જે દેશમાં આઠ લાખ લાકોની હત્યા કરી દેવાઈ ત્યાં 30 વર્ષ બાદ પોતાના ઘરે પહોંચેલાં બીબીસીનાં પત્રકારે શું જોયું?

વિક્ટોરિયા ઉવોનકુંડા

ઇમેજ સ્રોત, VICTORIA UWONKUNDA

ઇમેજ કૅપ્શન, વિક્ટોરિયા ઉવોનકુંડાની બાળપણની તસવીર
    • લેેખક, વિક્ટોરિયા ઉવોનકુંડા
    • પદ, બીબીસી ન્યૂઝ, કિગાલી

ચેતવણી: આ અહેવાલનો કેટલાક અંશો તમને વિચલિત કરી શકે તેવા છે.

મેં 30 વર્ષ પહેલાં 12 વર્ષની ઉંમરે મારૂ જન્મસ્થળ અને ઘર છોડી દીધાં હતાં. રવાન્ડામાં વર્ષ 1994માં થયેલા નરસંહાર દરમિયાન હું મારા પરિવાર સાથે ભાગી ગઈ હતી.

કેન્યા અને નૉર્વેમાં અભ્યાસ કરીને યુકેમાં સ્થાયી થયા બાદ હું વિચારતી હતી કે રવાન્ડા જઈને ત્યાં લોકો ઠીક છે કે નહીં તે જાણવું જોઈએ.

જ્યારે મને આ વિષય પર એક ડૉક્યુમેન્ટ્રી બનાવવા માટે ત્યાંની મુલાકાત લેવાનો મોકો મળ્યો તો હું ઉત્સાહીત હતી. આ સાથે જ હું એ વાતથી પણ ચિતિંત હતી કે મને ત્યાં શું જોવા મળશે અને મારી પ્રતિક્રિયા કેવી રહેશે?

હું આ ઘટનાઓ સાથે સંકળાયેલા પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) સાથે જીવું છું.

દેશ છોડવાનું દુ:ખ

રવાન્ડા

રવાન્ડાના અનેક રહેવાસીઓની જેમ જ મેં પણ મારા પરિવારના સભ્યોને ગુમાવ્યા. જનજાતી હુતુ ચરમપંથીઓએ 100 દિવસમાં જ લધુમતીવાળા તુત્સી સમુદાયના આઠ લાખથી વધારે લોકોની હત્યા કરી નાખી હતી.

આ નરસંહાર પછી મુખ્ય રૂપે તુત્સી દળોએ સત્તા સંભાળી હતી અને તેમના પર પણ રવાન્ડામાં હજારો હુતુ લોકોની હત્યાનો આરોપ લાગ્યો હતો.

હું જ્યારે રવાન્ડાના પાટનગર કિગાલી પહોંચી તો મારી અંદર લાગણીઓ ઊભરાઈ રહી હતી.

મારી ભાષા કિન્યારવાન્ડામાં લોકો વાત કરી રહ્યા હતા જેને સાંભળવાનો આનંદ અલગ જ હતો. જોકે, મને યાદ છે જ્યારે છેલ્લી વખત હું આ શહેરમાં હતી ત્યારે અરાજકતાનો માહોલ હતો. મારા જેવા લાખો લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા અને જીવતા રહેવાની કોશિશ કરી રહ્યા હતા.

મારી ટૂંકી મુસાફરી દરમિયાન જે સ્થળોને હું જોવા માગતી હતી એ મારી પ્રાથમિક શાળા એને કિગાલીમાં આવેલું મારુ છેલ્લુ ઘર હતાં. એ જ ઘરે 6 એપ્રિલ, 1994ની એ દુ:ખદ રાત્રે મારા સંબંધીઓ સાથે ડિનર ટેબલ પર બેઠી હતી.

પોતાનું ઘર કેવી રીતે શોધ્યું?

