સિકલ સેલ એનીમિયાની બીમારી આદિવાસીઓમાં કેમ વધુ પ્રમાણમાં ફેલાય છે?

- લેેખક, સુશીલાસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલની બીમારીની નાબૂદી માટે કામ કરનાર ડૉ. યઝદી માણેકશા ઇટાલિયાને પદ્મશ્રીથી સન્માનિત કરવાની જાહેરાત થઈ છે. તેમણે આદિવાસી વિસ્તારોમાં 95 લાખથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કર્યું હતું. તેમણે જે અભિયાનનું નેતૃત્વ કર્યું હતું તેના કારણે કુલ 7.2 લાખ લોકોને સિકલ સેલની બીમારીની જાણ થઈ હતી.
પરંતુ શું તમે લોહી સાથે સંકળાયેલી સિકલ સેલ એનીમિયાની આ બીમારી વિશે જાણો છો? કેવી હોય છે આ બીમારી? શું છે તેનાં લક્ષણો?
સિકલ સેલ એનીમિયા એક આનુવંશિક બીમારી છે. તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 19 જૂને વર્લ્ડ સિકલ સેલ જાગરૂકતા દિવસ ઊજવવામાં આવે છે.
22 વર્ષીય સ્વાતિ આ બીમારીથી જ પીડિત છે.
ગુજરાતનાં તાપી જિલ્લામાં એક ગામમાં રહેતાં સ્વાતિના પરિવારમાં તમામ સભ્યો સિકલ સેલ બીમારીથી પીડિત છે.
તેઓ બીબીસી સાથે વાતચીતમાં કહે છે, "મારા પરિવારના તમામ પાંચ સભ્યોમાં આ બીમારી છે અને તેમને સાતમા કે આઠમા ધોરણમાં ખબર પડી કે તેમને સિકલ સેલ બીમારી છે."
તેમના પ્રમાણે, “જ્યારે હું નાની હતી તો મારા હાથ-પગમાં દુખાવો થતો અને વર્ષમાં એક વાર દવાખાનામાં દાખલ થવું પડતું અને લોહી ચઢાવવું પડતું હતું. મારી બે વર્ષથી દવા ચાલી રહી છે જેના લીધે હવે મારે દવાખાને દાખલ થવા જવું પડતું નથી.”
સ્વાતિના પિતા વિજય ગામિત આ વાતને આગળ વધારતા કહે છે, "આ બીમારીનાં કારણે તેમના ઉપર આર્થિક ભારણ વધી રહ્યું છે અને ઘણીવાર સંબંધીઓની સામે સારવાર માટે હાથ ફેલાવા પડે છે. જેના લીધે શરમ પણ આવતી હોય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્વાતિ ગુજરાતના જે વિસ્તારમાં રહે છે તે આદિવાસી બહુમતીવાળો જિલ્લો છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતનાં આદિવાસી કાર્ય મંત્રાલયના પ્રમાણે આ બીમારી આદિવાસી સમાજમાં વધુ માત્રામાં જોવા મળે છે. જ્યારે અનુસૂચિત જનજાતિઓમાં 86માંથી એકને જન્મ સમયે જ સિકલ સેલ બીમારી હોય છે.
