'બળાત્કાર દરમિયાન જ તેના માથામાં ગોળી મારી દીધી', હમાસે 7 ઑક્ટોબરે મહિલાઓનાં બળાત્કાર કર્યાં, બીબીસીને મળ્યા પુરાવા

ઇમેજ સ્રોત, BBC/NIK MILLARD
- લેેખક, લૂસી વિલિયમસન
- પદ, મધ્ય પૂર્વ સંવાદદાતા, જેરૂશલમ
બીબીસીએ 7 ઑક્ટોબરે ઇઝરાયલ પર હમાસના હુમલા દરમિયાન મહિલાઓના બળાત્કાર, જાતીય હિંસા અને તેમનાં અંગ ક્ષત-વિક્ષત કરાયાના પુરાવા જોયા અને સાંભળ્યા છે.
ચેતવણી: અહેવાલમાં જાતીય હિંસા અને બળાત્કાર-સંબંધિત વિગતો છે જે વિચલિત કરી શકે છે.
હમાસ હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને ઓળખવા અને એકત્ર કરવામાં સામેલ ઘણા લોકોએ અમને જણાવ્યું કે, તેમણે કપાયેલાં અંગો, તૂટેલાં પેડુ, ઉઝરડા અને જાતીય હિંસાનાં ઘણાં નિશાન જોયાં છે. ઉપરાંત પીડિતોમાં બાળકો, કિશોરો અને વૃદ્ધ વયની મહિલાઓનો સમાવેશ થાય છે.
ઇઝરાયલી પોલીસે નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં હાજરી આપનાર પ્રત્યક્ષદર્શીની વીડિયો સાક્ષી પત્રકારોને બતાવી. વિડિયોમાં ગૅંગ રેપ, શરીરનાં અંગોના વિચ્છેદન અને પીડિતાની હત્યાની વિગતો છે.
હુમલાના દિવસે નગ્ન અને લોહીલુહાણ મહિલાઓના હમાસ દ્વારા બનાવેલા વિડિયો અને હુમલાના સ્થળે લીધેલા મૃતદેહોના ફોટોગ્રાફ્સ દર્શાવે છે કે, હુમલાખોરો દ્વારા મહિલાઓનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું.
એવું માનવામાં આવે છે કે, માત્ર થોડા પીડિતો તેમની પીડા કહેવા માટે બચી ગયા હતા.
જીવતા બચી ગયેલા લોકો, મૃતદેહો એકત્ર કરનારા લોકો, શબગૃહના કર્મચારીઓ અને હુમલાના સ્થળેથી ફૂટેજની મદદથી જેઓ બચ્યા નથી તેમના જીવનની છેલ્લી ક્ષણોમાં શું થયું હતું એ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પોલીસે પત્રકારોને નોવા ફેસ્ટિવલમાં હાજરી આપનાર મહિલાની કરુણ ખાનગી જુબાનીનો વીડિયો બતાવ્યો. હુમલા સમયે આ મહિલા ત્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મહિલાએ જણાવ્યું કે, તેમણે હમાસના લડવૈયાઓને બીજી મહિલા સાથે ગૅંગરેપ કરતા જોયા છે. આ સમય દરમિયાન તેમના શરીરના ભાગો કાપવામાં આવી રહ્યા હતા અને છેલ્લા હુમલાખોરે મહિલાના માથા પર ગોળી મારી હોવા છતાં તેના પર બળાત્કાર ચાલુ રાખ્યો હતો.
વીડિયોમાં એસ નામની આ સાક્ષી કહી રહી છે કે, કેવી રીતે હુમલાખોરો પીડિતોને ઉપાડી રહ્યા હતા અને એકથી બીજાના હાથમાં લઈ રહ્યા હતા.
'માથા પર ગોળી માર્યા પછી પણ બળાત્કાર ચાલુ રાખ્યો'

ઇમેજ સ્રોત, BBC/NIK MILLARD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સાક્ષી કહે છે, "તે જીવતી હતી. તેના શરીરના પાછળના ભાગમાંથી લોહી વહી રહ્યું હતું."
વિગતવાર માહિતી આપતી વખતે આ મહિલા સાક્ષીઓ એ પણ જણાવે છે કે, કેવી રીતે હુમલાખોરો જાતીય હિંસા દરમિયાન પીડિતાના શરીરનાં અંગો કાપતાં રહ્યાં.
