ઇઝરાયલ હવામાંથી પાણી કઈ રીતે બનાવી લે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
જ્યારે પણ ઇઝરાયલ તથા તેના નાગરિકોની સમૃદ્ધિ અને ઉન્નતિની વાત આવે, ત્યારે તેની વૈજ્ઞાનિક, સંરક્ષણ અને કૃષિક્ષેત્રની ઉપલબ્ધિઓની ચર્ચા ચોક્કસથી થાય. આવી જ એક પ્રૌદ્યોગિકી હવામાંથી પાણી બનાવવાની છે.
ઇઝરાયલની વૉટરજેન નામની કંપનીની આ ટેકનૉલૉજીની મદદથી હવામાંથી પીવાલાયક પાણી બનાવી શકાય છે. અલગ-અલગ કદનાં મશીનો દ્વારા અલગ-અલગ પ્રકારની જરૂરિયાતો પૂર્ણ કરી શકાય છે.
ઇઝરાયલ સિવાય ભારત અને વિશ્વના અનેક દેશોની કંપનીઓ આ દિશામાં આગળ વધી રહી છે અને તેમને નોંધપાત્ર સફળતા પણ મળી છે.
કેટલાક નિષ્ણાતો હવામાંથી પાણી બનાવવાની પ્રૌદ્યોગિકીમાં રહેલી ખામીઓને કારણે તેની સફળતા અંગે આશંકા વ્યક્ત કરે છે.
હવામાંથી પાણીની પ્રૌદ્યોગિકી

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલની વોટરજેન નામની કંપનીએ હવામાંથી પાણી બનાવવાની તકનીક વિકસાવી છે અને તેને આંતરરાષ્ટ્રીય પેટન્ટ પણ મળી છે. હવામાંથી પાણી બનાવાની આ તકનીક 'ઍટમોસ્ફેરિક વોટર જનરેશન' તરીકે પણ ઓળખાય છે.
કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે મશીન દ્વારા હવાને શોષવામાં આવે છે. વિશિષ્ટ પ્રકારના ઍર ફિલ્ટર પ્રદૂષકોને દૂર કરીને માત્ર શુદ્ધ હવાને જ અંદર પ્રવેશવા દે છે. ત્યાર બાદ ઊર્જાવિનિમય દ્વારા પાણીને અલગ કરીને તેને એક ટાંકીમાં એકઠું કરવામાં આવે છે. જે બાદ તેને અલ્ટ્રા વાયૉલેટ કિરણોમાંથી પસાર કરવામાં આવે છે અને અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે, જેથી તે પીવાલાયક બને છે.
વાતાવરણમાં 13 અબજ ટન જેટલું તાજું પાણી હોય છે, જેને આ ટેકનૉલૉજીની મદદથી વપરાશમાં લઈ શકાય છે. જે વિશ્વની આઠ અબજની વસતિને પૂરું પાડવા માટે પૂરતું છે. તેના કારણે જળવાયુને કોઈ વિપરીત અસર થવાની સંભાવા પણ નથી.
વસતિવૃદ્ધિને કારણે વિશ્વના પીવાના પાણીના સ્રોતો ઉપર સતત ભારણ વધી રહ્યું છે, તેમાં પ્રદૂષણ થઈ રહ્યું છે. વળી જળવિતરણવ્યવસ્થા સમયાંતરે જૂની થઈ જાય છે, તેને કાટ લાગી જાય છે અને તેની સતત સફાઈ કરવી પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિતરણવ્યવસ્થામાં સમયાંતરે ભંગાણ પડવાથી પ્રદૂષકો ભળવા લાગે છે, ત્યારે આ પ્રકારની સ્વતંત્ર વ્યવસ્થા નાગરિકોની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જળપ્રદૂષણને કારણે કેટલાક વિસ્તારોનું ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ ગયું છે, એવા વિસ્તારોમાં આ વ્યવસ્થા મદદરૂપ થઈ શકે છે.
તેલ અવિવ યુનિવર્સિટીના સંશોધનના તારણ પ્રમાણે, હવામાં પ્રદૂષણ હોય તો પણ એડબલ્યૂજી દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થાનાં ધોરણો પ્રમાણેનું પીવાલાયક પાણી આ પ્રૌદ્યોગિકી દ્વારા મેળવી શકાય છે.
સીરિયા અને ગાઝામાં એકમો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે, વિશ્વના લગભગ બે અબજ નાગરિકો અશુદ્ધ પાણી પીવા મજબૂર છે.
જેના કારણે ટાઇફોઇડ તથા કૉલેરા જેવી બીમારીઓ થઈ શકે છે. દર વર્ષે પ્રદૂષિત પાણીને કારણે સમગ્ર વિશ્વમાં લગભગ પાંચ લાખ લોકો મૃત્યુ પામે છે.
આંતરરાષ્ટ્રીય સખાવતી સંસ્થાઓની મદદથી વોટરજેને સીરિયાના રક્કા ખાતે પોતાના પ્લાન્ટ લગાડ્યા છે, જેથી કરીને ગૃહયુદ્ધ અને યુદ્ધથી પીડિત લોકોને પીવાલાયક શુદ્ધ પાણી મળી રહે.
