એ ખતરનાક જેલ જેની અંદર ગુનેગારોએ ડિસ્કોથેક, પ્રાણીસંગ્રહાલય, સ્વિમિંગ પૂલ બનાવ્યાં હતાં

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉના રિસ્કેઝ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ, વેનેઝુએલાથી ખાસ રિપોર્ટ
જેલમાં કેટલાક કેદીઓને વિશેષ સુવિધાઓ મળી રહી હોય તે વાત તો સમાચારોમાં અનેક વખત વાંચી હશે પણ એક જેલમાં સ્વિમિંગ પૂલ, ડિસ્કોથેક, લગ્ઝરી બ્રૅન્ડનાં કપડાં, ઘડિયાળ જેવાં પ્રોડક્ટ્સની જાહેરાતો અને કેટલીય ફાઇવ સ્ટાર સુવિધાઓ જોવા મળે, એ જેલની કહાણી કોઈ થ્રિલર ફિલ્મથી ઓછી ન હોઈ શકે.
આ કહાણી દક્ષિણ અમેરિકામાં આર્થિક ઉહાપોહનો લાંબા સમયથી સામનો કરી રહેલા દેશ વેનેઝુએલાની એક જેલની છે. આ જેલમાં લેટિન અમેરિકા અને વેનેઝુએલાના મોસ્ટ વૉન્ડેટ ગૅંગના ગુનેગારો ગોંધાયેલા હતા કે પછી એમ કહીએ કે અહીં રાજ ચલાવતા હતા.
આ જેલમાં જે વૈભવ અને વિલાસિતા ભરેલું જીવન કેટલાક કેદીઓ ભોગવી રહ્યા હતા તેણે ત્યાંની સરકારને આ જેલ પર હુમલો કરવા મજબૂર કરી હતી.
આ જેલમાં ચાલતી ફાઇવ સ્ટાર ગતિવિધિઓનો વ્યાપ કેટલો મોટો હશે એનો ખ્યાલ એ વાત પરથી આવશે કે સરકારે તેને નષ્ટ કરવા હજારો સુરક્ષાકર્મીઓ ઉતારવા પડ્યા હતા.
રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો સરકારના આદેશને પગલે ટોકોરોન જેલ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં વેનેઝુએલા તથા લેટિન અમેરિકામાં સૌથી ખતરનાક ગુનાખોર જૂથો પૈકીના એક ટ્રેન ડી અરાગુઆના મુખ્ય અડ્ડાને નષ્ટ કરી નાખવામાં આવ્યો.
તેની અસર આજે પણ જેલની આસપાસ અનુભવી શકાય છે. જેલમાં ગોંધાયેલા પોતાના સ્વજનો માટે ભોજન અને વસ્ત્રોનાં પૅકેટ લઈને આવતી સંખ્યાબંધ મહિલાઓ હવે ત્યાં જોવા મળતી નથી.
પોતાની માતાઓને પૂલમાં જલદી પહોંચી જવા દોડાવતાં બાળકો પણ જોવા મળતાં નથી. અરાગુઆ રાજ્યના ટોકોરોન શહેરમાં બીયર વિક્રેતાઓ અને બીજા મોટાભાગના ધંધા બંધ થઈ ગયા છે.
જેલની સામે ઈંટના કિયૉસ્ક અને સ્ટૉલ્સ હતાં. તેમાં મોબાઇલ ફોન સાચવવા માટે મુલાકાતીઓ પાસેથી એક ડૉલર વસૂલવામાં આવતો હતો. હવે એ કિયૉસ્ક અને સ્ટૉલ્સ ખાલીખમ દેખાય છે. આ બધાની વચ્ચે જેલમાં જે ઇમારતો આવેલી છે તેને તોડવાનું કામ ચાલુ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારે જાહેરાત કરી કે તેણે ટોકોરોન જેલ પર નિયંત્રણ સ્થાપિત કરી લીધું છે, ત્યારે મને વિશ્વાસ બેસતો ન હતો. એક વર્ષથી ઓછા સમય પહેલાં હું ત્યાં ગયો હતો, કારણ કે ટ્રેન ડી અરાગુઆના ગઢ તરીકે કામ કરતી જેલ કેવી છે તે હું જોવા ઇચ્છતો હતો.
