રશિયા : ખેડૂતો-મજૂરોએ ભેગા મળીને જ્યારે ક્રાંતિ કરી અને શક્તિશાળી સામ્રાજ્યને ખતમ કરી નાખ્યું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઑસ્ટ્રિયાથી ભારત પરત ફર્યા છે, આ પહેલાં તેઓ બે દિવસ રશિયામાં હતા. જ્યાં રાષ્ટ્રપતિ વ્લાદમીર પુતિને મોદીને ત્યાંનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કર્યો હતો.
આ તરફ, છેલ્લા લગભગ સવાં બે વર્ષથી યુક્રેન સાથેની લડાઈને કારણે ઘણા રશિયનો પુતિનથી નારાજ છે અને ત્યાં ઉકળતા ચરૂ જેવી પરિસ્થિતિ પ્રવર્તે છે. ઘણા નાગરિકોએ રસ્તા ઉપર ઊતરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.
લગભગ 120 વર્ષ પહેલાં પણ રશિયનો રસ્તા ઉપર ઊતર્યા હતા અને ઝારશાહી વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું. એ પછી ટૂંકાગાળા માટે દેશ આંતરિક વિગ્રહમાં સપડાઈ ગયો. ત્યારે વિશ્વમાં અગાઉ ક્યારેય ન જોવાઈ હોય તેવી શાસનવ્યવસ્થા યુએસએસઆર સ્વરૂપે અસ્તિત્વમાં આવી.
અહીંથી આ વિચારસરણી વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાઈ. યુએસએસઆરના વિઘટન પછી આ વિચારસરણીનાં વળતાં પાણી થયાં, છતાં વિશ્વના કેટલાક દેશોમાં તેના અલગ-અલગ સ્વરૂપ જોવા મળે છે.
ઝારનું શાસન, જનતા નાદાર

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1547માં મૉસ્કોના ગ્રાન્ડ પ્રિન્સ ઇવાન ચતુર્થે ખુદને 'ઝાર' ઘોષિત કર્યા અને રશિયામાં ઝારશાહીની શરૂઆત થઈ. તે રૉમન ભાષાના શબ્દ 'સિઝર' ઉપરથી ઊતરી આવ્યો છે.
ઝાર પીટરે તેમના કાર્યકાળ દરમિયાન (1689-1725) દૂરગામી અસર ઊભી થાય એવા અનેક સકારાત્મક નિર્ણયો લીધા. વર્ષ 1812માં નૅપોલિયને રશિયા ઉપર આક્રમણ કર્યું, જેને નાકામ કરવામાં આવ્યું તથા આ યુદ્ધ પછી ફ્રૅન્ચ ક્રાંતિકારીના પતનની શરૂઆત થઈ.
ઓટ્ટોમન સામ્રાજ્યનું પતન થઈ રહ્યું હતું, એવા સમયે રશિયાએ તેનો વિસ્તાર હાંસલ કરવા માટે ક્રાઇમિયાનું યુદ્ધ (1853-'57) કર્યું, પરંતુ તેમાં પરાજય મળ્યો. આ પહેલાં રશિયામાં મોટાં કારખાનાં નખાવાનાં શરૂ થઈ ગયાં હતાં અને સમાજમાં ઉદ્યોગપતિ અને મજૂર એવા નવા વર્ગ અસ્તિત્વમાં આવ્યા હતા.
શ્રમિકોએ શહેરોમાં ગરીબી અને રોગચાળાની વચ્ચે જીવન પસાર કરવું પડતું. બીજી બાજુ, ગામડાંમાં ખેડૂતોઓએ મોટા જમીનદારોની જોહુકમી સહન કરવી પડતી, આમ છતાં તેમને પેટ ભરીને ભોજન નહોતું મળતું. બંને વર્ગ તનતોડ મહેનત કરવા છતાં દુર્દશાનો ભોગ બનેલા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શહેરીકરણ તથા ઔદ્યોગિકરણને કારણે અનેક આર્થિક-સામાજિક સમસ્યાઓ ઊભી થઈ રહી હતી અને રશિયન સમાજમાં આર્થિક અસમાનતા વધી રહી હતી, લોકોનો અવાજ કચડવામાં આવતો અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તમાન હતી.
