24 વર્ષની ઉંમરે જ 'પરમવીર ચક્ર' જીતનારા કૅપ્ટન મનોજકુમાર પાંડેના અંતિમ શબ્દો શું હતા?

ઇમેજ સ્રોત, Manojkumar Pande Family
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગોરખા રેજિમૅન્ટલ સેન્ટરના તાલીમાર્થીઓને જણાવવામાં આવે છે કે વ્યક્તિગત લડાઈમાં ખુકરી સૌથી વધુ ઉપયોગી હથિયાર છે. તાલીમાર્થીઓને ખુકરી વડે માણસનું ગળું કાપવાની તાલીમ પણ આપવામાં આવે છે.
લેફ્ટનન્ટ મનોજકુમાર પાંડે 1997માં 1/11 ગોરખા રાઇફલ્સનો હિસ્સો બન્યા ત્યારે દશેરાની પૂજા દરમિયાન તેમને તેમની બહાદુરી સિદ્ધ કરવા માટે એક બકરાનું માથું કાપવાનું કહેવામાં આવ્યું હતું.
પરમવીર ચક્ર વિજેતાઓ વિશેના બહુચર્ચિત પુસ્તક ‘ધ બ્રેવ’નાં લેખિકા રચના બિષ્ટ રાવત કહે છે, “એક ક્ષણ માટે મનોજ થોડા વિચલિત થયા હતા, પરંતુ પછી તેમણે ફરસીથી જોરદાર ઘા કરીને બકરાની ગરદન કાપી નાખી હતી. બકરાના લોહીના છાંટા તેમના ચહેરા પર પડ્યા હતા. એ પછી પોતાની રૂમમાં જઈને એકાંતમાં તેમણે અનેક વખત મોં સાફ કર્યું હતું. કદાચ તેઓ પહેલીવાર જાણીજોઈને કરવામાં આવેલી હત્યાની અપરાધ ભાવનાને દૂર કરવાના પ્રયાસ કરતા હતા. મનોજકુમાર પાંડે આજીવન શાકાહારી રહ્યા હતા અને તેમણે દારૂને ક્યારેય હાથ સુદ્ધાં લગાડ્યો ન હતો.”

હુમલો કરવામાં પારંગત

ઇમેજ સ્રોત, FACEBOOK
એ પછીના દોઢ વર્ષમાં દુશ્મનનો જીવ લેવાનો ખચકાટ મનોજના મનમાંથી લગભગ દૂર થઈ ગયો હતો. તેઓ હુમલાની યોજના બનાવવાની, અચાનક હુમલો કરીને દુશ્મનનો જીવ લેવાની કળામાં પારંગત બની ગયા હતા.
કડકડતી ઠંડીમાં, બરફથી ઢંકાયેલા પહાડો પર સાડા ચાર કિલોની બૅકપૅક લઈને ચડવામાં પણ તેઓ પારંગત થઈ ગયા હતા. એ બૅકપૅકમાં તેમની સ્લીપિંગ બૅગ, ઊનનાં મોજાંની વધારાની એક જોડી, શેવિંગ કિટ અને ઘરેથી આવેલા પત્રો રાખતા હતા.
ભૂખ લાગે ત્યારે કડક થઈ ગયેલી, વાસી પૂરી ખાઈ લેતા હતા. ઠંડીથી બચવા માટે ઊનનાં મોજાંનો ઉપયોગ હાથમોજાં તરીકે કરતા હતા.

