કોસ્ટ ગાર્ડના જહાજ પર એક રાત, તેઓ કઈ રીતે કરે છે દેશની સમુદ્રી સીમાનું રક્ષણ? : BBC Exclusive

- લેેખક, જુગલ પુરોહિત
- પદ, ઉત્તર અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટ ગાર્ડની સજગ શિપ પરથી
રાતના લગભગ નવ વાગ્યા છે. બહાર ધુમ્મસ અને ઠંડી છે. પારો ગગડી રહ્યો છે.
થોડે દૂર ઝળહળતી લાઇટો સિવાય ચારે બાજુ સ્તબ્ધતા અને અંધકાર છે.
થોડે દૂરથી કેટલીક લાઇટ્સ ધીમેધીમે અમારા તરફ આવતી દેખાય છે.
તે હેલિકૉપ્ટર છે અને તે ઉતરાણની તૈયારી કરી રહ્યું છે.
થોડીવારમાં હેલિકૉપ્ટર લૅન્ડ થાય છે. મોટો અવાજ કરતા તેના ઍન્જીન અને રોટર ચાલુ રાખવામાં આવ્યાં છે. તેમાં ઈંધણ ભરવાનું કામ ચાલી રહ્યું છે અને બીજું કશું સમજાય એ પહેલાં તે ફરીથી ટેક ઑફ કરે છે અને અંધારામાં ઊડી જાય છે.
આ કોઈ ઍરપોર્ટ નથી, પરંતુ અરબી સમુદ્રમાં કોઈ જગ્યાએ ભારતીય તટરક્ષક દળના જહાજ (આઈસીજીએસ)નું જહાજ સજગ છે.
એક અધિકારી સમજાવે છે, "કોઈને ઉગારવાના હોય કે પછી અમારા માણસોને બીજા જહાજ પર ઉતારવાના હોય કે ફક્ત અમારી હાજરી દર્શાવવાની હોય, હેલિકૉપ્ટર અમને ઝડપથી પ્રતિસાદ આપવામાં મદદરૂપ થાય છે."

ભારતીય તટરક્ષક દળ(આઈસીજી)ની કામગીરીના સાક્ષી બનવા અને નવા પડકારોનો પ્રતિસાદ તેઓ કેવી રીતે આપે છે તે સમજવા બીબીસીએ આ પેટ્રોલિંગ મિશનમાં સામેલ થવા વિશેષ પરવાનગી મેળવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉત્તર અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાનની દરિયાઈ સીમા મળે છે. તે આઈસીજી માટે સૌથી સંવેદનશીલ પ્રદેશો પૈકીનો એક છે.
આ પ્રદેશમાં જહાજો અને તેની ચાલક ટુકડીઓ વધુ વખત અને લાંબા સમયગાળા માટે પ્રવાસ કરે છે.
આઈસીજી ભારતનું સશસ્ત્ર દળ છે. ભારતીય નૌકાદળ લડાયક વિમાનો, ઍરક્રાફ્ટ કેરિયર્સ, જહાજો અને સબમરીનો સાથેનું યુદ્ધ લડતું દળ છે, જ્યારે આઈસીજીની જવાબદારીમાં દરિયામાં નિયમોના પાલન, આર્થિક હિતના વિસ્તારો પર દેખરેખ અને લોકોના જીવન બચાવવાનો સમાવેશ થાય છે. આ કામ કરવા માટે આઈસીજી પાસે સશસ્ત્ર જહાજો અને વિવિધ પ્રકારનાં વિમાનો છે.
હિંદ મહાસાગર ક્ષેત્રમાં વેપારી જહાજોના અપહરણ, મિસાઇલ હુમલા અને ડ્રોન હુમલાના તાજેતરના ડઝનેક પ્રયાસોના સંદર્ભમાં આઈસીજીની જવાબદારી વધુ મહત્ત્વની બની છે. અરબી સમુદ્રમાં માદક દ્રવ્યોના વેપારમાં વધારો થયાનું તાજેતરનાં વર્ષોમાં કરવામાં આવેલી ઘણી જપ્તીમાં પ્રતિબિંબિત થાય છે. આ એક વધુ જોખમ છે, જેની સામે કોસ્ટ ગાર્ડે કામ પાર પાડવાનું હોય છે.
અમેરિકાના એક સંરક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ, 2023ની 19 નવેમ્બરે આવો પ્રથમ હુમલો શરૂ કરવામાં આવ્યો એ પછી 2024ની 31 જાન્યુઆરી દરમિયાન દરિયાઈ જહાજો પર હુમલાની 37 ઘટનાઓ બની છે. મોટા ભાગના કિસ્સામાં યમન સ્થિત હુથી બળવાખોરોએ જવાબદારી સ્વીકારી છે.
અમેરિકા અને તેના સાથી દેશોએ 11 જાન્યુઆરીથી અનેક વળતા હુમલા કર્યા છે.