બીજી બાજુ, રાજા પોતાને શાસનના દૈવી અધિકારી માનતા. તેઓ ઉદ્યોગપતિઓ, જમીનદારો તથા સમાજના ઉપલાવર્ગ સાથે મળીને વૈભવી તથા વિલાસી જીવન ગાળતા.
વર્ષ 1894માં નિકોલસ દ્વિતીય રશિયાના ઝાર બન્યા અને તેમણે પોતાના પિતા પાસેથી ગાદી સંભાળી. એ વર્ષે તેમણે જર્મનીનાં કુંવરી ઍલેક્ઝાન્ડ્રા સાથે લગ્ન કર્યું. તેમનાં લગભગ 24 વર્ષના શાસનકાળ દરમિયાન પ્રજા ત્રાહિમામ પોકારી જવાની હતી અને સાડા ત્રણસો વર્ષ કરતાં વધુ સમયથી પ્રવર્તમાન રોમેનૉફ વંશના શાસનનું પતન થવાનું હતું.
વર્ષ 1904-'05માં ઝાર નિકોલસ દ્વિતીયે મંચુરિયા અને કોરિયા પર પોતાનું પ્રભુત્વ જમાવવા માટે સેના મોકલી, નાનકડા એવા જાપાને વિશ્વના લગભગ છઠ્ઠાભાગના ભૂભાગ ઉપર શાસન કરતા ઝારને પરાજય આપ્યો હતો.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આના કારણે ઝારશાહીની નબળાઈઓ જનતા સમક્ષ ખુલ્લી પડી ગઈ. જીવનધોરણ ઊંચું આવશે, કામની સ્થિતિમાં સુધાર થાય તથા વધુ અધિકારોની માગ સાથે સેંકડો રશિયનોએ ખ્રિસ્તી પાદરી ફાધર ગૅપોનના નેતૃત્વમાં સૅન્ટ પિટ્સબર્ગ ખાતે આવેલા (તત્કાલીન પેટ્રોગ્રાડ) ઝારના શિયાળુ રાજમહેલ તરફ કૂચ કરી.
પ્રદર્શનકારીઓ ઝારને લગભગ એક લાખ લોકોની સહીવાળું આવેદનપત્ર આપવા માગતા હતા. દેખાવકારોને લાગતું હતું કે મંત્રીઓ તથા અધિકારીઓને કારણે તેમની સ્થિતિ વિશેની માહિતી ઝાર સુધી પહોંચતી નહીં હોય. દેખાવ શાંતિપૂર્ણ હોવા છતાં મહેલના સુરક્ષાકર્મીઓએ તેમની ઉપર ગોળીબાર કર્યો અને દમન ગુજાર્યો.
આ ઘટના 22 જાન્યુઆરી, 1905ના દિવસે ઘટી હતી, એ દિવસે રવિવાર હોવાથી તેને રશિયન ઇતિહાસમાં 'લોહિયાળ રવિવાર' તરીકે પણ ઓળખવામાં આવે છે. રશિયામાં ક્રાંતિ ફેલાવાના પાયામાં આ ઘટના પણ હતી.
આ અરસામાં જ ચાર દીકરીઓ પછી ઝારને ત્યાં પુત્રનો જન્મ થયો, જોકે તે હિમૉફિલિયા નામની બીમારીથી પીડિત હતો. આ રોગને કારણે દર્દીનું લોહી ગંઠાતું નથી. આવામાં રાસ્પુતિન નામનો શખ્સ ઝાર તથા ઝરીનાની નજીક પહોંચવામાં સફળ રહ્યો.
તે અલૌકિક શક્તિઓ ધરાવતો હોવાનો દાવો કરતો. રાસ્પુતિને રાજકુંવરને સાજા કરી દેવાનો દાવો કર્યો હતો, જેના કારણે ઝાર તથા તેમનાં પત્ની તેના પ્રભાવ હેઠળ આવી ગયાં હતાં.
