14000 યહૂદીઓને બચાવવા દુશ્મન દેશમાં રિસોર્ટ બનાવી મોસાદે કરેલાં ખતરનાક મિશનની કહાણી

- લેેખક, રફી બર્ગ
- પદ, બીબીસી ન્યૂઝ, તેલ અવીવ

'અરોસ' નામનું એ સ્થળ રેડ સીના તટ પર સુદાની રણમાંનું એક આકર્ષક પર્યટન સંકુલ હોય તેવું લાગતું હતું, પરંતુ તે ગુપ્ત કામગીરી પાર પાડી રહેલા ઇઝરાયલના એજન્ટોનું થાણું પણ હતું. તે ગુપ્ત કામગીરી પર આધારિત એક ફિલ્મ 'મિશન રેડ સી' તાજેતરમાં નેટફ્લિક્સ પર પ્રદર્શિત કરવામાં આવી છે અને તે સત્યઘટનાથી અનેક રીતે અનેક રીતે પ્રભાવિત છે.
તેને ‘સુદાનના રણમાંનું ડાઇવિંગ અને મનોરંજન કેન્દ્ર’ ગણાવતા ચળકતા પૅમ્ફ્લેટમાં જણાવવામાં આવ્યું હતું કે તે “રેડ સીમાં રહેલું એક અલગ જ અદ્ભુત વિશ્વ છે.” આ જાહેરાતમાં ‘વિશ્વના સર્વશ્રેષ્ઠ અને સ્વચ્છ પાણી’ને પણ હાઈલાઇટ કરવામાં આવ્યું હતું.
જાહેરાતમાંનું લખાણ જણાવતું હતું, “લૅન્ડસ્કેપના રંગો ઝાંખા પડ્યા બાદ” રાત પડે છે ત્યારે “લાખો તારાઓથી પ્રકાશિત આકાશનું આકર્ષક દૃશ્ય” ઊભરી આવે છે.
સ્વર્ગ જેવાં આ દૃશ્યોથી આકર્ષિત થઈને યુરોપ તથા અન્ય સ્થળોએથી હજારો પ્રવાસીઓ અહીં પરવાળાના અદ્ભુત ખડકો તથા જહાજોના ભંગારવાળા 'અરોસ વિલેજ' ખાતે આવી પહોંચ્યા હતા. વિઝિટર્સ બુકનાં પાનાં પ્રવાસીઓએ કરેલી શાનદાર પ્રશંસાથી છલકાઈ ગયાં હતાં.
સુદાન ઇન્ટરનેશનલ ટુરિસ્ટ કંપની પણ યુરોપના ઉદ્યોગસાહસિકોના એક જૂથને સાઇટનું કામ સોંપવાના નિર્ણયથી રાજી હતી. એ ઉદ્યોગસાહસિકોએ કેટલાક પ્રથમ વિદેશી પ્રવાસીઓને સુદાનમાં લાવવાનું વચન આપ્યું હતું.
1980ના દાયકાની શરૂઆતમાં ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના એજન્ટો દ્વારા તે ડાઇવિંગ રિસોર્ટનું નિર્માણ તથા ચાર વર્ષથી વધુ સમય સુધી તેની સારસંભાળ રાખવામાં આવી હતી, એ વાતથી પ્રવાસીઓ અને અધિકારીઓ અજાણ હતા.
