હમાસ : ગાઝામાં ઇઝરાયલના નંબર-1 દુશ્મનનો જન્મ કઈ રીતે થયો?

ઇમેજ સ્રોત, SOPA Images
- લેેખક, જય મકવાણા
- પદ, બીબીસી ગુજરાતી
- ઇઝરાયલના વિસ્તારોમાં શનિવારે ગાઝા પટ્ટીથી રૉકેટથી હુમલો કરવામાં આવ્યો છે. આ દરમિયાન ઇસ્લામી વિદ્રોહી જૂથ હમાસ સાથે જોડાયેલા અનેક લડવૈયા દક્ષિણની તરફથી ઇઝરાયલની સીમા પાર કરીને અંદર પહોંચી ગયા છે.
- તો ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તેણે ગાઝા પટ્ટી પર જવાબી હુમલા શરૂ કરી દીધા છે અને ચેતવણી આપી છે કે હમાસને આની મોટી કિંમત ચૂકવવી પડશે.
- તો ઇઝરાયલની સેનાએ કહ્યું કે 'અમે યુદ્ધ માટે તૈયાર છીએ.'
- ગાઝા પટ્ટીનો વિવાદ ફરી શરૂ થયો છે. ત્યારે બીબીસીનો 2021માં પ્રકાશિત થયેલો લેખ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
વાત એ વેળાની છે જ્યારે જ્યારે મધ્યપૂર્વમાં ઘર્ષણનું કેન્દ્ર બનેલા ઇઝરાયલ-પેલેસ્ટાઇનના સંઘર્ષના નાયક યાસર અરાફાતના નિધનને હજુ વર્ષનું વહાણું માંડ વીત્યું હતું.
છાશવારે થતી હિંસા અને હિંસાની હોળીમાં સળગતા રહેતા વેસ્ટ બૅન્કમાં પેલેસ્ટાઇન લૅજિસ્લેટિવ કાઉન્સિલ (પીએલસી)ની ચૂંટણી યોજાઈ. યાસર અરાફાતનો પક્ષ ફતાહ પેલેસ્ટાઇનની આ ચૂંટણી સરળતાથી જીતી લેશે એવું સૌનું માનવું હતું.
માનવું શું? સૌને વિશ્વાસ હતો. લોકોની અપેક્ષા પણ હતી.
એ વિશ્વાસ અને એ જ અપેક્ષાની આંગળી પકડીને ફતાહના સમર્થકો વૅસ્ટ બૅન્કના રામલ્લાહ શહેરમાં મનરાહ સ્ક્વૅર ખાતે એકઠા થયા અને ઉજવણીના ભાગરૂપે હવામાં ગોળીબાર પણ કરી આવ્યા.
જોકે, ઉજવણીના બીજા દિવસ એટલે કે વર્ષ 2006ની 25 ફેબ્રુઆરીની સવાર અણધારી નીવડી. ફતાહના સમર્થકો જ નહીં, સામાન્ય પેલેસ્ટાઇનવાસીઓને પણ વિશ્વાસ ન આવે એવી બીના બની.
જે સંગઠને ઇઝરાયલી સૈનિકો, વસાહતીઓ, નાગરિકો, વિદેશી પ્રવાસીઓ તથા પ્રવાસી કામદારો સહીત 400 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હોય, જેના નામે 50 કરતાં વધારે આત્મઘાતી બૉમ્બવિસ્ફોટો બોલતા હોય, જેણે બે દાયદા સુધી ઇઝરાયેલ જેવા સૈન્યની દૃષ્ટિએ શક્તિશાળી દેશમાં ઉત્પાત મચાવ્યો હોય એ સંગઠન પ્રથમ વખત રાષ્ટ્રીય ચૂંટણી લડી રહ્યું હતું.
પહેલી વાર એ ચૂંટણી લડ્યું અને જીતી ગયું. આ વા વાત પેલેસ્ટાઇનવાસીઓ જ નહીં, ખુદ એ સંગઠનના માન્યામાં પણ ન આવે એવી હતી.
જોકે, માનવામાં ન આવે એવી આ વાત હકીકત બની હતી. પેલેસ્ટાઇનના સેક્યુલર રાષ્ટ્રવાદી પક્ષ ફતાહની જીતની અપેક્ષા વચ્ચે ઉગ્રવાદી, ઇસ્લામિક ચળવળ હમાસનો વિજય થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિક લેખક અને 'ફાઉન્ડેશન ફૉર ડિફેન્સ ઑફ ડેમૉક્રેસીઝ'માં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઑફ રિસર્ચ જૉનાથન શાનઝર પોતાના પુસ્તક 'હમાસ Vs ફતાહ - ધ સ્ટ્રગલ ફૉર પેલેસ્ટાઇન' પુસ્તકની શરૂઆત ઉપરની ઘટનાથી કરે છે.
1987માં સ્થાપના બાદ હમાસે પહેલી વાર ચૂંટાયેલી સરકારનું ગઠન કર્યું અને આ સાથે જ વેસ્ટ બૅન્ક અને ગાઝાપટ્ટીમાં પેલેસ્ટાઇનની ચળવળનું તે આગેવાન બની ગયું.