ભારતની વાત કરીએ તો તેના નૌકાદળે 10થી વધુ યુદ્ધ જહાજો તૈનાત કરીને પ્રદેશમાં તેની હાજરી વધારી છે. ડ્રોન અને મિસાઈલ હુમલાનો ભોગ બનેલા પાંચ જહાજોને ભારતીય નૌકાદળે મદદ કરી છે. અપહરણના પાંચ પ્રયાસને નિષ્ફળ બનાવ્યા છે અને વિવિધ દેશોના 79થી વધુ માછીમારોને બચાવ્યા છે.
ભારતીય દરિયાકાંઠાની નજીક સર્જાયેલી આવી પરિસ્થિતિનો જવાબ પણ કોસ્ટ ગાર્ડે આપ્યો છે.
હેલિકોપ્ટર રવાના થવાની સાથે આઈસીજીએસ સજગની ઝડપ વધી ગઈ છે. એન્જિન્સ હવે પહેલાં કરતાં વધારે જોરથી ગરજી રહ્યાં છે.
આ બધાની વચ્ચે મને કૂચ કરતા લોકોનો મંદ અવાજ સંભળાય છે.
એ છ જણ છે. તેમણે હેલ્મેટ્સ અને કાળા વસ્ત્રો પહેર્યાં છે. તેઓ મારી નજીકના દરવાજામાંથી બહાર આવે છે.
હું જોઈ શકું છું કે તેઓ સંપૂર્ણપણે સજ્જ છે.
ગ્રૂપ લીડર સાથેના બ્રીફિંગ બાદ તેઓ જહાજમાંથી નીચે ઉતારવામાં આવેલી બોટમાં કૂદી પડે છે અને અંધારામાં પાણીમાં રવાના થાય છે.
એ લોકો માછીમારીના એક વહાણમાં સવાર થાય છે અને તેના ચાલક દળના સભ્યોના દસ્તાવેજ તપાસે છે ત્યારે જહાજની ટોચ પરની એકમાત્ર સર્ચલાઇટ તેમને અનુસરે છે.
આપણે જે જોયું તે કશુંક ખોટું થયા સામેનો પ્રતિભાવ નથી, પરંતુ તેમનો નિત્યક્રમ છે, એમ ચાલક દળના એક સભ્યએ મને જણાવ્યું હતું.
ટીમના લીડરે કહ્યું, "કેટલીકવાર બાતમી મળે ત્યારે અમે એકથી વધુ બોટ પાણીમાં ઉતારીએ છીએ અને એ બોટ્સ આખો દિવસ જહાજોની તપાસ કરે છે."


