ઇઝરાયલે જે વિસ્તારોને ગાઝામાં સુરક્ષિત દર્શાવ્યા, ત્યાં જ વરસાવ્યા બૉમ્બ: બીબીસી વેરિફાય

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મર્લિન થ઼ૉમસ, શિરીન શૅરિફ, અહમદ નૂર અને લામીસ અલ્તાલેબી
- પદ, બીબીસી વેરિફાય અને બીબીસી અરબી સેવા
ગાઝાના ઉત્તરી વિસ્તારોમાં રહેતા લોકો માટે ઇઝરાયલી સેનાએ પહેલા જ સંદેશો જાહેર કર્યો હતો કે તેઓ ત્યાંથી નીકળી જાય અને બીજા વિસ્તારોમાં જતા રહે. ત્યારબાદ ગાઝાના ઉત્તરી વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકોએ દક્ષિણ ગાઝા તરફ સ્થળાંતર કર્યું.
પરંતુ દક્ષિણ ગાઝા પર પણ ઇઝરાયલે તેનો ભારે બૉમ્બમારો ચાલુ રાખ્યો હતો.
પરિણામ એ આવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય ઍજન્સીઓએ ચેતવણી આપવી પડી કે ગાઝામાં એવી કોઈ જગ્યા નથી કે જે સામાન્ય લોકો માટે સુરક્ષિત હોય.
દક્ષિણ ગાઝામાં સામાન્ય લોકો માટે કેવો ખતરો છે એ સમજવા માટે બીબીસી વેરિફાયએ જ્યાં હુમલો થયો હતો એ ચાર જગ્યાઓની ઓળખ કરીને વધુ તપાસ કરી હતી.
તેના માટે અમે ગાઝામાં સામાન્ય લોકો માટે જાહેર કરવામાં આવેલી ચેતવણીઓને તપાસી હતી.
આ તપાસમાં એ સંદેશાઓનો પણ સમાવેશ થાય છે જેમાં લોકોને દક્ષિણ ગાઝાના ચોક્કસ વિસ્તારો તરફ જવા માટે કહેવામાં આવ્યું હતું.
આમાંથી કેટલીક ચેતવણીઓ કે જે નકશા સાથે જાહેર કરવામાં આવી હતી તેમાં લોકોને અસ્પષ્ટ રીતે ચિહ્નિત થયેલ વિસ્તારો તરફ આગળ વધવાની સૂચના આપવામાં આવી હતી.
જ્યારે અમે આવા ત્રણ હુમલાઓની તપાસ કરી ત્યારે અમને જાણવા મળ્યું કે એ જ વિસ્તારોમાં અથવા તેની નજીકના વિસ્તારોમાં હુમલો કરવામાં આવ્યો હતો જેના માટે થોડા દિવસો અગાઉ ચેતવણી જાહેર કરવામાં આવી હતી અથવા તો તેમને સુરક્ષિત જાહેર કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે તેઓ ગાઝાના લોકોને અનેક રીતે પોતાનો સંદેશ આપે છે. આ માટે તેઓ પત્રિકાઓ વહેંચે છે, અરબી ભાષામાં સોશિયલ મીડિયા પર પોસ્ટ લખે છે. નાગરિક સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ચેતવણીના સંદેશાઓ પણ જાહેર કરવામાં આવે છે.
આ વિશ્લેષણમાં અમે ઇઝરાયલી સેનાએ સોશિયલ મીડિયા પર જાહેર કરેલા નિર્દેશોની પણ તપાસ કરી છે.
ખાન યુનિસ -10 ઑક્ટોબર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇઝરાયલી સેનાએ 10 ઑક્ટોબરે જણાવ્યું હતું કે રાત્રે તેના ફાઇટર વિમાનોએ ઉત્તરી વિસ્તારો અને ખાન યુનિસના દક્ષિણ વિસ્તારમાં 200થી વધુ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.
