ઇઝરાયલ હમાસ સંઘર્ષ : ગાઝા, જ્યાં દર દસ મિનિટે એક બાળકનું થઈ રહ્યું છે મોત

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અમીરા મહાદબી
- પદ, બીબીસી અરબી સેવા
શનિવારે સાત ઑક્ટોબરનની સવારે પેલેસ્ટાઇનિયન ઉગ્રવાદી જૂથ હમાસે ઇઝરાયલ પર હુમલો કરી દીધો. ઇઝરાયલ પર થયેલો આ હુમલો અભૂતપૂર્વ હતો.
ઇઝરાયલી અધિકારીઓનું કહેવું છે કે હમાસના હુમલામાં લગભગ 1,400 લોકોનાં મૃત્યુ થયાં હતાં. હમાસના ઉગ્રવાદી 200 કરતાં વધુ લોકોને બંધક બનાવીને લઈ ગયા હતા.
એ દિવસ બાદ હવે એક મહિનો થઈ ચૂક્યો છે. જવાબી પ્રતિક્રિયામાં ઇઝરાયલના હવાઈ હુમલામાં કાર્યવાહી ચાલુ છે.
અને ગાઝા પટ્ટીમાં તાજેતરમાં કરાયેલા ઇઝરાયલના ગ્રાઉન્ડ ઍટેકમાં હજારો લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ત્યાં ભારે તબાહી થઈ હતી.
હમાસ અને ઇઝરાયલનો આ સંઘર્ષ જ્યારથી શરૂ થયો છે, ત્યારથી બંને પક્ષોના હજારો લોકોનાં મૃત્યુ થયાં છે અને ભારે સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મોટા પાયે જાનમાલનું નુકસાન
ઇઝરાયલ પ્રમાણે હમાસના સાત ઑક્ટોબરના હુમલાના કારણે 1,400 કરતાં વધુ ઇઝરાયલી અને વિદેશી નાગરિકોનાં મૃત્યુ થયાં છે.
બ્રિટન, અમેરિકા અને યુરોપિયન સંઘે હમાસ પર પ્રતિબંધ લાદી દીધો છે.
ઇઝરાયલે સાત ઑક્ટોબરના હુમલામાં મૃત્યુ પામનારા લોકોમાં 1,159 લોકોની ઓળખ કરી છે. તેમાં 828 સામાન્ય નાગરિક અને 31 બાળક હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન પેલેસ્ટાઇનમાં ઇઝરાયલની જવાબી કાર્યવાહીનું પાંચમું અઠવાડિયું ચાલી રહ્યું છે અને વેસ્ટ બૅન્ક-ગાઝામાં મૃતકોનો આંકડો ઝડપથી વધતો જઈ રહ્યો છે.
ગાઝામાં સ્વાસ્થ્ય સુવિધાની દેખરેખની જવાબદારી હમાસ પર છે. છ નવેમ્બરના રોજ ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ઇઝરાયલની જવાબી કાર્યવાહીમાં દસ હજાર કરતાં વધુ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
આ આંકડામાં 4,100 કરતાં વધુ બાળકો છે, એટલે કે ગાઝામાં દર દસ મિનિટે સરેરાશ એક બાળકનું મૃત્યુ થઈ રહ્યું છે.
જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સહિત કેટલાક નેતાઓએ પેલેસ્ટાઇનિયન સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી અપાયેલા આ આંકડા સામે સવાલ ઉઠાવ્યા છે.
પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે તેઓ આ આંકડાને વિશ્વાસપાત્ર માને છે.
દર દસ મિનિટે એક બાળકનું મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલી અધિકારીઓનું કહેવું છે કે આ સંઘર્ષમાં તેના લગભગ 5,400 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
બીજી તરફ, પેલેસ્ટાઇનના સ્વાસ્થ્યમંત્રાલયનું કહેવું છે ઇઝરાયલની જવાબી કાર્યવાહીમાં ગાઝા અને વેસ્ટ બૅન્કમાં 25,400 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ગાઝામાં લગભગ 2,260 લોકો ગુમ છે, જેમાં 1,270 બાળકો છે.
એ પૈકી મોટા ભાગના લોકો અંગે મનાય છે કે તેઓ ઇઝરાયલના બૉમ્બમારાના કારણે ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળ નીચે દફન હશે.
અભૂતપૂર્વ બંધક સંકટ
સાત ઑક્ટોબરના રોજ હમાસના આશ્ચર્યચકિત કરી દેનારા હુમલાને કારણે અભૂતપૂર્વ બંધક સંકટ ઊભો થઈ ગયો છે.
