એ યહૂદી બાળકની કહાણી, જે હિટલરના જનસંહારમાંથી બચી ગયો

ઇમેજ સ્રોત, FAMILY OF GEORGE SHEFI
- લેેખક, ડેમિયન મેકગિનીઝ
- પદ, બીબીસી ન્યૂઝ, બર્લિન
હમાસના હુમલા બાદ ઇઝરાયલની વળતી કાર્યવાહીમાં ગાઝામાં અત્યાર સુધીમાં દસ હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે. મૃતકોમાં ચાર હજારથી વધારે બાળકોનો સમાવેશ થાય છે. તેનો અર્થ એ થાય કે દર દસ મિનિટે એક બાળકનું મોત થઈ રહ્યું છે. બાળકોની સ્કૂલો અને ઘરો મોટાં પ્રમાણમાં નાશ પામ્યાં છે. સોશિયલ મીડિયા તેની તસવીરોથી છલકાઈ રહ્યું છે.
આ સમાચારની વચ્ચે ઇઝરાયલનો એક છોકરો 86 વર્ષ બાદ જર્મની પાછો ફર્યો છે. તે એ પ્રવાસ ફરી શરૂ કરી રહ્યો છે, જે તેણે છ વર્ષની વયે હિટલરના જનસંહારમાંથી બચવા માટે શરૂ કર્યો હતો.
ઇઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે હજુ આશા બચી છે અને આ કહાણી જણાવે છે કે યુદ્ધની લોકો પર અને ખાસ કરીને બાળકો પર કેટલી ઘાતક અસર થતી હોય છે.
એક યહૂદી દુકાનદાર ફૂટપાથ પરથી યહૂદીવિરોધી ચિત્રો હઠાવવાના પ્રયાસ કરતો હતો ત્યારે 50-60 લોકોની ભીડ તેની મજાક ઉડાવતી હતી.
યહૂદીઓની માલિકીની ટોપીની એક દુકાનની સામે રસ્તા પર ટોપીઓ અને તૂટેલા કાચ વિખરાયેલાં પડ્યાં હતાં.
છ વર્ષના જ્યૉર્જ શેફીએ આ દૃશ્ય બર્લિનમાંના તેના ઍપાર્ટમેન્ટની બહાર નવેમ્બર, 1938માં નાઝીઓએ કરેલા જનસંહાર બાદ જોયું હતું.
જ્યૉર્જ હવે 92 વર્ષના થયા છે. તેઓ ઇઝરાયલમાં રહે છે. તેઓ કહે છે, “એ દૃશ્ય હજુ પણ મારા દિમાગમાં છે. મને બધી ટોપીઓ અને કાચના ટુકડા દેખાય છે. જાણે કે એ ગઈ કાલે જ બનેલી ઘટના હોય.”
જ્યૉર્જ નાના હતા ત્યારે તેમનાં માતાપિતા વિના નાઝી જર્મનીથી નાસી છૂટ્યાં હતાં. તેમનો સમાવેશ એ લગભગ દસ હજાર યહૂદી બાળકોમાં થતો હતો, જેમને નાઝીઓના હુમલા પછી બ્રિટન લઈ જવાયાં હતાં. તેને બ્રિટિશ કિન્ડર ટ્રાન્સપૉર્ટ કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાઝી જનસંહારનાં 85 વર્ષ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નાઝી જર્મનીમાંથી ભાગી છૂટવાની પોતાની સ્મૃતિ તાજી કરવા માટે જ્યૉર્જ હવે જનસંહારનાં 85 વર્ષે ફરી બર્લિન પાછા આવ્યા છે.
તેમને બર્લિન જિલ્લાના શોનબર્ગમાં હાઉપ્ટસ્ટ્રેસ પર તેમના ઘરની બહાર તોડી પાડવામાં આવેલી દુકાનો યાદ છે. જનસંહારના થોડા દિવસ સુધી તેમને ઘરની બહાર નહીં નીકળવા જણાવવામાં આવ્યું હતું.
યહૂદી પ્રાર્થનાસ્થળ સિનેગોગ સાથે જોડાયેલી તેમની સ્કૂલ આગમાં રાખ થઈ ગઈ છે એ જાણવા મળ્યું ત્યારે તેઓ દિગ્મૂઢ થઈ ગયા હતા.
