50 વર્ષ પહેલાં જ્યારે ત્રણ દેશોએ ઇઝરાયલ પર હુમલો કર્યો, છ દિવસના યુદ્ધમાં કોણ જીત્યું હતું?

ઈઝરાયલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, એન્જલ બ્રમ્યુડેઝ
    • પદ, બીબીસી સંવાદદાતા

આટલા ટૂંકા ગાળાનું યુદ્ધ થયું હોય અને તેની આટલી વ્યાપક અસર થઈ હોય તેવું ભાગ્યે જ થયું છે.

અડધી સદી પહેલાં 1967ના જૂનની 5થી 10 તારીખ વચ્ચે આ યુદ્ધ થયું હતું. ઇજિપ્ત, સીરિયા અને જૉર્ડને ત્રણે તરફથી ઇઝરાયલ પર આક્રમણ કર્યું હતું, પણ ત્રણેયને પાડી દીધા હતા.

એ યુદ્ધને આજે પણ છ દિવસીય યુદ્ધ તરીકે યાદ કરવામાં આવે છે, જેના કારણે આ પ્રદેશની ભૌગોલિક રાજકીય સ્થિતિ કાયમ માટે બદલાઈ ગઈ અને આજ સુધી તેની અસર રહી છે.

અમેરિકાના જ્યૉર્જિયામાં આવેલી એમરોય યુનિવર્સિટીના મધ્ય પૂર્વના ઇતિહાસના અને રાજ્યશાસ્ત્રના પ્રોફેસર કેનેથ સ્ટેઈન કહે છે, "એ કોઈ સામાન્ય યુદ્ધ નહોતું. તેના કારણે મધ્ય પૂર્વનું ચિત્ર બદલાઈ ગયું, કેમ કે તેની ઊંડી અસર આરબ જગત, ઇઝરાયલ, અમેરિકાના રાજકારણ પર પડી હતી."

"અડધી સદી પછી આજે પણ તેના પડઘા પડી રહ્યા છે," એમ તેઓ ઉમેરે છે.

યુદ્ધને કારણે પ્રથમ પરિવર્તન ભૂમિ પર જ આવ્યું હતું. ઇઝરાયલના કબજામાં વધારે વિસ્તારો આવી ગયા હતા.

સ્ટેઈનના જણાવ્યા અનુસાર, 1916માં સાઇક્સ-પિકોટ કરાર પછી ઓટ્ટોમોન સામ્રાજ્યને વિખેરી નાખવામાં આવ્યું હતું તેના કરતાંય જૂન 1967માં મધ્ય પૂર્વના નકશામાં વધારે નાટકીય ફેરફારો થયા હતા. તે વખતે પ્રથમ વિશ્વયુદ્ધમાં ઓટ્ટોમન સામ્રાજ્ય હારી ગયું અને ફ્રાન્સ અને યુકેએ સામ્રાજ્યના વિસ્તારોને પોતપોતાના કબજા હેઠળ વહેંચી લીધા હતા.

આટલી ઝડપથી વિજય મળી જશે એવી કલ્પના ઇઝરાયલીઓને પણ નહોતી અને તેઓ ખુશીથી ઊછળી પડ્યા હતા.

સ્ટેઈન કહે છે, "ઇઝરાયલ આક્રમણ કરીને આરબ વિસ્તાર કબજે નહોતા કરવા માગતું. ઇજિપ્તની સેનાને તોડી નાખવાની હતી જેથી તેના તરફથી કોઈ ભય ના રહે. યુદ્ધ વખતની અને તે પછીના અઠવાડિયામાં સરકારી બેઠકોની મિનિટ્સ વાંચીએ તેમાં દેખાય આવે છે કે કબજે કરેલા વિસ્તારનું શું કરવું તે નક્કી થઈ શકતું નહોતું."

નિકંદનની ધમકી

મોસાદ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળશે તેની ધારણા કેટલાંક અઠવાડિયાંથી વાતાવરણમાં હતી.

