હમાસની જે સુરંગોને ઇઝરાયલ તબાહ કરવા માગે છે એનું જાળું કેવું પથરાયેલું છે?

ટનલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • ગત શનિવારે ઇઝરાયલ પર ગાઝાના ઉગ્રવાદી સંગઠન હમાસે હુમલો કર્યો, બાદમાં જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલે કાર્યવાહી શરૂ કરી છે. હવે ઇઝરાયલે ગાઝા પટ્ટીના અડધા ભાગને ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે.
  • ઇઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે હમાસ લોકોને ઉત્તરી ગાઝા ખાલી કરવાથી રોકી રહ્યું છે.
  • ઇઝરાયલના વડા પ્રધાન બિન્ઝામિન નેતન્યાહૂએ કહ્યું કે દેશની વિસ્તારિત ઇમરજન્સી સરકાર રાતદિવસ કામ કરી રહી છે. તેમણે કહ્યું કે "સરકારમાં બધા લોકો આ સમયે એકસાથે ઊભા છે."
  • ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષ દરમિયાન ગાઝા પર ચર્ચા માટે સાઉદી અરેબિયાએ ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશન (ઓઆઈસી)ની એક બેઠક બોલાવી છે.
  • ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)નું કહેવું છે કે તે ગાઝા પર જમીન, હવા અને સાગરના રસ્તેથી હુમલો કરવાની યોજનામાં છે, પરંતુ તેણે એ ન કહ્યું કે જમીન હુમલો ક્યારે થશે.

ગાઝાએ વિશ્વની સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતા વિસ્તારોમાંથી એક છે. જ્યાં પ્રતિવર્ગ કિલોમીટર પાંચ હજાર 700 જેટલા લોકો રહે છે, આ દર બ્રિટનની રાજધાની લંડન જેટલો છે.

એમાં પણ ગાઝાની ઉત્તરના વાડી ગાઝા વિસ્તારમાં વસ્તીગીચતાનો દર પ્રતિવર્ગ કિલોમીટર નવ હજાર જેટલો છે. બીજી બાજુ, ઉગ્રવાદી સંગઠન હમાસે નાગરિકોને આ ચેતવણીની અવગણના કરવા માટે કહ્યું છે.

ઇઝરાયલનો આરોપ છે કે હમાસ દ્વારા તેનાં સશસ્ત્ર અભિયાનો માટે ગાઝાવાસીઓનો ઉપયોગ ઢાલ તરીકે કરવામાં આવે છે.

આ પહેલાંના વર્ષ 2021ના ગાઝાના જમીની અભિયાન દરમિયાન ઇઝરાયલની સેના દ્વારા કેટલાક વીડિયો બહાર પાડવામાં આવ્યા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે હમાસના ઉગ્રવાદીઓ દ્વારા નાગરિક વિસ્તારોમાંથી રૉકેટ છોડવામાં આવે છે.

શુક્રવારે સવારે ઇઝરાયલની સેના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે હમાસ દ્વારા નાગરિક વિસ્તારોના ઘરોની છતો ઉપરથી ઇઝરાયલની દિશામાં ડ્રોન છોડવામાં આવી રહ્યા છે. ઇઝરાયલના અમુક દાવાની ખરાઈ કરવી મુશ્કેલ છે, કારણ કે હમાસની સશસ્ત્ર પાંખ પોતાના અભિયાનો વિશે ખૂબ જ ગુપ્તતા સેવે છે અને તેઓ દ્વેષપૂર્વક કાર્યવાહી ન કરે તે માટે આ મુદ્દે ગાઝાવાસીઓ ચૂપ રહે છે.

ગાઝાની અંડરગ્રાઉન્ડ સુરંગોને મેટ્રોના જાળા તરીકે ઓળખવામાં આવે છે. જે હમાસના લડવૈયાઓને છુપાઈને ઇઝરાયલની સેના સામે લડવાની સવલત આપે છે.

ગ્રે લાઇન

ગાઝા 'મેટ્રો ટનલ'

નકશો

શનિવારે ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા સીમા પાર કરીને ઇઝરાયલમાં અભૂતપૂર્વ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક હજાર 300 કરતાં વધુનાં મૃત્યુ થયાં છે, જ્યારે દોઢસોથી વધુને બંધક બનાવી રાખવામાં આવ્યા છે.