સિયાચીનથી પાછા ફર્યા ત્યાં કારગિલ માટે તેડું આવ્યું

ઇમેજ સ્રોત, FACEBOOK
11 ગોરખા રાઇફલ્સની પહેલી બટાલિયને સિયાચીનમાં તેનો ત્રણ મહિનાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. બધા અધિકારીઓ તથા સૈનિકો પૂણેમાં પીસ પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા હતા.
બટાલિયનની એડવાન્સ પાર્ટી પહેલાં જ પૂણે પહોંચી ગઈ હતી. બધા સૈનિકોએ તેમના શિયાળુ કપડાં અને હથિયાર પરત કરી દીધાં હતાં. મોટાભાગના સૈનિકોને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીનમાં લડાઈ સંબંધી અનેક જોખમ છે. ત્યાં દુશ્મન સૈન્ય કરતાં વધારે જાલિમ હવામાન હોય છે.
સિયાચીનમાં ત્રણ મહિના ફરજ બજાવી ચૂકેલા તમામ સૈનિકોનું વજન પાંચ કિલો ઘટી ગયું હતું. બધા અત્યંત થાકી ગયા હતા. એ વખતે અચાનક આદેશ આપવામાં આવ્યો હતો કે બટાલિયનના બાકી રહેલા સૈનિકોએ પૂણે જવાનું નથી, પરંતુ કારગિલ જઈને બટાલિક તરફ આગળ વધવાનું છે. એ વિસ્તારમાં પાકિસ્તાને મોટા પાયે ઘૂસણખોરી કરી હોવાના સમાચાર આવી રહ્યા હતા.
મનોજે કાયમ મોખરે રહીને સૈનિકોનું નેતૃત્વ કર્યું હતું અને બે મહિના સુધી ચાલેલા ઓપરેશન દરમિયાન કુકરથાંગ, જૂબરટોપ જેવાં અનેક શિખરો ફરી કબજે કર્યાં હતાં.
એ પછી તેમને ખાલોબાર શિખર કબજે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એ મિશનનું નેતૃત્વ કર્નલ લલિત રાયને સોંપવામાં આવ્યું હતું.

ખાલોબાર હતું સૌથી મુશ્કેલ લક્ષ્યાંક

ઇમેજ સ્રોત, FACEBOOK
એ મિશનને યાદ કરતાં કર્નલ લલિત રાય કહે છે, “એ વખતે અમે ચારે તરફથી ઘેરાયેલા હતા. પાકિસ્તાનીઓ ઉપરના ભાગમાં હતા. અમે નીચે હતા. એ સમયે અમને એક જીતની બહુ જરૂર હતી, જેથી અમારા સૈનિકોનું મનોબળ વધી શકે.”
કર્નલ રાય કહે છે, “ખાલોબાર ટોપ વ્યૂહાત્મક રીતે બહુ મહત્ત્વપૂર્ણ પ્રદેશ હતો. અમારા વિરોધીઓ માટે તે એક રીતે કૉમ્યુનિકેશન હબ હતું. અમે માનતા હતા કે એ પ્રદેશ અમે કબજે કરી લઇશું તો બીજા વિસ્તારમાં પાકિસ્તાનીઓને બહુ મુશ્કેલી થશે અને તેમને પુરવઠો મળવામાં તથા પાછા ભાગવાના માર્ગમાં મુશ્કેલી નડશે. આ કહેવાનો અર્થ એ છે કે તેનાથી સમગ્ર લડાઈનું પાસું પલટાઈ શકે તેમ હતું.”
મશીનગનમાંથી 2,900 ફીટ પ્રતિ સેકન્ડની ગતિએ આવતી ગોળીઓ
એ હુમલા માટે ગોરખા રાઇફલ્સની બે ટુકડીને પસંદ કરવામાં આવી હતી. કર્નલ લલિત રાય પણ તેમની સાથે હતા. તેઓ થોડા દૂર પહોંચ્યા હતા ત્યાં તો પાકિસ્તાનીઓએ તેમના પર જોરદાર ગોળીબાર શરૂ કરી દીધો અને બધા સૈનિક વિખેરાઈ ગયા હતા.