હમાસનો જન્મ

ઇમેજ સ્રોત, Getty Images
6 ડિસેમ્બર, 1987. ગાઝા સિટીના હાર્દ સમા વિસ્તારમાં એક ઇઝરાયલી વસાહતીને કોઈએ ચાકુ હુલાવી દીધું. ઘટનાને પગલે યહૂદીઓ આક્રોશે ભરાયા અને બે દિવસ બાદ એક ઇઝરાયલી ટ્રક ડ્રાઇવરે આરબ મજૂરોથી ખીચોખીચ ભરેલી લૉરી સાથે પોતાની ટ્રક અથડાવી દીધી.
આ અકસ્માતમાં ચાર આરબનાં મૃત્યુ થયાં અને કેટલાયને ઈજા પહોંચી. ઘટનાના સમાચાર રેડિયો પર વહેતા થયા અને ગાઝા સિટીની નજીક આવેલા જબાલિયા રૅફ્યુજી કૅમ્પમાં આગની જેમ ફેલાઈ ગયા.
ગાઝામાં નિરાશ્રિતોના સૌથી મોટા નિવાસ સમા જબાલિયા રેફ્યુજી કૅમ્પમાં એ વખતે લગભગ 60 હજાર નિરાશ્રિતો રહેતા હતા.
રેડિયોમાં પ્રસારિત થયેલા સમાચારે નિરાશ્રિતોમાં અફવા ફેલાવી કે ગાઝા સિટીમાં ઇઝરાયલી વસાહતીને ચાકુ હુલાવવાની ઘટનાનો બદલો લેવા માટે ટ્રકને મજૂરોના વાહન સાથે અથડાવાઈ છે.
એ જ દિવસ ચારેય મૃત આરબોને અંતિમ વિદાય આપ્યા બાદ ડાઘુઓ ઘરે પરત ફરવાને બદલે સીધા જ જબાલિયાની ફરતે આવેલા ઇઝરાયલી સૈન્યના કૅમ્પ તરફ વળ્યા.
ચોતરફ કાંટાળા તારવાળી વાડની વચ્ચે આવેલા સૈન્ય કૅમ્પને ઘેરી લેવાયો અને 'જેહાદ! જેદાહ!'ના નારા પોકારાયા.
આક્રોશિત આરબોને વિખેરવા માટે ઇઝરાયલી સૈન્યે અશ્રુગૅસના ગોળા છોડ્યા અને હવામાં ગોળીબાર પણ કર્યો. હુલ્લડને કાબૂમાં લેવા સૈન્ય સાથે બૉર્ડર પોલીસ પણ જોડાઈ પણ એ આરબો ટસના મસ ન થયા.
આરબોનો આક્રોશ કાબૂ બહાર જતો રહ્યો અને સુરક્ષાદળો પર પથ્થરમારો થવા લાગ્યો, પેટ્રોલ બૉમ્બ ફેંકાવા લાગ્યા.
ઘટનાને પગલે ગાઝાપટ્ટીમાં આવેલી પેલેસ્ટાઇન મુસ્લિમ બ્રધરહૂડની મહાસભાએ તત્કાલ બેઠક બોલાવી અને એ જ સાંજે જન્મ થયો હરકત અલ મોકાવામા અલ ઇસ્લામિયા. દુનિયાએ તેણે હમાસ તરીખે ઓળખ્યું.
ગાઝાની સૅન્ટ્રલ જેલમાં બંધ લકવાગ્રસ્ત શેખ એહમદ ઇસ્માઇલ હસન યાસિને પોતાના પુત્રને જેલમાં પડી રહેલા માર સામે ભાંગી પડીને વ્હિલચૅરમાં બેઠાંબેઠાં હમાસના ગઠનમાં પોતાની ભૂમિકાનો ઉપર દર્શાવ્યા અનુસાર એકરાર કર્યો હતો.
લેબનાનમાં જન્મેલા અને પેલેસ્ટાઇનિયન રૅફ્યુજી કૅમ્પમાં ઉછરેલા પ્રસિદ્ધ આરબ પત્રકાર ઝાકી શેહાબે પોતાના પુસ્તક 'ઇનસાઇડ હમાસ : ધ અનટૉલ્ડ સ્ટોરી ઑફ ધ મિલિટન્ટ ઇસ્લામિક મવમૅન્ટ'માં આ વાત કરી છે.

કોણ હતા શેખ એહમદ ઇસ્માઇલ હસન યાસીન?