નવો વિચાર, નવી રાજ્યવ્યવસ્થા

ઇમેજ સ્રોત, Getty Images
ઝાર નિકોલસ દ્વિતીય તથા તેના પિતા ઍલેક્ઝાન્ડર તૃતીયના સમય ગાળા દરમિયાન તૉલ્સતોય, દૉસ્તોયેવ્સ્કી તથા ચેખૉવ જેવા લેખકોએ તેમની સાહિત્યકૃતિઓમાં નૂતન ખ્યાલો તથા નવીન વિચારોને વાચા આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ જે લેખકે રશિયાના યુવાનોને સૌથી વધુ પ્રભાવિત કર્યા અને વિચારસરણી અહીંથી વિશ્વભરમાં છવાઈ ગઈ, તેની શરૂઆત વર્ષ 1848માં થઈ હતી.
ફ્રેડરિક એંગલ્સ તથા જર્મન ચિંતક કાર્લ માર્ક્સે તેમની પત્રિકા 'કૉમ્યુનિસ્ટ મૅનિફેસ્ટો'માં સામ્યવાદનું આધુનિક સ્વરૂપ સમજાવ્યું હતું. આગળ જતાં તેને કેવી રીતે અમલમાં મૂકી શકાય તે માટે કાર્લ માર્ક્સે 'દાસ કૅપિટલ' નામનું પુસ્તક લખ્યું હતું.
સામ્યવાદના સમર્થકો માને છે કે અન્ય અર્થવ્યવસ્થામાંઓમાં રહેલી ખામીઓને કારણે આવકની અસમાનતા ઊભી થાય છે. જ્યારે સામ્યવાદમાં જમીન, કારખાના, સામગ્રી તથા સાધનોની સામુદાયિક માલિકી હોય છે. જેથી કરીને સમાજમાં અલગ-અલગ વર્ગ ઊભા નથી થતા. દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે પ્રદાન આપે છે અને તેમની જરૂરિયાતો પૂર્ણ થાય છે.
આ પુસ્તકે નાગરિકોમાં ઝારવિરોધી જુવાળ ઊભો કર્યો. આ સિવાય ઉદારમતવાદી, કટ્ટરવાદી, સામાજિક ક્રાંતિકારી તથા સામાજિક લોકશાહીવાદી જેવી અલગ-અલગ વિચારસરણી પણ સમાજમાં પ્રવર્તમાન હતી.
અંધાધૂંધી, અશાંતિ અને ક્રાંતિ

એ 'લોહિયાળ રવિવાર' પછી દેશભરમાં હડતાલો થઈ. ઝારના પરિવારજનોની ક્રૅમલિન પાસે જ હત્યા થઈ. 'પૉટેમ્કિન' નામના યુદ્ધજહાજ ઉપર નૌકાસૈનિકોએ બળવાનું બ્યૂગલ ફૂંકી દીધું. યહૂદીઓ સામે સત્તાસમર્થિત અત્યાચાર શરૂ થયા, તો મધ્યમકદના ઉદ્યોગપતિઓ સત્તાથી નારાજ હતા.
આ પછી પ્રજાનો વિશ્વાસ ફરીથી જીતવા માટે નિકોલસ દ્વિતીયે 'ડ્યૂમા' નામની નવી વ્યવસ્થા ઊભી કરી. લોકોને સત્તા મળે અને સમાનતા વધે એવો તેનો હેતુ હતો. ડ્યૂમા પાસે બહુ થોડી સત્તા હતી છતાં પોતાનું ધાર્યું ન થતાં ઝારે તેને ભંગ કરી નાખી. પછીનાં વર્ષો દરમિયાન આવું વારંવાર થયું
આ પછીનો એક દાયકો રશિયન સમાજમાં રાજકીય અસ્થિરતાનો રહ્યો. દેશમાં ભારે મોંઘવારી અને અંધાધૂંધી પ્રવર્તમાન હતા. ક્રાંતિના મંડાણ થાય તે માટેના તમામ સંજોગો રશિયન સમાજમાં આકાર લઈ રહ્યા હતા.
વર્ષ 1903માં માર્કસવાદી વિચારધારામાં વિશ્વાસ ધરાવતા લોકો વચ્ચે વૈચારિક મતભેદ થયા. લેનિનના નેતૃત્વમાં વિશ્વાસ ધરાવનારાઓને લાગતું હતું કે ક્રાંતિના મંડાણ જેટલા જલદી શરૂ થઈ શકે, એટલું સારું; જ્યારે લેનિનવિરોધી માનતા હતા કે સમય પાક્યે ક્રાંતિ થશે. લેનિનસમર્થક બૉલ્શેવિક (બહુમતી) તથા તેમના વિરોધી મેન્શેવિક (લઘુમતી) તરીકે પ્રચલિત થયા.
