ઇઝરાયલ અંગે મોદી સરકારની નીતિથી આરબ દેશોના 90 લાખ ભારતીયો પર કેવી અસર થશે?

મોદી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રજનીશકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

રશિયાએ યુક્રેન પર ફેબ્રુઆરી, 2022માં હુમલો કર્યો ત્યારે મોદી સરકારની વિદેશનીતિને ચારેકોર એ રીતે વખાણ થયાં હતાં કે ભારતે પોતાના હિતનો ખ્યાલ રાખ્યો અને પશ્ચિમના દબાણ સામે ઝૂકવાનો ઈનકાર કરી દીધો.

ભારતમાં વિરોધ પક્ષોએ સુધ્ધાં મોદી સરકારની વિદેશનીતિને વખાણી હતી અને જણાવ્યું હતું કે આ ભારતના હિતમાં છે. રાહુલ ગાંધીએ પોતે કહ્યું હતું કે આ મામલે તેઓ સરકારની સાથે છે.

યુક્રેન-રશિયા યુદ્ધમાં ભારતે ખુદને ગ્લોબલ સાઉથના અવાજ તરીકે પ્રસ્તુત કરવાનો નક્કર પ્રયાસ કર્યો હતો અને નવી દિલ્હીમાં યોજાયેલી જી-20 શિખર પરિષદમાં આ વિશેનો પ્રસ્તાવ પસાર કરાવવામાં ભારતને સફળતા મળી હતી.

હવે હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને હજારો સામાન્ય લોકો મૃત્યુ પામી રહ્યા છે ત્યારે ભારતના વિદેશનીતિ બાબતે અનેક પ્રકારના સવાલ ઉઠાવાઈ રહ્યા છે.

ઘણા નિષ્ણાતોનું માનવું છે કે ભારતે યુક્રેન-રશિયા યુદ્ધમાં જે વલણ અપનાવ્યું હતું તેનાથી તદ્દન ઊલટું વલણ ભારત ઇઝરાયલ અને હમાસના યુદ્ધમાં અપનાવી રહ્યું છે.

યુક્રેન-રશિયા યુદ્ધમાં ભારત પશ્ચિમની સામે છાતી કાઢીને ઊભું રહ્યું હતું, પરંતુ ઇઝરાયલના મામલે તે ખુલ્લેઆમ પશ્ચિમની પડખે આવી ગયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘણા લોકો આ બાબતને ભારતનો બેવડો માપદંડ ગણી રહ્યા છે.

જોકે, વિદેશમંત્રી એસ જયશંકરે આ સવાલોને ફગાવી દીધા છે અને જણાવ્યું છે કે આતંકવાદની બાબતમાં ભારત કોઈ પણ સ્વરૂપે નરમાશ દેખાડી શકે નહીં. ભારતનું કહેવું છે કે ઇઝરાયલ પર સાતમી ઑક્ટોબરે આતંકવાદી હુમલો થયો હતો અને નવી દિલ્હી તેની સામે આકરું વલણ જ લેશે.

ગ્રે લાઇન

સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના વલણ બાબતે સવાલ

મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ રોકવા અને માનવીય મદદ પહોંચાડવા માટે યુદ્ધવિરામનો પ્રસ્તાવ ગયા સપ્તાહે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ પ્રસ્તાવ બાબતે થયેલા મતદાનથી ભારત વેગળું રહ્યું હતું. ભારત યુક્રેન-રશિયા યુદ્ધ બાબતે સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં આવેલા પ્રસ્તાવો બાબતે પણ મતદાનથી વેગળું રહ્યું છે.

અમેરિકા સહિતના પશ્ચિમના દેશો સતત દબાણ લાવી રહ્યા છે કે ભારત સંયુક્ત રાષ્ટ્રસંઘમાં રશિયા વિરુદ્ધના પ્રસ્તાવ પર વોટિંગ કરે, પરંતુ ભારત કોઈની શેહમાં આવ્યું નથી.

ભારતના સ્વતંત્ર વિદેશનીતિની પાકિસ્તાનમાં પણ પ્રશંસા થઈ છે.

પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન ઇમરાન ખાને ભારતની સ્વતંત્ર વિદેશનીતિનાં મોંફાટ વખાણ કર્યાં હતાં, પરંતુ આ વખતે ઇઝરાયલ અને પેલેસ્ટાઈન સંકટમાં ભારતના વલણને સંતુલિત ગણવામાં આવતું નથી. રશિયા અને યુક્રેનના યુદ્ધમાં ભારતની તટસ્થતાની તરફી તમામ દલીલ નક્કર હતી.

રશિયા પર ભારતની સંરક્ષણ સંબંધી નિર્ભરતા, સોવિયેત સંઘના સમયથી જ કાશ્મીર મુદ્દે ભારતને ટેકો કે પછી આંતરરાષ્ટ્રીય માર્કેટમા ક્રૂડઑઇલ મોંઘું થઈ રહ્યું હોવા છતાં ભારતને મળતો રશિયાના સસ્તા ક્રૂડઑઇલનો પૂરવઠો.

આ બધાની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલો સ્પષ્ટ સંદેશ કે આ યુદ્ધનો જમાનો નથી. ભારતને આ વલણને કારણે તેને, તેના અધ્યક્ષપદે યોજાયેલા જી-20 શિખર પરિષદમાં સહમતિથી પ્રસ્તાવ પસાર કરાવવામાં સફળતા મળી હતી.

બીજી તરફ ગાઝામાં ચાલી રહેલી લડાઈમાં હજારો સામાન્ય લોકો મૃત્યુ પામી રહ્યા છે. હમાસે સાતમી ઑક્ટોબરે ઇઝરાયલ પર કરેલા હુમલામાં જેટલા લોકો માર્યા ગયા હતા તેના કરતાં અનેકગણા લોકો પેલેસ્ટાઈનમાં માર્યા ગયા છે અને એ હજુ પણ ચાલુ છે.

આવા સમયમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ ઍસૅમ્લીમાં માનવીય મદદ પહોંચાડવા માટે યુદ્ધવિરામનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો ત્યારે ભારત મતદાનથી વેગળું રહ્યું હતું. ભારત પાસે વોટિંગથી વેગળા રહેવાનો કોઈ વાજબી તર્ક ન હોવાનું કહેવામાં આવે છે.

ભારતની દલીલ એવી હતી કે સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રસ્તાવમાં હમાસનો ઉલ્લેખ ન હતો. ભારત ઇચ્છતું હતું કે પ્રસ્તાવમાં હમાસના હુમલાનો સંદર્ભ હોવો જોઈએ અને તેની ટીકા થવી જોઈએ.

ગ્રે લાઇન

આરબ દેશો કેટલા ઈમાનદાર?

પીડિત

ઇમેજ સ્રોત, Getty Images

સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે કામ કરી ચૂકેલા ટીએસ તિરુમૂર્તિ ઇઝરાયલ-હમાસ યુદ્ધ સંબંધે ભારતના વલણ બાબતે અંગ્રેજી દૈનિક ધ હિન્દુમાં લખ્યું છે, “ભારતે ઇઝરાયલ-પેલેસ્ટાઈન સંકટનું સમાધાન કાયમ દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંતમાં જોયું છે. ઇઝરાયલમાં આતંકવાદી હુમલાથી ભારતનું ચિંતિત થવું વાજબી છે.”

“આરબ વિશ્વ ઇઝરાયલ સાથેનો સંબંધ સામાન્ય કરી રહ્યું હતું ત્યારે ભારતે પણ તેની ઉપેક્ષા કરી ન હતી. ઇન્ડિયા, ઇઝરાયલ, સંયુક્ત આરબ અમિરાત અને અમેરિકાનું આઈટુયુટુ ગ્રૂપ પણ આ વલણને ટેકો આપી રહ્યું છે. ભારત માટે એ મહત્ત્વનું છે કે તેણે માત્ર આતંકવાદ સામે જ નહીં, પરંતુ ગાઝામાં માનવીય સંકટ સામે પણ છાતી કાઢીને ઊભા રહેવું જોઈએ.”

