‘જાદુટોણા’ કરવાનો વૃદ્ધો પર પહેલાં આરોપ મૂકાય, અને પછી જમીન હડપી લેવા હત્યા કરી દેવામાં આવે

- લેેખક, જેરી વાંગી અને તમાસિન ફૉર્ડ, કિલિફી અને લંડનથી
- પદ, બીબીસી આફ્રિકા આઈ
બીબીસી આફ્રિકા આઈએ કરેલી તપાસમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. કેન્યાના કિલિફી કાંઠે આવેલા પ્રદેશમાં રહેતાં વૃદ્ધો પર ‘જાદુટોણા’ અને કથિત ‘મેલીવિદ્યા કરવાનો આરોપ’ મૂકીને તેમની હત્યા કરી દેવામાં આવતી હતી. પરંતુ બીબીસી તપાસમાં આ હત્યા પાછળ કોઈ બીજો જ હેતુ હોવાનો ખુલાસો થયો છે.
74 વર્ષીય તમ્બાલા જેફવાના પત્ની તેમનો શર્ટ ઉતારતાં હોય છે ત્યારે તેઓ તેમની માત્ર એક બચેલી આંખથી અમારી સામે જુએ છે.
તેમનાં પત્ની છાતી અને ખભાનાં હાડકાં તરફ આંગળી ચીંધીને લાંબો ચીરો બતાવતાં કહે છે, "એ લોકોએ તેમને ચાકૂ માર્યું અને પાછું બહાર ખેંચ્યું હતું."
અન્ય એક હુમલા અંગે જણાવતાં તેઓ તેમના હાથ માથા પર મૂકી દે છે અને તેમના ચહેરા પર અરેરાટીનો ભાવ જોવા મળે છે. તેઓ કહે છે, "તેમણે કપાળથી ડોકું પાછળ ખેંચ્યું અને પછી આ ચાકૂ મારેલાં ભાગને સીવી લીધો."
તમ્બાલા જેફવા પર ‘જાદુટોણા’ કરવાનો આરોપ છે અને તેના કારણે તેમને બે વખતે ઘરે આવીને માર મારવામાં આવ્યો હતો. તેમનું ઘર દરિયાકિનારાના શહેર માલિંદીથી અંદાજે 80 કિમી દૂર છે. પહેલી વારના મારને કારણે તેમણે એક આંખ ગુમાવી દીધી અને બીજીવાર તો તેમને એટલો માર મારવામાં આવ્યો કે તેમનું મૃત્યુ થતાં રહી ગયું હતું.
આ વૃદ્ધ દંપતી પાસે અંદાજે 30 એકર જેટલી જમીન છે જેમાં તેઓ મકાઈ વાવે છે અને મરઘાં ઉછેરે છે. તેમને પરિવારના અન્ય લોકો સાથે આ જમીનની બાઉન્ડરીને લઈને વિરોધ હતો. તેઓ માને છે કે જેફવાની આવી હાલત થવા પાછળનું કારણ પણ એ જ છે. લોકો હકીકતમાં એવું માનતા નથી કે તેઓ ‘ડાકણ’ છે.
જેફવા કહે છે, "હું બસ મરવા માટે જ છોડી દેવાયો હોઉં એવી હાલતમાં હતો. હું જાણતો નથી કે તેમણે શા માટે મારા પર હુમલો કર્યો. પણ મને લાગે છે કે જમીન જ આના પાછળનું એકમાત્ર કારણ છે."

End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘જાદુટોણા’ અને અંધશ્રદ્ધાઓમાં માનતા લોકો

