આઝાદીના અમૃતકાળમાં પણ ગુજરાતમાં હજુ લાખો બાળકો કુપોષિત કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, હિંમત કાતરિયા
- પદ, બીબીસી ગુજરાતી
“આજની જ વાત છે. ડેડિયાપાડાના મોઝદા ગામનો અને ગોરા ગામની એકલવ્ય મોડેલ સ્કૂલમાં રહીને ભણતો એક બાળ વિદ્યાર્થી કીર્તિરાજ મૃત્યુ પામ્યો. બાળક શા કારણે મૃત્યુ પામ્યો તે કોઈને ખબર નહોતી. મેં અધિકારી મનોજ પંડ્યા સાથે બાળકનું મૃત્યુ કેમ થયું તે જાણવા ફોન કર્યો. તેમણે જવાબ આપ્યો કે સિકલ સેલ એનીમિયા અને ભારે કુપોષણથી પીડાતો હતો. તેમણે કહ્યું કે તે રાત્રે 10 જણ સાથે ઊંઘી ગયો હતો. સવારે જાગ્યો જ નહીં. બાળકને સિકલ સેલ એનીમિયા અને કુપોષણ સિવાયની કોઈ સમસ્યા નહોતી.”
નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ 17 માર્ચના રોજ બીબીસી ગુજરાતીને આ વાત કહી.
ઘટનાક્રમ વિશે બીબીસીએ રાજપરા હેડઑફિસમાં કાર્યકારી પ્રોજેક્ટ મેનેજર મનોજ પંડ્યાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું, “કીર્તિરાજ ગોરાની એકલવ્ય મૉડલ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. કીર્તિરાજ સાંજે સાત વાગ્યે પ્રાર્થનામાં હાજર હતો. સવારે 6 વાગ્યાની આસપાસ કીર્તિરાજને જગાડ્યો ત્યારે તે ન જાગ્યો તો ઇમર્જન્સી સર્વિસ 108ને બોલાવવામાં આવી. હૉસ્પિટલમાં ડૉક્ટરે બાળકને મૃત જાહેર કર્યો. કીર્તિરાજની સિકલ સેલ એનીમિયાની સારવાર ચાલી રહી હતી.”
કુપોષણ ગુજરાતમાં કોઈ નવી સમસ્યા નથી. ઘણા સમયથી ગુજરાતનો કુપોષણની સૌથી વધુ સમસ્યા છે એવાં રાજ્યોમાં સમાવેશ થતો આવ્યો છે.
ગુજરાત સરકારે 16 માર્ચ ગુરુવારે વિધાનસભાને આપેલી માહિતીમાં સરકારે કહ્યું હતું કે, ‘ગુજરાતમાં 21 ડિસેમ્બર, 2022 સુધીમાં 30 જિલ્લાઓમાં એક લાખ 25 હજાર, 707 કુપોષિત બાળકો છે.’
પ્રશ્નકાળ દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ અને મહિલા અને બાળ વિકાસમંત્રી ભાનુબેન બાબરિયાએ કુપોષિત બાળકો અંગે આપેલી માહિતી અનુસાર, રાજ્યના સવા લાખ કુપોષિત બાળકોમાં "ઓછું વજન" ધરાવતાં બાળકો એક લાખ એક હજાર 586 છે, જ્યારે "વધારે પડતું ઓછું વજન" ધરાવતા અતિ કુપોષિત 24 હજાર 121 બાળકો છે.