ઇમેજ સ્રોત, Getty Images
શેખ એહમદ યાસિનનો જન્મ 1938માં બ્રિટિશ તાબા હેઠળના દક્ષિણ પેલેસ્ટાઇનમાં થયો હતો. એહમદ માત્ર ત્રણ વર્ષના હતા ત્યારે તેમના માથેથી પિતાનો હાથ ઊઠી ગયો હતો અને આસપાસના વિસ્તારમાં તેમનાં માતા સાદા અલ હબીલના નામ પરથી એહમદ સાદેહ તરીકે તેઓ ઓળખાતા હતા.
'ઇનસાઇડ હમાસ : ધ અનટૉલ્ડ સ્ટોરી ઑફ ધ મિલિટન્ટ ઇસ્લામિક મુવમૅન્ટ'માં ઝાકી શેહાબ શેખ યાસિનની ઓળખાણ આપે છે :
1948માં શરૂ થયેલા ઇઝરાયેલી સંઘર્ષને પગલે યાસિનનાં માતા તેમને લઈને ગાઝા સિટી નાસી આવ્યાં અને અહીં અલ શાતી કૅમ્પમાં નિરાશ્રિત તરીકે રહેવાં લાગ્યાં.
એક સ્ક્વૅર કિલોમિટરમાં ફેલાયેલા એ રૅફ્યુજી કૅમ્પમાં એ વખતે 23000 નિરાશ્રિતો રહેતા હતા. નિરાશ્રિત તરીકે યાસિનના જીવનનો અહીંથી જ પ્રારંભ થયો.
14 વર્ષની કિશોર વયે પોતાના મિત્ર અબ્દુલ્લાહ અલ ખતિબ સાથે કુસ્તી કરતા યાસિને પછડાટ ખાધી અને એમાં એમનું શરીર પક્ષઘાતનું ભોગ બન્યું. શરીર એટલું ખોટું પડી ગયું કે હલનચલન તો દૂર, યાસીન માટે કલમ પકડવી પણ મુશ્કેલ બની ગઈ.
જોકે, એમ છતાં યાસિને ભણવાનું ચાલુ રાખ્યું. ઘરે રહીને અભ્યાસ કર્યો.
ઘરમાં જ ફિલસૂફી અને ધર્મ ભણ્યા. રાજશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રને સમજ્યા તથા જોતજોતામાં મસ્જિદમાં ધાર્મિક ભાષણો આપવા લાગ્યા. ગાઝાવાસીઓ તેમના અનુયાયીઓ બનવા લાગ્યા. એમના અનુયાયીઓના મતે યાસિનનો સમાવેશ ગાઝાપટ્ટીના સૌથી શ્રેષ્ઠ વક્તાઓમાં થતો હતો.
સમય જતા શેખ યાસિન ગાઝાની એક શાળામાં અરબી ભાષાના શિક્ષક તરીકે નોકરીએ લાગ્યા.
ઇલમે યાસિનને વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બનાવી દીધા. બાળકો તેમની વાત માનીને મસ્જિદની મુલાકાત લેતા થઈ ગયા. યાસિનનું સ્પષ્ટ માનવું હતું કે વિદ્યાર્થીઓને ઇસ્લામિક શિક્ષણ મળવું જોઈએ અને તેઓ જેહાદનો અર્થ સમજતા હોવા જોઈએ.
1970ના દાયકાની શરૂઆત થઈ ત્યાં સુધીમાં યાસિન ગાઝામાં ઇસ્લામિક રાજકારણમાં સક્રિય ભાગ લેવા લાગ્યા હતા. ઇસ્લામિક રાજકારણ પ્રત્યે યાસિનની રુચિ પાછળ અલ અખ્વાન અલ મુસ્લિમીન - એટલે કે મુસ્લિમ બ્રધરહૂડનો પ્રભાવ જવાબદાર હતો.
માત્ર યાસિન જ નહીં, હમાસના ગઠનમાં ભૂમિકા ભજવનારા મોટા ભાગના નેતાઓ મુસ્લિમ બ્રધરહૂડથી પ્રભાવિત હતા.

