હમાસના હુમલા બાદ શક્તિશાળી ઇઝરાયલ ગાઝામાં કેમ પ્રવેશતું નથી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફ્રૅન્ક ગાર્ડનર
- પદ, બીબીસી સિક્યૉરિટી સંવાદદાતા
ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. 7મી ઑક્ટોબરથી ઘટનાક્રમ શરૂ થયો હતો. હવે ઇઝરાયલે સંકેતો આપી દીધા છે કે તે લશ્કરી તાકત સાથે ગાઝામાં જઈને હમાસને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવા તૈયાર છે. હમાસે 7મી ઑક્ટોબરે દક્ષિણી ઇઝરાયલમાં ઘૂસીને કાર્યવાહી કર્યા બાદ તાજેતરનો તીવ્ર સંઘર્ષ શરૂ થઈ ગયો છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) માટે 3 લાખ રિઝર્વ્ડ સૈનિકોને લડાઈમાં જોડાવા બોલાવવામાં આવ્યા છે. ગાઝા સરહદ પર ઇઝરાયલની બાજુએ ખેતરોમાં અને મેદાનો તથા સામુદાયિક કૃષિ વિસ્તારોમાં મર્કાવ ટૅન્કોનો જમાવડો છે, હવાઈ હુમલા અને બૉમ્બમારાના ઉપકરણોનો ખડકલો છે તથા યુદ્ધ માટે તૈયાર સૈનિકો ભારે હથિયારો સાથે એકઠાં થઈ ચૂક્યાં છે.
ઇઝરાયલની વાયુ સેના અને નૅવી હમાસના અને પેલેસ્ટઇનિયન ઇસ્લામિક જેહાદના શંકાસ્પદ ઠેકાણાંઓ પર હુમલા કર રહી છે અને ગાઝામાં જ્યાં હથિયારો રાખવામાં આવ્યાં હોય એવાં શંકાસ્પદ સ્થળો પર પણ ઇઝરાયલ ત્રાટકી રહ્યું છે.
જોકે આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં નાગરિકોનાં પણ મોત પણ થઈ રહ્યાં છે. જ્યારે કેટલાક હમાસ કમાન્ડરોનો પણ ખાતમો કરાયો છે.
17 ઑક્ટોબરે મધ્ય ગાઝામાં હૉસ્પિટલમાં થયેલા વિસ્ફોટમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત થયાં છે. બંને પક્ષે એનો દોષ એકબીજા પર નાખ્યો છે. આમ બંને વચ્ચેનું ઘર્ષણ દિવસે દિવસે વધુ તીવ્ર થઈ રહ્યું છે.
પણ સવાલ એ છે કે ઇઝરાયલે જે કહ્યું હતું કે તે ગાઝામાં આક્રમણ શરૂ કરશે એ શરૂ કેમ નથી કર્યું? આમાં ઘણાં બધાં પરિબળો સામેલ છે.

બાઇડન ફૅક્ટર

ઇમેજ સ્રોત, REUTERS
અમેરિકી પ્રમુખ જો બાઇડને તાત્કાલિક ધોરણે ઇઝરાયલની મુલાકાત લીધી છે એ વાત દર્શાવે છે કે જે સ્થિતિ વણસી છે એનાથી અમેરિકા કેટલું ચિંતિત છે.
અમેરિકાને બે મુખ્ય ચિંતા છે. એક છે વધી રહેલું માનવીય સંકટ અને મધ્યપૂર્વમાં આ યુદ્ધ ફેલાઈ જવાની ભીતિ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાના પ્રમુખે તેમનો એક મત સ્પષ્ટ કરી દીધો છે કે ઇઝરાયલ ગાઝા પર ફરી કબજો કરશે એના તેઓ વિરોધમાં છે. ઇઝરાયલે વર્ષ 2005માં ગાઝાનો કબજો છોડી દીધો હતો. તેમણે કહ્યું કે જો ઇઝરાયલ ફરી આવું કરશે તો, એ ખૂબ જ મોટી ભૂલ હશે.
સત્તાવાર રીતે તેઓ ઇઝરાયલની મુલાકાત અમેરિકાના મધ્યપૂર્વના સૌથી નિકટના સહયોગીને વ્યૂહાત્મક ટેકો દર્શાવવા કરી રહ્યા છે અને ઇઝરાયલનો ગાઝા માટે શું પ્લાન છે તે તેઓ જાણવા માગે છે.
જ્યારે બિનસત્તાવારરૂપે તેઓ બેન્ઝામિન નેતન્યાહૂની કટ્ટર સરકારને થોડો સંયમ રાખવા માટે પણ આગ્રહ કરી રહ્યા હોય એવી શક્યતા છે. અમેરિકાને એ જાણવામાં રસ છે કે જો ઇઝરાયલ ગાઝામાં પ્રવેશે છે તો, તો શું તે પરત આવશે અને ક્યારે આવશે?
કેમ કે અમેરિકી પ્રમુખ ઇઝરાયલમાં હોય અને બીજી બાજુ ઇઝરાયલ ગાઝા સામે એક મજબૂત લશ્કરી આક્રમણ કરે તે ન અમેરિકા માટે કે ન તો ઇઝરાયલ માટે સારું રહેશે.
અમેરિકી પ્રમુખની મુલાકાત સમયે ગાઝાની અલ-અહલી આરબ હૉસ્પિટલમાં થયેલો ઘાતકી વિસ્ફોટે મુલાકાતને ગ્રહણ લગાવી દીધું. જોકે અમેરિકી પ્રમુખે જાહેરમાં ઇઝરાયલની જે દલીલ છે તેનું સમર્થન કર્યું છે કે પેલેસ્ટાઇનનું મિસફાયર થયેલા રૉકેટના લીધે વિસ્ફોટ થયો.
બીબીસી આ વિસ્ફોટમાં થયેલા કુલ મોતનો આંકડો ચોક્કસ રીતે જાણવા પ્રયાસ કરી રહ્યું છે જેમાં સંખ્યાબંધનાં મોત અને હજારો ઘાયલ થયા હોવાની શક્યતા પહેલાં જ વ્યક્ત કરાઈ છે.