ઇઝરાયલના સંરક્ષણ દળના પ્રવક્તાએ તેમના એક વીડિયોમાં કહ્યું હતું કે ગાઝાનું એક સ્તર નાગરિકોનું છે અને બીજું સ્તર હમાસે બનાવ્યું છે. જે ગાઝાના નાગરિકો માટેના બંકર નથી. તેમણે કહ્યું: "હમાસના તથા અન્ય આતંકવાદીઓ દ્વારા ઇઝરાયલ ઉપર રૉકેટ છોડવા તથા ઇઝરાયલ વિરુદ્ધ યોજનાઓ ઘડવા તથા આતંકવાદીઓ મોકલવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે."

'ગાઝા મેટ્રો'ની સૂરંગો કેટલી ઊંડી, લાંબી અને વ્યાપક છે એનો અંદાજ લગાડવો મુશ્કેલ છે. વર્ષ 2021ના સંઘર્ષ પછી ઇઝરાયલે દાવો કર્યો હતો કે તેણે એક્સો કિલોમીટર જેટલી લાંબી ભૂગર્ભ સૂરંગોનો નાશ કર્યો છે.

હમાસનું કહેવું હતું કે તેની સૂરંગો 500 કિલોમીટર જેટલી લાંબી છે. ગાઝાનો વિસ્તાર ગાઝાપટ્ટી 41 કિલોમીટર લાંબી અને 10 કિલોમીટર પહોળી છે.

ગ્રે લાઇન

સુરંગની શરૂઆત

ટનલ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 2005 સુધી ઇઝાયલીઓ ગાઝાપટ્ટીની વસાહતોમાં રહેતા હતા, પરંતુ તેના લગભગ દોઢેક દાયકા પહેલાંથી તેનું નિર્માણકાર્ય ચાલુ થઈ ગયું હતું.

પ્રારંભિક વર્ષો દરમિયાન ઇજિપ્તમાંથી હથિયારો લાવવા લઈ જવા માટે તેનો ઉપયોગ થતો. વર્ષ 2006 આસપાસ ગાઝાપટ્ટીમાં હમાસની સત્તામાં આવ્યું એ પછી ઇઝરાયલ તથા ઇજિપ્તે લોકો અને માલસામાનની અવરજવર પર વ્યાપક પ્રતિબંધ લાદ્યા હતા.

ગાઝાની બાજુએ સીમાઓથી લગભગ 100-300 મીટર વિસ્તારમાં ખેતી થઈ શકે છે. કાંટાળી વાડબંધીથી 100 મીટરના વિસ્તારમાં કોઈ સામાન્ય ગાઝાવાસીને પ્રવેશવાની છૂટ નથી. બંને બાજુએ નજર રાખવા માટે ટાવર ઊભા કરવામાં આવ્યા છે.

એક તબક્કે ગાઝામાંથી ઇઝરાયલમાં પણ સૂરંગો નીકળતી હતી એટલે ઇઝરાયલ દ્વારા સરહદે જમીનની અંદર કૉંક્રિટની દીવાલ બનાવવામાં આવી છે, જેથી કરીને કિબુત્ઝના છૂટાછવાયા વિસ્તારોમાં ગાઝા તરફથી પ્રવેશ ન થઈ શકે.

વર્ષ 2021 આસપાસ આ કામગીરી પૂર્ણ થઈ હતી. આમ છતાં અત્યાર સુધીના સૌથી મોટા ઉગ્રવાદી હુમલામાં સૂરંગ વાટે હમાસના લડવૈયા પહોંચ્યા હોવાની શક્યતાને નકારી ન શકાય.

વર્ષ 2006માં ગાઝાના ઉગ્રવાદીઓએ સુરંગના માર્ગે ઇઝરાયલમાં પ્રવેશ કર્યો હતો અને બે સૈનિકને મારી નાખ્યા હતા, જ્યારે એક સૈનિકને પાંચ વર્ષ સુધી બંધક બનાવી રાખ્યો હતો.

એ પછી સીમાઓ ઉપર મોશન સેન્સર, કૅમેરા, ભૂગર્ભ હલચલ માપનયંત્ર વગેરે લગાડવામાં આવ્યા હતા.

