલ્મ સારી ચાલી ગઈ.

સાચું કહું તો પ્રોડ્યૂસરો મારી સામે ફિલ્મનો પ્રસ્તાવ મૂક્યો તો મેં તો પહેલા ના જ પાડી દીધી હતી કે હું તો ગાયક છું.

મેં ક્યારેય કૅમેરાનો સામનો કર્યો નથી. તેથી ઍક્ટિંગ મારું કામ નહીં. પરંતુ મારા સહયોગી પ્રોડ્યૂસરે તંત મૂક્યો નહીં અને મને ઍક્ટિંગ માટે મનાવી લીધો.

મારી એ ફિલ્મ એ તબક્કે રજૂ થઈ હતી જ્યારે ગુજરાતી ફિલ્મો ચાલતી નહોતી. અમે એક સ્ટુડિયોમાં શૂટિંગ માટે ગયા તો એ એ વખતે 15 દિવસ તો સાફસફાઈનું કામ ચાલ્યું હતું કેમ કે સ્ટુડિયો બંધ પડ્યો હતો. આ બધા વચ્ચે પહેલી ફિલ્મ રજૂ થઈ અને લોકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી.

હું સાવ નવોસવો હતો. તેથી મારા મોટા ભાઈનો રોલ એ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા હિતેનકુમારે કર્યો હતો, જેથી લોકો તેમના નામે પણ ફિલ્મ જોવા આવે.

એ ફિલ્મમાં ફિરોઝ ઈરાની, જૈમિનીબહેન જેવા નિવડેલા કલાકારો હતા. જેમણે મને દીકરાની જેમ અભિનય શીખવ્યો હતો.

અભિનય ક્ષેત્રે જ આગળ વધવાનું પહેલેથી નક્કી હતું?

વિક્રમ ઠાકોર

ઇમેજ સ્રોત, Harsukh Patel

વિક્રમ ઠાકોર: ના, મેં એવું નહોતું વિચાર્યું. મને એમ હતું કે એક ફિલ્મ થઈ ગઈ એ થઈ ગઈ. હવે આગળ નહીં થાય. કારણકે એ વખતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, હિતેન કુમાર જેવા કલાકારો હતા.

એ લોકોના અભિનય સામે મને તો કશું આવડતું જ નહોતું. હજી પણ હું શીખું છું એમ કહું તો ખોટું નથી. તેથી એક ફિલ્મ થયા પછી ફિલ્મના પાટે ગાડી આગળ વધશે એવા ખ્યાલોમાં હું રાચતો ન હતો.

એ પછી આત્મારામ ઠાકોરના નિર્દેશનમાં ‘બેવફા પરદેશી’ ફિલ્મ કરી. એના પછી મને થોડી ગાંઠ બેઠી કે હું થોડી ઍક્ટિંગ કરી શકું છું. ઍક્ટિંગ મને નહોતી આવડતી. બધા કલાકારોને જોઈ જોઈને શીખ્યો અને હજી પણ શીખું છું.

નરેશ કનોડિયા તમારા પર પુત્રની જેમ પ્રેમ વરસાવતા હતા એ વાત સાચી છે?

વિક્રમ

ઇમેજ સ્રોત, Harsukh Patel

વિક્રમ ઠાકોર: હા. અમારી પેઢીના ઘણા કલાકાર તેમની ફિલ્મો જોઈ જોઈને મોટા થયા છે. તેમનાથી હું પ્રભાવિત હતો.

મારી ચોથી ફિલ્મ ‘પ્રેમ ગોરી તારો કેમ રે ભૂલાય’ એમાં મેં નરેશભાઈ સાથે કામ કર્યું હતું. નરેશભાઈ મને દીકરાની જેમ જ રાખતા હતા.

કોઈ કાર્યક્રમમાં મળે તો પણ મને અચૂક કહે કે, તારી કોઈ ફિલ્મમાં તારા પપ્પાનો રોલ હોય તો હું જ કરીશ, બીજા કોઈને નહીં કહેતો. આટલો પ્રેમ વરસાવતા હતા.