હમાસ પર મુસ્લિમ બ્રધરહૂડનો પ્રભાવ

ઇમેજ સ્રોત, Getty Images
ઑટ્ટોમન સામ્રાજ્ય તૂટતાં ઇજિપ્તમાં મુસ્લિમ બ્રધરહૂડની સ્થાપના કરવામાં આવી હતી. ઇજિપ્તને 'બિનસાંપ્રદાયિકતા અને પશ્ચિમીકરણથી બચાવવા' ધાર્મિક વિદ્વાન હસન અલ બાન્નાએ 1928માં મુસ્લિમ બ્રધરહૂડનું ગઠન કર્યું હતું.
મુસ્લિમ બ્રધરહૂડે 1936માં બ્રિટિશ શાસન અને યહૂદીઓ સામે પેલેસ્ટાઇનના આરબોનો અવાજ ઉઠાવ્યો અને આ રીતે તેણે ઇસ્લામિક રાજકારણમાં ઝુંકાવ્યું.
1967માં ઇઝરાયલે ઇજિપ્ત પાસેથી ગાઝા પડાવી લીધું અને એ બાદ પેલેસ્ટાઇનમાં બ્રધરહૂડની પાંખ સક્રિય થઈ ગઈ. તેના સભ્યોએ સખાવતી સંસ્થાઓ ઊભી કરી, મદરેસા બાંધી, મસ્જિદો સાથે કિંડરગાર્ડન બનાવ્યાં અને ગાઝા, હેબરોન, નાબલસ, જેરૂસલેમ જેવાં શહેરોમાં ઇસ્લામિક સોસાયટીઓનું ગઠન કર્યું.
આ જ કાર્યને આગળ વધારતા શેખ યાસિને 1976માં 'ઇસ્લામિક સોસાયટી'ની રચના કરી. 1978માં તેમને લાગ્યું કે પેલેસ્ટાઇનના સમાજ માટે એક એવી સંસ્થાની જરૂર છે કે જે ઇસ્લામિક મૂલ્યોનો પચાર કરી શકે, પ્રસાર કરી શકે અને સાથે જ ઇઝરાયલ સામે વિદ્રોહ પણ કરી શકે.
આવા વિચાર સાથે જ 'ઇસ્લામિક કમ્પાઉન્ડ' નામની સમિતિ અસ્તિત્વમાં આવી. ઇઝરાયલ દ્વારા આ સંસ્થાને મંજૂરી આપી દેવાઈ અને એ જ ઘડીએ પાછી પણ ખેંચી લેવાઈ.
મંજૂરી ન મળી એટલે શેખ યાસિનને મથામણો કરી, લાગવગો લગાવી અને અને આખરે સમિતિને મંજૂરી અપાવીને જ દમ લીધો.

પ્રથમ ઇન્તિફાદા

ઇમેજ સ્રોત, Getty Images
પ્રારંભમાં શેખ યાસિન દ્વારા સ્થાપાઈ રહેલી ઇસ્લામિક સંસ્થાઓ પ્રત્યે ઇઝરાયલે નરમ વલણ રાખ્યું. આવું કરીને ઇઝરાયલ શેખના ખભે એવી બંદૂક રાખવા માગતું હતું, જેના નિશાન પર યાસર અરાફાતની ચળવળ હોય.
ઇઝરાયલની મનસા યાસર અરાફાતના બિનસાંપ્રદાયિક અને રાષ્ટ્રવાદી સંગઠન પેલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનાઇઝેશન (પીએલઓ) વિરુદ્ધ ઇસ્લામિક કટ્ટરપંથીઓને ઊભા કરવાની હતી.
યાસર અરાફાતના સુરક્ષાસલાહકાર મોહમ્મદ દહલાને ઝાકી શેહાબને આપેલા એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે હમાસને પીએલઓ સામે ઊભું કરવાનાના આરોપો પર ઇઝરાયલના એ વખતના સંરક્ષણમંત્રી ઇત્ઝાક રબિનને ઇઝરાયલી સંસદમાં જવાબ આપવો પડ્યો હતો.
ઇઝરાયલીઓ બકરું કાઢવા માગતા હતા અને એવામાં ઊંટ પેસી ગયું હતું.
મુસ્લિમ બ્રધરહૂડથી પ્રેરિત ઇસ્લામિક રૂઢિવાદીઓ વધુને વધુ શક્તિશાળી બની રહ્યા હતા અને ધીમેધીમે ઇઝરાયલ વિરુદ્ધ જ વિદ્રોહ માટે પેલેસ્ટાઇનને તૈયાર કરી રહ્યા હતા.
ઝાકી શેહાબને આપેલા એક ઇન્ટરવ્યૂમાં શેખ યાસિને જણાવ્યું હતું, "1980 સુધીમાં અમારી શક્તિમાં વધારો થઈ ગયો હતો. અમે હથિયારો ભેગા કરવાનું શરૂ કરી દીધું હતું. અમારામાંથી કેટલાય પકડાઈ ગયા પણ જ્યારે છૂટ્યા ત્યારે એક રણનીતિ ઘડી કાઢી. અમે અમારી જાતને તૈયાર કરી અને ઇન્તિફાદાનો આરંભ થયો."
ઇન્તિફાદા અરબી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ વિદ્રોહ થાય છે. અત્યાચાર વિરુદ્ધ પોકારાતા બંડ માટે આરબ 'ઇન્તિફાદા' શબ્દ પ્રયોજે છે.
પેલેસ્ટાઇનિયનોએ ઇઝરાયલ વિરુદ્ધ બંડ પોકાર્યો. ઇન્તિફાદા શરૂ થયો અને આ સાથે જ હમાસ અસ્તિત્વમાં આવ્યું.