ટ્રેન ડી અરાગુઆ ગૅંગનો પ્રભાવ સમગ્ર ખંડમાં ફેલાયેલો છે અને હું સંગઠિત ગુનાખોરી વિશે જે પુસ્તક લખી રહ્યો હતો તે માટે ખૂટતી માહિતી મેળવવા ત્યાં ગયો હતો.
ગૅંગ લીડર અને હવે લેટિન અમેરિકાના સૌથી વધુ વૉન્ટેડ ગુનેગારો પૈકીના એક અલ નીનો ગ્યુરેરોના સામ્રાજ્યમાં પ્રવેશ કર્યો ત્યારે મેં જે જોયું તેની વાત આ રહી.
‘તમને સ્થળો દેખાડું?’

ઇમેજ સ્રોત, GLENN REQUENA
એ રવિવારે મારી મુલાકાત જુલિયો નામના કેદી સાથે થઈ હતી. તેણે મને ટોકોરોન તરીકે વધુ જાણીતી અને કેદીઓ જેને બિગ હાઉસ કહે છે તે એરાગુઆ પેનિટેન્શરી સેન્ટર દેખાડ્યું હતું.
આ કેદી સુધાર ગૃહ ટોકોરોન શહેરમાં 1982માં બનાવવામાં આવ્યું હતું. ટોકોરોન વેનેઝુએલાની રાજધાની કારાકાસથી લગભગ 140 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે.
2.25 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી જેલની મૂળ ક્ષમતા 750 કેદીઓને રાખવાની હતી, પરંતુ એ 2015થી 2018ની વચ્ચે ટ્રેન ડી અરાગુઆનો વિસ્તાર થયો અને ટોળકી વધારે મજબૂત બની ત્યારે તેમાં 7,000થી વધુ કેદીઓના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જેલ જાણે કે કોઈ દર્શનીય સ્થળ હોય તે રીતે આગ્રહ કરતાં જુલિયોએ મને સવાલ કર્યો હતો, "હું તમને જેલનો પ્રવાસ કરાવું?" મને ખબર ન હતી કે હું શું જોઈશ.
હું એ સ્થળે ફરી રહ્યો હતો ત્યારે મેં જોયું તેના પર વિશ્વાસ આવતો ન હતો. ટોકોરોન કોઈ જેલ ન હતી.
એક થીમ પાર્ક હતી. એચબીઓની ટેલિવિઝન શ્રેણી વાઇલ્ડ વેસ્ટ ઇન વેસ્ટલૅન્ડમાં દર્શાવવામાં આવેલા થીમપાર્કનું નિર્માણ ફરી કરવામાં આવ્યું હોય તેવું લાગતું હતું.

ઇમેજ સ્રોત, REUTERS
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્વિમિંગ પૂલ, પ્રાણી સંગ્રહાલય, રમતનું મેદાન, ટીનનાં પતરાંની છતવાળાં નાનાં મકાનો, રેસ્ટોરાં, બેઝબૉલ સ્ટેડિયમ, મરઘાઓની લડાઈ માટેની જગ્યા, દવાની દુકાન, મોટરસાયકલ્સ અને શસ્ત્રો...બધું જ ત્યાં હતું.
જેલ પર દરોડો પાડવામાં આવ્યાના પછીના દિવસોમાં જે ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થતા હતા તે સાચા હતા.