ઇમેજ સ્રોત, Chaitar Vasava
મંત્રીએ તેમનાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, આદિવાસી બહુલ નર્મદા જિલ્લો સૌથી વધુ કુપોષિત બાળકો (12,492) ધરાવે છે, તે પછીના ક્રમે વડોદરા (11,322), આણંદ (9,615), સાબરકાંઠા (7,270), સુરત (6,967) અને ભરૂચ (5,863) આવે છે.
ગુજરાત આર્થિક રીતે સમૃદ્ધ રાજ્ય મનાય છે, ગુજરાતના વિકાસની દેશભરમાં દુહાઈ અપાઈ રહી છે અને ગુજરાત આર્થિક વૃદ્ધિમાં ત્રીજા ક્રમે હોવા છતાં વિકાસ અસમાન રહ્યો છે એ હકીકત ગુજરાતમાં કુપોષણના આંકડા જાહેર કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંત્રીએ ઉમેર્યું હતું કે કોવિડ મહામારીને કારણે 16 માર્ચ, 2020થી 17 ફેબ્રુઆરી, 2022 સુધી તમામ આંગણવાડી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યાં હતાં અને તેથી 31 ડિસેમ્બર, 2022 સુધીના છેલ્લાં બે વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારા કે ઘટાડાની માહિતી મેળવી શકાઈ નથી.
મંત્રીના જવાબ અનુસાર, બાળકોમાં કુપોષણની સમસ્યા સામે લડવા માટે 3થી 6 વર્ષની વયજૂથનાં બાળકોને આંગણવાડીઓમાં ગરમ નાસ્તો અને બપોરે ભોજન આપવામાં આવે છે, તેમજ અઠવાડિયામાં બે વાર ફળો આપવામાં આવે છે.
જ્યારે 6 મહિનાથી 3 વર્ષની વયજૂથનાં બાળકો માટે બાળ વિકાસ વિભાગ બાલ શક્તિ ટેક-હોમના 500 ગ્રામ વજનનાં એવાં સાત પૅકેટ બાળકોને પૂરાં પાડવામાં આવે છે.
મંત્રીનાં જવાબ પ્રમાણે, 3 થી 6 વર્ષનાં વધારે પડતાં ઓછાં વજનવાળાં "અતિ કુપોષિત" બાળકોને આવાં 10 પૅકેટ આપવામાં આવે છે જ્યારે ઓછાં વજનવાળાં કુપોષિત બાળકોને "4 ફૂડ પૅકેટ" આપવામાં આવે છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કુપોષણનો સામનો કરવા માટે આંગણવાડીનાં બાળકો અને તેમની માતાઓને ડબલ ફોર્ટિફાઇડ મીઠું, ફોર્ટિફાઇડ તેલ તેમજ ઘઉંનો લોટ પણ આપે છે.

આંગણવાડીની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિધાનસભામાં આમ આદમી પાર્ટીના નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે એકલા નર્મદા જિલ્લામાં 12,492 કુપોષિત બાળકોમાંથી લગભગ 2,500 ગંભીર રીતે કુપોષિત બાળકો છે.
ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં જર્જરિત આંગણવાડી કેન્દ્રો વિશે માહિતી માગી હતી. વસાવાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં 952 આંગણવાડી કેન્દ્રોમાંથી 146 આંગણવાડી કેન્દ્રો જર્જરિત સ્થિતિમાં છે.
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે "આ જર્જરિત 146 આંગણવાડી કેન્દ્રો પૈકી 13 આંગણવાડી કાર્યકરોના ઘરમાં ચાલે છે, 19 શાળાઓમાં, ચાર પંચાયતની ઇમારતોમાં, 17 ભાડાની ઇમારતમાં, પાંચ સરકારી બિલ્ડિંગમાં અને 88 દાતાઓની ઇમારતોમાં ચાલે છે."
સરકારે વિધાનસભામાં આપેલા આ જવાબ સામે અસંતોષ વ્યક્ત કરતા ધારાસભ્ય ચૈતર વસાવા કહે છે, "સરકારે દાતાઓની 88 ઈમારતો ગણાવી છે. અમારા વિસ્તારમાં બધા ગરીબ છે, કોઈ દાતા નથી. ગામના વડીલોને શરમાવીને આંગણવાડી માટે ઘર લેવાયાં છે. તેનો ભાડાકરાર પણ નથી થતો અને તેનું ભાડું પણ નથી ચૂકવાતું. હકીકત છુપાવવા માટે જવાબો ગોઠવી કાઢ્યા છે."
આંગણવાડી વર્કરના ઘરે ચાલતી આંગણવાડીઓ અંગે ધારાસભ્ય કહે છે, "ઢોરની ગમાણ જેવાં ઘરોમાં નાનાં ભૂલકાંઓને ભણાવાઈ રહ્યાં છે. આંગણવાડી વર્કર સંયુક્ત પરિવારમાં રહેતા હોય છે અને તેમનું ઘર પરિવાર પુરતું હોય. તેમાં શૌચાલય, રમવા માટેનાં મેદાન નથી હોતાં. બાળકોને બેસવા માટે ચોખ્ખું આંગણું પણ નથી હોતું."
"આંગણવાડી વર્કરને માંડ 8-9 હજાર રૂપિયા મળે છે. મોટેભાગે તેમના કાચાં ઘરોમાં કેન્દ્રો ચાલે છે."

