હિંદ રજબ : છ વર્ષની બાળકીની અંતિમ ક્ષણોની આંખો ભીની કરી દેતી કહાણી

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, RAJAB FAMILY

    • લેેખક, લુસી વિલિયમસન
    • પદ, બીબીસી સંવાદદાતા, જેરુસલેમથી

ગત મહિને ગાઝામાં ગુમ થયેલી છ વર્ષની બાળકી હિંદ રજબનો મૃતદેહ તેના કેટલાક સંબંધીઓ સાથે મળી આવ્યો. તેની નજીક જ બે સ્વાસ્થ્યકર્મીઓના મૃતદેહ પણ મળ્યા છે, જે બાળકીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

કહેવાય છે કે તેમનાં મૃત્યુ ઇઝરાયલી ટૅન્કોએ કરેલા હુમલામાં થયાં છે.

હિંદ રજબ પોતાનાં કાકા-કાકી સાથે એક કારમાં ગાઝા સિટીથી જીવ બચાવીને ભાગી રહી હતી. તેની સાથે તેના ત્રણ પિતરાઈ પણ કારમાં હતા.

હિંદ રજબ અને ઇમર્જન્સી કૉલ ઑપરેટર વચ્ચે થયેલી વાતચીતના રેકૉર્ડિંગ પરથી ખબર પડી છે કે કારમાં માત્ર હિંદ રજબ જ જીવિત બચી હતી. ઇઝરાયલી સૈન્યથી જીવ બચાવવા માટે તે પોતાના સંબંધીઓની લાશની પાછળ સંતાઈ ગઈ હતી.

ફોન પર એ પોતાને બચાવી લેવા વિનંતી કરતી સંભળાઈ રહી હતી, પરંતુ અચાનક ફાયરિંગનો ભારે અવાજ આવ્યો અને એ બાદ ફોન કપાઈ ગયો. તે બાદ ઇમર્જન્સી કાર્યકરોની હિંદ રજબ સાથે વાત ન થઈ શકી.

ઘણા દિવસ બાદ મળી આવ્યા મૃતદેહ

સંઘર્ષ ચાલુ હોવાથી આ વિસ્તાર તરફ જતો રસ્તો બંધ કરી દેવાયો હતો. શનિવારે પેલેસ્ટાઇનિયન રેડ ક્રેસેન્ટ સોસાયટી (પીઆરસીએસ)ના સ્વાસ્થ્યકર્મીઓ આ વિસ્તાર સુધી પહોંચી શક્યા.

તેમને હિંદનો પરિવાર જેમાં હતો એ કાળા રંગની ‘કિયા’ કાર મળી આવી. કારની વિંડસ્ક્રીન અને તેના ડૅશબોર્ડ પર લાગેલા કાચ તૂટીને સડક પર વિખેરાયેલા હતા. કાર પર ગોળીઓનાં ડઝનબંધ નિશાન સ્પષ્ટપણે જોઈ શકાતાં હતા.

એક સ્વાસ્થ્યકર્મીએ પત્રકારોને જણાવ્યું કે કારની અંદર છ મૃતદેહ મળ્યા હતા, જેમાંથી એક હિંદ રજબનો મૃતદેહ પણ હતો. બધાનાં શરીર પર ગોળીઓ વાગવાનાં નિશાન મળ્યાં હતાં.

આ કારથી થોડે દૂર વધુ એક કાર બળી ગયેલી અવસ્થામાં મળી આવી હતી. આ કારનું એન્જિન સડક પર વિખેરાયેલું હતું.

રેડ ક્રેસેન્ટ અનુસાર ખરેખર એ એક ઍમ્બુલન્સ હતી, જેને હિંદ રજબને શોધવા મોકલવામાં આવી હતી.

સંગઠનનું કહેવું છે કે આ ઍમ્બુલન્સમાં યૂસુફ અલ-ઝેઈનો અને અહમદ અલ-મદહૂન સવાર હતા, જેમનાં મૃત્યુ ઇઝરાયલી સૈન્યના ગોળીબારમાં થયાં હતાં.

પીઆરસીએસનો આરોપ

બીબીસી ગુજરાતી

પીઆરસીએસે એક નિવેદન જાહેર કરીને ઇઝરાયલ પર જાણીજોઈને ઍમ્બુલન્સને નિશાન બનાવ્યાનો આરોપ કર્યો છે. નિવેદનમાં કહેવાયું છે કે 29 જાન્યુઆરીના રોજ જ્યારે ઍમ્બુલન્સ એ જગ્યાએ પહોંચી ત્યારે ત્યાં હિંદની કાર હતી, તેના પર બૉમ્બમારો કરાયો હતો.