ટોકોરોન અને ટ્રેન ડી અરાગુઆ ટોળકીના લીડર હેક્ટર રસ્થેનફોર્ડ ગ્યુરેરો ફ્લોરેસ ઉર્ફે અલ નીનો ગ્યુરેરોની વાત કરતાં જુલિયોએ કહ્યું હતું, "ગ્યુરેરો કાયમ કહેતા કે તેઓ આ જેલના ટોકોરોનની માફક શહેરમાં પરિવર્તિત નહીં કરે ત્યાં સુધી જંપવાના નથી."
અમે મુલાકાતીઓ માટેના વિસ્તારમાં બેસીને વાત કરતા હતા. ત્યાં એક ટેલિવિઝન, લાકડાની ખુરશીઓ અને ટેબલ્સ હતાં.
વેનેઝુએલાનાં રહેણાક વિસ્તારોમાં મધ્યમ વર્ગ લોકો તથા શ્રીમંતો રહે છે. તેને શહેરી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે, પણ ટોકોરોન બહુ નાનું શહેર હતું.
જેલમાં એક વિશાળ ઇલેક્ટ્રિકલ પ્લાન્ટ હતો. તેનો ઉપયોગ વીજપ્રવાહ ખંડિત થાય ત્યારે કરવામાં આવતો હતો. જીન્સ અને રંગીન ટી-શર્ટ્સ પહેરતા ટેકનિશિયનો(કેદીઓ)ની ટીમ પણ જેલમાં હતી, જેઓ વીજ પુરવઠાની જાળવણી અને દેખરેખની જવાબદારી સંભાળતા હતા.
જુલિયોએ કહ્યું હતું, "અહીંના ટેકનિશિયનો એટલા કાબેલ છે કે નજીકનાં નગરોમાં વીજપ્રવાહ ખંડિત થાય ત્યારે રિપેરિંગ માટે તેમને મોકલવામાં આવે છે."
‘ગેરીટેરોસ’ની વાત

ઇમેજ સ્રોત, GLENN REQUENA
ટોકોરોનને એક અપમાર્કેટ વિસ્તારમાં પરિવર્તિત કરવાની ગ્યુરેરોની ઇચ્છા કેટલી તીવ્ર હતી તેનો ખ્યાલ જેલમાંની ઇમારતો અને મનોરંજન સુવિધાઓની સંખ્યા તેમજ સલામતી વ્યવસ્થાને જોતાં આવે છે.
જેલના તમામ વિસ્તારોમાં એઆર-15 અથવા એકે-103 અસૉલ્ટ રાઇફલ્સ, શૉટગન અને 9એમએમ હૅન્ડગનથી સજ્જ પુરુષો દ્વારા રક્ષિત હતા. એ રક્ષકોમાં જેલની ભાષામાં ‘ગેરીટેરોસ’ નામે ઓળખાતા કેદીઓ પણ હતા.
ઘણી બધી લીલોતરીવાળા વિશાળ પર્વતની સામે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની સંભાળ રાખવા માટે બે રક્ષક હતા. એવું કહેવાય છે કે ગ્યુરેરો જેને બહુ મૂલ્યવાન ગણતો હતો તે સાપ ખોવાઈ ગયો પછી તેણે એવી ઘટના ફરી ન બને તે સુનિશ્ચિત કર્યું હતું.
પક્ષીઓ, વાંદરાઓ, શાહમૃગ, બિલાડીઓ, મરઘીઓ, ઘોડાઓ, ડુક્કર અને ઢોરને તેમના માટે સંપૂર્ણપણે અનુકૂળ હોય તેવા પાંજરાઓમાં રાખવામાં આવતા હતા. પ્રત્યેક પ્રાણીની લાક્ષણિકતા વર્ણવતા નાના સાઇનબોર્ડ કે કાર્ડ્ઝ પણ ત્યાં લગાવવામાં આવ્યા હતા.
એ વિસ્તારમાં એક કૉકપિટ પણ હતી. કૉન્ક્રિટ વડે નિર્મિત કૉકપિટમાં કેદીઓ મરઘાઓની લડાઈ માટે શરત લગાવી શકતા હતા.
