પેલેસ્ટાઈનના લોકોને ગાઝામાંથી હાંકી કાઢવાની ઇઝરાયલની ગુપ્ત યોજના શું હતી?

ઇમેજ સ્રોત, IDF
- લેેખક, આમિર સુલતાન
- પદ, બીબીસી ન્યૂઝ અરેબિક
ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હુમલાઓને કારણે પેલેસ્ટાઈનના નાગરિકોની દુખદ સ્થિતિને જોતાં પાડોશી દેશ ઇજિપ્ત દ્વારા સિનાઈ વિશેની ચિંતા વાજબી છે?
બ્રિટિશ દસ્તાવેજોના સંદર્ભમાં આ સવાલનો જવાબ છેઃ આ ચિંતા નિશ્ચિત રીતે વાજબી છે.
દસ્તાવેજોની ચકાસણી કરતાં ખબર પડી હતી કે ઇઝરાયલે હજારો પેલેસ્ટાઈનવાસીઓને ગાઝાની ઉત્તરે સિનાઈમાં હાંકી કાઢવાની ગુપ્ત યોજના 52 વર્ષ પહેલાં બનાવી હતી.
ઇઝરાયલી સૈન્ય દ્વારા 1967ના યુદ્ધમાં વેસ્ટ બૅન્ક પૂર્વ જેરુસલેમ અને સીરિયન ગોલન હાઈટ્સ ઉપરાંત ગાઝા કબજે કરવામાં આવ્યું પછી ગાઝા પટ્ટી ઇઝરાયલ માટે ચિંતાનો વિષય બની ગઈ હતી.
શરણાર્થીઓથી ઉભરાતા કૅમ્પ્સ કબજાના પ્રતિરોધના ગઢ બની ગયા હતા. ઇઝરાયલી સૈન્ય અને તેના સહયોગીઓ વિરુદ્ધ ત્યાં અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
બ્રિટિશ અનુમાન મુજબ, ઇઝરાયલે ગાઝા કબજે કર્યું ત્યારે પેલેસ્ટાઈનનાં અન્ય ક્ષેત્રોના, સંયુક્ત રાષ્ટ્રસંઘની રિલીફ ઍન્ડ વર્ક્સ એજન્સી પ્રાયોજિત લગભગ બે લાખ શરણાર્થી અને ગાઝાના અન્ય દોઢ લાખ વતનીઓ ગાઝા પટ્ટીમાં હતા.
એ બ્રિટિશ અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે ગોરીલા પ્રવૃત્તિઓને લીધે સુરક્ષા તથા સામાજિક સમસ્યાઓ સર્જાઈ હતી અને એ કારણે ગાઝામાં રાહત છાવણીઓમાંનું જીવન આર્થિક રીતે સદ્ધર ન હતું. ગોરીલા હુમલાઓને કારણે આ વિસ્તારમાં જાનહાનિ વધી હતી.

યોજના ગુપ્ત શા માટે રાખવામાં આવી હતી?

ઇમેજ સ્રોત, EMPICS
બ્રિટિશ અનુમાન મુજબ, 1968 અને 1971ની વચ્ચે ગાઝામાં 240 આરબ ગોરીલા લડવૈયાઓ માર્યા ગયા હતા અને 878 ઘાયલ થયા હતા, જ્યારે પેલેસ્ટાઈનના 43 સૈનિકો માર્યા ગયા હતા અને 336 ઘાયલ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એ પછી આરબ લીગે ગાઝામાં પેલેસ્ટાઈનના શરણાર્થીઓ સામેના ઇઝરાયલના ઑપરેશનને સમાપ્ત કરવા પર ભાર મૂકવાની જાહેરાત કરી હતી અને ગાઝા પટ્ટીમાં પ્રતિકારને ટેકો આપવા માટે સંયુક્ત પગલાં લેવાનું નક્કી કર્યું હતું.