ઇમેજ સ્રોત, Facebook
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કર્નલ રાય કહે છે, “લગભગ 60-70 મશીનગનમાંથી અમારા પર ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો. અમારા પર બોમ્બમારો પણ કરવામાં આવતો હતો. તેઓ રોકેટ લોંચર અને ગ્રેનેડ લોંચરનો ઉપયોગ પણ કરી રહ્યા હતા.”
“મશીનગનની ગોળીની ગતિ પ્રતિ સેકંડ 2,900 ફીટ હોય છે. એ તમારી બાજુમાંથી પસાર થઈ જાય તો તમને એવું લાગે કે તમને કોઈએ જોરદાર ધક્કો માર્યો છે, કારણ કે તેની સાથે એક ઍર પૉકેટ પણ હોય છે.”
કર્નલ રાય ઉમેરે છે, “અમે ખાલોબાર ટોપથી લગભગ 600 ગજ નીચે હતા ત્યારે બે વિસ્તારમાંથી અમારા પર બહુ જ નુકસાનકારક ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું. કમાન્ડિંગ ઓફિસર તરીકે હું બહુ દ્વિધામાં હતો. વળતો હુમલો કરીએ તો અમે બધા ખતમ થઈ જઈએ તેવી શક્યતા હતી. એ સ્થિતિમાં ઇતિહાસ તો એવું કહેશે કે કમાન્ડિંગ ઓફિસરે બધાને મરાવી નાખ્યા. વળતો હુમલો ન કરીએ તો લોકો એવું કહેશે કે તેમણે તેમનું લક્ષ્યાંક હાંસલ કરવાના પ્રયાસ જ કર્યા ન હતા.”
“મેં વિચાર્યું કે બે ટુકડી બનાવવી જોઈએ, જે સવાર થતાં પહેલાં ત્યાં પહોંચી જાય, અન્યથા દિવસના પ્રકાશમાં અમારા બધા માટે બચવું મુશ્કેલ થશે. એ પરિસ્થિતિમાં મારી સૌથી વધુ નજીક જે ઓફિસર હતા તે કૅપ્ટન મનોજ પાંડે હતા. મેં તરત મનોજને કહ્યું કે તમે તમારી પ્લાટૂનને લઈ જાઓ. મને ઉપર ચાર બંકર દેખાય છે. તેના પર હુમલો કરો અને તેમને ખતમ કરો.”
કર્નલ રાયના કહેવા મુજબ, “એ યુવા અધિકારીએ એક સેકન્ડ માટે પણ ખચકાટ દેખાડ્યો ન હતો અને રાતના અંધારામાં, કડકડતી ઠંડી તથા જોરદાર બૉમ્બમારા વચ્ચે ઉપર ચડી ગયા હતા.”

એક ઘૂંટડો પાણી બચાવી રાખ્યું

ઇમેજ સ્રોત, FACEBOOK
રચના બિષ્ટ રાવત કહે છે, “મનોજે તેમની રાઇફલના બ્રીચબ્લૉકને પોતાના ઊનના મોજાં વડે ઢાંકી રાખ્યો હતો, જેથી તે ગરમ રહે અને કડકડતી ઠંડીમાં જામ ન થઈ જાય. એ સમયે તાપમાન શૂન્યથી નીચે જઈ રહ્યું હતું, તેમ છતાં સીધા ચડાણને લીધે ભારતીય સૈનિકોને કપડા પરસેવાથી ભીંજાઈ ગયા હતા.”
“દરેક સૈનિક પાસે એક લિટર પાણીની બૉટલ હતી, પરંતુ અડધે રસ્તે પહોંચ્યા ત્યાં સુધીમાં તેમનું બધું પાણી ખલાસ થઈ ગયું હતું. ચારે તરફ બરફ હતો, પરંતુ બોમ્બમારાને કારણે તે એટલો પ્રદૂષિત થઈ ગયો હતો કે તેને ખાઈ શકાય તેમ ન હતો.”
“મનોજે પોતાના સૂકાયેલ હોઠ પર ફરીથી જીભ ફેરવી, પરંતુ પોતાની પાણીની બૉટલને હાથ સુદ્ધાં લગાડ્યો ન હતો. તેમાં માત્ર એક ઘૂંટડો પાણી બચ્યું હતું. તેઓ તેને, મનોવૈજ્ઞાનિક કારણસર મિશનના અંત સુધી બચાવી રાખવા ઇચ્છતા હતા.”