મહિલા કહે છે, "તેઓએ પીડિતાનાં સ્તન કાપી નાખ્યાં અને તેને રસ્તા પર ફેંકાં દીધાં. તેઓ તેની સાથે રમતા હતા."
આ પીડિતાને બાદમાં યુનિફૉર્મ પહેરેલાં અન્ય વ્યક્તિને સોંપવામાં આવી હતી.
"તેણે (હુમલાખોરે) પીડિતા પર બળાત્કાર કર્યો અને આ દરમિયાન તેણે તેના માથામાં ગોળી મારી. તેણે તેનું પેન્ટ પણ પહેર્યું ન હતું."
અમે સંગીત સમારોહમાં આવેલી એક વ્યક્તિ સાથે વાત કરી. તેમણે લોકોની હત્યા, બળાત્કાર અને માથું કાપી નાખવાની ચીસો પણ સાંભળી.
જ્યારે અમે પૂછ્યું કે, જોયા વિના પણ આટલા આત્મવિશ્વાસ સાથે આ કેવી રીતે કહી શકે, તો તેમણે કહ્યું કે, તેમણે અવાજો સાંભળ્યા તે જ ક્ષણે તેમને ખાતરી થઈ ગઈ કે તે ફક્ત બળાત્કાર જ હોઈ શકે છે.
આ વ્યક્તિના સહાય સંસ્થા દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કૃત્યને 'અમાનવીય' ગણાવવામાં આવ્યું છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, "કેટલીક મહિલાઓનાં મૃત્યુ પહેલાં બળાત્કાર કરવામાં આવ્યો હતો, કેટલીક મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો જ્યારે તેઓ ઘાયલ થઈ હતી અને કેટલીક બળાત્કાર પહેલાં જ મૃત્યુ પામી હતી. હું તેમને મદદ કરવા માગતો હતો, પરંતુ હું કરી શકતો ન હતો."
પોલીસનું કહેવું છે કે, તેમની પાસે જાતીય હુમલાના "કેટલાક" પ્રત્યક્ષદર્શીઓ છે, પરંતુ તેમની સંખ્યા કેટલી છે એની કોઈ માહિતી આપી નથી. જ્યારે અમે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે હજી સુધી કોઈ પણ જીવિત પીડિતોની મુલાકાત લીધી ન હતી.
ઇઝરાયલનાં મહિલા સશક્તિકરણ મંત્રી મે ગોલાને બીબીસીને જણાવ્યું હતું કે, જાતીય હુમલાનો ભોગ બનેલી કેટલીક યુવતીઓ હુમલામાંથી બચી ગઈ હતી અને હાલમાં તેઓ મનોચિકિત્સકોના નિરીક્ષણ હેઠળ છે.
તેમણે કહ્યું, "પરંતુ તેમની સંખ્યા ઘણી ઓછી છે. મોટાભાગના પીડિતોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. જેઓ બચી ગયા પણ તેઓ વાત કરી શકે તેવી સ્થિતિમાં નથી. તેઓ મારી સાથે કે સરકારમાં કે મીડિયા સાથે વાત કરવાની સ્થિતિમાં નથી."
હમાસ દ્વારા બનાવવામાં આવેલા વીડિયોમાં એક મહિલાના ફૂટેજ છે જેને હથકડી પહેરાવીને બંધકો સાથે લઈ જવામાં આવી હતી. આ મહિલાનો હાથ ઘણી જગ્યાએ કપાયેલો છે અને તેના પેન્ટ પર લોહીના મોટા ડાઘ દેખાય છે.
અન્ય ઘણા વીડિયોમાં લડવૈયાઓ દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં મહિલાઓ નગ્ન અથવા અર્ધ-નગ્ન હાલતમાં જોવા મળે છે.
હુમલા બાદ ઘટનાસ્થળે લીધેલી કેટલીક તસવીરોમાં મહિલાઓનાં શરીર કમરથી નીચે કપડાં વગર જોવાં મળે છે. કેટલાકમાં મહિલાઓના પગ વિખરાયેલા હોય છે અને તેમના પ્રાઇવેટ પાર્ટ અને પગ પર ઈજાના નિશાન હોય છે.
