કૅપ્ટન હનીફુદ્દીનની કહાણી, કારગિલ યુદ્ધમાં જેમનો મૃતદેહ 43 દિવસ પછી પાછો લાવવામાં આવ્યો હતો

ઇમેજ સ્રોત, FB/kargilmartyrcaptainhaneefuddin/
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
ઘણા લોકો માનતા હોય છે કે સૈનિકોને સંગીત સાથે કોઈ લેવાદેવા હોતી નથી. આવા લોકોને 11 રાજપૂતાના રાઇફલ્સના કૅપ્ટન હનીફુદ્દીન કાયમ આશ્ચર્યચકિત કરતા હતા.
‘હનીફુ’ના હુલામણા નામે જાણીતા હનીફુદ્દીને કારગિલનું યુદ્ધ શરૂ થયાના એક વર્ષ પહેલાં લદ્દાખ સ્કાઉટ ટ્રેનિંગ સેન્ટરની મેસમાં 'લાખોં હૈ યહાં દિલવાલે, પર પ્યાર નહીં મિલતા' ગીત ગાઈને ત્યાં ઉપસ્થિત લોકોનું દિલ જીતી લીધું હતું.
હિન્દુ માતા અને મુસ્લિમ પિતાના પુત્ર હનીફુદ્દીન ઈદ તથા દિવાળી બન્ને તહેવારની ઉજવણી કરતા હતા. તેમના યુનિટનો યુદ્ધ ઘોષ હતોઃ રાજા રામચંદ્ર કી જય.
તેમના પિતા અઝીઝુદ્દીન અને માતા હેમા બન્ને માહિતી તથા પ્રસારણ મંત્રાલયમાં ગીત અને નાટ્ય વિભાગમાં કામ કરતાં હતાં.
અઝીઝુદ્દીન નાટ્ય કળાકાર હતા, જ્યારે હેમા શાસ્ત્રીય ગાયિકા હતાં. હનીફુદ્દીને આઠ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી હતી.
સૈન્ય ઇતિહાસનાં જાણીતા લેખિકા રચના બિષ્ટ રાવતે તેમના પુસ્તક ‘કારગિલ – અનટોલ્ટ સ્ટોરીઝ ફ્રૉમ ધ વૉર’માં લખે છે, "હનીફને સવારે વહેલા ઊઠવાની આદત હતી. 22 વર્ષની વયે તેમની પસંદગી ઇન્ડિયન મિલિટરી એકૅડેમી (આઈએમઈ) માટે થઈ ત્યારે તેઓ એક બૉન્ડ પર સહી કરાવવા તેમનાં માતા પાસે ગયા હતા."
રચના બિષ્ટ લખે છે, "માતા બૉન્ડમાંનું લખાણ વાંચવા ઇચ્છતા હતાં ત્યારે હનીફે તેમને કહ્યું હતું કે શા માટે વાંચો છો, માત્ર સહી કરી દો. તેમનાં માતાએ કહ્યું હતું કે કોઈ કાગળ પર સહી કરતા પહેલાં તેમાં શું લખ્યું છે તે વાંચવુ જરૂરી હોય છે."
"એ વખતે હનીફે હસતાં-હસતાં કહ્યું હતું, આમાં લખ્યું છે કે મને ટ્રેનિંગ દરમિયાન કશું થશે તો તમને કશું નહીં મળે. માતા હેમાનો જવાબ હતો- ભારતીય સૈન્યમાં જોડાવાનું તારું સપનું છે. હું તને રોકીશ નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મૃદુભાષી અને ઉત્સાહી કૅપ્ટન

ઇમેજ સ્રોત, Penguin
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હનીફનાં માતા હેમાએ એકવાર તેમના વિભાગ તરફથી યુરોપના પ્રવાસે જવું પડ્યું હતું. એ સમયે હનીફની વય 10 વર્ષ અને તેમના ભાઈ નફીસની વય 12 વર્ષ હતી.
