ઇઝરાયલની સરહદ વરસોવરસ કઈ રીતે બદલાતી રહી? નકશામાં સમજો

ઇઝરાયલની સ્થાપનાનાં 70 વર્ષ બાદ પણ એની સરહદો પર શાંતિ સ્થાપી શકાઈ નથી. યુદ્ધો, સંધિઓ અને કબજાઓને લીધે આ યહૂદી રાષ્ટ્રનો આકાર સતત બદલાતો રહ્યો છે અને એના ઘણા ભાગો હજુ પણ નિર્ધારિત કરી શકાયા નથી.
ઇઝરાયલના વર્ષોવરસ બદલાતા આકાર વિશે અહીં માહિતી આપવામાં આવી છે.

ઇઝરાયલ જેના ઉપર અસ્તિત્વમાં આવ્યું એ ધરતી સદીઓથી તુર્કોના ઓટ્ટોમાન સામ્રાજ્ય હેઠળ હતી. જોકે, પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કોને પરાજયનો સામનો કરવો પડ્યો અને ઓટ્ટોમાન સામ્રાજ્ય પડી ભાગ્યું. જે બાદ વિજેતા રાષ્ટ્રો વચ્ચે થયેલી સહમતી અનુસાર જૉર્ડન નદીના પશ્ચિમી કાંઠાનો પેલેસ્ટાઇન તરીકે ઓળખાતો આ વિસ્તાર બ્રિટનના કબજા હેઠળ આવ્યો.
આ વિસ્તારમાં જ યહૂદી રાષ્ટ્રનાં બીજ રોપાયાં અને જનાદેશના આધારે 'યહૂદીઓ માટે એક રાષ્ટ્રીય ઘર' સ્થાપવાની જવાબદારી બ્રિટનને સોંપાઈ. જોકે, જવાબદારીમાં બિન-યહૂદીઓ પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં કરવાની શરત પણ રખાઈ.

1930ના દાયકામાં યુરોપમાં હિટલર નાઝીવાદ લાવ્યો અને એણે યહૂદીઓનું નિકંદન કાઢવાની નેમ લીધી. એના પગલે પેલેસ્ટાઇનમાં યહૂદીઓની વસતિ ઝડપથી વધવા લાગી અને આ વધારો આરબ-યહૂદીઓના સંઘર્ષનો કારક બન્યો. આ જ સંઘર્ષે પેલેસ્ટાઇનવાસીઓમાં આરબ રાષ્ટ્રવાદને પણ જન્મ આપ્યો.
આ દરમિયાન, બ્રિટને યહૂદી-આરબ વચ્ચેનો આ વિવાદ સંયુક્ત રાષ્ટ્રને સોંપી દીધો અને સંયુક્ત રાષ્ટ્રે 1947માં યહૂદીઓ અને આરબો માટે પેલેસ્ટાઇનમાં બે અલગઅલગ રાષ્ટ્રો રચવાનો તથા જેરુસલેમ અને બેથલેહાલ વિસ્તારને આતંરરાષ્ટ્રીય શહેર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. પેલેસ્ટાઇનના યહૂદીઓએ પ્રસ્તાવ સ્વીકારી લીધો પણ આરબ નેતૃત્વ ટસનું મસ ના થયું એણે આ વિચારને ફગાવી દીધો.

14 મે, 1948ના રોજ પેલેસ્ટાઇનના યહૂદી નેતૃત્વે ઇઝરાયલ રાષ્ટ્રની જાહેરાત કરી દીધી. આ જાહેરાતના બીજા જ દિવસે પાંચ આરબો રાષ્ટ્રોએ ઇઝરાયલ પર આક્રમણ કરી દીધું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1949માં યુદ્ધવિરામની જાહેરાત કરાઈ અને પડોશી રાષ્ટ્રો સાથે યુદ્ધવિરામની રેખાઓ ખેંચાઈ, જેના પગલે ગાઝા પટ્ટી (ઇજિપ્તનો કબજો)અને વેસ્ટ બૅન્ક (જૉર્ડનનો કબજો) અસ્તિત્વમાં આવ્યાં.
જોકે, આ દરમિયાન પડોશી રાષ્ટ્રોએ ઇઝરાયલનું અસ્તિત્વ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો અને એને પગલે યહૂદી રાષ્ટ્રની સરહદો નક્કી થઈ ના શકી.

