કમલા હૅરિસની રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડવાની આશા વધી, ભારતમાં નાના-નાનીના ગામમાં કેવો છે માહોલ

કમલા હૅરિસ, અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી, ભારત

ઇમેજ સ્રોત, JANATHANAN/BBC

    • લેેખક, શારદા વી
    • પદ, બીબીસી તમિલ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન નવેમ્બરમાં થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાની ઉમેદવારી પાછી લઈ લીધી છે. તેમણે ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસને સમર્થન આપ્યું છે. એટલે કે તેમની જગ્યાએ હવે ડેમૉક્રેટિક પાર્ટી તરફથી હૅરિસ રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડી શકે છે.

આ સમાચાર બાદ ભારતમાં તેમનાં નાના-નાનીના ગામમાં ઉત્સવ જેવો માહોલ છે.

કમલા હૅરિસનાં નાના-નાની ભારતના દક્ષિણમાં આવેલા શહેર ચેન્નાઈથી 300 અને વૉશિંગ્ટન ડીસીથી 14000 કિમી દૂર એક નાના ગામ થુલાસેન્દ્રાપુરમ ગામનાં હતાં.

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી બાઇડનના ઉમેદવારી પાછી લેવાના એલાન બાદ અમેરિકાના રાજકારણમાં ઝડપી બદલાઈ રહેલા ઘટનાક્રમમાં કમલા હૅરિસનું નામ રાષ્ટ્રપતિપદ માટે ડેમૉક્રેટિક નૉમિનીનાં સંભવિત ઉમેદવાર તરીકે ઝડપથી ચર્ચાઈ રહ્યું છે.

કમલા હૅરિસની પાર્ટી સત્તાવાર રીતે તેમને ઉમેદવાર જાહેર કરે તેવી પૂરી શક્યતા છે. આથી ભારતમાં હૅરિસનાં નાના-નાનીના ગામમાં ચૂંટણીને મામલે ઉત્સાહ વધી ગયો છે.

ઍસોસિએટ પ્રેસના સર્વે અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ સામે ડેમૉક્રેટિક પાર્ટીનાં સત્તાવાર ઉમેદવાર માટે કમલા હૅરિસને ઘણા ડેમૉક્રેટ ડેલિગેટ્સનું સમર્થન મળ્યું છે.

59 વર્ષીય કમલા હૅરિસના ફોટો સાથે એક મોટું બૅનર સોમવારે ગામની વચોવચ લગાડવામાં આવ્યું છે.

કમલા હૅરિસનાં નાના-નાનીના ગામમાં મીઠાઈ વહેંચાઈ રહી છે

કમલા હૅરિસ, અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી, ભારત

ઇમેજ સ્રોત, JANATHANAN/BBC

ઇમેજ કૅપ્શન, કમલા હૅરિસ માટે ગામલોકો મીઠાઈ વહેંચી રહ્યા છે

ગામના મંદિરમાં વિશેષ પૂજાઅર્ચના થઈ રહી છે, મીઠાઈઓ વહેંચાઈ રહી છે.

નિવૃત્ત બૅન્ક મૅનેજર કૃષ્ણામૂર્તિ કહે છે, "દુનિયાના સૌથી શક્તિશાળી દેશમાં આ સ્થાને પહોંચવું એ કોઈ મજાક નથી. કમલા હૅરિસ પર અમને લોકોને ગર્વ છે. અગાઉ ભારતીયો પર વિદેશીઓ રાજ કરતા હતા અને હવે શક્તિશાળી દેશોનું નેતૃત્વ ભારતીયો કરી રહ્યા છે."

કમલા હૅરિસ 2020માં ઉપરાષ્ટ્રપતિ બન્યાં ત્યારે ગામમાં બહુ આતશબાજી કરાઈ હતી, પોસ્ટર અને કૅલેન્ડર લગાવાયાં હતાં.

એક સમૂહ ભોજનનું પણ આયોજન કરાયું હતું, જેમાં સેંકડો લોકોને દક્ષિણ ભારતની પારંપરિક ડિશ ઈડલી-સાંભર ખવડાવી હતી. હૅરિસના એક સંબંધી અનુસાર, સાંભર-ઈડલી હૅરિસનું મનપસંદ ભોજન છે.

