ગાઝામાં ઘેરું બન્યું શરણાર્થી સંકટ: 10 લાખ લોકો પહોંચ્યા ખાન યુનિસ, ભોજન-પાણીનું સંકટ

ઇમેજ સ્રોત, REUTERS
- લેેખક, રુશ્દી અબૂ અલૂફ
- પદ, ખાન યુનિસ, ગાઝાથી
ગાઝા પટ્ટીના ખાન યુનિસ વિસ્તારમાં જાણે કે લોકોનું પૂર આવ્યું છે.
લાખો લોકો ગાઝા પટ્ટીની ઉત્તર દિશાએથી જીવ બચાવીને અહીં પહોંચી રહ્યા છે. લોકો જે સામાન ઉઠાવી શક્યા એ લઈને લાંબી મુસફારી પગપાળા કરીને અહીં પહોંચ્યા છે.
આ લોકો પાસે કોઈ વિકલ્પ નહોતો.
પરંતુ ખાન યુનિસ કસબા પાસે ગાઝા શહેરમાંથી આવી રહેલા, પોતાની વસતી કરતાં બમણા લોકો માટે કોઈ ખાસ સુવિધાઓ નથી.
શહેરની દરેક શેરી, દરેક મોહલ્લા અને દરેક રસ્તો પુરુષ, મહિલા અને બાળકોથી ભરાયેલાં પડ્યાં છે.
અને લોકો પાસે અહીં સિવાય અન્ય ક્યાંય જવાના વિકલ્પ નથી.
હમાસનું કહેવું છે કે ઉત્તર ગાઝામાં રહેતા 11 લાખ લોકોમાંથી ચાર લાખ સલાહ અલ-દીન સડકના રસ્તે દક્ષિણ દિશા તરફ રવાના થયા છે.
ઇઝરાયલે સામાન્ય લોકોને 24 કલાકની અંદર ગાઝા શહેર ખાલી કરવાની ચેતવણી આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હું બે દિવસનું ભોજન, મારાં પત્ની અને ત્રણ બાળકો સાથે આ જ મોટા કાફલાનો ભાગ બનેલો હતો.
7 ઑક્ટોબરના રોજ હમાસના હુમલામાં 1,400 ઇઝરાયલીનાં મૃત્યુ થયાં હતાં. તે બાદ ઇઝરાયલે લોકોને ગાઝા શહેર ખાલી કરવાનું કહેલું.
હમાસે લોકોને કદાપિ ઘર ન છોડવાનું કહેલું, પરંતુ ઇઝરાયલી બૉમ્બ અને હુમલાની બીક એટલી બધી હતી કે લાખો લોકોએ ગાઝા પટ્ટીની દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરવાનું શરૂ કરી દીધું હતું.
પરંતુ જમીનની એ પાતળી પટ્ટી, જે ચારેકોરથી ઇઝરાયલ વડે ઘેરાયેલી છે, તેમાંથી બહાર નીકળવું એય સુરક્ષાની ગૅરંટી તો નથી જ.
આગળ શું થશે એની કોઈનેય ખબર નથી. લાખો ગાઝાનિવાસી ખાન યુનિસ પહોંચી રહ્યા છે.
ખાન યુનિસની વસતી લગભગ ચાર લાખ છે, પરંતુ રાતોરાત અહીં વધુ છ લાખ લોકો પહોંચી ગયા છે.
આ છ લાખ લોકોમાં દરેકને માથે છત અને પેટ માટે ભોજન જોઈએ.
બધું અસ્તવ્યસ્ત

ઇમેજ સ્રોત, REUTERS
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખાન યુનિસમાં સંશાધનો સીમિત છે અને જેટલાં સંશાધનો છે એ પણ ખૂબ ઝડપથી ખતમ થતાં જઈ રહ્યાં છે. શહેરની વસતી લગભગ ચાર લાખ હતી, જે ગાઝાથી આવેલા લોકોના આગમનને કારણે રાતોરાત દસ લાખ કરતાં વધી ગઈ છે.