તેમણે એ રિસોર્ટનો ઉપયોગ એક માનવીય મિશન માટેની આડ તરીકે કર્યો હતો. સુદાનમાં નિરાશ્રિત છાવણીઓમાં રહેતા હજારો ઇથિયોપિયન યહૂદી લોકોને ગુપ્ત રીતે ઇઝરાયલ લઈ જવા માટે આ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આફ્રિકન દેશ સુદાન આરબ વિશ્વ સાથે જોડાયેલો એક દુશ્મન દેશ હતો અને સુદાન તથા ઇઝરાયલ બન્ને દેશમાં કશું કરવું હોય તો કોઈને ખબર ન પડે તેવી રીતે જ કરવું પડતું હતું. આ ઑપરેશન એટલું ગુપ્ત હતું કે તેમાં પ્રત્યક્ષ રીતે જોડાયેલા લોકો જ સચ્ચાઈ જાણતા હતા. ગુપ્તચર એજન્ટોના પરિવારજનોને પણ આ બાબતે માહિતી આપવામાં આવી ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇથિયોપિયન યહૂદીઓની રહસ્યમય ઉત્પત્તિ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇથિયોપિયન યહૂદીઓ બીટા ઇઝરાયલ (ઇઝરાયલના ઘર) નામના સમુદાયના હતા અને તેમની ઉત્પત્તિ એક રહસ્ય છે. અનેક શતાબ્દી સુધી એવું માનવામાં આવતું હતું કે તેઓ ઇઝરાયલીઓના વંશજ હતા. તેઓ ઈસવી પૂર્વે 950માં શેબાની રાણી તથા રાજા સોલોમનના પુત્ર સાથે ઇથિયોપિયા આવ્યા હતા અને આર્ક ઑફ કૉન્વેન્ટની તસ્કરી કરી હતી. બાઇબલમાં તેનું વર્ણન દસ આજ્ઞાની ટૅબ્લેટ્સ જાળવી રાખનાર પદાર્થ તરીકે કરવામાં આવ્યું છે.
પ્રાચીન ઇઝરાયલમાં આંતરવિગ્રહ પછી તેઓ ત્યાંથી ભાગી ગયા હોય અથવા ઈસવી પૂર્વે 586માં જેરુસલેમમાં જ્યુ મંદિરના વિનાશ પછી તેઓ ગુપ્તવાસમાં ચાલ્યા ગયા હોય તે પણ શક્ય છે.
બીટા ઇઝરાયેલ ગૂમ થઈ ગયેલી કહેવાતી 10 જાતિઓ પૈકીની એક છે, જે ઈસવી પૂર્વે આઠમી સદીમાં ઇઝરાયલના સામ્રાજ્યના આક્રમણ બાદ ઇતિહાસમાંથી અદૃશ્ય થઈ ગઈ હતી. આ મતને ઇઝરાયલના મુખ્ય રબ્બાનીએ 1970ના દાયકાના આરંભમાં સત્તાવાર રીતે સમર્થન આપ્યું હતું.
ઇથિયોપિયન યહૂદી લોકો બાઇબલના યહૂદી સંસ્કરણ તોરાહનું પાલન કરતા હતા અને સિનાગોગ જેવી ઇમારતોમાં પ્રાર્થના કરતા હતા, પરંતુ હજારો વર્ષોથી અન્ય યહૂદી જૂથોથી અલગ રહેવાને લીધે તેઓ પોતાને વિશ્વના યહૂદીઓ લોકોના છેલ્લા અવશેષો માનતા હતા.
તેમના સભ્યો પૈકીના એક ફેરેદે અકલુમ 1977માં સુદાન ભાગી ગયા હતા. બળવાખોરો સાથે હાથ મિલાવવા અને યહૂદીઓને ઇઝરાયલમાં સ્થળાંતર માટે પ્રોત્સાહિત કરવા જેવી સરકાર વિરોધી પ્રવૃત્તિ બદલ ઇથિયોપિયાના સત્તાવાળાઓ તેમને શોધી રહ્યા હતા. તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેઓ આંતરવિગ્રહ અને ખાદ્યસામગ્રીની વણસતી કટોકટીમાંથી રાહત મેળવવા દેશ છોડી રહેલા બિન-યહૂદી ઇથિયોપિયન શરણાર્થીઓના જૂથ સાથે જોડાયા હોવાનું કહેવાય છે.