રચના બિષ્ટ રાવત લખે છે, "હનીફનાં માતાએ મને કહ્યું હતું, હું મારાં બન્ને બાળકોને ઘરે એકલાં છોડીને વિદેશ ગઈ હતી. મેં તેમને થોડીક પૉકેટ મની આપી હતી અને કોઈ મુશ્કેલી સર્જાય તો પાડોશીઓને પૈસા આપ્યા હતા."
હેમાએ રચના બિષ્ટ રાવતને કહ્યું હતું, "હું માત્ર દોઢ મહિના માટે ગઈ હતી, પરંતુ ત્યાં ત્રણ મહિના રહેવું પડ્યું. આ બન્ને બાળકોએ એકલા ઘરમાં રહી દેખાડ્યું હતું."
"બન્નેએ પોતપોતાની સ્કૂલ ફી ચૂકવી હતી. સમયસર સ્કૂલે ગયા હતા. પોતાના માટે ભોજન બનાવ્યું હતું. પોતાના કપડાને ઇસ્ત્રી કરી હતી. હનીફ તો એ વયે પરોઠા બનાવતાં પણ શીખી ગયો હતો."
કારગિલના યુદ્ધ વખતે 11 રાજપૂતાના રાઇફલ્સના કમાન્ડિંગ ઑફિસર તરીકે ફરજ બજાવી ચૂકેલા કર્નલ અનિલ ભાટિયાએ બીબીસીને કહ્યું હતું, "હનીફ અમારી બટાલિયનનો સૌથી યુવાન ઑફિસર હતો. બહુ મૃદુભાષી અને કાયમ ઉત્સાહસભર રહેતો હતો."
"દરેક કામમાં આગળ રહેતો હતો. કમ્પ્યુટર્સ પર તેની સારી પકડ હતી. બહુ સારો ગાયક હતો. તેના લીધે અમારા યુનિટે એક જેઝ બૅન્ડ બનાવ્યું હતું. તેના બધા સાધનો તે ખુદ દિલ્હીથી લાવ્યો હતો."
સિયાચિનથી તુરતુક પહોંચવાનો આદેશ

ઇમેજ સ્રોત, FB/kargilmartyrcaptainhaneefuddin/
હનીફને ચાર મહીના માટે સિયાચિન ગ્લેશિયર પર તહેનાત કરવામાં આવ્યા હતા.
સિયાચિન દુનિયાનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર છે. ત્યાં ઊભા રહેવું એ પણ બહુ હિંમતભર્યું અને જોખમી કામ છે.
પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ હનીફ અને તેમની કંપની બેઝ કૅમ્પ પર પાછી ફરી હતી. ત્યાં હનીફને લોડ મેનિફેસ્ટ ઑફિસરની જવાબદારી સોંપવામાં આવી હતી.
તેમનું કામ સિયાચિન ગ્લેશિયરના અલગ-અલગ હિસ્સાઓમાં સૈન્ય ચોકીઓ પર રાશન, દવાઓ અને પત્રો પહોંચાડવાનું હતું.
તુરતુક સેક્ટરમાં તહેનાત 12 જાટ યુનિટને અચાનક સમાચાર મળ્યા હતા કે તેમના પ્રદેશમાં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી કરવામાં આવી છે.
બટાલિક સેક્ટરમાં લડાઈ ચાલુ હોવાથી પરિસ્થિતિ સામે કામ પાર પાડવા માટે ત્યાં સૈનિકો ઓછા પડતા હતા.
તેથી આસપાસના સૈનિક યુનિટ્સને તુરતુક પહોંચીને પરિસ્થિતિ સંભાળી લેવાનો આદેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હનીફ નજીકના યુનિટમાં જ હતા. તેથી તેમને પણ એ વિસ્તારમાં પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
બરફભર્યો ખતરનાક માર્ગ

ઇમેજ સ્રોત, FB/kargilmartyrcaptainhaneefuddin/
11 રાજપૂતાના રાઇફલ્સના સૈનિકો ટ્રકોમાં બેસીને બે કાંઠે વહેતી શ્યોક નદીના કાંઠે આગળ વધતા હતા. એ પૈકીના મોટા ભાગના લોકો સિયાચિનથી તાજેતરમાં જ પાછા ફર્યા હતા.
