અબ્રાહમ લિંકનથી કૅનેડી સુધી, અમેરિકાના ચાર રાષ્ટ્રપતિઓ જેમની હત્યા કરી દેવાઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
અમેરિકામાં રિપબ્લિકન પક્ષ તરફથી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ વિશ્વભરની નજર અમેરિકા પર મંડાયેલી છે.
પેન્સિલવેનિયામાં જ્યારે ટ્રમ્પ ચૂંટણીપ્રચાર અંતર્ગત રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે ગોળીબાર થયો અને ગોળી ટ્રમ્પના કાનની નજીકથી નીકળી ગઈ.
ટ્રમ્પના પણ જમણા કાન પાસેથી લોહી નીકળવા લાગ્યું હતું અને તેમને મામૂલી ઈજા થઈ હતી.
ટ્રમ્પ પર થયેલા આ હુમલાને કારણે ફરીથી અમેરિકાના પાંચ દાયકા જૂના ખરાબ સમયગાળાની યાદ તાજી થઈ છે. તે સમયે અમેરિકી રાષ્ટ્રપતિ કૅનેડીની હત્યા કરી દેવામાં આવી હતી.
અમેરિકામાં આજના સમયની જેમ જ 1960ના દાયકામાં પણ રાજકીય ધ્રુવીકરણ અને ભારે અવ્યવસ્થાની પરિસ્થિતિ હતી. આ એવો સમયગાળો હતો કે જ્યારે બંદૂક અને તેનો ઉપયોગ કરનાર એક વ્યક્તિ ઇતિહાસને બદલી શકતી હતી.
અત્યાર સુધીમાં અમેરિકામાં જે-તે સમયે પદ પર આસન્ન હોય તેવા ચાર રાષ્ટ્રપતિની હત્યા થઈ ચૂકી છે. એ સિવાય અનેક ઉમેદવારો અને નેતાઓ પર હુમલાઓ અને તેમની હત્યાના પ્રયાસો થતા રહ્યા છે.
જ્યારે નાટક જોઈ રહેલા અબ્રાહમ લિંકનની હત્યા કરી દેવાઈ

ઇમેજ સ્રોત, Getty Images
14 એપ્રિલ, 1865ની સાંજે અબ્રાહમ લિંકન તેમનાં પત્ની સાથે ફૉર્ડઝ થિયેટરમાં નાટક જોવા ગયા હતા.
એ રાત્રે તેઓ જ્યારે ‘અવર અમેરિકન કઝિન’ નામનું નાટક નિહાળી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ ડેરિન્જર પિસ્તોલ સાથે પ્રેસિડેન્શિયલ બૉક્સમાં પ્રવેશી અને લિંકનને ગોળી મારી. અબ્રાહમ લિંકન ઢળી પડ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હત્યારા જ્હૉન વિલ્કીસ બૂથે પિસ્તોલ ફેંકી દીધી અને ચાકુ લહેરાવ્યું. રથબોન નામનો માણસ તેના પર કૂદ્યો અને તેને હાથમાં ચાકૂ વાગવા છતાં હત્યારા બૂથને રેલિંગ પર હડસેલ્યો. જોકે, બૂથે બાલ્કનીમાંથી કૂદકો માર્યો અને તેના પગનું હાડકું તૂટી ગયું. ઈજાગ્રસ્ત હોવા છતાં, તે પાછળના દરવાજેથી બહાર ભાગી ગયો અને રાત્રે જ ગાયબ થઈ ગયો.