14 મેના રોજ, ઇજિપ્તના નેતા ગમાલ અબ્દેલ નાસિરે હજારો સૈનિકોને સિનાઇ વિસ્તારમાં ઇઝરાયેલ સાથેની સરહદ પર એકત્ર કર્યા હતા. 1957થી ત્યાં હાજર યુએન શાંતિરક્ષક દળોને આ વિસ્તારમાંથી ખેંચી લેવાની માગણી તેમણે કરી.

22 મેના રોજ, ઇજિપ્તે ટીરન ખાડીમાંથી પસાર થતા ઇઝરાયલી જહાજોના માર્ગને રોક્યા, જેના કારણે એશિયાના દેશોની બજારમાં નિકાસ અટકી પડી. સાથે જ મુખ્યત્વે ઈરાનથી ક્રૂડઑઇલ આ દરિયાઈ માર્ગે આવતું હતું તે પુરવઠો પણ કપાઈ ગયો.

અવરોધો ઊભા કરવા સાથે આકરાં પગલાંની ધમકીઓ પણ આપવામાં આવી હતી.

નાસિરે 30 મેના રોજ એક ભાષણ આપ્યું હતું અને કહ્યું હતું કે, "ઇજિપ્ત, જૉર્ડન, સીરિયા અને લેબનનની સેનાઓ ઇઝરાયલની સરહદો પર લડી લેવા માટે તૈયાર છે. ઇરાક, અલ્જીરિયા, કુવૈત, સુદાન અને સમગ્ર આરબ દેશોની સેનાઓ પાછળ ઊભી છે. દુનિયા જોતી રહી જવાની છે. તે લોકોને ભાન થશે કે આરબો લડી લેવા માટે તૈયાર છે. એ સમય હવે આવી ગયો છે. હવે વાતો કરવાનો વખત વીતી ગયો છે અને આકરાં પગલાં લેવાના તબક્કે પહોંચી ગયા છીએ."

ઇજિપ્તના નેતાએ સ્પષ્ટ કર્યું હતું કે યુદ્ધ થશે ત્યારે લક્ષ્ય ઇઝરાયલનું નિકંદન કાઢી નાખવાનું છે. આવો ઈરાદો માત્ર તેમના એકલાનો નહોતો.

સીરિયાના તે વખતના સંરક્ષણમંત્રી હાફેઝ અલ-અસદે પણ યુદ્ધની ઘોષણા કરી દીધી હતી. (સીરિયાના પ્રમુખ બશર અલ-અસદના તે પિતા હતા).

તેમણે કહ્યું હતું, "સીરિયન આર્મી, ટ્રિગર પર આંગળી રાખીને તૈયાર છે. મને લાગે છે કે હવે નિકંદન કાઢી નાખવાની લડાઈ શરૂ કરવાનો સમય આવી ગયો છે."

અમેરિકન વિચારક માઈકલ વોલ્ઝરે તેમના પુસ્તક "ફેર ઍન્ડ અનજસ્ટ વૉર્સ"માં યુદ્ધના અગાઉના અઠવાડિયામાં ઇજિપ્ત અને ઇઝરાયેલમાં કેવી માનસિકતા ફેલાયેલી હતી તેનો વિરોધાભાસ પ્રગટ કર્યો છે.

તેમણે લખ્યું છે, "યુદ્ધ શરૂ થયાનાં અઠવાડિયાં પહેલાં ઇઝરાયલમાં જે ચિંતાનો માહોલ હતો તે ઈઝરાયલના અસાધારણ વિજય પછી આજે યાદ કરવો મુશ્કેલ લાગે છે."

વોલ્ઝરના જણાવ્યા અનુસાર, ઇજિપ્ત યુદ્ધ માટે થનગનવા લાગ્યું હતું અને અગાઉથી જ અપેક્ષિત જીતની ઉજવણીનો માહોલ હતો. ઇઝરાયલમાં ત્યારે ભવિષ્યમાં કેવી આપત્તિ આવશે તેની સતત અફવાઓ ચાલતી હતી અને લોકો ગભરાટમાં આવીને મોટા પાયે ખરીદી કરવા લાગ્યા એટલે અનાજની દુકાનો ખાલી થઈ ગઈ હતી. લશ્કરી કબ્રસ્તાનોમાં હજારો કબરો ખોદવાની શરૂઆત થઈ ગઈ હતી.

