જે ઇઝરાયલને ભારતે શરૂઆતમાં માન્યતા પણ નહોતી આપી એ ખાસ મિત્ર કેવી રીતે બન્યું?

ઇમેજ સ્રોત, Getty Images
મધ્ય-પૂર્વમાં યહૂદી દેશ ઇઝરાયલની રચના સંયુક્ત રાષ્ટ્ર મારફત 1948માં કરવામાં આવી હતી. એટલે કે ભારતની આઝાદીના લગભગ એક વર્ષ પછી. ઇઝરાયલના નિર્માણ પહેલાં યહૂદીઓ પેલેસ્ટાઇની વિસ્તારમાં શરણાર્થી તરીકે રહેતા હતા.
ઇઝરાયલની રચનામાં અમેરિકા તથા બ્રિટને પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. યહૂદીઓ મૂળભૂત રીતે પેલેસ્ટાઇની વિસ્તારના હતા, પરંતુ ઈસવી 71માં રોમન-યહૂદી યુદ્ધને કારણે તેઓ બહાર ફેંકાઈ ગયા હતા. પહેલા વિશ્વ યુદ્ધ પછી પેલેસ્ટાઇન બ્રિટિશ શાસન હેઠળ આવી ગયું હતું. એ પછી યહૂદીઓ મોટી સંખ્યામાં પેલેસ્ટાઇનમાં આવવા લાગ્યા હતા, જ્યારે કે આરબ લોકો તો પહેલાંથી જ અહીં રહેતા હતા.
યહૂદીઓ પોતાની જમીન પર વસવાટ કરી રહ્યા છે એ વાતથી આરબો ભયભીત થઈ ગયા હતા. આરબોએ યહૂદીઓના આવવાનો વિરોધ કર્યો હતો અને તેમણે પોતાના માટે સ્વતંત્ર પેલેસ્ટાઇનની માગ કરી હતી, પરંતુ 1933 બાદ જર્મનીમાં યહૂદીઓ પરના અત્યાચારને કારણે તેમનું પેલેસ્ટાઇન આવવાનું ચાલુ રહ્યું હતું. 1940ના અંત સુધીમાં પેલેસ્ટાઇનની કુલ વસ્તીમાં અડધોઅડધ યહૂદી હતા.
આ સમસ્યાનું નિવારણ બે દેશની રચના દ્વારા કરી શકાય એ હેતુથી 1937માં બ્રિટિશ શાસને પીલ કમિશન બનાવ્યું હતું. એક આરબો માટે અને બીજો યહૂદીઓ માટે રચવાની દરખાસ્તને આરબોએ સંપૂર્ણપણે ફગાવી દીધી હતી.
યહૂદીઓએ જ્યારે માંગણી ફગાવી

ઇમેજ સ્રોત, Getty Images
આ સમસ્યાના નિવારણ માટે બ્રિટિશ સરકારે 1939માં આગામી દસ વર્ષ સુધી આરબો માટે એક દેશની રચના અને યહૂદીઓના પેલેસ્ટાઇનમાં આવવા પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત રજૂ કરી હતી, પરંતુ એ દરખાસ્તને યહૂદીઓએ ફગાવી દીધી હતી.
બીજા વિશ્વ યુદ્ધ પછી બ્રિટિશ શાસન નબળું પડી ગયું હતું અને તેને લાગ્યું હતું કે હવે આ સમસ્યાનું નિરાકરણ તે નહીં કરી શકે. તેથી આ જટિલ સમસ્યા ઉકેલવા બ્રિટને સંયુક્ત રાષ્ટ્રને જણાવ્યું હતું.
તેનું પરિણામ એ આવ્યું કે સંયુક્ત રાષ્ટ્રએ નવેમ્બર-1947માં પેલેસ્ટાઇનના વિભાજનની દરખાસ્ત પસાર કરી હતી અને એક યહૂદી રાષ્ટ્રની રચનાનો માર્ગ મોકળો થયો હતો. ડેવિડ બેન ગ્યુરિયને મે-1948માં એક સ્વતંત્ર દેશ ઈઝરાયલની જાહેરાત કરી હતી અને તેઓ ઈઝરાયલના પહેલા વડા પ્રધાન બન્યા હતા.