ઇઝરાયલી અધિકારીઓનો દાવો છે કે લગભગ 242 ઇઝરાયલી અને વિદેશી નાગરિકોને હમાસે બંધક બનાવી રાખ્યા છે, જેમાં 30 બાળક છે.
હમાસ પ્રમાણે બંધકો પૈકી 57નાં મૃત્યુ ગાઝા પર ઇઝરાયલના બૉમ્બમારાના કારણે થયાં છે.
હમાસે 20 ઑક્ટોબર બાદ ચાર બંધકોને છોડી મૂક્યા છે. છોડી મુકાયેલા બંધકો સામાન્ય નાગરિક હતા, જેમાં 17 વર્ષનો એક છોકરોય સામેલ હતો.
ઇઝરાયલની સેનાએ જણાવ્યું હતું કે તેમણે પોતાની એક મહિલા સૈનિકને 29 ઑક્ટોબરના ગ્રાઉન્ડ ઑપરેશનમાં છોડાવ્યાં છે. આ સૈનિક સાત ઑક્ટોબરથી જ હમાસના કબજામાં હતાં.
ઇઝરાયલ હમાસ સંઘર્ષના કારણે ગાઝાની અડધા કરતાં વધુ વસતિએ પોતાનાં ઘર મૂકીને ‘સુરક્ષિત’ સ્થળે આશ્રય લેવું પડ્યું છે.
ગાઝાની અડધા કરતાં વધુ વસતિ
ગાઝા પટ્ટીમાં 22 લાખ લોકો રહે છે અને તેમાં અડધા કરતાં વધુ સંખ્યા બાળકોની છે.
13 ઑક્ટોબરના રોજ ઇઝરાયલે સામાન્ય લોકો માટે ચેતવણી જાહેર કરી હતી કે તેઓ ઉત્તર ગાઝાના ‘વાદી ગાઝા’ વિસ્તારને ખાલી કરી દે. આ નદી સાથે જોડાયેલ વિસ્તાર હતો.
ઇઝરાયલના બૉમ્બમારાના એક મહિના બાદ એવું કહેવાઈ રહ્યું છે કે ગાઝામાં બે લાખ કરતાં વધુ રહેણાક ઇમારતોને નુકસાન થયું છે અથવા તો એ જમીનદોસ્ત થઈ ગઈ છે.
ગાઝાની પેલેસ્ટાઇનિયન ઑથૉરિટી પ્રમાણે ગાઝા પટ્ટીમાં જેટલાં ઘર છે, આ લગભગ તેનો અડધો વિસ્તાર છે.
સંયુક્ત રાષ્ટ્ર અને પેલેસ્ટાઇનના આંકડા અનુસાર, પાંચ નવેમ્બર સુધી ગાઝામાં લગભગ 15 લાખ લોકો આંતરિક સ્વરૂપે વિસ્થાપિત થઈ ચૂક્યા છે. આ લોકોએ શાળા, ચર્ચ, હૉસ્પિટલો, સાર્વજનિક ઇમારતો કે અન્ય કોઈ નિકટના પરિવારના ઘરે આશરો લીધો છે.
ગાઝા છોડી જવું એ ત્યાંના લોકો માટે કોઈ વિકલ્પ નથી, કારણ કે ઇઝરાયલને ગાઝા સાથે જોડનાર ઇરેઝ ક્રૉસિંગ બંધ છે અને ઇજિપ્તમાં પ્રવેશવાનો રસ્તો રફાહ ક્રૉસિંગ માત્ર વિદેશી નાગરિકો અને અમુક ઈજાગ્રસ્તોને ત્યાંથી બહાર કાઢવા માટે ખોલવામાં આવે છે.
સહાયકર્મીઓની હત્યા

ગાઝામાં હમાસ દ્વારા સંચાલિત પેલેસ્ટાઇનિયન સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે પાંચ નવેમ્બર સુધી ગાઝા પટ્ટીમાં 35 પૈકી 16 હૉસ્પિટલ અને 76માંથી 51 મેડિકલ સેન્ટરો હવે ઉપયોગ લાયક નથી રહ્યાં.
તેમણે આના માટે ઇઝરાયલી હુમલા અને ઈંધણની અછતને જવાબદાર ઠેરવ્યાં છે.