પહેલો ઘા

ઇઝરાયલ યુદ્ધ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

5 જૂન, 1967ની સવારે, વડા પ્રધાન લેવી એશ્કોલની સરકારે પહેલો ઘા મારી લીધો અને આશ્ચર્યજનક હવાઈ હુમલો કરીને ઇજિપ્તના 90% લશ્કરી વિમાનોને ખતમ કરી નાખ્યાં. ઊડે તે પહેલાં જમીન પર જ તેને પતાવી દીધાં. આવી જ કાર્યવાહી કરીને સીરિયાના ઍરફોર્સને પણ પાંગળું કરી દીધું.

પહેલો ઘા મારી લેવાના ઇઝરાયલના નિર્ણય વિશે સ્ટેઈન કહે છે, "ઇઝરાયલનું ગળું દબાવવામાં આવી રહ્યું હતું એટલે પહેલાં તો ગળાના ફાંસાને ખોલવાની જરૂર હતી."

તેઓ કહે છે તે પ્રમાણે ઇઝરાયલનો લશ્કરી સિદ્ધાંત એવો છે કે યુદ્ધ હંમેશાં દુશ્મની ભૂમિ પર જઈને જ ખેલવું. ઇઝરાયલ બહુ નાનો દેશ છે અને ગીચ વસતિ છે એટલે પોતાની ભૂમિ પર યુદ્ધ પરવડે નહીં.

વૉશિંગ્ટનસ્થિત બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂટની મિડલ ઇસ્ટ પૉલિસી સેન્ટરના ડાયરેક્ટર નાથન સાક્સના જણાવ્યા અનુસાર ઇઝરાયલી નેતૃત્વ જાણતું હતું કે તેમની પાસે આરબો પર જીત મેળવવા માટે પૂરતી સૈન્ય શક્તિ છે, પરંતુ યુદ્ધ બહુ લાંબું ચાલે તે પરવડે નહીં.

બીબીસી મુન્ડો સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "સમગ્ર દેશમાં એકતાની ભાવના હતી એટલે એ રીતે ઇઝરાયલ મજબૂત હતું, પરંતુ યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા માટે મોટા પ્રમાણમાં સંસાધનોની જરૂર પડે. એટલે કે કેટલા દિવસો યુદ્ધ ખમી શકાય તેની એક મર્યાદા હતી. સમ્રગ દેશ અને સમગ્ર અર્થતંત્રની તાકાતને યુદ્ધના જોખમ સામે કામે લગાવી દેવાઈ હતી."

જગતવ્યાપી આરબવાદનું પતન

ઈઝરાયલ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, "નાસિર તે વખતે સૌથી મહત્ત્વપૂર્ણ આરબ નેતા હતા"

આરબો હુમલો કરવા માટે તૈયાર થઈ ગયાના સંકેતો હતા, પરંતુ કેટલાક વિશ્લેષકો માને છે કે નાસિરનો યુદ્ધ શરૂ કરવાનો ઇરાદો નહોતો. તેઓ માત્ર આરબ વિશ્વમાં એક નેતા તરીકે ઊપસવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

"ઇજિપ્તના લોકોમાં યુદ્ધ વિશે ઉત્તેજના અને ભય વ્યાપી ગયો હતો, પણ એવું કંઈ લાગતું નહોતું કે તે લોકો યુદ્ધ શરૂ કરી દેવા માગતા હોય. ખાડીમાં અવરજવર બંધ કરવામાં જ નાસિરે સફળતા માની લીધી હોત. ઇઝરાયલ સાથેની સરહદે માત્ર સેનાને તૈયાર રાખવાની પણ આક્રમણ નહીં કરવાનું."

