એ પહેલો ગુજરાતી જેણે બે-બે કોર્ટ કેસ લડીને અમેરિકામાં નાગરિકત્વ મેળવ્યું

ઇમેજ સ્રોત, TheEmissaryCo/X
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતીઓમાં સામાન્ય રીતે અમેરિકા જવા માટેનો ભારે ક્રૅઝ હોય છે અને ત્યાં જવા માટે 'ડંકી રૂટ' કે અન્ય જોખમી, ખર્ચાળ અને ગેરકાયદેસર રસ્તા લેવાનો પ્રયાસ કરે છે.
લગભગ 115 વર્ષ પહેલાં ભીખાજી બલસારા નામના પારસીએ અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે બે-બે કોર્ટમાં લડાઈ લડી અને જીત મેળવી હતી.
આ કેસે અમેરિકામાં વસવા માગતા વિદેશીઓ માટે આશા જગાવી હતી અને નાગરિકત્વલક્ષી કેસોમાં એ શકવર્તી બની ગયો અને તેને ટાંકવામાં આવતો હતો.
એ સમયે અમેરિકામાં 'મુક્ત શ્વેત લોકો' જ અરજી કરી શકતા. આ સિવાય તત્કાલીન ભારતનો ભૂભાગ બ્રિટિશ સંસ્થાન હોવાથી અહીંના રહીશોને અમેરિકાનું નાગરિકત્વ નહોતું મળતું.
એ પછીનાં વર્ષો દરમિયાન અન્ય એક પારસી સદ્દગૃહસ્થે નાગરિકત્વ મેળવવા અરજી કરી, પરંતુ તેને નકારી કાઢવામાં આવી હતી અને 'શ્વેત વંશીય'ની પુનઃવ્યાખ્યાએ ભારતીયો માટે અમેરિકાનું નાગરિકત્વ મેળવવું અશક્ય બનાવી દીધું હતી.
મર્યાદિત સંખ્યામાં ભારતીયોના પ્રવેશ માટે બે દાયકાનો સમય લાગવાનો હતો અને ખરા અર્થમાં સુલભ પ્રવેશ માટે વધુ બે દાયકાનો સમય થનાર હતો.

પરદેશમાં પ્રેમ અને પરિણય

ઇમેજ સ્રોત, Getty Images
ભીખાજી ફ્રામજી બાલસરાનો જન્મ વર્ષ 1872 આસપાસ બ્રિટિશ ભારતમાં થયો હતો. ભીખાજી તાતા જૂથ માટે કપાસ ખરીદવાનું કામ કરતા અને ઇમિગ્રન્ટ તરીકે તત્કાલીન મુંબઈથી અમેરિકા ગયા હતા.
નવેમ્બર-1900માં તેઓ અમેરિકા પહોંચ્યા. અહીં તેમની મુલાકાત લુસી સાથે થઈ હતી. લુસીનાં માતા સ્વિસ-જર્મન, જ્યારે પિતા જૉન ડૅર ફ્રૅન્ચ હતા. જેઓ ન્યૂયૉર્કમાં ફ્રૅન્ચ બૅકરી ચલાવતાં. બંનેએ લગ્ન કરી લીધાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછી બલસારાએ વર્ષ 1906માં અમેરિકાના નાગરિક બનવા માટે અરજી કરી. જોકે, એ સમયના અમેરિકાના કાયદાને કારણે તેઓ નાગરિક બની શકે તેમ ન હતા અને તેના માટે તેમણે લડાઈ લડવી પડી. એ સમયે અમેરિકાના કાયદા શ્વેત વર્ણના લોકોની તરફેણ કરતા હતા. (Fezana Journal, 28, Spring 1997)
એ સમયે માત્ર 'મુક્ત સફેદ રંગના લોકો' જ અમેરિકાનાં નાગરિકત્વ માટે અરજી કરી શકતા. બલસારાએ સાબિત કર્યું કે તેમનો 'વાન સફેદ અને ચહેરાની અંગકાંતિ શ્યામ' છે.