જહાજના નેવિગેટિંગ ઑફિસર ડેપ્યુટી કમાન્ડન્ટ પ્રણવ પેનુલીના કહેવા મુજબ, "અમે સામાન્ય રીતે પાકિસ્તાન સાથેની દરિયાઈ સીમા રેખા નજીક કામ કરીએ છીએ. તે વિસ્તારમાંથી પસાર થતા પ્રત્યેક જહાજની તપાસ કરીએ છીએ."
"જહાજની દિશા અમારા જનરલ ટ્રાફિક ફ્લોથી અલગ હોય તો તે શંકા પેદા કરે છે. તેમનો પ્રતિસાદ મેળવવાના તમામ પ્રયાસ નિષ્ફળ જાય પછી અમે આવી બોર્ડિંગ પાર્ટી તૈયાર કરીએ છીએ."
આજે સમુદ્ર શાંત છે, પરંતુ હંમેશા એવું હોતું નથી.
આવી કામગીરી સમુદ્રમાં સૌથી ખતરનાક ઑપરેશન્સ પૈકીની એક હોય છે.
હજુ ગયા મહિને જ અમેરિકન નેવી સીલના બે કમાન્ડો સોમાલિયાના દરિયાકાંઠે એક શંકાસ્પદ જહાજ પર ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તણાઈ ગયા હતા. બાદમાં તેમને મૃત માની લેવામાં આવ્યા હતા.
આઈસીજીએસ સજગ એક ઑફશોર પેટ્રોલિંગ જહાજ છે. તેની ડિઝાઇન અને નિર્માણ ગોવા શિપયાર્ડ લિમિટેડ (જીએસએલ) દ્વારા કરવામાં આવ્યું છે. તેને મે, 2021માં સેવામાં કાર્યરત કરવામાં આવ્યું હતું.
18 અધિકારીઓ સહિતના 126 ક્રૂના કાફલા સાથેનું આ જહાજ સૌથી મોટા જહાજો પૈકીનું એક છે અને એકસાથે 20 દિવસ સુધી લાંબા અંતરની સર્વેલન્સ કામગીરી માટે સક્ષમ છે.
આ જહાજ રડાર અને લૉંગ રેન્જ ગન્સથી સજ્જ છે. આ ગન્સ દિવસે અને રાત દરમિયાન હવાઈ તથા સપાટી પરના લક્ષ્યાંકોનો સામનો કરી શકે છે.
અલબત, હિંદ મહાસાગર ક્ષેત્ર અત્યંત મહત્ત્વપૂર્ણ, વિશાળ અને ક્યારેક ધમાલભર્યું ક્ષેત્ર છે.
વિશ્વના દરિયાઈ વેપારના 75 ટકા અને વૈશ્વિક ઑઇલ વપરાશના 50 ટકા હિસ્સાના વહનનો માર્ગ. તેનો અર્થ હજારો વેપારી જહાજોની હાજરી તેમજ વિવિધ રાષ્ટ્રોનાં દરિયાઈ દળો ઉપરાંત કોઈ પણ સમયે હજારો માછીમાર જહાજો એવો થાય. આનું પ્રમાણ કેટલું વધારે છે તેને આપ આ નકશાથી સમજી શકો છો.


ઇમેજ સ્રોત, google earth
આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ખર્ચને અસર કરી શકે.
નિવૃત્ત કેપ્ટન સરબજીતસિંહ પરમાર કાઉન્સિલ ફૉર સ્ટ્રેટેજિક ઍન્ડ ડિફેન્સ રિસર્ચના પ્રતિષ્ઠિત ફેલો છે.
તેઓ સમજાવે છે, "હુમલા ચાલુ રહે તો તેની અસર આપણે અર્થતંત્રને થાય, કારણ કે લાંબા રૂટ, વીમા વગેરેને લીધે શિપિંગનો ખર્ચ વધે છે. સામાન્ય લોકો કે રાષ્ટ્રોના અર્થતંત્ર તેની અસરમાંથી બચી શકતા નથી."