નિવેદન અનુસાર, “રેડ ક્રેસેન્ટે હિંદ રજબને બચાવવા માટે આ વિસ્તારમાં ઍમ્બુલન્સ મોકલવા માટેની જરૂરી પરવાનગી મેળવી લીધી હતી, પરંતુ આ વિસ્તાર પર કબજો કરનારા ઇઝરાયલી સૈન્યે જાણીજોઈને સંગઠનના લોકોને નિશાન બનાવ્યા.”

પીઆરસીએસે બીબીસીને જણાવ્યું કે હિંદ રજબની મદદ માટે આરોગ્યકર્મી મોકલવા માટે તેમણે ઇઝરાયલી સૈન્ય પાસેથી પરવાનગી લેવાની હતી અને આ કામમાં તેમને ઘણા કલાકોનો સમય લાગી ગયો.

સંગઠનનાં પ્રવક્તા નિબલ ફરશાખે લગભગ એક અઠવાડિયા પહેલાં મને જણાવ્યું હતું કે, “અમે સંકલન કર્યું અને અમને આ માટેની પરવાનગી મળી ગઈ. ત્યાં પહોંચ્યા બાદ ઍમ્બુલન્સમાં રહેતા સ્વાસ્થ્યકર્મીઓએ એ વાતની પુષ્ટિ કરી કે તેમને એ કાર મળી ગઈ છે, જેમમાં હિંદ રજબ છુપાયેલી હતી.”

“તેઓ એ કારને જોઈ શકતા હતા. અમને છેલ્લે જે સંભળાયું એ ગોળીનો અવાજ હતો.”

ક્યારેય ન સમાપ્ત થનારો ઇંતેજાર

બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રેડ ક્રેસેન્ટના ઑપરેટર સાથે થયેલી હિંદ રજબની વાતચીતનું સંપૂર્ણ રેકૉર્ડિંગ જાહેર કરી દેવાયું છે અને હવે એ જાણવા માટે અભિયાન શરૂ થયું છે કે આખરે આ બાળકી સાથે ખરેખર શું બન્યું હતું.

હિંદ રજબનાં માતા વિસામે જણાવ્યું કે જ્યારે તેનો મૃતદેહ નહોતો મળ્યો ત્યારે તેમને આશા હતી કે તેમની દીકરી “ગમે ત્યારે તેમની સામે હશે.”

હવે તેના મૃત્યુ બાદ માતાની માગ છે કે આ માટેની જવાબદારી નક્કી કરવામાં આવે.

હિંદ રજબનાં માતાએ બીબીસીને જણાવ્યું કે, “હું કયામતના દિવસે ઈશ્વર સામે એ તમામને સવાલ કરીશ, જેમણે મારો અવાજ સાંભળ્યો, મદદ માટે વિનંતી કરી રહેલી મારી દીકરીનો અવાજ સાંભળ્યો, પરંતુ એને બચાવવા કંઈ ન કર્યું.”

“નેતન્યાહૂ, બાઇડન અને એ તમામ લોકો જેમણે અમારી વિરુદ્ધ, ગાઝા અને તેના લોકો વિરુદ્ધ હુમલા માટે હાથ મિલાવ્યા, હું તેમને બદદુઆ આપું છું.”

વિસામ એક હૉસ્પિટલમાં પોતાની દીકરીના સમાચાર મળવાની રાહ જોઈ રહ્યાં હતાં. તેમના હાથમાં ગુલાબી રંગની એક નાનકડી બૅગ હતી, જે તેમણે હિંદને આપવા માટે રાખી હતી. આ બૅગમાં એક નોટબુક પણ હતી, જેમાં હિંદ હૅન્ડરાઇટિંગની પ્રૅક્ટિસ કરતી.

તે કહે છે કે, “તમે કેટલી માતાઓ આ દર્દમાંથી પસાર થાય તેની રાહ જોઈ રહ્યા છો? તમે હજુ કેટલાં બાળકોનાં મૃત્યુ થાય એમ ઇચ્છો છો?”

યુદ્ધ દરમિયાનના નિયમ

બીબીસીએ સૈન્ય પાસેથી બે વખત એ દિવસે થયેલા સૈન્ય અભિયાન, હિંદના ગાયબ થવા અંગેની અને તેની શોધ માટે આવલી ઍમ્બુલન્સ અંગે જાણકારી માગી. સૈન્યે આ વિશે કહ્યું કે એ તપાસ કરી રહ્યું છે.

