ઇઝરાયલ ગાઝામાં જમીની હુમલો કરીને હમાસનો ખાતમો કરી શકશે?

ઇઝરાયલ
    • લેેખક, પૉલ કિર્બી
    • પદ, બીબીસી સંવાદદાતા

ઇઝરાયલે એલાન કર્યું છે કે તે દુનિયામાંથી હમાસનો ખાતમો કરી દેશે અને ગાઝા ક્યારેય પહેલાં જેવું નહીં રહે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ હમાસ સામે ‘યુદ્ધ’નું એલાન કર્યું અને કહ્યું, “હમાસનો દરેક સભ્ય માર્યો જાશે.”

હમાસે ગત સાત ઑક્ટોબરે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. જેમાં આશરે 1,400 લોકોનું મૃત્યુ થયું હતું.

નેતન્યાહૂને કર્યો કે હમાસની ‘ટેરર મશીન’ અને રાજકીય ઢાંચાને તબાહ કરી દેવાશે.

ઇઝરાયલે કહ્યું કે તે ગાઝામાં ભૂમિગત અભિયાનને ફેલાવી રહ્યું છે. મનાય છે કે ઇઝરાયલ તેના લક્ષ્યને પ્રાપ્ત કરવા સીમા પાર જઈ શકે છે. ઇઝરાયલના લક્ષ્ય મુજબ હમાસની હાર થઈ હોવાની ખાતરી થયા પછી તે ગાઝાથી સંપૂર્ણ અલગ થઈ જશે.

ઇઝરાયલના સંરક્ષણ મંત્રી યોઆવ ગૅલેંટે ‘નવા સુરક્ષા તંત્ર’ની વાત કરી છે અને એવા સમયે ઇઝરાયલની રોજિંદા જીવનને લઈને કોઈ જવાબદારી નહીં રહે.

સેનાને મળી જવાબદારી

ઇઝરાયલ ગાઝા યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલના રાષ્ટ્રપતિ નેતન્યાહૂ

ઇઝરાયલે પોતાના અભિયાનને નામ આપ્યું છે ‘ઑપરેશન સ્વોર્ડઝ ઑફ આયર્ન’. આનો હેતુ ઇઝરાયલ સેનાએ ગાઝામાં ભૂતકાળમાં કરેલા કોઈ પણ અભિયાન કરતા વધારે મહત્ત્વાકાંક્ષી છે, જે કેટલાય મહિના સુધી ચાલી શકે છે.

પણ શું આ હેતુ વાસ્તવિક છે અને તેને ઇઝરાયલના કમાન્ડર કેવી રીતે હાંસલ કરશે?

ગાઝા પટ્ટીમાં દાખલ થવાના અભિયાનમાં શહેરી વિસ્તારમાં ઘરમાં ઘરમાં થનારો સંઘર્ષ પણ સામેલ છે. આ અહીંની 20 લાખથી વધુની વસતીને જોખમમાં મૂકી શકે છે.

ગાઝા પર હમાસનું શાસન છે અને તેમના અધિકારી કહે છે કે અત્યાર સુધી 8,000થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. હજારો લોકોએ તેમનું ઘર છોડીને ભાગી જવું પડ્યું છે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસના માથે અન્ય એક કામ એ છે કે તેમણે ઇઝરાયલના 230 બંધકોને પણ મુક્ત કરાવવાના છે જેમને ગાઝામાં કોઈ અજ્ઞાત સ્થળે પર રખાયા છે.

ઇઝરાયલ હમાસનો ખાતમો કરી શકશે?

ઇઝરાયલ ગાઝા યુદ્ધ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ગાઝા પર ઇઝરાયલનો હવાઈ હુમલો

ઇઝરાયલ આર્મી રેડિયોના સૈન્ય વિશ્લેષક આમિર રબાર શલોમ કહે છે, “મને નથી લાગતું કે ઇઝરાયલ હમાસના દરેક સભ્યનો ખાતમો કરી શકે છે, કારણ કે આ અતિવાદી ઇસ્લામનો વિચાર છે.”