આટલું બધું દાવ પર લાગેલું હોવા છતાં સજગ જેવાં જહાજો ફસાઈ જવાનું જોખમ લઈ શકતાં નથી, દરેક જહાજની તપાસ કરી શકતાં નથી.
શું તપાસ કરવાની છે એ કોઈએ તેમને જણાવવું પડે છે.
2008ના મુંબઈ પરના હુમલામાં સશસ્ત્ર બંદૂકધારીઓ અરબી સમુદ્ર મારફત પહોંચ્યા પછી ભારત સરકારે સમુદ્ર સંરક્ષણ ક્ષમતામાં મોટું રોકાણ કર્યું છે.
આઈસીજી પાસે 2008માં લગભગ 70 જહાજો અને 45 વિમાન હતાં. આજે તેની પાસે 150થી વધુ જહાજો અને લગભગ 80 વિમાન છે.
સર્વેલન્સ વધારવાના સંદર્ભમાં લગભગ આખા દરિયાકિનારે રડારનું નેટવર્ક છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઊભું કરવામાં આવ્યું છે. તેનાથી દરિયામાં કોણ-ક્યાં છે તેની માહિતી મેળવવામાં આઈસીજીને મદદ મળે છે.
આ નેટવર્કને ઘણા કમ્યુનિકેશન હબ્સનો ટેકો મળે છે. તે આઈસીજી, સ્થાનિક પોલીસ, ફિશરીઝ વિભાગ અને અન્યો સાથે મળીને કામ કરે છે. હજારો માઈલ દૂર બેસીને તેઓ જહાજોને ટ્રેક કરે છે અને ઘણીવાર તેના ચાલકદળના સભ્યોને પૂછપરછ કરે છે.

એક અધિકારી કહે છે, "અવગણના કરતું દેખાય તે દરેક જહાજની તપાસ કરી શકાય છે. જરૂર પડ્યે અમે વધુ વિગતવાર પૂછપરછ માટે અમારાં જહાજો અથવા વિમાનોને ડાઇવર્ટ કરીએ છીએ."
અમને કહેવામાં આવ્યું હતું કે હાલ જે વિસ્તારો કવરેજ હેઠળ નથી તેમને પણ કવરેજ હેઠળ લાવવાના પ્રયાસો હવે કરવામાં આવી રહ્યા છે.
કોસ્ટ ગાર્ડના નવી દિલ્હી સ્થિત મુખ્યાલયમાં તેમની ચેમ્બરમાં ડાયરેક્ટર રાકેશ પાલ સ્વીકારે છે, "હિંદ મહાસાગર ક્ષેત્ર પડકારજનક છે, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અમે ડ્રોન હુમલાઓને કારણે પગલાં લઈ રહ્યાં છીએ એવું નથી."
તેઓ ઉમેરે છે, "અમે 24 કલાક કામ કરતા હતા, કરીએ છીએ અને ચારે તરફ નજર રાખીએ છીએ. અમને આશા છે કે 2026ના અંત સુધીમાં અમારો કાફલો વધીને 200 જહાજો અને 100થી વધુ વિમાનો તથા હેલિકોપ્ટરોનો થઈ જશે."
નિષ્ણાતો માને છે કે ક્ષમતા વધારવી જરૂરી છે, પરંતુ તેની મર્યાદા હોય છે.
કૅપ્ટન પરમાર કહે છે, "આપણા દરિયાકિનારાની નજીક અને તેમનાથી દૂરના આ ડ્રોન હુમલા તેમના સાધનોની ગુણવત્તા દર્શાવે છે. આપણી પાસે અર્લી વૉર્નિંગ સિસ્ટમ હોવી જરૂરી છે. વધુ જહાજો પણ ગોઠવી શકાય. આપણે ટેકનૉલૉજિકલ સૉલ્યુશન્સ પણ શોધી રહ્યા છીએ એ હું જાણું છું. એ મહત્ત્વપૂર્ણ છે. તેની સાથે ફિઝિકલ પ્રેઝન્સ સૌથી વધારે જરૂરી છે. એ માટે આપણી સંખ્યા હોવી જોઈએ એટલી વધારે નથી, એવું હું માનું છું."
કોઈ એક રાષ્ટ્ર એકલા હાથે આટલા વિશાળ ક્ષેત્રની સલામતી સુનિશ્ચિત કરી શકતું નથી, એવી ચેતવણી આપતાં તેમણે ઉમેર્યું હતું, "આપણે પ્રાદેશિક પ્લેયર્સ સાથેની ભાગીદારી વધારવી પડશે."

