‘મારી દીકરીને લાગે છે કે મિસાઇલ દરેક વ્યક્તિનો પીછો કરી રહી છે’, ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં બાળકો પર શું વીતી રહી છે?

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/SHUTTERSTOCK
- લેેખક, દિયાલા અલ ઇજ્જહ
- પદ, બીબીસી અરબી
એક એવું ક્ષેત્ર કે જ્યાં લગભગ વીસ લાખની વસ્તીમાં અડધાથી વધુ વસ્તી બાળકો છે, ત્યાં યુદ્ધનો પ્રભાવ સૌથી વધુ ગંભીર જ હોવાનો.
બાળકો પર વર્ષો સુધી તેની ખરાબ અસર પડી શકે છે. કેટલાક લોકોના મનમાં એ સવાલ પણ થશે કે માતા-પિતા પોતાનાં બાળકોને યુદ્ધના પ્રભાવમાંથી કેવી રીતે બચાવશે.
શું આ દરમિયાન બાળકોની મનોવૈજ્ઞાનિક દેખરેખ રાખવાનો કોઈ રસ્તો છે?
આ રિપોર્ટમાં અમે ગાઝાપટ્ટીમાં ઇઝરાયલી બૉમ્બમારાના પડછાયામાં રહેનારા એવા પરિવારોની કહાણી વર્ણવી છે કે જેમણે ગાઝાપટ્ટીમાં વારંવાર યુદ્ધો જોયા છે પરંતુ વર્તમાન યુદ્ધને તેઓ પહેલાના યુદ્ધોથી અલગ ગણાવે છે.
પત્રકાર હન્નાન અબૂ દગીમે વૉટ્સઍપ પર મારી સાથે કરેલી સંક્ષિપ્ત વાતચીતમાં કહ્યું કે તેમણે પોતાના બાળકો સાથે રહેવા માટે આ પરિસ્થિતિમાં તેમનો વ્યવસાય છોડી દીધો.
તેમનું કહેવું હતું કે, "અલ રમલ મહોલ્લામાં મારા ઘરને બહુ નુકસાન પહોંચ્યું હતું. કેટલાક દિવસો પછી હું ત્યાંથી મારા ભાઈના ઘરે આવી ગઈ."
"ત્યાં ત્રણ પરિવારોએ એકસાથે રાત વિતાવી હતી. જ્યારે બૉમ્બમારામાં વધારો થાય છે ત્યારે બાળકો દુઆ પઢવાનું ચાલું કરી દે છે.
"આવા સમયે હું બાળકોને એકઠા કરું છું અને તેમની સાથે રમીને તેમનું ધ્યાન હઠાવવાની કોશિશ કરું છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પણ મને મારા મનને શાંત રાખવા માટે કોઈ અન્ય વ્યક્તિની જરૂર પડે છે. હું તેમને કહું છું કે આ એક સંકટ છે અને તે પસાર થઈ જશે, ભગવાન અમારી સાથે છે."
હન્નાન કે જેઓ આ પરિસ્થિતિમાં પણ પત્રકારની ભૂમિકા અદા કરી રહ્યા છે તેઓ કહે છે કે, "હું માનું છું કે પરિવારની સુરક્ષા મારી પ્રાથમિકતા છે."
તેઓ કહે છે, "હું તમને વિશ્વાસ અપાવું છું કે ગાઝા પટ્ટીમાં દરેક લોકો એ વાતે એકમત છે કે પોતાના બાળકો સાથે એક જ ઓરડામાં ઊંઘવું જેથી કોઈ બૉમ્બ ઘર પર પડે તો બધાં એકીસાથે મરી જઈએ."
આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે જીવતા રહેવાની પરિસ્થિતિમાં પરિવાર એકસાથે જ રહે. અને કોઈ જીવિત ન રહે તો કોઇને કોઇનું માતમ ન કરવું પડે.
‘જ્યારે બૉમ્બમારો બંધ થશે ત્યારે હું તને એક સારી ભેટ આપીશ’

