પેલેસ્ટાઇનના એક છોકરાનું નાનું એવું સપનું પૂર્ણ તો થયું પણ તેના મૃત્યુ પછી

ઇમેજ સ્રોત, YOUTUBE
- લેેખક, ઍલિસ કડી
- પદ, બીબીસી ન્યૂઝ, જેરૂસલેમ
અવની ઍડૂઝનું સપનું હતું યૂટ્યૂબ પર પ્રખ્યાત થવાનું પણ તેનું આ સપનું તેના મૃત્યુ પછી પૂર્ણ થયું.
ઑગસ્ટ 2022માં પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં તેઓ માઇક્રોફોન પકડીને હસતા ચહેરા સાથે પોતાના યૂટ્યૂબ ગેમિંગ ચૅનલ માટે પોતાની મહત્ત્વકાંક્ષા વિશે વાત કરે છે.
તેમાં તેઓ કહે છે, “તો મિત્રો હું મારો પરિચય આપું છું. હું ગાઝાથી છું અને 12 વર્ષનો એક પેલેસ્ટિનિયન છું. આ ચૅનલનો હેતુ છે એક લાખ કે પાંચ લાખ કે દસ લાખ સબસ્ક્રાઇબર મેળવવાનો.”
પોતાના નાના વીડિયોના અંતમાં તેઓ તેમના 1000 સબસ્ક્રાઇબરને ‘અલવિદા’ કહે છે.
તેના બરાબર એક વર્ષ પછી અવની યુદ્ધની શરૂઆતમાં માર્યા ગયેલા બાળકોમાંથી એક હતા.
સંબંધીઓ કહે છે કે ઑક્ટોબરમાં ઇઝરાયલ પર હમાસે કરેલા હુમલાના દિવસે બૉમ્બમારામાં અવનીના ઘરનો નાશ થયો હતો.
અવનીના એ વીડિયોને અત્યારસુધીમાં 40 લાખથી વધારે લોકોએ જોયો છે. તેમના અન્ય વીડિયોમાં જેમાં તેઓ કોઈ અવાજે રેસિંગ, યુદ્ધ અને ફૂટબૉલ રમી રહ્યા છે એને મળીને તેમને 10 લાખથી વધારે વાર લોકોએ જોયા છે.
આ ચૅનલને 15 લાખથી વધારે લોકો સબસ્ક્રાઇબ કરી ચૂક્યા છે. તેમનાં કાકી આલા તેમને એક ખૂબ જ ‘આનંદિત અને આત્મવિશ્વાસી’ બાળક ગણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરિવારના અન્ય એક સભ્ય તેમને “ઇજનેર અવની” કહી બોલાવતા હતા કારણ કે તેમને કૉમ્પ્યૂટર ગમતું હતું.
બાકીઓના માટે 13 વર્ષનો આ ગેમર એક પ્રકારે પ્રતીક બની ગયો છે જે ગાઝા પટ્ટીમાં બાળકોના મૃત્યુની ભયાનકતાને યાદ અપાવે છે.
તેમના વીડિયો પર કોઈએ ટિપ્પણી કરી છે, "અમને માફ કરજો. કદાચ તમે જતા રહ્યા એની પહેલાં અમે તમને જાણી શકતા."
'અચાનક જોરથી વિસ્ફોટ થયો’

ઇમેજ સ્રોત, FAMILY HANDOUT
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'અચાનક જોરથી વિસ્ફોટ થયો’ હમાસ પ્રશાસિત સ્વાસ્થ્ય વિભાગ અનુસાર ગાઝામાં યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધી 20,000થી વધુ લોકોનાં મોત થયાં છે. જેમાં ત્રીજા ભાગનાં બાળકો છે.
બાળકો માટે કામ કરનારી સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા યૂનિસેફે ગાઝા પટ્ટીને "બાળકો માટે દુનિયાની સૌથી ખતરનાક જગ્યા" ગણાવી છે.
જે દિવસે હમાસે હુમલો કર્યો, ઇઝરાયલે પણ પ્રતિક્રિયામાં બૉમ્બમારો શરૂ કર્યો હતો. આલા કહે છે કે એ રાત્રે આશરે સાડા આઠ વાગ્યે તેમના ફોન પર મિત્રોનો એક મેસેજ આવ્યો જેમાં લખ્યું હતું કે અવનીના ઘર પર બૉમ્બ પડ્યો છે.
ઝૈતૂન વિસ્તારમાં ત્રણ માળની ઇમારતમાં તેમનો પરિવાર રહેતો હતો. અવની એમાં એક માળ પર તેમના માતા-પિતા અને બે મોટી બહેન અને બે નાના ભાઈઓ સાથે રહેતા હતા.
આ હુમલાને માનવાધિકાર સંગઠન ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે નોંધ્યો હતો.
અવનીના કાકા મોહમ્મદ કહે છે, "અચાનક જ બે બૉમ્બ ઇમારત ઉપર પડ્યા અને આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ. મારા પત્ની અને હું ભાગ્યશાળી હતા કે અમે ઉપરના માળે રહેતા હતા."
તેમના એક પાડોશી જણાવે છે કે તેમને આ હુમલા અગાઉ કોઈ ચેતવણી નહોતી મળી. પાડોશીએ કહ્યું, "અચાનક જોરથી વિસ્ફોટ થયો".
ઇઝરાયલી સેનાએ આ હુમલા અંગે કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ કહ્યું છે કે તે લશ્કરી ઠેકાણાંને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો અને 'હમાસ આસ-પાડોશમાં, ભૂગર્ભમાં અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં કામ કરતું હતું.'
ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, "આઈડીએફ તેનાં અભિયાનોને કારણે નાગરિકો અને તેમની સંપત્તિને થયેલાં કોઈપણ નુકસાન માટે ખેદ વ્યક્ત કરે છે અને તેની તમામ કામગીરીની તપાસ કરે છે જેથી તેમાંથી બોધ લઈ સુધારો કરી શકાય અને તમામ કાર્યવાહીને પ્રક્રિયા અને કાયદાના દાયરામાં રાખવાનું સુનિશ્ચિત કરી શકાય."
‘શાંત અને સહાય કરના બાળક’