પેલેસ્ટાઈનના અધિકૃત પ્રદેશો, ખાસ કરીને ગાઝાની પરિસ્થિતિ વિશે બ્રિટન ચિંતિત હતું. સંસદીય સવાલોના જવાબમાં બ્રિટન સરકારે આમ સભાને જણાવ્યું હતું કે “બ્રિટન એ પ્રદેશમાં વિકાસની કાળજીપૂર્વક સમીક્ષા કરી રહ્યું છે.”
બ્રિટિશ સરકારે એ સમયે કહ્યું હતું, “અમે ઇઝરાયલની તાજેતરની કાર્યવાહી પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ અને આ વિસ્તારમાં આરબો (પેલેસ્ટાઈની)ને આશ્રય આપવાની ઇઝરાયલી અધિકારીઓની કોઈ પણ યોજના બાબતે અમારી ચિંતા સ્વાભાવિક છે.”
એ ઉપરાંત ઇજિપ્તના સિનાઈ દ્વીપકલ્પની ઉત્તરે અને ઇજિપ્ત સાથેની ગાઝાની સરહદથી લગભગ 54 કિલોમીટર દૂર આવેલા અલ-આરિશમાં હજારો પેલેસ્ટાઈની લોકોને વિસ્થાપિત કરવાની ઇઝરાયલની હિલચાલ પર તેલ અવીવ ખાતેના બ્રિટિશ દૂતાવાસે ચાંપતી નજર રાખી હતી.
દૂતાવાસના અહેવાલો અનુસાર, આ યોજનામાં પેલેસ્ટાઈની લોકોને ઇજિપ્ત અથવા અન્ય વિસ્તારોમાં “બળજબરીથી સ્થળાંતરિત” કરવાનો સમાવેશ થતો હતો, જેથી ઇઝરાયલના કબજા વિરુદ્ધની ગોરીલા કાર્યવાહીની તીવ્રતા અને ગાઝા પટ્ટીમાં કબજા સંબંધી કામકાજ સંભાળતા સત્તાવાળાઓ સામેની સુરક્ષા સંબંધી સમસ્યાઓનું પ્રમાણ ઘટાડી શકાય.
ઇઝરાયલ સરકારે સપ્ટેમ્બર, 1971ની શરૂઆતમાં બ્રિટિશ અધિકારીઓને જાણ કરી હતી કે ગાઝામાંથી પેલેસ્ટાઈનના લોકોને અન્ય વિસ્તારમાં અને ખાસ કરીને ઇજિપ્તના અલ-આરિશ વિસ્તારમાં સ્થળાંતરિત કરવાની ગુપ્ત યોજના બનાવવામાં આવી છે.
ઇઝરાયલના તત્કાલીન પરિવહન અને સંદેશાવ્યવહાર પ્રધાન શિમોન પેરેઝે (જેઓ બાદમાં ઇઝરાયલના વડા પ્રધાન બન્યા હતા) તેલ અવીવમાંના બ્રિટિશ દૂતાવાસના રાજકીય સલાહકારને જાણ કરી હતી કે “ઇઝરાયલ માટે ગાઝા પટ્ટીમાં વધુ કામ કરવાનો સમય આવી ગયો છે.”
બેઠક વિશેના એક અહેવાલમાં દૂતાવાસે જણાવ્યું હતું કે કબજે કરવામાં આવેલા વિસ્તારોનું કામકાજ સંભાળતા પેરેઝે એ વાતની પુષ્ટિ કરી હતી કે “ઇઝરાયલ સરકાર નવી નીતિની ઔપચારિક જાહેરાત કરશે નહીં કે પ્રધાનમંડળની ભલામણ પણ જાહેર કરશે નહીં. પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ પ્રધાનમંડળ એ વાતે સહમત થયું છે કે ગાઝાની સમસ્યાઓના વધુ અસરકારક નિરાકરણ માટે આપણે વધારે દૂરગામી પગલાં લેવાં પડશે.”

મોટા ખર્ચની સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images
અહેવાલમાં જણાવ્યા મુજબ, શિમોન પેરેઝનું માનવું છે કે આ પગલાંથી પરિસ્થિતિ એક વર્ષમાં બદલાઈ જશે. નવી નીતિને ગુપ્ત રાખવાના નિર્ણયને વાજબી ઠરાવતાં તેમણે એમ પણ કહ્યું હતું કે તેની જાહેરાત કરવાથી માત્ર ઇઝરાયલના દુશ્મનોને ઉત્તેજન મળશે.
