એ પિતાની વ્યથા જેમણે ઇઝરાયલના હુમલામાં પોતાનાં ચારેય બાળકો અને 11 પરિવારજનોને ગુમાવ્યાં

ઇમેજ સ્રોત, COURTESY OF KHALIL KHADER
- લેેખક, ફર્ગલ કીન
- પદ, બીબીસી સંવાદદાતા
જયારે તે કાટમાળના ઢગલા પર ચડે છે ત્યારે તેમનું શરીર કંપી ઊઠે છે.
નીચે કાટમાળમાં એક રંગબેરંગી કપડું તેમના આંખે ચડે છે. ખલીલ ખાડેર તેમના બાળકના ધૂળવાળા અને ફાટેલા પાયજામાને ઉપાડે છે અને તે તરત જ યાદોમાં ખોવાઈ જાય છે.
તે પાયજામો તેમની 18 મહિનાની દીકરી, રોઝાનો છે. ખલીલ તેમના ફોન પર એક વીડિયો બતાવે છે. તેમાં રોઝાએ એ જ વાદળી પાયજામો પેહર્યો છે અને બે મોટા પિતરાઈ ભાઈઓનો હાથ પકડ્યો છે. તે ત્રણેય એક વર્તુળમાં ડાન્સ કરી રહ્યા છે.
વીડિયો સ્લો મોશનમાં ફિલમાવાયો હતો, તેથી તેમાં એવું લાગે છે કે જાણે બાળકો હળવા પવનમાં લહેરાતાં હોય. તેઓ હસતાં દેખાય છે. તેઓ રમી રહ્યાં છે અને તેમના પર હજી યુદ્ધનો પડછાયો પડ્યો નથી.
ખલીલ 36 વર્ષના શાંત માણસ છે. તે રફાહની અલ-નજ્જર હૉસ્પિટલમાં કમ્પ્યુટર ઍન્જિનિયર છે, અને ચાર નાનાં બાળકોના પિતા છે:નવ વર્ષનો ઇબ્રાહિમ ; પાંચ વર્ષનો અમલ, અઢી વર્ષનો કિનાન અને સૌથી નાની રોઝા.
ખલીલ કાળજીપૂર્વક કાટમાળ તરફ આગળ વધે છે. હૉસ્પિટલથી ઘર માત્ર થોડી જ મિનિટના અંતરે છે. હવે ત્યાં ચણતર અને ધાતુ, ઘરની વસ્તુઓ અને કેટલાંક બાળકોનાં રમકડાંનો ટેકરા છે. જેમાં એક નાનું ડ્રમ અને એક રમકડાનો પિયાનો પણ છે.

જે રાત્રે મિસાઇલ ત્રાટકી - 20 ઑક્ટોબરના રોજ - ખલીલ હૉસ્પિટલમાં કામ કરી રહ્યા હતા.
તેમણે મારી સાથે કામ કરતા બીબીસીના એક સહયોગી જે તેમની સાથે હુમલાના સ્થળે ગયા હતા તેમને કહ્યું કે, "એક જોરદાર બૉમ્બ વિસ્ફોટ થયો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ જણાવે છે, "મારા પડોશીઓ હૉસ્પિટલમાં આવી રહ્યા હતા. તેથી મેં તેમને પૂછ્યું, 'બૉમ્બ વિસ્ફોટ ક્યાં થયો હતો?' અને તેઓએ મને કહ્યું, 'તે તમારા ઘરની આસપાસ જ થયો છે."
"હું મારા પરિવારની તપાસ કરવા માટે ઘર તરફ દોડ્યો. મેં બૂમ પાડી પણ કોઈ જવાબ આવ્યો નહીં. અને તમે જોઈ શકો છો... આખું ઘર બૉમ્બથી ઉડાડવામાં આવ્યું હતું."
તેમના પરિવારના 11 સદસ્ય માર્યા ગયા.
માર્યા ગયા તેમનાં ચાર બાળકો, તેમનાં બે બહેનો, તેમના 70 વર્ષના પિતા, તેમના ભાઈ અને ભાભી અને તેમની 2 દીકરીઓનો સમાવેશ હતો. આ બધા જ હૉસ્પિટલના પ્રાંગણમાં સફેદ કફનમાં લપેટાયેલા હતા. તેમના પત્ની ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. જ્યારે ઘર તૂટી પડ્યું ત્યારે તે દાઝી ગયેલા અને અન્ય ઈજાઓ થઈ હતી. અત્યારે તેમને સારવાર આપવામાં આવી રહી છે.

ઇમેજ સ્રોત, COURTESY OF KHALIL KHADER
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખલીલ માટે યુદ્ધ કોઈ નવી વાત નથી. આ જમીનની નાની પટ્ટીએ - માત્ર 141 ચોરસ માઇલ (365 ચોરસ કિમી)ના કુલ જમીન વિસ્તાર સાથે - દાયકાઓથી અવિરત સંઘર્ષ જોયો છે. સંઘર્ષનો વારસો એવો હતો કે ખલીલને ત્યાં પરિવાર સાથે રહેવા બાબતે હંમેશા ચિંતા રહેતી.
તે યાદ કરતા જણાવે છે, "મને યાદ છે 2014ના યુદ્ધમાં, મારી પત્ની ગર્ભવતી હતી, અને અમારા પડોશીઓ પર બૉમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. તે તેના સાતમા મહિનામાં હતી અને લગભગ વિસ્ફોટથી સીડી પરથી નીચે પડી ગઈ હતી. અને હું વિચારી રહ્યો હતો કે હું બાળકોને કેવી રીતે આવા જીવનમાં લાવી શકું?"
પરંતુ તેમણે આશા રાખી કે તેમના પરિવાર માટે વધુ સારું જીવન શક્ય બનશે.
"મારા દરેક બાળકો માટે મારું એક સપનું હતું. ઇબ્રાહિમ તેની શાળામાં પ્રથમ આવતો અને મેં તેને એક દિવસ ડૉક્ટર તરીકે જોવાનું સપનું જોયું."
"અમલ ખૂબ જ સર્જનાત્મક હતી, તેને ચિત્ર દોરવાનું પસંદ હતું. અને તે મને તેના ચિત્ર બતાવતી હતી, અને ક્યારેક હું તેની સાથે દોરતો."
"કિનાન ખૂબ જ રમતિયાળ હતો - દરેક તેને પ્રેમ કરતા હતા. અને તે તેની નાની બહેનની સંભાળ રાખતો હતો. તે હંમેશા રોઝાની સુરક્ષા માટે હાજર રહેતો હતો, અને કહેતો હતો, 'તેને સ્પર્શ કરશો નહીં, તે મારી બેબી છે!' અને હવે તેઓ બધાં ચાલ્યાં ગયાં છે."
ખલીલ હજુ પણ કાટમાળ નીચે પોતાની બહેનના મૃતદેહને શોધી રહ્યા છે.
પરંતુ જેમ તેઓ ઇબ્રાહિમ, અમલ, કેનિન અને રોઝાના એક પછી એક ફોટોગ્રાફ બતાવે છે, તેમતેમ તેમની આંખો ભીંજાતી જાય છે.
તેઓ હંમેશાં તેમના પિતા રહેશે.