સતત સંઘર્ષને કારણે સીરિયામાં જળવિતરણ અને વીજવ્યવસ્થા પડી ભાંગ્યા છે ત્યારે સૌર ઊર્જાથી ચાલતા આવા એકમો સ્થાનિકોને માટે લાભકારક નીવડી શકે છે એવું સખાવતી સંસ્થાઓનું કહેવું છે.
ઇઝરાયલની આ કંપની દ્વારા ગાઝાવાસીઓને પણ હવામાંથી પાણી બનાવતા મોટા એકમ પૂરા પાડવામાં આવ્યા હતા. ભારત સહિત વિશ્વના 80 જેટલા દેશોમાં વોટરજેનનાં ઉત્પાદનો ઉપલબ્ધ છે.
પર્યટન અને પરિવહનક્ષેત્રનાં વાહનોમાં આ પ્રકારના એકમો બેસાડવાનું ચલણ વધ્યું છે, જેથી પાણીનો વિશ્વાસપાત્ર અને સાતત્યપૂર્ણ સ્રોત મળી રહે.
વર્ષ 2022થી ભારતની કંપની સાથે પાર્ટનરશિપ કરીને વોટરજેન દ્વારા ઘર તથા વ્યવસાયિક એકમો માટે દૈનિક 30 લીટરથી માંડીને છ હજાર લીટરની ક્ષમતાવાળા મશીન બજારમાં ઉતાર્યા છે.
ભારતની મૈત્રીએક્વાટેક દ્વારા 'મેઘદૂત' નામનાં ઉત્પાદોની શ્રેણી રજૂ કરાઈ છે. જેમાં હવાને શોષી તેને ઠંડી કરી, તેને ફિલ્ટર કરીને તેમાં મિનરલ ઉમેરીને પાણી આપવામાં આવે છે. વર્ષ 2019માં ભારતીય રેલવે દ્વારા આ પ્રકારનું મશીન સિકંદરાબાદ સ્ટેશન ખાતે લગાડાયું હતું.
વિકલ્પ અને વિઘ્ન

ઇમેજ સ્રોત, Getty Images
હવામાંથી પાણી બનાવવાની પ્રૌદ્યોગિકીની દિશામાં અનેક કંપનીઓ કામ કરી રહીછે. જેમાં અમુક કંપનીઓ વતાવરણમાંથી હવાને ન શોષતા માત્ર જળતત્ત્વ ધરાવતા કણો જ શોષે છે, જેના કારણે ઊર્જાનો ઓછો વપરાશ થાય છે.
જ્યારે અન્ય એક કંપની ઉષ્ણ કે શીત વિનિમય પ્રક્રિયાને બદલે વગર પરંપરાગત રિવર્સ ઓસમોસિસ અને કાર્બન ફિલ્ટર તથા યુવી દ્વારા પીવાલાયક શુદ્ધ પાણી બનાવવા માટે પ્રયાસરત છે.
કોઈ પણ ટેકનૉલૉજીની જેમ હવામાંથી પાણી બનાવવાની પ્રક્રિયાની પણ કેટલીક મર્યાદા રહેલી છે. જેમ કે, તે ખૂબ જ ખર્ચાળ છે. જે ગરીબ અને છેવાડાના નાગરિકોને સ્વતંત્ર રીતે પરવડી શકે તેમ નથી.
તેનો ભાવ વધુ હોવાને કારણે તેનું ઔદ્યોગિક સ્તરે વ્યાપક ઉત્પાદન નથી થતું અને મોટા પાયે ઉત્પાદનના લાભ નથી મળી શકતા.
આ તકનીકને તેની પૂર્ણ ક્ષમતાએ કામ કરવા માટે વાતાવરણમાં 30 ટકા જેટલો ભેજ હોવો જોઈએ, અને સામાન્ય ક્ષમતા માટે પણ ઓછામાં ઓછો 20 ટકા ભેજ હોવો જોઈએ. ઠંડા વિસ્તારોમાં આ તકનીક બિનઉપયોગી છે.
એડબલ્યૂજી એકમોમાં ઉત્પાદનક્ષમતામાં તત્કાળ વૃદ્ધિ શક્ય નથી. દાખલા તરીકે તમારો એકમ દૈનિક 30 લીટરની ઉત્પાદનક્ષમતા ધરાવતો હોય અને અચાનક જ મહેમાન આવી જાય કે જરૂરિયાત પડી જાય તો ઉત્પાદન વધી ન શકે.
મોટા પાયે પાણીનું ઉત્પાદન કરતા એકમોનાં કદ અને ખર્ચ વધુ હોય છે. જે તેને સાચવવાની તથા સંભાળની સમસ્યા ઊભી કરે છે. સમયાંતરે તેના ઍર ફિલ્ટર્સ તથા મૅમ્બ્રેન બદલાવવા પડે છે. જે ખર્ચાળ છે. ઉપરાંત મૅમ્બ્રેન પણ ઘન-કચરો ઉત્પન્ન કરે છે.
જો એકમ સૌરઊર્જા સંચાલિત ન હોય તો તેના વપરાશ માટે વીજળીની જરૂર પડે છે, જે કાર્બનઉત્સર્જન માટે કારણભૂત બને છે અને સંપૂર્ણપણે પર્યાવરણ માટે લાભકારક નથી.
રિવર્સ ઑસમોસિસ તથા હિમશીલામાંથી પાણી વગેરે જેવા વિકલ્પોના વ્યવસાયિક ઉત્પાદનક્ષેત્રે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.














