ઇઝરાયલી જાસૂસી એજન્સી મોસાદ ઈરાનના ગુપ્તચરતંત્રમાં ઊંડી પેસી જતાં સરકાર પરેશાન
- લેેખક, જિયાર ગોલ
- પદ, બીબીસી પર્શિયન
નવેમ્બર-2020માં ઈરાનના સૌથી વિખ્યાત પરમાણુ વિજ્ઞાની મોહસીન ફખરીજાદેહનો કાફલો આગની જ્વાળાઓથી ઘેરાઈ ગયો અને થોડી જ મિનિટોમાં તેમનું મૃત્યુ થઈ ગયું. તેમની ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી રિમોટ મશીનગન ચલાવવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, EPA
કોઈ પણ ગતિશીલ ટાર્ગેટને વીંધવા માટે ગ્રાઉન્ડ ઉપરથી રિયલ ટાઇમ ઇન્ટેલિજન્સની જરૂર પડે છે. વિશેષ કરીને જ્યારે નાગરિકોને નુકસાન પહોંચાડ્યા વગર કોઈ ચોક્કસ શખ્સને ટાર્ગેટ બનાવવાનો હોય.
ફખરીજાદેહના મૃત્યુ પછી ઈરાનના ગુપ્તચર વિભાગના પ્રધાન મહમૂદ અલાવીએ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે બે મહિના અગાઉ જ સુરક્ષાબળોને આ પ્રકારના હુમલા વિશે ચેતવણી આપવામાં આવી હતી. સાથે જ અલાવીએ દાવો કર્યો હતો કે જે સ્થળ ઉપર ફખરીજાદેહ ઉપર હુમલો કરવામાં આવશે, તેની ચેતવણી આપવામાં આવી હતી, ત્યાં જ તેમની ઉપર હુમલો થયો હતો.
જે શખ્સ દ્વારા હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો, તે ઈરાનની સેના સાથે જોડાયેલો હતો. અલાવીએ સ્વીકાર્યું હતું કે તેઓ પોતાની જ સેના ઉપર ઇન્ટેલિજન્સ ઑપરેશનને અંજામ આપી શક્યા ન હતા.
તેમણે એવા અણસાર આપ્યા હતા કે ષડયંત્રને અંજામ આપનાર કાવતરાખોર ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ (આઈઆરજીસી) સાથે જોડાયેલો હતો. જે ઈરાનની પ્રતિષ્ઠિત સૈન્ય ટુકડી છે.
એવું માની શકાય કે કાવતરાખોર આઈઆરજીસીમાં એટલા ઊંચા હોદા ઉપર હશે કે ગુપ્તચર તંત્રની ચેતવણીને અવગણીને તેણે હુમલાની તારીખ, સમય અને જગ્યા નક્કી કરી શકે. મોહસીન ફખરીજાદેહ પણ આઈઆરજીસીના સભ્ય હતા.

ઈરાનના કમાન્ડરો દ્વારા જાસૂસી?

ઇમેજ સ્રોત, Getty Images
તહેરાનની અતિસુરક્ષિત ઇવિન જેલના સિક્યૉરિટી વૉર્ડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ત્યાં આઈઆરજીસીના અનેક કમાન્ડરોને રાખવામાં આવ્યા છે, તેમની ઉપર અન્ય દેશો માટે જાસૂસી કરવાના આરોપ છે.
ઈરાની રિવૉલ્યુશનરી ગાર્ડની પ્રતિષ્ઠાને ઝાંખપ ન લાગે તે માટે ઈરાનની સરકાર દ્વારા તેમના નામ તથા હોદ્દા જાહેર કરવામાં નથી આવતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઈઆરજીસી કુદ્સ ફોર્સ (વિદેશી ઑપરેશન યુનિટ)ના એક પૂર્વ ગુપ્તચર અધિકારીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, વિદેશી એજન્સીઓએ અનેક ઈરાની રાજદૂત તથા આઈઆરજીસી કમાન્ડરો વિરુદ્ધ પુરાવા એકઠા કર્યા છે.
આ લોકોના મહિલાઓ સાથે સંબંધના પુરાવા પણ તેમણે એકઠા કર્યા છે, જેથી વિદેશી જાસૂસી સંસ્થાઓ તેમની ઉપર જાસૂસી કરવા માટે દબાણ લાવી શકે.