દરિયામાં અશાંતિની અસર ભારતને વધુ એક રીતે અસર કરે છે - દરિયાખેડુઓ
ભારત સરકારના મેરિટાઇમ ઈન્ડિયા વિઝન-2030 અનુસાર, વિશ્વના 10થી 12 ટકા દરિયાખેડુઓ (સીફેરર્સ) ભારતના હોય છે અને 2030 સુધીમાં તેમનો હિસ્સો 20 ટકાની થવો જરૂરી છે.
ઇન્ડિયન નેશનલ શિપઓનર્સ ઍસોસિએશન(આઈએનએસએ)ના ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર અનિલ દેવલીએ બીબીસીને જણાવ્યું હતું કે આજે ભાગ્યે જ કોઈ એવું જહાજ હશે, જેમાં ભારતીય ઑન બોર્ડ ન હોય.
નૌકાદળ અને તટરક્ષક દળની કાર્યવાહીએ તેમની ચિંતા દૂર કરી હોવા છતાં તેઓ ચિંતિત છે.
તેમણે કહ્યું હતું, "આવા વિસ્તારોમાંથી જહાજોને નેવિગેટ કરવાનું સીફેરર્સ માટે કેટલું મુશ્કેલ હોય છે તે લોકોએ સમજવું અગત્યનું છે. આ પુરુષો તથા મહિલાઓ અને તેમના પરિવારોએ ઘણું સહન કરવું પડે છે."
તેમણ ચેતવણી આપી હતી કે ડ્રોન હુમલાઓનો સામનો કરવો મહત્ત્વપૂર્ણ છે. ચાંચિયાગીરીએ સર્જેલા જોખમ સામે વૈશ્વિક સત્તાઓ નબળી પડી રહી છે. તેમણે કહ્યું હતું, "ચાંચિયાગીરીની પ્રવૃત્તિ વધી રહી છે. ભૂરાજકીય તંગદિલી વધે એ તેમના માટે સારું છે, એવું તેઓ માનતા હોય એવું લાગે છે. પરિસ્થિતિ વણસે નહીં એ માટે દરેક વ્યક્તિએ ધ્યાન આપવાની જરૂર છે."

દરમિયાન, આઈસીજીએસ સજગ હવે ગુજરાતમાં બંદર તરફ આગળ વધી રહ્યું છે.
જહાજ પરનું જીવન કેવું હોય છે તે સમજવા માટે અમે ચાલક ટુકડીના સભ્યોને મળ્યા હતા. અમે તેમની સાથે પસાર કરેલા 30 કલાકે આઈસીજીએસ સજગ જેવા જહાજોને કાર્યરત રાખવા માટે કેટલા સખત પ્રયાસો કરવા પડે છે તેની ઝલક આપી હતી.
જોકે, અહીં સતત કામ જ હોતું નથી.
જહાજમાં જિમ, અનેક કાફેટિરિયા છે અને ચાલક ટુકડીના સભ્યો યોગ કરી શકે છે તેમજ તાણ વિનાના દિવસોમાં વોલીબોલ રમી શકે છે.
જહાજના કૅપ્ટન ડેપ્યુટી ઇન્સપેક્ટર જનરલ એસ. આર. નાગેન્દ્રએ સ્મિત કરતાં કહ્યું હતું, "અમે સખત મહેનત કરીએ છીએ અને જોરદાર આનંદ પણ કરીએ છીએ."
વ્યાપક સેઈલિંગ શેડ્યુલનો એક અર્થ અનેક સપ્તાહ સુધી દરિયામાં રહેવું એવો પણ છે. એ વખતે જહાજ પરના લોકો એકમેકના પરિવારજનો અને દોસ્તો પણ બની જાય છે.
સજગની ચાલક ટુકડીના એક સભ્ય કાજલ બરુઆએ મને કહ્યું, "નવા ભરતી થયેલા ખલાસીઓ આવે છે ત્યારે તેઓ દરિયાની સ્થિતિ તથા તેને લીધે થતી બીમારીને લીધે ખાવાનું બંધ કરી દે છે, પરંતુ અમે તેમને એવું કરવા દઈ શકીએ નહીં. તેથી વરિષ્ઠ લોકો તેમની તપાસ કરે છે અને તેમની કાળજી લેવામાં આવે તે સુનિશ્ચિત કરે છે."