તેઓ આગળ જણાવે છે, “પણ તમે તેને જેટલું શક્ય હોય તેટલું નબળું પાડી શકો છો, જેથી તેનામાં તેનું કોઈ પણ અભિયાન ચલાવવાની ક્ષમતા ના રહે.”

હમાસને નબળું પાડવું એ હમાસને ખતમ કરવા કરતાં ઘણા અંશે વાજબી હેતુ હોઈ શકે છે.

ઇઝરાયલ અગાઉ પણ હમાસ સાથે ચાર વાર સંઘર્ષ કરી ચૂક્યું છે અને રૉકેટ હુમલાને રોકવાના બધા પ્રયત્ન નિષ્ફળ રહ્યા છે.

આઈડીએફના એક પ્રવક્તાએ કહ્યું કે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે હમાસ પાસે ઇઝરાયલના નાગરિકોને ડરાવવાની કે પછી તેમની હત્યા કરવાની સૈન્ય ક્ષમતા ના બચે.

હમાસની તાકાત

ઇઝરાયલ ગાઝા યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગાઝાની એક સુરંગમાં હમાસના લડવૈયાઓ

તેલ અવીવ યુનિવર્સિટીમાં પેલેસ્ટાઇન સ્ટડીઝના પ્રમુખ મિશેલ મિલ્સ્ટીન પણ માને છે કે હમાસને ખતમ કરવું એ ખૂબ જટિલ કામ છે.

તેઓ કહે છે કે તમે એ વિચારને ખતમ કરી દેશો જેનાથી હમાસે આકાર લીધો એ વાત કલ્પનાશક્તિની સીમા જેવી લાગે છે. હમાસ મુસ્લિમ ભાઈચારામાંથી નીકળેલું છે જેણે આખી દુનિયામાં મુસ્લિમ સંગઠનોને પ્રેરિત કર્યા છે.

તેઓ કહે છે કે હમાસની મિલિટરી વિંગની ક્ષમતા 25,000થી વધુ લોકોની છે. ઉપરાંત તેનો સોશિયલ વેલફેર (સામાજિક કામકાજનું ધ્યાન રાખવવાળું)નો એક ઢાંચો પણ છે. એક દાવા મુજબ તેમાં 80થી 90 હજાર સભ્યો છે.

ઇઝરાયલના સંરક્ષણ મંત્રી કહે છે કે એક હદ સુધી ઇઝરાયલનાં આગામી 75 વર્ષનું ભવિષ્ય આ જંગ પર નિર્ભર છે.

ભૂમિગત અભિયાનનાં જોખમ

ઇઝરાયલ ગાઝા યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બેન્જામીન નેતન્યાહૂ

સૈન્ય અભિયાનની સફળતા કેટલીયે બાબતો પર આધાર રાખે છે. આ એવું કારણ છે જે તેને પાટા પરથી ઉતારી શકે છે. હમાસની સશસ્ત્ર શાખા અલ કાસમ બ્રિગેડ પણ ઇઝરાયલના હુમલા માટે તૈયાર હશે.

વિસ્ફોટકો લગાવી દેવાય હશે અને છાપેમાર કાર્યવાહીની યોજના પણ તૈયાર કરી લેવાઈ હશે.

ઇઝરાયલની સેના પર હુમલા માટે તે પોતાના કુખ્યાત અને વ્યાપક ટનલ નેટવર્કનો ઉપયોગ કરી શકે છે. 2014માં ઇઝરાયલની સેનાને એન્ટી ટૅન્ક માઇન્સ, સ્નાઇપર્સ અને છાપેમારીને કારણે મોટું નુકસાન થયું હતું. ગાઝાના પાડોશમાં ઉત્તર વિસ્તારમાં લડાઈમાં સેંકડો નાગરિકોનાં મોત થયાં હતાં.

આ પણ એક કારણ છે કે ઇઝરાયલે ગાઝા પટ્ટીના ઉત્તર વિસ્તારને ખાલી કરવાનું કહ્યું. ઇઝરાયલવાસીઓને સચેત કરાયા છે તેઓ લાંબી લડાઈ માટે તૈયાર રહે અને 3,60,000 રિઝર્વ સૈનિકોને ફરજ પર આવવા કહેવાયું છે.