આવી સ્થિતિમાં ઇઝરાયલ આર્થિક નાકાબંધીની ભીંસમાં આવી જાય અને તે નબળું પડે ત્યારે આક્રમણ કરવાની શક્યતાઓ ઊભી થાય.

ઇજિપ્તની ઇચ્છા નહોતી પણ યુદ્ધ ફાટી નીકળ્યું અને ઇજિપ્તનો પરાજય થયો, જેના કારણે નાસિરને અને તેની જગતવ્યાપી આરબવાદની વિચારધારાને આકરો ફટકો પડ્યો. તેઓ આરબ દેશોમાં રાજકીય અને સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન આપવા માગતા હતા અને તેમની વિચારધારાને કારણે રાષ્ટ્રવાદી ચળવળોમાં મૂળિયાં નખાયાં હતાં.

સાક્સ કહે છે, "નાસિર તે વખતે સૌથી મહત્ત્વપૂર્ણ આરબ નેતા હતા. તેઓ બિન-જોડાણવાદના સ્થાપકોમાંના એક હતા અને એ પ્રદેશમાં ડાબેરી ક્રાંતિકારી નેતાઓમાં સૌથી અગ્રણ્ય હતા. તેઓ બહુ કરિશ્માઈ હતા, પરંતુ 1967માં હારને કારણે તેમની આબરૂનું ધોવાણ થઈ ગયું અને એ પ્રદેશમાં શક્તિનું સંતુલન બદલાઈ ગયું."

સ્ટેઈન માન છે કે છ દિવસીય યુદ્ધને કારણે વિશ્વવ્યાપી આરબવાદનો અંતની શરૂઆત થઈ ગઈ હતી. નિષ્ણાતો માને છે કે આરબવાદના આ પતનને કારણે પણ આરબ વિશ્વમાં ઇસ્લામી ચળવળો શરૂ થઈ ગઈ હતી.

પેલેસ્ટાઇનનો પ્રશ્ન

પેલેસ્ટાઇન

ઇમેજ સ્રોત, Getty Images

સંઘર્ષના પરિણામની સીધી અસર પેલેસ્ટાઇનના મુદ્દા પર પડી, કેમ કે આરબ દેશો માટે આ એક સમાન મુદ્દો હતો અને તેમાં સામૂહિક રીતે ઇઝરાયલનો અસ્વીકાર હતો.

સાક્સ આ વિશે કહે છે કે 1967 પહેલાં મોટા ભાગના પેલેસ્ટાઇન લોકો જૉર્ડન સાર્વભૌમત્વ હેઠળ રહેતા હતા અને જૉર્ડનના નાગરિકો હતા, કારણ કે અન્ય દેશોએ તેમને નાગરિકતા આપી ન હતી. બીજી એક સમસ્યા શરણાર્થીઓ વિશેની હતી. 1948-1949ના યુદ્ધ વખતે આ ભૂમિ પરથી નાસી જઈને અન્યત્ર આશ્રય લેનારા લોકો અને તેમના વારસદારો. આ ભૂમિ પર હવે ઇઝરાયલ નામનો દેશ બની ગયો.

સાક્સ કહે છે, "છ દિવસીય યુદ્ધ પછી, આરબ દેશોને પેલેસ્ટાઇની લોકો માટે લડવામાં ઓછો રસ રહ્યો, કેમ કે તેમણે હવે પોતાનો ગુમાવેલો પ્રદેશ પાછો મેળવવાની વધુ ચિંતા હતી. પેલેસ્ટિનિયન સંગઠનોને લાગ્યું કે બીજા લોકો હવે તેમની વહારે આવશે નહીં. તેમાંથી એક સ્વતંત્ર પેલેસ્ટાઇન માટેનું આંદોલન ઊભું થયું. તેના દ્વારા આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન આકર્ષિત કરવા માટે પ્રયત્નો થવા લાગ્યા."