ઇમેજ સ્રોત, BBC / SAMAR ABU ELOUF
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગાઝાપટ્ટીની દક્ષિણે આવેલા ખાન યુનુસમાં રહેનાર સહર કમાલનાં બે બાળકો છે. જ્યારે બૉમ્બમારામાં વધારો થાય છે ત્યારે તેમની 4 વર્ષની બાળકી રેતલ બૉમ્બમારાના ડરામણા અવાજની ફરિયાદ કરવા લાગે છે.
એટલે સહર તેને વચન આપે છે કે હાલત સુધરતા તેઓ તેને એક સુંદર ભેટ આપશે.
સહર તેના બે વર્ષના બાળકને પણ હસાવવા માટે સતત મહેનત કરે છે.
5 બાળકોનાં 30 વર્ષીય માતા લૈલા મોહમ્મદ કહે છે કે એક માં તરીકે મારાં બાળકો માટે હું કાયમ ડરેલી રહું છું અને તેમની સુરક્ષા માટે પ્રયત્ન કરતી રહું છું. કારણ કે બહાર નીકળવું અને બેઘર થવું એ તો આનાથી પણ મુશ્કેલ છે.
તેઓ કહે છે કે આ યુદ્ધમાં કોઈ જગ્યા સુરક્ષિત નથી અને ભૂતકાળના યુદ્ધોમાં બીજી જગ્યાએ જવાના અનુભવને યાદ કરતા જ અમે ડરી જઈએ છીએ.
"મારી દીકરીને એવું લાગે છે કે મિસાઇલ ગલીમાંથી પસાર થતા દરેક વ્યક્તિનો પીછો કરે છે કારણ કે અમે પહેલા પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છીએ અને તે તેના ડરે છે."
મુનાલ સાલિમ માટે પણ સ્થિતિ આવી જ છે. તેમનું કહેવું છે કે હું બાળકો માટે તરત જ રમકડાંઓની વ્યવસ્થા કરવામાં લાગી જાઉં છું જેથી તેઓ બૉમ્બના અવાજ પર ધ્યાન ન આપે.
તેમનું કહેવું હતું કે,"મારો દીકરો ફારસ કે જે આઠ વર્ષનો છે, તેને વારેવારે બાથરૂમ જવું પડે છે અને કેટલીકવાર તે ડરને કારણે પોતાના પર જ પેશાબ કરી દે છે."
"તેને વિમાનોના અવાજથી પણ નફરત છે. હું ઇચ્છું છું કે બાળકોના ઇલાજ માટે હું મનોવૈજ્ઞાનિક પાસે જાઉં અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકું. "
‘બાળકની નજમનો અવાજ મિસાઇલના ધડાકા કરતાં ઝાઝો હતો’

ઇમેજ સ્રોત, BBC / SAMAR ABU ELOUF
ઈમાન બશીર આ યુદ્ધને ભૂતકાળનાં યુદ્ધો કરતાં જુદાં માને છે. તેઓ ત્રણ બાળકનાં માતા છ અને મેં તેમની સાથે વર્ષ 2021માં ગાઝા પર ગત યુદ્ધ દરમિયાન વાત કરેલી. ત્યારે તેમણે મને પોતાનાં બાળકોને યુદ્ધની અસરનો સામનો કરવા માટે મનોવૈજ્ઞાનિક રીતે મદદ કરવાના આશયથી કેટલાક વ્યક્તિગત પ્રયાસો વિશે જણાવેલું.
જેમ કે બૉમ્બમારા દરમિયાન કહાણી વાંચવી અ જો બૉમ્બમારાનો અવાજ વધુ ઊંચો હોય તો ઊંચા અવાજે સ્પીકર પર ગીત ચલાવી દેવાં જેથી બાળકોને બહાર મિસાઇલનો અવાજ ન સંભળાય.
પરંતુ હવે 7 ઑક્ટોબરની સવારે શરૂ થનારા આ યુદ્ધ દરમિયાન ઈમાન વૉટ્સઍપ મારફતે એક અત્યંત સંક્ષિપ્ત સંદેશમાં જણાવે છે, "આ વખતનું યુદ્ધ અલગ છે, સ્થિતિ અત્યંત ખરાબ છે. મને નથી ખબર કે હવે શું કરું, કારણ કે મારા પતિ દેશની બહાર છે અને મારાં ત્રણ બાળકો છે. અને પરિસ્થિતિ એટલા માટે પણ વણસતી જઈ રહી છે, કારણ કે વીજળી નથી, તેથી મને નથી ખબર કે હું શું કરું. બસ, અમારા માટે દુવા કરો."
ઈમાને એક્સ (ટ્વિટર) પર યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં જે કાંઈક થઈ રહ્યું છે, એનો ચિતાર શૅર કર્યો છે. જે પૈકી કેટલીક બાબતોનું વર્ણન કરવાનું કાર્ય તેમના માટે દુ:ખભર્યું છે, જેમાં એ મોહલ્લા પર બૉમ્બમારાની વાતેય સામેલ છે જ્યાં તેમના પરિવારજનો અમુક દિવસ પહેલાં રહી રહ્યા હતા.
‘સેવ ધ ચિલ્ડ્રન’એ ગત વર્ષે એક રિપોર્ટ જાહેર કરેલો, જેમાં હાલનાં વર્ષોમાં ગાઝા પટ્ટીમાં બાળકોની મનોવૈજ્ઞાનિક સ્થિતિની સરખામણી રજૂ કરાઈ હતી. અને જણાવાયું હતું કે વર્ષ 2022માં લગભગ 88 ટકા બાળકો મનોવૈજ્ઞાનિક સમસ્યાનાં શિકાર બન્યા જ્યારે આ પહેલાંનાં વર્ષોમાં આ દર 55 ટકા હતો.
રિપોર્ટ અનુસાર બાળકો જે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો સામનો કરે છે, અને જે સમસ્યાનો દર વધતો જઈ રહ્યો છે, તેમાં ગભરાટ, બેચેની અને અત્યંત ઉદાસી સામેલ છે.