એ પછી આ નવા દેશ પર ઈજિપ્ત, સીરિયા, જૉર્ડન, ઇરાક અને લેબનને હુમલો કર્યો હતો. પોતાની રચના બાદ ઈઝરાયલ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આરબ દેશો સામેના યુદ્ધમાં સામેલ રહ્યું. ઈઝરાયલની રચના પછી મધ્ય-પૂર્વ, આરબ દેશો તથા ઈઝરાયલ વચ્ચેના યુદ્ધનું મેદાન બની ગયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતનો ઈનકાર

ઇમેજ સ્રોત, AFP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારત અને ઈઝરાયલના રાજદ્વારી સંબંધનો ઈતિહાસ બહુ લાંબો નથી. ઈઝરાયલની રચના બાદ ભારતે તેને એક સ્વતંત્ર દેશ તરીકે સ્વીકૃતિ આપી ન હતી. ભારત ઈઝરાયલની રચનાની વિરુદ્ધમાં હતું.
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ભારતના સમર્થન માટે વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઈનસ્ટાઈને જવાહરલાલ નહેરુને પત્ર લખ્યો હતો, પરંતુ નહેરુએ આઇન્સ્ટાઇનના પત્રને પણ નકાર્યો હતો.
આઇન્સ્ટાઇને નહેરુને લખેલા પત્રમાં જણાવ્યું હતું, "યહૂદીઓ સદીઓથી દમનની સ્થિતિમાં જીવે છે અને તેમણે તેનું પરિણામ પણ ભોગવવું પડે છે. લાખો યહૂદીઓને બરબાદ કરી નાખવામાં આવ્યા છે."
"દુનિયામાં એવી કોઈ જગ્યા નથી, જ્યાં યહૂદીઓ સલામતીનો અનુભવ કરી શકે. એક સામાજિક અને રાષ્ટ્રીય મુક્તિ આંદોલનના નેતા તરીકે હું તમને અપીલ કરું છું કે યહૂદીઓનું આંદોલન પણ આવું જ છે અને તમારે તેમની પડખે ઊભું રહેવું જોઈએ."
આ પત્રના જવાબમાં નહેરુએ આઇન્સ્ટાઇનને લખ્યું હતું, "મારા મનમાં યહૂદીઓ પ્રત્યે પારાવાર સહાનુભૂતિ છે. મારા મનમાં આરબો પ્રત્યે પણ પારાવાર સહાનુભૂતિ છે. યહૂદીઓએ પેલેસ્ટાઇનમાં શાનદાર કામ કર્યું છે, લોકોનું જીવનસ્તર બહેતર બનાવવામાં મોટું યોગદાન આપ્યું છે એ હું જાણું છું, પરંતુ એક સવાલ મને કાયમ પરેશાન કરે છે કે આટલું હોવા છતાં આરબોમાં યહૂદીઓ પ્રત્યે ભરોસો કેમ બંધાયો નથી?"
આખરે 1950ની 17 નવેમ્બરે નહેરુએ ઇઝરાયલને સ્વીકૃતિ આપી હતી. ભારતે આંતરિક અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે ઇઝરાયલ સાથે અંતર જાળવી રાખ્યું હતું. 1947માં આઝાદી પછી ભારતને આર્થિક તથા ઔદ્યોગિક વિકાસ માટે અમેરિકા અને સોવિયેટ સંઘ બન્ને પાસેથી પૈસાની જરૂર હતી.
બીજી તરફ પોતાની રચના પછીથી જ ઇઝરાયલ અમેરિકાની છાવણીમાં હતું, જ્યારે ભારત બિનજોડાણની નીતિ સાથે આગળ વધી રહ્યું હતું.
