ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદનાં પાંચ સૌથી ખતરનાક ઑપરેશન કયાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
શનિવાર સવારે જ્યારે ગાઝા પટ્ટીથી ઇઝરાયલ પર હજારો રૉકેટથી હુમલો કરવામાં આવ્યો તે દરમિયાન કેટલાય હથિયારબંધ પેલેસ્ટાઇનના લડવૈયા ગાઝા પટ્ટી અને ઇઝરાયલ વચ્ચે ભારે સુરક્ષાવાળી સરહદ પાર કરવામાં સફળ રહ્યા.
ઇઝરાયલની ઘરેલુ તપાસ એજન્સી શિન બેત, વિદેશમાં જાસૂસી કરના ગુપ્તચર એજન્સી મોસાદ અને શક્તિશાળી ઇઝરાયલી સેના છતાં કોઈને પણ આ હુમલાના સમાચાર કેમ મળ્યા નહીં.
ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદ વિશ્વની ખતરનાક ગુપ્તચર એજન્સીઓમાંની એક માનવામાં આવે છે. પરંતુ હમાસના હાલના હુમલા બાદ તેની પર સવાલ ઊભા થઈ રહ્યા છે.
ભૂતકાળમાં ઇઝરાયલની આ એજન્સીએ દેશના હિતમાં દુનિયાના અલગઅલગ ભાગોમાં ખતરનાક ઑપરેશન કર્યા હતા. વાંચો મોસાદનાં કેટલાંક ઑપરેશનની કહાણી.
1960નું ઑપરેશન ફિનાલે

ઇમેજ સ્રોત, Getty Images
1957માં પશ્ચિમ જર્મનીના હેસ રાજ્યના મુખ્ય ફરિયાદી અને યહૂદી મૂળના જર્મન નાગરિક ફ્રિટ્ઝ બૉએરે ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદનો સંપર્ક કર્યો અને જાણ કરી કે ઍડોલ્ફ આઈકમન જીવિત છે અને આર્જેન્ટિનામાં ગુપ્ત જગ્યાએ રહે છે.
લેફ્ટનન્ટ કર્નલ ઍડોલ્ફ આઇકમન લાંબા સમયથી ઍડોલ્ફ હિટલરની ખરડાયેલી છબીવાળી સિક્રેટ પોલીસ 'ગેસ્ટાપો'માં યદૂદી વિભાગના પ્રમુખ રહ્યા હતા. તેમના કાર્યકાળમાં સૌથી વધારે અત્યાચારી ફાઇનલ સોલ્યુશન નામના એક ખાસ અભિયાનને શરૂ કરાયું હતું.
આ અભિયાન હેઠળ જર્મની અને તેની આસપાસના દેશોમાં રહેતા હજારો યહૂદી નાગરિકોને તેમના ઘરેથી કૉન્સ્નટ્રેશન કૅમ્પમાં લઈ જવાયા અને તબક્કા વાર તેમની હત્યા કરાઈ.
આ ઘટનાક્રમ 'હોલોકોસ્ટ'ના નામે ઓળખાય છે. જેમાં નાઝી જર્મની શાસન અને તેમના સહયોગીઓ દ્વારા યુરોપના આશરે 40 લાખ યહૂદીઓની આયોજનબદ્ધ રીતે ઉત્પીડન અને હત્યા કરાઈ. જે 1933થી 1945 વચ્ચે આખા યુરોપમાં થઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર પછી ઍડોલ્ફ આઇકમનને ત્રણ વાર પકડવામાં આવ્યા, પણ દર વખતે તે ભાગી જતા.
ફ્રિટ્સને આઇકમન આર્જેન્ટિનામાં હોવાની માહિતી ત્યાં રહેનારા એક યહૂદી પાસેથી મળી હતી જેમની પુત્રી અને આઇકમનના દીકરા વચ્ચે પ્રેમસંબંધ ચાલતો હતો.