ઇમેજ સ્રોત, RAFFI BERG
તેમણે ઇઝરાયેલ સુધી પહોંચવા માટે મદદની માગણી કરતા પત્રો રાહત એજન્સીઓને લખ્યા હતા. એ પૈકીનો એક પત્ર મોસાદના હાથમાં આવ્યો હતો. ઇઝરાયલના તત્કાલીન વડાપ્રધાન મેનાકેમ બિગિન (1913-1992) પોતે પણ નાઝીઓના કબજા હેઠળના યુરોપના શરણાર્થી હતા. તેમના મતે ઇઝરાયલ જેમના અસ્તિત્વ પર જોખમ હોય તેવા યહૂદીઓ માટે સલામત આશ્રયસ્થાન હતું. તેમાં બીટા ઇઝરાયલ પણ અપવાદ ન હતા. તેમણે આ સંદર્ભે કાર્યવાહી કરવાનો આદેશ ગુપ્તચર એજન્સીને આપ્યો હતો.
ફેરેદે અકલુમને શોધવાની અને સુદાનમાંના ઇઝરાયલીઓને ઇઝરાયલ લાવવાના માર્ગ શોધવાની જવાબદારી મોસાદે તેના દાની નામના એક એજન્ટને સોંપી હતી.
દાનીના જણાવ્યા અનુસાર, “એ કામ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું મુશ્કેલ હતું.” મુશ્કેલીભરી શોધ પછી દાનીએ સુદાનની રાજધાની ખાર્તુમમાંથી ફેરેદેને શોધી કાઢ્યા હતા. ફેરેદેએ ઇથિયોપિયામાંના તેમના સમુદાયના લોકોને સંદેશો મોકલ્યો હતો કે જેરુસલેમનો માર્ગ સુદાનમાંથી પસાર થાય છે.
તેને પગલે 2,700 વર્ષ જૂનું સપનું સાકાર થવાની આકર્ષક તક સર્જાઈ હતી. 1985ના અંત સુધીમાં આશરે 14,000 બીટા ઇઝરાયલીઓએ 800 કિલોમીટરની મુસાફરી પગપાળા કરવાનું જોખમ વહોર્યું હતું.
આશરે 1,500 લોકો પ્રવાસ દરમિયાન, સુદાનના ગેદારેફ અને કસાલાની શહેરની આસપાસની જોખમી શિબિરોમાં મૃત્યુ પામ્યા હતા અથવા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.
મુસ્લિમોના બાહુલ્યવાળા સુદાનમાં કોઈ યહૂદી ન હોવાથી સ્થાનિક લોકો સાથે ભળી જવા અને સુદાનની ગુપ્ત પોલીસના અત્યાચારથી બચવા તેમણે તેમનો ધર્મ છુપાવ્યો હતો. જોખમ હોવા છતાં તેમણે યહૂદી પરંપરાનો આદર ચાલુ રાખ્યો હતો.

બચાવ અભિયાન

ઇમેજ સ્રોત, AAEJ ARCHIVES ONLINE
એ પછી તરત દાની અને ફેરેદેની આગેવાની હેઠળ સુદાનમાંથી નાના પાયે, ગુપ્ત રીતે બહાર નીકળવાનું શરૂ થયું હતું. ઇથિયોપિયન યહૂદીઓ ખાર્તુમ ઍરપૉર્ટ પરથી ખોટા દસ્તાવેજો સાથે પ્લેનમાં ચડ્યા હતા અને ઇઝરાયલ ગયા હતા, પરંતુ એવા લોકોની સંખ્યામાં વધારો થતાં બીજો રસ્તો શોધવો પડ્યો હતો.
તે ઑપરેશનની વાત કરતા દાનીએ કહ્યું હતું, “મેં સમુદ્ર માર્ગ વિશે વિચાર્યું હતું. સુદાન ઇથિયોપિયા જેવું ન હતું. (ત્યાં ચાલતા આંતરવિગ્રહ અને પર્વતીય ભૂપ્રદેશને લીધે યહૂદીઓને જમીન માર્ગે દરિયા સુધી લઈ જવાનું સરળ ન હતું) લોકોને સુદાનથી રેડ સી મારફત લઈ જઈ શકાય અને બોટની સુવિધા મળે તો એ કામ મોટા પાયે કરી શકાય તેવું હતું.”