કેટલાક લોકોને રજા પરથી પાછા બોલાવવામાં આવ્યા હતા.
પોતાનું મિશન શું છે તેની કૅપ્ટન હનીફુદ્દીનને ત્યાં સુધી ખબર ન હતી, પરંતુ તેમને અંદાજ હતો કે સબ-સેક્ટરમાં ટુકડી મોકલવા માટે તેમના વધારાના સૈનિકોનો ઉપયોગ કરવામાં આવશે, જેથી પાકિસ્તાની સૈનિકોએ કેટલી હદે ઘૂસણખોરી કરી છે તેની ખબર પડે.
સૈનિકોએ તુરતુક પહોંચ્યા પછી નાળાની સમાંતરે આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું. સૈનિકો ઉપર ચડ્યા તેમ-તેમ પરિસ્થિતિ વધુ મુશ્કેલ થવા લાગી હતી.
તુરતુકથી છોરબત લા સુધીના આખા વિસ્તારમાં ઊંડી ખાઈઓ હતી. એક ખોટું ડગલું કોઈ પણ સૈનિકને મોતની ખીણમાં લઈ જવા માટે પૂરતું હતું.
જંગપાલ પાર કર્યા પછી સૈનિકો એકમેકના રેડિયો સંપર્કમાં ન હતા.
તેમને ગ્લેશિયરની જિંદગીની આદત હતી. તેથી અહીં મુશ્કેલીનો સામનો કરવામાં તેમનો અનુભવ ઉપયોગી થતો હતો.
જાંઘ સુધી છવાયેલા બરફમાંથી આગળ વધતાં તેઓ એક મોટી શીલા પાસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે એક કામચલાઉ કૅમ્પ બનાવવાનો હતો.
હનીફુદ્દીનને ગોળીઓ લાગી

ઇમેજ સ્રોત, FB/kargilmartyrcaptainhaneefuddin/
1999ની છઠ્ઠી જૂને હનીફે ઑફર કરી હતી કે તેઓ દિવસ દરમિયાન એક ટુકડી લઈને કારચેન ગ્લેશિયર સુધી પેટ્રોલિંગ કરવા જશે.
કર્નલ અનિલ ભાટિયાએ કહ્યું હતું, "હનીફે નક્કી કર્યું હતું કે તેઓ પાકિસ્તાની પોઝિશન્શની શક્ય તેટલા નજીક જશે અને તેમને ગોળીબાર કરવા માટે ઉશ્કેરશે, જેથી તેમનું અસલી લોકેશન જાણી શકાય. તેનાથી એ પણ ખબર પડશે કે તેમની પાસે કેટલા અને કેવા સ્તરનાં હથિયારો છે."
નાયબ સુબેદાર મંગેજ સિંહ અને અન્ય સાત સૈનિકો સાથે કૅપ્ટન હનીફે લેડગે નામની એક જગ્યા પાર કરી હતી.
તેમની અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે માત્ર 300 મીટરનું અંતર હતું.
કૅપ્ટન હનીફે તેમના સાથીઓને જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈનિકોએ ત્યાં આઠ મોરચા બનાવ્યા છે અને તેમની પાસે કેવાં પ્રકારનાં હથિયાર છે.
તેમને એ અંદાજ ન હતો કે તેઓ જોખમની બહુ નજીક પહોંચી ગયા છે અને ફાયરિંગ રેન્જમાં આવી ગયા છે.
હનીફ અને તેમના સાથીઓને નિશાન બનાવીને પાકિસ્તાની સૈનિકોએ જોરદાર ગોળીબાર શરૂ કર્યો હતો.
સૌથી પહેલાં નાયબ સુબેદાર મંગેજ સિંહને ગોળી વાગી હતી. તેઓ હવામાં ઉછળીને નીચે ઊંડી ખાઈમાં ગબડી પડ્યા હતા.