બીબીસીએ પેલેસ્ટાઇનિયન રેડ ક્રેસેન્ટના શનિવારે લગાવાયેલા આરોપો સંદર્ભે પણ સૈન્યનો સંપર્ક કર્યો.

યુદ્ધના નિયમોની વાત કરાય તો યુદ્ધ દરમિયાન મેદાનમાં સ્વાસ્થ્યકર્મીઓને નિશાન નથી બનાવાતા, બલકે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરાય છે. જંગના મેદાનમાં ઈજાગ્રસ્ત લોકો સુધી શક્ય હોય એટલી ઝડપથી જરૂરી મેડિકલ સહાય પહોંચાડાય છે.

7 ઑક્ટોબર 2023ના રોજ હમાસના ઇઝરાયલ પરના હુમલા બાદ ઇઝરાયલે જે જવાબી કાર્યવાહી શરૂ કરી છે, તે અંતર્ગત ગાઝાનાં શહેરો પર તાબડતોડ હુમલા કરાયા છે.

ઇઝરાયલનું કહેવું છે કે હમાસના લડવૈયા હૉસ્પિટલ, રાહતશિબિર અને રહેણાક વિસ્તારો નીચે બનેલી સુરંગોમાં છુપાયેલા છે.

ઇઝરાયલે પહેલાં એવો પણ દાવો કર્યો હતો કે હમાસના લડવૈયા હથિયારો અને પોતાના લોકોને લઈ જવા ઍમ્બુલન્સોનો ઉપયોગ કરી રહ્યા છે.

ઇમર્જન્સી નંબર પર હિંદ રજબની વાતચીત થઈ

બીબીસી ગુજરાતી

મોબાઇલ ફોન પર હિંદ રજબની વાતચીત પીઆરસીએસના રાના સકીહ સાથે થઈ હતી.

ફોન પર હિંદે કહ્યું, “મારી નજીક એક ટૅન્ક છે, એ ખૂબ ધીરે-ધીરે ચાલી રહી છે.”

રાનાએ પૂછ્યું, “ટૅન્ક ખૂબ નજીક છે?”

હિંદે કહ્યું, “ઘણી નજીક છે. શું તમે મને બચાવી લેશો? હું ખૂબ ગભરાયેલી છું.”

ક્યાં જવા નીકળ્યો હતો હિંદનો પરિવાર?

બીબીસી ગુજરાતી

29 જાન્યુઆરીના રોજ ઇઝરાયલી સૈન્યે ગાઝા શહેરના પશ્ચિમમાં વસેલા લોકોને સમુદ્ર સીમા સાથે જોડાયેલી સડક પર થઈને દક્ષિણ તરફ જવા કહ્યું હતું.

હિંદનો પરિવાર ગાઝામાં હતો. પરિવારે નિર્ણય કર્યો કે એ પૂર્વની તરફ જશે અને અલ-અહલી હૉસ્પિટલમાં શરણ લેશે. તેમને આશા હતી કે એ જગ્યા તેમના માટે સુરક્ષિત હશે.

વિસામ જણાવે છે કે વિસ્તારમાં ભારે બૉમ્બમારો થઈ રહ્યો હતો. તેમણે કહ્યું કે, “અમે ગભરાયેલા હતા. અમે અમારો જીવ બચાવવા માગતા હતા. અમે હવાઈ હુમલાથી બચવાના પ્રયાસો કરી રહ્યા હતા.”

વિસામ અને તેમનાં મોટાં બાળકો જ હૉસ્પિટલની તરફ નીકળી પડ્યાં. તેઓ કહે છે કે, “ભારે ઠંડી પડી રહી હતી અને વરસાદ પણ થઈ રહ્યો હતો. હું નહોતી ઇચ્છતી કે એ વરસાદમાં હેરાન થાય.”

હિંદ પોતાના કાકાની કિયા પિકાન્ટો કારમાં બેસી ગઈ. કાર ગાઝાની જાણીતી અલ-અઝહર યુનિવર્સિટી તરફ જઈ રહી હતી, પરંતુ દુર્ભાગ્યે કાર ઇઝરાયલી ટૅન્કો સામે આવી ગઈ.