મરાઠી કે દક્ષિણ ભારતીય ભાષાની પ્રાદેશિક ફિલ્મો ઉત્કૃષ્ટ કક્ષાની બને છે. તમે ગુજરાતી સિનેમાને એ મુકામ પર જોવા માગો છો?

વિક્રમ

ઇમેજ સ્રોત, Harsukh Patel

વિક્રમ ઠાકોર: ક્યા કલાકારને એ ઇચ્છા ન હોય કે પોતાની ભાષાની ફિલ્મોને એ સૌથી આગળ જોવા ન ઇચ્છતો હોય?

હવે એવું થયું છે કે અગાઉ જે સિંગલ થિયેટર હતા તે ખૂબ ઓછા થઈ ગયા છે.

મલ્ટિપ્લેક્ષ સિનેમા વધી ગયા છે. મલ્ટિપ્લેક્ષનાં દર એટલા વધારે હોય છે કે સમગ્ર પરિવાર એ ફિલ્મ જોવાં નથી જઈ શકતો. એના લીધે ગુજરાતી ફિલ્મો તેમજ ફિલ્મોદ્યોગને અસર પડી છે.

મારી ઇચ્છા એવી ખરી કે મારાથી બનતું બધું કરીશ. એ દિશામાં હું કામ પણ કરું છું. મારી કેટલીક ફિલ્મો જેવી કે હાલમાં જ રજૂ થયેલી ફિલ્મ ‘ખેડૂત’ તમે જોશો તો તેમાં ટેક્નિકથી લઇને ટ્રીટમેન્ટ સુધીનું ઘણું ગુણવત્તાળું કામ અમે કર્યું છે.

હજી આગળ પણ કરશું.

સમૃદ્ધ રાજ્ય ગુજરાતમાં મણીરત્નમ કે પ્રિયદર્શનની ફિલ્મો જેટલા બજેટની ગુજરાતી ફિલ્મો કેમ નથી બનતી?

વિક્રમ

ઇમેજ સ્રોત, Harsukh Patel

વિક્રમ ઠાકોર: એ વાત સાચી છે કે ગુજરાતી ફિલ્મોમાં બજેટ જોઈએ તેટલું નથી ફાળવાતું.

હું એટલું કહી શકું કે મારી ફિલ્મોમાં તો હું પ્રોડ્યૂસરને કહું છું કે પૂરતું બજેટ ફાળવજો.

સ્ટોરી મનોરંજક અને ડિરેક્ટર પણ તરવરાટસભર હોવા જોઈએ.

હું માનું છું કે ફિલ્મ સારી હશે તો દર્શકો તો એ જોવાના જ છે.

તમારી ફિલ્મો મોટા શહેરોના મલ્ટિપ્લેક્ષમાં કેમ ઓછી રજૂ થાય છે?

વિક્રમ

ઇમેજ સ્રોત, Harsukh Patel

વિક્રમ ઠાકોર: ના એવું નથી. હમણાં ફિલ્મ ‘ખેડૂત’ જે રજૂ થઈ એ મોટા શહેરોના મલ્ટિપ્લેક્ષમાં પણ રજૂ થઈ હતી અને તેને ત્યાં દર્શકો પણ ખૂબ સારા પ્રમાણમાં મળ્યા હતા.

એ વાત ખરી કે મારા મોટા ભાગનાં દર્શકો ગામડાંનાં છે, પરંતુ શહેરોમાં પણ મારી ફિલ્મો સારા પ્રમાણમાં જોવાય છે.

હા એ વાત ખરી છે કે મારી ફિલ્મો જોનારો મોટો વર્ગ સિંગલ સિનેમાઘરવાળો જ છે, મલ્ટિપ્લેક્ષમાં મને જોનારો વર્ગ ઓછો છે.

અગાઉ કહ્યું તેમ સિંગલ સિનેમાઘર ઘટી ગયા છે અને મલ્ટિપ્લેક્ષનાં દર સપરિવાર જોવા જતાં ગામડાંના લોકોને ન પરવડે.