હનીફ અને રાઇફલમૅન પરવેશને પણ ગોળી લાગી હતી. ઘાયલ થવા છતાં હનીફે વળતો ગોળીબાર ચાલુ રાખ્યો હતો.
અચાનક હનીફને પેટમાં વધુ એક ગોળી લાગી અને તેઓ ફસડાઈ પડ્યા. તેમનો શ્વાસ ધીમો પડવા લાગ્યો અને આખરે તેમના ધબકારા સંપૂર્ણપણે બંધ થઈ ગયા.
હનીફ મૃત્યુ પામ્યા ત્યારે તેમની વય માત્ર 25 વર્ષ હતી. તેઓ ભારતીય સૈન્યમાં જોડાયા તેને માત્ર બે વર્ષ થયાં હતાં.
ભારતીય સૈનિકોએ કૅપ્ટન હનીફનો મૃતદેહ પોતાની તરફ લાવવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા, પરંતુ સતત ગોળીબારને કારણે તેઓ આગળ વધી શક્યા ન હતા.
આખરે તેમણે મૃતદેહ લાવવાનો વિચાર પડતો મૂક્યો હતો અને જંગપાલ પાછા ફર્યા હતા.
કૅપ્ટન હનીફના મૃતદેહને લાવવાના વધુ બે પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં ભારતીય સૈનિકોને સફળતા મળી ન હતી.
હનીફનાં માતાને મળ્યા લશ્કરી વડા જનરલ મલિક

ઇમેજ સ્રોત, FB/kargilmartyrcaptainhaneefuddin/
એ દરમિયાન હનીફનાં માતા હેમા અઝીઝને માહિતી આપી દેવામાં આવી હતી. ભારતીય સૈન્યના તત્કાલીન વડા જનરલ વી પી મલિક ખુદ કૅપ્ટન હનીફુદ્દીનનાં માતાને મળવા તેમના પૂર્વ દિલ્હીસ્થિત નિવાસસ્થાને ગયા હતા.
રચના બિષ્ટ રાવત લખે છે, "જનરલ મલિકે હેમા અઝીઝને કહ્યું હતું કે દુશ્મન તરફથી સતત ફાયરિંગને કારણે અમે હનીફનો મૃતદેહ પાછો લાવી શકતા નથી."
"હેમા અઝીઝે તેમને બહાદુરીપૂર્વક કહ્યું હતું, મારા દીકરાના મૃતદેહને પાછો લાવવા માટે કોઈ સૈનિક પોતાની જિંદગી જોખમમાં મૂકે તેવું હું ઇચ્છતી નથી. યુદ્ધ ખતમ થાય ત્યારે, મારા દીકરીએ જે જગ્યાએ અંતિમ શ્વાસ લીધા હતા ત્યાં જવાની મારી ઇચ્છા છે."
જનરલ મલિકે તેમને ખાતરી આપી હતી કે તેમને એ સ્થળે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે.
હનીફના નિધનના લગભગ એક મહિના પછી 11 રાજપૂતાના રાઇફલ્સના બાકી સૈનિકો પોતાની ડ્યૂટી પૂર્ણ કરીને નીચે ઊતર્યા ત્યારે કર્નલ હનીફ ભાટિયાને હનીફના મૃત્યુના સમાચાર મળ્યા હતા.
બરફમાં પડ્યો રહેલો મૃતદેહ 43 દિવસ બાદ પાછો લાવવામાં આવ્યો

કર્નલ અનિલ ભાટિયાએ કહ્યું હતું, "અમે 10 જુલાઈએ તુરતુક પહોંચ્યા હતા. મેં મારા લોકોને કહ્યું હતું કે આપણે આપણા સાથીઓને મૃતદેહોને પાછા લાવીશું."