હરકત અલ મોકાવામ અલ ઇસ્લામિયા ઉર્ફે 'હમાસ'

ઇમેજ સ્રોત, Getty Images
ડિસેમ્બર 1987માં કેટલાંય ઇસ્લામિક સંગઠનો એક થયાં અને HAMAS નામ ધારણ કર્યું. HAMAS નામ કેમ રખાયું એ અંગે ઝાકી શેહાબ શેખ યાસિનને ટાંકીને લખે છે:
શેખ યાસિનને ઇસ્લામિક ચળવળ અંગે ચર્ચા કરવા માટે કેટલાક લોકો સાથે બેઠક કરી.
આ બેઠકમાં ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટીમાં કામ કરતા શેખ સલાહ શેહાદા, ઇજનેર ઇસ્સા અલ નાશાર, ડૉ. ઇબ્રાહિમ અલ યઝુરી, ડૉ. અબ્દુલ અઝીઝ અલ રાનતીસી, અબ્દુલ ફતાહ દોખાન જેવા ઇસ્લામિક રૂઢિવાદીઓ સામેલ થયા.
બેઠકમાં એક ઇસ્લામિક ચળવળ શરૂ કરવાનું નક્કી કરાયું, જેને HAMAS નામ અપાયું.
મૂળે HAMAS 'ઇસ્લામિક રૅઝિસ્ટન્સ મુવમૅન્ટ'ના અરબી ભાષાના નામના પ્રથમ શબ્દો ઉમેરીને બનાવાયેલું ટૂંકું નામ હતું. 'ઇસ્લામિક રૅઝિસ્ટન્સ મુવમૅન્ટ' એટલે અરબી ભાષામાં 'હરકત અલ મોકાવામ અલ ઇસ્લામિયા' એટલે કે HMS. આ HMSને HAMAS કરાયું.
રસપ્રદ વાત એ હતી કે હમાસનો અરબી અર્થ ઉત્સાહ, ઉંમગ થતો હતો.
'હમાસ' નામ પસંદ કરાયું એ પાછળનું વધુ એક કારણ શેખ દોખાને ઝાકી શેહાબને જણાવ્યું હતું.
શેખ દોખાનના મતે, "'હમાસ' નામ એવું હતું કે જેનાથી કોઈને ખાસ ડર ન લાગે. અમે એવું ઇચ્છતા હતા મિલિટન્ટ ઑર્ગેનાઇઝેશન હોવાની અમારી છાપ ઇઝરાયલીઓમાં ઊભી ન થાય."
"વળી, મુસ્લિમ બ્રધરહૂડ વિરુદ્ધ ઇસ્લામવિરોધી વલણ અને આરબ સરકારોની નકારાત્મક પ્રક્રિયા ઘટાડી શકવાની પણ ઇચ્છા ખરી."
"અમે અમારા રાજપત્રમાં લખ્યું છે એ રીતે હમાસ એ વિદ્રોહની ચળવળ તો છે જ, સાથે એક એવું જોડાણ પણ છે કે જેમાં માત્ર મુસ્લિમ બ્રધરહૂડ જ નહીં, પેલેસ્ટાઇનનાં તમામ વિદ્રોહી સગંઠનો, સમર્થકો અને મિત્રો જોડાઈ શકે છે."