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકી લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસની વેબસાઇટ પર આ ઘટનાનું વિસ્તૃત વર્ણન છે.
તેમાં લખવામાં આવ્યું છે કે, પ્રેક્ષક દીર્ઘામાં રહેલા ડૉ. ચાર્લ્સ લેલે તરત જ પ્રેસિડેન્શિયલ બૉક્સમાં પહોંચ્યા. તેમણે જોયું કે ગોળી લિંકનના ડાબા કાનમાંથી પ્રવેશીને તેમની જમણી આંખની પાછળ ફસાઈ ગઈ હતી. તેઓ લકવાગ્રસ્ત થઈ ગયા હતા અને માંડમાંડ શ્વાસ લઈ શકતા હતા.
ત્યારબાદ ડૉક્ટરોએ તેમને બચાવવાના તમામ શક્ય પ્રયત્નો કર્યાં પરંતુ નવ કલાક બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
રાષ્ટ્રપતિપદ માટેના ચૂંટણીપ્રચારમાં લિંકને ગુલામીપ્રથાનો ભરપૂર વિરોધ કર્યો હતો. તેમની જીતને કારણે અમેરિકાના દક્ષિણી પ્રાંતોને આ પ્રથા નાબૂદ થઈ જવાનો ભય હતો. આથી આ સાંક રાજ્યોએ અમેરિકી સંઘ છોડી કન્ફેડરેટ સ્ટેટ્સ ઑફ અમેરિકા બનાવવાનું નક્કી કર્યું. લિંકને રાજ્યોને જોડી રાખવા યુદ્ધ કરવું પડે તોપણ તૈયારી બતાવી.
યુદ્ધ થયું, સંઘર્ષો થયાં, કન્ફેડરેટ્સ રાજ્યોના વિસ્તારમાં ગુલામો મુક્ત કર્યા, લિંકનને વધુ સત્તા મળી, 1864માં તેઓ ફરીથી ચૂંટણી પણ જીત્યા. 9 એપ્રિલ, 1865ના રોજ કન્ફેડરેટના જનરલ રૉબર્ટ લીએ સરેન્ડર કર્યું અને યુદ્ધનો અંત થયો.
પરંતુ પાંચ દિવસ બાદ જ 14મી એપ્રિલના રોજ તેમના પર હુમલો થયો અને તેમની હત્યા કરવામાં આવી. તેમની હત્યા કરનાર બૂથ એ કન્ફેડરસીનો કટ્ટર સમર્થક હતો.
લિંકનની હત્યાને બે દાયકા થાય એ પહેલાં જ ગારફીલ્ડની હત્યા

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના વીસમા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાનાર જેમ્સ ગારફીલ્ડ રાષ્ટ્રપતિપદે માત્ર 200 દિવસ સુધી જ રહી શક્યા હતા.
બે જુલાઈ, 1881ના રોજ જેમ્સ ગારફીલ્ડની વૉશિંગ્ટનના બાલ્ટીમોર અને પોટોમેક ટ્રેન સ્ટેશન પર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેમની હત્યા .44 બ્રિટિશ બુલડોગ રિવોલ્વરથી કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ ગારફીલ્ડ એ દિવસે વિલિયમ્સ કૉલેજ જવા નીકળી રહ્યા હતા. તેમને પેનક્રિઆસમાં ગોળી મારવામાં આવી હતી જેને ડૉક્ટરો કાઢી શક્યા ન હતા.
તેમનું તરત જ મૃત્યુ થયું ન હતું પરંતુ બ્લડ પોઇઝનિંગ અને ગોળી વાગ્યા બાદ થયેલા કૉમ્પ્લિકેશનને કારણે 19 સપ્ટેમ્બરના રોજ તેમનું મૃત્યુ થયું હતું.
તેમની હત્યા 39 વર્ષીય ચાર્લ્સ જે. ગુઇટેઇયુએ કરી હતી. રાષ્ટ્રપતિએ તેમની યુરોપિયન કાઉન્સિલશિપમાં નિમણૂક ન કરતાં તેમણે તેમની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. હત્યા પહેલાં તેમણે અઠવાડિયાં સુધી ગારફીલ્ડ અને તેમના કાફલાનું નિરીક્ષણ કર્યું હતું.
ફરી બે દાયકા વીત્યાં અને રાષ્ટ્રપતિની હત્યા થઈ