1980ના દાયકાના અંત ભાગમાં સંભવિત લૅન્ડિંગ બીચની શોધ દરમિયાન દાની અને અન્ય એજન્ટ સુદાનના દરિયાકિનારાનો પ્રવાસ કરતા હતા ત્યારે પૉર્ટ સુદાન શહેરથી લગભગ 70 કિલોમીટર ઉત્તરના અરોસમાં એક ત્યજી દેવાયેલો એક રિસોર્ટ તેમના ધ્યાનમાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું, “અમે કંઈક એવું જોયું હતું, જે અમને કંઈક ખાસ લાગ્યું હતું. એક મૃગજળ. લાલ છતવાળી ઇમારતો હતી અને અમે બીજે ક્યાંય નહીં, સુદાનમાં હતા.”
એ રિસોર્ટની સારસંભાળ રાખતી એક વ્યક્તિએ તેમને જણાવ્યું હતું કે રિસોર્ટનું સંચાલન ઇટલીની એક કંપની કરતી હતી અને થોડાં વર્ષ પહેલાં તેને બંધ કરી દેવામાં આવ્યો હતો. દાનીએ કહ્યું હતું, “તે વ્યક્તિ અમને અંદર લઈ ગઈ કે તરત જ અમે સમજી ગયા હતા કે તે કેટલું મહત્ત્વનું છે. મૂળ કામ કરવાની એક આડશ તરીકે એ સ્થળમાં અમર્યાદ સંભાવનાઓ હતી.”
એ પછી શું થયું તેની કથા 'મિશન ટુ ધ રેડ સી' ફિલ્મમાં છે. તેનું ફિલ્માંકન નામીબિયા અને દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું. ત્યાં રિસોર્ટ જેવો સેટ બનાવવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં ક્રિસ ઇવાન્સ દાનીનું પાત્ર ભજવે છે, જ્યારે બાકીનાં પાત્રો દાનીની ટીમના લોકોના આધારે સર્જવામાં આવ્યાં છે.

ઇમેજ સ્રોત, AAEJ ARCHIVES ONLINE
ફિલ્મમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તે સત્યઘટના પર આધારિત નહીં, પરંતુ ‘પ્રેરિત’ છે. ખરેખર શું બન્યું હતું તે કેટલાંક દૃશ્યોમાં અસ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ ફિલ્મનો કેટલોક હિસ્સો હોલીવુડની ફિલ્મો જેવો છે. (દાખલા તરીકે, એકેય યહૂદીને રિસોર્ટ પર ક્યારેય લઈ જવામાં આવ્યા ન હતા, અમેરિકનો આ ઑપરેશનથી અજાણ હતા અને બહુ ઓછા શરણાર્થીઓને દેશની બહાર લઈ જવામાં આવ્યા હતા. આ બધું ઇઝરાયલી ઍર ફોર્સને સારી રીતે બંધ બેસે છે)
મૂળ રિસોર્ટનું બાંધકામ 1974માં પૂર્ણ થયું હતું. તેમાં 15 બંગલા, એક રસોડું અને એક વિશાળ ડાઇનિંગ હૉલ હતો. ત્યાં કોઈ માળખાકીય વ્યવસ્થા કે ઍક્સેસ રોડ ન હતો, પરંતુ ઇટાલિયન લોકો જનરેટર લાવ્યા હતા અને પૉર્ટો સુદાનમાંથી તેમણે પીવાના પાણીની વ્યવસ્થા કરી હતી.
તેમણે પાંચ વર્ષ સુધી રિસોર્ટનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું, પરંતુ સુદાનના સત્તાવાળાઓ સાથે સમસ્યા સર્જાઈ એ પછી તેમણે રિસોર્ટ છોડી દીધો હતો અને એક વર્ષ પછી તે બંધ થઈ ગયો હતો. તે ઓપરેશનમાં સામેલ એક એજન્ટે પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે કહ્યુ હતું, “મોસાદનું પીઠબળ ન હોય તો તેનું સંચાલન મુશ્કેલ બને તેવું એ સ્થળ હતું.”