હમાસના ગઠનની પૂર્વભમિકા

ઇમેજ સ્રોત, Getty Images
બેથલેહામના રૅફ્યુજી કૅમ્પમાં જન્મેલા અને કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં આરબ મીડિયા પ્રોજેક્ટના ડિરેક્ટર ખાલેદ હરૂબ પોતાના પુસ્તક 'હમાસ : અ બિગિનરઝ્ ગાઇડ'માં ગાઝાવાસીઓ માટે હમાસની રચનાની ઊભી થયેલી જરૂરિયાતો વિશે પ્રકાશ ફેંકે છે.
8 ડિસેમ્બર 1987માં પેલેસ્ટાઇનવાસીઓના પ્રથમ વિદ્રોહ ઇન્તિફાદાની શરૂઆતના થોડા દિવસ બાદ 14 ડિસેમ્બર 1987ના રોજ પેલેસ્ટાઇન મુસ્લિમ બ્રધરહૂડ દ્વારા હમાસના ગઠનની અધિકૃત જાહેરાત કરાઈ.
એ વખતે બ્રધરહૂડમાં વૈચારિક રીતે બે ભાગલા પડી ગયા હતા.
એક સમૂહ એવા લોકોનો હતો કે જેમનું માનવું હતું કે ઇઝરાયલી કબજા વિરુદ્ધના સંઘર્ષની નીતિમાં ફેરફાર થવા જોઈએ. તેમનો મત હતો કે એ જૂની અને પારંપરિક રીતોમાં ફેરફાર થવો જોઈએ જે સૌ પહેલાં સમાજિક ઇસ્લામિકરણ પર ભાર આપતી હતી.
બીજા જૂથનું માનવું હતું કે મુસ્લિમ બ્રધરહૂડ ચળવળના એ પારંપરિક વિચાર સાથે જોડાઈ રહેવું જોઈએ, જેમાં 'એક યુદ્ધ માટે પેઢીઓ તૈયાર' કરવાની વાત પર ભાર અપાયો છે. જોકે, આ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં નહોતી આવી.
ઇન્તિફાદાની શરૂઆત થઈ ત્યારે પહેલા જૂથનો અવાજ બળવંત બન્યો અને એને વધુ બળવાન બનાવ્યો પેલેસ્ટાઇનવાસીઓની પરિસ્થિતિએ.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ગાઝામાં ઇઝરાયલના કબજાએ સર્જેલી શોષણ અને અપમાન મિશ્રિત દારુણતાએ પેલેસ્ટાઇનવાસીઓના મનમાં બંડ પોકાર્યો અને એમાં ઊભરો આવ્યો ઇન્તિફાદાના નામે.
ગાઝામાં શરૂ થયેલા ઇન્તિફાદા પાછળનાં કારણો અંગે વાત કરતાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર અને આરબ-ઇઝરાયલી શાંતિ અને સંઘર્ષની બાબતોના જાણકાર એ. કે. પાશા બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે :
"1948માં ઇઝરાયલની સ્થાપના થઈ ત્યારે ગાઝાની આસપાસ રહેતા લાખો લોકોએ ભાગીને ગાઝાપટ્ટીમાં શરણ લીધી હતી. 1967ના યુદ્ધમાં ઇઝરાયલે ગાઝાપટ્ટીને જ્યારે ઇજિપ્તના કબજામાંથી આચંકી લીધી ત્યારે પણ હજારોની સંખ્યામાં સ્થાનિકોનો ભોગ લેવાયો હતો. 1956માં સર્જાયેલા સુએઝ-સંકટમાં પણ મોટી સંખ્યામાં ગાઝાવાસીઓ માર્યા ગયા હતા."
"આ જ કારણો હતાં કે 1964માં જ્યારે પેલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનાઇઝેશનનું ગઠન થયું ત્યારે મોટી સંખ્યામાં ગાઝાવાસીઓ એમાં જોડાયા હતા."
"વેસ્ટ બૅન્કની સરખામણીએ ગાઝામાં ખેતીલાયક જમીન ઓછી હતી. ગાઝાવાસીઓ માટે આવકનાં સાધનોની પણ ઘટ હતી અને તમામ બાબતો માટે એણે ઇજિપ્ત પર નિર્ભર રહેવું પડતું હતું. એવામાં 67માં ઇઝરાયલે ગાઝા પર કબજો જમાવી દીધો, જેને લીધે એમની મુશ્કેલીમાં વધારો થઈ ગયો."
"આ દરમિયાન 242 રિઝોલ્યુશન, રૉજર્સ પ્લાન, કૅમ્પ ડેવિડની શાંતિસમજૂતી જેવી ઘટનાઓએ ગાઝાવાસીઓની સ્વતંત્ર પેલેસ્ટાઇન રાષ્ટ્રની ઇચ્છા નિરાશામાં ફેરવી દીધી."
"88માં જ્યારે યાસર અરાફાતે 242 રિઝોલ્યુશન સ્વીકારી લીધું ત્યારે ગાઝાવાસીઓની નારાજગી વધી ગઈ. એમને લાગવા લાગ્યું કે પીએલઓ ધીમેધીમે શાંતિપૂર્ણ સમજૂતી તરફ આગળ વધી રહ્યું છે અને એનાથી ઇઝરાયલ લવચીક નહીં રહે. એ વધુ જડ બની જશે."
સ્વતંત્ર પેલેસ્ટાઇન રાષ્ટ્રનું સ્વપન દૂરદૂર સુધી સાકાર થતું ન દેખાતા ગાઝાવાસીઓ આખરે હિંસા તરફ વળી ગયા, જેનું પરિણામ પ્રથમ ઇન્તિફાદામાં આવ્યું.
વિદ્રોહના પ્રથમ દિવસે જ જૂના ઘા તથા પીડાનો મહાવિસ્ફોટ થયો અને એની આગેવાની લેવા માટે પેલેસ્ટાઇન મુસ્લિમ બ્રધરહૂડ માટે સોનેરી તક સર્જાઈ.
હમાસનું ગઠન આ સોનેરી તકને ઝીલી લેવા કરાયું.

હમાસ - ઇઝરાયલનું તાલિબાન?