બીબીસીએ એ દિવસે ખાન યુનિસની મધ્યમાં કરવામાં આવેલા હુમલાની તપાસ એ જાણવા માટે કરી હતી કે હવાઈ હુમલાનો ટાર્ગેટ શું છે અને તેનાથી કેટલું નુકસાન થયું.
એ હુમલા પછી વીડિયો ફૂટેજ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં સિટી સેન્ટરમાં પડતી ઇમારતો અને ધૂળના ગોટેગોટા ઊડતા જોઈ શકાતા હતા.
હુમલાની જગ્યાની પુષ્ટિ કરતા અમને જાણવા મળ્યું કે આ જગ્યા ખાન યુનિસની ગ્રાન્ડ મસ્જિદના મિનારની જગ્યા છે.
અમે એ તસવીરો પણ તપાસી હતી જેમાં બરબાદ થઈ ગયેલી ઇમારતોનો કાટમાળ દેખાતો હતો અને લોકો તેમની ગાડીઓના અને મકાનના અવશેષો વીણી રહ્યા હતા.
એ તસવીરો વીડિયોમાં દેખાતા હતા એ સ્થળની જ હતી કારણ કે એ જ દવાની દુકાન અને સાઇનબોર્ડ અમને જોવા મળ્યાં હતાં.
આ માટે અમે રિવર્સ ઇમેજ ટૅક્નોલૉજીનો પણ સહારો લીધો હતો જેનાથી એ તસવીરો જૂની છે કે કેમ એ પણ ચકાસી શકાય.
8 ઑક્ટોબરના રોજ, ઇઝરાયેલી લશ્કરી પ્રવક્તા અવિચાય અદ્રેએ સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ એક્સ પર અરબીમાં ચેતવણી જાહેર કરી હતી.
આ સંદેશમાં ગાઝાના વિવિધ વિસ્તારોના લોકોને તેમના ઘર છોડીને અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ જવાની સૂચના આપવામાં આવી હતી.
જોકે, એસ્કેપ ઝોન સામાન્ય રીતે સ્પષ્ટપણે જણાવવામાં આવે છે. પરંતુ એકવાર સલામત રીતે નીકળી ગયા પછી ક્યાં પહોંચવું તે વિશેની માહિતી ઘણીવાર અસ્પષ્ટ હોય છે.
પરંતુ આ કિસ્સામાં 8 ઑક્ટોબરના રોજ એક ટ્વીટમાં, અબાસન અલ-કબીરા અને અબાસન અલ-સગીરા વિસ્તારોમાં રહેતા લોકોને મધ્ય ખાન યુનિસથી થોડા કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં ખાન યુનિસ સિટી સેન્ટર જવા માટે કહેવામાં આવ્યું હતું.
ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તાએ પોસ્ટ કરેલા વીડિયોમાં એક નકશો પણ આપવામાં આવ્યો છે. આ નકશો અબાસન અલ-કબીરા અને અબાસન અલ-સગીરાના લોકો માટે હતો, જેમાં તેમને રહેવા માટે જગ્યાઓ ચિહ્નિત કરવામાં આવી હતી. આ સંદેશમાં ત્યાંના લોકોને ખાન યુનિસ પાસે જવાની સૂચના આપવામાં આવી હતી.
અમે એવી શક્યતાને નકારતા નથી કે એ પછી પણ કોઈ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો હોય, પરંતુ બીબીસીને આ સંદર્ભમાં કોઈ વધુ પુરાવા મળ્યા નથી.
રફાહ- 11 ઑક્ટોબર

બીબીસી આ વાતની પુષ્ટિ કરે છે કે એ પછીના દિવસે એક વધુ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ઇજિપ્તની સીમા પાસે દક્ષિણ છેડે કરવામાં આવ્યો હતો.