ઇમેજ સ્રોત, Getty Images
1901ના સપ્ટેમ્બર મહિનામાં ન્યૂયૉર્કના બફેલોમાં એક વિશાળ પ્રદર્શનનું આયોજન થયું હતું. આ પ્રદર્શનની મુલાકાત રાષ્ટ્રપતિ વિલિયમ મેકિનલે પણ લેવાના હતા.
58 વર્ષીય મેકિનલે ત્યારે હજુ બીજી વખત ચૂંટાઈને આવ્યા હતા અને અમેરિકાન-સ્પેનિશ વૉરમાં અમેરિકાનો વિજય પણ થયો હતો.
આ પ્રદર્શનમાં રેકૉર્ડબ્રેક 1.16 લાખ લોકો મેકિનલેને સાંભળવા માટે ઊમટી પડ્યાં હતાં.
હિસ્ટરી વેબસાઇટ નોંધે છે તેમ બીજે પ્રદર્શનના બીજે દિવસે છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ લોકોને મળવાનો પણ તેમનો કાર્યક્રમ હતો. તેઓ એવા નેતા હતા કે જે પ્રશંસકોને રૂબરૂમાં મળવાની તક ભાગ્યે જ છોડતા હતા. પરંતુ તેમના સુરક્ષા અધિકારીઓ અને સહાયકોને જાણે કે એ વાતની ગંધ આવી ગઈ હતી કે રાષ્ટ્રપતિની હત્યાનો પ્રયાસ થઈ શકે છે.
આ આશંકાને કારણે તેમના અંગત સચિવ જ્યૉર્જ બી. કોર્ટેલ્યુએ બે વખત તેમનો પ્રોગ્રામ કૅન્સલ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પરંતુ મેકિનલેએ જ આ પ્રોગ્રામ નિયત સમયે થાય એવો આગ્રહ રાખ્યો હતો.
રાષ્ટ્રપતિ સાથે હાથ મિલાવવા માટે લાંબી લાઇનો લાગી હતી. આ જ લાઇનમાં 28 વર્ષીય લિઓન ઝોલ્ગોઝ નામનો એક સ્ટીલ કામદાર પણ ઉભો હતો.
તેણે તેના સફેદ હાથરૂમાલમાં .32 કૅલિબર આઇવર જ્હૉન્સન રિવોલ્વર સંતાડેલી હતી.
જ્યારે રાષ્ટ્રપતિ મેકિનલેએ હસીને તેની સાથે હાથ મેળવવા માટે આગળ ધર્યો ત્યારે જ ઝોગોલ્ઝે રિવોલ્વર કાઢીને રાષ્ટ્રપતિને બે ગોળી મારી.
એક ગોળી પેટમાં અંદર જઈને પાછળના ભાગે ફસાઈ ગઈ હતી જેને ડૉક્ટરો બહાર કાઢી શક્યા નહીં. અંતે તેમને ગેંગ્રીન થયું અને 14મી સપ્ટેમ્બરે બ્લડ પોઇઝનિંગથી તેમનું અવસાન થયું.
તેમની હત્યા કરનારો ઝોગોલ્ઝ એ અરાજકતાવાદી હોવાનું સામે આવ્યું હતું.
ખુલ્લી કારમાં કૅનેડીની હત્યા

ઇમેજ સ્રોત, Getty Images
આજથી લગભગ 60 વર્ષ પહેલાં અમેરિકાના 35મા રાષ્ટ્રપતિ કૅનેડીની પણ હત્યા કરી દેવામાં આવી હતી. તેઓ અમેરિકાના સૌથી યુવા, સુધારાવાદી, કરિશ્માઈ અને લોકપ્રિય રાષ્ટ્રપતિ મનાતા હતા.
કૅનેડી પર હુમલો હજારો લોકોની હાજરીમાં થયો હતો, હજારો લોકોએ આ હત્યાને નજરે જોઈ હતી, એટલા માટે જ કદાચ હજારો વાતો વહેતી થઈ હતી.
22 નવેમ્બર, 1963ના રોજ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જૉન તથા જૅક્લીન 'જેકી' કૅનેડી પર જીવલેણ હુમલો થયો હતો. સિક્રેટ સર્વિસના ઍજન્ટ ક્લિન્ટ હિલ કારની પાછળ જ હતા. હિલે એ દિવસને યાદ કરી વિગતો આપતા કહ્યું હતું :
રાષ્ટ્રપતિ કૅનેડી ખુલ્લી કારમાં ફરવાનું પસંદ કરતા. તેઓ લોકોને એ વાતનો અહેસાસ કરાવવા માગતા હતા કે તેઓ જનતાને માટે સતત ઉપલબ્ધ છે. તેમની અને જનતાની વચ્ચે કોઈ નથી.