ઇમેજ સ્રોત, FACEBOOK
જ્યારે આલાને મેસેજ મળ્યો તો તેમને વિશ્વાસ ના થયો. પણ તેઓ હૉસ્પિટલ તરફ ભાગ્યા હતા.
વિસ્થાપિત થઈને દક્ષિણી ગાઝામાં રહેતાં આલાએ પોતાનાં ફેસબુક સંદેશમાં કહ્યું, "તેમણે પૂછ્યું કે અમે મૃતદેહોને જોવા ઇચ્છીએ છીએ પણ મારા પતિએ ના કહી દીધું. તેઓ ઇચ્છતા હતા કે હું તે બધા જીવિત હતા ત્યારના સુંદર ચહેરાઓને યાદ રાખું.”
આલા કહે છે કે એ રાત્રે તેમના પરિવારના 15 લોકો માર્યા ગયા જેમાં અવની પણ છે.
તેઓ અવનીને એક શાંત અને સહાય કરનારો બાળક કહે છે. અવનીના પિતા એક કૉમ્પ્યૂટર ઇજનેર હતા અને તે તેના પિતાની નકલ કરતો હતો. તે તેના પિતાને લૅપટૉપના ભાગોને છૂટ્ટા પાડી દેતો અને ફરી પાછો એ ભાગોને જોડતો હતો.
અવનીએ તેના ફેસબુક પેજ પર એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં તે બ્લૅક બોર્ડ પર પોતાની જ ઉંમરનાં બાળકો સામે એક કૉમ્પ્યુટરના મધરબોર્ડને પકડીને ઊભો છે. તે "લિટલ ટીચર્સ" સ્કીમ હેઠળ આયોજિત કાર્યક્રમમાં ટેકનૉલૉજી સત્રની આગેવાની કરી રહ્યો હતો. તેમના સ્કૂલના ફેસબુક પેજ પર તેમણે જીતેલા અનેક પુરસ્કારોનો ઉલ્લેખ છે.

ઇમેજ સ્રોત, FACEBOOK
તેમના મૃત્યુ પછી તેમના શિક્ષકે અવનીની એક તસવીર પોસ્ટ કરતા લખ્યું, "હંમેશા યથાવત્ રહેનારું સ્મિત”
આલા અનુસાર સ્કૂલ પછી અવની પોતાના પરિવાર સાથે સમય વ્યતીત કરવાનું પસંદ કરતો હતો.
આલા જણાવે છે કે એક રાત્રે "એક ખૂબ જ સરસ સાંજ" જ્યારે તેમણે અવની અને તેના ભાઈ બહેનો સાથે ચૉકલેટ અને કુરકુરે ખાતા એક ફિલ્મ જોઈ હતી.
અવનીના મૃત્યુના ત્રણ અઠવાડિયા અગાઉ આલાએ તેમને નાસ્તાના સમયે જોયા હતા. તે સમયે તેમણે પરિવારના એક સભ્યને કહ્યું હતું, "અવની હવે મોટો થઈ રહ્યો છે."
અવનીને કૉમ્પ્યુટર અને ગેમિંગ ખૂબ ગમતા હતા. અને તે યૂટ્યૂબને આદર્શ માનતો હતો અને તેના આ જ શોખને તે કારકિર્દી બનાવી હતી.
આલા કહે છે, "તે એમના જેવો બનવા માગતો હતો, એવા જ ફૉલોઅર્સ અને પ્રશંસક મેળવવા માગતો હતો."
અવનીએ પોતાની ચૅનલ જૂન, 2020માં શરૂ કરી હતી. તેમના વીડિયોમાં ફૂટબૉલ, કાર રેસિંગ અને યુદ્ધની ગેમ છે.
એક દૂરના સંબંધી અશરફ ઍડૂઝ એક પ્રોગ્રામર છે અને કેટલીયે યૂટ્યૂબ ચૅનલ શરૂ કરવામાં મદદ કરી છે. તેઓ જણાવે છે કે અવની તેમનો મદદ કરવા માટે સંપર્ક કરતા હતા.
ઑગસ્ટ 2022ના મૅસેજમાં જેને બીબીસી સાથે શૅર કરાયો છે તેમાં અવની યૂટ્યૂબની ટિપ્સ માટે તેમને ‘બ્રધર અશરફ’ કહીને બોલાવે છે.
તે ક્યારેક તો પિતાને ખબર ના પડે એવી રીતે અશરફને કૉલ કરતા કરતો હતો.
ચર્ચિત યૂટ્યૂબરે આપી શ્રદ્ધાંજલિ