ઈરાન ફૅક્ટર

ઇમેજ સ્રોત, REUTERS
છેલ્લા કેટલાક દિવસોમાં ઈરાને ગાઝા પર ઇઝરાયલના હુમલા સામે કડક ચેતવણી ઉચ્ચારી છે. તેમણે ચેતવણી આપી કે એનો જવાબ આપવામાં આવશે. પણ વાસ્તવિક રીતે આનો શું અર્થ કાઢવો?
મધ્યપૂર્વમાં ઈરાન શિયા મિલિશિયા (શિયા ઉગ્ર લડવૈયા)ને ભંડોળ પૂરું પાડે છે, તાલીમ આપે છે, હથિયારો આપે છે અને કેટલેક અંશે નિયંત્રણ પણ કરે છે. આનું સૌથી ઘાતકી ઉદાહરણ લેબનનમાંનું હિઝબુલ્લાહ જૂથ છે. તે ઇઝરાયલની ઉત્તરી સરહદની સામે જ છે.
બંને દેશ 2006માં વિનાશક યુદ્ધ લડી ચૂક્યા છે જે અનિર્ણિત રહ્યું હતું. એમાં ઇઝરાયલની આધુનિક ટૅન્કોને ગુપ્ત માઇન્સ તથા સુનિયોજનબદ્ધ હુમલાથી નષ્ટ કરી દેવાઈ હતી. ત્યારથી જ હિઝબુલ્લાહે ઈરાનની મદદથી ફરી હથિયારી શક્તિ પ્રાપ્ત કરી અને હવે તેની પાસે લગભગ 1.5 લાખ રૉકેટ અને મિસાઇલ છે. જેમાંથી મોટા ભાગની ચોક્કસાઈપૂર્વક ટાર્ગેટ નષ્ટ કરતી લાંબી રેન્જની મિસાઇલો છે.
આથી એક ચિંતા એ છે કે જો ઇઝરાયલ ગાઝા પર આક્રમણ કરે છે તો, ઉત્તરી સરહદે હિઝબુલ્લાહ મોરચો ખોલી નાખશે. આથી ઇઝરાયલે બે મોરચે યુદ્ધ લડવું પડશે.
જોકે આ વાત નક્કી નથી કે હિઝબુલ્લાહ આ સમયે યુદ્ધ કરવા ઇચ્છે છે કે નહીં. ખાસ કરીને જ્યારે યુએસ નૅવીના બે જહાજોએ ભૂમધ્ય સાગરમાં પૂર્વમાં કેટલાંક જૂથો પર હુમલા કર્યા છે અને ઇઝરાયલની મદદે આવવા તે તૈયાર છે, એવા સમયે આ કહેવું મુશ્કેલ છે.
આનાથી ઇઝરાયલને કેટલીક ખાતરી મળી છે કે હિઝબુલ્લાહના હુમલાએ અમેરિકી નૅવીના હવાઈ હુમલાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ અત્રે એ નોંધવું કે જ્યારે 2006માં હિઝબુલ્લાહ સાથે ઇઝરાયલે છેલ્લે યુદ્ધ લડ્યું હતું ત્યારે ઇઝરાયલના યુદ્ધજહાજને ઉગ્રવાદીઓએ નુકસાન કર્યું હતું અને તેમણે અત્યાધુનિક એન્ટિ-શિપ મિસાઇલથી આવું કર્યું હતું.