આરબ વિશ્વ સાથે સારા સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
એ નીતિ કોઈ છાવણીમાં સામેલ થવાની વિરુદ્ધ હતી. ત્યારે ભારતને આરબ વિશ્વ સાથે સારો સંબંધ હતો. ભારત પોતાની ઊર્જા જરૂરિયાત આરબ વિશ્વ પાસેથી જ સંતોષતું હતું. ભારતના અનેક લોકો આરબ દેશોમાં નોકરી પણ કરતા હતા અને તેમને ભારતમાં વિદેશી હૂંડિયામણ મોકલવાનો મહત્ત્વનો સ્રોત માનવામાં આવતા હતા.
ભારતમાં મુસ્લિમોની મોટી વસતી છે અને ઇઝરાયલ સાથે અંતર રાખવાનું એક કારણ તેને પણ માનવામાં આવે છે, પરંતુ 1991માં અખાતી યુદ્ધ પછી પરિસ્થિતિ બદલાઈ અને ઇઝરાયલ મધ્ય-પૂર્વમાં એક શક્તિશાળી દેશ તરીકે ઉભર્યો.
બીજી તરફ શીત યુદ્ધ પછી દુનિયામાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. ત્યાં સુધી ભારતના સૈનિકોને હથિયારનો પુરવઠો સોવિયેત સંઘ તરફથી જ મળતો હતો. સોવિયેટ યુનિયનના પતન બાદ ભારતને પણ સૈન્ય પુરવઠા માટે એક ભરોસાપાત્ર સાથીની તલાશ હતી.
ઇઝરાયલ અને અમેરિકા જ ભારતની જરૂરિયાત સંતોષી શકે તેમ હતા, પરંતુ ભારતનો અમેરિકા સાથેનો સંબંધ શીત યુદ્ધથી જ બરાબર ન હતો. અમેરિકા ત્યારે પાકિસ્તાનનું દોસ્ત હતું, કારણ કે શીત યુદ્ધમાં પાકિસ્તાન અમેરિકાની પડખે હતું. તેથી સોવિયેટ સંઘના પતન પછી પણ ભારત રશિયાની નજીક રહ્યું હતું.
એ વખતે ભારતના ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધ ન હતા, પરંતુ ઇઝરાયલને અમેરિકા સાથે ગાઢ સંબંધ હતો. અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં ઇઝરાયલ માટે પોતાના વીટો પાવરનો ઉપયોગ કમસે કમ 33 વખત કર્યો છે.
ઇઝરાયલ ભારતને શસ્ત્રોનો પુરવઠો આપી શકે તેમ હતું, પરંતુ એ માટે અમેરિકાની મંજૂરી જરૂરી હતી, કારણ કે બન્ને દેશ સાથે મળીને શસ્ત્રોનું ઉત્પાદન કરતા હતા.
કાશ્મીર મુદ્દે સમર્થન નહીં

ઇમેજ સ્રોત, Getty Images
કહેવાય છે કે સોવિયેટ સંઘના વિઘટન પછી ભારતના આંતરરાષ્ટ્રીય બાબતોમાં એક સુપરપાવરના સમર્થનની જરૂર હતી. શીત યુદ્ધના અંત પછી દુનિયામાં એક જ સુપર પાવર બચ્યો હતો અને તે હતું અમેરિકા.
તેથી ભારતે ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધ સ્થાપવાનો નિર્ણય કર્યો હતો અને અમેરિકા માટે તે નિર્ણય એવો સંદેશ લઈ ગયો હતો કે શીત યુદ્ધ પછી ભારત તેની વિદેશ નીતિની સમીક્ષા કરી રહ્યું છે.
રસપ્રદ વાત એ છે કે આરબ દેશો સાથે સારા સંબંધ હોવા છતાં કાશ્મીર મુદ્દે ભારતને આરબ લીગનું સમર્થન મળ્યું નથી. આ મુદ્દે આરબ લીગ કાયમ પાકિસ્તાનની પડખે રહી છે.