એકલવીરે ત્રણ બંકર ધ્વસ્ત કર્યાં

ઇમેજ સ્રોત, FACEBOOK
કર્નલ રાય કહે છે, “અમને એમ હતું કે ત્યાં ચાર બંકર છે, પરંતુ મનોજે ઉપર જઈને રિપોર્ટ કર્યો હતો કે અહીં તો છ બંકર છે. પ્રત્યેક બંકરમાંથી અમારા પર બે-બે મશીનગન વડે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. બે બંકર થોડે દૂર હતાં. તેને ધ્વસ્ત કરવા મનોજે હવાલદાર દીવાનને મોકલ્યા હતા. દીવાને હુમલો કરીને એ બંકરને બરબાદ તો કર્યાં, પરંતુ એ દરમિયાન તેમને ગોળી વાગી હતી અને તેઓ વીરગતિ પામ્યા હતા.”
“બાકીનાં બંકર તોડી પાડવા મનોજ અને તેમના સાથીઓ જમીન પર ભાખોડિયાં ભરીને તદ્દન નજીક પહોંચી ગયા હતા. બંકરને ધ્વસ્ત કરવાની એક જ રીત હોય છે. તેના લૂપ હોલમાં ગ્રેનેડ નાખીને બંકરમાંના લોકોને ખતમ કરવામાં આવે છે. મનોજે એક પછી એક એમ ત્રણ બંકર તોડી પાડ્યાં હતાં. ચોથા બંકરમાં ગ્રેનેડ ફેંકવાનો પ્રયાસ કરતા હતા ત્યારે કેટલીક ગોળી તેમના શરીરના ડાબા ભાગમાં વાગી હતી અને તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.”

હેલમેટ વીંધીને માથાની વચ્ચોવચ ઘૂસી ગઈ ચાર ગોળી

ઇમેજ સ્રોત, FACEBOOK
કર્નલ રાયના કહેવા મુજબ, “સૈનિકોએ મનોજને કહ્યું, સર, હવે એક જ બંકર બાકી છે. તમે અહીં બેસીને જુઓ. અમે તેને ધ્વસ્ત કરી આવીએ. હવે એ બહાદૂર અધિકારીનું સાહસ અને ફરજનિષ્ઠા જુઓ. મનોજે સૈનિકોને કહ્યું, કમાન્ડિંગ ઓફિસરે મને આ કામ સોંપ્યું છે. તેથી હુમલાનું નેતૃત્વ કરવાની અને કમાન્ડિંગ ઓફિસરને વિજય સંકેત મોકલવાની મારી ફરજ છે.”
“મનોજ ભાખોડિયા ભરતા ભરતા ચોથા બંકરની એકદમ નજીક પહોંચ્યા ત્યાં સુધીમાં તેમના શરીરમાંથી ખાસું એવું લોહી વહી ગયું હતું. તેમણે ઊભા થઈને ગ્રેનેડ ફેંકવાનો પ્રયાસ કર્યો ત્યારે જ પાકિસ્તાનીઓએ તેમને જોઈ લીધા અને મશીનગન સ્વિંગ કરીને ચાર ગોળી તેમના પર છોડી હતી.”
“એ ગોળી તેમની હેલમેટ વીંધીને તેમના મસ્તકની આરપાર નીકળી ગઈ હતી. પાકિસ્તાનીઓ 14.7 એમએમની એડી મશીનગનનો ઉપયોગ કરતા હતા. તેમાંથી છૂટેલી ગોળીઓને લીધે મનોજનું આખું માથું ઊડી ગયું હતું અને તેઓ જમીન પર ફસડાઈ પડ્યા હતા.”
“એ છોકરાનું જોશ જુઓ. તેમણે મરતાં-મરતાં પણ કહ્યું હતું કે 'ના છોડનૂં'. એટલે કે પાકિસ્તાનીઓને છોડશો નહીં. એ સમયે મનોજની વય 24 વર્ષ અને સાત દિવસ હતી. મનોજે ફેંકેલો ગ્રેનેડ પાકિસ્તાની બંકરમાં ફાટ્યો હતો. કેટલાક લોકો માર્યા ગયા હતા. કેટલાકે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે આપણા જવાનોએ ખુકરી કાઢીને એ તમામને ખતમ કરી નાખ્યા હતા. ચારેય બંકર ખામોશ કરી દીધાં હતાં.”