માનવીય સંકટ

ઇમેજ સ્રોત, EPA
ઇઝરાયલી સરકારનો માનવીય સંકટ મામલેનું વલણ વિશ્વ કરતાં અલગ છે. ખાસ કરીને જ્યારે ગાઝામાંથી હમાસના ખાતમો કરવાની વાત હોય.
ઇઝરાયલના હવાઈ હુમલાના લીધે પેલેસ્ટાઇન નાગરિકોનાં મોત વધી રહ્યાં છે. 7મી ઑક્ટોબરે હમાસની કાર્યવાહી બાદ ઇઝરાયલને વૈશ્વિક સાંત્વના મળી રહી હતી તે હવે પેલેસ્ટાઇન નાગરિકોનાં વધી રહેલાં મોતને લીધે તેમના તરફે જતી લાગી રહી છે જેમાં સામાન્ય ગાઝા નાગરિકોની સુરક્ષા માટે હવાઈ હુમલા રોકવાની વધતી અપીલ છે.
ઇઝરાયલની આર્મી જ્યારે ગાઝામાં જશે તો મોત હજુ વધી શકે છે. ઇઝરાયલના સૈનિકોનાં મોત પણ થશે પરંતુ હુમલા, સ્નાઇપરો અને બિછાવેલી જાળને લીધે મોટા ભાગની લડાઈ ભૂમિદળની રહેશે અને તે લાંબી ટનલોમાં લડાશે.
પણ એવું લાગે છે કે ફરી એક વાર આની સૌથી ઘાતક અસર નાગરિકોનાં મોત સ્વરૂપે થશે.

ઇન્ટેલિજન્સમાં ચૂક

ઇઝરાયલ ઇન્ટેલિજન્સની ભારે ટીકા થઈ રહી છે.
સ્થાનિક ઇન્ટેલિજન્સ એજન્સી શીન બેટે હમાસના હુમલાની જાણકારી મેળવવામાં નિષ્ફળતા રહી હોવાથી ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
ગાઝામાં નેટવર્કલ અને જાસૂસોનું નેટવર્ક હોવાનું માનવામાં આવતું હતું જેમાં હમાસનાં દરેક પગલાં અને પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદ જૂથ પર નજર રહેતી.
પરંતુ 1973માં યોમ કિપ્પુર પછી ઇઝરાયલના ઇતિહાસની સૌથી મોટી ઇન્ટેલિજન્સ ચૂક થઈ છે.
છેલ્લા 10 દિવસોથી ઇઝરાયલ ઇન્ટેલિજન્સ મામલે ઘણી ભૂલો સુધારીને સક્રિયતા અને સફળતા વધારવવામાં જોતરાયેલી હશે જેમાં તે હમાસના કમાન્ડરો જ્યાં છુપાયા છે, તેનાં ઠેકાણાં અને બંધકોનાં લોકેશન ઓળખવામાં આઈડીએફને મદદ કરી રહી હશે.
બની શકે કે તેમણે વધુ માહિતી ભેગી કરવા સમય માગ્યો હશે, કેમ કે જ્યારે ભૂમિદળ ગાઝામાં ઘૂસે તો તેઓ સીધા જ એ ઠેકાણાં પર જાય. તે નહીં ઇચ્છે કે ઇઝરાયલની આર્મી અહીંતહીં ભટક્યા કરે અને ગાઝા સતત હુમલો કરતી રહે, કેમ કે બીજી બાજુ વૈશ્વિક સ્તરે તેમની તીવ્ર ટીકા પણ થઈ રહી છે.
ઇઝરાયલના સતત હવાઈ હુમલા છતાં બચી ગયેલા હમાસ અને પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદે હુમલાની રાહમાં ઇઝરાયલનાં દળોને રોકવાની યોજના બનાવી હશે. અન્ડરગ્રાઉન્ડ ટનલમાં આ બધું વધું જોખમી થઈ જશે. આથી ઇઝરાયલ ઇન્ટેલિજન્સ આઈડીએફને ચોક્કસ ઠેકાણાં ઓળખી આપવા માટે પ્રયાસરત રહેશે.

એ દિવસ જ્યારે બંને વચ્ચે શરૂ થયો સંઘર્ષ

- 7મી ઑક્ટોબર શનિવારના રોજ હમાસના લડવૈયાઓએ દક્ષિણી ઇઝરાયલમાં ઘૂસીને કાર્યવાહી કરી હતી.
- હમાસે ઇઝરાયલમાં 5000થી વધુ રૉકેટ છોડ્યાં હતાં અને ઇઝરાયલના લોકોને બંધક બનાવ્યા હતા.
- સામે ઇઝરાયલે પણ હમાસ સામે કાર્યવાહી શરૂ કરી હવાઈ હુમલા શરૂ કર્યા હતા.
- ઇઝરાયલ તરફે ઘણાં લોકોનાં મોત થયાં અને હૉસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા વધી ગઈ છે, સાયરનો વાગવાનાં શરૂ થઈ ગયાં હતાં.
- ઇઝરાયલે કહ્યું હતું કે ઇઝરાયલ યુદ્ધની સ્થિતિમાં છે.
- ત્યાર પછી ઇઝરાયલે હમાસ સામે કાર્યવાહી શરૂ કરી અને હુમલા શરૂ કર્યા હતા. આ સંઘર્ષને 10થી વધુ દિવસ થઈ ગયા છે અને તે હવે વધુ ઘાતકી બની રહ્યો છે.