સ્ટેઇને નોંધ્યું છે કે પેલેસ્ટાઇની લોકોએ પોતાના હેતુને પાર પાડવા માટે હિંસાની રીતનો આશરો લીધો. ઇઝરાયલના નાગરિકોનું અપહરણ કરવું અને યહૂદી સંસ્થાઓ પર હુમલો કરવો વગેરે દુનિયાભરમાં થવા લાગ્યું. જેમ કે 1972માં મ્યુનિક ઑલિમ્પિક્સમાં ભાગ લેનારા 11 ઇઝરાયલી ખેલાડીની હત્યા કરી દેવાઈ.

શાંતિનાં બીજ

ઈઝરાયલ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

છ દિવસીય યુદ્ધની એક ફળશ્રુતિ એ રહી કે ઇઝરાયલ અને તેના આરબ પડોશીઓ વચ્ચે શાંતિસ્થાપના માટેનાં બીજ પણ રોપાયાં.

નિષ્ણાતોના મતે, આ યુદ્ધના કારણે જ ઇજિપ્ત (1979) અને જૉર્ડન (1994) સાથે બાદમાં શાંતિકરારો થઈ શક્યા હતા. સીરિયા સાથે પણ વાટાઘાટ થઈ શકી હતી, જોકે તે નિષ્ફળ રહી. પેલેસ્ટાઇન સમુદાય સાથે પણ (1993-1995)માં પ્રદેશ આંકણી માટે શાંતિકરાર થયા હતા, જેના વિશે આજ સુધી અસંતોષ ચાલતો આવ્યો છે.

તેમના જણાવ્યા અનુસાર 1967ના યુદ્ધના અંતે પરિસ્થિતિ બદલાઈ ગઈ અને હવે ઇઝરાયલ પાસે પોતાની રીતે દરેક આરબ દેશો સાથે અલગથી વાટાઘાટ કરવા માટેના મુદ્દા હતા.

તેઓ કહે છે, "ઇઝરાયલ અસ્તિત્વમાં છે એ હકીકત સ્વીકાર્યા સિવાય છૂટકો નહોતો રહ્યો અને એટલે હવે વ્યવહારુ રીતે તેની સાથે કેમ પનારો પાડવો તે વિચારવાનું બીજા દેશોએ શરૂ કર્યું."

જોકે, 1973માં બીજું એક યોમ કિપ્પુર યુદ્ધ થયું અને તે પૂરું થયું તે પછી જ શાંતિ માટેના પ્રયાસો શક્ય બન્યા હતા. 1973માં ઇજિપ્ત અને સીરિયાએ યહૂદીઓના સૌથી પવિત્ર દિવસે જ ભેગા મળીને ઇઝરાયલ પર હુમલો કરી દીધો હતો.

તે પછી પ્રથમ શાંતિમંત્રણા શરૂ થઈ હતી

ઈઝરાયલ પેલેસ્ટાઈન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

સ્ટેઇન કહે છે, "નાસિરે સિનાઈ ગુમાવ્યું ના હોત તો (તેમના અનુગામી) અનવર અલ સદાત પર તે પાછું મેળવવા માટેનો બોજ ના હોત. તેમણે સિનાઈનો પ્રદેશ પાછો મેળવવા પ્રયત્નો પણ કર્યા પણ ફાવ્યા નહીં. આખરે તે પ્રદેશ પાછો મેળવવા માટે સદાતે ઇઝરાયલ સાથે શાંતિકરાર પર હસ્તાક્ષર કરવા પડ્યા. તેના કારણે આ વિસ્તારની સ્થિતિ બદલાઈ ગઈ, કેમ કે સૌથી શક્તિશાળી આરબ દેશ ઇજિપ્ત હવે ઇઝરાયલ સામે લડાઈ નહીં, પણ શાંતિ માટે પ્રયાસ કરી રહ્યો હતો."

તેમણે નોંધ્યું છે કે છ દિવસીય યુદ્ધના કારણે આ પ્રદેશમાં અમેરિકાની દખલ પણ થવા લાગી. ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચેની તમામ શાંતિ વાટાઘાટ વૉશિંગ્ટનમાં થઈ હતી તે તેની ભૂમિકાનું મહત્ત્વ દર્શાવે છે.