ટીએસ તિરુમૂર્તિએ લખ્યું છે, “ઇઝરાયલ-પેલેસ્ટાઈન સંકટમાં પશ્ચિમના દેશોને તેમના પાખંડ અને બેવડા માપદંડ માટે ઘેરી શકાય, પરંતુ આ મામલામાં આરબ દેશો દૂધે ધોયેલા છે? પેલેસ્ટાઈનના લોકોને હાંસિયા પર ધકેલવા માટે આરબ દેશો જવાબદાર નથી? ઇઝરાયલ સાથેના સંબંધ સામાન્ય બનાવવાની પ્રક્રિયામાં આરબ દેશો પેલેસ્ટાઈનના મુદ્દે વાત કરતાં કહેતા હોય છે કે ઇઝરાયલ હવે પેલેસ્ટાઈનના એકેય વિસ્તારને પોતાની સાથે નહીં ભેળવવા સહમત થઈ ગયું છે. હકીકતમાં ઇઝરાયલ તેનાથી તદ્દન ઊલટું કરી રહ્યું છે.”

“પશ્ચિમ એશિયામાં પેલેસ્ટાઈનને નહીં, પરંતુ ઈરાનને મુદ્દો બનાવવામાં આવે તેવા પ્રયાસ ઇઝરાયલના વડા પ્રધાન કરતા રહે છે. હવે ઇઝરાયલ બાબતે આરબ દેશોની જે પ્રતિક્રિયા છે, જે રસ્તાઓ પર પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધપ્રદર્શન રોકવા માટેની છે. ગાઝા પર ઇઝરાયલના હુમલા રોકવા માટે અખાતી દેશો પોતાના ઑઇલને હથિયાર ન બનાવી શક્યા હોત? પેલેસ્ટાઈનના લોકોના અધિકારોની ઉપેક્ષા કરીને ઇઝરાયલ સાથે સંબંધ સામાન્ય બનાવવાથી તેમને સલામતી નહીં મળે. તેમ છતાં અખાતી દેશોમાં ઉદાર સરકાર બનાવવાની વાતો થઈ રહી છે.”

આંતરરાષ્ટ્રીય મામલાઓના નિષ્ણાત નિરુપમા સુબ્રમણ્યમે લખ્યું છે, “સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિએ વોટિંગથી વેગળા રહેવાની તરફેણમાં જે દલીલો કરી છે તેનાથી એવું લાગે છે કે ભારતે આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન શા માટે કરવું જોઈતું હતું.”

સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોજના પટેલે ભારતનું જે નિવેદન વાંચી સંભળાવ્યું તેમાં લખ્યું હતું, “ગાઝામાં બાળકો, મહિલાઓ અને સામાન્ય નાગરિકોના મૃત્યુ ચિંતાજનક છે અને આ માનવીય સંકટનું સમાધાન થવું જોઈએ. ગાઝામાં ફસાયેલા સામાન્ય લોકો સુધી માનવીય મદદ પહોંચાડવાની દરખાસ્તનું ભારત સ્વાગત કરે છે. ભારતે પણ માનવીય મદદ મોકલી છે. ગાઝામાં ચાલી રહેલા યુદ્ધથી માનવીય સંકટ વધશે. ઇઝરાયલ-પેલેસ્ટાઈન સંકટના સમાધાનના ભારત દ્વિ-રાષ્ટ્રના સ્વરૂપમાં જુએ છે.”

આ બાબતે સંયુક્ત રાષ્ટ્રસંઘ મહાસભામાં રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ પર વોટિંગથી કુલ 45 દેશો વેગળા રહ્યા હતા. 120 દેશે આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું અને 14 દેશે તેની વિરુદ્ધમાં મત આપ્યો હતો.

વોટિંગથી વેગળા રહેલા દેશો પૈકીના મોટા ભાગના પશ્ચિમના હતા. એશિયામાં વોટિંગથી વેગળના રહેલા મહત્ત્વના દેશ ભારત અને જાપાન હતા. ચીન અને રશિયાએ આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું.