રવાન્ડાના નરસંહાર
ઇમેજ કૅપ્શન, વિક્ટોરિયા ઉવોનકુંડા તેના પૈતૃક ઘરની સામે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હું મારા પરિવારનું જૂનું ઘર શોધી ન શકી. મેં ચાર વખત પ્રયત્નો કર્યા પછી હાર માની લીધી. મેં નૉર્વેમાં રહેતી મારી માને ફોન કર્યો જેથી એ મારૂ માર્ગદર્શન કરી શકે.

આ દરમિયાન હું એ બંધ દરવાજાની સામે ઊભી રહી અને તડકાવાળી એ બપોરોને યાદ કરી જેમાં અમે અગાશી પર બેસીને કોઈ પણ પ્રકારની ચિંતા વગર વાતો કરતાં હતાં, તો મને ડુમો બાઝી ગયો.

એ વખતે અમને કહેવામા આવ્યું કે ત્રણ જોડી કપડાં ભરી લો અને એક મુસાફરી માટે કારમાં બેસાડી દેવામાં આવ્યાં જેની કલ્પના અમે કોઈએ નહોતી કરી.

બાળકોને ઠાંસીને ગાડીમાં ભરવામાં આવ્યાં હતાં. અમને ખૂબ જ ભુખ લાગી હતી તેમ છતાં મને યાદ નથી કે અમારામાંથી કોઈએ પણ વાત કરી હોય કે કોઈ ફરિયાદ કરી હોય.

અમને છઠ્ઠા દિવસે અનુભવ થયો કે કિગાલીમાં એક પણ જગ્યા સુરક્ષિત નથી. ત્યારપછી અમે પલાયન કરનારા લોકોમાં સામેલ થઈ ગયાં. એવુ લાગ્યું કે આખુ શહેર અને હજારો લોકો ચાલીને, બાઇક પર, કારમાં, ટ્રકમાં એક સાથે જઈ રહ્યા હતા.

અમે ગિસેનીમાં અમારા પરિવારના ઘર તરફ જઈ રહ્યાં હતાં જે રિપબ્લિક ઑફ કૉન્ગોની સરહદ પાસેનો એક વિસ્તાર છે. તેને હવે રૂબાવુ જિલ્લા તરીકે ઓળખવામા આવે છે.

અમારી એ મુસાફરી દરમિયાન વાહનો વ્યવસ્થિ દોડી રહ્યાં હતાં અને ગોળીઓનો અવાજ પણ ન હતો આવી રહ્યો. રસ્તાઓ પર પલાયન કરતા લોકોની લાઇન પણ ન હતી. આમ તો એ પણ એક શાંત અને સુંદર દિવસ જ હતો.

મને અમારૂ ત્રણ બેડરૂમવાળું ઘર મળ્યું, જેમાં નરસંહારના ત્રણ મહિના દરમિયાન 40 લોકોને શરણ આપવામા આવી હતી. અમે જુલાઈ 1994માં તે ઘર છોડી દીધું તેમ છતા તે ઘર આજે પણ એવું જ ઊભું છે.

નરસંહારમાં બચી ગયેલા સંબંધીઓ સાથે મુલાકાત

રવાન્ડાના નરસંહાર

ઇમેજ સ્રોત, VICTORIA UWONKUNDA

ઇમેજ કૅપ્શન, રવાન્ડામાં જ્યારે નરસંહાર થયો ત્યારે શાળાઓમાં ઇસ્ટરની રજાઓ ચાલી રહી હતી.

હું ખૂબ જ નસીબદાર છું કે મને નરસંહારમાં બચી ગયેલા કેટલાક સંબંધીઓને મળવાનો મોકો મળ્યો. મારો પિતરાઈ ઑગસ્ટિન પણ એમાનો એક હતો. છેલ્લી વખત જ્યારે ગિસેનીમાં જોયો ત્યારે તે દસ વર્ષનો હતો.

તેમણે ગળે લગાડવો એ એક સપના જેવું જ હતું. નજીકની વાડીમાંમાં દોડાદોડ કરવાની, ઇસ્ટરની રજાઓનો આનંદ માણવાની, એવી યાદોમાં એ મારી સાથે હતો. હવે તો એ ચાર બાળકોનો પિતા છે.