ઇમેજ સ્રોત, Getty Images
એ દિવસે રાષ્ટ્રપતિ તથા તેમનાં પત્ની જૅક્લિન ખુલ્લી લિમૉઝીન ગાડીમાં પસાર થઈ રહ્યાં હતાં. એ દિવસે ટૅક્સાસના ડલાસ શહેરમાં રસ્તાઓ પર ભારે ભીડ હતી, ભીડ ખૂબ જ ખુશ હોય તેમ લાગતું હતું.
છતાં ક્લિન્ટ હિલ જાણતા હતા કે ડલાસમાં કેટલાક લોકો રાષ્ટ્રપતિના કામથી ખાસ ખુશ ન હતા. કૅનેડીની અમુક નીતિઓ સામે વિરોધ હતો, પરંતુ એના કારણે તેમની પર જીવલેણ હુમલો થઈ શકે તેવી કોઈ ગુપ્ત માહિતી સિક્રેટ સર્વિસને નહોતી મળી.
એવામાં ક્લિન્ટને જમણા ખભા પાસેથી કશું પસાર થવાનો અવાજ આવ્યો. તેઓ તત્કાળ કાર તરફ દોડ્યા, પરંતુ એટલી વારમાં રાષ્ટ્રપતિને ગોળી લાગી ગઈ હતી. એ પછી સિક્રેટ ઍજન્ટ્સે ફર્સ્ટ લૅડીને કારની અંદર જ છુપાવી દીધાં અને સુરક્ષાઘેરો બનાવ્યો.
તેમની હત્યા વિશે અનેક થિયરીઓ વહેતી થઈ હતી. તેમની હત્યાના આરોપી ઑસ્વાલ્ડની પણ બે જ દિવસમાં હત્યા થઈ હતી. આરોપીની હત્યા કરનાર રૂબીનું પણ કૅન્સરથી નિધન થઈ ગયું હતું.
કૅનેડીને ગોળી આગળથી વાગી કે પાછળથી તેના અંગે પણ અનેક મતમતાંતરો હતા.
કૅનેડી તથા તેમના હત્યાકાંડ વિશે 40 હજાર કરતાં વધુ પુસ્તક લખાયાં છે, જે કદાચ પુસ્તકાલય નહીં તો તેના અનેક કબાટને ભરી દેવા માટે પૂરતાં છે.
આગળ પણ જેમ-જેમ સૅનેટ દ્વારા વર્ષ 1992માં આર્કાઇવ કરી દેવાયેલા લાખો દસ્તાવેજ સાર્વજનિક થતાં જશે, તેમ નવી વિગતો અને કદાચ પુસ્તકો બહાર આવતી રહેશે.
વર્ષ 2017ના એક સર્વેમાં લગભગ 61 ટકા અમેરિકનોએ મત વ્યક્ત કર્યો હતો કે કૅનેડીની હત્યામાં એક કરતાં વધુ લોકો સંડોવાયેલા હતા અને આગામી વર્ષોમાં સર્વે થશે તો પણ કદાચ જ અલગ તારણ હશે.
બીજા અનેક નેતાઓની હત્યાના પ્રયાસો

ઇમેજ સ્રોત, Getty Images
આ સિવાય પણ અમેરિકાના ત્રણ અન્ય રાષ્ટ્રપતિઓ જ્યારે સત્તા પર હતા અથવા તો એ પછી તેમની હત્યાના પ્રયાસો થઈ ચૂક્યા છે.
ન્યૂઝ એજન્સી રૉઇટર્સના અહેવાલ પ્રમાણે 1912માં થિઓડોર રૂઝવેલ્ટને પ્રચાર દરમિયાન છાતીમાં ગોળી મારવામાં આવી હતી. જોકે, તેમનો જીવ બચી ગયો હતો.
1975 દરમિયાન ત્રણ અઠવાડિયાંના સમયગાળામાં ગેરાલ્ડ ફૉર્ડની હત્યાના બે વખત પ્રયાસ થયા હતા.
1981માં આ જ રીતે રોનાલ્ડ રીગન પર વોશિંગટનની હિલ્ટન હોટલ બહાર હુમલો કરવામાં આવ્યો હતો.
હવે, આ યાદીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ નામ ઉમેરાયું છે.












