ગાઝા: અનેક લડાઈઓ છતાં સદીઓથી અડીખમ રહેલા શહેરની કહાણી

ગાઝા

ઇમેજ સ્રોત, BILDAGENTUR-ONLINE/UIG VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, વર્ષ 1886માં બનેલું આ પૅન્ટિંગ ઈસ પૂર્વ 312માં થયેલી ‘ગાઝાની લડાઈ’નું ચિત્રણ દર્શાવે છે
    • લેેખક, ઓમેમા અલ-શાઝલી
    • પદ, બીબીસી અરબી, કૈરો (ઇજિપ્તથી)

“ઇતિહાસના સૌથી જૂના શહેરો પૈકીનું એક... આ કોઈ એક સદી કે યુગનું શહેર નથી, પરંતુ તમામ પેઢીઓનું સાક્ષી છે...અને વીતેલા તમામ યુગનું હમરાઝ છે. જે દિવસથી ઇતિહાસની નોંધ શરૂ થઈ તે દિવસથી આનું અસ્તિત્વ છે.”

જેરુસલેમના પેલેસ્ટાઈની ઇતિહાસકાર આરિફ અલ-આરિફે 1943માં પ્રકાશિત એક પુસ્તકમાં આ શબ્દો સાથે ગાઝા શહેરનું વર્ણન કર્યું હતું.

અરબી, અંગ્રેજી, ફ્રેન્ચ અને તુર્કી સાહિત્યમાં આ તટીય શહેર વિશે જે કંઈ લખવામાં આવ્યું છે તેનો સારાંશ તેમણે આ પુસ્તકમાં નોંધ્યો છે.

અમેરિકન રબ્બી માર્ટિન મેયરના ગાઝા શહેર વિશેના 1907માં મુદ્રિત પુસ્તકમાં અમેરિકન ઓરિએન્ટલ રિચર્ડ ગોથિલે લખ્યું હતું, “ઇતિહાસના અભ્યાસમાં રુચિ ધરાવતા લોકો માટે આ એક રોમાંચક શહેર છે.”

તેનું વ્યૂહાત્મક મહત્ત્વ સમજાવતાં ગોથિલે લખ્યું હતું, “દક્ષિણ અરબસ્તાન અને સુદૂર પૂર્વથી ભૂમધ્ય સાગર સુધી સામાન પહોંચાડતા કાફલાઓ માટે ગાઝા એક મિલન સ્થળ હતું. આ શહેર માલસામાનને સીરિયા, એશિયા માઇનર (તુર્કી) અને યુરોપ સુધી પહોંચાડવાનું કેન્દ્ર હતું. આ શહેર પેલેસ્ટાઇન અને ઇજિપ્ત વચ્ચેની કડી પણ છે.”

ગાઝા શહેરનાં ત્રણ નામ

ગાઝા શહેર

ઇમેજ સ્રોત, SEPIA TIMES/UNIVERSAL IMAGES GROUP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 1898માં ગાઝા

રસપ્રદ વાત એ છે કે તેરમી સદીના લેખક અને પ્રવાસી યાકૂત અલ-હમાવીના વિશ્વકોશ ‘કિતાબ મુજમ અલ-બુલદાન’માં આ વિસ્તારમાં ગાઝા નામે જાણીતી ત્રણ શહેરોનો ઉલ્લેખ છે.

પહેલું નામ હતું જઝીરા અલ-અરબ. આ શહેર વિશે વિખ્યાત અરબી કવિ અલ-અખ્તલ અલ-તગલીબીએ એક કવિતા પણ લખી હતી.

તેનું બીજું નામ ‘ઈફ્રિકિયા’ હોવાનું અલ-હમાવી જણાવે છે, જે ટ્યુનિશિયાનું પણ જૂનું નામ છે. અલ-હમાવીનું કહેવું છે કે આ શહેર અને કૈરો વચ્ચે ત્રણ દિવસ પ્રવાસ કરવો પડતો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અલ-હમાવી ગાઝાનું વર્ણન કરતાં લખે છે, “ઇજિપ્તની દિશામાં લેવંતના સૌથી દૂરના હિસ્સામાં એક શહેર સ્વરૂપે વસ્યું છે ગાઝા. આ શહેર અશ્કોલનની પશ્ચિમમાં પેલેસ્ટાઈન વિસ્તારમાં આવેલું છે.”

આરબ જગત પ્રાચીન કાળથી જ તેને ગઝા કહેતું રહ્યું છે. ઇસ્લામી યુગમાં પેગંબર મહમદના દાદા હાશિમ બિન અબ્દ મનાફના સંદર્ભમાં આ શહેરને હાશેમનું ગઝા કહેવામાં આવતું હતું. હાશિમનું મૃત્યુ ત્યાં થયું હતું.