ગાઝા પટ્ટીમાં શાંતિ અને આવાસ બહાલ કરવા માટે નવી નીતિ હેઠળ ઘણા લોકોને ગાઝા પટ્ટીમાંથી સ્થળાંતરિત કરવામાં આવશે કે કેમ, એવા સવાલના જવાબમાં પેરેઝે જણાવ્યું હતું કે કૅમ્પના ત્રીજા ભાગના લોકોને અન્ય વિસ્તારોમાં સ્થળાંતરિત કરવામાં અથવા પ્રદેશની બહાર મોકલવામાં આવશે. “ગાઝાની કુલ વસ્તીમાંથી લગભગ એક લાખ લોકોનો સુધીનો ઘટાડો શક્ય છે,” તેવા ઇઝરાયલના નિર્ધારની તેમણે પુષ્ટિ કરી હતી.
શિમોન પેરેઝે “લગભગ 10,000 પરિવારોને વેસ્ટ બૅન્કમાં અને તેનાથી થોડા ઓછા લોકોને ઇઝરાયલમાં સ્થળાંતરિત કરવાની” આશા વ્યક્ત કરી હતી, પરંતુ તેમણે બ્રિટિશ અધિકારીઓને એવું જણાવ્યું હતું કે “વેસ્ટ બૅન્ક અને ઇઝરાયલના પ્રદેશોમાં સ્થળાંતરણ માટે મોટા ખર્ચની સમસ્યાનો સમાવેશ થાય છે.”
શિમોન પેરેઝે બ્રિટિશ અધિકારીઓને જણાવ્યું હતું કે “હકીકતમાં મોટા ભાગના અસરગ્રસ્ત લોકો તેમના ઝૂંપડાની જગ્યાએ વધુ સારા વૈકલ્પિક આવાસ અને વળતરથી સંતુષ્ટ છે તેમજ અલ-આરિશમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત, ઇજિપ્ત દ્વારા નિર્મિત આવાસમાં રહી શકે છે.”
દસ્તાવેજોમાં જણાવ્યા અનુસાર, આરિશને ગાઝા પટ્ટીનું વિસ્તરણ ગણવો જોઈએ કે કેમ, એવો સવાલ બ્રિટિશ અધિકારીઓએ પેરેઝને કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે “ત્યાં ખાલી પડેલાં મકાનોનો ઉપયોગ કરવો તે સંપૂર્ણપણે વ્યવહારુ નિર્ણય છે.”

એક આકર્ષક સ્થાનિક પુનર્વસન પ્રકલ્પ

ઇમેજ સ્રોત, Getty Images
શિમોન પેરેઝના એક અલગ મૂલ્યાંકનમાં ઇઝરાયલમાંના બ્રિટિશ રાજદૂત અર્નેસ્ટ જોન વોર્ડ બાર્ન્સે સૂચવ્યું હતું કે ગાઝા પટ્ટીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે વર્તમાન સરહદની બહાર લોકોને વસાવવાનું જરૂરી બનશે, તેવું ઇઝરાયલીઓ માને છે.
તેમણે તેમની સરકારની ખાતરી આપી હતી કે નવી નીતિમાં ઉત્તર ઇજિપ્તના સિનાઈ દ્વીપકલ્પમાં પેલેસ્ટાઈનના લોકોને વસાવવાનો સમાવેશ હશે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે “ઇઝરાયલ સરકારે ટીકાનો સામનો કરવો પડે તે શક્ય છે, પરંતુ ઇઝરાયલ માટે પરિણામ વધારે મહત્ત્વનું છે.”