ડૉ. યઝદી માણેકશા ઈટાલિયાના જણાવ્યા અનુસાર ભારતમાં પણ આ બીમારી છે તેવો ખ્યાલ સૌપ્રથમ 1952માં આવ્યો હતો. જ્યારે ગુજરાતમાં તેમને પહેલો કેસ 1978માં મળી આવ્યો હતો.
આ બીમારી લોહીનાં રક્તકણોમાં હાજર હિમોગ્લોબિન ઉપર અસર કરે છે જે શરીરમાં ઓક્સિજન લાવવાનું કામ કરે છે. આ રક્તકણો યોગ્ય રીતે કામ ન કરે તો બીમાર પડવા અને મૃત્યુ થવાની આશંકા વધી જાય છે.
આ બીમારી વિશે ફોર્ટિસ હૉસ્પિટલમાં હેમેટોલૉજિસ્ટ ડૉ. રાજેશ ભાર્ગવ કહે છે, "દરેક વ્યક્તિના લોહીમાં રક્તકણો હોય છે જે આકારમાં ગોળ અને લવચિકતા ધરાવતતા અને નરમ હોય છે. પરંતુ જ્યારે આ બીમારી થાય છે તો તે દાંતરડાં (સિકલ) જેવો અર્ધચંદ્રાકાર આકાર ધારણ કરે છે અને તે ધમનીઓમાં લોહીના પરિભ્રમણમાં અવરોધ ઉત્પન્ન કરે છે.
તેઓ સમજાવતા કહે છે, “તેના પછી સિકલ સેલ નાશ પામવા લાગે છે, જેનાથી શરીરમાંથી લાલ રક્તકણો ઘટતા જાય છે અને એની અસર શરીરને મળનારા ઓક્સિજન ઉપર પડે છે. જેનાથી અનેક પ્રકારની સમસ્યા અને બીમારી થાય છે.”
આદિવાસી બહુમત ધરાવતા વિસ્તારોમાં બીમારીનું કારણ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર નાઇજિરિયા અને કોંગો પછી ભારત ત્રીજો એવો દેશ છે જ્યાં સિકલ સેલ એનીમિયાના સૌથી વધુ મામલા છે.
તો વળી ભારતના આદિવાસી બહુમત ધરાવતા વિસ્તારોમાં વધુ લોકો આ બીમારીથી પીડાતા હોય છે.
વર્ષ 2011ની જનગણના મુજબ ભારતની વસ્તીમાં 8.6 ટકા ભાગ આદિવાસીઓનો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી આદિવાસીઓના સ્વાસ્થ્ય ઉપર બનેલી વિશેષ સમિતિની દસ વિશેષ બીમારીઓની યાદીમાં સિકલ સેલને પણ સામેલ કરવામાં આવી છે.
શોધમાં એ પણ જાણવા મળ્યું કે સિકલ સેલ એનીમિયાના મામલા એ રહેણાંક વિસ્તારોમાં વધુ છે જ્યાં મલેરિયાની સમસ્યા રહી હોય.