માત્ર આઠ ભારતીય જવાન બચી શક્યા

ઇમેજ સ્રોત, FACEBOOK
આ અદ્વિતીય વીરતા માટે કૅપ્ટન મનોજકુમાર પાંડેને દેશનો સૌથી મોટો વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર મરણોપરાંત આપવામાં આવ્યો હતો. એ અભિયાનમાં કર્નલ લલિત રાયને પગમાં પણ ગોળી વાગી હતી. તેમને વીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. એ જીત માટે ભારતીય સૈન્યએ બહુ મોટી કિંમત ચૂકવવી પડી હતી.
કર્નલ રાયના જણાવ્યા મુજબ, તેઓ તેમની સાથે બે કંપની લઈને ઉપર ગયા હતા, પણ ખાલૂબાર પર ભારતીય ધ્વજ લહેરાવ્યો ત્યારે તેમની પાસે માત્ર આઠ જવાન બચ્યા હતા. બાકીના લોકો માર્યા ગયા હતા અથવા તો ઘાયલ થયા હતા.
એ શિખર પર તે સૈનિકોએ ખાધા-પીધા વગર ત્રણ દિવસ પસાર કરવા પડ્યા હતા. એ લોકો રાતે નીચે ઊતર્યા ત્યારે રસ્તામાં ચારે તરફ સૈનિકોના મૃતદેહો પડ્યા હતા. ઘણા મૃતદેહો બરફમાં જામી ગયા હતા. એ બધાને ભેખડની આડમાં રાખવામાં આવ્યા હતા. તેમની રાઈફલોનાં નાળચાં પાકિસ્તાની બંકરોની દિશામાં જ હતાં. તેમની આંગળીઓ ટ્રિગર પર હતી. મૅગેઝિન ચેક કર્યાં ત્યારે તેમની રાઈફલોમાં એક પણ ગોળી બચી ન હતી. તેઓ કડકડતી ઠંડીમાં થીજીને 'આઇસ બ્લૉક' બની ગયા હતા," એમ જણાવતાં તેઓ ઉમેરે છે, "આપણા જવાનો છેલ્લા શ્વાસ સુધી, છેલ્લી ગોળી સુધી લડતા રહ્યા હતા."
કર્નલ લલિત રાયને કહેવા મુજબ, “મનોજકુમાર પાંડેની ઊંચાઈ માત્ર સાડા પાંચ ફૂટ હતી, પરંતુ તેઓ કાયમ હસતા રહેતા હતા. તેઓ મારા જોશીલા યુવાન અધિકારી હતા. તેમને સોંપવામાં આવેલું કામ બહુ નિષ્ઠાપૂર્વક કરતા હતા. તેમની ઊંચાઈ ભલે ઓછી હોય, પરંતુ ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાની વાત કરીએ તો તેઓ આપણા સૈન્યની, કદાચ સૌથી ઊંચી વ્યક્તિ હતા. એ બહાદુર જુવાનને હું હૃદયપૂર્વક સલામ કરું છું.”

વાંસળી વગાડવાનો શોખ

ઇમેજ સ્રોત, Manojkumar Pande Family
કૅપ્ટન મનોજકુમાર પાંડેને બાળપણથી જ સૈન્યમાં જોડાવાનો શોખ હતો. તેમણે લખનૌની સૈનિક સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ નેશનલ ડિફેન્સ એકેડમી(એનડીએ)ની પરીક્ષા પાસ કરી હતી.
તેઓ તેમનાં માતાને બહુ પ્રેમ કરતા હતા. તેઓ બહુ નાના હતા ત્યારે માતા તેમને મેળામાં લઈ ગયાં હતાં.
સૈનિક ઇતિહાસકાર રચના બિષ્ટ રાવત કહે છે, “મેળામાં જાતજાતની ચીજો વેચાતી હતી, પરંતુ નાનકડા મનોજનું ધ્યાન લાકડીની એક વાંસળીએ આકર્ષિત કર્યું હતું. તેમણે એ ખરીદવાની જીદ કરી હતી. માતાએ તેમને બીજું કોઈ રમકડું લેવા સમજાવ્યા હતા, કારણ કે થોડા દિવસ પછી મનોજ તેને ફેંકી દેશે એવી શંકા માતાને હતી. મનોજ ન માન્યા ત્યારે માતાએ બે રૂપિયા ચૂકવીને મનોજને વાંસળી ખરીદી આપી હતી. એ વાંસળી પછીના 22 વર્ષ સુધી મનોજની સાથે રહી હતી. તેઓ રોજ થોડીવાર વાંસળીવાદન કરતા હતા અને પછી વાંસળીને પોતાનાં વસ્ત્રો સાથે મૂકી દેતા હતા.”
રચના બિષ્ટ રાવત ઉમેરે છે, “મનોજ સૈનિક સ્કૂલ ગયા અને પછી ખડકવાસલા તથા દહેરાદૂન ગયા ત્યારે પણ એ વાંસળી તેમની સાથે જ હતી. મનોજનાં માતાના જણાવ્યા મુજબ, કારગિલ યુદ્ધ પહેલાં મનોજ હોળીની રજામાં ઘરે આવ્યા ત્યારે વાંસળી માતા પાસે મૂકીને પાછા ગયા હતા.”