આ શહેર પહેલાંથી જ ગાઝાથી આવનારા લોકોના બોજા હેઠળ દબાયેલું હતું, પરંતુ હવે તો લોકોનું જાણે પૂર આવી ગયું છે.
કોઈ પણ વ્યવસ્થા કરવાનું લગભગ અશક્ય છે.
અહીંની મુખ્ય હૉસ્પિટલો દવાની અછત સામે ઝઝૂમી રહી છે. હવે હૉસ્પિટલોય લોકોના ઇલાજ માટેનું સ્થળ મટીને આશ્રયસ્થાન બની ગઈ છે.
ડૉક્ટર હૉસ્પિટલમાં ઇલાજ ચાલુ રાખવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ કૉરિડૉર શરણાર્થીઓથી ભરાયેલી પડી છે. વાતાવરણમાં લોકોનાં ચીસ-પોકાર ગૂંજી રહ્યાં છે.
તમે લોકોને ત્યાં પહોંચવા માટે દોષિત ન ઠેરવી શકો.
સંઘર્ષ સમયે હૉસ્પિટલ કદાચ સૌથી સુરક્ષિત સ્થળ છે, કારણ કે તેની સુરક્ષા આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત સુનિશ્ચિત છે.
એવું કહી શકાય કે હૉસ્પિટલોની કૉરિડૉરમાં શરણ મેળવનારા લોકો ભાગ્યશાળી છે, ઓછામાં ઓછું હાલની સ્થિતિમાં આ વાત સત્ય છે.
ડૉક્ટરોનું કહેવું છે કે તેમની પાસે લોકોને આપવા કંઈ નથી. પ્રતિ વ્યક્તિ માત્ર 300 મિલીલિટર પાણી જ અપાઈ રહ્યું છે.
અને સ્વસ્થ લોકો માટે તો બિલકુલ વ્યવસ્થાનો અભાવ છે.

ઇમેજ સ્રોત, Getty Images
શહેરના અન્ય ભાગોમાં સ્થાનિકો, શરણાર્થીઓને દરેક સંભવિત મદદના પ્રયાસ કરી રહ્યા છે. ખાન યુનિસમાં પહેલાં જ લોકો ઘણી સાંકડી શેરીઓમાં જીવી રહ્યા હતા. જોકે, હવે તો હાલત વધુ કફોડી બની ગઈ છે.
મેં એવાં ઍપાર્ટમૅન્ટ જોયાં છે જ્યાં 50-60 લોકો રહી રહ્યા છે. આ પરિસ્થિતિમાં લોકો વધુ દિવસ સુધી નહીં રહી શકે.
મારો પરિવાર હવે બે રૂમના એક ઍપાર્ટમૅન્ટમાં છે. અમારી સાથે ચાર લોકો બીજા છે. હું પોતાની જાતને ભાગ્યશાળી માનું છું.
શહેરની સ્કૂલોનેય આ સંઘર્ષમાં સુરક્ષિત મનાઈ છે. ત્યાં પણ હજારો લોકો પહોંચી રહ્યા છે, પરંતુ સુરક્ષાનો વાયદો એય ફક્ત વાયદો જ છે.
સ્કૂલમાં મોજૂદ લોકોની ગણતરી કરવાનું કામ મુશ્કેલ છે.
સંયુક્ત રાષ્ટ્રની સહાયતા એજન્સી દ્વારા ચલાવાઈ રહેલી એક સ્કૂલમાં દરેક રૂમમાં ખોસી-ખોસીને લોકો ભરાયેલા છે.
દરેક બાલ્કની, દરેક બારી, દરેક ખૂણે લોકો જ લોકો છે.
માતાઓ અને દાદીઓ બહાર પાર્કની બેન્ચો પર ભોજન રાંધી રહ્યાં છે. ભૂખ્યાં બાળકો અધીરાઈપૂર્વક પેટ ભરવાની સુવિધા થાય એની રાહ જોઈ રહ્યા છે.