"હનીફની શહાદતના 43 દિવસ પછી કૅપ્ટન એસ કે ધીમાન અને મેજર સંજય વિશ્વાસ રાવ તથા તેમના સાથીઓએ તેનું બીડું ઝડપ્યું હતું. મુશ્કેલ માર્ગ પર ચાલતા તેઓ, હનીફે પોતાના પ્રાણ ત્યાગ્યા હતા એ જગ્યાએ પહોંચ્યા હતા."
થોડે દૂર હનીફ અને પરવેશના પાર્થિવ શરીર જોવા મળ્યા હતા. એ સંપૂર્ણપણે થીજી ગયાં હતાં.
પહેલાં તો તેઓ તેને ખડકોની પાછળ લઈ ગયા હતા અને પછી પોતાના ખભા પર લાદીને આખી રાત ચાલતા રહ્યા હતા. સવારે સાત વાગ્યે તેઓ જંગપાલ પહોંચ્યા હતા.
હનીફનો ચહેરો ત્યાં સુધીમાં કાળો થઈ ગયો હતો, પરંતુ તેમની ઓળખ થઈ શકતી હતી.
બીજા દિવસે એક હેલિકૉપ્ટર ત્યાં આવ્યું હતું અને તેમાં તે મૃતદેહોને લઈ જવાના હતા.
11 રાજપૂતાના રાઇફલ્સને સૈનિકોએ તે દિવસે નક્કી કર્યું હતું કે તેઓ ગમે તે ભોગે 5590 પૉઇન્ટ કબજે કરશે. એ મિશનને ‘ઑપરેશન હનીફ’ નામ આપવામાં આવ્યું હતું.
પૉઇન્ટ 5590 પર હુમલાની યોજના

ઇમેજ સ્રોત, Rachna bisht Rawat
કર્નલ ભાટિયાએ નક્કી કર્યું હતું કે તેમના સૈનિકો ગ્લેશિયર પર સીધા નહીં ચડે, પરંતુ મુશ્કેલ માર્ગે આગળ વધીને પાકિસ્તાન તરફથી પૉઇન્ટ 5590 પર ચડશે.
એ કામ મુશ્કેલ જરૂર હશે, પરંતુ પાકિસ્તાની સૈનિકોને લેશમાત્ર ખબર નહીં હોય કે હુમલો એ તરફથી પણ થઈ શકે છે.
કર્નલ ભાટિયાએ એ હુમલા માટે પૂરા નવ દિવસ સુધી રાહ જોઈ. ત્રણ દિવસ પહેલાં પાકિસ્તાની પોઝિશન્શ પર તોપ વડે હુમલા કરવામાં આવ્યા હતા.
લગભગ 40 સૈનિકોની બે ટુકડી બનાવવામાં આવી હતી. બ્રાવો કંપનીનું નેતૃત્વ કૅપ્ટન અનિરુદ્ધ ચૌહાણે સંભાળ્યું હતું. તેઓ એક પ્રશિક્ષિત પર્વતારોહક હતા. ચાર્લી કંપનીનું નેતૃત્વ લેફટેનન્ટ આશિષ ભલ્લાને સોંપવામાં આવ્યું હતું.
સૈનિકો થોડા દિવસ પહેલાં જ સિયાચિનથી પાછા ફર્યા હોવાને કારણે તેમને પાસે ગ્લેશિયરમાં પહેરવામાં આવતાં કપડાં અને પગરખાં હતાં, પરંતુ શૂન્યથી અનેક ડિગ્રી નીચા તાપમાનમાં ત્રણ મહિના સુધી લડતા રહેવાના થાકથી તેમની શારીરિક ક્ષમતા નબળી પડી હતી.
લગભગ દરેક સૈનિકનું વજન ઓછું થઈ ગયું હતું. બધાને માથાનો દુખાવો થતો હતો અને તેમનું બ્લડપ્રેશર સતત વધતું-ઘટતું હતું.