જોકે, અમે શરૂ પણ ત્યાંથી જ કર્યું જ્યાંથી બધું છોડી દેવું પડ્યું હતુ. અમે ડેમૉક્રેટિક રિપ્બલિક ઑફ કૉન્ગો ભાગી ગયાં પછી અલગ થઈ ગયાં હતાં. કૉન્ગો ત્યારે ઝૈરે તરીકે ઓળખાતો હતો.

ઑગસ્ટિને મને કહ્યું, “હું મારાં માતાપિતા વિના એકલો જ ભાગી ગયો હતો. ગામડાંના રસ્તેથી હું ભાગ્યો જ્યારે મારાં માતાપિતા ગિસેની શહેરથી થઈને ગોમા (ડેમૉક્રેટિક રિપ્બલિક ઑફ કૉન્ગોની સીમા પર આવેલ એક શહેર) પહોંચ્યાં હતાં.”

કિબુમ્બાના વિશાળ શરણાર્થી કૅમ્પમાં પોતાનાં માતા-પિતા વિના એક એકલો છોકરો - હું આ વાતની કલ્પના પણ નથી કરી શકતી કે તેના માટે આ કેટલુ ભયાવહ હશે! હું જ્યારે ભાગી ત્યારે મારી સાથે તો મારો આખો પરિવાર હતો

જોકે, ગનીમત એ વાતની હતી કે તેના કેટલાક પાડોશીઓએ તેમનાં માતા-પિતાને આ વિશે જાણકારી આપી. ત્યાર પછી તેઓ બધા વર્ષ કિબુમ્બામાં સાથે રહ્યાં.

તેણે મને જણાવ્યું, “શરૂઆતમાં ત્યાંની જિંદગી અત્યંત ખરાબ હતી. ત્યાં કૉલેરા ફેલાઈ ગયો હતો. લોકો બીમાર પડી ગયા. ગંદકી અને પૌષ્ટિક આહારની અછતને કારણે હજારો લોકોનાં મૃત્યુ થયાં હતાં.”

ઑગસ્ટિનની કહાણી એક હદ સુધી મારી કહાણી સાથે મેળ ખાય છે. મને ગોમામાં શરણાર્થી તરીકે એ પહેલું અઠવાડિયું હજુ પણ યાદ જ્યારે મારો પરિવાર કેન્યામાં સ્થાયી શરણની વ્યવસ્થા કરે તે પહેલાં શહેરના રસ્તાઓ પર મૃતદેહોનો ઢગલાઓ પડ્યા હતા.

બે જીવલેણ હુમલામાં જીવ બચી ગયો

 કલૉડેટ મુકારૂમન્જી

રવાન્ડામાં 13 વર્ષીય કલૉડેટ મુકારુમન્જી એવા નસીબવંતા લોકો પૈકી એક છે, જે કેટલાય હુમલાઓ છતાં પણ બચી ગયા હતા.

હાલ એમની ઉંમર 43 વર્ષની છે. તેમનાં પૌત્ર-પૌત્રી છે. તેઓ મારી સાથે તેમના કેટલાક અનુભવો શૅર કરવા માટે સહમત થયાં. આ સાથે જ તેઓ પોતાને થયેલી ઇજાઓ માટે જવાબદાર લોકો અંગે પણ વાત કરવા તૈયાર થયા.

અમે દક્ષિણપૂર્વ રવાન્ડાના એક શહેર ન્યામાતામાં મળ્યાં હતાં. તેમણે જે હુમલાઓ વિશે જણાવ્યું, એમાંથી એક હુમલો એ શહેરને અડીને જ આવેલા વિસ્તારમાં થયો હતો.

આ એક કૅથલિક ચર્ચ હતું, જેમાં કેટલાય લોકોએ આશરો લીધો હતો. જોકે, હુમલાખોરોએ ચાકુથી એમના પર આક્રમણ કર્યું હતું અને એમને પકડીને મારી નાખ્યા હતા.

આ અંગે વાત કરતાં મુકારુમન્જી જણાવે છે, “જ્યારે તે મારા પર હુમલો કરી રહ્યો હતો એ ચર્ચની અંદર જ ઊભો હતો. જ્યારે એ મને કાપતી વખતે એ ગીત ગાઈ રહ્યો હતો. મારા ચહેરા પર એણે ઘા માર્યો અને લોહી વહેવા લાગ્યું.”