જોકે કમલા હૅરિસ ક્યારેય આ ગામમાં આવ્યાં નથી, પણ ગામલોકોનો ઉત્સાહ ઓછો નથી. હૅરિસ ચેન્નાઈ તો આવ્યાં છે, પણ ગામ નથી આવ્યાં. ગામલોકોનું કહેવું છે કે હવે તેમના કોઈ નજીકના સંબંધી અહીં રહેતા નથી.

બીબીસી ગુજરાતી
કમલા હૅરિસ, અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી, ભારત

ઇમેજ સ્રોત, JANATHANAN/BBC

ઇમેજ કૅપ્શન, કમલા હૅરિસનાં નાના-નાનીનું ગામ

ખાસ કરીને મહિલાઓમાં એક ગર્વનો ભાવ છે. હૅરિસને તેઓ પોતાનાં ગણે છે અને એક પ્રતીક તરીકે જુએ છે કે મહિલાઓ માટે હવે કંઈ પણ અશક્ય નથી.

ગામના સ્થાનિક એકમનાં પ્રતિનિધિ અરુલમોઝી સુધાકર કહે છે, "ગામમાં બધા લોકો તેમને ઓળખે છે. એટલે સુધી કે બાળકો પણ. ગામમાં બધા તેમને પોતાની બહેન કહીને બોલાવે છે."

તેઓ કહે છે, "અમે લોકો ખુશ છીએ કે હૅરિસ પોતાનાં મૂળ ભૂલ્યાં નથી."

આ ગામમાં રહેતી એક વ્યકિતનું કહેવું છે કે જો કમલા હૅરિસ અમેરિકાનાં રાષ્ટ્રપતિ બને તો તામિલનાડુ સરકારે અહીં અમેરિકન રોકાણ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

ભારતીય પરંપરા અને કમલા હૅરિસ

કમલા હૅરિસ, અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી, ભારત

ઇમેજ સ્રોત, JANATHANAN/BBC

ઇમેજ કૅપ્શન, નિવૃત્ત બૅન્ક મૅનેજર કૃષ્ણામૂર્તિ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કમલા હૅરિસનાં મૂળ ભારતીય પરંપરા સાથે જોડાયેલાં છે. અંગ્રેજી અખબાર ધ હિન્દુમાં છપાયેલા અહેવાલ અનુસાર, માતાના મૃત્યુ બાદ તેઓ હિન્દુ રીતરિવાજ અનુસાર, તેમનાં અસ્થિ સાગરમાં પ્રવાહિત કરવા માટે પોતાનાં બહેન સાથે ચેન્નાઈ આવ્યાં હતાં.

2021માં અમેરિકાનાં પ્રથમ મહિલા, પ્રથમ અશ્વેત અને દક્ષિણ એશિયન મૂળનાં ઉપરાષ્ટ્રપતિ બનીને કમલા હૅરિસે ઇતિહાસ રચ્યો હતો.

તામિલનાડુનાં બ્રેસ્ટ કૅન્સર રિસર્ચર શ્યામલા ગોપાલનનાં પુત્રી કમલા હૅરિસ 1958 અમેરિકા ગયાં હતાં. તેમના પિતા ડોનાલ્ડ હૅરિસ જમૈકાના હતા.

2023માં કમલા હૅરિસે ટ્વીટ કર્યું હતું કે "19 વર્ષની વયે મારાં માતા શ્યામલા અમેરિકા એકલાં આવ્યાં હતાં. તેઓ એક શક્તિશાળી મહિલા હતાં- એક વૈજ્ઞાનિક, સિવિલ રાઇટ ઍૅક્ટિવિસ્ટ માતા હતાં, જેમણે પોતાની બંને દીકરીઓમાં ગર્વનો ભાવ ભર્યો હતો."

કમલા હૅરિસ એક વિશિષ્ટ પરિવારમાંથી આવે છે. તેમના મામા ગોપાલન બાલચંદ્રન એક વિદ્વાન વ્યક્તિ હતા.

તેમના નાના પીવી ગોપાલન ભારતીય સિવિલ સર્વિસ અધિકારી હતા, જેમની વિશેષતા વિસ્થાપિતોના પુનર્વાસ જેવા વિષયોમાં હતી. 1960માં તેમણે જામ્બિયાના પ્રથમ રાષ્ટ્રપતિના સલાહકારના રૂપમાં સેવા આપી હતી.