ઇમેજ સ્રોત, Getty Images
હમાસના ગઠનની પૂર્વભૂમિકામાં ઉપર જણાવાયેલાં કારણો તો હતાં જ પણ એ સિવાયનું જે કારણ રજૂ કરાય છે એ ભારે ચોકાવનારું છે.
દાવો કરવામાં આવે છે કે ખુદ ઇઝરાયલને પણ હમાસના સર્જનમાં રસ હતો.
વર્ષ 2008માં હમાસ સાથે 22 દિવસના યુદ્ધ બાદ ઇઝરાયલે હુમલાઓ રોકી દીધા. ઉદ્દેશ સ્પષ્ટ હતો કે ઇઝરાયલ પર સતત રૉકેટ હુમલા કરી રહેલા હમાસને વધુ હુમલા કરતું અટકાવવું.
ઇઝરાયલના હુમલામાં 1200 કરતાં વધારે પેલેસ્ટાઇનવાસીઓ માર્યા ગયા હતા. એ વખતના ઇઝરાયલના વડા પ્રધાન એહુદ ઑલમેર્તે ઇઝરાયલની કાર્યવાહીના સફળતાનાં ગાન ગાયાં અને ઇઝરાયલ તરફથી આગળની સૈન્ય કાર્યવાહી અટકાવી દીધી. યુદ્ધવિરામની જાહેરાત કરી.
ઇઝરાયલ દ્વારા કરાયેલા યુદ્ધવિરામની જાહેરાતના બીજા દિવસે હમાસે ઇઝરાયલના ગામ સ્ડેરોડ પર પાંચ રૉકેટ છોડ્યાં અને એ બાદ યુદ્ધવિરામની જાહેરાત કરી.
જે ગામ પર રૉકેટથી હુમલો કરાયો એ ગામથી અમુક કિલોમીટરના અંતરે મોશાવ તુકેમા ગામ આવેલું છે, જે નિવૃત્ત ઇઝરાયલી અધિકારી ઍનવર કૉહેનનું ઘર છે.
કૉહેનને હંમેશાં એ વાતનો અફસોસ રહ્યો હતો કે 'હમાસ એ ઇઝરાયલનું સર્જન છે.'
'વૉલ સ્ટ્રીટ જનરલ'માં વરિષ્ઠ પત્રકાર ઍન્ડ્રૂ હિગ્ગીન્સે પોતાના લેખ 'હાવ ઇઝરાયલ હેલ્પ્ડ સ્પૉવ હમાસ'માં આ વાત કરી છે.
ટ્યુનિસિયામાં જન્મેલા યહૂદી કૉહેને ગાઝામાં બે દાયકા કરતાં વધારે વખત સુધી ઇઝરાયલી અધિકારી તરીકે કામ કર્યું હતું અને 1994 સુધી અહીંની ધાર્મિક બાબતોની જવાબદારી સંભાળી હતી.
કૉહેનના જણાવ્યા અનુસાર ગાઝામાં ઇસ્લામિક કટ્ટરપંથીઓને ઊગતા જ ડામી દેવાને બદલે ઇઝરાયલે યાસર અરાફાતના પેલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનાઇઝેશનના બિનસાંપ્રદાયિક રાષ્ટ્રવાદીઓને પછાડવા માટે તેમને પ્રોત્સાહન આપ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
ફતાહ બિનસાંપ્રદાયિક સંગઠન હતું અને ક્રાંતિકારી રીતરસમોથી, ઇઝરાયલ સામે ગેરિલાયુદ્ધ લડતું હતું. ઇઝરાયલ ફતાહ પાર્ટીના 'પેલેસ્ટાઇનિયન લિબરેશન ફ્રન્ટ'ને એ વખતે જાની દુશ્મન ગણતું હતું.
હિગ્ગીન્સના અનુસાર ઇઝરાયલે શેખ યાસિન સાથે પણ શરૂઆતમાં નરમ વલણ જ દાખવ્યું હતું. સખાવતી કાર્યો કરનારા શેખના ઇસ્લામિક સંગઠન 'મજમા અલ-ઇસ્લામિયા'ને ઇઝરાયલે જ સ્વીકૃતિ આપી હતી.
'વૉશિગ્ટન પોસ્ટ'માં લખેલા પોતાના લેખ 'હાવ ઇઝરાયલ હેલ્પ્ડ્ ક્રિએટેડ હમાસ'માં ઇશાન થરૂર જણાવે છે કે શેખ યાસિનનું મજમા આગળ જતાં હમાસ બન્યું. એ રીતે જોતાં હમાસ એ ઇઝરાયલનું તાલિબાન છે, જેને પોતાના ડાબેરી દુશ્મનો સામે ઊભું કરવામાં ઇઝરાયલને ફાયદો જણાયો હતો.
હમાસને લઈને ઇઝરાયલના પ્રારંભિક વલણને હિગ્ગીન્સ શીતયુદ્ધ દરમિયાન સામ્યવાદ વિરુદ્ધ ઇસ્લામિક ઉગ્રપંથીઓની મદદ લેવાની અમેરિકન નીતિનો જ પડઘો ગણાવે છે.
આ મામલે ઇઝરાયલે પણ પોતાના સૌથી અંગત અને વિશ્વાસપાત્ર સાથીદાર અમેરિકાનું જ અનુકરણ કર્યું હતું. અમેરિકા અફઘાનિસ્તાનમાં સોવિયેત રશિયા વિરુદ્ધ આવું કરી ચૂક્યું હતું.
એવામાં 1993નું વર્ષ આવ્યું અને બાજી ઇઝરાયલના હાથમાંથી સરી ગઈ. એ વખતે 'ઑસ્લો અકૉર્ડ' નામે ઓળખાતી શાંતિસમજૂતીમાં ઇઝરાયલ અને પીએલઓએ એકબીજાના અસ્તિત્વનો સ્વીકાર કર્યો પણ હમાસ આડું ફાટ્યું.
હમાસે ત્યારે ઇઝરાયલના અસ્તિત્વનો ઇન્કાર કરી દીધો અને હિંસા આદરી દીધી. હમાસે લીધેલા આ નિર્ણયે તેને ઇઝરાયલ સામે લડી રહેલા વિદ્રોહી સંગઠનોનું આગેવાન બનાવી દીધું.
80 અને 90ના દાયકામાં ગાઝામાં કામ કરનારા અને ઇઝરાયલી સૈન્યમાં આરબ બાબતોના નિષ્ણાત ડૅવિડ હૅકમે પણ હિગ્ગીન્સને હમાસ અંગે વાત કરતા કહ્યુ હતું, "જ્યારે હું પાછળ વળીને ઘટનાઓની સાંકળને જોઉં છું તો મને લાગે છે કે અમે ભૂલ કરી બેઠા."
અલબત્ત, ઇઝરાયલી સરકારે આ વાતને ક્યારેય સ્વીકારી નથી. ઇઝરાયલના પૂર્વ વડા પ્રધાન એહુદ ઑલમેર્તે હમાસની રચના પાછળ ઈરાનને જવાબદાર ગણાવતા કહ્યું હતું કે "ઈરાને ફંડિંગ, ટ્રેનિંગ અને આધુનિક હથિયારો પૂરાં પાડીને ગાઝામાં હમાસનું ગઠન કર્યું છે."