તેમણે ઉમેર્યું, “તેણે મને પેટ પર સૂવાનો આદેશ આપ્યો. પછી મારી પીઠ પર ભાલો ભોંકી દીધો. તેના ડાઘ આજે પણ છે. એણે ભાલો એટલા ઝોરથી માર્યો કે એ આરપાર નીકળી ગયો હોવાનું સમજીને એણે મને છોડી મૂકી.”

જોકે, મુકારુમન્જીએ જેમતેમ કરીને પોતાની પીઠમાંથી ભાલો કાઢ્યો અને ત્યાંથી ભાગવામાં સફળ રહ્યાં. તેઓ પોતાના પડોશીના ઘરે પહોંચી ગયાં. એમને હતું ત્યાં કદાચ તેઓ સુરક્ષિત રહશે. જોકે, અહીં એમનો ભેટો એક 26 વર્ષીય પોલીસ અધિકારી જિન ક્લાઉડ નટંબારા સાથે થયો હતો.

પોલીસ અધિકારીએ મારવાની કોશિશ કરી

રવાન્ડાના નરસંહાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 6 એપ્રિલ 1994ના રોજ રવાન્ડાથી પલાયન કરી રહેલા લોકો

નટંબરાએ મને કહ્યું, “એ ઘરના માલિકે મને ફોન કરીને કહ્યું કે અહીં ‘ઇનયેન્જી’ છે.”

ઇનયેન્જીનો અર્થ ‘વંદો’ થાય છે. હુતુ ચરમપંથીઓ અને મીડિયા દ્વારા અહેવાલોમાં આ શબ્દનો ઉપયોગ તુત્સી લોકો માટે કરવામાં આવતો હતો.

તેમણે જણાવ્યું, “મેં તેમને જોયાં ત્યારે તેઓ પથારી પર બેઠાં હતાં. તેઓ પહેલાંથી જ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત અને લોહીથી લથપથ હતાં. મેં તેમને ખતમ કરવા માટે તેમના ખંભા પર ગોળી મારી હતી.”

“અમને આદેશ મળ્યો હતો કે કોઈને છોડવામા ન આવે. મને લાગ્યું કે મેં તેને મારી નાખી છે.”

થોડા સમય પછી તેઓ ઘરેથી ભાગીને એકલાં જ ભટકતા રહ્યાં.

મુકારૂમન્જી અને નટંબારા એવા લોકો છે જેમણે આશ્ચર્યજનક રૂપે એક રસ્તો શોધી કાઢ્યો.

જ્યારે હું તેમની તરફ પહોંચી ત્યારે મને એ જોઈને આશ્ચર્ય થયું કે તેઓ એક ઘટદાર વૃક્ષના પડછાયા નીચે એકસાથે હસી રહ્યાં હતાં. જોકે, તેમનાં હાસ્યે એ અંદેશો આપી દીધો હતો કે આ પ્રક્રિયા કેટલી મુશ્કેલ રહી હશે.

જ્યારે મેં પૂર્વ પોલિસ અધિકારીને પુછ્યું કે શું તેઓ જાણે છે કે નરસંહાર દરમિયાન તેમણે કેટલા લોકોને મારી નાખ્યા હતા. આ સવાલ પર તેમણે ચુપચાપ પોતાનું માથું હલાવ્યું

નરસંહારમાં તે યુવકની ભૂમિકા માટે તેના પર આરોપ લગાવવામાં આવ્યા હતા અને દસ વર્ષથી વધારેની સજા આપવામા આવી હતી.

જેલમાં સજાને બદલે તેમણે પશ્ચાત્તાપ અને માફી માંગવાની ઇચ્છા વ્યક્ત કરી અને સમુદાયની સેવા કરી.

એમણે મુકારૂમન્જીની શોધી કાઢ્યા. સાતમી વખત અપીલ કર્યા બાદ મુકારૂમન્જી તેમને માફ કરવા માટે તૈયાર થઈ ગયાં.