આ સંબંધે એક અહેવાલમાં બ્રિટનના વિદેશ વિભાગમાં મધ્ય-પૂર્વના વડા એમઈ પાઈકે જણાવ્યું હતું કે “શરણાર્થી શિબિરોનું કદ ઘટાડવા અને તેને ખોલવા માટે હવે કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. તેનો અર્થ શરણાર્થીઓને તેમના વર્તમાન ઘરમાંથી બળજબરીથી વિસ્થાપિત કરવા અને જેમને ઇજિપ્તના અલ-આરિશમાં ખસેડવા એવો થાય.”
તેમણે કહ્યું હતું કે “હવે આ સંદર્ભમાં વધુ એક મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.”
એક મહિના પછી ઇઝરાયલી સૈન્યે એક સત્તાવાર બેઠકમાં અનેક વિદેશી લશ્કરી કચેરીઓને પેલેસ્ટાઈની લોકોને ગાઝામાંથી સ્થળાંતરિત કરવાની યોજના વિશે વધારાની માહિતી આપી હતી.
બ્રિગેડિયર જનરલ અને કબજે કરવામાં આવેલા પ્રદેશોમાંની પ્રવૃત્તિના સંયોજક શ્લોમો ગેઝિટે જણાવ્યું હતું કે તેમનું સૈન્ય “વૈકલ્પિક આવાસ ઉપલબ્ધ નહીં હોય ત્યાં સુધી (ગાઝામાં પેલેસ્ટાઈનના લોકોના ઘરનો) નાશ કરશે નહીં.” આ એકમાત્ર શરત લશ્કરી સરકારને સ્વીકાર્ય હશે. આ પ્રક્રિયાનો સમયગાળો અલ-આરિશ સહિતનાં સ્થળો પર ઉપલબ્ધ વૈકલ્પિક આવાસો અથવા રહેઠાણોની સંખ્યા પર છે.
આ બેઠક વિશેના બ્રિટિશ ઍરફોર્સના એટેશેના અહેવાલ અનુસાર, તમે ઉત્તર સિનાઈ વિસ્તાર શા માટે પસંદ કર્યો છે, એવું બ્રિગેડિયર જનરલ ગેઝિટને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે અલ-આરિશની પસંદગી કરવાનું કારણ એ હતું કે ત્યાં ખાલી ઘર મળી શકે તેમ છે. “અલ-આરિશમાં કોઈ નવું બાંધકામ થશે નહીં, કારણ કે ત્યાં અગાઉથી ઉપલબ્ધ ખાલી મકાનો ઇજિપ્તના અધિકારીઓનાં હતાં.”
બ્રિટિશ પરિપ્રેક્ષ્યમાં આ સ્થિતિ એ ત્રણેય સિદ્ધાંતની વિરુદ્ધની છે, જેની જાહેરાત ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન જનરલ મોશે દયાને 1967માં યુદ્ધ પછી કબજે કરેલા પ્રદેશો પર નિયંત્રણની ગૅરંટી આપતાં કરી હતી. તેમાં નાગરિક જીવનમાં ઓછામાં ઓછા હસ્તક્ષેપ, ઇઝરાયલ અને બાકીના વિશ્વ સાથેના મહત્તમ સંપર્ક અથવા સંબંધનો સમાવેશ થતો હતો.

‘ગાઝા શરણાર્થીઓની ઇઝરાયલ દ્વારા હકાલપટ્ટી’

ઇમેજ સ્રોત, ATEF SAFADI/EPA-EFE/REX/SHUTTERSTOCK
બ્રિટનના વિદેશ મંત્રાલયના મધ્ય-પૂર્વ વિભાગે ગાઝાની સ્થિતિ વિશેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે “ભવિષ્ય માટે સૌથી રસપ્રદ સવાલ એ છે કે ઇઝરાયલ ગાઝાના મામલામાં ત્રણેય સિદ્ધાંતમાં હવે સુધારો કરવા તૈયાર છે કે નહીં”
ઇઝરાયલમાં બ્રિટિશ રાજદૂતના જણાવ્યા મુજબ, “શરણાર્થી શિબિરો ગોરીલા પ્રવૃત્તિઓ માટે આદર્શ પરિસ્થિતિ પ્રદાન કરે છે. તેને લીધે ખુલ્લા સંબંધની નીતિનો અમલ કરવો મુશ્કેલ બને છે.”