ઇઝરાયલ અને હમાસને એકબીજાની જરૂર?

ઇમેજ સ્રોત, Getty Images
આ જ દાવાના પર આગવો દૃષ્ટિકોણ રજૂ કરતાં 'કાર્નેગી ઍન્ડાઉમૅન્ટ ફૉર ઇન્ટરનેશનલ પીસ'ના સિનિયર ફૅલો અને અમેરિકાના સ્ટેડ ડિપાર્ટમૅન્ટમાં મધ્ય-પૂર્વના વિશ્લેષક તથા મધ્યસ્થી ઍરોન ડૅવિડ મિલરનું માનવું છે કે 'ઇઝરાયલ હમાસ થકી પોતાના અલ્પકાલિન લક્ષ્ય સાધી લે છે.'
મિલરના મતે ગાઝામાં ઇઝરાયલને હમાસની જરૂર છે. અલબત્ત, ઉગ્રવાદી સંગઠન દ્વારા તેના પર મિસાઇલ-હુમલા કરવામાં આવે એવું ઇઝરાયલ નથી ઇચ્છતું પરંતુ તે એવું પણ નથી ઇચ્છતું કે ગાઝામાં હમાસની ગેરહાજરી તેનાથી પણ વધારે કટ્ટરવાદી સંગઠનને જન્મ આપે.
વળી, દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંતને ફગાવી દેવા ઇચ્છતા ઇઝરાયલીઓ માટે હમાસનો ભય દેખાડ્યા કરવો પણ જરૂરી છે. હમાસની દુશ્મનાવટ અને તેનું યહૂદીવિરોધી વલણ દક્ષિણપંથી ઇઝરાયલીઓને પેલેસ્ટાઇનવાસીઓ પર વિશ્વાસ ન કરવા માટેના અઢળક મુદ્દા આપનારી ભેટ છે.
બીજી તરફ હમાસ, ખાસ કરીને સૈન્યપાંખ તરીકે ઇઝરાયલના અસ્તિત્વ પર જ ઊભું છે. ઇઝરાયલ વિરુદ્ધ સંઘર્ષ અને વિદ્રોહની વિચારધારા તથા રણનીતિ પર હમાસની યથાર્તતા ટકેલી છે. ભલે તે સ્વવિનાશની વિચારધારા હોય, હમાસ કેટલાય પેલેસ્ટાઇનવાસીઓ માટે પોતાની રાષ્ટ્રીય ઓળખ જાળવી રાખવાનો અને ઇઝરાયલના કબજા વિરુદ્ધ બંડ પોકારવાનો પ્રયાસ છે.
એક રીતે જોઈએ તો આ મધ્યપૂર્વના વિશ્વનું 'મ્યુચ્યુઅલી અશૉઅર્ડ ડિસ્ટ્રક્શન'નું એક સ્વરૂપ છે.
હમાસ ઇઝરાયલનો ખાતમો કરી શકે એમ નથી અને ઇઝરાયલ જાણે છે કે તે ફરીથી ગાઝા પર કબજો જમાવી શકે એમ નથી. એટલે બન્ને પોતપોતાના ઉદ્દેશો માટે એકબીજાનો ઉપયોગ કર્યા કરે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