‘બચી ગયેલા પીડિતો વાત કરી શકતા નથી'

ઇમેજ સ્રોત, BBC/DAVE BULL
હિબ્રુ યુનિવર્સિટીના ડેવિસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ રિલેશન્સનાં કાનૂની નિષ્ણાત ડૉ. કોચાવ એલકાયમ લેવીએ જણાવ્યું હતું કે, "એવું ખરેખર લાગે છે કે હમાસ ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક જૂથ પાસેથી મહિલાઓના શરીરને કેવી રીતે હથિયાર બનાવવું તે શીખી ગયું છે."
"મને એ વિચારીને કંપારી આવે છે કે તેઓ જાણતા હતા કે મહિલાઓ સાથેન શું કરવું જોઈએ. તેમનાં અંગો કાપવાં, તેમનાં ગુપ્તાંગને વિકૃત કરવાં, તેમના પર બળાત્કાર કરવો. આ બધું જાણવું જોવું ભયાનક છે."
ઇઝરાયલનાં મંત્રી મે ગોલાને મને જણાવ્યું, "મેં ઓછામાં ઓછી ત્રણ છોકરીઓ સાથે વાત કરી જેઓ હાલમાં હૉસ્પિટલમાં છે. જેઓ તેમની નજર સમક્ષ થયેલા બળાત્કારને કારણે અત્યંત ખરાબ માનસિક તણાવથી પીડાય છે. તેઓએ મૃત હોવાનો ડોળ કર્યો અને જ્યારે તે બળાત્કાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે બધું જોયું અને સાંભળ્યું."
ઇઝરાયલના પોલીસ વડા યાકોવ શબ્તઈએ જણાવ્યું હતું કે, હુમલામાં બચી ગયેલા ઘણા લોકો માટે વાત કરવી મુશ્કેલ બની રહી છે અને તેમાંથી કેટલાક તેમણે જે જોયું અથવા સહન કર્યું તે ક્યારેય વર્ણવી શકશે નહીં.
તેમણે કહ્યું, "18 છોકરાઓ અને છોકરીઓને માનસિક સ્વાસ્થ્યની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કારણ કે તેઓ કોઈ કામ કરી શકતા નથી."
કેટલાક લોકો કથિત રીતે આત્મહત્યાના વિચારો સાથે સંઘર્ષ કરી રહ્યા છે. પીડિતો સાથે કામ કરી રહેલી ટીમના એક સભ્યએ બીબીસીને જણાવ્યું કે, કેટલાક લોકોએ આત્મહત્યા પણ કરી લીધી છે.
મોટાભાગના પુરાવા એવા સ્વયંસેવકો પાસેથી મળે છે જેઓ હુમલા બાદથી મૃતદેહો એકત્ર કરી રહ્યા છે અને જેઓ શૂરા લશ્કરી થાણા પર ઓળખ માટે લઈ જવામાં આવતા મૃતદેહોને સંભાળી રહ્યા છે.
સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઝકા વતી મૃતદેહો એકત્ર કરવામાં સામેલ વ્યક્તિએ મને ત્રાસ અને શરીરનાં અંગો કાપવાં વિશે જણાવ્યું.
તેમણે કહ્યું કે, સગર્ભા મહિલાની હત્યા કરતાં પહેલાં તેનું ગર્ભાશય બહાર કાઢવામાં આવ્યું હતું અને ભ્રૂણ પર ઘા કરવામાં આવ્યો હતો.
બીબીસી સ્વતંત્ર રીતે આ દાવાઓની ચકાસણી કરી શકતું નથી અને ઇઝરાયલી મીડિયા અહેવાલોમાં હમાસના હુમલા બાદ ભયાનક સ્થિતિમાં કામ કરી રહેલા કેટલાક સ્વયંસેવકોની જુબાની પર પણ સવાલ ઉઠ્યા છે.
'મહિલાઓના મૃતદેહોથી આશ્રયસ્થાનો ભરાઈ ગયા'

ઇમેજ સ્રોત, BBC/DAVE BULL
અન્ય એક વ્યક્તિએ લેખિત જુબાનીમાં કહ્યું છે કે, તેમણે કિબુત્ઝમાં બે મહિલાઓનાં મૃતદેહ જોયા હતા જેમના હાથ અને પગ બેડ સાથે બંધાયેલા હતા.
તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "તેમાંથી એકના ગુપ્તાંગમાં છરી ફસાઈ ગઈ હતી અને તેમનાં ઘણા આંતરિક અવયવો ખુલ્લા થઈ ગયા હતા."
તેમણે કહ્યું કે, સંગીત સમારોહના સ્થળે "નાનાં આશ્રયસ્થાનો મહિલાઓથી ભરેલા હતા. તેમનાં શરીરનાં ઉપરનાં કપડાં ફાટેલાં હતાં, પરંતુ નીચેનો ભાગ સંપૂર્ણપણે નગ્ન હતો. ત્યાં આવી ઘણી બધી મહિલાઓ હતી. જ્યારે તમે તેમને નજીકથી જોશો તો, તમે જોઈ શકશો. કે તેમને કપાળની વચ્ચે ગોળી વાગી હતી."
સ્વયંસેવકોએ હુમલાના સ્થળેથી સેંકડો મૃતદેહો એકત્રિત કર્યા છે.
તપાસકર્તાઓએ સ્વીકાર્યું કે, હુમલા પછીના દિવસોમાં અરાજકતાનું વાતાવરણ હતું અને કેટલાક વિસ્તારોમાં લડાઈ ચાલુ રહી હતી. આવી સ્થિતિમાં ક્રાઇમ થયા તે સ્થળથી પુરાવા એકત્ર કરવા અને તેની ફૉરેન્સિક તપાસ કરાવવાની તકો ઓછી હતી અને ઘણી વખત ભૂલો પણ થઈ હતી.
મે ગોલન કહે છે, "પ્રથમ પાંચ દિવસ સુધી અમે ઇઝરાયલની ધરતી પર આતંકવાદીઓ સામે લડી રહ્યા હતા અને દરેક જગ્યાએ સેંકડો મૃતદેહો હતા. આમાંથી કેટલાક મૃતદેહો સળગાવી દેવામાં આવ્યા હતા, કેટલાકનાં અંગો નહોતાં અને તે સંપૂર્ણપણે વિખેરાઈ ગયા હતા."
પોલીસ પ્રવક્તા ડીન ઍલ્સડોને પત્રકારપરિષદ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે, "આ એક ક્ષણ હતી જ્યારે એક સાથે ઘણા લોકો માર્યા ગયા હતા. અમારું પ્રથમ કાર્ય પીડિતોની ઓળખ કરવાનું હતું. ગુનાના સ્થળે તપાસ કરવાનું નથી. લોકોને ખબર હોવી જોઈએ કે "પરિવારો રાહ જોઈ રહ્યા હતા કે તેમના પ્રિયજનોનું શું થયું હશે?"
જ્યારે મૃતદેહોને શૂરા સૈન્ય મથક પર ઓળખ માટે લાવવામાં આવ્યા હતા ત્યારે ત્યાં હાજર સ્ટાફે તપાસકર્તાઓને કેટલાક ખૂબ જ મહત્ત્વપૂર્ણ પુરાવા આપ્યા હતા.
આ પુરાવા મૃતદેહો રાખવા માટે આ લશ્કરી થાણા પર બાંધવામાં આવેલા કામચલાઉ ટેન્ટમાંથી મળી આવ્યા હતા.
જ્યારે અમે આ સ્થળની મુલાકાત લીધી ત્યારે કેટલાક ટ્રૉલીઓ અને સ્ટ્રેચરો કન્ટેનરની આગળ ગોઠવીને રાખવામાં આવ્યા હતા જેમાં થોડા સમય પહેલાં સુધી મૃતદેહો રાખવામાં આવ્યા હતા.
ગાઝામાં ઇઝરાયલના સતત હુમલાઓ વચ્ચે આકાશમાં ઊડતા ફાઇટર પ્લેનના અવાજો અમારા કાન સુધી પહોંચી રહ્યા હતા.
ત્યાં હાજર ટીમે અમને જણાવ્યું કે, તેમને અહીં લાવવામાં આવેલા મૃતદેહો પર યૌન હિંસા અને બળાત્કારના સ્પષ્ટ નિશાન જોવા મળ્યા. કેટલાક મૃતદેહોના નીચેના ભાગ તૂટી ગયા હતા.