બલસારાનો કેસ એ સમયમાં કેટલો ચર્ચિત બન્યો હશે, તે વાતનો અંદાજ એ પરથી લગાવી શકાય કે 'ન્યૂ યૉર્ક ટાઇમ્સ'માં આ કેસ વિશે વિગતો પ્રકાશિત થઈ હતી અને તેનાં કાયદાકીય પાસાં ચર્ચાયાં હતાં.
End of આપને આ પણ વાંચવું ગમશે
નાગરિકત્વમાં રંગ અને ભેદ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એ સમયે અમેરિકામાં નાગરિક્ત્વના કેસો અંગે વર્ષ 1790ના કાયદા ઉપર ભાર મૂકવામાં આવતો. એ સમયે ભારત સહિત અમુક દેશમાંથી અમેરિકામાં ઇમિગ્રૅશનની સંભાવના ન હતી.
માઇકલ હ્યુગે તેમના પુસ્તક 'ન્યૂ ટ્રાઇબ્લિઝ'માં (પેજ 138-148) પર તત્કાલીન પરિસ્થિતિ ઉપર પ્રકાશ પાડ્યો છે. તેઓ લખે છે કે ભારતીય મૂળના અનેક લોકોના પ્રતિનિધિઓએ નાગરિકત્વ મેળવવા માટે અદાલતોના દરવાજા ખખડાવ્યા હતા.
કૅલિફૉર્નિયાની સરકાર નહોતી ઇચ્છતી કે બ્રિટીશરાજ હેઠળ આવતા લોકોને પોતાને ત્યાં ખેતીલાયક જમીન ન મળે. તો અમેરિકાની સરકાર નહોતી ઇચ્છતી કે બ્રિટીશ સંસ્થાનવાદનો વિરોધ કરી રહેલા લોકો ત્યાં આવીને વસે અને ત્યાંની સ્વતંત્રતાનો ઉપયોગ કરીને ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા માટેની કોઈ પ્રવૃત્તિ પોતાની ધરતી ઉપરથી કરે.
એચ. બ્રૅટ મૅલેન્ડી તેમના પુસ્તક 'એશિયન્સ ઇન અમેરિકા'માં (પેજ 216-218) લખે છે કે તત્કાલીન ઍટર્ની જનરલ ચાર્લ્સ બૉનાપાર્ટનો મત હતો કે ભારતીય લોકો અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે હક્કદાર નથી, કારણ કે તેઓ "મુક્ત શ્વેત લોકો" નથી.
28 મે, 1909ના રોજ ન્યૂયૉર્ક દક્ષિણ જિલ્લાના સર્કિટ જજ લૅકૉમ્બેએ ભીખાજી બલસારાને અમેરિકાનું નાગરિકત્વ આપ્યું હતું, સાથે જ અવલોક્યું હતું કે તેઓ 'અસામાન્ય બુદ્ધિપ્રતિભા ધરાવતા ઉચ્ચચરિત્રવાળા સજ્જન' જણાય છે. સાથે જ ઉમેર્યું હતું કે 'દલીલોમાં એ વાત ઉપર ભાર વધુ હતો કે એ સમયે કૉંગ્રેસ કદાચ ઇચ્છતી હતી કે સ્થાપના સમયથી જેમણે રાષ્ટ્રનિર્માણ તથા તેના સમાજમાં ફાળો આપ્યો હોય તેમને જ નાગરિકત્વ મળે.'
એ સમયે એવી આશંકા હતી કે જો 'મુક્ત શ્વેત લોકો' શબ્દસમૂહને જો બૃહદ કરી દેવામાં આવશે તો આર્યોમાં સૌથી શુદ્ધ પ્રજાતિ પારસી જ નહીં, પરંતુ હિંદુ, આરબ અને અફઘાનનો માટે પણ દરવાજા ખુલ્લી જાય તેમ હતા. નૃવંશશાસ્ત્રીઓની વ્યાખ્યા પ્રમાણે આર્યો, ઇન્ડો-યુરોપિયન, અર્મેનિયા, અઝરબાઇઝાન, જ્યૉર્જિયા અને દક્ષિણ રશિયાના લોકોનો પણ સમાવેશ થઈ જાય તેમ હતો.