ખુદની ઓળખ સ્વીડનની એક કંપની (જેનું અસ્તિત્વ જ ન હતું)ના ડિરેક્ટર તરીકે આપીને દાનીએ સુદાનના અધિકારીઓને ખાતરી આપી હતી કે તેઓ રિસોર્ટને ફરી ધમધમતો કરી શકે છે અને પ્રવાસીઓને ફરી લાવી શકે છે. તે સમયે અઢી લાખ ડૉલરમાં લીઝનો સોદો કરવામાં આવ્યો હતો.

આખો રિસોર્ટ નકલી

દાની અને તેમની ટીમે પહેલું વર્ષ રિસોર્ટના નવીનીકરણમાં વિતાવ્યું હતું. ઍર કન્ડિશનિંગ, વૉટર સ્પોર્ટ્સની સામગ્રી અને સુદાનનું પ્રથમ વિન્ડસર્ફિંગ બોર્ડ સહિતના બધાં ઇઝરાયલમાં બનાવવામાં આવેલાં સાધનો દાણચોરીથી લાવવામાં આવ્યાં હતાં.
તેમણે હાઉસકીપર, વેઈટર, એક ડ્રાઈવર અને એક રસોઇયા સહિતના 15 સ્થાનિક કર્મચારીઓની ભરતી કરી હતી. રિસોર્ટનો સાચો હેતુ શું છે અથવા તેને મોસાદના એજન્ટો ચલાવી રહ્યા છે તેની ખબર એક પણ કર્મચારીને ન હતી.
ડાઇવિંગનાં સાધનોનાં ડેપોમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. તેલ અવીવ સાથે નિયમિત સંપર્ક જાળવવા માટે રેડિયોનો ઉપયોગ કરવામાં આવતો હતો.
દિવસ દરમિયાન તેઓ મહેમાનોની સંભાળ રાખતા હતા અને સમયાંતરે એક ટુકડી રાત્રે 900 કિલોમીટર દૂર ગેડારેફ નજીકના મીટિંગ પોઇન્ટ પર જતી હતી. ત્યાં કમિટીના કહેવાતા માણસોના ખેતરોમાં ઇથિયોપિયન યહૂદીઓ છુપાયેલા હતા. મિશન માટે બીટા ઇઝરાયલીઓની ભરતી કરવામાં આવી હતી.

દાનીએ કહ્યું હતું, “શરૂઆતમાં શરણાર્થીઓને 24 કલાકની નોટિસ આપવામાં આવી હતી કે તેમને લઈ જવામાં આવશે. ક્યાં લઈ જવામાં આવશે તેની તેમને ખબર ન હતી, પરંતુ તેમનું ગંતવ્યસ્થાન જેરુસલેમ હશે એ તેઓ સમજી ગયા હતા. વાત ફેલાઈ જવાના જોખમને લીધે પછી અમે ચેતવણી આપવાનું બંધ કર્યું હતું. બાદમાં તેમને ઊંઘમાંથી ગુપ્ત રીતે જગાડીને જણાવવામાં આવતું હતું કે તમારો અહીંથી જવાનો સમય થઈ ગયો છે.”
ત્યાંથી ડઘાયેલા શરણાર્થીઓને ટ્રકોમાં બે રાત મુસાફરી કરીને, દિવસ દરમિયાન છૂપાયેલા રહીને લઈ જવામાં આવતા હતા. શરૂઆતના દિવસોમાં વાહનો ચેકપોઇન્ટ પરથી પસાર થતા હતા, પરંતુ એક રક્ષકે તેમના પર ગોળીબાર કર્યો પછી બધું બદલાઈ ગયું હતું.
યહૂદીઓ ટ્રકમાંથી નીચે ઊતરતા અને પોતે પવિત્ર ભૂમિમાં છે એવું માનીને જમીનને ચુંબન કરતા હતા. રિસોર્ટ નજીકના દરિયાકાંઠે ઇઝરાયલી નૌકાદળની બોટ્સમાંથી ખાસ સલામતી દળો ઊતરતા હતાં અને શરણાર્થીઓને એકત્રિત કરીને ઇઝરાયલી જહાજમાં લઈ જતા હતા. આ રીતે તેઓ ઇઝરાયલ પહોંચતા હતા.
