ગાઝામાં જમીન પરની કાર્યવાહી પહેલાં ઇઝરાયલી ટૅન્ક્સનો પ્રવેશ, હવે શું કરશે ઇઝરાયલ

ઇમેજ સ્રોત, X: @IDF
ઇઝરાયલના સુરક્ષાદળે આખરે ગાઝામાં પ્રવેશ કરી લીધો છે. સેના ટૅન્કો પર સવાર થઈને ‘ટાર્ગેટેડ રેઇડ’ને પાર પાડી રહી છે.
પણ આ નિયમિત ભૂમિ ઑપરેશનની શરૂઆત નથી. ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે આ દરોડા લડાઈના આગામી તબક્કાની તૈયારી છે.
જમીન પરના અભિયાન અગાઉ ઇઝરાયલની સેનાએ છેલ્લા 24 કલાકમાં હમાસનાં ઠેકાણાઓ પર 250 હવાઈ હુમલાઓ કર્યા છે.
આ દરમ્યાન સંયુક્ત રાષ્ટ્ર સંઘે કહ્યું છે કે ગાઝામાં હાલ કોઈ પણ સ્થળ સુરક્ષિત નથી.
ગાઝાના આરોગ્ય વિભાગે કહ્યું છે કે સાત ઑક્ટોબરથી લઈને અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા 7,000ને પાર કરી ચૂકી છે જેમાં 2,900 બાળકો છે.
ઇઝરાયલ પર સાત ઑક્ટોબરે હમાસે કરેલા હુમલામાં 1,400 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ઇઝરાયલની સેનાએ બંધકો વિશે તાજી માહિતી જાહેર કરતા કહ્યું કે હમાસના કબજામાં 224 લોકો છે.
ઇઝરાયલે લક્ષ્યાંકિત સ્થળો પર કરેલી કાર્યવાહીનો અર્થ શું?

ઇમેજ સ્રોત, EPA
જમીન પરની કાર્યવાહી પહેલાં લક્ષિત દરોડા એ કોઈપણ સૈન્ય કાર્યવાહીની નિયમિત પ્રથા છે. આમાં, સૈનિકો જમીનની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે અને દુશ્મનની સુરક્ષાને નબળી કરવાનો પ્રયાસ કરે છે.
ઇઝરાયલી સેનાએ બહાર પાડેલી તસવીરોમાં ટૅન્ક અને બખ્તરબંધ બુલડોઝર દેખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇઝરાયલે કહ્યું કે કાર્યવાહી પૂરી કરી સૈનિકો પરત ફર્યા છે. આ બધું જમીન પરની કાર્યવાહીના સમયનો અંદાજ કાઢવામાં મદદ કરી શકે છે.
કાર્યવાહી પછી ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે 'અમે આગામી તબક્કાની તૈયારી કરી રહ્યા છીએ.'
પરંતુ લડાઈ જટિલ પણ છે. બીબીસી સંવાદદાતાઓના જણાવ્યા અનુસાર ઇઝરાયલ બતાવવા માગે છે કે જમીની કાર્યવાહી ત્રણ કારણોસર થશે:
- સીમા પર તહેનાત જવાનોનું મનોબળ ઊંચું રહે
- ઇઝરાયલના લોકોને એ જણાવવા માટે કે હમાસ પર જલદી જ એક મોટો હુમલો થશે
- લગભગ 224 બંધકોની મુક્તિ માટે હમાસ પર દબાણ બનાવી રખાશે
વાડાઓ તોડતાં બુલડોઝર અને ટૅન્ક

ઇમેજ સ્રોત, X: @IDF
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગઈકાલે રાત્રે ગાઝાની સરહદો પર અથડામણ થઈ હોવાના સંકેતો મળ્યા હતા. ઇઝરાયલની સેનાએ એક ડ્રોન વીડિયો જાહેર કર્યો છે જેમાં 'ડી-નાઇન' નામનાં બુલડોઝર જોઈ શકાય છે.
ઇઝરાયલે કહ્યું કે જમીન પરની હુમલાની તૈયારી કરાઈ રહી છે અને આ પ્રારંભિક હુમલો હતો.
ઇઝરાયલની સેનાના પ્રવક્તા ડેનયન હગારીએ આ અંગે વધુ જાણકારી આપી. તેમણે કહ્યું કે આ મિશન ઘણા કલાકો સુધી ચાલ્યું અને આ દરમિયાન ઇઝરાયલી સેનામાં કોઈને ઈજા થઈ નથી.
પ્રવક્તાએ કહ્યું, "આ દરોડાથી અમે આતંકવાદીઓને ઠાર કર્યા, ખતરાઓને ખતમ કર્યા, લૅન્ડમાઇન્સનો નાશ કર્યો અને ઓચિંતો હુમલો કરવાની યોજનાને નિષ્ફળ બનાવી."
આનાથી ઇઝરાયલના લોકોને પણ સંદેશો ગયો કે ટૂંક સમયમાં કંઈક થવાનું છે. આ એટલા માટે પણ મહત્ત્વનું છે કારણ કે ઘણા લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે, 'શું આપણે હમાસના હુમલાનો જવાબ આપવા જઈ રહ્યા છીએ?'
ઑક્ટોબરમાં થયેલી હત્યાઓથી ઇઝરાયલના લોકો આઘાતમાં છે. સમગ્ર દેશ સંમત જણાય છે કે હમાસ બધાનો દુશ્મન છે અને તેને ખતમ કરી દેવો જોઈએ.
પણ ખરો સવાલ એ છે કે આ ક્યારે અને કેવી રીતે શક્ય બનશે?
આ પ્રશ્નના ઘણા જવાબો છે.
હમાસે અપહરણ કરીને ગાઝામાં રાખેલા લોકોમાંથી ચાર બંધકોને મુક્ત કર્યા છે. કતાર અન્ય 50 લોકોની મુક્તિ માટે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
દેખીતી રીતે, આ જ કારણ છે કે જમીન પર કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે અને ઇઝરાયલ માટે આ મામલે ઉતાવળ કરવી જરૂરી નથી.
નેતન્યાહૂ સામે ઇઝરાયલમાં ગુસ્સો