પેલેસ્ટાઇનિયન સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે 50 ઍમ્બુલન્સોને નુકસાન કર્યું છે. તે પૈકી 31 હવે આઉટ ઑફ સર્વિસ થઈ ગઈ છે અને ઓછામાં ઓછા 175 સ્વાસ્થ્યકર્મીઓનાં મૃત્યુ થયાં છે.
આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત સહાયકર્મી અને મેડિકલ સેવા સાથે જોડાયેલાં લોકો અને સ્વાસ્થ્ય કેન્દ્રોને ગમે એ સ્થિતિમાં બચાવવાં જોઈએ.

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે તેની સહાયતા એજન્સી ‘યુનાઇટેડ નેશન્સ રિલીફ ઍન્ડ વર્ક્સ એજન્સી’ માટે કામ કરી રહેલા ઓછામાં ઓછા 88 સ્ટાફ અને સિવિલ ડિફેન્સના 18 કાર્યકરો આ સંઘર્ષમાં મૃત્યુ પામ્યા છે.
યુનાઇટેડ નૅશન્સ ઑફિસ ફૉર ધ કોઑર્ડિનેશન ઑફ હ્યુમેનિટેરિયન અફેર્સ (યુએનઓસીએચએ) અનુસાર, પાંચ નવેમ્બર સુધી ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં 46 પત્રકારોનાં મૃત્યુ થયાં છે.
જ્યારે વર્ષ 1949ના જીનીવા કન્વેન્શન અંતર્ગત પત્રકારોની સુરક્ષા અને કામને સંરક્ષિત કરાયાં છે.
બિનસરકારી સંગઠન ‘કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સ’ અનુસાર, ઇઝરાયલ ગાઝાના હાલના સંઘર્ષમાં પાછલા ત્રણ દાયકાથી આ સંઘર્ષને કવર કરી રહેલા પત્રકારો માટે જીવલેણ સાબિત થયો છે.
પાણીનું ભીષણ સંકટ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગાઝામાં જીવન દરરોજ મુશ્કેલ થતું જઈ રહ્યું છે. જે લોકો અત્યાર સુધી જંગથી જીવ બચાવવામાં સફળ રહ્યા છે, તેમની સામે ભોજન-પાણીનું સંકટ છે, સ્વાસ્થ્ય સુવિધાઓની અછત જોવા મળી રહી છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 15 ઑક્ટોબર આસપાસ કહેલું કે ગાઝામાં રહી રહેલાં પરિવારો અને બાળકો દરરોજ વ્યક્તિ દીઠ માત્ર ત્રણ લીટર પાણીથી ચલાવી રહ્યાં છે.
તેમણે આ જ પાણી પીવા, ભોજન રાંધવા અને સફાઈકામમાં પણ ઉપયોગમાં લેવાનું હોય છે. જોકે, એવું મનાય છે કે દરેક વ્યક્તિને દરરોજ 15 લીટર પાણીની જરૂરિયાત હોય છે.
પાછલા અમુક દિવસોમાં રફાહ ક્રૉસિંગથી ગાઝા માટે પાણીનો ઘણો ઓછો પુરવઠો મળ્યો છે. પાણીના વિતરણનું પાયાનું માળખું આ સંઘર્ષના કારણે ઘણી હદે તબાહ થઈ ચૂક્યું છે.
પાંચ નવેમ્બરના રોજ, સંયુક્ત રાષ્ટ્રની એજન્સી યુએનઓસીએચએએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ગાઝામાં પાણીના વપરાશનું પ્રમાણ જંગના આરંભ પહેલાંની સ્થિતિની સરખામણીએ 92 ટકા ઘટી ગઈ છે.
ત્યાં કામ કરનારાં 65 સુએઝ પંપિંગ સ્ટેશન હવે કામ કરવાની સ્થિતિમાં નથી રહ્યાં.
31 ઑક્ટોબરના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી હતી કે ગાઝામાં ભારે પ્રમાણમાં વિસ્થાપનની આશંકા છે, કેટલાંક સ્થળે વસતિનું ઘનત્વ વધી શકે છે, પાણી અને સ્વાસ્થ્ય સુવિધાઓના પાયાના માળખાને નુકસાન પહોંચશે અને આનાથી ત્યાં સાર્વજનિક સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓની ભારે દુર્ગતિ થઈ શકે છે.
યુએનઓસીએચએએ કહ્યું છે કે તેમણે ઇઝરાયલી અને પેલેસ્ટાઇનિયન અધિકારીઓના દાવાની સ્વતંત્રપણે પુષ્ટિ નથી કરી.