એક એજન્ટે કહ્યું હતું, “એ ખતરનાક હતું. અમે બધા જાણતા હતા કે અમારામાંથી કોઈ પકડાઈ જશે તો તેને ખાર્તુમમાં ફાંસીએ ચડાવી દેવામાં આવશે.”
આવું લગભગ માર્ચ, 1982માં બન્યું હતું. ત્રીજા ઑપરેશનમાં આ જૂથ દરિયા કાંઠે સુદાનના સૈનિકોની નજરે ચડી ગયું હતું. એ જૂથમાંના લોકો દાણચોરો છે એમ ધારીને એક સૈનિકે ગોળીબાર કર્યો હતો, પરંતુ ઇથિયોપિયન લોકો સાથેની બોટ નાસી છૂટવામાં સફળ રહી હતી.

એ પછી એવું સમજાયું હતું કે નૌકા મારફત સ્થળાંતરમાં વધારે જોખમ છે. તેથી નવી યોજના ઘડી કાઢવામાં આવી હતી. શરણાર્થીઓને ગુપ્ત રીતે પ્લેનમાં લઈ જવા માટે રણમાં વિમાનના ઉતરાણનું યોગ્ય સ્થળ શોધી કાઢવાનું કામ એજન્ટોને સોંપવામાં આવ્યું હતું.
દરમિયાન અરોસ ગામની ખ્યાતિ ચારેકોર ફેલાઈ ગઈ હતી. તેની મુલાકાત લઈ ચૂકેલા એક અમેરિકને મને કહ્યું હતું, “અરોસ ખરેખર સુંદર છે. ત્યાં નાનકડી ઝૂંપડીઓ છે, જે આનંદદાયક છે. બોટ અને સ્નોરકેલ મારફત બહાર જઈ શકાય છે. પાણીની નીચેનું દૃશ્ય મનમોહક હતું.”
‘યુરોપિયન’ કર્મચારીઓ યુવા, સ્વસ્થ અને તંદુરસ્ત દેખાતા હોવાનું તેમને યાદ છે. તેમણે કહ્યું હતું, “રાતના ભોજન વખતે લોકો કહેતા કે અહીં રિસોર્ટનું નિર્માણ શા માટે કર્યું? તેનો જવાબ બેશક એ હતો કે તે બહુ જ સુંદર, આકર્ષક સ્થળ હતું.”
ઇજિપ્તના સૈન્યની ટુકડી, બ્રિટિશ ઍરફોર્સના સભ્યો, ખાર્તુમના વિદેશી રાજદ્વારીઓ અને સુદાનના અધિકારીઓ સહિતના રિસોર્ટના ગ્રાહકો તેમના યજમાનની સાચી ઓળખથી અજાણ હતા.
અરોસ વિલેજ ખુદને અને મોસાદની કામગીરીને આર્થિક આધાર આપી શકે તેટલી કમાણી પહેલેથી જ કરી રહ્યું હતું. તેનો અમુક હિસ્સો શરણાર્થીઓને લઈ જવાની ટ્રક્સ ખરીદવા કે ભાડે લેવા માટે આપવામાં આવતો હતો.

ઑપરેશન મોઝેસ

ઇમેજ સ્રોત, Getty Images
દરમિયાન હવાઈ પરિવહનની કામગીરી શરૂ થઈ ગઈ હતી. ઇઝરાયલના સૈન્યએ દરિયાકાંઠાથી દૂર ન હોય તેવા, બીજા વિશ્વ યુદ્ધ પછી ત્યજી દેવાયેલા ઍરફિલ્ડને શોધી કાઢ્યું હતું અને ઇઝરાયલી સૈનિકોને લઈને પહોંચેલું સૌપ્રથમ વિમાન મે, 1982માં ત્યાં રાતના અંધારામાં ઊતર્યું હતું.
દાનીએ કહ્યું હતું, “ઘણા ઇઝરાયલી યહૂદીઓએ પહેલાં ક્યારેય ટ્રક જોઈ ન હતી. તેથી તેમને લીલી લાઇટ ઝળકાવતા સૈનિકો પરગ્રહવાસી જેવા લાગતા હતા. તેઓ વિમાનમાં ચડતા ડરતા હતા.”