મારું મોટું ઑડિયન્સ એ ગામડાંનું છે. તેઓ સિંગલ થિયેટર્સથી જ કેળવાયેલા છે. મલ્ટિપ્લેક્ષમાં જવાની તેમની આદત પણ નથી.

હવે ધીમે ધીમે તેઓ મલ્ટિપ્લેક્ષમાં જઈ રહ્યા છે. તેથી મલ્ટિપ્લેક્ષમાં મારું ઑડિયન્સ પણ ઊભું થયું છે. શહેરમાં મારી ફિલ્મ ‘ખેડૂત’ એટલી સારી ચાલી કે કેટલેક ઠેકાણે રાત્રે 1થી 4ના શો પણ યોજાયા હતા.

સિંગલ સિનેમાઘર અને મલ્ટિપ્લેક્ષમાં વચ્ચે શું ફરક જુઓ છો?

વિક્રમ

ઇમેજ સ્રોત, Harsukh Patel

વિક્રમ ઠાકોર: હવે મલ્ટિપ્લેક્ષ બની જ ગયા છે અને બની રહ્યા છે.

મહત્ત્વની વાત એ છે કે એના ટિકિટના દર થોડા સસ્તા હોય તો લોકો સપરિવાર ફિલ્મો જોઈ શકે. મલ્ટિપ્લેક્ષ ગુજરાતી ફિલ્મો માટે સ્ક્રીન ફાળવે જ છે. અગાઉ કરતાં સ્થિતિ હાલ સારી છે.

મુદ્દો એ છે કે હાલમાં જ મારી ફિલ્મ ‘ખેડૂત’ જોવા હું મલ્ટિપ્લેક્ષમાં ગયો હતો તો ત્યાં એક હિન્દી ફિલ્મની ટિકિટનો દર 150 રૂપિયા હતા અને મારી ફિલ્મ ‘ખેડૂત’નો દર 250 રૂપિયા.

અલબત, મારી ફિલ્મ સારી ચાલી રહી હતી એટલે એની ટિકિટના ભાવ વધારવામાં આવ્યા હતા, પણ એ વાજબી નથી.

છેલ્લાં કેટલાંક વખતથી ‘અર્બન ગુજરાતી ફિલ્મ’નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ગ્રામીણ અને અર્બન ફિલ્મના ભેદ વિશે તમે શું માનો છે?

વિક્રમ

ઇમેજ સ્રોત, Harsukh Patel

વિક્રમ ઠાકોર: ફિલ્મ એ ફિલ્મ હોય છે. એમાં કોઈ ભેદ કે ભાગલા ન પાડી શકાય.

તમે હિન્દી કે દક્ષિણની ફિલ્મો જુઓ તો તેમાં કોઈએ ભાગલા નથી પાડ્યા.

ફિલ્મ તમારી સારી હશે તો એ ચાલવાની જ છે.

જે અર્બન ફિલ્મવાળી વાત તમે કહો છો તે થોડા સમય અગાઉ ચર્ચાતી હતી.

હવે આવા કોઈ ભેદ ગુજરાતી ફિલ્મોમાં નથી.

સંગીતમાં તમારું આગમન કઈ રીતે થયું હતું?

વિક્રમ

ઇમેજ સ્રોત, Harsukh Patel

વિક્રમ ઠાકોર: મારા પપ્પા ભજનિક હતા. સંતવાણી વગેરે કરતા હતા.

નવરાત્રીમાં ગાંધીનગરમાં નાના નાના કાર્યક્રમો કરતા હતા.

મારા મોટા ભાઈ ગાતા હતા. મારા બીજા એક ભાઈ ઢોલ વગાડતા હતા.

એ વખતે પપ્પા ભાઈ માટે બુલબુલ તરંગ - બેન્જો લાવ્યા હતા. એ હું વગાડવા માંડ્યો હતો. પછી માઉથ ઑર્ગન વગાડતો હતો.

હું એ બધું નવરાત્રીમાં વગાડવા જતો હતો. એ પછી હું વાંસળી વગાડાનું શીખ્યો અને ભજનમાં એ વગાડવા જતો હતો.