‘અમારા વિસ્તારમાં એકપણ બ્લડ બૅન્ક નથી’

ઇમેજ સ્રોત, Getty Images
ચૈતરભાઈ પોતાના મતવિસ્તારની સ્થિતિની વાત કરતા કહે છે, “અમારા આદિવાસી વિસ્તાર નર્મદામાં 100 બાળકોમાંથી 32 બાળકો કુપોષણથી પીડાય છે. સિકલ સૅલ એનીમિયા સૌથી વધુ અમારા વિસ્તારમાં છે."
"સિકલ સૅલ એનીમિયાના દર્દીને વારંવાર લોહી ચડાવવાની જરૂર પડે છે અને સ્વર્ણકાળની ઉજવણી કરતી ગુજરાત સરકાર 305 ગામ અને સાડા ત્રણ લાખની વસ્તી ધરાવતા મારા વિસ્તારમાં એક બ્લડ બૅન્ક પણ નથી ઊભી કરી શકી."
તેઓ ઉમેરે છે, "જેના હેઠળ મફત સારવાર થાય છે તે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં મારા વિસ્તારમાં એકપણ હૉસ્પિટલને સમાવવામાં આવી નથી. મેં સરકારને વિનંતી કરી છે કે અમારા વિસ્તારની એકાદ સિવિલ કે ખાનગી હૉસ્પિટલને એમાં જોડો."
આદિવાસી વિસ્તારમાં આરોગ્ય વ્યવસ્થાઓમાં રહેલી ઘણી ખામીઓ સરકાર ખુદ કબૂલે છે.
ચૈતરભાઈ કહે છે, "સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્ટિપલ ડેડિયાપાડામાં છે. ઇમારત નવી બની એટલે મેં અઠવાડિયા પહેલાં મેં ગૃહમાં સરકારને રજૂઆત કરી હતી કે બે વર્ષથી બિલ્ડિંગ તૈયાર છે તો પુરા મહેકમ(સ્ટાફ) સાથે ચાલુ કરો."
ધારાસભ્ય અનુસાર, "હૉસ્પિટલમાં નથી ગાયનેક, નથી હાડકાંના ડૉક્ટર, માત્ર વર્ગ-2ના અધિક્ષક ડૉ. ફાલ્ગુની વસાવા બધુ સંભાળે છે."
"મારા પ્રશ્નનો જવાબ આપતા આરોગ્યમંત્રીએ કહ્યું કે આગામી સમયમાં મહેકમ ભરવાની વાત કરી અને ભરતી કેમ નથી કરવામાં આવતી એવા મારા પ્રશ્નના જવાબમાં આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે અમે ઑર્ડર આપીએ છીએ પણ ડૉક્ટર હાજર નથી થતા. બૉન્ડના પાંચ લાખ રૂપિયા ભરીને છૂટી જાય છે."
ધારાસભ્યનું કહેવું છે કે "તેમણે મુખ્ય મંત્રીને રજૂઆત કરી હતી કે બે વર્ષથી તૈયાર હૉસ્પિટલની નવી ઈમારતનું તમે ઉદ્ઘાટન ન કરવાના હો તો હવે અમે ઉદ્ઘાટન કરી દઈશું. તો તેમણે ગયા રવિવારે રાતોરાત ચાલુ કરી દેવાઈ."
ધારાસભ્ય કહે છે, "મેં હૉસ્પિટલની મુલાકાત લીધી ત્યારે 1985માં આપેલું ઍક્સ રે મશીન માત્ર હતું. હાલ તો અમે એમએલએના ફંડમાંથી ડિજિટલ ઍક્સ રે મશીનની જોગવાઈ કરી છે."