ઇઝરાયલ ગાઝા યુદ્ધ
ઇમેજ કૅપ્શન, ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેનો વિવાદ શું છે?

હવે સવાલ એ છે કે ઇઝરાયલ તેના અભિયાનને ક્યાં સુધી લંબાવી શકે છે. સીઝફાયર માટે આંતરરાષ્ટ્રીય દબાણ સતત વધી રહ્યું છે. મૃતકોની વધતી સંખ્યા, પાણી, વીજળી અને ઈંધણના પુરવઠાની કપાત વચ્ચે સંયુક્ત રાષ્ટ્રસંઘે ચેતવણી આપી છે કે અહીં ખૂબ મોટું માનવીય સંકટ ઊભું થઈ શકે છે.

સુરક્ષા અને જાસૂસી મામલાઓના ઇઝરાયલના મુખ્ય પત્રકારોમાંના એક યોસી મેલમૅન કહે છે, “સરકાર અને સેનાને લાગે છે કે તેમની પાસે આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન છે. પશ્ચિમી દેશના નેતાઓનું સમર્થન તેમને હોવાનું તેઓ માને છે. તેઓ વિચારે છે કે આ અભિયાનને આગળ વધારીએ, અમારી પાસે ઘણો સમય છે.”

પણ તેઓ માને છે કે હાલમાં કે ભવિષ્યમાં ઇઝરાયલના સહયોગીઓ એ સ્થિતિમાં હસ્તક્ષેપ કરી શકે છે જ્યારે તેઓ ભૂખથી ટળવળીને મૃત્યુ પામતા લોકોની તસવીરો જોશે. મૃત્યુ પામનારા સામાન્ય લોકોની સંખ્યા વધશે તો દબાણ તો વધશે જ.

તેઓ કહે છે, “આ ખૂબ જ જટિલ છે, કારણ કે આમાં સમયની જરૂર છે અને અમેરિકાનું પ્રશાસન તમને ગાઝામાં એક કે બે વર્ષ સુધી રહેવા નહીં દે.”

બંધક બનાવાયેલા લોકોની સુરક્ષા

ઇઝરાયલ ગાઝા યુદ્ધ

ઇમેજ સ્રોત, AHMED ZAKOT/SOPA IMAGES/LIGHTROCKET

ગાઝામાં લઈ જવાયેલા મોટા ભાગના લોકો ઇઝરાયલના છે. પણ તેમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો પણ છે.

તેનો અર્થ છે કે આ ભૂમિગત અભિયાનમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ જેવા દેશોનું પણ હિત છે અને આ દેશો બંધક બનાવાયેલા લોકોના જીવ મુશ્કેલીમાં મૂકવા નહીં ઇચ્છે.

ફ્રાંસના રણનીતિના નિષ્ણાત કર્નલ મિશેલ કહે છે કે ઇઝરાયલની સેના પાસે બે જ રસ્તા છે. કાં તો બંધક બનાવાયેલા લોકોને સુરક્ષિત રાખવામાં આવે, કાં તો હમાસને શક્ય તેટલું નુકસાન પહોંચાડવામાં આવે.

2001માં ઇઝરાયલે ગિલાડ શલિત નામના એક સૈનિકના બદલામાં 1,000 પેલેસ્ટાઇન કેદીઓને મુક્ત કર્યા હતા. શલિત પાંચ વર્ષથી ગાઝામાં હતા.

પણ વધુ એક વાર આવું કરતા પહેલાં ઇઝરાયલ બે વાર વિચાર કરશે, કારણ કે જે લોકોને શલિતના બદલે મુક્ત કરાયા હતા તેમાંથી એક હતા યાહ્યા સિનવાર. સિનવાર ગાઝામાં હમાસના રાજકીય પ્રમુખ છે.