આર્જેન્ટિનામાં રહેતી એક યહૂદી વ્યક્તિ જેમની પુત્રી અને આઇકમનના પુત્ર વચ્ચે પ્રેમ પાંગરી રહ્યો હતો, તેમણે ફ્રિટ્સ બૉએરને આઇકમન આર્જેન્ટીનામાં હોવા વિશેની માહિતી આપી હતી.
જોકે ઇઝરાયલની ગુપ્તચર સંસ્થાએ શરૂઆતમાં આ માહિતીને બહુ ગંભીરતાથી નહોતી લીધી, પણ પછી પોતાની રીતે તેમણે તપાસ કરી તો આ માહિતી સાચી નીકળી.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'ધ કૅપ્ચર ઍન્ડ ટ્રાયલ ઑફ ઍડોલ્ફ આઇકમન' નામના પુસ્તકમાં ચાર્લ્સ રિવર લખે છે, “આઇકમન ભલે લેફ્ટનન્ટ કર્નલ રેન્કના અધિકારી રહ્યા હોય પણ નાઝી જર્મનીમાં એક સમયે તેમનો રુઆબ કોઈ જનરલથી ઓછો ન હતો. આ દરમ્યાન તેઓ સીધા હિટલરની કોર ટીમને રિપોર્ટ કરતા હતા."
આઇકમન આર્જેન્ટિનામાં છૂપાઈને રહે છે તેની પુષ્ટિ થતાં ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદના પ્રમુખે રફી એતાનને એ મિશનના કમાન્ડર બનાવ્યા, જે હેઠળ એજન્ટ્સ તેમને જીવતા પકડીને ઇઝરાયલ લાવવાનો પ્રયાસ કરશે.
મોસાદની ટીમે બ્યૂનસ આયર્સમાં એક ઘર ભાડે લીધું. તેનું કોડનેમ 'કાસેલ' હતું. આવામાં ખબર પડી કે 20મી મેએ આર્જેન્ટિના તેની આઝાદીની 150મી વર્ષગાંઠ ઊજવશે.
જેને ધ્યાનમાં રાખી નક્કી કરાયું કે ઇઝરાયલ પણ શિક્ષણમંત્રી અબ્બા ઇબનના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ આર્જેન્ટિના મોકલશે. આ પ્રતિનિધિ મંડળને લઈ જવા ઇઝરાયલી ઍરલાઇન્સ એલાઇએ ખાસ વિમાન 'વિસ્પરિંગ જાયન્ટ' આપ્યું હતું.
યોજના એ જ હતી કે ઇઝરાયલના શિક્ષણમંત્રીને જાણ કર્યા વગર આઇકમનનું અપહરણ કરી આ જ વિમાનથી તેમને આર્જેન્ટિના બહાર લઈ જવાય.
આઇકમન રોજ સાંજે 7:40 વાગે બસ નંબર 203માં મુસાફરી કરી ઘરે પાછા ફરતા હતા અને થોડું અંતર પગપાળા ચાલીને ઘરે પહોંચતા હતા. યોજના બની કે આ ઑપરેશનમાં બે કાર ભાગ લેશે અને એક કારમાં તેમનું અપહરણ કરાશે.
બસમાંથી ઊતરતાં જ આઇકમનને પકડી લેવાયા.
20 મેની રાત્રે આઇકમનને ઇઝરાયલી ઍરલાઇન્સ કર્મચારીનો ડ્રેસ પહેરાવાયો હતો. તેમના ખિસ્સામાં ઝીવ ઝિકરોની નામથી એક ખોટું આઈકાર્ડ રખાયું અને એ પછીના દિવસે તેમના વિમાને તેલ અવિવમાં ઉતરાણ કર્યું.
તેમના ઇઝરાયલ પહોંચ્યાના બે દિવસ પછી આ સમાચાર દુનિયાને અપાયા.
મહિનાઓ સુધી ચાલેલા કેસમાં કુલ 15 કેસમાં તે દોષિત ઠરતા તેમને ફાંસની સજા સંભળાવાઈ.