1978માં ઇઝરાયલની ઇજિપ્ત તથા અન્ય આરબ દેશો સાથે કેમ્પ ડેવિડ સમજૂતી થઈ હતી. એ સમજૂતી હેઠળ કેટલાક આરબ દેશોએ ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધ સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. ભારતને કેમ્પ ડેવિડ સમજૂતીને કારણે પણ ઇઝરાયલ વિશેની પોતાની નીતિ બદલવામાં મદદ મળી હતી.
એ પછી પશ્ચિમ એશિયામાં શાંતિ પ્રક્રિયા શરૂ થઈ. ભારત તેમાં ભાગ લેવા ઇચ્છતું હતું. એ માટે અમેરિકા અને ઇઝરાયલે ભારત સામે શરત મૂકી હતી કે તે સંપૂર્ણપણે રાજદ્વારી સંબંધ સ્થાપિત નહીં કરે ત્યાં સુધી આ પ્રક્રિયામાં સામેલ નહીં થઈ શકે.
ઇઝરાયલના વિદેશ મંત્રાલય અનુસાર, ભારત માટે પશ્ચિમ એશિયાની શાંતિ પ્રક્રિયામાં સામેલ થવું એ પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગયું હતું. એ સ્થિતિમાં ભારતના તત્કાલીન વિદેશ સચિવ જે એન દીક્ષિતે 1992ની 23 જાન્યુઆરીએ ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધ સ્થાપવાની જાહેરાત કરી હતી.
જે એન દીક્ષિતે આ સંદર્ભે કહ્યું હતું, "મને ઇઝરાયલ સાથે સંપૂર્ણ રાજદ્વારી સંબંધ સ્થાપવાનું અને બન્ને દેશમાં એકમેકના દૂતાવાસ શરૂ કરવાની ઔપચારિક જાહેરાત કરવાનું કહેવામાં આવ્યું હતું. મેં જેની જાહેરાત 24 જાન્યુઆરીએ કરી હતી."
ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધ સ્થાપિત કરવામાં ત્રણ બાબતોને સૌથી વધુ મહત્ત્વની માનવામાં આવે છે.
રાજદ્વારી સંબંધની શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
ચીને 1992ની 24 જાન્યુઆરીએ ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધ સ્થાપિત કર્યો હતો. મોસ્કોમાં મધ્ય-પૂર્વ શાંતિ મંત્રણાનો ત્રીજો તબક્કો શરૂ થયો હતો, જે 1992ની 28-29 જાન્યુઆરી સુધી ચાલ્યો હતો.
તત્કાલીન ભારતીય વડાપ્રધાન પી વી નરસિંહરાવ ન્યૂ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સલામતી પરિષદની બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકાની સત્તાવાર મુલાકાતે 1991ના ફેબ્રુઆરીમાં ગયા હતા. એ મુલાકાતને ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધ સ્થાપવાની શરૂઆત ગણવામાં આવે છે.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર પી આર કુમારસ્વીએ 2002માં એક લેખ લખ્યો હતો. તેમાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકાએ 1947થી જ ભારતનું વલણ બદલવા માટે ઇઝરાયલ પર દબાણ લાવવાનું શરૂ કર્યું હતું. એ કોઈ સંયોગ કે અકસ્માત ન હતો. નરસિંહ રાવની અમેરિકા મુલાકાતથી એ સ્પષ્ટ થઈ ગયું હતું.
‘ઇન્ડિયા ઇઝરાયલ પૉલિસી’ નામના પોતાના પુસ્તકમાં કુમારસ્વામીએ લખ્યું છે કે ઇઝરાયલ સાથે સંપૂર્ણ રાજદ્વારી સંબંધ સ્થાપવાથી મધ્ય-પૂર્વના વધુ દેશો નારાજ થઈ જશે, એવો ભારતને ડર તથા આશંકા હતી, પરંતુ એવું થયું નહીં.
જોકે, જે એન દીક્ષિતે લખ્યું છે કે ભારતનો પક્ષ સારી રીતે રજૂ કરી શકાય એટલા માટે આરબ દેશોમાંના તમામ ભારતીય રાજદૂતોને સમજાવી દેવા નરસિંહરાવે તેમને નિર્દેશ આપ્યો હતો.