પાડોશીઓની નજર

ઇઝરાયલ ગાઝા યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રૉકેટ હુમલાઓનું દૃશ્ય

ભૂમિ પરના જંગની અવધિ અને તીવ્રતા ઇઝરાયલના પાડોશીઓને પ્રતિક્રિયા પર પણ નિર્ભર છે. ઇજિપ્તનું રફાહ ક્રૉસિંગ ગાઝાના માનવીય સંકટનું કેન્દ્ર બની ગયું છે.

આ જ ક્રૉસિંગ પર હજારો વિદેશી નાગરિક અને વિદેશી પાસપૉર્ટવાળા પેલેસ્ટાઇની ગાઝામાંથી બહાર નીકળવા રાહ જોઈને બેઠા છે.

ઇઝરાયલના ઇન્સ્ટિટ્યૂટ ઑફ નેશનલ સિક્યૉરિટી સ્ટડીઝના ઑફિર વિંટર કહે છે, “ઇઝરાયલના હુમલાથી જેટલા પ્રભાવિત ગાઝામાં રહેતા લોકો થશે એટલા જ પ્રમાણમાં દબાણ ઇજિપ્ત પર પણ વધશે. ઇજિપ્ત એ અહેસાસ તો બિલકુલ નહીં આપવા માગે કે તે પેલેસ્ટાઇનવાસીઓને તેમના હાલ પર છોડી રહ્યું છે.”

પણ એનો અર્થ એ પણ બિલકુલ નથી થતો કે ઇજિપ્ત ગાઝાના લોકોને પોતાને ત્યાં બેરોકટોક આવવા દેશે.

ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતાહ અલ-સિસીએ ચેતવણી આપી છે કે જો ગાઝાના લોકોને સિનાઈના રણમાં વસાવાયા તો લાખો ઇજિપ્તવાસીઓ વિરોધપ્રદર્શન કરશે.

શરણાર્થીઓ બાબતે શું વિચાર છે?

જૉર્ડનના કિંગ અબ્દુલ્લાએ પણ એક રેડ લાઇનની વાત કરી છે જેનાથી આગળ ગાઝામાંથી નીકળનારા શરણાર્થીઓને જવા દેવામાં નહીં આવે.

તેમણે સ્પષ્ટ કર્યું છે ઇજિપ્ત અને જૉર્ડનને શરણાર્થીઓ બિલકુલ નથી જોઈતા.

લેબનન સાથે જોડાયેલી ઇઝરાયલની ઉત્તરની સીમા પર પણ કડક નજર છે.

પહેલા જ લેબનનમાં ઉપસ્થિત હિઝબુલ્લાહ ચરમપંથી જૂથ ઇઝરાયલ પર કેટલાય ઘાતક હુમલાઓ કરી ચૂક્યું છે.

સરહદની બંને બાજુ નાગરિકોને સુરક્ષિત સ્થળો પર લઈ જવાયા છે પણ ઇઝરાયલ માટે હજુ સુધી એવી સ્થિતિ નથી આવી કે આ સ્થળોએ યુદ્ધનો મોરચો સંભાળવો પડે.

ઈરાન હિઝબુલ્લાહનું મુખ્ય સ્પૉનસર છે. તે ઇઝરાયલ સામે નવા મોરચા ખોલવાની ચેતવણી આપી ચૂક્યું છે.

જો બાઇડને આ ચેતવણીનો જવાબ પણ આપ્યો છે.

તેમણે કહ્યું છે, “કોઈ પણ એવી સંસ્થા કે દેશ જે આ સ્થિતિનો ફાયદો ઉઠાવવા માગે છે તેમના માટે મારો એક જ સંદેશ છે – આવું કરવાનું વિચારશો પણ નહીં.”

અમેરિકાના બે ઍરક્રાફ્ટ કૅરિયર યુએસએ જેરાલ્ડ ફોર્સ અને યુએસએ આઇઝન હૉવર ભૂમધ્ય સાગરમાં 2,000 અમેરિકન સૈનિકો સાથે તહેનાત છે.

તેઓ કોઈ પણ કાર્યવાહી કરવા તૈયાર બેઠા છે.

ઇઝરાયલ ગાઝામાં કરવા શું માગે છે?