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
‘જાદુટોણા’ અને અંધશ્રદ્ધાઓ અનેક દેશોમાં સામાન્ય છે.
પરંતુ કેન્યાના મલાવી, તન્ઝાનિયા અને દક્ષિણ આફ્રિકામાં તેનો ઉપયોગ વૃદ્ધ લોકોને મારી નાખીને તેમની જમીન હડપી લેવા માટે થાય છે.
‘ધી એજેડ’ શીર્ષકથી એજમાં પ્રકાશિત થયેલો એક રિપોર્ટ કેન્યાના માનવાધિકાર સંગઠન હાકી યેતુએ બહાર પાડ્યો છે. આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્યાના કિલિફી કાંઠે દર અઠવાડિયે ‘જાદુટોણા’ના નામે એક વૃદ્ધ વ્યક્તિની હત્યા થઈ રહી છે.
આ સંસ્થાના પ્રોગ્રામ ઑફિસર જુલિયસ વાન્યામા કહે છે કે, "ઘણા પરિવારો માને છે કે હત્યાનો આદેશ આપનારા લોકો તેમનાં પોતાનાં સંબંધીઓ જ છે."
તેઓ કહે છે, "તેના માટે તેઓ જાદુટોણા કે મેલીવિદ્યા જેવા શબ્દોનો સહારો લે છે, જેથી કરીને તેમને લોકોની સહાનુભૂતિ મળી શકે, જેથી લોકો એવું કહી શકે કે, એ તો ડાકણ હતાં, આથી સારું થયું એને મારી નાખ્યાં."
આ પ્રદેશમાં બહુ ઓછા લોકો પાસે તેમની જમીન માટે ટાઇટલ પેપર છે. આથી વસિયતનામાં વગર જ તેમના કુટુંબ દ્વારા જમીનને એક પેઢીથી બીજી પેઢી સુધી પરંપરાગત રીતે આપવામાં આવે છે.
જુલિયસ વાન્યામાના કહ્યા અનુસાર જે લોકોની હત્યા થઈ તેમાંથી દસમાંથી સાત વૃદ્ધ લોકો પાસે જમીનની માલિકી અને પરંપરાગત વારસો હતો.
તેઓ કહે છે, "કિલિફીમાં રહેતા લોકો પાસે પરંપરાગત રીતે જ કોઈ જમીનનું ડૉક્યુમેન્ટેશન નથી. તેમની પાસે એક જ ડૉક્યૂમેન્ટ છે અને એ છે તેમનાં પરિવારનાં વૃદ્ધોએ કરેલી વાત. આથી જ મોટાભાગનાં લોકોની હત્યા થઈ રહી છે. કારણ કે જેવા તમે તેમની હત્યા કરો છો, જમીન હડપવાનો અવરોધ દૂર થઈ જાય છે."
જમીન પચાવી પાડવા માટે હુમલાઓ

જેફવાના ઘરથી થોડે જ દૂર એક ચેરિટી સંસ્થા માલિન્દી ડિસ્ટ્રિક્ટ એસોસિયેશન આવેલી છે. તે વૃદ્ધો માટે રૅસ્ક્યૂ સેન્ટર ચલાવે છે.
અહીં જેમના પર હુમલો કરવામાં આવ્યો હોય અને જેઓ તેમની જમીન પર પાછા ન જઈ શકે તેવા 30 વૃદ્ધોને રાખવામાં આવ્યા છે.
63 વર્ષીય કટાના છારા 12 મહિનાથી અહીં જ રહે છે. તેમનો ચહેરો જોઈને લાગે છે કે તેમની ઉંમર ઘણી વધારે છે.
તીક્ષ્ણ છરાથી તેમના બેડરૂમમાં જ એપ્રિલ 2023માં તેમના પર હુમલો થયો હતો. તેમનો એક હાથ કાંડાથી કાપી નાખવામાં આવ્યો હતો અને બીજો હાથ કોણીથી. તેઓ હવે કોઈ કામ કરી શકે તેમ નથી અને કપડાં પહેરવાથી માંડીને રોજબરોજના તમામ કામ કરવા માટે તેમને કોઈની મદદ જોઈએ છે.
તેઓ કહે છે, "મને ખ્યાલ છે કોણે મારો હાથ કાપ્યો છે પરંતુ ત્યારબાદ તેને મેં જોયો નથી."