જે 45 દેશો વોટિંગથી વેગળા રહ્યા હતા, તેમનું કહેવું હતું કે સાતમી ઑક્ટોબરે ઇઝરાયલની અંદર હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ પ્રસ્તાવમાં ન હતો. આ પ્રસ્તાવમાં હમાસના હુમલાનો સંદર્ભ સામેલ કરવા માટે કૅનેડાએ સુધારાની દરખાસ્ત રજૂ કરી હતી અને ભારતે તેને ટેકો આપ્યો હતો, પરંતુ એ સુધારાની દરખાસ્ત પસાર થઈ શકી ન હતી.

ભારતે પોતાના નિવેદનમાં આતંકવાદની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે આતંકવાદની કોઈ સીમા, રાષ્ટ્રીયતા અને જાત હોતી નથી. ભારતે આતંકવાદ સામે એક થવાની અપીલ કરી હતી, પરંતુ હમાસનું નામ લીધું ન હતું.

દિલ્હીસ્થિત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં પશ્ચિમ એશિયા સ્ટડી સેન્ટરમાં પ્રોફેસર તરીકે કામ કરી ચૂકેલા એકે પાશાના કહેવા મુજબ, ભારતે ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં જે વલણ લીધું છે તે મોદી સરકારના બેવડા માપદંડને દર્શાવે છે.

પ્રોફેસર પાશા કહે છે, “યુક્રેન-રશિયા યુદ્ધમાં ભારતે સ્વતંત્ર વિદેશનીતિ સાથે ગ્લોબલ સાઉથનો અવાજ બનવાનો જે નક્કર પ્રયાસ કર્યો હતો તેના પર જાતે જ પાણી ફેરવી દીધું છે. ગાઝામાં પેલેસ્ટાઈનના સામાન્ય નાગરિકો, બાળકો અને સ્ત્રીઓ રોજેરોજ મરી રહ્યા છે. તેને રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો ત્યારે ભારત વોટિંગથી વેગળું રહ્યું હતું. ભારત કયા મોઢે કહેશે કે તે ગ્લોબલ સાઉથનો અવાજ છે? ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં મોદી સરકારનું વલણ ભારતની સ્વતંત્ર વિદેશનીતિને બદલે અમેરિકાના અનુસરણ જેવું છે.”

ગ્રે લાઇન

ભારતના હિત પર અસર

સાઉદી પ્રિન્સ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રોફેસર પાશા કહે છે, “હમાસના સાતમી ઑક્ટોબરના હુમલા પછી વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત ઇઝરાયલની પડખે છે. તેમણે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો, પરંતુ હમાસનો ઉલ્લેખ કર્યો ન હતો. પેલેસ્ટાઈનવાસીઓના હક્કની વાત કરી ન હતી. પાંચ દિવસ પછી ભારતના વિદેશ મંત્રાલયના નિવેદનમાં દ્વિ-રાષ્ટ્ર સમાધાનની વાત કહેવામાં આવી હતી. ભારતે ગાઝામાં માનવીય મદદ મોકલી ત્યારે દુનિયાભરમાં ગાઈવગાડીને જણાવ્યું અને ગાઝામાં માનવીય મદદ મોકલવા યુદ્ધવિરામનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે ભારત વોટિંગથી વેગળું રહ્યું.”

મોદી સરકારના આ વલણ પાછળની વ્યૂહરચના શું છે? પ્રોફેસર પાશા કહે છે, “તેમને ચૂંટણી જીતવી છે. ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે ભારતમાં લોકપ્રિય લોકમત ઇઝરાયલની તરફેણમાં છે. આ લોકમત ધાર્મિક આધારે વહેંચાયેલો છે એ દેખીતું છે, પરંતુ મને લાગે છે કે મોદી સરકારે દેશમાં ચૂંટણી જીતવા માટે ભારતના હિત અને સ્વતંત્ર વિદેશનીતિને દાવ પર લગાવી દીધી છે.”