બાજુમાં કૃત્રિમ ઘાસવાળું બેઝબૉલનું સ્ટેડિયમ પણ ગ્યુરેરોએ નવેસરથી બનાવડાવ્યું હતું.
ટોકોરોનના અંતનો આરંભ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
પિસ્તોલ અને શૉટગનથી સજ્જ બે પુરુષો ત્રણ મીટરના અંતરેથી મુલાકાત દરમિયાનની મારી દરેક હિલચાલ પર નજર રાખતા હતા.
દર 100 મીટરે સશસ્ત્ર પુરુષો જોવા મળ્યા હતા. એ ઉપરાંત શક્તિશાળી મોટરસાયકલ પર પ્રવાસ કરતા લોકો પણ જોવા મળ્યા હતા.
મને અશ્વદોડની જગ્યા પણ જોવા મળી હતી અને સૌથી આકર્ષક એ દુકાનો હતી, જે માત્ર ડ્રગ્ઝના વેપારને સમર્પિત હતી. તેમાં ક્રિપી મારુજુઆનાથી માંડીને કોકેન તથા કૃત્રિમ માદક પદાર્થો સુધીનું બધું વેચવામાં આવતું હતું.
2016 પછી લીક થયેલા ફોટોગ્રાફ્સ અથવા વીડિયોમાં મેં જે જગ્યાઓને જોઈ હતી એ બધાં સ્થળ હું જેલની મુલાકાત દરમિયાનના દરેક પગલે ઓળખી શક્યો હતો. ટોકોરોનના વિખ્યાત પાર્ટીઓના એક લોકપ્રિય સ્થળ પાસેથી પસાર થતી વખતે મેં મારી જાતને કહ્યું હતું, "જુઓ, ત્યાં ટોકિયો નાઇટક્લબ છે."
તેને ઓળખવાનું આસાન ન હતું, કારણ કે તેને કાળા પ્લાસ્ટિક વડે ઢાંકી દેવામાં આવી હતી. અમે જેલમાંથી બહાર નીકળ્યા પછી સંગઠનના એક ભૂતપૂર્વ સભ્યએ જણાવ્યું હતું કે 2022ની મધ્યમાં સરકારે જેલના લીડરોને, લોકો માટે નાઇટક્લબ બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો. તે વિવેકબુદ્ધિનો મામલો હતો, ધ્યાન આકર્ષિત કરવાનો નહીં, કારણ કે નાઇટક્લબમાં પાર્ટીઓ તો ચાલુ જ હતી.
એ પગલું કદાચ ટોકોરોનના અંતનો આરંભ હતું.
એ સમયે ગ્યુરેરોએ, ફેસબુક માર્કેટપ્લેસ પેજ મારફત વિવિધ જેલોમાંથી ચલાવવામાં આવતાં વાહનોના વેચાણના કૌભાંડને અટકાવી દેવાનો આદેશ તેમની સાથીઓને આપ્યો હતો.
સમાજના વિવિધ વર્ગના લોકો તે કૌભાંડમાં ફસાઈ ગયા હતા. તેની અસર અનેક અધિકારીઓને પણ થઈ હતી.
‘આ જેલ કરોડપતિઓ માટે છે’

ઇમેજ સ્રોત, GLENN REQUENA
હું બૅગુએટ પ્રકારની બ્રેડ સાથે લઈ ગયો હતો. તે બ્રેડ ખાતાં-ખાતાં મેં અને જુલિયોએ વાત કરી હતી. તેને બ્રેડ ખાવાની કે ઠંડા પીણા પીવાની તક કાયમ મળતી ન હતી. તેને મળવા બહુ ઓછા લોકો આવતા હતા.
અલબત, તેણે મને જણાવ્યું હતું કે ટોકોરોનમાં કેદીઓની હાલત બહુ ખરાબ હતી. કેટલાકને ‘ઘેટાં’ કહેવામાં આવતા હતા અને એવા લોકો સૌથી નીચલા સ્તરે હતા. કેદીઓ પરિવારવિહોણા હતા અથવા લીડરે બનાવેલા નિયમો તેમણે તોડ્યા હતા.