ફૉરેન્સિક ટીમના સભ્ય કૅપ્ટન માયાને બીબીસીને કહ્યું, "અમે તમામ ઉંમરની મહિલાઓને જોઈ. અમે બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓને જોઈ. અમે એવી મહિલાઓ જોઈ કે જેમની સાથે કંઈક ખોટું થયું હતું. અમે ઘણી જગ્યાએ શરીર પર ઈજાનાં નિશાન જોયાં અને અમે જાણીએ છીએ કે તેઓનું જાતીય શોષણ થયું હતું."
મેં તેમને પૂછ્યું કે તેમણે જે મૃતદેહો જોયા તેમાંથી કેટલા પર આવા નિશાન હતા?
જવાબમાં તેમણે કહ્યું, "ઘણા લોકો... બધી ઉંમરની ઘણી બધી મહિલાઓ, બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા સામેલ હતા."
પીડિતોની સંખ્યા નક્કી કરવી મુશ્કેલ

ઇમેજ સ્રોત, BBC/DAVE BULL
મૃતદેહોની હાલત જોતા હમાસ હુમલામાં કેટલા પીડિતો છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
એવિગાયેલ નામના સૈનિકનું કહેવું છે કે, પીડિતોની સંખ્યા અનેક ગણી વધારે છે.
તેઓ કહે છે, "આ વિશે સમજાવવું મુશ્કેલ છે. મેં ઘણા બળી ગયેલા મૃતદેહો પણ જોયા છે. હું કલ્પના પણ કરી શકતી નથી કે તેઓ મૃત્યુ પામ્યા પહેલાં કેવી ક્રૂરતામાંથી પસાર થયા હશે. એવા ઘણા મૃતદેહો છે જેમની કમર નીચેનો આખો ભાગ ગાયબ છે. .તેમની સાથે બળાત્કાર થયો હતો કે નહીં તે પણ ખબર નથી. પરંતુ જો તમે પૂછો તો, હા કેટલીક મહિલાઓ પર સ્પષ્ટપણે બળાત્કાર થયો હતો. હા, તેની સંખ્યા ઘણી વધારે હતી."
ડૉ. એલકાયમ લેવીએ મને કહ્યું, "ક્યારેક અમને શરીરનો માત્ર એક નાનો ભાગ મળ્યો, ક્યારેક માત્ર આંગળી મળી, ક્યારેક પગ તો ક્યારેક હાથ. જેના કારણે ઓળખાણ બહુ મુશ્કેલ બની ગઈ. ઘણા લોકો બળીને રાખ થઈ ગયા હતા. કંઈ બાકી નહોતું. હું કહેવા માગુ છું કે, કેટલા લોકો હિંસાનો ભોગ બન્યા તે આપણે ક્યારેય જાણી શકીશું નહીં.”
આ વાતચીતમાં સામેલ કેટલાક લોકોએ વ્યક્તિગત રીતે પીડિતોની સંખ્યા ડઝનેકમાં મૂકી છે પરંતુ તેઓ તરત જ કહે છે કે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
ડૉ. લેવી સિવિલ કમિશનનું નેતૃત્વ કરી રહ્યા છે. આ કમિશન જાતીય હિંસાના પુરાવાઓ એકત્ર કરી રહ્યું છે. આ કમિશને માગણી કરી છે કે 7 ઑક્ટોબરે આચરવામાં આવેલી સુનિયોજિત હિંસા અને માનવતા વિરુદ્ધના ગુનાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવામાં આવે.
તે કહે છે,"અમે એક સ્પષ્ટ પૅટર્ન જોઈએ છીએ. આ કોઈ ઘટના ન હતી જે અચાનક બની હોય. તે સ્પષ્ટ આદેશ સાથે આવ્યા હતા. નરસંહાર જેવો બળાત્કાર કરવાનો આદેશ હતો.”
લેવી સંમત થાય છે અને કહે છે કે શૂરા બૅઝ પર મળી આવેલા મૃતદેહોમાં ઘણી સમાનતાઓ હતી.