સમાજમાં ભરોસાનો અભાવ

રવાન્ડાના નરસંહાર

ઍલેક્ઝેન્ડ્રોઝ એક મનોવૈજ્ઞાનિક છે. તેમણે રવાન્ડામાં કામ કર્યું છે. તેઓ કહે છે કે વ્યક્તિગત સારવાર શરૂ કરવા માટે સામુહિક ઉપચારની જરૂર હોય છે.

તેમણે મને કહ્યું, “હિંસા એટલી વિસ્તૃત હતી કે પડોશીએ પાડોશીઓ પર હુમલા કર્યા અને પરિવારના સભ્યોએ પણ એકબીજા પર હુમલાઓ કર્યા.એટલે એ સમજાઈ નથી રહ્યું કે લોકોએ કોના પર ભરોસો કરવો.”

મુકારૂમન્જી માટે પોતાના પરિવાર વિશે આ સૌથી ચિંતાનો વિષય રહ્યો હતો.

તેમણે કહ્યું, “મને એવુ લાગ્યું કે જો હું તેમને માફ કર્યા વગર મરી ગઈ તો આ ભારણ મારાં બાળકો પર પડી શકે છે. જો હું મરી ગઈ અને તે નફરત કાયમ રહીં તો તેના થકી અમે એ રવાન્ડાનું નિર્માણ નહીં કરી શકીએ જે હું મારાં બાળકો માટે ઇચ્છું છું. એક એવું રવાન્ડા જ્યાં હું મોટી થઈ છું.”

તેમણે ઉમેર્યું, “તે હું મારાં બાળકોને આપી ન શકું.”

સમાધાનના પ્રયાસો

વિક્ટોરિયા ઉવોનકુંડા

ઇમેજ સ્રોત, VICTORIA UWONKUNDA

ઇમેજ કૅપ્શન, હત્યાકાંડ પહેલા વિક્ટોરિયા ઉવોનકુંડા તેના પરિવારના કેટલાક સભ્યો સાથે

સમાધાન માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આમાંથી એક ખ્રિસ્તી આગેવાની હેઠળનો પ્રોજેક્ટ છે. આ પરિયજોનામાં દોષિતો અને પીડિતોને પશુઓ થકી એકબીજા સાથે જોડવાની વાત છે. રવાન્ડાના સમાજમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

આ યોજનામાં સાથે મળીને ગાયની પાલન કરવું, સમાધાન અને ક્ષમા વિશે વાતચીતમાં સામેલ થવું, અને સાથે મળીને વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરવાની વાત છે.

રવાન્ડાએ જાતીય ભેદભાવ પર વિભાજિત દેશને ફરીથી જોડવાની દિશામાં પગલાં લીધાં છે. અહીં જાતી અંગે વાત કરવી હવે ગેરકાયદે છે.

જોકે, ટીકાકારોનું કહેવું છ કે સરકાર વિરોધને બહુ ઓછો સહન કરે છે. તેઓનું કહેવું છે કે દેશમાં સ્વતંત્રતા ઘણી ઓછી અને લાંબા ગાળાની પ્રગતિને એ અવરોધે છે.

રવાન્ડાના લોકોને સમાધાનના આ તબક્કે પહોંચવામાં ત્રણ દાયકા લાગ્યા છે અને એના ભાગરૂપે જ મુકારૂમન્જી અને નટંબારા ફરીથી પડોશી તરીકે સાથે રહેશે.

મારા માટે આઘાતજનક વાત એ છે કે જે રવાન્ડા હંમેશાં મારા હૃદયનો ટુકડો રહેશે એ હવે મારા ઘર જેવું લાગતું નથી.પરંતુ આ પ્રવાસમાં મેં તેની સાથે શાંતિ સ્થાપી લીધી છે. એનાથી મારા ઘા રૂઝવામાં પણ મદદ મળી છે.

(વિક્ટોરિયા ઉવોનકુંડા બીબીસી પત્રકાર છે. તેઓ બીબીસી વર્લ્ડ સર્વિસ પર ન્યૂઝ ડે પ્રસ્તુત કરે છે.)