બ્રિટિશ રાજદૂત બાર્ન્સે એક વિસ્તૃત અહેવાલમાં વિદેશ સચિવને ચેતવણી આપી હતી કે તેમને મળેલી માહિતી મુજબ, પેલેસ્ટાઈનના શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની રિલીફ ઍન્ડ વર્ક્સ એજન્સીને “ઇઝરાયલ પાસેથી હકાલપટ્ટીના ઉકેલની આશા છે.”
તેમણે કહ્યું હતું કે એજન્સી “ઇઝરાયલની સુરક્ષાના મુદ્દાને સમજે છે, પરંતુ શરણાર્થીઓને તેમને ઘરોમાંથી બળજબરીથી સ્થળાંતરિત કરવા અથવા ઇજિપ્તના અલ-આરિશ વિસ્તારમાં અસ્થાયી ધોરણે ફરી વસાવવાના મુદ્દે સહમત નથી.”
અલબત્ત, રાજદૂતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું હતું કે “ઇજિપ્તના અલ-આરિશમાં ગાઝા શરણાર્થીઓનું પુનર્વસન આંતરરાષ્ટ્રીય જનમત પ્રત્યેની ઉદાસીનતાનું ઉદાહરણ છે.”
ઇઝરાયલની ગુપ્ત યોજનાના પોતાના મૂલ્યાંકનમાં બ્રિટનના વિદેશ મંત્રાલયના મધ્ય-પૂર્વ વિભાગે ચેતવણી આપી હતી કે “આ દૂરગામી નીતિનું ઇઝરાયલ માટે ભલે ગમે તે ઔચિત્ય હોય. આપણે મદદ ન કરી શકીએ, કારણ કે ઇઝરાયલ આરબ વિશ્વ અને અન્ય દેશોની પ્રતિક્રિયાની ગંભીરતા ઓછી આંકી રહ્યું છે એ સમજીએ છીએ. આ પગલા પછી દેશ, આરબ લીગ અને સંયુક્ત રાષ્ટ્રસંઘ આ સમસ્યાના અન્ય ઉકેલ પ્રસ્તુત કરશે.”
અલબત્ત, એ પછી પણ પોતાની યોજના અમલી બનાવવાના ઇઝરાયલના પ્રયાસ અટક્યા ન હતા. તેની ગતિ જરૂર ધીમી થઈ ગઈ હતી.
ઑગસ્ટ, 1971ના અંતમાં વિદેશ વિભાગને મોકલવામાં આવેલા એક રિપોર્ટમાં બ્રિટિશ દૂતાવાસે જણાવ્યું હતું કે “શિબિરોમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. તેઓ ધીમી ગતિથી આગળ વધી રહ્યા છે, કારણ કે અલ-આરિશ અને કબજા હેઠળના વિસ્તારોમાં વૈકલ્પિક આવાસ ઉપલબ્ધ નથી.” પેલેસ્ટાઈનના અનેક શરણાર્થીઓને નુસીરત શિબિરમાંથી પહેલાં જ અલ-આરિશમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હોવાની તેમણે પુષ્ટિ કરી હતી.
ડિસેમ્બરના અંત સુધીમાં લંડને ઇઝરાયલ પાસેથી ગાઝામાંથી ‘હાંકી કાઢવામાં આવેલા’ પેલેસ્ટાઈની લોકો બાબતે માહિતી માગી હતી. ઇઝરાયલી સત્તાવાળાઓએ “1,638 પરિવારોમાંથી 332ને અલ-આરિશમાં મોકલી આપ્યા હતા.”
‘ગાઝા શરણાર્થીઓની ઇઝરાયલ દ્વારા હકાલપટ્ટી’ શીર્ષક હેઠળના એક કૅબલ મૅસેજમાં વહીવટીતંત્રે જણાવ્યું હતું કે “ગાઝા પટ્ટીમાંના 1,638 પરિવારો (11,512 લોકો)ને તેમનાં ઘરોમાંથી, ગાઝા પટ્ટીના અન્ય અથવા બહારના વિસ્તારોમાં પહેલેથી જ હાંકી કાઢવામાં આવ્યા છે.”