પરમાણુ દસ્તાવેજોની 'ચોરી'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જાન્યુઆરી-2018ની એક રાતે રાજધાની તહેરાનથી લગભગ 20 માઇલ દુર એક ઔદ્યોગિક વિસ્તારની સ્ટોર ફૅસિલિટીમાં લગભગ 12 લોકો ઘૂસ્યા. ત્યાં 32 કબાટ હતા, છતાં તેઓ જાણતા હતા કે સૌથી કિંમતી ચીજ ક્યાં રાખવામાં આવી છે.
લગભગ સાત કલાકના ગાળામાં તેમણે 27 કબાટના તાળા ઓગાળી નાખ્યા અને ત્યાં રાખવામાં આવેલા લગભગ અડધો ટન પરમાણુ દસ્તાવેજ ચોરી લીધા. એ લોકોએ ત્યાં કઈ પુરાવો ન છોડ્યો.
આધુનિક ઈરાનના ઇતિહાસમાં તેને સૌથી મોટી ચોરી માનવામાં આવે છે. આમ છતાં અધિકારીઓએ આ મુદ્દે મૌન સેવી લીધું હતું.
આ ઘટનાના ત્રણ મહિના બાદ ત્યાંથી બે હજાર કિલોમીટર દૂર ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં ચોરાયેલા દસ્તાવેજ 'સાર્વજનિક' કરવામાં આવ્યા હતા.
તેને ખુદ ઇઝરાયલના તત્કાલીન વડા પ્રધાન બેન્જામિન નેતનયાહૂએ મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા અને કહ્યું હતું કે ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદે આ ઑપરેશન પાર પડાયું હતું.
એપ્રિલ-2018ની એ વિશેષ પત્રકાર પરિષદમાં નેતનયાહૂએ દસ્તાવેજોને સાર્વજનિક કરતી વેળાએ ઈરાનના અઘોષિત પરમાણુ કાર્યક્રમમાં મોહસિન ફખરીજાદેહની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.
એ સમયે ઈરાનના અધિકારીઓએ એ દસ્તાવેજોને નકલી ઠેરવ્યા હતા અને દાવો કર્યો હતો કે કોઈપણ દસ્તાવેજ ચોરી નથી થયા.
ઑગસ્ટ-2021માં પોતાના કાર્યકાળના છેલ્લા દિવસે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ સ્વીકાર્યું હતુ કે ઇઝરાયલને દેશના પરમાણુ દસ્તાવેજ ચોરવામાં સફળતા મળી હતી. તેમણે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ વિશેના પુરાવા સોંપ્યા હતા.
પોતાની પત્રકારપરિષધમાં નેતનાયહૂએ કહ્યું હતું, "શું તમને મોહસીન ફખરીજાદેહ નામ યાદ છે?" આના લગભગ બે વર્ષ પછી તેમની હત્યા થઈ ગઈ હતી.

" બોલો નહીં, સીધી જ ગોળી મારો"

ઇમેજ સ્રોત, Alamy
ગત બે દાયકા દરમિયાન ઈરાનના અનેક વિખ્યાત પરમાણુ વિજ્ઞાનીઓની હત્યા થઈ ગઈ છે.
ઈરાનના પરમાણુ અને સૈન્ય મથકોમાં તોડફોડની અનેક કાર્યવાહીઓ થઈ છે. પરંતુ ઈરાનના સુરક્ષાબળ આ પ્રકારના હુમલા તથા કાવતરાને અટકાવવામાં નિષ્ફળ રહ્યા છે.
વર્ષ 2013માં ઈરાનના તત્કાલીન રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદના કાર્યકાળના છેલ્લા વર્ષમાં એક ચર્ચાએ જોર પકડ્યું હતું કે મોસાદને માટે જાસૂસી કરવાના આરોપ સબબ આઈઆરજીસીના કમાન્ડરો, ગુપ્તચર અધિકારીઓ અને કેટલાક મૌલાનાને પકડવામાં આવ્યા હતા.
જોકે, સત્તાવાર રીતે ક્યારેય તેની પુષ્ટિ થઈ ન હતી.
આરોપીઓમાંથી એક ઈરાનના ગુપ્તચરતંત્રના ઇઝરાયલવિરોધી અભિયાનોના પ્રભારી હતા.
ઈરાનની રિવૉલ્યુશનરી ગાર્ડ કોર્ટે ચૂપચાપ તેમની સામે ખટલો ચલાવ્યો તથા તેના કોઈ સાર્વજનિક ઉલ્લેખ વગર જ તેમને ફાંસીએ ચઢાવી દેવામાં આવ્યા.
ગતવર્ષે અહમદીનેજાદે સ્વીકાર્યું હતું કે મોસાદે તેમના ગુપ્તચરતંત્રમાં પેઠ મેળવી લીધી હતી.
તેમણે કહ્યું કે ઇઝરાયલના જાસૂસોને કાબૂ કરવા માટે તથા ઈરાનમાં તેમની કાર્યવાહીઓને અટકાવવા માટે જવાબદાર અધિકારી ખુદ જ ઇઝરાયલનો એજન્ટ બની જાય, શું તે શક્ય છે?
ઇઝરાયલ દ્વારા જ્વલ્લે જ મોસાદની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. ઇઝરાયલની સેનાના નિવૃત્ત જનરલ તથા સંરક્ષણ મંત્રાલયના અધિકારી અમોસ ગિલાડે બીબીસી સાથે વાતચીતમાં તેનું કારણ જણાવતા કહ્યું :
"હું કોઈપણ પ્રકારની પબ્લિસિટીની વિરુદ્ધ છું. જો તમારે ગોળી મારવી છે, તો મારી દો. તેના વિશે વાત ન કરો. મોસાદ પોતાના દીલધડક ઑપરેશનોને કોઈપણ જાતના પ્રચાર વિના અંજામ આપવા માટે વિખ્યાત છે."

મોસાદ ઊંડે સુધી પહોંચ્યું

ઇમેજ સ્રોત, EPA
ઈરાનની સરકારમાં કામ કરી ચૂકેલા અધિકારીઓનું કહેવું છે કે તેમને સૌથી વધુ એ વાતની ચિંતા છે કે મોસાદની ઈરાનના સુરક્ષા તથા ગુપ્તચર તંત્રમાં ખૂબ જ ઉપર સુધી પહોંચ છે. ઈરાનના ગુપ્તચર વિભાગના પૂર્વ મંત્રી તથા રાષ્ટ્રપતિ રુહાનીના મુખ્ય સલાહકાર અલી યુનુસીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું :
"દેશની અંદર મોસાદની પહોંચ એટલી ઊંડી છે કે ઈરાનના નેતૃત્વનો દરેક શખ્સ પોતાની જિંદગી તથા પોતાની સુરક્ષા માટે ચિંતિત રહે છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