ઇઝરાયલ ગાઝા યુદ્ધ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, હુમલાઓને કારણે ઘર ગુમાવી દેનાર એક વ્યક્તિ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જો હમાસને બિલકુલ તબાહ કરવાનો જ હેતુ ઇઝરાયલનો હોય તો સવાલ એ છે કે હમાસની જગ્યા ગાઝામાં કયું સંગઠન લેશે?

ઇઝરાયલે 2005માં ગાઝામાંથી હજારો યહૂદીઓ અને સેનાને બહાર કાઢી મૂક્યા હતા. એ તો સ્પષ્ટ છે કે ઇઝરાયલ ફરી એક વાર આ લોકોને ગાઝામાં વસાવવા માગે છે અથવા પોતાની સેનાને ત્યાં જ રાખવા માગે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પણ કહી ચૂક્યા છે કે આવું કરવું એક મોટી ચૂક હશે.

પણ ગાઝા પર કોઈ પણ સંગઠનનું નિયંત્રણ ના હોવું એક ખતરનાક જોખમ છે. મિલ્સ્ટીન કહે છે કે આ તો એક સમસ્યાને સમાપ્ત કરવા બીજી નવી 10 સમસ્યાઓ ઊભી કરવા જેવું હશે.

ઑફિર વિંટર માને છે કે ગાઝાની સત્તામાં ધીરે ધીરે પરિવર્તન આવશે અને 2007વાળી સ્થિતિ સર્જાશે જ્યારે ત્યાં પેલેસ્ટાઇન ઑથૉરિટીનું રાજ હતું.

ઑથૉરિટીનું નિયંત્રણ હાલ તો વેસ્ટ બૅન્કના કેટલાક ભાગ પર છે પણ તે પણ ઘણું નબળું પડી ગયું છે. તેને ગાઝામાં પાછા લાવવા મનાવવું પણ ઓછું જટિલ કામ નહીં હોય.

આંતરરાષ્ટ્રીય સમુદાય આ સમસ્યાનું અંતિમ સમાધાન શોધી શકે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે કોસોવોમાં સર્બિયન સેનાના ગયા પછી 1999માં સત્તા સંભાળી હતી પણ ઇઝરાયલ સંયુક્ત રાષ્ટ્રસંઘ પર બિલકુલ ભરોસો નથી કરતું.

એક અન્ય વિકલ્પ છે. મિલ્સ્ટીન કહે છે કે ગાઝાના ચૂંટેલા મેયર, કબાયલી નેતાઓ અને એનજીઓને સાથે રાખીને એક પ્રશાસનિક વ્યવસ્થા બનાવી શકાય જેમાં ઇજિપ્ત, આરબ દેશો અને અમેરિકાનો સહયોગ હોય.

પણ ઇજિપ્તના રાષ્ટ્રપતિએ ગાઝા પર નિયંત્રણની કોઈ ઇચ્છા નથી દર્શાવી. એમ જરૂર કહ્યું છે કે જો સેના વગરનો એક પેલેસ્ટાઇન દેશ બનાવી દેવાય તો આ સમસ્યા ચર્ચાથી જ નિવારી શકાય અને કોઈ યુદ્ધ પણ ન થાત.

યુદ્ધ પછી ઇઝરાયલ ગાઝા પર વધારે કડર નિયંત્રણ ઇચ્છશે જેમાં આ વિસ્તારમાં પ્રવેશ કરનારી દરેક વસ્તુ પર કડક નજર રાખવામાં આવશે.

તે નહીં ઇચ્છે કે કોઈ પણ પ્રકારનાં હથિયાર ગાઝામાં પહોંચે.

ઉપરાંત ઇઝરાયલ અને ગાઝા વચ્ચે બફર ઝોન છે તેને મોટો કરવાની વાત પણ ચાલી રહી છે જેથી ઇઝરાયલી વસાહતને સુરક્ષિત રાખી શકાય.

યુદ્ધનું પરિણામ ભલે ગમે તે હોય પરંતુ ઇઝરાયલનો એક હેતુ એ પણ છે કે 7 ઑક્ટોબર જેવા હુમલાઓ ફરી ના થાય.

બીબીસી
બીબીસી