બે ઍરલિફ્ટ્સ પછી મોસાદને જાણવા મળ્યું હતું કે સુદાનના સત્તાવાળાઓ ઓચિંતા હુમલાની યોજના બનાવી રહ્યા છે. એ પછી ટીમને વધારે ગુપ્ત લૅન્ડિંગ સાઇટ શોધવાની સૂચના આપવામાં આવી હતી.
તેમણે ગેડારેફ નજીક કેટલાંક સ્થળ શોધી કાઢ્યાં હતાં. ત્યાં શરણાર્થીઓને રોડ મારફત પહોંચાડવામાં ઓછો સમય લાગતો હતો. એક અનામી એજન્ટે કહ્યું હતું, “ત્યાં કોઈ ઍરસ્ટ્રીપ નહોતી. તે રણનો એક હિસ્સો હતો. લૅન્ડિંગ સાઇટ પર પૂરતો પ્રકાશ ન હતો. પાઇલટ્સે નેવિગેશનની મદદ વિના અમને અંધારામાં શોધવા પડતા હતા.”
તેમાં જટિલતા ઉપરાંત નિષ્ફળતાનું વિનાશક જોખમ હોવા છતાં રિસોર્ટમાંના એજન્ટોની સહાયથી 17 ગુપ્ત ફ્લાઈટ્સ ચલાવવામાં આવી હતી.
1984ના અંતમાં સુદાનમાં દુષ્કાળની જાહેરાત કરવામાં આવી હતી. એ સાથે ઇઝરાયલીઓએ તેમના પ્રયાસ બમણા કર્યા હતા. અમેરિકાના હસ્તક્ષેપ અને મોટા પ્રમાણમાં નાણાંની ચુકવણીને લીધે સુદાનના તત્કાલીન પ્રમુખ જનરલ જાફર નિમેરી(1930-2009)એ યહૂદી શરણાર્થીઓને, કામગીરી સંપૂર્ણ ગુપ્ત રાખવાની શરતે, ખાર્તુમથી સીધા યુરોપ લઈ જવાની મંજૂરી આપી હતી.
એક બૅલ્જિયન યહૂદી ઍરલાઇન્સના માલિકે ભાડે લીધેલાં વિમાનમાં 28 ઍરલિફ્ટ્સ મારફત 6,380 ઇથિયોપિયન યહૂદીઓને પહેલાં બ્રસેલ્સ અને બાદમાં ઇઝરાયલ લઈ જવામાં આવ્યા હતા. તે ઍરલિફ્ટનું કોડનેમ હતું : ઑપરેશન મોઝેસ.

રહસ્ય જાહેર થયું

ઇમેજ સ્રોત, Getty Images
તે ઑપરેશનની માહિતી ઇઝરાયલી પ્રેસને લીક કરવામાં આવી હતી અને વિશ્વભરનાં અખબારોએ તેની સ્ટોરી 1985ની પાંચમી જાન્યુઆરીએ પ્રકાશિત કરી હતી. સુદાને તરત જ ફ્લાઇટ બંધ કરી દીધી હતી અને તેમાં પોતાની કોઈ સંડોવણી હોવાનો જાહેરમાં ઇનકાર કર્યો હતો. આ ‘ઝિઓનિસ્ટ-ઇથિયોપિયન પ્લાન’માં ઇઝરાયલ સાથે મળીને કુલડીમાં ગોળ ભાંગ્યો હોવાના આક્ષેપને પણ સુદાને ફગાવી દીધો હતો.
ઑપરેશન મોઝેસમાં વિક્ષેપને લીધે 492 ઇથિયોપિયન યહૂદીઓ બાકી રહી ગયા હતા. બે મહિના પછી અમેરિકાના તત્કાલીન ઉપપ્રમુખ જ્યોર્જ એચડબલ્યુ બુશ(1924-2018)ની વિનંતીને પગલે નિમેરીએ મંજૂરી આપી હતી અને બાકી રહી ગયેલા લોકોને છેલ્લી ગુપ્ત ઍરલિફ્ટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. નિમેરીનો આગ્રહ એવો હતો કે તે લોકોને યુરોપ લઈ જવામાં આવે, પરંતુ લોકો સાથેના વિમાનને સીધું ઇઝરાયલ લઈ જવામાં આવ્યું હતું.