ગાઝા પટ્ટી વિશ્વના સૌથી વધુ વસતીઘનતાવાળાં ક્ષેત્રો પૈકી એક છે. લગભગ 23 લાખ પેલેસ્ટાઇનિયન 41 કિલોમીટર લાંબા અને દસ કિલોમીટર પહોળાં વિસ્તારમાં રહે છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર ગાઝાની 80 ટકા વસતી આંતરરાષ્ટ્રીય સહાય પર નિર્ભર છે અને લગભગ દસ લાખ લોકોને દરરોજ ભોજન માટે મળતી મદદ પર આધારિત છે.
દરેક યુદ્ધ સાથે કે તે બાદ રાહતકાર્ય કરતા લોકો અને બિનસરકારી સંગઠનો બાળકોને આઘાતમાંથી બહાર કાઢવા માટે મદદ કરવા પ્રયત્ન કરે છે. તેમાં અહમદ હિજાઝી નામના એક યુવાન કાર્યકરેય સામેલ છે, જેઓ સોશિયલ મીડિયા મંચો પર પોતાના એકાઉન્ટ થકી સરળ અને ઉદ્દેશપૂર્ણ પ્રવત્તિઓ કરે છે, જેનો હેતુ છે, ‘ગાઝાનાં બાળકોની ખુશાલી.’
પરંતુ યુવાન અહમદ હિજાઝીએ જે રજૂ કર્યું એ યુદ્ધની શરૂઆત થતાં જ બદલાઈ ગયું. તેમણે ગાઝા પટ્ટીમાં બાળકોના સ્વાસ્થ્યની સ્થિતિને ડૉક્યુમેન્ટરીની શિકલ આપવાની શરૂઆત કરી હતી. એ એવાં બાળકોનો દસ્તાવેજ છે જેઓ ખુદ બૉમ્બમારાનાં શિકાર થયાં હોય.
જે વાત મનોવૈજ્ઞાનિક સંકટની ગંભીરતામાં વધારો કરે છે એ એ છે કે તેમાંથી મોટા ભાગનાં બાળકો ગાઝામાં એ ઘેરાબંદીમાં રહે છે, જેની શરૂઆત 16 વર્ષ પહેલાં થયેલી, એટલે કે તેમને એ વાતની ખબર નથી કે પાંચ યુદ્ધો સિવાય ગાઝા કેવું હતું.
માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું કામ કેટલું મુશ્કેલ?

ઇમેજ સ્રોત, BBC / SAMAR ABU ELOUF
આ પ્રશ્ન યુદ્ધની સ્થિતિમાં રહેતા અથવા યુદ્ધને દૂરથી જોતા લોકો માટેય હોઈ શકે.
ગાઝામાં સુરક્ષિત જગ્યાની અછત અને રસ્તાના નેટવર્કમાં અવરોધી સાથોસાથ વીજળી-પાણીય બંધ છે. આવી સ્થિતિમાં માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની વાત એ ઓછી મહત્ત્વપૂર્ણ લાગે છે પરંતુ વિશેષજ્ઞો અનુસાર મનોવૈજ્ઞાનિક પ્રાથમિક ઉપચાર લાંબા ગાળે લાભદાયી સાબિત થાય છે.
ઉદાહરણ તરીકે વિશેષજ્ઞો અનુસાર, "બાળકોને પોતાની ભાવના વ્યક્ત કરવાથી નુકસાન પર કાબૂ મેળવવામાં મદદ મળે છે."
ગાઝા મેન્ટલ હેલ્થ પ્રોગ્રામના ડાયરેક્ટર ડૉક્ટર યાસિર અબૂ જામિયા કહે છે કે,"બાળકોની શૈક્ષણિક યોગ્યતા પુખ્તો માફક નથી હોતી, પરંતુ તેઓ સ્પષ્ટપણે ખતરો મહેસૂસ કરે છે."
"તેઓ આવું માત્ર પોતાના સંબંધીઓની આંખમાં ભય મહેસૂસ કરીને કે તેમને તણાવની સ્થિતિમાં જોઈને કરે છે. અને ખાસ કરીને જ્યારે તેઓ બૉમ્બમારો અને ધડાકાનો અવાજ સાંભળે છે ત્યારે."
ડૉક્ટર અબૂ જામિયા ગાઝાના લોકોને સલાહ આપતાં કહે છે કે તેઓ માનસિક તાણ અને પરેશાનીને પુખ્તો થકી બાળકો સુધી પહોંચતાં ઘટે એ હેતુથી કેટલીક ટેવોને નિયંત્રિત કરવાની કોશિશ કરે.
ઉદાહરણ તરીકે "માતાપિતાએ બારીમાંથી જોવાની ટેવ ઘટાડવી જોઈએ, હંમેશાં ખતરા પર નજર ન રાખો અને બાળકોને યોજના બનાવવામાં સામેલ કરો. જેમ કે ઘરમાં સુરક્ષિત સ્થળે કે અન્ય સંબંધીને ત્યાં જવાની યોજના ઘડવામાં. આ નિર્ણયમાં બાળકોને સામેલ કરવાથી તેઓ સહજતાનો અનુભવ કરે છે."
ડૉક્ટર અબૂ જામિયા કહે છે કે માતાપિતાએ પ્રયાસ કરવા જોઈએ કે, "એ રીતો અનુસરે જે તેમનાં બાળકોને પરેશાનીથી દૂર કરવામાં સહાયક સાબિત થાય."
"જેમ કે તેમને પોતાના ડર વિશે વાત કરવા પ્રેરિત કરવા. પરંતુ તેમને ખોટા સમાચાર ન આપો કે ખોટા વાયદા કરવાથી બચો. ડર વિશે વાત કરો અને તેમની રોજિંદી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા રહો."
આશ્રયસ્થળ સ્વરૂપે સ્કૂલો