જે એન દીક્ષિતે ‘માય સાઉથ બ્લૉક યર્સઃ મેમરીઝ ઑફ એ ફૉરેન સેક્રેટરી’ નામના પોતાના પુસ્તકમાં આરબ દેશોની નારાજગી બાબતે લખ્યું છે, "આરબ દેશોના કેટલાક રાજદૂતોએ ભારતના નિર્ણય બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ભારતે તેનું પરિણામ ભોગવવું પડશે. અમે નિર્ણય કર્યો હતો કે તે લોકો વિરોધ કરી રહ્યા છે તેમને સીધો જવાબ આપવાનો છે, ઝૂકવાનું નથી."
"મેં કહેલું કે ભારતે આંતરરાષ્ટ્રીય બાબતોમાં અનેક ઇસ્લામી દેશોને ટેકો આપ્યો છે, પરંતુ કાશ્મીર મુદ્દે અમને તેમનું સમર્થન મળ્યું નથી. મેં એમ પણ કહેલું કે ભારત પોતાના સાર્વભૌમત્વમાં કોઈ પણ પ્રકારની દખલ સામે ઝૂકશે નહીં અને પોતાના હિત માટે કામ કરવાનું ચાલુ રાખશે."
"આરબ મીડિયામાં ભારતની ટીકા કરવામાં આવી હતી. કેટલાક લોકોએ ભારતના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ તેની ભારત અને આરબ સંબંધ પર અસર થઈ ન હતી."
આઝાદી પછી ભારતનો મધ્ય-પૂર્વ અને આરબ મુસ્લિમ દેશો સાથે ગાઢ સંબંધ હતો, પરંતુ કાશ્મીર મુદ્દે તેમનું વલણ પાકિસ્તાન તરફી જ રહ્યું હતું. મોરક્કોના રબાતમાં 1969માં ઇસ્લામી દેશોના શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું અને તેમાં સામેલ થવા ભારતને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ પાકિસ્તાનના વિરોધને કારણે ભારત પાસેથી નિમંત્રણ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.
1971માં ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશન એટલે કે ઓઆઈસીની રચના થઈ ત્યારે કાશ્મીર મુદ્દે તેનું વલણ પણ પાકિસ્તાન તરફી જ હતું. 1991માં ઓઆઈસીના સભ્ય દેશોના વિદેશ પ્રધાનોનું એક સંમેલન કરાચીમાં યોજાયું હતું. તેમાં જમ્મુ-કાશ્મીરમાં ફેક્ટ ફાઈન્ડિંગ મિશન મોકલવાની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. ભારતે તે મિશનને પરવાનગી આપી ન હતી. એ પછી ઓઆઈસીએ ભારતની ટીકા કરી હતી.
ઘણા લોકો માને છે કે મધ્ય-પૂર્વના ઇસ્લામિક દેશોના પાકિસ્તાન પરસ્ત વલણને ધ્યાનમાં રાખીને ભારતે ઇઝરાયલને ગળે વળગાડ્યું છે. ભારત પાસે એવી દલીલ પણ હતી કે ઇઝરાયલ એક લોકતાંત્રિક દેશ છે.
ભાજપ અને ઇઝરાયલ

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના વડપણ હેઠળની પહેલી સરકાર રચાઈ અને અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા ત્યારે ઇઝરાયલ સાથેનો સંબંધ વધુ ગાઢ બન્યો હતો. વાજપેયીના શાસન કાળમાં ઇઝરાયલ સાથે આર્થિક, વ્યૂહાત્મક, વિજ્ઞાન-ટેકનૉલૉજી અને કૃષિ ક્ષેત્રે મહત્ત્વના અનેક કરાર થયા હતા.