છારા પર પણ ડાકણ હોવાનો આરોપ તથા કોઈ બીજાના બાળકને મારી નાખવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. તેમની હત્યા પણ એટલે જ કરવામાં આવી હતી કારણ કે તેમની પાસે પણ છ એકર જમીન હતી.
તેઓ કહે છે કે, "મારે જાદુટોણા સાથે કોઈ લેવાદેવા નથી. મારી પાસે દરિયાકિનારે ઘણી મોટી જમીન છે."
છારા પરિવારના ઘણા સભ્યોની હુમલા અંગે પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ કોઈની સામે ક્યારેય કાર્યવાહી કરવામાં આવી ન હતી. વાન્યામા તેમના માટે ન્યાય મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.
"વૃદ્ધોની હત્યાના આરોપમાં બહુ ઓછા લોકો પર આરોપ મૂકવામાં આવ્યો છે. અને તેથી જ મને લાગે છે કે હત્યામાં સામેલ મુખ્ય લોકોને પણ લાગે છે કે તેઓ સ્વતંત્ર છે."
મહિનાઓની તપાસ પછી, બીબીસી આફ્રિકા આઈ એક ભૂતપૂર્વ હિટમેનને શોધવામાં સફળ રહ્યા જેમણે લગભગ 20 લોકોની હત્યા કરવાનો દાવો કર્યો હતો. તેઓ કહે છે કે દરેક હત્યા માટે તેને ન્યૂનતમ 50,000 કેન્યા શિલિંગ (લગભગ 400 ડૉલર) ચૂકવવામાં આવ્યા હતા.
"જો કોઈ વૃદ્ધ વ્યક્તિને મારી નાખે, તો જાણો કે તેના પરિવારે તેની કિંમત ચૂકવી છે. તે તેમનો પરિવાર હોવો જોઈએ," તે બીબીસી આફ્રિકા આઈને કહે છે.
તેને જ્યારે પૂછ્યું કે શું કામ તેઓ વિચારે છે કે તેમની પાસે કોઈનો જીવ લેવાનો અધિકાર છે.
તેને જવાબ આપ્યો, "મેં કંઈક ખરાબ કામ કર્યું હોઈ શકે કારણ કે લોકોની હત્યા કરવાનું કામ મને આપવામાં આવ્યું હતું. જોકે, ઈશ્વર અને કાયદા અનુસાર, જે લોકોએ મને આ કામ સોંપ્યું હતું તે લોકો જ સાચા દોથી છે."
કેન્યા નેશનલ કમિશન ઑન હ્યુમન રાઇટ્સે ફેબ્રુઆરી 2023 માં સંયુક્ત રાષ્ટ્રને એક દસ્તાવેજ રજૂ કર્યો હતો.
આ દસ્તાવેજમાં જણાવ્યું હતું, "પશ્ચિમ કેન્યામાં કિસી અને દરિયાકાંઠાના કેન્યામાં કિલિફી કાઉન્ટી જેવા પ્રદેશોમાં ડાકણને બાળી નાખવા, હત્યાઓ અને શારીરિક હુમલાઓ પ્રચલિત છે."
આ દસ્તાવેજ પ્રમાણે, કુટુંબની જમીન મેળવવા માંગતા કુટુંબના નાના સભ્યો હત્યા પાછળનું મુખ્ય પ્રેરક પરિબળ છે. તે કહે છે કે દુષ્કાળ અને દુષ્કાળના સમયગાળા દરમિયાન જ્યારે આવકના સ્ત્રોતોની અછત જોવા મળે છે ત્યારે હુમલાઓ અને હત્યાઓ વધી છે.
વાન્યામા કહે છે કે જમીન પચાવી પાડવા માટે મેલીવિદ્યાના આરોપોનો ઉપયોગ કરતી હત્યાઓ "રાષ્ટ્રીય આપત્તિ" બની ગઈ છે.
"તે પ્રાદેશિક મુદ્દા તરીકે શરૂ થયું હતું, પરંતુ હવે તે વધી ગયું છે. જો આપણે તેને સંબોધિત નહીં કરીએ, તો અમે વૃદ્ધોના અમારા આર્કાઇવ્સ ગુમાવી રહ્યા છીએ. તે એકમાત્ર જીવંત આર્કાઇવ્સ છે."
પરંપરાગત આફ્રિકન સંસ્કૃતિમાં, વૃદ્ધો તેમના શાણપણ અને જ્ઞાન માટે આદરણીય છે.
કિલિફીમાં સ્થિતિમાં વિપરીત છે. વૃદ્ધ લોકો ટાર્ગેટ બનવાથી ડરતા હોય છે અને ઘણા વૃદ્ધો યુવાન દેખાવા માટે પોતાના વાળને કલર કરે છે.
આ પ્રદેશમાં કોઈ વ્યક્તિ પર મેલીવિદ્યાનો આરોપ લગાવ્યા પછી જીવિત રહેવું દુર્લભ છે.
છારા હવે સલામત છે ત્યારે તે વૃદ્ધો માટેના બચાવ કેન્દ્રમાં રહે છે. જોકે, જેફવા જેવા પુરુષોને ડર છે કે જેણે પણ તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો તે પાછો આવશે.