વ્હાઇટ હાઉસમાં સેવાઓ આપ્યાં પહેલાં કમલા હૅરિસ કૅલિફોર્નિયામાં ઍટર્ની જનરલ હતાં અને અમેરિકન સૅનેટનાં સભ્ય તરીકે કામ કર્યું હતું.

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સૈદ્ધાંતિક ભૌતિકીના પ્રોફેસર અને શ્યામલા ગોપાલનના ક્લાસમેટ પ્રોફેસર આર. રાજારામે જણાવ્યું કે "તેઓ એક ખાસ વ્યક્તિત્વ છે. ઘણાં વર્ષોથી લાગી રહ્યું છે કે તેઓ કંઈક મહત્ત્વપૂર્ણ કરવાનાં છે."

કમલા હૅરિસનાં માતાના સહકર્મીએ શું કહ્યું?

કમલા હૅરિસ, અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી, ભારત

ઇમેજ સ્રોત, JANATHANAN/BBC

ઇમેજ કૅપ્શન, મંદિરના દાતાઓમાં કમલા હૅરિસનું નામ

પ્રોફેસર રાજારામનો સંપર્ક શ્યામલાથી ઘણા સમયથી ઓછો રહ્યો છે. પરંતુ 1970ના મધ્યમાં જ્યારે તેઓ અમેરિકા ગયા ક્યારે બર્કલેમાં મુલાકાત બાદ ફરી તેઓ શ્યામલાના સંપર્કમાં આવ્યા હતા.

મુલાકાતને યાદ કરતા પ્રોફેસર રાજારામે કહ્યું, "શ્યામલા ત્યાં હતાં. તેમણે મને ચા પીવડાવી. તેમની બંને બાળકી- કમલા અને તેમની બહેન પણ ત્યાં હતી. શ્યામલા અને કમલા બંને ઉદ્યમી હતાં. તેમનાં માતામાં જે હકારાત્મકતા હતી, જે કમલામાં પણ છે."

પ્રોફેસર રાજારામનો સંપર્ક કમલાના પરિવાર સાથે ફરીથી તૂટી ગયો, પરંતુ હૅરિસની સફળતા તેમણે જોઈ છે.

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીની જોરદાર ટક્કર અને પડકારોને લઈને તેમના પારિવારિક સભ્યોનું કહેવું છે કે હાલ એટલી ખબર છે કે બાઇડન ચૂંટણી નથી લડવાના અને કમલા ફ્રન્ટ રનર બનીને ઊભર્યાં છે.

કમલા હૅરિસ, અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી, ભારત

ઇમેજ સ્રોત, JANATHANAN/BBC

ઇમેજ કૅપ્શન, કમલા હૅરિસનાં નાના-નાનીના ગામનું મંદિર

જોકે હૅરિસનાં નાના-નાનીના ગામના લોકો ઉત્સાહિત છે.

કમલનાં નાના-નાનીના ગામલોકોને આશા છે કે બહુ જલદી હૅરિસની ઉમેદવારીનું એલાન થશે.

ગ્રામજનો દેવીદેવતાઓને દૂધ અને હળદર ચડાવી રહ્યાં છે. કમલા હૅરિસના ગામના કનેક્શનને લઈને ગામલોકો મીડિયામાં નિવેદનો અને ઇન્ટરવ્યૂ પણ આપી રહ્યા છે.

ગામના મંદિરમાં દાતાઓની સૂચિમાં હૅરિસ અને તેમના નાના પીવી ગોપાલનનું નામ પણ સામેલ છે.

મંદિરના પૂજારી નટરાજન અનુસાર, કમલાનાં માસી સરલા આ મંદિરમાં નિયમિત રીતે આવતાં હતાં. 2014માં સરલાએ કમલા હૅરિસના નામે પાંચ હજાર રૂપિયાનું દાન કર્યું હતું.

નટરાજનને એ આશા છે કે 2020ની ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિની જેમ આ વખતે પણ તેમની પૂજા કમલા હૅરિસને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત અપાવશે.

ગામલોકોનું કહેવું છે કે અમેરિકાથી હજારો કિમી દૂર હોવા છતાં ગામલોકો કમલા હૅરિસ સાથે જોડાયેલા અનુભવે છે.

ગામલોકોને પણ આશા છે કે કમલા હૅરિસ તેમને મળવા આવશે અથવા તેમના ભાષણમાં તેમના ગામનો ઉલ્લેખ હશે.