એ પછી મેં મોટા ભાઈ સાથે મળીને પહેલી કેસેટ પણ તૈયાર કરી હતી. જે ઘર પૂરતી જ રહી ગઈ હતી, કોઈએ ખરીદી નહીં.

એ પછી સંગીતનાં પ્રોગ્રામો થતા ગયા. દરમ્યાન હું મારી રીતે ગીતો બનાવતો અને ગાતો થયો. જેમકે, ‘કેમ કરી ભૂલાય...’, ‘એકવાર પિયુને મળવા આવજે...’ એ હું લાઇવ ગાતો અને લોકોએ ખૂબ ઝીલ્યા એ ગીતો.

એ પછી ‘ગરબાની રમઝટ’ નામની રાસગરબાની એક લાઇવ કેસેટ તૈયાર કરી જે ખૂબ ચાલી હતી.

ત્યારબાદ તો ઘણી કેસેટ ચાલી અને ધીમે ધીમે આગળ વધતો ગયો.

મેં ઍક્ટર બનવાનું ક્યારેય વિચાર્યું જ નહોતું. મારી ઇચ્છા સંગીતકાર બનવાની હતી.

તમને રાજકારણમાં જોડાવા માટે ઑફર થઈ છે?

વિક્રમ

ઇમેજ સ્રોત, Harsukh Patel

વિક્રમ ઠાકોર: હા. મને 2008થી અલગ અલગ પાર્ટીઓ દ્વારા ઑફર થતી રહી છે.

મારી પ્રાથમિકતા ફિલ્મો છે.

હું એવું ઇચ્છું છું કે મારું યોગદાન ગુજરાતી ફિલ્મોને આપું.

આ ઉપરાંત ગાયક તરીકે હું ખૂબ કાર્યક્રમો કરું છું. તેથી મેં રાજકારણમાં જોડાવવાનું હજી સુધી કંઈ વિચાર્યું નથી.

તમારા ચાહકો સાથેનો કોઈ યાદગાર કોઈ પ્રસંગ?

વિક્રમ

ઇમેજ સ્રોત, Harsukh Patel

વિક્રમ ઠાકોર: પ્રસંગ તો ઘણાં છે. બેવફા થીમનાં મારા ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા.

એક વખત એવું બન્યું કે હું કાર્યક્રમમાં બેવફાનું ગીત ગાતો હતો અને એક ભાઈ હાથમાં બ્લૅડ લઇને છાતી અને હાથ પર કાપા મારતો હતો.

એવું પણ બન્યું છે કે કાર્યક્રમમાં કોઈ ગીત માટેની ફરમાઇશ કાગળ પર લોહી દ્વારા લખાઇને આવી હોય.

આવું ન કરવા માટે હું વારંવાર મારા ચાહકોને વિનંતિ કરતો રહું છું.

ગુજરાતી ફિલ્મોને લઈને સરકાર પાસે કોઈ અપેક્ષા?

વિક્રમ

ઇમેજ સ્રોત, Harsukh Patel

વિક્રમ ઠાકોર: સરકાર ગુજરાતી ફિલ્મો માટે અગાઉ પણ ઘણું કરતી હતી અને હાલ પણ કરે જ છે.

જોકે, કેટલીક ફિલ્મોને સરકાર તરફથી પ્રોત્સાહન મળવું જોઈએ.

જેમકે, આગળ કહ્યું તેમ મારી ફિલ્મ ‘ખેડૂત’ની ટિકિટ એક મલ્ટિપ્લેક્ષમાં હિન્દી ફિલ્મની ટિકિટ કરતાં ખૂબ વધારે હતી.

મારી ફિલ્મ સારી ચાલી રહી હતી એટલે એ જ એની ટિકિટનો દર ઊંચો હતો. પરંતુ એમ ન થવું જોઇએ.

હું માનું છું કે સરકારે આમાં કંઇક ધ્યાન આપવું જોઈએ.

રેડ લાઇન
રેડ લાઇન