વર્ષ 1914માં જર્મનીએ રશિયા ઉપર યુદ્ધ જાહેર કર્યું. જેણે જોતજોતાંમાં પહેલા વિશ્વયુદ્ધનું સ્વરૂપ ધારણ કરી લીધું અને ધાર્યા કરતાં વધુ સમય અને દેશો સુધી લંબાઈ ગયું. શરૂઆતના સમયમાં યુદ્ધની કમાન રાસ્પુતિન પાસે હતી, પરંતુ અનુભવના અભાવે અનેક રશિયન સૈનિક માર્યા ગયા હતા તથા અનેક મહત્ત્વપૂર્ણ લડાઈઓમાં રશિયાનો પરાજય થયો.
સૈનિકોને રૅશન, યુનિફૉર્મ તથા હથિયારોની તંગી ઊભી થઈ હતી. શહેરોમાં અનાજની તંગી હતી, ખાદ્યપદાર્થોના ભાવ આકાશને આંબી રહ્યા હતા; ઠંડી અને ભૂખમરાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા.
આ સંજોગોમાં ઝાર નિકોલસ દ્વિતીયે યુદ્ધમોરચે જઈને સેનાની કમાન જાતે સંભાળવાનો નિર્ણય લીધો. પોતાની ગેરહાજરીમાં ઝારે રાજકાજની જવાબદારી ઝરીના ઍલેક્ઝાન્ડ્રાને સોંપી. આને કારણે લોકોમાં નારાજગી ફેલાઈ ગઈ, કારણ કે ઝરીના મૂળતઃ જર્મનીનાં હતાં.
એવી વ્યાપક ચર્ચા હતી કે ઝરીના ઉપર શરાબી અને વ્યભિચારી રાસ્પુતિનનો પ્રભાવ હતો. રશિયાના અમીર તથા ગરીબ વર્ગમાં આ પાત્ર સમાનપણે ધિક્કારપાત્ર હતું.
એક અંત, અનેક આરંભ

ઇમેજ સ્રોત, Getty Images
ફેબ્રુઆરી-1917માં વિશ્વયુદ્ધ ચાલુ હતું અને સૅન્ટ પિટ્સબર્ગમાં હુલ્લડ ફાટી નીકળ્યાં અને ઝારની સેના પણ તેમાં ભળી ગઈ. ઝાર પાસે પદત્યાગ કરવા સિવાય કોઈ વિકલ્પ ન રહ્યો. આ સાથે રોમેનૉફ રાજવંશના શાસનનો અંત આવ્યો.
કામચલાઉ સરકાર અસ્તિત્વમાં આવી. સેનાના કબજામાં રહેલા ઝાર તથા તેમનાં પરિવારજનોની હત્યા કરી દેવામાં આવી. આ સમગ્ર ઘટનાક્રમ વસંતઋતુ દરમિયાન ઘટ્યો હોવાથી તે 'વસંતક્રાંતિ' તરીકે પ્રચલિત થઈ. રશિયામાં નવી શરૂઆત થઈ ગઈ હતી, છતાં હજુ અનેક સમસ્યા પ્રવર્તમાન હતી.
નવી સરકાર શહેરોમાંથી ગરીબી દૂર નહોતી કરી શકી. હજુ ભૂખમરો પ્રવર્તમાન હતો. નવી સરકાર સ્થિતિને વધુ સારી બનાવવા પ્રયાસરત્ હતી. સરકારના ઘટકોની વચ્ચે પણ શાસન કેવી રીતે ચલાવું તેના વિશે મતભેદ હતા.
જર્મની સાથેનું યુદ્ધ ચાલુ હતું અને જનતાને કોઈ રાહત મળી ન હતી. જેના કારણે ઑક્ટોબર મહિનામાં બીજી ક્રાંતિ થઈ. તેના કારણે વિશ્વમાં અગાઉ ક્યારેય લાગુ ન હોય તેવી સામ્યવાદી રાજવ્યવસ્થા અમલમાં આવી.