કુપોષણમાં ગુજરાત મોખરે

નેશનલ ફેમિલી હેલ્થ સરવે 5 (એનએફએચ 5) મુજબ, દેશમાં બાળકોમાં સૌથી વધુ કુપોષણ ધરાવતા જિલ્લાઓની યાદી જોઈએ તો, 5 વર્ષથી ઓછી ઉંમરના ઓછું વજન ધરાવતા એટલે કે કુપોષિત બાળકોમાં ઝારખંડના પશ્ચિમી સિંઘભૂમ અને મહારાષ્ટ્રના નંદુરબાર બાદ ત્રીજા અને ચોથા ક્રમે ગુજરાતના ડાંગ અને દાહોદ જિલ્લાનો સમાવેશ થાય છે.
ડાંગમાં 53.1 ટકા જ્યારે દાહોદમાં 53 ટકા બાળકોનું વજન ઓછું હતું.
આ શ્રેણીમાં ટૉપ-10માં ગુજરાતનો એકપણ જિલ્લો આવ્યો નથી. પરંતુ નીચેના 10 જિલ્લાઓમાં ડાંગ અને દાહોદ ઉપરાંત નર્મદા, પંચમહાલ અને તાપીનો સમાવેશ થયો હતો.
મતલબ કે પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં ઓછું વજન ધરાવતાં એટલે કે કુપોષિત બાળકોમાં દેશના 10 જિલ્લાઓમાં પાંચ જિલ્લા માત્ર ગુજરાતના જોવા મળ્યા હતા અને તમામ જિલ્લામાં 50 ટકા કરતા વધુ બાળકોનું વજન ઓછું જોવા મળ્યું હતું.
માર્ચ 2022માં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસમંત્રી સ્મૃતિ ઇરાનીએ રાજ્યસભામાં આપેલી માહિતી અનુસાર, નેશનલ ફેમિલી હેલ્થ સરવે 5 (એનએફએચ 5) મુજબ ગુજરાત 39.7 ટકા સાથે દેશમાં બાળકોમાં સૌથી વધુ કુપોષણ ધરાવતાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની યાદીમાં સૌથી ઉપર આવ્યું હતું.

એવું નથી કે કુપોષણ માત્ર આદિવાસી વિસ્તારમાં છે

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલયે આરટીઆઈના જવાબમાં જણાવ્યું હતું કે ભારતમાં 33 લાખથી વધુ બાળકો કુપોષિત છે અને તેમાંથી અડધાથી વધુ બાળકો ગંભીર કુપોષિત શ્રેણીમાં આવે છે જેમાં મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાત ટોચ પર છે.
ધ હિન્દુના એક અહેવાલ અનુસાર, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના અંદાજ મુજબ, 14 ઑક્ટોબર 2021 સુધીમાં 17.76 લાખ ગંભીર રીતે તીવ્ર કુપોષિત બાળકો (એસએએમ) અને 15.46 લાખ મધ્યમ તીવ્ર કુપોષિત (એમએએમ) બાળકો છે.
બાળકો માટે કામ કરતી સંસ્થા યુનિસેફ અનુસાર, ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ નવજાત મૃત્યુદર હજુ પણ ઊંચો છે, જે પાંચ વર્ષથી ઓછી ઉંમરના કુલ મૃત્યુદરમાં 63 ટકાનો ફાળો આપે છે. તેમાં પણ છોકરાઓ કરતાં છોકરીઓ વધુ મૃત્યુ પામે છે.
ગુજરાતના આદિવાસી વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારો, રણ અને પહાડી વિસ્તારોમાં આજે પણ ગરીબીનું સ્તર ઘણું ઊચું છે.
ગુજરાતે 2018-19ની વચ્ચે 100 ટકા ખુલ્લામાં શૌચ મુક્ત (ઓડીએફ) દરજ્જો હાંસલ કર્યો છે પરંતુ 83.2 ટકા જેટલી શાળાઓમાં કાર્યકારી શૌચાલય છે અને તેની જાળવણી એક પડકાર છે.
ગુજરાતે શિક્ષણમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને એકલવ્ય આદિવાસી શાળાઓ ઊભી કરી પરંતુ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા એક પડકાર છે.