ઇમેજ સ્રોત, REUTERS
ખુદ નેતન્યાહૂ માટે યુદ્ધની સ્થિતિમાં દેશનું નેતૃત્વ કરવું તણાવપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. યુદ્ધ પહેલાંથી જ વિભાજિત એવા દેશનું નેતૃત્વ કરી રહેલા નેતન્યાહૂ પર દબાણ વધ્યું છે.
જો કે ઇઝરાયલની જનતા એક ધ્વજ હેઠળ એક થવા અને હમાસને નાબૂદ કરવા સંમત થઈ છે, છતાં લોકો હજી પણ બેન્જામિન નેતન્યાહૂના સમર્થનમાં હોય તેવું લાગતું નથી.
જોકે નેતન્યાહૂના ચોક્કસપણે કેટલાક પ્રશંસકો છે. ઇઝરાયલમાં કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે નેતન્યાહૂ સંઘર્ષનું મૂળ છે કારણ કે તેમણે વૈચારિક હેતુઓ માટે પશ્ચિમ કાંઠાના ક્ષેત્રમાં વિભાજન કર્યું છે.
તેમની સામે ભ્રષ્ટાચારનો ગંભીર કેસ ચાલી રહ્યો છે, જે બાદ તેમને જેલમાં જવું પડી શકે છે.
નેતન્યાહૂના ટીકાકારોના મતે આ બધું તેમની પોતાની રાજકીય સુરક્ષા માટે થઈ રહ્યું છે.
અને ગાઝામાં હસ્તક્ષેપ ઇઝરાયલના નહીં પણ નેતન્યાહૂના હિતમાં છે.
બીબીસી સંવાદદાતા ફ્રૅન્ક ગાર્ડનરનો અભિપ્રાય

ઇમેજ સ્રોત, NURPHOTO VIA GETTY IMAGES
બુધવારે રાત્રે કરાયેલા આ મર્યાદિત હુમલાના ઘણા ઉદ્દેશ્યો હતા. આમાં હમાસની સ્થિતિની જાસૂસી કરવા ઉપરાંત તેમની ટૅન્ક વિરોધી ફાયરિંગ પોસ્ટનો નાશ કરવો અને અંતિમ ગ્રાઉન્ડ એટૅકનો માર્ગ તૈયાર કરવા સહિતના હેતુઓ હતા.
પરંતુ અહીં ઇઝરાયલની જનતા માટે એક સંદેશ પણ છે.
હમાસે કરેલા હુમલા પછી, ગુપ્તચર અને સુરક્ષા નિષ્ફળતા બાબતે ભારે ટીકા થઈ હતી. ત્યારથી ઇઝરાયલ સરકાર પર ભારે દબાણ હતું.
આથી સરકાર હવે હમાસ સામે નિર્ણાયક યુદ્ધ લડવાની તૈયારી કરી રહી છે.
ગાઝા સરહદ પર સેંકડો ટૅન્ક કેટલાંક અઠવાડિયાથી તૈયાર છે.
પરંતુ ઘણાં કારણોસર તેઓ સરહદ પાર કરી રહ્યાં નથી. આમાં મુખ્ય કારણ 200 અપહરણ કરી લઈ જવાયેલા લોકોની સુરક્ષાનું છે. આ તમામને મુક્ત કરાવવા વાતચીત ચાલી રહી છે.
આ સિવાય અમેરિકાએ ઇઝરાયલને ચેતવણી આપી છે કે જમીની હુમલામાં બંને પક્ષોને ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે.
આ સિવાય અમેરિકાને મધ્ય પૂર્વમાં તેની ઍર ડિફેન્સ સિસ્ટમ તહેનાત કરવા થોડો સમય જોઈએ છે.
અમેરિકાને ડર છે કે ઇઝરાયલ ગાઝામાં પ્રવેશ્યા બાદ ઈરાન સમર્થિત 'આતંકવાદીઓ' ડ્રોનથી હુમલાઓ કરી શકે છે.