પ્રોફેસર પાશાના કહેવા મુજબ, “મોદી સરકારના વલણથી ગ્લોબલ સાઉથનો અવાજ બનવાના પ્રયાસોને ધક્કો લાગ્યો છે. તેની અખાતના ઇસ્લામી દેશોમાં પણ ભારતના હિત પર લાંબા ગાળાની માઠી અસર થશે. આરબ દેશો લાંબા સમય સુધી પ્રેક્ષક બની રહેશે નહીં. તેઓ ઊર્જા આપૂર્તિ રોકવા બાબતે કોઈ નિર્ણય કરે તે શક્ય છે અને એવું થશે તો તેની ભારતને માઠી અસર થશે.”

પ્રોફેસર પાશા જણાવે છે કે કતારમાં આઠ ભારતીયોને મૃત્યુદંડની સજાનો સંબંધ પણ ઇઝરાયલ વિશેના ભારતના વલણ પર છે અને તેની અસર અખાતી દેશોમાં કામ કરતા 90 લાખ ભારતીયોના ભવિષ્ય પર પણ થશે.

ભારતે એવી દલીલ કરી હતી કે રશિયન ઑઇલથી સામાન્ય ભારતીયોને લાભ થઈ રહ્યો છે એટલે આયાત બંધ થશે નહીં, પરંતુ ઇઝરાયલની પડખે ઊભા રહીને ભારત હવે આરબ દેશોના સાથે રાખી શકશે નહીં. તેમની સાથે તણાવ વધશે તો સામાન્ય ભારતીયોને મોટું નુકસાન થશે.

નિરુપમા સુબ્રમણ્યમે લખ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઇઝરાયલ-હમાસ યુદ્ધ વિશેની દરખાસ્ત અર્થહીન હતી, કારણ કે તે બંધનકારક ન હતી.

તેમણે એવું પણ લખ્યું છે કે “સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ઇઝરાયલ સંબંધી આ પ્રસ્તાવ, કોણ કોણી તરફ છે તેના સંદર્ભમાં હતો. જમીનના એક સાંકડા ટુકડા પર રહેતા લાખો લાચાર લોકો પરની ઇઝરાયલની આક્રમકતામાં ભારત કઈ તરફ છે તેની બધાને ખબર પડી ગઈ.”

“યુરોપમાં સૌથી યહૂદીઓ ફ્રાંસમાં રહે છે છતાં ફ્રાંસે ગાઝામાં યુદ્ધવિરામના પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કર્યું હતું. ઇઝરાયલ અને અમેરિકા પછી સૌથી વધુ યહૂદીઓ ફ્રાંસમાં જ છે. યુરોપમાં સૌથી વધુ મુસ્લિમો ફ્રાંસમાં જ રહે છે. ફ્રાંસ અને ઇઝરાયલ વચ્ચે નજીકનો સંબંધ છે તેમજ ફ્રાંસના વડા પ્રધાન ઇમેન્યુઅલ મેક્રો ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂને પોતાના દોસ્ત ગણે છે, પરંતુ ફ્રાંસે બાકીના પશ્ચિમી દેશોની માફક વોટિંગથી વેગળા રહેવાને બદલે પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું.”

ગ્રે લાઇન

ભારત સામેના પડકારો વધી ગયા છે?

મોદી

ઇમેજ સ્રોત, Getty Images

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં પશ્ચિમ એશિયાની બાબતોના નિષ્ણાત પ્રોફેસર અશ્વિની મહાપાત્રાના જણાવ્યા મુજબ, મધ્ય-પૂર્વમાં અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે તેનાથી ભારત સામેના પડકાર વધી ગયા છે.

પ્રોફેસર મહાપાત્રા કહે છે, “કતારમાં જે આઠ ભારતીયોને મોતની સજા કરવામાં આવી છે તેને પણ ભારતના ઇઝરાયલ સંબંધી વલણ સાથે સંબંધ છે. ભારતના વલણને કારણે અખાતના ઇસ્લામી દેશોની અસહજતા વધશે અને એ બાબત ભારત માટે કોઈ પડકારથી કમ નથી.”