સ્ટેઇનના જણાવ્યા અનુસાર ત્યાં સુધી અમેરિકાની મધ્ય પૂર્વની વિદેશનીતિ ઇઝરાયલની સુરક્ષામાં મદદરૂપ થવા પૂરતી મર્યાદિત હતી, પરંતુ બાદમાં અમેરિકા સક્રિય રીતે અહીં દખલ કરતો થઈ ગયો હતો.

હકીકતમાં 1967 સુધી અમેરિકા નહીં, પણ ફ્રાન્સ જ ઇઝરાયલ માટે સૌથી મોટો શસ્ત્ર સપ્લાયર દેશ હતો.

સ્ટેઇન કહે છે, "1971થી અમેરિકાએ ધીમે ધીમે મધ્યસ્થી બનવાનું શરૂ કર્યું અને 1973ના યુદ્ધ પછી ઇઝરાયલ અને આરબો વચ્ચે વાટાઘાટમાં તેની ભૂમિકા જ મુખ્ય થઈ, જે આજ સુધી ચાલતી રહી છે. આજે પણ આરબ અને ઇઝરાયલ વચ્ચે કોઈ પણ વિખવાદ હોય ત્યારે વચ્ચે પડવાનું કામ વૉશિંગ્ટનના ભાગે જ આવે છે. 1967ના યુદ્ધ પહેલાં એવી સ્થિતિ નહોતી."

આંતરિક અવઢવ

ઈઝરાયલ પેલેસ્ટાઇન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

1967ના એ યુદ્ધના ત્રીજા દિવસે ઇઝરાયલી સેનાએ પ્રાચીન શહેર જેરુસલેમ પર નિયંત્રણ મેળવી લીધું હતું. તે વખતે વડા પ્રધાન લેવી એશકોલે કહ્યું હતું: "એ લોકો તરફથી અમને સારું દહેજ મળી ગયું છે, પરંતુ તેની સાથે અમને ગમતી ના હોય તેવી ગર્લફ્રેન્ડ પણ આવી છે."

તેમના શબ્દો આગમનાં એંધાણ જેવા હતા.

સાક્સ કહે છે, "વેસ્ટ બૅન્ક અને વેસ્ટ જેરુસલેમ યહૂદીઓ માટે સૌથી પવિત્ર સ્થાનો છે અને તેના કારણે ઇઝરાયલની આંતરિક સ્થિતિમાં મોટો પલટો આવ્યો. તેના કારણે સેક્યુલર યહૂદીવાદને બદલે ધાર્મિક યહૂદીપણું પ્રબળ બન્યું."

"1967ના યુદ્ધ પછી ઘણા લોકો એવું માનવા લાગ્યા કે આ વિજય કોઈ દૈવી સંકેત છે અને પ્રાચીન ઇઝરાયલ ભૂમિ પરત મેળવવાની છે. તેના કારણે ઇઝરાયલની આ આંતરિક નીતિમાં ધરખમ ફેરફાર આવ્યો અને વધુમાં વધુ પ્રદેશ પર કબજા પર ધ્યાન કેન્દ્રિત થવા લાગ્યું. અર્થતંત્રનો વિકાસ અને અન્ય મુદ્દાઓ પર ધ્યાન ઓછું થયું."

સ્ટેઇન આ વાત સાથે સંમત થતા કહે છે કે યુદ્ધમાં જેરુસલમ જીતી લેવાનું લક્ષ્ય નહોતું, પણ હવે આ શહેર ચર્ચાનું કેન્દ્ર બની ગયું.

તેઓ કહે છે, "જેરુસલેમ પર કબજાને કારણે જબરદસ્ત ભાવનાત્મક અસર ઊભી થઈ. ઇઝરાયલની પ્રાચીન ભૂમિ સાથેનું પોતાનું જોડાણ હવે શક્ય બન્યું છે એવી લાગણી યહૂદી લોકોમાં પેદા થઈ. થોડાં વર્ષો પછી એક કાયદો પણ કરાયો કે જેરુસલેમને યહૂદી લોકોની શાશ્વત રાજધાની તરીકે જાહેર કરવામાં આવશે."