અલબત્ત, આખા જર્મનીમાં આવું થઈ રહ્યું હતું એ તેઓ જાણતા ન હતા. તેમનું જીવન કાયમ માટે બદલાઈ જવાનું છે એની ખબર પણ તેમને ન હતી.
નાઝીઓની ભીડે 1938ની નવમી નવેમ્બરે સમગ્ર દેશમાં ઉત્પાત મચાવ્યો હતો. યહૂદીઓની દુકાનો અને ઘરોનો નાશ કરવામાં આવ્યો હતો.
જર્મનીમાંના તમામ સિનેગોગ સળગાવી દેવામાં આવ્યાં હતાં. 91 યહૂદીઓની હત્યા કરવામાં આવી હતી અને 30 હજારથી વધુ યહૂદી પુરુષોને કૉન્સન્ટ્રેશન કૅમ્પ એટલે નજરકેદ શિબિરમાં મોકલી આપવામાં આવ્યા હતા.
શું થઈ રહ્યું છે તે જ્યૉર્જનાં માતા મેરી સારી રીતે જાણતાં હતાં. તે એ જ ક્ષણ હતી, જ્યારે તેમણે જ્યૉર્જને એકલા સલામત બ્રિટનમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો.
યહૂદીઓનો ડર
નવેમ્બર જનસંહાર, જેને ક્યારેક ક્રિસ્ટાલનાચટ પણ કહેવામાં આવે છે.
એ ઘટના યહૂદીઓ પરના હિટલરના અત્યાચારમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક છે. આ યહૂદીવિરોધી હિંસા બાદ જર્મનીમાં રહેતા યહૂદીઓને અચાનક સમજાયું હતું કે તેઓ સલામત નથી.
જે લોકો દેશ છોડી શકતા હતા તેઓ રવાના થઈ ગયા હતા. જેઓ દેશ છોડી શકે તેમ ન હતા તેમણે તેમનાં સંતાનોને સલામત બહાર મોકલવાના પ્રયાસ કર્યા હતા.
મેરી જુલાઈ, 1939 સુધીમાં કિન્ડર ટ્રાન્સપૉર્ટમાં જ્યૉર્જ માટે વ્યવસ્થા કરવામાં સફળ થયાં હતાં.
માતાથી છૂટા પડ્યા

ઇમેજ સ્રોત, FAMILY OF GEORGE SHEFI
જ્યૉર્જ કહે છે, “મારાં માતાએ એક સાંજે કહ્યું હતું કે તારાં રમકડાં પસંદ કરી લે. તારે કાલે ટ્રેનમાં રવાના થવાનું છે. તારે જહાજમાં જવાનું છે. તું એક બીજો દેશ જોવા અને બીજી ભાષા શીખવા જઈ રહ્યો છે. અદભુત.”
જ્યૉર્જના જણાવ્યા મુજબ, તેમનાં માતાએ આ પ્રવાસને મજેદાર યાત્રા જેવો બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ તેમની સાથે એકેય રમકડું લઈ જઈ શક્યા ન હતા, કારણ કે બાળકોને એક સીલબંધ સૂટકેસમાં માત્ર જરૂરી સામાન લઈ જવાની છૂટ હતી. કેટલાંક બાળકો તો પોતાનાં લખેલાં નામ સાથે જ રવાના થયાં હતાં.
મેરી જ્યૉર્જને બર્લિનના ફ્રેડરિકસ્ટ્રેસ સ્ટેશને લઈ ગયાં હતાં ત્યાંથી તેઓ બાળકોથી ખીચોખીચ ટ્રેનમાં બેઠા હતા.
જ્યૉર્જ કહે છે, “એ ભયાનક હતું, કારણ કે બધા લોકો પોતાનાં સંતાનોથી છૂટા પડી રહ્યા હતા. મને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે.”
“હું મારી માતાને પ્લૅટફૉર્મ પર દોડતાંદોડતાં મને આવજો કહેવાનો પ્રયાસ કરતા જોઈ શકતો હતો. હું તેમને જોઈ શકતો હતો, પરંતુ ભીડ એટલી બધી હતી કે મારાં માતા મને જોઈ શક્યાં નહીં.”