ઑપરેશન રૉથ ઑફ ગૉડ

ઇમેજ સ્રોત, Getty Images
વાત વર્ષ 1972ની છે અને જર્મનીના મ્યુનિકમાં ઑલિમ્પિક રમતોત્સવ ચાલી રહ્યો હતો.
પાંચ સપ્ટેમ્બરની રાત્રે ઇઝરાયલના એક ખેલાડી મ્યુનિક ઑલિમ્પિક વિલેજમાં તેમના ફ્લેટમાં સૂતા હતા. એવામાં અચાનક જ આખા ઍપાર્ટમેન્ટમાં ગોળીબારનો અવાજ આવ્યો.
પેલેસ્ટાઇનના બ્લૅક સપ્ટેમ્બર લિબરેશન ઑર્ગેનાઇઝેશનના આઠ લડાવૈયાઓ ખેલાડીઓના વેશમાં ઍપાર્ટમેન્ટમાં ઘૂંસી અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા. જેમાં ઇઝરાયલના 11 ખેલાડી અને એક જર્મન પોલીસકર્મીની હત્યા થઈ હતી.
ઘટનાના બે દિવસ પછી ઇઝરાયલે સીરિયા અને લેબનનમાં પેલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનાઇઝેશન (PLO)ની 10 જગ્યા પર બૉમ્બમારો કરી તેને નષ્ટ કરી દીધા.
કેટલાંય વર્ષો પછી જારી કરાયેલા ઇઝરાયલની સંસદીય સમિતિના અહેવાલમાં આ વાતનો ઉલ્લેખ છે કે એ સમયે ઇઝરાયલે શું કરવાનું વિચાર્યું હતું.
અહેવાલ મુજબ, “વડા પ્રધાન ગોલ્દા મેયરે ઉચ્ચ સરકારી અધિકારીઓવાળી 'કમિટી એક્સ' બનાવી હતી. જેનો ઉદ્દેશ્ય એ નિર્મમ હત્યાઓનો બદલો લેવાનો હતો. આ જવાબી કાર્યવાહીની કમાન સંભાળનારા મોસાદના તત્કાલીન પ્રમુખ ઝ્વી ઝમીર હતા.”
સાઇમન રીવના પુસ્તક 'વન ડે ઇન સપ્ટેમ્બર'માં એ વાતનો ઉલ્લેખ છે કે કેવી રીતે ઇઝરાયલે એક લાંબો ગાળો આ ઑપરેશનની તૈયારીમાં કાઢ્યો જેનાથી એ મ્યુનિકના હુમલાખોરો ભલે દુનિયાના કોઈ પણ ખૂણે છૂપાયેલા હોય પણ તેમને શોધી શકાય.
સાઇમન રીવ લખે છે, “1972માં 16 ઑક્ટોબરે એજન્ટોએ પી.એલ.ઓ. ઈટાલીના પ્રતિનિધિ અબ્દલ વેલ ઝ્વેટરને રોમમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળીઓ મારી. આ લાંબા સમય સુધી ચાલનારા ઇઝરાયલના કથિત બદલાની શરૂઆત માત્ર હતી.”
આ પછી 1973માં 9 એપ્રિલે મોસાદે બૈરૂતમાં એક સંયુક્ત અભિયાન શરૂ કર્યું, જેમાં ઇઝરાયલના કમાન્ડો હોડીઓ લઈને લેબનનમાં એક વેરાન સમુદ્ર તટ પર પહોંચ્યા.
બીજા દિવસે બપોર સુધીમાં બ્લૅક સપ્ટેમ્બર લિબરેશન ઑર્ગેનાઇઝેશન ચલાવનારી ફટાહની ગુપ્ત શાખાના પ્રમુખ મહોમ્મદ યુસૂફ એટલે કે અબુ યુસૂફ, કમલ અદવાન અને પી.એલ.ઓ.ના પ્રવક્તા કમલ નાસીરનું મોત થઈ ગયું હતું.