એક તબક્કે ગાઝા અને ઇજિપ્તની વચ્ચે લગભગ 2500 જેટલી સૂરંગ સક્રિય હતી. જ્યાંથી ઈંધણ, હથિયાર અને કિંમતી સામાનની હેરફેર થતી. વર્ષ 2010માં ઇઝરાયલે તેની સીમાઓને સામાનની હેરફેર માટે ખોલી નાખી એ પછી આ સુરંગો બિનઉપયોગી થઈ ગઈ હતી. આગળ જતાં ઇજિપ્તે તેમાં પાણી ઠાલવીને તેને બંધ કરી દીધી.

વર્ષ 2014માં ઇઝરાયલને માટે "ટૅરર ટનલ"ની સમસ્યા એટલી વિકરાળ બની ગઈ હતી કે તેણે હવાઈ તથા જમીન માર્ગે ગાઝાની ઉપર હુમલા કર્યા હતા. એ અભિયાન દરમિયાન 30 જેટલી ટનલનો નાશ કરવામાં આવ્યો હતો.

ગ્રે લાઇન

સુરંગની દુનિયામાં ડોકિયું

ટનલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇઝરાયલની રિચમૅન યુનિવર્સિટી ખાતે ભૂગર્ભ યુદ્ધકૌશલ શીખવતા ડૉ. ડેફની રિચમન્ડ-બરાકના કહેવા પ્રમાણે, "ઇઝરાયલની સીમાને આરપાર બનાવવામાં આવતી સૂરંગો તકલાદી હોય છે અને તેનો બહુ થોડા સમય માટે ઉપયોગ થનાર હોય છે. તેનો ઉપયોગ ઇઝરાયલની સીમાઓમાં પ્રવેશવા માટે કરવામાં આવે છે."

ગાઝાની જમીન રેતાળ છે અને તેમાં ખડક બહુ ઓછા છે એટલે ગાઝામાં હમાસે જે સુરંગો બનાવી છે તે અલગ પ્રકારની હોય છે.

ડૉ. રિચમંડ-બરાકનું કહેવું છે કે તાજેતરનાં વર્ષો દરમિયાન સીરિયાના બળવાખોરો તથા મૌસૂલના ઇસ્લામિક સ્ટેટના જેહાદી ઉગ્રવાદીઓ પાસેથી ટનલ બનાવવાની કળામાં મહારત હાંસલ કરી લાગે છે.

તેઓ કહે છે, "ગાઝાની અંદર રહેલી ટનલો અલગ પ્રકારની છે, કારણ કે હમાસ દ્વારા નિયમિત રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કદાચ તે લાંબા સમય સુધી સુખરૂપ રહી શકાય એવા પ્રકારની છે. હમાસના નેતા ત્યાં છૂપાઈ રહે છે અને ત્યાંથી અભિયાનોને નેતૃત્વ પૂરું પાડે છે અને નિયંત્રિત કરે છે. તેનો પરિવહન અને સંચાર માટે ઉપયોગ થાય છે. ત્યાં ઊભા રહી શકાય છે અને ચાલતા હરફર થઈ શકે તેવી છે."

ગાઝાની અંદર રહેલી અમુક ટનલો જમીનથી 30 મીટર ઊંડે હોવાનું અનુમાન મૂકવામાં આવે છે. તેમાંથી અમુક ટનલના પ્રવેશદ્વાર નાગરિકોનાં ઘર, સાર્વજનિક ઇમારતો, બાળકોની શાળાઓ અને મસ્જિદોના ભોંયતળિયામાં ખૂલે છે. જેથી કરીને સામાન્ય નાગરિકોની નજરથી આ અવરજવરને છૂપાવી શકાય.

ઇઝરાયલનો આરોપ છે કે અગાઉનાં યુદ્ધો દરમિયાન નાગરિકોનાં ઘર નાશ પામ્યાં હોય તેના પુનર્નિર્માણ માટે વપરાશમાં લેવાનારી સિમેન્ટ અને ગાઝાને મોકલવામાં આવતી આર્થિક સહાયના લાખો-કરોડો ડૉલરનો ઉપયોગ આ ટનલોનું બાંધકામ કરવા માટે થયો છે.

ગ્રે લાઇન

સુરંગોની સમાપ્તિ શક્ય?