સ્કૉલરશિપના પૈસામાંથી પિતાને નવી સાઇકલની ભેટ

ઇમેજ સ્રોત, FACEBOOK
મનોજકુમાર પાંડે શરૂઆતથી અંત સુધી બહુ સરળ જીવન જીવ્યા હતા. પરિવાર સંપન્ન ન હોવાને કારણે તેમણે ચાલીને સ્કૂલે જવું પડતું હતું.
તેમના માતા એક માર્મિક કિસ્સો કહે છે. મનોજે અખિલ ભારતીય સ્કૉલરશિપ ટેસ્ટ પાસ કરીને સૈનિક સ્કૂલમાં પ્રવેશની યોગ્યતા પ્રાપ્ત કરી હતી. પ્રવેશ પછી તેમણે હૉસ્ટેલમાં રહેવાનું હતું. એક વખત તેમને પૈસાની જરૂર પડી ત્યારે માતાએ કહ્યું હતું કે સ્કૉલરશિપમાં મળેલા પૈસાનો ઉપયોગ કરો.
એ વખતે મનોજે જવાબ આપ્યો હતો કે એ પૈસામાંથી હું પિતાજી માટે નવી સાઇકલ ખરીદવા ઇચ્છું છું, કારણ કે તેમની સાઇકલ જૂની થઈ ગઈ છે. પછી એક દિવસ મનોજે સ્કૉલરશિપના પૈસામાંથી પિતા માટે વાસ્તવમાં સાઇકલ ખરીદી હતી.

એનડીએના ઇન્ટર્વ્યૂમાં કહેલી વાત સાચી કરી બતાવી

ઇમેજ સ્રોત, FACEBOOK
મનોજકુમાર પાંડેને ઉત્તર પ્રદેશ નેશનલ કૅડેટ કોર્પ્સના સર્વશ્રેષ્ઠ કૅડેટ જાહેર કરવામાં આવ્યા હતા. એનડીએના ઇન્ટર્વ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે તમે સૈન્યમાં શા માટે જોડાવા ઇચ્છો છો?
એ સવાલના જવાબમાં મનોજે કહ્યું હતું, “પરમવીર ચક્ર જીતવા માટે.”
ઇન્ટર્વ્યૂ લેનાર સૈનિક અધિકારીઓએ એકમેકની સામે જોઈને સ્મિત કર્યું હતું. ક્યારેક આ રીતે કહેવાયેલી વાતો પણ હકીકત બની જતી હોય છે.
મનોજકુમાર પાંડેની પસંદગી એનડીએ માટે થઈ હતી એટલું જ નહીં, તેમણે દેશનું વીરતાનું સૌથી મોટું સન્માન પરમવીર ચક્ર પણ મેળવ્યું હતું.
જોકે, એ સન્માન સ્વીકારવા તેઓ સદેહે હાજર ન હતા. તેમના પિતા ગોપીચંદ પાંડેએ 2000ની 26 જાન્યુઆરીએ તત્કાલીન રાષ્ટ્રપતિ કે આર નારાયણનના હસ્તે હજારો લોકોની સામે તે સન્માન સ્વીકાર્યું હતું.