એક જીત, એક સંઘર્ષ

ઇમેજ સ્રોત, Getty Images
માઇકલ તેમના પુસ્તકમાં લખે છે કે : જ્યારે ન્યૂયૉર્કની અદાલતના જજો બલસારાના કેસમાં પોતાનો ચુકાદો આપ્યો, ત્યારે સરકારી વકીલ પાસેથી સાર્વજનિક રીતે ખાતરી લીધી હતી કે કોને કાયદેસર રીતે નાગરિકત્વ મળી શકે તો કોને ન મળી શકે તેના 'સત્તાવાર અર્થઘટન' માટે ઉચ્ચ અદાલતમાં પડકારવામાં આવશે.
સર્કિટ કૉર્ટ ઑફ અપીલમાં અદાલતે ઠેરવ્યું હતું કે બારસો વર્ષ અગાઉ પારસીઓએ પર્શિયાથી હિજરત કરીને ભારતમાં સ્થાયી થયા હતા. તેઓ સંપન્ન, મોટાભાગે વેપાર-ધંધા સાથે સંકળાયેલા અને હિંદુઓથી અલગ છે.
અદાલતે અવલોક્યું કે સાથે જ જો 'મુક્ત શ્વેત લોકો'નું જો શબ્દશઃ અર્થઘટન કરવામાં આવે તો રશિયન, પૉલૅન્ડવાસી, ઇટાલિયન, ગ્રિક તથા અન્ય યુરોપિયનોને પણ બાકાત રાખવા ઘટે. એ સમયે કદાચ કૉંગ્રેસે 'મુખ્યત્વે ગુલામ કે મુક્ત આફ્રિકનો તથા (મૂળ અમેરિકન) ઇન્ડિયન'ને બાકાત રાખવા હતા.
'કૉંગ્રેસમૅન શ્વેત, અશ્વેત, રાતા અને ઘઉંવર્ણા લોકો વિશે ચોક્કસથી વાકેફ હતા.' સાથે જ મત વ્યક્ત કર્યો હતો કે 'ચાઇનિઝ, જાપનીઝ, મલય તથા અમેરિકન ઇન્ડિયન શ્વેતવંશીય નથી, છતાં અમારું માનવું છે કે પારસી શ્વેતવંશીય છે, એટલે સર્કિટ કૉર્ટે બલસારાને નાગરિકત્વ આપીને યોગ્ય કર્યું છે.'
અમેરિકામાં બલસારાએ કરેલી પ્રગતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે વર્ષ 1940ની વસતિ ગણતરીના ડેટા પ્રમાણે, તેમના ઘરની કિંમત એ સમયે સાત હજાર ડૉલરની હતી.
ડૉલરિયા દેશના દરવાજે દસ્તક

ઇમેજ સ્રોત, Getty Images
બલસારાના ચુકાદાને લગભગ 115 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. આ ગાળામાં કાયદેસર રીતે અમેરિકાનું નાગરિકત્વ મેળવવાના નિયમોમાં ફેરફાર થતો રહ્યો છે. બલસારાના ચુકાદા પછી મધ્યએશિયન અને ભારતમાં સવર્ણ હોવાથી શ્વેત વંશીય છે જેવી માન્યતા સાથે વિરોધાભાસી કેસો અમેરિકાની અદાલતમાં નોંધાતા રહ્યા.
માઇકલ તેમના પુસ્તકમાં લખે છે કે વર્ષ 1917માં અમેરિકાની કૉંગ્રેસે નવો કાયદો પસાર કર્યો અને 'પ્રતિબંધિત વિસ્તારો'માંથી શ્રમિકોના આગમન ઉપર નિષેધ મૂક્યો અને ભારત આવો જ વિસ્તાર હતો.