જ્યૉર્જને ખબર ન હતી કે તેઓ તેમનાં માતાને છેલ્લી વાર જોઈ રહ્યા છે. તેમનાં માતા મેરી સ્પીગેલગ્સાસને 1943માં ઓશ્વિત્ઝ કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાં લઈ જવાયાના થોડા કલાકો બાદ તેમની હત્યા કરવામાં આવી હતી.
યહૂદી બાળકોને બ્રિટનમાં કોણે અપનાવ્યાં?

કિન્ડર ટ્રાન્સપૉર્ટ યોજનાને બ્રિટિશ સરકારનું સમર્થન હતું, પરંતુ તે યોજના બિનસરકારી સંગઠનોના દાન અને સ્વયંસેવકો પર નિર્ભર હતી.
બ્રિટિશ સરકારે બાળકો માટે વિઝામાં માફી આપી હતી, પરંતુ તેમનાં માતાપિતાને નહીં. એ પૈકીના મોટા ભાગના લોકો હોલોકોસ્ટમાં માર્યા ગયા હતા.
જ્યૉર્જના જણાવ્યા મુજબ, જે બાળકો બચીને બ્રિટન પહોંચ્યાં હતાં, તેમની પસંદગી ઇંગ્લૅન્ડમાં એવા પરિવારો કરવાના હતા, જેમને એ બાળકો ક્યારેય મળ્યાં ન હતાં, તેમની ભાષા જાણતા ન હતાં. એ બહુ દુઃખદ હતું.
જ્યૉર્જ કહે છે, “તે એક ઢોર બજાર જેવું હતું. તમે સોનેરી વાળ અને વાદળી આંખોવાળી પાંચ વર્ષની છોકરી હો તો તમને સામાન્ય રીતે સારો પરિવાર મળતો હતો. તમે કોઈ 17 વર્ષની છોકરી હો અને તમારું નાક જરાક આડું હોય તો તમને કોઈ સસ્તા ઘરેલુ નોકર તરીકે અપનાવતું હતું.”
તેમના જણાવ્યા મુજબ, જે પરિવારોએ આ બાળકોને અપનાવ્યાં હતાં, તેમના પર નજર રાખવાની કોઈ વ્યવસ્થા ન હતી. આવાં કેટલાંક બાળકોએ બાદમાં ફરિયાદ કરી હતી કે તેમણે ભાવનાત્મક અથવા શારીરિક શોષણનો સામનો કરવો પડ્યો હતો.
જ્યૉર્જ બર્લિન શું કરવા ગયા?

જ્યૉર્જને બર્લિનમાં તેમની સ્કૂલના સ્થળે, રમતના મેદાન પર બનાવવામાં આવેલું સ્મારક હોલોકોસ્ટમાં માર્યા ગયેલાં મેરી સહિતના સ્થાનિક યહૂદી લોકોની યાદ અપાવે છે. જ્યૉર્જ 11 વર્ષના સ્કૂલના વિદ્યાર્થીઓના એક ક્લાસ સમક્ષ પોતાના જીવન વિશે વાત કરવા બર્લિન આવ્યા છે.
તુઆના નામની એક વિદ્યાર્થિની કહે છે, “તમે તમારા સંતાનને ટ્રેનમાં બેસાડો અને પછી તેને ક્યારેય જોઈ ન શકો. એક માતા માટે તે ખરેખર બહુ મુશ્કેલ હશે.”
બાળકો જ્યૉર્જને એક ભેટ આપે છે. તે એક નાનકડું બૉક્સ છે. તેમાં ટાઇલ્સનો એક ટુકડો છે. એ તેમની એ સ્કૂલની ઇમારતનો એક હિસ્સો છે, જેને જનસંહારમાં આગ ચાંપી દેવામાં આવી હતી.
આ એક યાત્રાનો હિસ્સો છે, જે જ્યૉર્જ અને જીવતા બચેલા બે અન્ય લોકો કરી રહ્યા છે. તેઓ જર્મનીમાંના તેમના બાળપણના ઘરથી લંડનના લિવરપુલ સ્ટ્રીટ ટ્રેન સ્ટેશન સુધીનો પ્રવાસ નૌકા અને ટ્રેન મારફત કરી રહ્યા છે.