નકશો

ઇઝરાયલે ચેતવણી આપી છે કે આ યુદ્ધ મહિનાઓ સુધી ચાલી શકે છે. તેણે તેના માટે ત્રણ લાખ 60 હજાર રિઝર્વ સૈનિકોને ફરજ પર બોલાવ્યા છે.

ઇઝરાયલે હમાસ સામે "સ્વૉર્ડ્સ ઑફ આઈરન" નામે અભિયાન શરૂ કર્યું છે. આ પહેલાં ગાઝામાં આ રીતના સૈન્ય અભિયાનને ક્યારેય અંજામ અપાયો નથી.

ગાઝા પટ્ટી પર જમીની કાર્યવાહીનો અર્થ છે કે ઘરેઘરે જઈને તપાસ કરવી, શહેરની સાંકડી ગલીઓ અને રસ્તાઓમાં લડાઈ. તેનાથી સામાન્ય નાગરિકોને જાનહાનિ થવાનો ખતરો ઘણો વધી શકે છે.

ડૉ. રિચમંડ-બરાકનું કહેવું છે કે ગાઝામાં રહેલી હમાસની તમામ સુરંગોને ઇઝરાયલના સૈનિકો શોધી શકશે અને તેનો નાશ થઈ શકશે તેવી આશા ઇઝરાયલના નેતૃત્વે તથા સામાન્ય જનતાએ ન રાખવી જોઈએ.

"અમુક સુરંગ નેટવર્કના અમુક હિસ્સા નાગરિક વિસ્તારોમાં હશે, ગમે તે કારણસર તેને ખાલી નહીં કરાવી શકાય. અમુક સુરંગોના નેટવર્કના અમુક હિસ્સા વિશે માહિતી ન મળે. અને અમુક સુરંગોમાં જો ઇઝરાયલી સૈનિકો પ્રવેશે તો તેમને મોટી હાનિ થવાની શક્યતા રહેલી છે."

તેઓ ચેતવે છે કે આ ટનલોનો નાશ કરવા જતા ઇઝરાયલના સૈનિકો ગાઝાવાસીઓ અને બંધક બનાવાયેલાઓની જાનહાનિ થઈ શકે છે.

તેઓ ઉમેરે છે, "સામાન્ય નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરવામાં હમાસ નિપુણતા ધરાવે છે. જ્યારે તેમને લાગે કે હવે હુમલા થશે જ એટલે તેઓ સામાન્ય અને નિર્દોષ નાગરિકોને છત પર ઊભા રાખી દે છે. આને કારણે અનેક વખત ઇઝરાયલે તેના હવાઈ હુમલા પડતા મૂકવા પડ્યા છે."

"આ વ્યૂહરચનાનો ઉપયોગ કરીને હમાસ અમેરિકા તથા ઇઝરાયલના બંધકોને આ ટનલોમાં ગોંધી રાખે એવું પણ બને."

પ્રો. ડૉ. રિચમંડ-બરાક કહે છે કે આ ભૂગર્ભ સુરંગોમાં બૉમ્બ ગોઠવવા માટે હમાસને પૂરતો સમય મળ્યો છે. એટલે તકનીકી સાધનો હોવા છતાં શહેરી વિસ્તારમાં યુદ્ધની જે સમસ્યા હોય છે તે ઇઝરાયલના સૈનિકોને નડી શકે છે. આ ટનલમાં ઘૂસ્યા પછી હમાસના લડાકુ સાથે સીધો મુકાબલો હશે, તેમાં ઘાયલ થયેલાઓને બહાર કાઢવાનું લગભગ અશક્ય બની જશે.

ન કેવળ એક સુરંગ નેટવર્ક પરંતુ એની સાથે જોડાયેલા અન્ય નેટવર્કોમાંથી હુમલા થવાની શક્યતા પણ રહેલી છે. ઇઝરાયલ પાસે ટનલોમાં તથા રૉબોટિક વ્હીકલ વગેરે મોકલવાનો વિકલ્પ છે, આ સિવાય યુદ્ધવિમાનો દ્વારા બંકર તોડી નાખે તેવા બૉમ્બ ફેંકવાનો વિકલ્પ પણ રહેલો છે, પરંતુ તેમાં પણ ઇઝરાયલને પોતાના જ માણસોની ક્ષતિ થવાની શક્યતા રહેલી છે.

રેડ લાઇન
રેડ લાઇન