પ્રસિદ્ધ ઇસ્લામિક વિદ્વાન અને લેખક ઈમામ અલ-શફીઈનો જન્મ આ શહેરમાં થયો હતો.

હિબ્રૂ ભાષામાં તેને અઝા કહેવામાં આવે છે, કેમ કે હિબ્રૂમાં તેને અરબીના અક્ષર ગૈન(ગ)ને બદલે એન (અ) અથવા હમઝાથી લખવામાં આવે છે.

અલ-આરિફે પોતાના પુસ્તક ‘ધ હિસ્ટ્રી ઑફ ગાઝા’માં લખ્યું છે કે તેને કેટલાક સમુદાય હઝાતી કહેતા હતા, જ્યારે પ્રાચીન ઇજિપ્તવાસીઓ તેને ગઝાતુ અથવા ગદાતુ કહેતા હતા.

ગાઝાને દરેક યુગમાં અલગ-અલગ નામ આપવામાં આવ્યાં હતાં, એવો ઉલ્લેખ ગ્રીક શબ્દકોશમાં પણ છે. એ નામોમાં આયની, મિનોઆ અને કોન્સ્ટેંટિયાનો સમાવેશ થાય છે.

ચોથી સદીમાં વર્તમાન ઇઝરાયેલના કૈસરિયા વિસ્તારમાં જન્મેલા ખ્રિસ્તી થિયૉલૉજિયન યૂસેબિયસે ગાઝાનો અર્થ ગર્વ અને શક્તિ થતો હોવાનું જણાવ્યું હતું.

વિખ્યાત સ્કોટિશ લેગ્સિકોગ્રાફર (શબ્દકોશનું લેખન કરનાર) સર વિલિયમ સ્મિથે 1863માં પ્રકાશિત પોતાની ‘ડિક્શનરી ઑફ ધ ઓલ્ડ ટેસ્ટામેન્ટ’માં પણ ગઝાનો ઉલ્લેખ કર્યો છે.

વર્ષ 1910માં પ્રકાશિત ‘ડિક્શનરી ઑફ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ’ના લેખક સોફ્રોનિયસના જણાવ્યા મુજબ, ગઝા એક ફારસી શબ્દ છે, જેનો અર્થ થાય છે શાહી ખજાનો, પરંતુ ઘણા લોકો આ શબ્દની ઉત્પત્તિ ગ્રીક ભાષામાં થઈ હોવાનું માને છે. ગ્રીકમાં તેનો અર્થ ધન કે ખજાનો થાય છે. આ સંદર્ભમાં ફારસી અને ગ્રીકમાં ગાઝાનો અર્થ નજીકનો મામલો છે.

એવું કહેવાય છે કે ઈરાનના એક રાજાએ ગાઝામાં પોતાનું ધન છૂપાવી દીધું હતું અને ઈરાન પાછા ચાલ્યા ગયા હતા. આ ઘટના રોમન યુગ દરમિયાન બની હોવાનું માનવામાં આવે છે.

યાકૂત અલ-હમાવીએ પણ ઉલ્લેખ કર્યો છે કે ટાયર નામની વ્યક્તિની પત્નીનું નામ ગઝા હતું. તેના નામ પરથી ફિનિશિયન શહેર ટાયરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ટાયર હાલ લેબનનમાં આવેલું છે.

ગાઝાનું નિર્માણ કોણે કર્યું હતું?

ગાઝા શહેર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, આ પૅન્ટિંગ વિક્ટર ગોરિને 1875માં બનાવ્યું હતું. પાછળ ગાઝા શહેર જોઈ શકાય છે

અંગ્રેજ પુરાતત્ત્વવિદ્ સર ફ્લિંડર્સ પેટ્રીને ઇજિપ્ત તથા તેની આસપાસની આર્કિયોલૉજીના નિષ્ણાત માનવામાં આવે છે.

તેમણે કહેલું કે પ્રાચીન ગાઝાની સ્થાપના ઈસવી પૂર્વે વર્ષ 3,000માં હિલ અલ-અજવાલ નામની પહાડી પર થઈ હતી. એ દરમિયાન આક્રમણને કારણે તેના રહેવાસીઓએ શહેર છોડી દીધું હતું.

આક્રમણને કારણે વિસ્થાપિત થયેલા શહેરના લોકો ત્રણ માઈલ દૂર આવેલા સ્થળે સ્થાયી થયા હતા અને નવા ગાઝા શહેરની સ્થાપના કરી હતી.