11 ઑક્ટોબરે કરવામાં આવેલા હુમલામાં રફાહની બરાબર મધ્યમાં આવેલા નેજમેહ સ્ક્વેયરને નિશાન બનાવવામાં આવ્યું હતું.
હુમલા પહેલાના નેજમેહ સ્ક્વેયરની તસવીરો જોઇને એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે હુમલો ત્યાં જ કરવામાં આવ્યો હતો.
ઇઝરાયલી સેનાએ 8 ઑક્ટોબરે એક વોર્નિંગ મૅસેજ જાહેર કર્યો હતો જેમાં રફાહમાં રહેતા લોકોને તત્કાળ સિટી સેન્ટરે આશરો લેવાનું કહેવામાં આવ્યું હતું.
આ વીડિયો મૅસેજમાં એક નકશો પણ હતો જેમાં રફાહની આસપાસ રહેતા લોકોને ચિન્હિત કરીને તેમને રફાહ તરફ આગળ વધવા માટે સૂચના આપવામાં આવી હતી.
બીબીસીએ તે સમયગાળા દરમિયાન ઇઝરાયેલી સૈન્ય દ્વારા કરવામાં આવેલી તમામ અરેબિક ભાષાની સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરી હતી અને તેમાંથી એવા કોઈ પુરાવા મળ્યા નથી કે રફાહની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને આના સિવાય કોઈ સંદેશ આપવામાં આવ્યો હોય. જોકે, આ પ્રકારની ચેતવણી અન્ય કોઈ માધ્યમથી આપવામાં આવી હોય તેવી શક્યતાને અમે નકારતા નથી.
ખાન યુનિસ -19 ઑક્ટોબર

આઠ દિવસ પછી ખાન યુનિસમાં વધુ એક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો અબ્દુલ નાસિર સ્ટ્રીટમાં કરવામાં આવ્યો હતો. મુખ્ય રસ્તાઓ પર પડેલી ઇમારતોના વીડિયો જોઈને અમે વેરિફાય કર્યું છે.
અમે વીડિયોમાં દેખાતી ઇમારતોના ફોટોગ્રાફ્સ અને લોકેશનને જોડ્યાં તો એ જાણવા મળ્યું કે તે બંને એક જ જગ્યા છે.
આ પછી, વધુ ફૂટેજ સામે આવ્યાં જેમાં કાટમાળ નીચેથી મૃતદેહો અને ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને તેમને નાસિર હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
16 ઑક્ટોબરના રોજ ઇઝરાયલે ગાઝા શહેરના લોકોને દક્ષિણ ખાન યુનિસ તરફ જવા ચેતવણી આપી હતી.
સંદેશ હતો - "જો તમારી અને તમારા પ્રિયજનોની સુરક્ષા તમારા માટે મહત્ત્વપૂર્ણ છે, તો ખાન યુનિસ તરફ જતા રહો."
આમ, ઇઝરાયલે એ જ દક્ષિણ ખાન યુનિસ પર હુમલો કર્યો હતો જ્યાં તેણે લોકોને જવા માટે કહ્યું હતું.
અમે ફરીથી એ વાતને સ્પષ્ટ કરીએ છીએ કે એવું બની શકે કે કોઈ ચેતવણી અપાઈ હોય પણ એવા પુરાવા અમને મળ્યા નથી.
સૅન્ટ્રલ ગાઝામાં આવેલા કૅમ્પ- 17,18 અને 25 ઑક્ટોબર

મધ્ય ગાઝામાં ચાર શરણાર્થી શિબિરો આવેલી છે. બીબીસીએ તેમાંથી બે પર હુમલો થયાની પુષ્ટિ કરી છે. 17 ઑક્ટોબરે અલ-બુરેજ કૅમ્પ પર થયેલા હુમલાના ફૂટેજ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. તેમાં અગનજ્વાળાઓ, કાટમાળ અને લોહીથી લથપથ મૃતદેહો જોઈ શકાય છે.