કેટલાક જાણકારો એમ પણ માને છે કે ઇઝરાયલે આ ઑપરેશનને પાંચ વર્ષ સુધી ચાલુ રાખ્યું હતું.
સીરિયામાં મોસાદની પકડ(1962-65)

ઇમેજ સ્રોત, Getty Images
1960ના દાયકામાં સીરિયા અને ઇઝરાયલના સંબંધો સારા ન હતા. ગોલન હાઇટ્સ પર સીરિયાના સૈન્યે ઇઝરાયલની ઉત્તર સીમા પર રહેતા સમુદાયોને વારંવાર ધમકીઓ મળી રહી હતી, જેનાથી ઇઝરાયલમાં મૂંઝવણ વધી રહી હતી.
સીરિયામાં ઇઝરાયલ વિરુદ્ધ કરવામાં આવી રહેલી ગુપ્તચર રાજકીય અને લશ્કરી યોજનાઓને શોધી કાઢવા અને સાચા સમાચાર મેળવવા સીરિયાની અંદર એક એજન્ટની જરૂર હતી. તેણે એલી કોહેનના રૂપમાં આ કામ માટે એક વ્યક્તિને શોધી કાઢી.
એલી કોહેનનો જન્મ ઇજિપ્તમાં થયો હતો અને તે સીરિયન મૂળના યહૂદીઓના પુત્ર હતા, જેમણે અગાઉ ઇઝરાયલની ગુપ્તચર સંસ્થામાં નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંને વખત તેને નકારવામાં આવ્યા હતા.
જોકે 1960માં મોસાદે એલી કોહેનને જાસૂસ તરીકે નિયુક્ત કરવાનું નક્કી કર્યું અને તેને સીરિયા જઈ જાસૂસી કરવાની તાલીમ આપવાનું શરૂ કર્યું.
આ પછી એલી કોહેનને સીરિયન માતાપિતાના ઘરે જન્મેલા સફળ ઉદ્યોગપતિ તરીકેની નવી ઓળખ બનાવવા આર્જેન્ટિના મોકલવામાં આવ્યા.
ત્યાં તે સીરિયન ઇમિગ્રન્ટ્સનાં ઘણાં સંગઠનો અને જૂથોમાં સામેલ થયા.
રાજદ્વારીઓ, રાજકારણીઓ અને વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ સાથે મિત્રતા કરવા ઉપરાંત, તેમણે એક વ્યક્તિ સાથે પણ મિત્રતા કરી જે પાછળથી સીરિયાના રાષ્ટ્રપતિ બન્યા.
1962માં બાથ પાર્ટીએ સીરિયામાં સરકાર બનાવી અને કોહેન આ તકની શોધમાં હતા.
આર્જેન્ટિનામાં તેમના સંપર્કોનો સારો ઉપયોગ કરી તેઓ સીરિયામાં રહેતા ઘણા ઉચ્ચ અધિકારીઓના વિશ્વાસુ બની ગયા.
"ધ મોસાદ: સિક્સ લૅન્ડમાર્ક મિશન" પુસ્તકમાં લેખક માર્ક ઈ. વર્ગો લખે છે, "એક સમયે કોહેનને ડેપ્યુટી સેક્રેટરી ઑફ ડિફેન્સના ઉમેદવાર તરીકે પણ ગણવામાં આવતા અને તે દમાસ્કસમાં કોઈ પણ પ્રકારનો વેપાર સોદો અથવા કરાર કરી શકતા હતા. આ તે સમયગાળો હતો જ્યારે સીરિયન અધિકારીઓને મોંઘી ભેટ અને મોંઘો દારૂ ભેટમાં આપતી વખતે તેમણે તેમની પાસેથી તમામ ગુપ્ત માહિતી એકત્ર કરી અને તેને મોસાદ સુધી પહોંચાડી.