ઇમેજ સ્રોત, YURI CORTEZ/AFP via Getty Images
શાળા સામાન્યપણે બાળકો માટે મિત્રો સાથે મુલાકાત, શિક્ષણ અને મેદાનમાં રમત માટેનું સ્થળ હોય છે, પરંતુ ગાઝા પટ્ટીમાં સ્કૂલોએ બેઘર પરિવારો માટે પોતાના દરવાજા ખોલી દીધા છે.
સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુએનડબ્લ્યૂઆરએ (યુનાઇટેડ નૅશન્સ રિલીફ ઍન્ડ વર્ક્સ એજન્સી) તરફથી જાહેર કરાયેલા તાજા આંકડા અનુસાર યુદ્ધના છઠ્ઠા દિવસે ગુરુવાર સુધી ગાઝાના બે લાખ 80 હજાર કરતાં વધુ નાગરિકોએ ગાઝા પટ્ટીમાં 92 કરતાં વધુ સ્કૂલો અને તેની સાથે સંબંધિત સ્થળોએ આશ્રય લીધો છે.
શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રની રિલીફ ઍન્ડ વર્ક્સ એજન્સીએ કહ્યું કે જે સ્કૂલોમાં લોકોએ આશ્રય લીધો છે ત્યાં ખૂબ ભારે સંખ્યામાં લોકો છે અને ત્યાં ભોજન અને પાણીની ઉપલબ્ધતાનું પ્રમાણ સીમિત છે.
‘મને એવું લાગે છે કે મારું આખું શરીર દુખે છે’

ઇમેજ સ્રોત, Abed Zagout/Anadolu via Getty Images
દક્ષિણ ગાઝા પટ્ટીના જબાલિયા કૅમ્પ સાથે સંબંધિત 30 વર્ષીય સઉદ જબર કહે છે કે માતાઓ યુદ્ધમાં મુશ્કેલ સ્થિતિમાં જીવન પસાર કરી રહ્યાં છે અને તેથી તેમણે બાળકો સામે મજબૂત રહેવું જોઈએ.
તેઓ કહે છે કે, "મને લાગે છે કે મારાં બાળકોથી દુ:ખ છુપાવવા અને ન રડવાને કારણે મારું આખું શરીર દુખાઈ રહ્યું છે. મને લાગે છે કે નકારાત્મક ઊર્જા મારા શરીરમાં ખેંચાણ પેદા થઈ રહ્યું છે અને એ મારા શરીરના ભાગને નુકસાન પહોંચાડી રહ્યું છે. તેમ છતાં હું મારાં બાળકો સામે મજબૂત રહેવાની કોશિશ કરું છું."
દરેક માતા જરૂર કાગળિયાં મૂકવા માટે એક બૅગ તૈયાર કરવાની કોશિશ કરે છે જેથી બૉમ્બમારા દરમિયાન તેઓ અને બાળકો ફટાફટ બહાર નીકળી શકે.
આવું જ સઉદ જબર સાથે થયું, જેમણે અલસીકા ક્ષેત્રમાં બૉમ્બમારા બાદ પોતાનું ઘર છોડી દીધું કારણ કે ત્યાં "કોઈ સુરક્ષિત જગ્યા નથી."