અન્ય આંતરિક સંઘર્ષ વિશે વાત કરતાં તેઓ ઉમેરે છે કે દેશની નીતિ મધ્યમમાર્ગી હતી, તેના બદલે તે હવે જમણેરી તરફ ઢળી ગઈ હતી.

આ છ દિવસના યુદ્ધમાં જેરુસલેમ શહેર ઉપરાંત ભૂતકાળમાં બ્રિટિશ સામ્રાજ્યના કબજામાં હતો તે પેલેસ્ટાઇનનો સમગ્ર પ્રદેશ પણ કબજામાં આવી ગયો હતો.

સાક્સ કહે છે, "ઇઝરાયલના કબજામાં આવી ગયેલા આ વિસ્તારોમાં લાખોની સંખ્યામાં પેલેસ્ટાઇની લોકો વસે છે. ગાઝા પટ્ટી અને વેસ્ટ બૅન્કના વિસ્તારોને સત્તાવાર રીતે દેશમાં ભેળવી નથી દીધા, પણ છેલ્લી અડધી સદીથી આ પ્રદેશો એક રીતે તેના નિયંત્રણમાં જ છે."

ઈઝરાયલ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

પેલેસ્ટાઇન પ્રદેશો પર કબજો મેળવીને ઇઝરાયલ તેમાં પોતાના નાગરિકો માટે વસાહતો બનાવી દીધી છે તેના કારણે માનવાધિકારના ઉલ્લંઘન સહિતના આરોપો અને ટીકા આંતરરાષ્ટ્રીય ધોરણે સતત થતી રહી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં પણ આ મુદ્દે અસંખ્ય ઠરાવો થયા છે અને પેલેસ્ટાઇનના અધિકારો માટે તરફદારી કરવામાં આવી છે.

સાક્સના જણાવ્યા અનુસાર આ પરિસ્થિતિને કારણે એક મોટી મૂંઝવણ ઊભી થઈ છે.

"જો ઇઝરાયલ વેસ્ટ બૅન્કના પ્રદેશને દેશમાં ભેળવી દે તો ઇઝરાયલ યહૂદી બહુમતી ધરાવતો દેશ રહે નહીં. યહૂદી રાષ્ટ્રની સ્થાપનાનો આખો હેતુ જ માર્યો જાય. બોસ્નિયામાં અથવા લેબનનમાં થયું હતું તે રીતે ગૃહયુદ્ધની સ્થિતિ ઊભી થઈ જાય."

સાક્સ માને છે કે આ સમસ્યાનો એક તાર્કિક ઉકેલ વેસ્ટ બૅન્કમાં અલગ પેલેસ્ટાઇન રાષ્ટ્રની સ્થાપના થવા દેવાનો છે. પરંતુ તેના કારણે પોતાની સરહદની અડોઅડ જ સલામતની એક મોટી સમસ્યા પણ ઊભી થાય છે.

તેઓ કહે છે, "અત્યાર સુધી પેલેસ્ટિનિયન લોકો સાથે શાંતિકરાર થઈ શક્યો નથી. ઇઝરાયલ સ્વેચ્છાએ ગાઝા પટ્ટીમાંથી હટી જવાનું નક્કી કર્યું હતું, પણ તેના કારણે ઉકેલ આવ્યો નહીં. ઊલટાનું હમાસ જૂથ સાથે વધારે ઉગ્ર ઘર્ષણની સ્થિતિ પેદા થઈ ગઈ છે."

છ દિવસના યુદ્ધને કારણે ઘણું બદલાઈ ગયું, પરંતુ લોકશાહી અને પોતાની સુરક્ષા એ બે વચ્ચે કેવી રીતે નિર્ણય કરવો તેની અવઢવ આજે પચાસ વર્ષે પણ ઇઝરાયલ સામે ઊભી છે.