પાસે પહોંચીને સૈનિકો પાછા ફર્યા

ઇમેજ સ્રોત, Getty Images
કર્નલ અનિલ ભાટિયાએ કહ્યું હતું, "મેં મારા સૈનિકોને કહ્યું હતું કે ઉપર તમને જે પૉઇન્ટ 5590 દેખાય છે ત્યાંથી જ દુશ્મને ગોળીબાર કરીને આપણા સાથીઓને મારી નાખ્યા હતા."
‘રાજા રામચંદ્રકી જય’ના નારા સાથે ભારતીય સૈનિકો આગળ વધવા લાગ્યા. થાકને કારણે તેમનો શ્વાસ ફૂલી જતો હતો. ઠંડીને લીધે તેમની આંગળીઓ થીજી જતી હતી.
તેમને ડગલા માંડવામાં મુશ્કેલી થતી હતી. અનેક ઠેકાણે ઉપર ચડવા માટે તેમણે દોરડાનો સહારો લીધો હતો. લગભગ 9 કલાકના ચડાણ પછી તેઓ શિખરથી 40 મીટર દૂર સુધી પહોંચી ગયા હતા.
એ વખતે સવારના ચાર વાગી રહ્યા હતા. હવે તેમની સામે વધુ 80 ડિગ્રીનું વધુ એક ચડાણ બાકી હતું.
કર્નલ ભાટિયાએ કહ્યું હતું, "તેમણે મને આ સમાચાર આપ્યા ત્યારે મેં તેમને પાછા ફરવાનો આદેશ આપ્યો હતો. એ સમયે હું કાર્ચન ગ્લેશિયર બેઝ પર હતો. તેમને પાછા બોલાવવાનું કારણ એ હતું કે સૂર્ય પ્રકાશિત થતાંની સાથે જ, આજુબાજુની શિખરો પરના પાકિસ્તાની સૈનિકો તેમને જોઈને તેમના પર ગોળીબાર કરવા લાગ્યા હોત. હું તે જોખમ લેવા ઇચ્છતો ન હતો."
"આપણા સૈનિકો નિરાશ થઈને પાછા આવ્યા. તેમને પાછા ફરતા બે કલાક થયા હતા. ત્યાં સુધીમાં તેઓ એટલા થાકી ગયા હતા કે જેને જ્યાં જગ્યા મળી ત્યાં પડી ગયા હતા અને સૂઈ ગયા હતા."
"અમારી પાસે તેમને ખવડાવવા વાસી શક્કરપારા સિવાય બીજું કશું ન હતું. સૈનિકોએ સાંજ સુધી આરામ કર્યો અને રાતે ફરીથી ઉપર ચડવાના પ્રયાસ શરૂ કર્યા."
રાત થવા સુધી રાહ જોઈ

ઇમેજ સ્રોત, Getty Images
જોરથી ફૂંકાતા પવન વચ્ચે કર્નલ ભાટિયાએ તેમના સૈનિકોને એકઠા કરીને કહ્યું હતું, "આપણે આ કામ પૂર્ણ કર્યા વિના પાછી ફરીશું તો લોકો શું કહેશે? તેઓ કહેશે કે 11 રાજપૂત રાઇફલ્સ પાછી આવી ગઈ. આ આપણી પલટનની ઈજ્જતનો સવાલ છે. મને વોલેન્ટિયર્સ જોઈએ છે. કોણ જશે?"
સૌથી પહેલાં નાયબ સૂબેદાર અભય સિંહે પોતાનો હાથ ઉંચો કર્યો હતો. એ પછી અનેક સૈનિકો આગળ આવ્યા હતા.
કર્નલ અનિલ ભાટિયાએ ઉમેર્યું હતું, "અનિરુદ્ધના નેતૃત્વમાં ટાસ્ક ફોર્સ-વનના સૈનિકો આકરું ચડાણ ચડીને પૉઇન્ટ 5590ના બેઝ સુધી પહોંચ્યા હતા. હવે તેમની સામે 80 ડિગ્રીનું ચડાણ હતું. તેમણે દોરડા બાંધ્યાં અને સવારે સાડા પાંચ વાગ્યા સુધીમાં પોતાના લક્ષ્ય પર પહોંચી ગયા. ત્યાં સુધીમાં સવાર પડવા લાગી હતી."