‘એઆઈનો ઉપયોગ કરવામાં આવે’

ઇમેજ સ્રોત, FABRICE COFFRINI/AFP/GETTY IMAGES
ભારતની પહેલી પબ્લિક હેલ્થ યુનિવર્સિટી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ (આઈઆઈપીએચ), ગાંધીનગરના પ્રોફેસર અને દ્વારકા વિસ્તારમાં પબ્લિક હેલ્થ ન્યૂટ્રિશિયન પ્રોગ્રામ ચલાવતા ડૉ. સોમેન સાહા કહે છે, “ગુજરાતમાં કુપોષણનો અર્થ સમગ્ર ગુજરાત કુપોષણ નથી તેમાં કેટલાંક પૉકેટ કુપોષિત છે. આદિવાસી જિલ્લાઓ કરતાં બિનઆદિવાસી જિલ્લાઓ વધુ કુપોષિત છે. આપણે પ્રાથમિકતાના ધોરણે પોષણ અભિયાનને વેગ આપવાની જરૂર છે, કામમાં તેજી લાવવાની જરૂર છે.”
ડૉ. સાહાની ટીમ દ્વારકા, ભાણવડ અને ઓખામંડળમાં કુપોષણ ક્ષેત્રે કામ કરી રહી છે.
જેમાં તેઓ ઘરેઘરે જઈને થેરાપ્યૂટિક ફૂડ અને કાઉન્સેલિંગ પૂરું પાડે છે. ઉલ્લેખનીય છે કે એનએફએચ 4 સૌરાષ્ટ્રમાં દ્વારકામાં સૌથી વધુ ગંભીર કુપોષણ દર જોવા મળ્યો હતો.
દર મહિને બાળકોનું વજન માપીને ઓળખ કરવામાં આવે છે કે કયા બાળકો કુપોષિત છે. ડૉ. સાહા નવીન પહેલ સૂચવતા કહે છે, “એઆઈ જેવી સિસ્ટમનો ઉપયોગ કરીને અસરકારક રીતો કયા બાળકો કુપોષિત થવાની સંભાવના વધારે છે, કઈ આંગણવાડી વધુ કુપોષણ ધરાવતી આંગણવાડી છે તેનો આગોતરો અંદાજ મેળવી શકાય છે. આપણે બાળકોનાં વજન માપીને જ કેમ હરકતમાં આવીએ છીએ?”
ડૉ. સાહા સંકલિત બાળ વિકાસ સેવાઓ અર્થાત કે ઇન્ટેગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમૅન્ટ સર્વિસીઝ (આઈસીડીએસ) પ્રોગ્રામની ટ્રેનિંગ સિસ્ટમને સુધારવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
તેઓ માને છે કે ગણતરી અને પ્રયત્નો પૂરતા પ્રમાણમાં હોય તો કુપોષણનો સરળતાથી ઉકેલ લાવી શકાય એમ છે.

ભોજન ટેસ્ટ વગરનું બનાવવાની ભલામણ

ઇમેજ સ્રોત, Getty Images
કુપોષિત બાળકોને આપવામાં આવતા ભોજનને લઈને પણ ઘણા પ્રશ્નો છે. ડૉ. સાહા અનુસાર, થેરાપ્યૂટિક ફૂડ લગભગ બધે પહોંચાડવામાં આવે છે પણ ઘણા લોકો તેને ખાવાને બદલે ગાયભેંસને ખવડાવી દે છે. અને તેનું કારણ એ છે કે તે ઘણું ગળ્યું બનાવવામાં આવે છે તેથી પણ તેને લોકો બહુ ખાતા નથી, તેને ટેસ્ટ વગરનું બનાવી દેવાની ભલામણ કરવામાં આવી છે.
વિસ્તાર પ્રમાણેનું કુપોષિત બાળકો માટેનું ભોજન કેવી રીતે બનાવી શકાય તે દિશામાં કામ થવું જોઈએ.
ડૉ. સાહા કહે છે, “એપ્રિલથી ન્યુટ્રિશન લૅબ દ્વારકામાં ખોલવા જઈ રહ્યા છે. તેને મૉડલ બનાવીને રાજ્યભરમાં આગળ વધારી શકાશે.”
તેઓ ઉમેરે છે, “દરેક જિલ્લામાં ન્યુટ્રિશન લૅબ હોવી જોઈએ. આ લૅબ ભોજનની તપાસ માટે નહીં પણ સ્થાનિક ફૂડ પૅટર્નને પ્રમોટ કરવા માટે. આ લૅબનો ઉપયોગ આંગણવાડી વર્કરને તાલીમ આપવા માટે પણ કરી શકાય.”
“આશા મેન્ટરિંગ પ્રોગ્રામમાં સ્કિલ લૅબનો કૉન્સેપ્ટ છે, ન્યુટ્રિશન લૅબનો કૉન્સેપ્ટ નથી પણ અમે આરોગ્ય વિભાગ સાથે મળીને અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ.”