ઇમેજ સ્રોત, ATUL DESAI
ડૉ. અતુલ દેસાઈ કહે છે કે, “સામાન્ય શબ્દોમાં સમજીએ તો મેડિકલ શોધ એ જણાવે છે કે હજારો વર્ષો પહેલાં જે લોકો જંગલના વિસ્તારોમાં રહેતા હતા તેમાં મલેરિયાના મામલા વધુ હતા. પરંતુ વારંવાર મલેરિયા થવાના કારણે તેમની આ બીમારી વિરુદ્ધ રોગપ્રતિકારક ક્ષમતા પણ વિકસિત થઈ.”
“આનાથી જિનેટિક સ્તરે કેમિકલમાં બદલાવ થયા જેનાથી શરીરમાં ખામી રહી ગઈ અને સિકલ સેલ શરીરમાં બનવા લાગ્યાં.”
સિકલ સેલ બીમારીથી થનારી સમસ્યાઓ

આદિવાસીઓ સુધી સીમિત નથી રહી બીમારી

પાછલાં 32 વર્ષથી તાપી જિલ્લામાં આદિવાસીઓમાં સિકલ સેલ એનીમિયા અને તેના પોષણ ઉપર કામ કરી રહેલા આયુર્વેદના નિષ્ણાત ડૉ અતુલ દેસાઈ કહે છે, "હવે આ બીમારી માત્ર આદિવાસીઓ સુધી સીમિત નથી."
ડૉ રાહુલ ભાર્ગવ આદિવાસીઓમાં સિકલ સેલ બીમારી વધુ માત્રા થવાના મામલામાં એક વધુ કારણ જણાવે છે.
તેમના પ્રમાણે, “આદિવાસી સમાજ અંદરોઅંદર જ લગ્ન કરી લે છે એવામાં એજ જનીન (જિન) એટલે કે માતા અથવા પિતા બન્નમાં સિકલ સેલ ટ્રેટ(લક્ષણ) અથવા બીમારી હોય તો તે બાળકોમાં ટ્રાન્સફર થાય છે. એટલે કે જિનનું પુલ ત્યાં જ ફર્યા કરે છે.”
સાથે જ તેઓ કહે છે કે, “હવે લોકો નોકરીની શોધમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ જાય છે. એવામાં વસ્તી પ્રવાસ ખેડી રહી છે અને જ્યારે આવી જ રીતે આંતરજાતીય લગ્ન થશે તો બે લોકોના જિન પણ પ્રવાસ ખેડશે એવામાં આ હવે આદિવાસીની જ સમસ્યા નથી પણ શહેરી લોકોમાં પણ સિકલ સેલ એનીમિયાના મામલા સામે આવી રહ્યા છે.”

સરકારનું મિશન

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે (2023-24)માં બજેટમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે સરકાર વર્ષ 2047 સુધીમાં સિકલ સેલ એનીમિયાને નાબૂદ કરવા માટે એક મિશનની હેઠળ કામ કરશે.
બીજી બાજુ નેશનલ સિકલ સેલ બીમારીને રોકવા માટેના કાર્યક્રમની હેઠળ સિકલ સેલ બીમારી પ્રત્યે જાગરૂકતા લાવવા અને મોટા પાયે તેની સ્ક્રીનિંગ કરાવવાની વાત પણ આ મિશનમાં કહેવામાં આવી છે.
ડૉક્ટર એ સલાહ આપે છે કે જેમકે લગ્ન પહેલાં કુંડળી મેળવવામાં આવે છે એમ જ લોહીની કુંડળી પણ બનાવી લેવી જોઈએ, જેથી ખબર પડે કે મહિલા અથવા પુરુષમાં કયા સિકલ સેલ ટ્રેટની બીમારી છે.
ડૉ. રાહુલ ભાર્ગવ કહે છે કે,”લગ્ન પછી મહિલા ગર્ભવતી થાય છે તો 9-12 અઠવાડિયાની વચ્ચે તપાસ કરાવી લેવી જોઈએ. જો તપાસમાં ખબર પડે કે મહિલામાં સિકલ સેલ ટ્રેટ છે તો ગર્ભાવસ્થામાં કોઈ સમસ્યા નથી પરંતુ જો તે બીમારીની ખબર પડે છે તો ગર્ભપાત કરાવવો જ યોગ્ય નિર્ણય છે.”
ડૉક્ટર કહે છે કે જો આવાં બાળકોને જન્મ આપવામાં આવે છે તો તેમને ઘણી જ સમસ્યા થઈ શકે છે કે એટલે ગર્ભપાત કરાવી લેવો જોઈએ.
કયા પ્રકારનું ધ્યાન રાખીએ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પ્રમાણે જો લોકો સિકલ સેલની બીમારીથી પીડિત છે તો તેમણે
- વધુમાં વધુ પાણી( ઓછામાં ઓછું 10-15 ગ્લાસ) પીવું જોઈએ.
- દરરોજ ફોલિક એસિડની ગોળી(5 મિલીગ્રામ) લેવી જોઈએ
- માદક પદાર્થોના સેવનથી બચવું જોઈએ
- સંતુલિત ખોરાક લેવો જોઈએ
- ઝાડા ઉલ્ટી થાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો
- દર ત્રણ મહિને હિમોગ્લોબિન અને સફેદ રક્તકણની સંખ્યાની તપાસ કરાવતા રહેવું જોઈએ.
(નીરવ કંસારાના ઇનપુટ સાથે)