વર્ષ 1967માં ઇઝરાયલની સરહદોમાં સૌથી મોટો ફેરફાર નોંધાયો. 'સીક્સ ડે વૉર' જીત્યા બાદ સિનાઈનો વિસ્તાર, ગાઝા પટ્ટી, વેસ્ટ બૅન્ક, પૂર્વ જેરુસલેમ અને ગોલાન હાઇટ્સનો મોટા ભાગનો વિસ્તાર ઇઝરાયલના તાબા હેઠળ આવી ગયો. ઇઝરાયલે જીતેલો આ વિસ્તાર એના પોતાના નિયંત્રણ હેઠળના વિસ્તાર કરતાં ત્રણ ગણો મોટો હતો.
યહૂદી નેતૃત્વે ગોલાન હાઇટ્સ વિસ્તારને ઇઝરાયલમાં ભેળવી દીધો અને પૂર્વ જેરુસલેમને દેશનું પાટનગર જાહેર કરી દીધું. જોકે, ઇઝરાયલના પગલાને ત્યાં સુધી વૈશ્વિક માન્યતા ના મળી જ્યાં સુધી અમેરિકાએ ડોનાલ્ડ ટ્રમ્પના વડપણ હેઠળ પોતાની અધિકૃત સ્થિતિ બદલી અને જેરુસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે સ્વીકારી લીધું.
અમેરિકા વિશ્વની પ્રથમ મહાસત્તા હતું જેણે જેરુસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે સ્વીકાર્યું હતું. જોકે, પૂર્વ જેરુસલેમ અને ગોલાન હાઇટ્સ ઇઝરાયલના કબજાવાળા વિસ્તારો હોવાનો જ વૈશ્વિક મત છે.

ઇઝરાયલના અસ્તિત્વને 1979માં ઇજિપ્તે સ્વીકાર્યું અને એ વખતે પ્રથમ વખત ઇઝરાયલની જમીની સરહદ ઔપચારિક રીતે નક્કી થઈ શકી. એ વખતે ઇઝરાયલના અસ્તિત્વને સ્વીકારનાર ઇજિપ્ત પ્રથમ આરબ રાષ્ટ્ર બન્યું હતું.
બન્ને દેશો વચ્ચે થયેલા કરાર અનુસાર ઇજિપ્ત સાથેની ઇઝરાયલી સરહદ નક્કી કરાઈ અને સિનાઈના વિસ્તારમાંથી ઇઝરાયલે પોતાનાં સૈન્ય વસાહતીઓને પરત બોલાવી લીધાં. એ બાદ ઇઝરાયલના તાબા હેઠળ ગાઝા પટ્ટી, પૂર્વ જેરુસલેમ અને ગોલાન હાઇટ્સ રહ્યા.
જોકે, ઇજિપ્ત સિવાયના દેશો સાથેની ઇઝરાયલની સરહદ હજુ પણ 1949ના યુદ્ધવિરામની રેખાઓથી અંકિત કરાયેલી છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1994માં જૉર્ડને પણ ઇઝરાયલનું અસ્તિત્વ સ્વીકારી લીધું અને આવું કરનારું એ બીજું આરબ રાષ્ટ્ર બન્યું. આ સાથે જ એની સરહદો પણ અંકિત થઈ ગઈ.
જોકે, ઇઝરાયલ અને લેબનન વચ્ચે શાંતિકરાર ન થયા અને બન્ને દેશો વચ્ચેની સરહદ 1949ના યુદ્ધવિરામ વખતની જ રહી. એટલે કે લેબનન સાથેની સરહદ ઇઝરાયલની ડિ ફેકટો ઉત્તર સરહદ તરીકે સ્વીકારાઈ છે. તો બીજી તરફ સીરિયા સાથેની ઇઝરાયલની સરહદ પર નક્કી નથી થઈ શકી.
ગાઝામાંથી ઇઝરાયલે વર્ષ 2005માં પોતાના સૈનિકો અને વસાહતીઓને પરત બોલાવી લીધા અને બન્ને વચ્ચે ડિ ફેક્ટો સરહદ નક્કી કરાઈ.
જોકે, ગાઝા અને વેસ્ટ બૅન્ક બન્નેને સંયુક્ત રાષ્ટ્ર ઇઝરાયલી કબજા હેઠળના વિસ્તારો ગણે છે અને બન્નેની અધિકૃત સરહદો હજુ સુધી નક્કી કરી શકાઈ નથી.
જેને પગલે ગાઝા, વેસ્ટ બૅન્ક અને ઇસ્ટ જેરુસલેમની અંતિમ સ્થિતિ અને આકાર ઇઝરાયલ અને એના તાબા હેઠળ રહેતા પેલેસ્ટાઇનવાસીઓ વચ્ચેની વાતચીતમાં નક્કી કરવાની વાત છે, પણ વર્ષોથી આ વાતચીત થઈ શકી નથી.