પરંતુ જ્યારે હૉસ્પિટલો અને સ્કૂલોય ભરાઈ ગઈ ત્યારે લોકો રસ્તા પર જ વસી ગયા.
શેરીઓ, મોહલ્લા, અન્ડરપાસ બધું ભરાઈ ચૂક્યું છે.
હજારો લોકો ખુલ્લા આકાશ નીચે ગંદકી અને ધૂળમાં આળોટી રહ્યા છે. બધા એ વાતની રાહ જોઈને બેઠા છે કે વિશ્વ તેમના માટે કંઈક સારી ગોઠવણ કરશે. આ પ્રતીક્ષા જોકે, હાલ સાવ નિરર્થક સાબિત થઈ રહી છે.
કોઈ જગ્યા સુરક્ષિત નહીં

ઇમેજ સ્રોત, REUTERS
અને એવું પણ નથી કે ખાન યુનિસ હુમલાથી સુરક્ષિત છે. અહીં પણ બૉમ્બમારો થાય છે. આ પણ યુદ્ધક્ષેત્ર છે. પડેલી ઇમારતો અને કાટમાળ તેનો પુરાવો છે.
મેં હૉસ્પિટલ પાસે હમાસ દ્વારા રૉકેટ છોડવાનો અવાજ સાંભળ્યો છે. આ બદલાની કાર્યવાહીને ખુલ્લું આમંત્રણ છે.
પોતાના આગામી નિશાનની શોધમાં ઇઝરાયલના ડ્રોન્સના અવાજ પણ સામાન્ય બાબત છે.
ત્યારે જ અચાનક એક બૉમ્બ પડે છે. એક ઇમારત જમીનદોસ્ત થઈ જાય છે. હૉસ્પિટલ અને મડદાઘર ભરાવા લાગે છે.
આજે સવારે અમારી ફ્લૅટની પાસે એક બૉમ્બ પડ્યો. ફોન અને સંપર્કનાં બધાં માધ્યમો બંધ છે, આથી બૉમ્બ પડ્યાની 20 મિનિટ બાદ હું મારા પુત્રનો સંપર્ક કરી શક્યો.
ભલા આ રીતે કોઈ જીવી શકે. અને હજુ તો ઇઝરાયલે લડાઈની શરૂઆત કરી છે.
મેં મારા શહેર ગાઝામાં રહીને ચાર યુદ્ધ કવર કર્યાં છે. પણ આવું ક્યારેય જોયું નથી.
પહેલાંની લડાઈઓ ભલે ગમે તેટલી ક્રૂર રહી હોય પણ મેં ક્યારેય કોઈને ભૂલ કે તરસથી મરતા જોયા નથી. હવે તેની પૂરી શક્યતા દેખાઈ રહી છે.
ગાઝાથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે. અને એ છે ઇજિપ્તની સીમા પર સ્થિત રફાહ ક્રૉસિંગ. પણ આ ક્રૉસિંગ હાલ બંધ છે.
અને ઇજિપ્તનો એ વાતનો અહેસાસ છે કે તેને ખોલશે તો શરણાર્થીઓનું પૂર આવી જશે.
રફાહ ક્રૉસિંગથી માત્ર 20 કિમી દૂર 10 લાખ લોકો પહોંચી ચૂક્યા છે. જેવું ક્રૉસિંગ ખૂલશે ત્યારે અફરાતફરી મચી જશે.
મેં વર્ષ 2014માં પણ આવું કંઈક જોયું હતું. ત્યારે પણ હજારો લોકોએ ભાગવાની કોશિશ કરી હતી. પણ આ વખતે હાલત બહુ ખરાબ છે. અને ઇજિપ્તને તેનો અહેસાસ છે.
લોકોનું પૂર સીમા પાર કરશે અને વધુ એક માનવીય સંકટની શરૂઆત થઈ જશે.