એલી કોહેને 1964માં ઇઝરાયલ સરકારને જાણ કરી હતી કે સીરિયા જોર્ડન નદી પાસે એક મોટી નહેર બનાવી ઇઝરાયલનો પાણી પુરવઠો બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે.
મોસાદે આ માહિતી સરકાર સુધી પહોંચાડી અને તરત જ ઇઝરાયલનાં વિમાનોએ પાણીને બીજી બાજુ વાળતા ભારે સાધનો અને શિબિરો પર બૉમ્બમારો કરી યોજનાને નિષ્ફળ બનાવી.
એલી કોહેને સીરિયન સરકારમાં એવી રીતે પ્રવેશ કર્યો કે તે એક વાર ઘણા દિવસો સુધી ટોચના લશ્કરી અધિકારીઓની બાજુમાં બેસીને સીરિયન-ઇઝરાયલ સરહદનું નિરીક્ષણ કરવા ગયા હતા. આ પછી સીમા સુરક્ષા અને સૈન્યની વાસ્તવિક સંખ્યા અને તાકાતની સંપૂર્ણ વિગતો મોસાદના હાથમાં ગુપ્ત રીતે ઇઝરાયલ પહોંચી.
ગુપ્ત માહિતી લીક થવાથી હતાશ થઈને સીરિયાના ગુપ્તચરોએ સહયોગી સોવિયેત સંઘના અધિકારીઓની મદદ લીધી.
1965માં એલી કોહેનને સીરિયન અને સોવિયેત સત્તાવાળાઓએ ઇઝરાયેલને ગુપ્ત માહિતી મોકલતી વખતે અત્યંત સંવેદનશીલ તપાસ સાધનોનો ઉપયોગ કરીને પકડી પાડ્યા હતા.
કોહેનને મૃત્યુદંડની સજા ફટકારાઈ હતી અને રાજધાની દમાસ્કસની મધ્યમાં ફાંસી અપાઈ. કોહેનને આજે પણ ઇઝરાયલમાં દેશભક્તિના હીરો તરીકે યાદ કરવામાં આવે છે.
મિશન ઈરાન

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલ અને ઈરાન સંબંધો હંમેશાં ખટાશપૂર્ણ રહ્યા છે. ખાસ કરીને ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને.
પરંતુ 2012માં પ્રકાશિત પુસ્તક 'મોસાદઃ ધ ગ્રેટેસ્ટ મિશન ઑફ ધ ઇઝરાયલી સિક્રેટ સર્વિસ'માં ન માત્ર ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર રોક લગાવવાના ઇઝરાયલના પ્રયાસોની વાત છે, પણ સાથે એ પણ દર્શાવાયું છે કે કેવી રીતે આ એજન્સીએ જેમ્સ બૉન્ડની ફિલ્મોની જેમ વાસ્તવિક જીવનમાં પણ ખતરનાક મિશન કર્યાં છે.
આ પુસ્તકના લેખક માઈકલ બર-ઝોહર અને નિસ્સિમ મિશલના જણાવ્યા અનુસાર, “ઈરાનને પરમાણુ હથિયારો બનાવતું રોકવા માટે ઇઝરાયલે તેમના સેન્ટ્રીફ્યુજમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો. આ માટે મોસાદે ઇસ્ટર્ન યુરોપિયન ફ્રન્ટ કંપનીઓની સ્થાપના કરી. જેણે ઈરાનને કથિત રીતે ખામીયુક્ત ઈન્સ્યુલેશન વેચ્યું. "તેમના સંયુક્ત ઉપયોગને કારણે ઈરાનના નવા સેન્ટ્રીફ્યુજ નકામા બની ગયા."
“મોસાદ: ધ ગ્રેટેસ્ટ મિશન ઑફ ધ ઇઝરાયલી સિક્રેટ સર્વિસ”માં એ વાતનો ઉલ્લેખ પણ છે કે જાન્યુઆરી 2010માં ઈરાનના પરમાણુ કાર્યક્રમના સલાહકારની "તેમની કાર પાસે પાર્ક કરેલી મોટરસાઇકલમાં છૂપાવેલા વિસ્ફોટકથી હત્યા કરાઈ હતી."