લેનીને રશિયનોની નસ પારખી લીધી હતી. તેમને ખબર હતી કે નાગરિકો કાર્યકારી સરકારથી નારાજ છે. તેમણે જનતાને 'શાંતિ, રોટી તથા ભૂમિ'નું વચન આપ્યું. વર્ષ 1918- '22 દરમિયાન બૉલ્શેવિકોની લાલસેના તથા સામ્યવાદવિરોધી શ્વેતરશિયનો વચ્ચે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ રહી તથા અંતે લેનિન વિજયી થયા.
ઝારના શાસન હેઠળના વિસ્તારોમાં સોવિયેટ સંઘ સ્વરૂપે નવી રાજવ્યવસ્થા અમલમાં આવી, જેણે પંચવર્ષીય યોજના દ્વારા વિકાસનું મૉડલ સ્વીકાર્યું.
વર્ષ 1924માં લેનિનના અવસાન પછી સ્ટાલીન તથા ત્રૉત્સ્કી વચ્ચે સત્તા માટે સંઘર્ષ થયો. ત્રૉત્સકીએ દેશ છોડી દેવો પડ્યો. સ્ટાલીનના આદેશથી વર્ષ 1940માં તેમની હત્યા થઈ. આ દરમિયાન રશિયાના સમાજમાં સામ્યવાદે ઊંડા મૂળ નાખી દીધા હતા.
બીજા વિશ્વયુદ્ધના અંત પછી મધ્ય તથા પૂર્વ યુરોપ અને બાલ્કન્સમાં સામ્યવાદનો વ્યાપ વધ્યો. ચીન, કમ્બોડિયા, ઉત્તર કોરિયા તથા ક્યૂબાએ પણ સામ્યવાદના અલગ-અલગ સ્વરૂપનો સ્વીકાર કર્યો. આમ વિશ્વયુદ્ધની સમાપ્તિ સાથે શીતયુદ્ધની શરૂઆત થઈ. 1962માં ક્યૂબા મિસાઇલ સંકટ સમયે વિશ્વ અણુયુદ્ધની અણી ઉપર આવી ગયું હતું, પરંતુ રાજકીય પરિપક્વતાને કારણે તે ટળી જવા પામ્યું હતું.
1970 તથા 80ના દાયકા દરમિયાન રશિયાનો વિકાસદર સ્થગિત થઈ ગયો. સત્તાવાર રીતે તેને 'વિકસિત સમાજવાદ'ની ઓળખ મળી. 1979માં રશિયાની સેનાએ અફઘાનિસ્તાનમાં પગપેસારો કર્યો અને 10 વર્ષ દરમિયાન ખુંવારી વેઠી.
1989-'90 આસપાસ દરમિયાન મધ્ય તથા પૂર્વ યુરોપના દેશોમાંથી સામ્યવાદનાં મૂળ ઊખડવાં લાગ્યાં. વર્ષ 1991માં સામ્યવાદના કેન્દ્ર સોવિયેટ સંઘનું પણ વિઘટન થયું અને વિશ્વના નકશા ઉપર અનેક નવા દેશ અસ્તિત્વમાં આવ્યા.
આજે ચીન તથા ક્યૂબામાં એકમાત્ર સામ્યવાદી પક્ષ છે અને તે સત્તા ઉપર છે. ચીન મૂડીવાદ તરફ ઝોક ધરાવે છે.
જ્યારે ઉત્તર કોરિયામાં ત્રણ પેઢીથી એક જ પરિવાર સત્તા ઉપર છે, જે સામ્યવાદના નામે સત્તા ઉપર આવ્યો હતો.
આજે પણ સામ્યવાદના વિચાર વિશે લોકોના મત વિભાજીત છે. કેટલાક લોકોને લાગે છે કે સામ્યવાદની મદદથી વધુ ન્યાયી સમાજની રચના થઈ શકે છે, પરંતુ સામ્યવાદી શાસકો દ્વારા લાખો લોકોની હત્યાઓ કરવામાં આવી છે કે તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
અનેક દેશોએ સામ્યવાદનો સ્વીકાર કર્યો, પરંતુ એ સમયે જે વાયદા કરવામાં આવ્યા હોય, તેને પાળવામાં તેઓ નિષ્ફળ રહ્યા હોવાનું પણ અનેક વખત જોવામાં આવ્યું છે.