કિન્ડર ટ્રાન્સપૉર્ટ યોજના હેઠળ બ્રિટન લાવવામાં આવેલાં બાળકોની તેમના પાલનકર્તાઓ કે સંબંધીઓ સાથે પહેલી મુલાકાત લંડનના લિવરપુલ સ્ટ્રીટ ટ્રેન સ્ટેશને જ થઈ હતી.
શું છે જ્યૉર્જની યાત્રાનો ઉદ્દેશ?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
સ્કોટ સોન્ડર્સ જેવા આ યાત્રાના આયોજકોનું માનવું છે કે ઇઝરાયલ-ગાઝા યુદ્ધના અનુસંધાને મધ્ય-પૂર્વમાં જે થઈ રહ્યું છે તેને ધ્યાનમાં લેતાં આ પ્રકારના ઘટના પહેલા કરતાં ઘણી વધારે મહત્ત્વની છે.
હોલોકોસ્ટ વિશે માહિતી આપતી સંસ્થા માર્ચ ઑફ ધ લિવિંગ યુકે માટે સોન્ડર્સ કામ કરે છે.
તેઓ કહે છે, “તમે આજની દુનિયા જુઓ છો અને યહૂદી-વિરોધી લાગણીમાં વૃદ્ધિ તેમજ ઇસ્લામોફોબિયા તથા સમલૈંગિકો પ્રત્યે નફરત સહિતના નફરતના તમામ સ્વરૂપમાં વધારો જુઓ છો ત્યારે ઊભા થઈને “નહીં, ફરીથી નહીં.” એમ કહેવાની આપણી જવાબદારી છે. તેનો અર્થ એ થવો જોઈએ કે એવું ફરી ક્યારેય થવું ન જોઈએ.”
જ્યૉર્જે 13 વર્ષની વયે પોતાના દમ પર વધુ એક યાત્રા કરી હતી. એ વખતે તેઓ નૌકામાં બેસીને અમેરિકા ગયા હતા. તેઓ 18 વર્ષના થયા ત્યારે ઇઝરાયલ ચાલ્યા ગયા હતા. ત્યાં પહોંચીને નૌકાદળમાં સામેલ થઈ ગયા હતા અને લગ્ન કર્યાં હતાં.
અળગા થવાના આઘાતમાંથી તમે કેવી રીતે બચી ગયા, એવો સવાલ મેં કર્યો ત્યારે જ્યૉર્જે સ્મિત કરતાં કહ્યું, “હું નસીબદાર હતો. કિન્ડર ટ્રાન્સપૉર્ટ મારફત જર્મનીમાંથી બહાર નીકળવાનું બધાના નસીબમાં નથી હોતું.”
જ્યૉર્જ કહે છે, “બીજી તરફ હું એવા લોકોને પણ મળ્યો હતો, જેમણે મને મદદ કરી હતી. મને એક સારો પરિવાર મળ્યો અને હું 92 વર્ષનો થઈ ગયો. હું તે માણસની ફરિયાદ ખરેખર ન કરી શકું.”
જ્યૉર્જ અને તેમનો પરિવાર લોકો સાથે વાત કરવા અનેક વાર બર્લિન આવ્યો છે, જેથી ઇતિહાસ ક્યારેય ભુલાય નહીં અને તેનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરી શકાય.
દરેક યાત્રામાં તેમની એક પરંપરા હોય છે : જ્યૉર્જ એવી દરેક જગ્યાએ પોતાનો ફોટો પાડે છે, જ્યાં 90 વર્ષ પહેલાં સ્મિત કરતા એક નાના છોકરાના સ્વરૂપમાં તેમનો ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો. શું થવાનું છે તેનાથી એ છોકરો અજાણ હતો.
એ સ્થળો પરના તેમના બાદના ફોટોગ્રાફ તેમના વધતા પરિવારની સાથે તેમની નીડરતા પણ દર્શાવે છે. જ્યૉર્જ શેફીનાં બાળકો, પૌત્રો-પૌત્રીઓ અને પ્રપૌત્રો-પ્રપૌત્રીઓ હિટલર પરનો તેમનો અંતિમ વિજય છે.