વાજપેયી સરકારના કાર્યકાળમાં બન્ને દેશો વચ્ચે અનેક દ્વિપક્ષીય પ્રવાસ થયા હતા. ઇઝરાયલ સાથે 1992માં રાજદ્વારી સંબંધ સ્થાપિત થયા પછી ભારત તરફથી પહેલીવાર, વર્ષ 2000માં તત્કાલીન ગૃહ પ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને વિદેશ પ્રધાન જસવંત સિંહ ઇઝરાયલની મુલાકાતે ગયા હતા.
લાલકૃષ્ણ અડવાણીએ તે ઇઝરાયલ પ્રવાસ બાબતે ‘માય કન્ટ્રી, માય લાઇફ’ નામના પોતાના પુસ્તકમાં લખ્યું છે, "જૂન-2002માં મારા ઇઝરાયલના મારા પાંચ દિવસના પ્રવાસ દરમિયાન એ દેશ સાથેનો મારો જૂનો સંબંધ ફરી તાજો થઈ ગયો હતો. નવી પરિસ્થિતિમાં મૈત્રી ગાઢ બનાવવાનું અને દ્વિપક્ષી સહકાર મજબૂત બનાવવામાં તે બહુ ઉપયોગી સાબિત થયો."
"1995માં ભાજપના અધ્યક્ષ તરીકે હું ઇઝરાયલ ગયો હતો. ભારત અને ઇઝરાયલ વચ્ચે ઘણી બાબતોમાં સમાનતા છે. બન્ને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધને સંપૂર્ણપણે સામાન્ય બનાવવામાં મારી ભૂમિકાનો મને ગર્વ છે."
એ યાત્રા દરમિયાન અડવાણીએ પેલેસ્ટાઇનના નેતા યાસર અરાફાત સાથે પણ ગાઝામાં મુલાકાત કરી હતી. એ વખતે અડવાણીએ ઇઝરાયલ સાથે અણુસહકાર વધારવાની તરફેણ કરી હતી.
એ પછી 2003માં ઇઝરાયલના વડા પ્રધાન એરિયલ શેરોન ભારતની મુલાકાતે આવ્યા હતા અને તે મુલાકાત બન્ને દેશોના દ્વિપક્ષી સંબંધ માટે બહુ મહત્ત્વની સાબિત થઈ. આજની તારીખે રશિયા પછી ઇઝરાયલ ભારત માટે સૌથી વધુ શસ્ત્રો પૂરાં પાડતો દેશ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ-2017માં ઇઝરાયલની મુલાકાતે ગયા હતા અને તે કોઈ ભારતીય વડા પ્રધાનની પહેલી ઇઝરાયલ મુલાકાત હતી. તે પહેલાં સુધી ભારતનો કોઈ ઉચ્ચસ્તરીય નેતા ઇઝરાયલ જાય તો પેલેસ્ટાઈન જરૂર જતો હતો, પરંતુ નરેન્દ્ર મોદી પેલેસ્ટાઇન ગયા ન હતા અને મુલાકાત દરમિયાન પેલેસ્ટાઇનનું નામ સુદ્ધાં લીધું ન હતું.
જોકે, 2018માં નરેન્દ્ર મોદી ખાસ પેલેસ્ટાઇન ગયા હતા. ભારતને અમેરિકાની નજીક લાવવામાં ઇઝરાયલે મોટી ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. અમેરિકામાં યહૂદી લૉબીને બહુ શક્તિશાળી ગણવામાં આવે છે અને ભાજપના શાસન કાળમાં ભારત એ લૉબીની બહુ નજીક રહે છે.
પેલેસ્ટાઇનની ઉગ્રવાદી સંગઠન હમાસે ગયા અઠવાડિયે ઇઝરાયલમાં ઘૂસીને હુમલો કર્યો ત્યારે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ રીતે કહ્યુ હતું કે ભારત આ આતંકવાદી હુમલા વિરુદ્ધ ઇઝરાયલની પડખે છે.
નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત પણ કરી હતી અને મુશ્કેલીના સમયે તેમની પડખે રહેવાની વાતનો પુનરોચ્ચાર પણ કર્યો હતો.