મદદ માટે પોકાર

ગત 7 ઑક્ટોબરે હમાસે ઇઝરાયલમાં હુમલો કર્યા બાદ બંને પક્ષો વચ્ચે સતત ઘર્ષણ થઈ રહ્યું છે

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ગત 7 ઑક્ટોબરે હમાસે ઇઝરાયલમાં હુમલો કર્યા બાદ બંને પક્ષો વચ્ચે સતત ઘર્ષણ થઈ રહ્યું છે

કારમાં બેઠેલા લોકોએ મદદ માટે પીઆરસીએસના ઇમર્જન્સી મુખ્યાલયનો સંપર્ક સાધ્યો, જે 80 કિલોમીટર દૂર વેસ્ટ બૅન્કમાં સ્થિત છે.

અમુક સમય બાદ બપોરે અઢી વાગ્યે પીઆરસીએસે હિંદના કાકાનો ફોન મારફતે સંપર્ક સાધ્યો. ફોન 15 વર્ષની લેયાને ઉઠાવ્યો.

તેણે જણાવ્યું કે તેનાં માતાપિતા અને બાઈબહેનોનાં મૃત્યુ થઈ ગયાં છે. લેયાને કહ્યું કે કાર પાસે એક ટૅન્ક છે, જે સતત તેમના પર ‘ગોળીબાર કરી રહી છે.’ ગોળીબારના અવાજ વચ્ચે જોરદાર ચીસ સંભળાઈ અને ફોન કપાઈ ગયો.

તેના અમુક સમય બાદ ટીમે ફરી એક વાર ફોન કર્યો. ત્યારે હિંદે ફોન રિસીવ કર્યો. પહેલાં તેણે જણાવ્યું કે કારમાં બેઠેલા તમામનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે, માત્ર એ જ બચી છે. પછી કહ્યું કે, “કદાચ બધા સૂઈ રહ્યા છે.”

ટીમે હિંદને કહ્યું, “બધાને સૂવા દો, તેમને પરેશાન ન કરો. તું કારની સીટ નીચે છુપાઈ જા, કોઈનીય નજરમાં ન આવે એવો પ્રયત્ન કર.”

રાના સકીહ અમુક કલાકો સુધી હિંદ રજબ સાથે ફોન લાઇન પર રહ્યાં, આ દરમિયાન રેડ ક્રેસેન્ટે ઇઝરાયલી સૈન્ય સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, જેથી તેમની ઍમ્બુલન્સને શહેરમાં જવાની પરવાનગી મળી શકે.

હિંદ રજબને બચાવવાનું અભિયાન

હિંદ રજબના દાદા બાહા હમાદાએ જણાવ્યું કે હિંદે કહ્યું હતું કે તેને ઍમ્બુલન્સ દેખાઈ રહી હતી
ઇમેજ કૅપ્શન, હિંદ રજબના દાદા બાહા હમાદાએ જણાવ્યું કે હિંદે કહ્યું હતું કે તેને ઍમ્બુલન્સ દેખાઈ રહી હતી

કૉલ શરૂ થયાના ત્રણ કલાક બાદ હિંદની મદદ માટે ઍમ્બુલન્સ રવાના કરી શકાઈ.

રેડ ક્રેસેન્ટે હિંદનાં માતા વિસામનો સંપર્ક કર્યો અને બંનેને એકબીજા સાથે વાત કરાવી. માનો અવાજ સાંભળીને હિંદ મોટેથી રડવા લાગી.

વિસામે કહ્યું, “મેં એને પૂછ્યું કે તને ગોળી વાગી છે? મેં કુરાન પઢીને તેનું ધ્યાન ભટકાવવાના પ્રયાસ કર્યા.”

સાંજ સુધી ઍમ્બુલન્સ આ વિસ્તારમાં પહોંચી ગઈ. ઍન્ટ્રી માટે ઇઝરાયલી સૈન્ય ઍમ્બુલન્સનું ચેકિંગ હાથ ધરવાનું હતું.

એ બાદ ઍમ્બુલન્સ અને હિંદ બંનેનો રેડ ક્રેસેન્ટ સાથેથી સંપર્ક કપાઈ ગયો, જેથી હિંદની મદદ કરી શકાય. જોકે, હિંદની પોતાની માતાની સાથે જોડાયેલી ફોન લાઇન ચાલુ હતી.

હિંદના દાદા બાહા હમાદાએ જણાવ્યું કે વિસામે સાંભળ્યું કે કારનો દરવાજો ખૂલ્યો અને હિંદે કહ્યું કે ઍમ્બુલન્સ દેખાઈ રહી છે.

વધારાનું રિપોર્ટિંગ : હાનીન અબ્દીન અને જેમ્સ બ્રાયન્ટ

રેડ લાઇન
રેડ લાઇન