તેમણે કહ્યું, "એવું જોઈ શકાય છે કે એક વિસ્તારમાંથી આવેલી મહિલાઓના મૃતદેહો સાથે સમાન વ્યવહાર કરવામાં આવ્યો હતો. કેટલીક મહિલાઓ પર આ જ રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો. મૃતદેહોમાં પણ સમાનતા જોવા મળી હતી. જ્યારે કેટલાક એવા કિસ્સા પણ હતા જેમાં કોઈ બળાત્કાર નથી પરંતુ વારંવાર ગોળીઓ મારવામાં આવી હતી. એવું લાગે છે કે ઉગ્રવાદીઓનાં જુદાં-જુદાં જૂથોએ વિવિધ પ્રકારની ક્રૂરતા આચરી છે."
પોલીસ વડા યાકોવે પત્રકારોને જણાવ્યું હતું કે, "આ એક પૂર્વયોજિત અને સંપૂર્ણપણે સંગઠિત હુમલો હતો."
જાતીય હિંસા સુનિયોજિત હતી?

ઇમેજ સ્રોત, BBC/DAVE BULL
તપાસમાં જોતરાયેલી ઇઝરાયલની સાઇબર ક્રાઇમ યુનિટના ડેવિડ કાત્ઝે પત્રકારોને કહ્યું કે હાલ એ પુરવાર કરવું ઉતાવળ કહેવાશે કે જાતીય હિંસા પહેલાથી યોજના બનાવીને કરવામાં આવી છે. પરંતુ હમાસના હુમલાખોરોના ફોનનો જે ડેટા મળ્યો છે તે ઇશારો કરે છે કે બધું પહેલાંથી જ આયોજિત રીતે કરાયું છે.
તેઓ કહે છે, "જે કંઈ પણ થયું, તે સંપૂર્ણપણે આયોજનબદ્ધ રીતે થયું. એ કંઈ સંયોગ નહોતો. બળાત્કાર પૂર્વ નિયોજિત કાવતરું હતું. એ રીતે કરવામાં આવ્યો હતો.
ઇઝરાયલી સરકાર એવા દસ્તાવેજો તરફ નિર્દેશ કરે છે જે ઇઝરાયલીઓ કહે છે કે તેઓએ હમાસ પાસેથી મેળવ્યા છે. આ દસ્તાવેજોને ટાંકીને ઈઝરાયલનું કહેવું છે કે એવું લાગે છે કે, જાતીય હિંસાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
ઇઝરાયલે પૂછપરછ દરમિયાન ક્લિપ પણ જાહેર કરી છે. આમાં પકડાયેલા લડવૈયાઓ એવું કહેતા જોવા મળે છે કે મહિલાઓને જાતીય હિંસા માટે નિશાન બનાવવામાં આવી હતી.
ગયા અઠવાડિયે યુએન વુમને એક નિવેદન જારી કરીને હમાસના હુમલા અને તે દરમિયાન મહિલાઓ પર આચરવામાં આવેલી યૌન હિંસાની નિંદા કરી હતી.

ઇમેજ સ્રોત, BBC/DAVE BULL
આ નિવેદન બહાર પાડતા પહેલાં ડૉ.લેવીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા સંગઠનોને જ્યારે સમર્થન માટે પૂછવામાં આવ્યું ત્યારે ખૂબ મોડી પ્રતિક્રિયા આપી હતી.
તેઓ કહે છે, "માનવતાના ઇતિહાસમાં નોંધાયેલ આ સૌથી મોટી ક્રૂરતા છે."
પોલીસ વડા યાકોવ શાબ્તીએ કહ્યું કે, જ્યારે 7 ઑક્ટોબરે સવાર પડી ત્યારે આ દેશ પહેલાં જેવો દેશ નહોતો રહ્યો.
શૂરા આઇડેન્ટિફિકેશન યુનિટનાં કૅપ્ટન માયાન કહે છે, "અહીંની મહિલાઓ સાથે જે બન્યું તેનાથી સૌથી વધુ દુઃખ એ લોકોને જોઈને થાય છે જેમણે તે સવારે મસ્કરા લગાવી હતી અને કાનની બુટ્ટી પહેરી હતી."
મેં તેમને પૂછ્યું કે, એક મહિલા તરીકે તેમના પર આ હુમલાની કેવી અસર થઈ?
તેઓ જવાબ આપે છે, "ડર, આ અમને ભયભીત કરે છે."