વર્તમાન ગાઝા એ જ સ્થાને છે. એ હુમલો ઇજિપ્તના હિક્સોસ વંશના કાર્યકાળ દરમિયાન થયો હોવાનું માનવામાં આવે છે. હિક્સોસ વંશે ઇજિપ્ત પર ઈસવી પૂર્વે 1638-1530 દરમિયાન 108 વર્ષ રાજ કર્યું હતું.

એ દરમિયાન ગાઝા પર આ વંશનું જ નિયંત્રણ હોવાનું માનવામાં આવે છે.

પ્રાચીન ગાઝા કેવું હતું?

ગાઝા શહેર

ઇમેજ સ્રોત, UNIVERSAL HISTORY ARCHIVE/UNIVERSAL IMAGES GROUP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 19મી સદીમાં ગાઝા શહેર

અલબત્ત, કેટલાક લોકો આ કથાનો અસ્વીકાર કરે છે અને કહે છે કે ગાઝા આજે પણ તેના એ જ પ્રાચીન સ્થાને છે, જ્યાં તે પહેલી વાર વસ્યું હતું.

આ વિચાર મુજબ, તાલ અલ-અજૌલ ગાઝાનું વાણિજ્યિક બંદર હતું. કેટલાક લોકો માને છે કે પ્રાચીન ગાઝાને સિકંદર ધ ગ્રેટે નષ્ટ કરી નાખ્યુ હતું અને આધુનિક ગાઝા બીજા સ્થાને આકાર પામ્યું છે. સર પેટ્રીનો મત પણ આવો જ છે.

અલ-આરિફે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ગાઝા શહેર મેનાઈટ્સ કબીલાએ વસાવ્યું હતું. મેનાઈટ્સ લોકોને આરબ જગતના સૌથી જૂના રહેવાસી માનવામાં આવે છે. એ લોકોએ ઈસવી પૂર્વે 1,000માં સંસ્કૃતિનો ઝંડો ઉઠાવ્યો હતો.

અલ-આરિફના જણાવ્યા મુજબ, ગાઝા શહેરને એક કેન્દ્રના સ્વરૂપમાં સ્થાપિત કરવાનું શ્રેય આ લોકોને ફાળે જાય છે.

આરબો માટે ગાઝાનું મહત્ત્વ એ હકીકતથી સમજી શકાય કે તે ઇજિપ્ત અને ભારત વચ્ચે એક મહત્ત્વની વ્યાપારી કડી હતું. આ શહેર રાતા સમુદ્રમાં નેવિગેશનની સરખામણીએ તેમના માટે સૌથી સારો વ્યાપારી માર્ગ હતું.

આરબ જગત અને ભારત

ફ્રાન્સિસ ફ્રીથે ગાઝા શહેરની આ તસવીર વર્ષ 1858માં ખેંચી હતી

ઇમેજ સ્રોત, SEPIA TIMES/UNIVERSAL IMAGES GROUP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ફ્રાન્સિસ ફ્રીથે ગાઝા શહેરની આ તસવીર વર્ષ 1858માં ખેંચી હતી

આ ક્ષેત્રમાં વ્યાપાર અરેબિયન દ્વીપકલ્પના દક્ષિણમાં યમનમાં શરૂ થયો હતો. ત્યાં આરબ જગત અને ભારત વચ્ચે વ્યાપાર ફૂલ્યોફાલ્યો હતો.

યમન પછી વ્યાપારનો એ રૂટ બે શાખામાં વિભાજિત થવા પહેલાં ઉત્તરમાં મક્કા, મદીના અને પેટ્રો સુધી વિસ્તર્યો હતો.

બીજી શાખા તાઈમ, દમિશ્ક અને પાલમાયરાના રણ માર્ગે ભૂમધ્ય સમુદ્ર પર સ્થિત ગાઝા સુધી પહોંચી હતી.

કેટલાક ઇતિહાસકારોનો નિષ્કર્ષ છે કે મેએન અને શીબા સામ્રાજ્ય ગાઝા શહેરની સ્થાપના કરનાર પહેલા આરબ શાસક હતા.

અલ-આરિફના જણાવ્યા મુજબ, એવિઈટ્સ અને અનાકિટ્સ ગઝામાં વસેલા પહેલા લોકો હતા. તેમને પ્રાચીન પેલેસ્ટિનિયનો પણ કહેવામાં આવે છે અને તેમનો ઉલ્લેખ ઓલ્ડ ટેસ્ટામેન્ટનાં પુસ્તકોમાં કરવામાં આવ્યો છે.