ન્યૂયૉર્ક ટાઇમ્સ વર્તમાનપત્રમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, “2011માં ઈરાની પરમાણુ પ્રોજેક્ટના વડા તેમની કારમાં ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસેથી પસાર થઈ રહેલા એક મોટરસાઇકલ સવારે કારની પાછળની વિન્ડશિલ્ડ પર એક નાનું ઉપકરણ ચોંટાડી દીધું. "થોડી સેકન્ડ પછી ઉપકરણમાં વિસ્ફોટ થયો જેમાં 45 વર્ષીય પરમાણુ વૈજ્ઞાનિકનું મૃત્યુ થયું અને તેમનાં પત્નીને ઈજા થઈ."
આટલા લાંબા સમય અગાઉ જ 2021માં ઈરાની પરમાણુ સાઇટ પર યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમને મોટો આંચકો લાગ્યો હતો, જ્યારે એક મોટા વિસ્ફોટને કારણે વીજળી ગુલ થઈ ગઈ અને યુરેનિયમને સમૃદ્ધ બનાવવા ઉપયોગમાં લેવાતા સેન્ટ્રીફ્યુજીસ ઠપ થઈ ગયા હતા.
જાણકારોનો મત છે કે વીજળીને કાપવાનું કામ મોસાદનું હતું ભલે એ સંગઠને સત્તાવાર રીતે તેની કોઈ જવાબદારી ના લીધી હોય.
હમાસ સાથે બદલો

ઇમેજ સ્રોત, Getty Images
આશરે એક વર્ષ સુધી ચાલેલી તપાસ પછી પેલેસ્ટાઇની સંગઠન હમાસે ઇઝરાયલની મોસાદ નામની એજન્સી પર ટ્યૂનીશિયામાં રહેતા પોતાના એક કમાન્ડર મહોમ્મદ અલ ઝવાહિરીની હત્યાનો આરોપ લગાવ્યો હતો.
હકીકતમાં 2016માં 15 ડિસેમ્બરે મહોમ્મદ અલ ઝવાહિરીને ટ્યૂનીશિયાના સ્ફેક્સમાં તેમના નિવાસસ્થાન પાસેથી પસાર થતી એક કારમાંથી ગોળીબાર કરી વીંધી નખાયા.
ઝવાહિરી એક પ્રોફેશનલ ઍરોનોટિક એન્જિનિયર હતા જેમણે હમાસ માટે અને કથિત રીતે હિઝબુલ્લાહ માટે કેટલાય પ્રકારના ડ્રોન ડિઝાઇન કરી તેનું નિર્માણ કર્યુ હતું.
કેટલાક અપ્રમાણિત અહેવાલો અનુસાર, તેમણે એક માનવરહિત નૌકાજહાજ પણ ડિઝાઇન કર્યું હતું, જે પાણીની અંદરથી અન્ય જહાજો પર હુમલો કરી શકે છે.
હત્યારાઓને ઓળખવા કોઈ નક્કર પુરાવા મળી શક્યા નથી અને જે મળ્યું તે મોબાઇલ ફોનનું સીમ અને ભાડે લીધેલી કાર હતાં, જે ત્રીજી વ્યક્તિના નામે હતાં.
હમાસના ઉચ્ચ-તકનીકી શસ્ત્ર નિષ્ણાતોની હત્યા અગાઉની કામગીરી કરતાં અલગ હોવાનું કહેવાય છે, કારણ કે મોસાદે માત્ર હુમલાખોરોને જ નહીં પરંતુ તેમની પાછળની સહાયક પ્રણાલીને પણ નિશાન બનાવવાની શરૂઆત કરી હતી.