મોસાદે રિસોર્ટનું સંચાલન ચાલુ રાખ્યું હતું અને પ્રવાસીઓના ધસારાને એજન્ટોએ સંભાળવો પડ્યો હતો, પરંતુ દેશમાં વાતાવરણ બદલાઈ રહ્યું હતું. નિમેરી સામે માર્ચમાં શરૂ થયેલું વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું અને 1985ની છઠ્ઠી એપ્રિલે સૈન્યએ નિમેરીને પદભ્રષ્ટ કર્યા હતા. એ ઘટનાક્રમને લીધે ઇઝરાયલી એજન્ટો પર જોખમ સર્જાયું હતું.
નવું લશ્કરી શાસન આરબ વિશ્વમાં પોતાની વિશ્વસનીયતા વધારવા માટે વાસ્તવિક તથા કાલ્પનિક જાસુસોને દેશમાંથી હાંકી કાઢવા ઇચ્છતું હતું. એ પછી મોસાદના વડાએ રિસોર્ટ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
ઈસ્ટર સીઝનના અંત સુધી રાહ જોવાનું સલામતીભર્યું રહેશે એમ વિચારીને એજન્ટોની ટીમ સાઇટ પર જ રહી હતી. પછી એક દિવસ તેમણે તેમના કર્મચારીઓને જણાવ્યું હતું કે તેઓ નવી ડાઇવ સાઇટ્સ શોધવાનું કામ થોડા દિવસ કરશે.
એક એજન્ટે કહ્યું હતું, “અમારા પૈકીના છ લોકો સવાર પહેલાં બે વાહનમાં નીકળી ગયા હતા. એક વિમાન ઉત્તર તરફ ઊતર્યું હતું. એ સ્થળનો અમે ક્યારેય ઉપયોગ કર્યો નહોતો. અમે ત્યાંથી ઉડાણ ભરીને સ્વદેશ પહોંચી શક્યા હતા.”
તેમણે ઉમેર્યું હતું, “એ વખતે રિસોર્ટમાં પ્રવાસીઓ હતા. તેઓ જાગ્યા ત્યારે રણમાં એકલા હતા. સ્થાનિક ટીમ ત્યાં જ હતી, પરંતુ ડાઇવિંગ પ્રશિક્ષક, મૅનેજર સહિતના બધા કોકેશિયનો ગાયબ થઈ ગયા હતા.”
રિસોર્ટને તાળું લાગી ગયું હતું, પરંતુ એ પછીનાં છ વર્ષમાં લગભગ 18 હજાર બીટા ઇઝરાયલીઓ નવા ઑપરેશન્શ પછી યહૂદી દેશમાં નવી જિંદગી માટે રવાના થયા હતા.
ફેરેદે અકલુમે 1980માં તેમની ઓળખ જાહેર કરી હતી અને તેમને ઇઝરાયલ લઈ જવામાં આવ્યા હતા. 2009માં તેમનું અવસાન થયું ત્યારે મોસાદના વડાઓ, ભૂતપૂર્વ વડાઓ અને હજારો ઇથિયોપિયન યહૂદીઓએ તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. તેમના માટે તેઓ રાષ્ટ્રનાયક હતા.
દાનીએ કહ્યું હતું, “તેઓ મારા ભાઈ જેવા હતા. તેમના અને ઇથિયોપિયન યહૂદીઓની હિંમત વિના આમાંનું કંઈ થઈ શક્યું ન હોત. તે સ્વદેશ પાછા ફરવાના ઇથિયોપિયન યહૂદીઓનાં સપનાં અને ઇઝરાયલી યહૂદીઓની ઇચ્છાનું મિલન હતું. તે આ ઑપરેશનનું ચાલક બળ હતું. તેથી જ કોઈએ ક્યારેય હાર માની ન હતી.”