પરિસ્થિતિના વધુ સામાન્ય મૂલ્યાંકનમાં બ્રિટિશ રાજદૂતે ગાઝા સમસ્યાના અન્ય ઉકેલ વિશે વાત કરી હતી, જેમાંની એક સંભાવના “ગાઝાને એક દિવસ જૉર્ડનમાં સામેલ કરી શકાય, જેથી એ દેશની પહોંચ ભૂમધ્ય સાગર સુધી વિસ્તરી શકે. આ ક્ષેત્રની મધ્ય-પૂર્વના કૉમન માર્કેટનો હિસ્સો બનવાની શક્યતા વધુ એક ઉકેલ છે.”

સામૂહિક સજા અને આતંકવાદ

ઇમેજ સ્રોત, Getty Images
તે જ સમયે, બ્રિટિશ વિદેશ મંત્રાલયમાં ઇઝરાયલની નીતિ ચોથા જીનિવા કન્વેન્શનને કેટલી હદે અનુરૂપ છે તેની ચર્ચા થઈ હતી. જીનિવા કન્વેન્શન કબજે કરનાર સત્તાઓની જવાબદારી નક્કી કરે છે.
જીનિવા કન્વેન્શનની કલમ 37 મુજબ, વ્યક્તિઓ કે સમૂહોનું બળજબરીથી સ્થળાંતરણ તેમજ કબજા હેઠળના ક્ષેત્રમાંથી કોઈ અન્ય દેશના ક્ષેત્રમાં લોકોનો નિકાલ (કબજાને આધીન હોય કે ન હોય) નિષિદ્ધ છે. તેની પાછળનો ઈરાદો ભલે ગમે તે હોય.
વિદેશ મંત્રાલયના કાયદા સલાહકાર દ્વારા કરવામાં આવેલી સમીક્ષામાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે શરણાર્થીઓને ગાઝામાં અન્યત્ર સ્થળાંતરિત કરવાને બદલે સિનાઈમાં તેમનું પુનર્વસન કરવાથી “રાજકીય વિરોધનો સામનો કરવો પડે તે શક્ય છે.”
અલબત્ત, તેમણે ઉમેર્યું હતું કે “સંપૂર્ણ પ્રક્રિયા વસ્તીના રક્ષણ માટે કરવામાં આવી રહી છે એ વાત ઇઝરાયલ ભારપૂર્વક જણાવે તો આ પુનર્વસન યોજનાને કાયદાકીય રીતે પડકારવાનું મુશ્કેલ હશે, એવું હું માનું છું.”
તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે “ચોથા જીનિવા કન્વેન્શન હેઠળ આ જોગવાઈ મુજબ આગળ વધવામાં અમને ઇઝરાયલ માટે કોઈ ઔચિત્ય દેખાતું નથી.”
તેમણે જણાવ્યું હતું કે “ગાઝામાં કાર્યવાહી દરમિયાન ઇઝરાયલ શરણાર્થીઓનાં ઘરોનો નાશ કરે છે ત્યારે” તેની પાસે શરણાર્થીઓને તેમના ઘરમાં પાછા મોકલવાની ક્ષમતા છે એવી દલીલ પર ભરોસો કરી શકાય નહીં.
તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે, પેલેસ્ટાઈનના લોકોને ગાઝામાંથી હાંકી કાઢવાની ઇઝરાયલની કાર્યવાહી સામૂહિક સજા છે એવો દાવો પણ કરી શકાય.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે “કોઈ વ્યક્તિને એ અપરાધની સજા આપી શકાય નહીં, જે તેણે વ્યક્તિગત રીતે કર્યો ન હોય. આંતરરાષ્ટ્રીય કરારની કલમ 33 મુજબ, સામૂહિક દંડની સાથે-સાથે ધમકી કે આતંકવાદનાં તમામ કૃત્યો પ્રતિબંધિત છે.”