"સૈનિકોએ મને જણાવ્યું હતું કે તેઓ ત્રણ પાકિસ્તાની મોરચા જોઈ શકે છે. તેમાંથી એક મોરચે મશીનગનની નાળ નીકળેલી છે. એ મોરચો તેમનાથી માત્ર 25 મીટર દૂર છે."
કર્નલ ભાટિયાએ તેમને ખડકોની પાછળ છૂપાઈ રહેવાનો અને રાત થવાની રાહ જોવાનો આદેશ આપ્યો હતો.
ચોકી કબજે કરી

ઇમેજ સ્રોત, FB/kargilmartyrcaptainhaneefuddin/
અંધારું થતાંની સાથે જ સૌથી પહેલાં કાન સિંહે પોતાના જીવની પરવા કર્યા વિના પાકિસ્તાની સૈનિકો પર હુમલો કર્યો હતો. કાન સિંહની ગરદનમાં ગોળી લાગી હતી.
તેઓ નીચે પડ્યા ત્યારે તેમના સાથી દિલબાગ સિંહે તેમને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાન સિંહની રાઇફલ જ તેમના હાથમાં આવી હતી અને કાન સિંહ નીચે ખાઈમાં ગબડી પડ્યા હતા.
દિલબાગે આગળ કૂદીને પાકિસ્તાની સૈનિકો પર હુમલો કર્યો. બન્ને તરફના સૈનિકો હથિયારો ઉપરાંત હાથોહાથ લડવા લાગ્યા.
નાયબ સુબેદાર અભય સિંહે પાકિસ્તાની સૈનિકોને ભ્રમિત કરવાના હેતુસર બરાડીને કહ્યું, "અડધા મારી પાછળ આવો. થોડા લોકો જમણે જાઓ. બાકીના ડાબે જાઓ. આગળ વધો."
પાકિસ્તાની સૈનિકોને થયું કે તેમના પર 100 સૈનિકોને એક આખી કંપનીએ હુમલો કર્યો છે.
કર્નલ અનિલ ભાટિયાએ કહ્યું હતું, "મેં પરતાપુરસ્થિત 102 બ્રિગેડ હૅડક્વાર્ટર સાથેનું મારું રેડિયો કનેક્શન સ્વીચ્ડ ઑફ કરી દીધું, જેથી તેમના તરફથી કોઈ હસ્તક્ષેપ ન થાય."
"મેં સવારે પાંચ વાગ્યે મારો રેડિયો ફરી ચાલુ કર્યો ત્યાં સુધીમાં પૉઇન્ટ 5590 આપણે કબજે કરી લીધું હતું. તેમાં સાત પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા."
આ સમગ્ર ઑપરેશનમાં રાજપૂતાના રાઇફલ્સનો એકમાત્ર જવાન માર્યો ગયો હતો.
યુદ્ધ પૂર્ણ થયાની જાહેરાત કરી દેવામાં આવી હતી. તેથી યુનિટને કોઈ વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો ન હતો.
કૅપ્ટન હનીફને મરણોત્તર વીરચક્ર

ઇમેજ સ્રોત, FB/kargilmartyrcaptainhaneefuddin/
કારગિલ યુદ્ધમાં બહાદુરી દર્શાવવા બદલ કૅપ્ટન હનીફુદ્દીનને મરણોત્તર વીરચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને સબ-સેક્ટર વેસ્ટને તેમનું નામ ‘સબ-સેક્ટર હનીફ’ આપવામાં આવ્યું હતું.
તેમના પાર્થિવ શરીરને દિલ્હી લાવવામાં આવ્યું હતું, જ્યાં રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
જનરલ મલિકે પોતાનું વચન પાળ્યું હતું અને હેમા અઝીઝને તુરતુકમાં એ જગ્યાએ લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં તેમને પુત્રએ અંતિમ શ્વાસ લીધા હતા.