તેઓ ઉમેરે છે, “ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં ભારતનું વલણ ખોટું નથી, એવું હું માનું છું. ભારત સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રસ્તાવની વિરુદ્ધમાં ન હતું. ભારતની દલીલ એ હતી કે પ્રસ્તાવમાં હમાસના આતંકવાદી હુમલાની ટીકા પણ થવી જોઈએ. ભારતની માગ બિલકુલ વાજબી હતી. આતંકવાદની ઉપેક્ષા કરીને ભારત ગ્લોબલ સાઉથની વાત કરી શકે નહીં.”

ધ વિલ્સન સેન્ટર નામના વિચાર મંડળમાં સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર માઇકલ કગલમેન માને છે કે ભારત ગાઝામાં ઇઝરાયલી સૈન્યની કામગીરીને આતંકવાદ વિરુદ્ધની લડાઈ માની રહ્યું છે.

કગલમેને લખ્યું છે, “સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યુદ્ધવિરામ પ્રસ્તાવ પર વોટિંગથી વેગળા રહેવાનું ભારતનું વલણ એ વાતનો સંકેત છે કે તે ગાઝામાં ઇઝરાયલી સૈન્યની કામગીરીને આતંકવાદ વિરુદ્ધની લડાઈ માની રહ્યું છે. ભારત એવું માની રહ્યું છે કે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં યુદ્ધવિરામ ન હોય. ભારત પેલેસ્ટાઈનના લોકોને માનવીય મદદનું સમર્થન કરી રહ્યું છે, પરંતુ ઇઝરાયલની સૈન્ય કાર્યવાહીનો વિરોધ પણ કરતું નથી.”

ફ્રાંસના ભૂતપૂર્વ વડા પ્રધાન દમિનિક દ વિપાએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં ગાઝામાંના ઇઝરાયલી હુમલા બાબતે પશ્ચિમના દેશો પર નિશાન તાક્યું છે.

એ મુલાકાતમાં દમિનિક દ વિપાએ કહ્યું હતું, “યુક્રેનમાં જે થઈ રહ્યું છે અને ગાઝામાં જે થઈ રહ્યું છે તેમાં પશ્ચિમનો બેવડો માપદંડ ઉઘાડો પડી ગયો છે. તાજેતરના સપ્તાહોમાં હું મધ્ય-પૂર્વ, આફ્રિકા અને લેટિન અમેરિકા ગયો ત્યારે અનુભવ્યું હતું કે પશ્ચિમના બેવડા માપદંડ બાબતે વ્યાપક નારાજગી છે. લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે યુક્રેનમાં જે કંઈ થઈ રહ્યું છે તેના સંદર્ભમાં પશ્ચિમ સંવેદનશીલતા અને માનવતાની વાતો કરી રહ્યું છે, પરંતુ ગાઝામાં ઇઝરાયલ જે કરી રહ્યું છે એ સંદર્ભમાં દંભ દેખાડી રહ્યું છે. ગ્લોબલ સાઉથમાં પશ્ચિમના વલણ બાબતે વ્યાપક અવિશ્વાસનું વાતાવરણ છે.”

તેમણે ઉમેર્યું હતું, “રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે આપણે તેના પર આકરા પ્રતિબંધ લાદ્યા હતા. રશિયાએ સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રસ્તાવનું ઉલ્લંઘન કર્યું તો આપણે પ્રતિબંધો લાદ્યા, પરંતુ ઇઝરાયલ છેલ્લાં 70 વર્ષથી સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રસ્તાવોનો અનાદર કરી રહ્યું છે છતાં તેના પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. પશ્ચિમના દેશોએ આ ઐતિહાસિક નાટક બાબતે પોતાની આંખો હવે ખોલી નાખવી જોઈએ. ઇઝરાયલના પૉલિટિકલ અને ડિપ્લોમેટિક પ્રોગ્રામમાંથી ટુ-સ્ટેટ સમાધાન એટલે કે ઇઝરાયલ સાથે પેલેસ્ટાઈનને એક સ્વતંત્ર દેશ ગણવાની વાત હટાવી દેવામાં આવી છે.”

રેડ લાઇન
રેડ લાઇન