વર્ષ 1923માં અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં ભારતીયની નાગરિકત્વની અરજી ઉપર સુનાવણી થઈ હતી, જેમાં સવર્ણ હિંદુ તથા મધ્ય એશિયન હોવાને આધાર બનાવવામાં આવ્યો હતો અને બલસારાના કેસને ટાંકવામાં આવ્યો હતો.
ત્યારે જજ હૅન્ડે અવલોક્યું હતું કે 'મુક્ત શ્વેત લોકો'નું અર્થગટન કરતી વખતે સામાન્ય વ્યક્તિ પણ ઓળખી શકે તથા 'સમાન ભાષા'ને આધાર બનાવ્યો હતો. એક હજાર 200 વર્ષ પહેલાં પર્શિયાથી પારસી આવ્યા અને તેઓ દાવો કરે છે કે તેમણે વંશીય શુદ્ધતા જાળવી રાખી હોય તો પણ 1200 વર્ષથી હિંદુઓની સાથે રહેતા હોવાને કારણે સામાન્ય માણસ પારસીઓને અલગ ન કરી શકે. બધાની ભાષાના મૂળ આર્યન છે, છતાં તેમને 'શ્વેત લોકો' કહી ન શકાય.
બલસારાના કેસના 29 વર્ષ બાદ રૂસ્તમ વાડિયા નામના એક પારસી સજ્જનની અરજી નકારી કાઢવામાં આવી હતી.
લગભગ બે દાયકા સુધી આવી જ સ્થિતિ જળવાય રહી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ સંસ્થાન હોવાને કારણે ભારતીયોએ અનેક મોરચે લડાઈઓ લડી હતી અને બહાદુરીપૂર્વક લડ્યા હતા. ત્યારે વર્ષ 1943માં લ્યૂસ-સૅલર ઍક્ટ પસાર થયો, જેમાં દરવર્ષે 100 ભારતીયોને અમેરિકાનું નાગરિકત્વ આપવાનો ક્વૉટા નક્કી થયો.
એ સમયે લગભગ અઢીથી ત્રણ હજાર ભારતીય મૂળના લોકો અમેરિકામાં રહેતા હતા, તેમને પણ નાગરિકત્વ મળ્યું.
વર્ષ 1952માં 'વંશીયઓળખ' ક્રાઇટેરિયા હઠાવી દેવામાં આવ્યો, જેના કારણે ભારતીયો સહિત એશિયનો માટે અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરવાનો માર્ગ ખુલ્લી ગયો.
વર્ષ 1965માં જન્મના દેશના આધારે ક્વૉટાની વ્યવસ્થા કાઢી નાખવામાં આવી, જેના કારણે અમેરિકાની જનસંખ્યા અને તેના ઘટક હંમેશા માટે બદલી જનાર હતા. અમેરિકામાં રહેતા મૂળભારતીયોના પરિવારજનો માટે ડૉલરિયા દેશના દરવાજા ખોલી નાખ્યા. આ સિવાય ઉચ્ચઅભ્યાસ અને શૈક્ષણિક લાયકાત ધરાવનારાઓ માટે અમેરિકામાં રહેવા માટે અલગ-અલગ વિઝાવ્યવસ્થા ઊભી કરી.
9/11ની ઘટના પછી અમેરિકાએ ટુરિસ્ટ વિઝા, કામ માટે આવતા લોકો માટેના વિઝા તથા નાગરિકત્વને લગતા કાયદા કડક કર્યા. આ સિવાય ત્યાં વસતા ગેરકાયદેસર રહીશો ઉપર કાર્યવાહી શરૂ કરી.
એ પછી પણ ડૉલરિયા દેશમાં પ્રવેશવા માટે 'કબૂતરબાજી', 'ડંકી રુટ' અને 'ગ્રૂપ ચાર્ટર્ડ ફ્લાઇટ' જેવા રસ્તા અપનાવે છે અને ક્યારેક જીવ પણ ગુમાવે છે.