તેમને મર્યાદિત વિસ્તારમાં રાખવામાં આવતા હતા. તેઓ સ્વિમિંગ પૂલ કે નાઇટ ક્લબનો ઉપયોગ કરી શકતા ન હતા. તેમની ઓળખ સ્થાપિત કરવા માટે તેમણે ચૅક્સ કે સ્ટ્રીપ્સ પ્રિન્ટ ધરાવતા લાંબી બાંયના શર્ટ તથા ટાઈ પહેરવી પડતી હતી. એ પૈકીના ઘણા લોકો ભૂખ્યા દેખાતા હતા અને જીવતી લાશની માફક હરતાફરતા હતા.
જુલિયોએ કહ્યું હતું, "આ જેલ કરોડપતિઓ માટેની છે. અહીં પૈસા સર્વસ્વ છે. અમારે બધાએ એક હેતુ માટે દર અઠવાડિયે 15 ડૉલર ચૂકવવા પડતા હતા." (લીડર મારપીટ ન કરે એટલા માટે કેદીઓ તેમને આવી ચૂકવણી કરતા હોય છે)
અન્ય ‘સેવાઓ’નો ભાવ અલગ-અલગ હતો. 2x2 મીટરની સૂવાની વ્યક્તિગત જગ્યા માટે 20 ડૉલર, વીકેન્ડમાં પાર્ટનર સાથે રહેવા માટે 30 ડૉલર ચૂકવવા પડતા હતા.

ઇમેજ સ્રોત, GLENN REQUENA
જેલની બારીઓમાં બાલેન્સિઆગા, ગૂચી અને નાઇકી જવી લકઝરી બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સના વેચાણની જાહેરાત લગાવવામાં આવી હતી. તેનાથી જેલમાં કેટલા પૈસા આવતા હતા એ જાણી શકાય.
હું જેલમાંના લીડરોનાં ઘર જોઈ શક્યો નહીં, કારણ કે તે વિસ્તારમાં ટ્રેન ડી અરાગુઆના લીડર્સના વિશ્વાસુ લોકો જ પ્રવેશી શકતા હતા. મને જાણવા મળ્યું હતું કે ત્યાં લીડર્સ માટે સ્વિમિંગ પૂલ અને બાર્બેક્યૂનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું.
સરકારના હસ્તક્ષેપ પછી એ દુનિયાના ધ્વસ્ત કરી નાખવામાં આવી છે. સરકારી કાર્યવાહીમાં 11,000 સલામતી રક્ષકોએ ભાગ લીધો હતો.
આ કાર્યવાહીનું નેતૃત્વ વેનેઝુએલાના ગૃહ પ્રધાન ઍડમિરલ રેમિગિયો સેલબોસે કર્યું હતું. તેમણે કહ્યું હતું, "અમે આ પ્રકારની સુવિધાના સંચાલન માટે અપૂરતી જગ્યાઓ મોટા પ્રમાણમાં શોધી કાઢી છે."
આજે જુલિયોનું ભાવિ અજ્ઞાત છે, કારણ કે ટોકોરોનના ઘણા કેદીઓ તથા લીડર અલ નીનો ગ્યુરેરો ફરાર છે અને તેમની શોધ ચાલુ છે.
જેલ કબજે કરવાની કામગીરી ગુનાખોર સંગઠનો માટે મોટો ફટકો હતી, પરંતુ તે, વેનેઝુએલાની જેલમાંથી કોલંબિયા, બ્રાઝિલ, પેરુ, એક્વાડોર તથા સંભવતઃ અમેરિકા સુધી ગુનાહિત પ્રવૃતિનો વિસ્તાર કરનાર જંગી ટોળકીનો અંત છે કે કેમ તે સ્પષ્ટ થયું નથી.