પેગંબર ઇબ્રાહીમના વંશજ, દક્ષિણી જૉર્ડનની એક બદ્દુ જનજાતિ ડાયનાઈટ્સ અને એડોમાઈટ્સમાં પણ ગાઝામાં વસ્યા હોવાની માન્યતા છે.

કનાની સંસ્કૃતિના લોકો

ગાઝા
ઇમેજ કૅપ્શન, જૂના ગાઝા શહેરમાં ઐતિહાસિક ચર્ચ

ધ હિસ્ટ્રી ઑફ ગાઝા પુસ્તકમાં એવો ઉલ્લેખ છે કે બુક ઑફ જેનેસિસ (હિબ્રી બાઇબલ અને ખ્રિસ્તીઓના ઓલ્ડ ટેસ્ટામેન્ટનું પહેલું પુસ્તક)માં જણાવ્યા મુજબ ગાઝા દુનિયાનાં પ્રાચીન શહેરો પૈકીનું એક છે.

બુક ઑફ જેનેસિસમાં જણાવ્યા અનુસાર, તેમાં નોઆના પુત્ર હામના વંશજ કનાની સંસ્કૃતિના લોકોને વસાવ્યા હતા, પરંતુ એક અન્ય ઉલ્લેખમાં કહેવામાં આવ્યું છે કે કનાની લોકોએ તેને એમોરિયો જનજાતિ પાસેથી જીતી લીધું હતું.

ટ્યુનિશિયામાં 14મી સદીમાં જન્મેલા ઇતિહાસકાર ઈબ્ર ખલ્દૂનના જણાવ્યા મુજબ, કનાની લોકો આરબ જ હતા. તેઓ પોતાના વંશને અમાલેકિયા જનજાતિ સાથે જોડતા હતા, પરંતુ કેટલાક લોકો માને છે કે કનાની લોકો વાસ્તવમાં પર્શિયન ગલ્ફમાંથી આવ્યા હતા. ઇતિહાસકારોનું અનુમાન છે કે તેઓ 5,000 વર્ષ પહેલાં આ પ્રદેશમાં રહેતા હતા.

બ્રિટિશ પુરાતત્ત્વવિદ્ સર પેટ્રીનું માનવું છે કે શહેરની દીવાલના જે મોટા હિસ્સામાં અવશેષ મળી આવ્યા હતા, તેનું નિર્માણ કનાનીઓના યુગમાં કરવામાં આવ્યું હતું. ત્યાં ખોદકામ કરનાર લોકોને કનાનીઓ પછી એટલા વિશાળ પથ્થર બીજી વાર મળ્યા ન હતા.

મૂળાક્ષરોના શોધક

ગાઝા

ઇમેજ સ્રોત, SEPIA TIMES/ UNIVERSAL IMAGES GROUP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ગાઝા શહેર, વર્ષ 1839

ગાઝા પટ્ટીના તેલ અલ-અજુલ શહેરના દક્ષિણ છેડે એક કનાની શહેરના ખંડેર પણ મળી આવ્યા હતા, જે દેખીતી રીતે ઇજિપ્તના હિક્સોસ વંશના કબજામાં હતું. ત્યાંથી કબરો પણ મળી છે. એ પૈકીની કેટલીક ઈસવી પૂર્વે વર્ષ 4,000માં કાંસ્ય યુગમાં બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

અલ-આરિફના જણાવ્યા મુજબ, કનાની લોકો ગાઝામાં જૈતુનની ખેતી કરતા હતા. એ લોકોનો વ્યાપાર માટીનાં વાસણથી માંડીને ખનન સુધી ફેલાયેલો હતો.

કનાની સંસ્કૃતિને જ મૂળાક્ષરોની શોધકર્તા માનવામાં આવે છે. યહૂદીઓએ આ લોકોના અનેક કાયદા અને સિદ્ધાંત અપનાવ્યા હોવાનું કહેવાય છે.

ઇતિહાસમાં ગાઝા ઉપર ઇજિપ્ત, બેબીલોન, અસિરિયન, યૂનાની, ઈરાની અને રોમન સામ્રાજ્યે રાજ કર્યું હતું. આરિફ અલ-આરિફે ગાઝાના ઇતિહાસને ગૌરવશાળી ગણાવ્યો છે.

તેના કેટલાક કારણ જણાવતાં તેમણે લખ્યું છે, “ગાઝાએ તેના જીવનકાળ દરમિયાન તમામ પ્રકારના આફતો અને ખતરનાક પરિસ્થિતિનો સામનો કર્યો છે. કાં તો તેના પર હુમલો હુમલા કરનાર પરાજિત થયા છે અથવા તેઓ પોતે અહીં ખતમ થઈ ગયા છે. આ ઉદાહરણનો કોઈ અપવાદ નથી.”