ઇમેજ સ્રોત, FAMILY HANDOUT
અશરફ યાદ કરતા કહે છે કે ગઈ વખતે અવનીના પિતાએ તેમને કહ્યું હતું, "અવનીનું ધ્યના રાખો. તેના સવાલોના જવાબ આપજો. તે મહત્ત્વકાંક્ષી છે."
અશરફ કહે છે, "તેનું સપનું મારા પ્રતિસ્પર્ધી અથવા મારા સહયોગી બનવાનું હતું. તેણે એક યૂટ્યૂબ ચૅનલ બનાવી. તે બહુ મોટી નહોતી ના વધારે વ્યૂઝ હતા. દરેક સ્ટાર્ટઅપ શરૂઆતમાં અઘરું જ હોય છે."
પણ ઑક્ટોબરમાં અવનીના મૃત્યુ પછી જ્યારે કુવૈતના ગેમર અબોફ્લાહ સહિત કેટલાય નામાંકિત યૂટ્યૂબર્સે પોતના વીડિયોમાં તેમને જગ્યા આપી તો વ્યૂઝ વધવા લાગ્યા.
એક ભાવનાત્મક વીડિયોમાં અબોફ્લાહ રડે છે અને કૅમેરાથી દૂર જતા રહે છે. આને 90 લાખ વાર જોવાયો છે.
તેમને સોશિયલ મીડિયા પર અવનીએ મોકલેલા સંદેશાઓ મળ્યા હતા.
એમાંના એક સંદેશમાં તેઓ કહે છે, "ગાઝા અને પેલેસ્ટાઇનની ઠંડીનો કોઈ જવાબ નથી. અહીંનું વાતાવરણ શાનદાર છે. અમે સાહલાબ અને ગળ્યું દૂધ પી રહ્યા છીએ. એ ખૂબ જ સરસ છે. અમે શેકેલા અખરોટ ખાઈ રહ્યા છીએ. મને આશા છે કે તમે પેલેસ્ટાઇન આવશો. ઘણો બધો પ્રેમ."
એક અન્ય સંદેશમાં અવની અબોફ્લાહને લખે છે, "તમ એક લેજેન્ડ અને એક રોલમૉડલ છો."

ઇમેજ સ્રોત, FACEBOOK
વીડિયોમાં રડતા રડતા અબોફ્લાહ કહે છે, "આ બાળક એ બાળકોમાંથી એક છે જે એનાથી પણ નાનાં છે. જો ખુદા ઇચ્છશે તો તેઓ જન્નતમાં પંખી બનીને ઊડશે."
અબોફ્લાહે ઑક્ટોબરમાં પોસ્ટ કરેલા તેના વીડિયો વિશે બીબીસીને કહ્યું, "આમાં વાતો મનથી નીકળી હતી. હું મારા આંસુ નહોતો રોકી શકતો. તે મને એક રોલમૉડલ માનતો હતો, એ મારા હૃદયને સ્પર્શી ગયું હતું."
શું અવનીએ એક મોટો પ્રભાવ ઊભો કર્યો એ સવાલ પૂછતા અબોફ્લાહ કહે છે, "પ્રશંસક પોતાનામાં અવનીની છબી જુએ છે. અમે બધા અવની છીએ."
એ બૉમ્બમારામાં અવનીનો આખો પરિવાર, તેનાં ચાર ભાઈ-બહેન, માતા-પિતા બધાં જ માર્યાં ગયાં હતાં. પણ બચી ગયેલા સંબંધીઓ કહે છે કે મૃત્યુ પછી તેને મળેલ પ્રસિદ્ધિ પર તેમને ગર્વ છે."
આલા અનુસાર "આ ખુદાની દેન છે કે આખી દુનિયામાં આટલા લોકો અવનીને પ્રેમ કરે છે."
"તે ઉત્સાહમાં ઘણીવાર તેની ચૅનલ વિશે વાત કરતો હતો. હવે જન્નતમાં તે વધારે ખુશ હશે."