બીબીસીએ આ ફૂટેજને આ વિસ્તારની ઇમારતોના સમાચાર એજન્સીઓ દ્વારા લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ સાથે મૅચ કર્યા છે. અમે આ ફૂટેજમાં દેખાતી મસ્જિદના સ્થાનની પણ પુષ્ટિ કરી છે.
8 ઑક્ટોબરના રોજ પૂર્વી અને દક્ષિણ મગાઝી વિસ્તારના લોકોને મધ્ય ગાઝા તરફ જવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ લોકેશન મૅપમાં કોઈ કૅમ્પ દેખાતા ન હતા.
જોકે, અમે નજીકમાં જ ત્રણ કૅમ્પની ઓળખ કરી છે. આ શિબિરો છે - અલ-નુસૈરત, અલ-બુરૈજ અને દાયર અલ-બહલ.
17 અને 18 ઑક્ટોબરે અલ-નુસૈરત અને અલ-બુરૈજ પર બૉમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
અગાઉની ચેતવણી પછી કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી હશે કે કેમ તે અમે કહી શકતા નથી પરંતુ બીબીસીના ધ્યાનમાં આવી કોઈ ચેતવણીના પુરાવા આવ્યા નથી.
25 ઑક્ટોબરે અન્ય એક હુમલાના સમાચાર અલ-જઝીરા પર બતાવવામાં આવ્યા હતા.
ચેનલ દ્વારા ઓનલાઈન પોસ્ટ કરાયેલાં ફૂટેજમાં, તેમના ગાઝા રિપોર્ટર વાયેલ અલ-દાહદૂહની આંખોમાં આંસુ હતા અને તેમણે તેમની સાત વર્ષની પુત્રીને હાથમાં ઉઠાવેલી હતી. તેમની પુત્રીને પકડીને, અલ-દાહદૂહ ત્યાં જ પડેલા તેમના પુત્રના મૃતદેહને જોઈ રહ્યા છે.
આ હુમલામાં તેમની પત્નીનું પણ મોત થયું હતું.
તેઓ એમ કહેતા સાંભળી શકાય છે કે, ‘ગાઝામાં કોઈ સુરક્ષિત સ્થાન નથી.’
તેમણે કહ્યું હતું કે તેમનો પરિવાર ઇઝરાયલની સલાહ અનુસાર દક્ષિણમાં જઈ રહ્યો હતો.
ઇઝરાયલી સેનાએ શું જવાબ આપ્યો?

ઇમેજ સ્રોત, ATEF SAFADI/EPA-EFE/REX/SHUTTERSTOCK
બીબીસીએ આ લેખમાં પ્રકાશિત કરેલા દરેક હુમલાના સ્થાનો અને તારીખો ઇઝરાયલી સેનાને આપ્યા હતા.
અમે તેમને પૂછ્યું હતું કે શું તેમણે આ સ્થળો પર બૉમ્બ ધડાકા કરતા પહેલા કોઈ ચેતવણી આપી હતી?
તેના જવાબમાં, ઇઝરાયલી સૈન્યએ કહ્યું, "અમે આ સ્થાનો વિશે વધુ માહિતી આપી શકીએ તેમ ન હતા."
સેનાએ કહ્યું, "અમે ગાઝામાં લોકોને દક્ષિણ તરફ જવા માટે કહ્યું છે, પરંતુ અમે હજુ પણ ગાઝામાં આતંકવાદીઓને નિશાન બનાવીને હુમલા કરવાનું ચાલુ રાખીશું."
સૈન્યએ તેના જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે, "ઇઝરાયેલી સૈન્ય નાગરિકોને વધુ નુકસાન ન પહોંચે તે માટે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર સાવચેતીનાં પગલાં ભરે છે. આ સાવચેતીમાં, શક્ય હોય ત્યાં લોકોને હુમલા અંગે ચેતવણી આપવી એ પણ સામેલ છે."












